ધરાના પેટાળમાં વર્ષોથી ધરબાઈ રહેલો શાંત જ્વાળામુખી પૃથ્વીનું પેટ ચીરીને ફાટી નીકળે તેમ મનીષાબેનની ભીતરનો પસ્તાવો નીકળી આવ્યો. રસ્તામાં આવતી દરેક વસ્તુને પોતાની અસીમ ઉષ્ણતાથી રાખ કરતા જતા ધગધગતા લાવા જેવો પસ્તાવો તેમના અક્ષમ્ય પાપને દઝાડવા-જલાવવા લાગ્યો. મનીષાબેન સાવ ભાંગી પડ્યા. તેઓ કોઈ રીઢા ગુનેગાર ન હતા. તે રાત્રે તેઓ કેવી અકલ્પનીય વેદનામાંથી પસાર થયા હશે તે અનુભવને વર્ણવવા, તે માના હ્રદયની વેદનાને વાચા આપવા દુનિયાની કોઈ ભાષા, કોઈ શબ્દો સક્ષમ ન હતા. જોનારનું કાળજું કંપી ઊઠે અને ખાખીધારીઓના કઠોર હ્રદય વલોવાઈ જાય એવા કરુણ કલ્પાંતના પડઘાથી રિમાન્ડ રૂમની દીવાલો ધ્રૂજી ઊઠી. ખૂલી ગયેલા અંબોડાના છૂટા વાળ, હીન કૃત્યના પસ્તાવાથી ઝંખવાઈ ગયેલો ચહેરો અને ગાલ પર ઉતરેલા આંસુઓના રગેડા દયનીય લાગતા હતા. મનીષાબેનનું અફાટ રુદન ક્યાંય સુધી ચાલ્યું, ચક્ષુના ઊંડાણથી વહી આવતો આંસુઓનો ઝરો થંભ્યો, છતાં હીબકાં તો ચાલુ જ રહ્યા.
“પછી, ઘરનો દરવાજો કોણે બંધ કર્યો ?” ઝાલા માટે તે જાણવું ખૂબ અગત્યનું હતું.
“દુર્ગાચરણના ગયા પછી ખાસ્સા સમય સુધી હું ચિત્તભ્રમ અવસ્થામાં બેસી રહી હતી. મેં જે કર્યું હતું તે મને રૂંવે રૂંવે દઝાડી રહ્યું હતું. છેક પાંચ વાગ્યા સુધી હું એમ જ બેસી રહી, અધખુલ્લા દરવાજામાંથી બહાર દેખાતા પગથિયાંને જોતી રહી. પણ, કોઈ નીચે ગયું નહીં. મને લાગ્યું કે લલિત આ યોજનામાં સામેલ નહીં હોય અને આરવી જ દરવાજો બંધ કરવાની હશે. હું પગથિયા ઊતરીને નીચે ગઈ. પણ, મારા આશ્ચર્ય વચ્ચે આગળિયો વસાઈ ગયો હતો, દરવાજો અંદરથી બંધ હતો !”
“તમે કોઈને ઉપરથી નીચે જતા જોયા નથી એટલે તે દરવાજો અભિલાષા, લલિત કે રામુએ બંધ નથી કર્યો. નીચે ત્રણ માણસો હતા : મુક્તાબેન, વરુણ અને મહેન્દ્રભાઈ. તો આ કામ તે ત્રણમાંથી જ કોઈ એકે કર્યું છે.”
“ત્યારે મને લાગેલું કે તે વ્યક્તિ પાણી પીવા, બાથરૂમ જવા કે અન્ય કારણસર ઊઠી હશે અને ઘરનો દરવાજો ખુલ્લો જોઈને તેને બંધ કરી દીધો હશે. પણ, બીજા દિવસે તમે કહ્યું કે આરવીના હાથ પર બ્લેડ મારવામાં આવી ત્યારે તે મરી ચૂકી હતી, તે સાંભળી મને આશ્ચર્ય થયું. વળી, દરવાજો કોણે બંધ કર્યો છે એ વિશે પૂછપરછ કરવા છતાં બધા ચૂપ રહ્યા એટલે મારી શંકા ઓર વધી. મને સમજાઈ ગયું કે કોઈએ બહુ મોટી ગરબડ કરી છે. છતાં મારે, હું કંઈ જાણતી નથી એવી રીતે વર્તવાનું હતું.”
“એવું પણ બને કે પાંચ વાગ્યા સુધીમાં તમે બાથરૂમ ગયા હો કે આઘાપાછા થયા હો એટલી વારમાં કોઈ ઉપલા મજલેથી નીચે જઈ આવ્યું હોય.” ડાભીએ તર્ક કર્યો.
