Angutho in Gujarati Short Stories by Rajesh Chauhan books and stories PDF | અંગૂઠો

Featured Books
Categories
Share

અંગૂઠો

     અંગૂઠો

           ગામની પછીતે આવેલ વાસમાં શાંતિ છવાઈ હતી, પણ હરખલાના ઘરમાં ચહલપહલ મચી ગઈ હતી. તેના સાળાનાં છોકરાની બાબરી ઉતારવાની હોઈ સાસરીમાં જવાનું હતું. એટલે જ મોડે સુધી ઘોરનારો હરખલો આજે વહેલો ઉઠી ગયો હતો. તેનાં બૈરી-છોકરાંને પણ તેણે જગાડી દીધાં હતાં. નવું ખમીશ ને ધોતિયુ પહેરી તૈયાર થઇ તે ઓટલી પર બેઠો, પણ ઘરનાં બીજાંઓને તૈયાર થવામાં વાર લગાડતાં જોઈને તે અકળાયો.

“અલી, મહીં બેઠી-બેઠી શું કરસ? વે’લો પરવાર મે’લી તિયાર થઇ જાવ તો ટાઢા પોરમાં નેકરી જઈએ. એક તો દખ હેંડતા જવાનું સ અનં પસ તાપ થશ તો સોકરાંથી હેડાશે નઈ. પાસુ કશું વઘન આવસે તો મને કે’તી નઈ.” 

ત્યાં જ વાસના નાકેથી ગામનાં રાવણીયા સાભઈદાની બૂમ સંભળાઈ.

 “અલ્યા અરખા રામા, પરવાર્યો કે અજુ બાકી સે.”

 “બાપા આ હવાર-હવારમાં હું કામ પડ્યું?” 

“મારો હાળો, આ વહવયો ય ચેવો શેઠ જેવો બનીઠની બેઠો સ?” નજીક આવી હરખલાને તૈયાર થયેલો જોઈ રાવણીયો મનમાં બબડ્યો.   

“લ્યા, રામજી મંદિરના ઓટલા પર કૂતરું મરી જ્યું સે ઇન નોંસી આવવાનું સ..” 

         હરખલો બીતા-બીતાં દબાતાં અવાજે બોલ્યો, “ બાપા, આજ તો બા’ર જઇએ સિયે. બીજાં કોઈન બોલાઈ જાવ તો હારું.”

“એ ઉં કસું નાં જાણું. આ તન મેં તો  ક’યુ. પસી તું જાણે.” બોલી રાવણીયો હેંડતો થયો. 

વાસનાં બાકીના ઘરનાં જોડે તેને દશ દા’ડા પે’લાં જ ટંટો થયો હતો, આ વખતે મરેલું પશુ ખેંચી જવાનો વારો તેનો હતો. એટલે તેને ગયા વગર છૂટકો ન હતો. દાઝે ભરાયેલા હરખલાએ ઘરમાં પેસી તેની બૈરીને ઘરચિયું કર્યું.

“તનં ચ્યારનોય કે’તો તો ક પરવાર મે’લ, પણ મારું કે’વું માન્યું સ કોઈ દા’ડો? લે અવં આ કામ આયુ નં. જો મ’ન આવતા મોડું થસે. તું સોકરાં ન લઈ ન નેકરી જજે. હું આ કામ પતાઈ ન વાંહે-વાંહે આઈ જઈશ.”

 સાસરીમાં જવા માટે હરખલાએ હોંશેહોંશે પે’રેલું નવું ખમીશ અને ધોતિયુ ઉતારી, એ જ જૂની ઢીંચણ ઢાંકતી પોતડી ને ઉપર અર્ધી બાંયની કફની પે’રી, માથે વેહરું વીંટી બહાર આવ્યો. કુંભી આગળ મે’લેલાં તૂટું તૂટું કરી રહેલાં દેશી જૂતિયાં પગમાં ઘાલ્યા. વરગણી પર લટકાવેલો બે ત્રણ હાથ લાંબો દોયડીનો ટુકડો ને હાથમાં નાની લાકડી લઇ હરખલો ગામની ભાગોળે આવેલ રામજી મંદિરનાં પગથીયાં આગળ આવી પહોંચ્યો. ક્યારેય મંદિરનાં પગથીયાં ચઢેલ ના હોઈ, આજે મંદિરના પગથીયાં ચઢી ઓટલા પર જવું કે ના જવું તેની અવઢવમાં બે પળ ઉભો રહ્યો. ત્યાં જ બાજુના બાંકડા પર બેઠેલ મગન મહરાજનો અવાજ આવ્યો, “ચ્યમ લ્યા નેચે ઉભો ર્યો? અંદર જઈ જલદી મરેલા કુતરાને ખેંચી જા. તો મંદિરનું બીજું કોમ હુંજ..” 

