માણસાઈના દીવા
( 19 )
અંદર પડેલું તત્ત્વ
ઝવેરચંદ મેઘાણી
૧. ’કોણ ચોર ! કોણ શાહુકાર !’
રાસ છોડ્યું. અમિઆદ વટાવ્યું. જેની સાથે એક સબળ સ્મરણ જોડાયું છે તે કણભા આવ્યું. ભાગોળ પાસેના એ ખેતર તરફ આંગળી ચીંધાડીને મહારાજે કહ્યું કે, "આ એ ખેતર, કે જ્યાંથી અધરાતના અંધારામાં ગોકળ પાટણવાડિયાએ મને પોતે ચોરેલા ઘીના ડબા કાઢી આપેલા." આ કિસ્સો આગલાં પાનાંમાં 'કોણ ચોર ! કોણ શાહુકાર !' એ વાતમાં આપેલ છે. પાટણવાડિયાએ ચોરીઓ ન કરવી અને જેનું ચોરાય તેણે પોલીસમાં ફરિયાદ ન કરવી, ચોરી અને ચોર મહારાજે પકડી આપવાં : એવો કરાર લોકો સાથે કરીને જે કાળમાં પોતે આંહીં કામ કરવા બેઠા એ કાળની વાત છે. કણભાના લવાણાના ઘીના બે ડબા ચોરાયા : મહારાજે અહીં બેસી મૂંગું તપ માંડ્યું : ખાવું ન ભાવ્યું : ત્રણ દિવસ નિર્જળી લાંઘણો ખેંચી : ગામનો મુસ્લિમ ખેડુ દાજી ગામલોકોને કહે કે, 'કોઈએ ખાવા જવું નહીં.' રાતે સૌ સૂતાં પછી ચોર ગોકળ પોતે જ છાનોમાનો મહારાજના પગનો અંગૂઠો હલાવી પોતાની પાછળ પાછળ અંધકારમાં ખેતરોમાં લઈ ગયો : એક ઠેકાણે જઈ ડબો વગાડ્યો : મહારાજ એ ભર્યા ડબા જાતે ઊંચકી રાતે લવાણાની પાસે લઈ ગયા : એક તો ઘીનો, પણ બીજો તેલનો નીકળી પડ્યો !
વળતે દિવસે પણ લાંઘણ ચાલુ : સાંજે ગોકળે મહારાજને ઘેર બોલાવી ચોરી કબૂલ કરી : ફોજદારને રુશ્વતના રૂ. ૪૦ આપવા માટે એક ડબો વેચ્યાનું કબૂલ્યું : પોતાની ભેંસના ઘીમાંથી નુકસાની ચૂકવવા સ્વીકાર્યું : અને પછી મહારાજને ઉપવાસ ભંગાવવા માટે અધશેર ખજૂર જોઈતો હતો તે આપનાર આ જ લવાણાએ એની કિંમતના બે આના પણ માગવાની નફટાઈ કરી !
***
૨. દાજી મુસલમાન
એવા એ લાક્ષણિક પ્રસંગની લીલાભૂમિ કણભામાં મારે એ ત્રણેયને નિહાળવા હતા : 'થતાં સું થઈ ગયું; પણ તમે આટલે સુધી જશો એવું ન'તું જાણ્યું, મહારાજ !' એમ કહીને ચોરી કબૂલનાર ગોકળને; ૫૦–૬૦ રૂપિયાનો પોતાનો માલ પાછો મળ્યા પછી ખજૂરના બે આના મોંએ ચડીને સૌની વચ્ચે માગતાં ન ખચકાનાર લવાણાને; અને એને ફિટકાર દેનાર મુસલમાન ખેડુ દાજીને. પહેલા બે તો પ્રભુને ઘેર ગયા છે. થોભિયાવાળા બુઢ્ઢા દાજીને, હાથમાં હુક્કા સહિત, જ્યાં મહારાજે ઉપવાસો કરેલા તે જ મંદિરે હરખભેર આવીને મહારાજના પગોમાં હાથ નાખતો ઓછો ઓછો થઈ જતો જોયો.