મનીષાબેન મડદાંની જેમ ઊભા રહ્યા.
“જેણે પણ આ કર્યું છે તે નિર્દોષ તો નથી જ, નિર્દોષ માણસ પોતે દરવાજો બંધ કર્યો છે એવી સાદી વાત શા માટે છુપાવે ?” ઝાલાના અવાજમાં સખતાઈ આવી.
મહિલા કૉન્સ્ટેબલને મનીષાબેનનો હવાલો સોંપી ઝાલા અને ડાભી બહાર નીકળ્યા.
“પહેલા જે પ્રશ્નો ઉદ્ભવ્યા હતા કે કોલ્ડ ડ્રિંકના એઠા ગ્લાસ વીછળીને, મોડી રાત્રે પોતાના રૂમમાં પ્રવેશનારી આરવીને, રૂમના દરવાજા પર લાગેલું રેડિયમનું દિલ કેમ ન દેખાયું તેનો જવાબ મળી ગયો છે. તેણે તે દિલ પોતાના રૂમના દરવાજા પરથી ઉખેળી ફરી અભિલાષાના દરવાજા પર કેમ ન લગાવ્યું તેનો જવાબ ય મળી ગયો છે. ખરેખર તો આપણા પ્રશ્નો જ ખોટા હતા ; આરવી પોતાના રૂમમાં માથાની ગોળી લેવા ગઈ ત્યારે દિલની હેરફેર જ ન્હોતી હતી તો તેવું કેવી રીતે બને ?” ઝાલાએ કહ્યું.
“હમ્મ. મનીષાબેને તે હેરફેર મોડેથી કરી હતી, અને તેમ થયા પછી આરવી પોતાના રૂમની બહાર નીકળી નથી.”
“બીજી બાજુ, અભિલાષાએ કહ્યું હતું કે તેણે આરવીના રૂમનો દરવાજો ખોલતી વખતે ત્યાં ચમકતી વસ્તુ જોઈ હતી. તે વાત સાચી છે. તે આરવીના રૂમમાં પ્રવેશી ત્યાર પહેલા મનીષાબેને દિલની હેરફેર કરી લીધી હતી.”
“જો તે રાત્રે મનીષાબેનથી આરવીનો ફોન ખૂલી ગયો હોત તો લલિત અને આરવીના સંબંધો વિશે આપણને પહેલા જ દિવસે ખબર પડી ગઈ હોત. માથાની ગોળી લઈ પાછી ફરેલી આરવીને ફોન અનરીડ મેસેજ ન બતાવત અને તેને ખબર ન પડત કે લલિતે તેને મેસેજ મોકલ્યા છે. એવા સંજોગોમાં આરવી લલિતે મોકલેલા મેસેજ ડીલીટ ન કરત, ફોનનો ડેટા બૅકઅપ ઑન રાખત અને તેમની વચ્ચે થયેલી ચૅટ આપણને વાંચવા મળત.”
“પણ, તેવું થયું નથી, માટે ‘જો આવું થયું હોત તો’ના બદલે ‘જે થયું છે’ તેના પર સ્થળાંતર કરીએ. હવે, મને લલિત પર શંકા જાય છે. આરવીથી છુટકારો મેળવવાની વાતો કરતો માણસ તેને આઇ લવ યુના મેસેજ મોકલતો હતો. વળી, તેણે તેને ચૅટ ડીલીટ કરવાનો અને ડેટા બૅકઅપ ઑફ કરવાનો મેસેજ કર્યો હતો ! તેમની વચ્ચે એવી તો શું ચૅટ થઈ હતી જે ડીલીટ કરવી પડે તેમ હતી ? કે પછી તેને ખબર હતી કે રાત્રે અભિલાષાની હત્યા થવાની છે માટે સવારે તેમના ફોનનો ડેટા ચેક કરવામાં આવશે ! ચૅટ વિશે ચૂપ રહેવાની લલિતની દાનત ઘણું કહી જાય છે.”
ઝાલા અને ડાભીએ લલિતને રિમાન્ડ રૂમમાં બોલાવ્યો.
“આરવીની હત્યા થઈ તે રાત્રે તારી અને આરવી વચ્ચે શું ચૅટ થઈ હતી ?” ડાભીએ કડકાઈથી પૂછ્યું.
“ચૅટ ?” લલિતે આશ્ચર્ય દર્શાવ્યું.
“હા. વ્હોટ્સઍપ ચૅટ.”
“તો આરવીએ તે ચૅટ ડીલીટ ન્હોતી કરી, મને શંકા હતી જ કે તે તેમ નહીં કરે.”