આ મંદિરમાં હરખલાને કે તેની નાતના કોઈને ભગવાનના દર્શન કરવા માટે ઉપર ચઢવાની તો દૂરની વાત, પગથીયા પર પણ ઉભા રે’વાં દેતા ન’તા. અને આજે ભગવાનના નજીકથી જોવાનો પરવાનો જાણે આ કુતરા થકી મળ્યો હોય એમ તે હરખાઈ ઉઠ્યો. ઉતાવળે બહાર જૂતિયાં કાઢી ધબ-ધબ કરતો તે મંદિરના પગથીયાં ચઢી ગયો. ભગવાનની મૂર્તિ સામે અછડતી નજર નાખી તો ભગવાનેય જાણે મૂછમાં હસતાં હોય એવું તેને લાગ્યું.

“અલ્યા, ત્યાં ઉભા-ઉભા શું કરું છું? જલ્દીથી તારું કામ પતાવ ને.” પાછળથી અવાજ સંભળાતા હરખલો મરેલા કુતરા પાસે ગયો. એક સમયના ભરાવદાર ડાંઘસિયાને કોકડિયું થઇ ગયેલ જોઈ હરખલાનું મન ભરાઈ આવ્યું. તેણે  કુતરાનાં પાછલા બે ટાંગા ભેગાં કરી દોરીથી બાંધ્યા. કુતરાનાં મોં પર બણબણતી માંખો ઉડી. તેમાંથી બે ચાર ભગવાનને ચઢાવેલ પ્રસાદ પર જઈ બેઠી. હરખલો કુતરાને ઢહેડતો- ઢહેડતો મંદિરની બહાર લઇ આવ્યો. તે જોઈ આજુબાજુ બેઠેલાં બે ચાર કુતરાં ભસવા લાગ્યા. તેને ગણકાર્યા વિના હરખલાએ તેનું કામ ચાલુ રાખ્યું. ડામરના તૂટી ગયેલાં રોડ પર  કુતરું ઢહેડતા તેને ફેણ પડી ગયું. કપાળે વળતો પરસેવો વેહરાથી લૂછતો-લૂછતો આખરે તે ચરામાં આવી ચઢ્યો. ત્યાં આવી તેણે કુતરાને ખીણમાં દૂર ઉસેટી મેલ્યું.

તેને હાંફ ચઢી ગયો હતો. નજર અટવાઈ ગઈ હતી.. જાણે આખું જગત કાળી ચાદરમાં લપેટાઈ ગયું ના હોય! હૈયું બેસી જાય તેવો ને’હાકો નાખી હરખલો માથે હાથ મેલી ઉભડક પગે બેસી ગયો. તેનું મગજ ચકડોળે ચઢ્યું, “હાહરું આતો જીવતર કે’વાય? મારું બેટું આ’ય જબરું. મંદિરમાં દરશન કરવા અમારાથી ન જવાય. જઇએ તો ભગવાને ય અભડઈ જાય. અ’ન આજ આ કુતરું છેક મ’ય જઈ ન મરી જ્યું, તે ઢહેડવા મ’ન તાં હુધી પેહવા દિધો તા’ર ભગવાન ના અભડાઈ જ્યા?” તેને પોતાની જાત પર નકરો કઢાપો ઉપજ્યો. થોડીવાર બાદ તે ઉભો થયો. પાસે આવેલ તળાવમાં માથાબોળ નાહ્યો. થોડો થાક ઉતર્યાનો અહેસાસ અનુભવ્યો. ભીનાં થયેલ લૂગડાં સુકવવા તાપમાં થોડીવાર ઉભો રહ્યો. બીડી પીવાની તીવ્ર તલબ લાગી. રોડ પર કોઈ જતું હોય તો બીડી માંગી લઉં એમ વિચારી તે રોડ પરના ગરનાળા પાસે આવ્યો. રસ્તેથી પસાર થતાં દૂધવાળાને ઉભો રાખી બીડી માંગી, અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે બીડી પકડી, સળગાવી, બીડી પીતો તે ગરનાળા પર બેઠો. ત્યાં તેની નજર ગામઈ કુવાની નજીક તાજી જ બનાવેલી પાણીની ટાંકી પર પડી. ગામમાં પાણીની પાઈપો નાખવાનું કામ લગભગ પૂરું થઇ ગયું હતું અને સ્ટેન્ડપોસ્ટ મૂકવાની વિચારણા ચાલતી હતી. તેના હૈયાએ ધરપત અનુભવી. “અ’વ આ પાણીનું દખ મટશે. ન’ઈ તો ચેટલી આબદા પડતી’તી. આ કુવા પર તો પગ ના મે’લાય, એટલ કોઈ પાણી ના રેડ તાં હુધી કુવા આગળ ઉભા રઈ નો’રાં કરવાના. ‘ઓ મારાં બોન, એક ઘડો આમાં રેડો ન. આટલું બેડું ભરી આલો. ઓ કાચી, ઘેર સોકરાન મેલી ન આઈસુ. અન આજ તો મેમાન આવવાના સ. જરા એક ઘડો મારા બેડામાં ઠાલવો ન.’ હાહરું પાણી માટ ય કગરવાનું. આ તો હારો મનખો કે’વાય? પણ અવ વાસના નાકે જ ચકલીઓ મેલશે એટલ આ ચંતા મટી”.