ગામ જુએ, માણસોને ભાળે, સ્થળો દેખે, ત્યારે મહારાજને આપોઆપ નવા પ્રસંગો યાદ આવે. પ્રસંગોનું લક્ષ્ય એક જ કે આ લોકોની અંદરનાં પ્રકૃતિ–પડોમાં કયું મંગળતત્ત્વ પડ્યું છે અને કયા તત્ત્વને કારણે પોતે આ લોકોના પ્રેમમાં પડી ગયા છે. દાખલા તરીકે : "અહીં એક જીવા જેસંગ નામે પાટણવાડિયો હતો. એણે ને આ દાજીએ એક પરદેશ વસતા બ્રાહ્મણનો જૂના વખતનો આંબો પચાવી પાડેલો. બ્રાહ્મણ માગે, પણ આપે નહિ; માલિકી જ પોતાની ઠોકી બેસારેલી ! પછી વાત મારી કને આવી. મેં આવીને પૂછ્યું : 'હેં જીવા, હેં દાજી, સાચું શું છે ?' થોડી વારે જીવો દાજીને કહે : 'અલ્યા દાજી ! આપણે તો સત્યાગ્રહમાં ભળેલા કહેવાઈએ : આપણાથી કંઈ જૂઠું બોલાય, હેં ?" દાજી કહે કે, 'નહિ જ તો ! ત્યારે, મહારાજ, જૂઠું તો સત્યાગ્રહીથી નહિ બોલાય : એ આંબો અમારો નહિ; એ તો એવા એ બામણનો છે !' પાછો સોંપી દીધો. નહિ કોઈ પાપ–પુણ્યની લાંબી પીંજણ, નહીં પ્રાયશ્ચિત્તનાં દંભી પ્રદર્શન : અંતરમાં ઊગ્યું તે સાચું."
***
૩. ઇચ્છાબા
"ઓ ભૈ !"
"શું કહો છો, ઇચ્છાબા !"
"આવું તે કંઈ હોય, ભૈ ! ખીચડી જ કરવાનું કહી મેલ્યું, ભૈ, આમ તે જીવને સારું લાગતું હશે, ભૈ !"
'ભૈ ! ઓ ભૈ !' એ લહેકો હજુયે કાનમાંથી વિરમતો નથી. કણભાથી આગળ કઠાણા ગામમાં દધીચ બ્રાહ્મણ ડોસી ઇચ્છાબાનો કંઠ 'ઓ..ભ..ઈ !' એવા લાંબા લહેકે પલેપલ સુકાતો હતો. ચારેક કલાક રહ્યાં તે દરમિયાન 'ઓ.… ભ....ઈ !' નહિ નહિ તો પચાસેક વાર ઇચ્છાબાના ગળાને ભીંજવતો રહ્યો.
ઇચ્છાબાનું ઘર અંધારિયું હતું. એંશી વર્ષની ડોશીના અંતરનો દીવો એ ઓરડાને અજવાળતો હતો. મહારાજે એમની વાતો કરી હતી એ પરથી કલ્પનામૂર્તિ ઘડી તેના કરતાં વાસ્તવમૂર્તિ તો, સામાન્ય અનુભવમાં બને છે તેથી ઊલટી જ રીતે, વધુ સુંદર નીકળી પડી. એંશી વર્ષે પણ અડીખમ ગુલાબી દેહ : પંદર પરોણાઓનું રાંધી નાખે : પાણી પણ ભાગોળેથી ભરી આવે : બેઠાં હોય ત્યારે રાજમાતા–શાં પ્રતાપી લાગે.