“શું નહીં કરે ?”
“આરવીના કહેવાથી હું અને નિખિલ, નિખિલના રૂમમાં ચાલ્યા ગયા હતા. પછી, નિખિલ સૂઈ જતાં, હું રૂમમાં પુસ્તક વાંચતો બેઠો હતો. લગભગ સાડા અગિયારની આસપાસ મેં મારો ફોન હાથમાં લીધો. તેમાં થોડી મિનિટો પહેલા આરવીના વ્હોટ્સઍપ મેસેજ આવ્યા હતા. પહેલા મેસેજમાં લખ્યું હતું, ‘વ્હોટ આર યુ ડુઈંગ માય લવ ? આઇ કેમ હિયર ડાઉન સ્ટેર્સ ટુ ગેટ કોલ્ડ ડ્રિંક. ડુ યુ વોન્ટ સમ ?’ મેં તે મેસેજ વાંચ્યો ન હતો એટલે તેણે બીજો મેસેજ કર્યો હતો, ‘માય ડાર્લિંગ સીમ્સ સ્લીપી ! સેન્ડ મી યોર લવ બિફૉર આઇ ડુ વ્હોટ આઇ શુડ નોટ.’”
બીજા મેસેજમાં તેણે આડકતરી ધમકી આપી હતી કે હું તેને આઇ લવ યુ નહીં કહું તો તે એવું કંઈક કરશે જે તેણે ન કરવું જોઈએ. મતલબ, તે અભિલાષાને મારા અને તેના સંબંધો વિશે જણાવી દેશે. તે સાવ પાગલ થઈ ગઈ હતી. મને લાગ્યું કે મારે તેને આઇ લવ યુ મોકલી દેવું જોઈએ. ગમે તેમ કરી તે એક રાત હેમખેમ નીકળી જાય એ જરૂરી હતું. બીજા દિવસે તે રાજકોટ ચાલી જવાની હતી અને તેના ગયા પછી હું અભિલાષાને, મારી અને આરવી વચ્ચે બંધાયેલા સંબંધો વિશે જણાવી દેવાનો હતો. આ વાતથી અભિલાષા ગમે તેટલી ચિડાય તો ય તેને પ્રેમ અને ધીરજથી મનાવી શકાશે એવો મને વિશ્વાસ હતો. પરંતુ, મારી કબૂલાત પહેલા આરવી આ વાત બકી દે તો મારી બધી ગણતરી ઊંધી વળી જાય. નખ કપાઈ જાય તો નવો આવી શકે, આંગળી કપાઈ જાય તો નહીં. આવું થાય તો, મારા કોઈ ખુલાસા પર અભિલાષાને ભરોસો ન બેસે. તેને એમ જ લાગે કે મારા મનમાં પાપ હતું એટલે હું તેનાથી બધું છુપાવતો રહ્યો છું. પછી, તેને મનાવવી લગભગ અશક્ય બની જાત.
આથી, આરવીને ચૂપ રાખવા, જેની નુકસાની હું જીવનભર ભરપાઈ ન કરી શકું તેવું પગલું ભરતી રોકવા, મેં તેને ‘આઇ લવ યુ’ મોકલ્યું. ઉપરાંત, આવી નાની નાની વાતમાં ઇમોશનલ ન થવાનું કહેવા ‘ડોન્ટ બી ઇમોશનલ’ મોકલ્યું. બાદમાં, મને ભય લાગ્યો કે અભિલાષાના હાથમાં આરવીનો ફોન આવી જશે તો ? તે મારો ‘આઇ લવ યુ’ વાળો મેસેજ વાંચી લેશે તો ? તે બંને એક સાથે એક જ રૂમમાં સૂતી હતી. આથી, મેં આરવીને ચૅટ ડીલીટ કરવાનો મેસેજ મોકલ્યો. ઉપરાંત, ભવિષ્યમાં ય કોઈ આ મેસેજ ન વાંચી શકે એટલા માટે ડેટા બૅકઅપ ઑફ કરી દેવાનું સૂચન કર્યું. હું જાણતો હતો કે આરવી ચૅટ ડીલીટ કરવાની અને ડેટા બૅકઅપ ઑફ કરવાની મારી વાત નહીં માને, છતાં મેં એક પ્રયત્ન કર્યો હતો.”
“તેં આ વાત અમને પહેલા કેમ ન કહી ?”
“કારણ કે મને તેમાં કંઈ કહેવા જેવું લાગ્યું ન્હોતું.”
“ગુનેગારને મન જે ન કહેવા જેવું હોય, તે પોલીસને મન ખાસ જાણવા જેવું હોય છે.”
ક્રમશ :
(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)