“કેમ છો હરખાકાકા?” અવાજ સંભળાતા હરખલાની વિચારતંદ્રા તૂટી. જોયું તો માસ્તર તેની બાજુમાં આવીને બેઠાં હતાં. 

“લ્યા, તમ જ મન કાકા કઈ ન બોલાવો સો. બાચી તો ગામનું નાનું સોકરું ય તુંકારો કરી જાય. હરખો કે’તા હોય તો ઠીક પણ કોક કોક તો હરખલું ય કઈ જાય.”      
         
“એ તો કાકા તમારે ય હવે થોડાં જાગૃત થવું જોઈએ. સ્વરાજ મળે આટલાં વર્ષો વીત્યા તોયે શો ફરક પડ્યો? પણ એના માટે તમે પણ એટલા જ જવાબદાર છો. પેલી કહેવતમાં કહ્યું નથી કે, થાય એવાં થઈએ તો ગામ વચ્ચે રહીએ.”

 “તમારી વાત હો આની હાચી, માસ્તર. લ્યો, તમ ન મારી જ વાત કરું. અનામતની સીટ પર હું તૈણ વખતથી મેમ્બર સુ. પણ મિટિંગ હોય તાર મન બા’ર બેહાડ અન જ્યોં કે ત્યોં અંગૂઠો ચોંપી આલવાનો. પેલાં મા’ભારતમાં તો ગરુ એ પેલાં જબરાં સોકરાનો અંગૂઠો એક વારકો માંજી લીધો’તો. જ્યાર અતાર તો કે’ એટલી વાર કાપી આલવો પડ’સ.”

“એ તો જેટલાં દબાઈએ એટલા દબડાવી જાય. મોકો મળે ત્યારે એક ઘા ને બે કટકા કરવા પડે. લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારતા શીખવું પડે.”

“હું ય એવાં જ મોકાની તાકમાં સુ. તાલ આવ તાર માર ય કશું કરી બતાવવું સ.” 

બેઉની વાતચીત ચાલુ હતી ત્યાં જ ગામના સરપંચનો છોકરો ત્યાં થઈને નીકળ્યો. હરખલાને જોઈ સાયકલ ઉભી રાખી કહેવા લાગ્યો, 

“અલ્યા હરખા, તું અહી બેઠો છું. તાલુકેથી મોટા સાહેબો આવ્યા છે અને ચોરા આગળ ગામ ભેગું કર્યું છે. તને શોધી રહ્યા છે. જલ્દી જા.”

તેની વાત સાંભળી હરખલો ગરનાળા પરથી ઉતરી ગામ બાજુ ચાલવા લાગ્યો. બધાં ભેગાં મળી શાં નાટારંગ કરે છે તે જોવા માસ્તર પણ તેની જોડાજોડ ચાલવા લાગ્યા. 

“માસ્તર, આજ મારા હારાના સોકરાની બાબરી ઉતારવાની સ, એટલ હાહરી મ જવાનું અતુ. પણ આ કુતરું ઢહૈડવામ બો’વ ટેમ જતો ર્યો, અન પાસુ અવ આ સાયેબો આયા. દેઈજાણ મારાથી ચાર તાં પોગાશે.” બોલી હરખલાએ ફળફળતો નિસાસો નાખ્યો. 
વાતો કરતા-કરતા તેઓ ગામમાં આવ્યા. ગામના ચોરા આગળ ગામ ભેગું થયું હતું. તાલુકેથી આવેલ સાહેબો ખુરશીઓમાં બિરાજ્યા હતાં. તેમની બાજુમાં જ સરપંચ,મુખી,તલાટી,ગ્રામ પંચાયતનાં સભ્યો,આગેવાનો નીચે બેઠાં હતાં. આજુબાજુ ગામના લોકો પણ બેઠાં હતાં. થોડે દૂર ઈતર કોમના લોકો ગુસપુસ કરતા બેઠાં હતાં. છેક છેલ્લે હરખલાના વાસના બેચાર જણ ભોંય ખોતરતાં બેઠાં હતાં. હરખલો તેમની બાજુમાં જઈ ઉભડક પગે બેઠો. 

“ લ્યો સાહેબ, આ ગ્રામ પંચાયતના અનુસૂચિત જાતિના સભ્ય હરખાભાઈ પણ આવી ગ્યા. હવે મિટિંગનું કામ ચાલુ કરીએ.?” ગામના તલાટીએ શરૂઆત કરી.

તાલુકેથી આવેલ સમાજ કલ્યાણ અધિકારી સાહેબે બોલવાનું ચાલુ કર્યું. “ગ્રામજનો, તમે બધાં જાણો છે તેમ આ ગામમાં પાણીની ટાંકી બની ગઈ છે. પાઈપો નાખવાનું કામ પણ લગભગ પૂરું થવા આવ્યું છે. હવે ગામમાં સ્ટેન્ડપોસ્ટ બનાવવાના છે. અને ક્યાં ક્યાં બનાવવા તે નક્કી કરવા માટે આજે બધાંને ભેગાં કર્યા છે. દરેક ગામમાં અસ્પૃશ્યતા નિવારણ સપ્તાહની ઉજવણી કરવાની સરકારશ્રી તરફથી અમને સૂચના મળેલ છે. અને આ ઝુંબેશ માટે નમૂનારૂપ કાર્ય કરી અમારે સરકારમાં અહેવાલ મોકલવાનો છે. અમારે ગામના સરપંચ, મુખી અને અન્ય આગેવાનો સાથે વાત થઇ છે તે મુજબ ગામમાં ગંદકી ના થાય અને પાણીનો બગાડ પણ ના થાય તે માટે દરેક ફળિયામાં સ્ટેન્ડપોસ્ટ બનાવવાને બદલે ત્રણ જગ્યાએ બનાવવાનું નક્કી કરેલ છે. એક હિંદુ વસ્તી બાજુ આ મકાનની પાછળની બાજુએ, બીજું મુસ્લિમ વિસ્તારમાં મસ્જિદની નજીકની ખુલ્લી જગ્યામાં અને ત્રીજુ ખ્રીસ્તીઓના ફળિયાના નાકે.”
 “તો પસ અમાર ચ્યાંથી ભરવાનું?” એવો ધીમો ગણગણાટ છેવાડે બેઠેલાં વાસનાં લોકોમાં ચાલુ થયો, એ સાંભળી સાહેબ આગળ વધ્યા. “તમારાં માટે જુદું સ્ટેન્ડ પોસ્ટ બનાવવાને બદલે તમારે ખ્રિસ્તીઓ માટે બનનાર સ્ટેન્ડ પોસ્ટથી પાણી ભરવાનું રહેશે. એટલે આ ગામમાં દલિતો પણ બીજી જ્ઞાતિના સ્ટેન્ડ પોસ્ટથી પાણી ભરી શકે છે તેવો અહેવાલ પણ અમે સરકારમાં મોકલાવી શકીશું. કોઈને આ બાબતે વાંધો હોય તો વિના સંકોચે જણાવી શકે છે.” એમ બોલી સાહેબ ખુરશીમાં બેઠાં.

સાહેબની વાત સાંભળી માસ્તર કશું કહેવા ઉભા થતાં હતાં, ત્યાં તેમની પાસે બેઠેલાં એક વડીલે હાથ પકડી બેસાડી દઈ હવે શો તાલ થાય છે તે જોવા મોઘમ ઇશારાથી સમજાવી દીધાં. 

થોડીવાર સુધી કોઈ કશું બોલ્યું નહિ એટલે સાહેબ ઉભા થઇ કહેવા લાગ્યા, “ તો આ નિર્ણય ગામમાં બધાંને માન્ય છે, કોઈને વાંધો-વિરોધ નથી. તમે બધાં આ કાગળ પર સહીઓ કરી આપો.” એમ કહી અગાઉથી લખી રાખેલ કાગળમાં સહીઓ ઉઘરાવવાનું તલાટીને જણાવી તે બેસી ગયાં.

સાહેબની વાત સાંભળી અને બધાંને ચૂપ રહેલાં જોઈ હરખલો લ્હાય-લ્હાય થઇ ઉઠ્યો. આમે ય સવારથી તે દાઝે ભરાયેલો તો હતો જ. ઉપરથી માસ્તરે છાનો ઈશારો કરી તેને ચાનક ચઢાવી. એટલે બધી દાઝ તેણે તેના વાસના લોકો પર કાઢી, “ચ્યમ લ્યા, અ’ય તમારી જબાં નહિ ફાટતી. અઠવાડિયા પે’લાં મારી હારે તો બરાડા પાડી-પાડી બાઝેલાં. મયોમય ગાતર કરવાનું હોય તાર જ તમારી લૂલી ફફડ સ. બા’ર બોલવાનું આવ તાર ચ્યમ બોબડી બંધ થઇ જાય સ? તમારું એ હુરાતન ચ્યાં પેહી જ્યું?”

અને હરખલાએ એક હાથે પોતડી પકડી ઉભા થઇ  મોટા અવાજે ઓચરવાનું શરુ કર્યું. “ જુઓ સાયેબો તમારી વાત હો દોકડા હાચી. ગામમાંથી આભડછેટ દૂર થઇ ગઈ સ અનં અમે ય બીજી નાત હારે પાણી ભરી હકીએ એવું બતાવવા અમનં ખીસ્તીવાસના નાકે પાણી ભરવા મોકલવાના હોય એ ય કબૂલ મંજૂર. પણ નાનાં મોઢે મોટી વાત લાગ તો માફ કરજો. પણ મનં એવું લાગ સ ક ખીસ્તીઓના ભગવાન જુદા અનં અમારા ય ભગવાન જુદા. અનં અમે ય આમ તો હિંદુ તો ખરાં ક નઈ? એટલ અમનં હિન્દુઓ બાજુ મેલાનાર ચકલીઓથી પાણી ભરવાનું નક્કી કરી આલો તો ખરી આભડછેટ દૂર થઇ કે’વાય. પૂછી જોઓ એમનં. એ તિયાર સ ખરા?” 

થોડીવાર શ્વાસ લેવા અટકી તેણે બધાં પર નજર નાખી. તેની આ વાત સાંભળી સોંપો પડી ગયો હતો. અને આ જોઈ જાણે છેલ્લો ઘા ફટકારતો હોય એમ હરખલાએ ઉમેર્યું, “સાયેબો, અમારા ગામમાંથી તો તમે આયા એ પહેલાં હવારથી જ આભડછેટ દૂર થવાનું શરુ થઇ ગયું સ. અમનં રામજી મંદિરના પગથીયાં ય ચઢવા દેતા ન’તા, અનં આજ હવારમાં કુતરું ઢહેડવા સેક મંદિરની મંઈ હુધી જવા દીધો’તો. મારી વાત ખોટી હોય તો પૂછો પેલાં મહરાજ બેઠાં એમનં.”

હરખલાની વાત સાંભળી હિમ પડે ને તમાકુનાં પાન કોક્ડાઈ જાય એમ બધાં ઠીંગરાઈ ગયાં. આગેવાનોના મોં પર તો જાણે કાળી શાહી ફરી વળી !  બધાની જીભ લક્વાઈ ગઈ હતી. કોઈ કશું બોલી શક્યું નહિ. મોટા સાહેબો પણ અંદરોઅંદર ગુસપુસ કરવાથી વિશેષ કશું કરી શક્યા નહિ. 

બધાંને શાંત બેઠેલાં જોઈ હરખલો વધુ ઉશ્કેરાયો, “ બસ સાયેબો જોઈ લીધીનં ચેવી આ ગામમાંથી આભડછેટ દૂર થઇ ગઈ સ! એકેયની ચબા ફાટ સ, હા ક ના કે’વાની. એટલ અમારા વાહના નાકે અમનં જુદી ચકલીઓ મે’લી આલો. અનં તમ તમારં રીપોટ કરવો હોય તો કરી દેજો ક આ ગામમાં અમે જ આભડછેટમાંથી બા’ર નેકરવા તિયાર નથી. લાવો ચ્યાં અંગૂઠો ચાંપવાનો સ.”

અને કોઈને કશો જ ઉત્તર વાળવાના દાવના ના રાખી, માસ્તર સામે અછડતી નજર નાખી, આખા જન્મારાની દાઝ કાઢી નાખી હોય એમ હલકોફુલ થયેલ હરખલો છટાથી હેંડતો થયો.
                                              
                                   ● ● ● ● ● ● ● ● ● ●

                                                                        રાજેશ ચૌહાણ 
                                                        
  અલ્પેશ સોસાયટી – ૨, પાધરીયા, આણંદ
                    ( ૯૯૨૪૭૩૪૬૦૦)