મહારાજ કહે કે, "આખા ખેડા જિલ્લા પર બાબર દેવા વગેરે બહારવટિયાનાં રમખાણો બદલ સરકારે 'પ્યુનિટિવ ટૅક્સ' (હૈડિયાવેરો) નાખ્યો ત્યારે તેની સામે ઉપાડવામાં આવેલ લડતમાં આ 'કાંઠો' મને સોંપાયો હતો. મેં ઇચ્છાબા પાસેથી પેલી પડી ગયેલી જગ્યાએ એક ખોરડું હતું તે ભાડે રાખ્યું. આધેડ વય વટાવી ગયેલાં એ બે દીકરાનાં માતા મારી જોડે બોલે કે ચાલે નહિ, પણ મારા રંગઢંગ જોયા કરે. હું હાથે રાંધતો. એકાદ તપેલી વગેરે નજીવું સાધન હતું. કોદરા અને મગની બે માટલીઓ હતી. એક વાર મેં ખીચડી ઓરી. પણ કોદરા ખાંડ્યા વગરના : મને કશી ગમ નહિ. ખીચડી તદ્દન કાચી રહી. ખાવા બેઠો, પણ ખવાયું નહિ. ઊઠીને બધી ખીચડી કૂતરાંને નાખી તે ઇચ્છાબાએ જોઈ લીધું. પછી બેચાર દા'ડા બહારગામ ગયો. પાછો આવીને જોઉં તો ખોરડું ધોળાઈ–લિંપાઈ ગયેલું ! બધી સૂરત ફરી ગઈ હતી. બીક લાગી કે, કોઈકને ભાડે આપી દીધું જણાય છે ! અંદર જઈને જોઉં તો મારી તપેલી ને હાંડલી પણ ન મળે. મેં પૂછ્યું. પહેલી જ વાર ઇચ્છાબાની જીભ ઊઘડી : 'ભ...ઈ, તમારે હવે ત્યાં રાંધવાનું નથી.' 'કેમ વારુ ?' 'અહીં જમવાનું છે.' 'શા માટે ?' 'ત્યારે શું ? રાંધતાં તો આવડતું નથી.' 'કોણે કહ્યું ?' 'કહેવું'તું શું ! કોદરા કૂતરાંને નાખ્યા હતા તે મેં નજરે જોયું છે, ભઈ !'
***
૪. ગાંધીજીની સભ્યતા
તે દિવસથી ઇચ્છાબા સવાર પડે કે મારો રેંટિયો બરાબર તૈયાર કરીને પૂણીઓ સહિત મારી કને માંડી દે ને કહે કે, 'તમે તમારે કાંતો, ભઈ !' પછી જમવા ટાણે જ બોલાવે : 'ઊઠો; ખઈ લ્યો, ભઈ !' ખવરાવવામાં ખીચડી હોય. ઉપર તો કંઈ ન હોય; પણ હું તો ખાતો જાઉં તેમ તળિયેથી ઘીનું દડબું નીકળી પડે ! જમી લઉં એટલે વળી કહે કે, 'કાંતવા બેસી જાવ, ભઈ !' પાણી પણ પોતે જ પાઈ જાય. મને રેંટિયા પરથી ઊઠવા ન આપે. ગાંધીજી કાંઠામાં આવેલા ત્યારે મેં એમને અહીં ઇચ્છાબાને ઘેર ઉતારેલા. મને એમ કે મહાત્માજી બોરસદમાં જ સ્નાનાદિક પતાવીને આવશે, પણ આવ્યા નાહ્યા વિના. સ્નાન એ મહાત્માજીની કેટલી નાજુક માવજતનો વિષય છે તે હું જાણતો હોઈને મૂંઝવણમાં પડી ગયો. છેવટે ઇચ્છાબાના અંધારિયા ઓરડામાં એક જૂની એવી નામની ચોકડીનું શરણું લીધું. એ બતાવતાં ગાંધીજી કહે : 'વાહ ! આ તો સરસ છે.' સાંકડેમાંકડે ગોઠવાઈ જઈને પોતે નાહ્યા. હું એમનું ભીનું પંચિયું નિચોવવા માટે લેવા ગયો. પણ પોતે એ પગ નીચે દબાવી રાખીને કહે કે, 'ના, તું નહિ; તને નિચોવવા નહિ દઉં'. એમ કહી, દેવદાસભાઈને બોલાવી નિચોવી નાખવા કહ્યું.”
“કારણ ?”
“કારણ એ કે હું બ્રાહ્મણ રહ્યો. મહાત્માજીની એ સભ્યતા : બ્રાહ્મણ પાસેથી એવું કામ લેવાય નહિ.”
ઇચ્છાબાને ઘેર પહેલી જ વાર મેં કાંઠાના ગરાસિયાનો પરિચય કર્યો. તેઓ 'ઠાકોર ઠાકરડા' કહેવાય છે. પોતે પોતાને 'ગરાસિયા' કહેવરાવે છે : બારૈયા કે ધારાળા નામ તેમને અણગમતું થયું છે. સરકારી દફતરમાં 'પગી' એવી ઓળખાણ છે તે તો અણસમજુ પૂર્વજોએ પેસી જવા દીધી હશે એમ તેઓ માને છે. મહારાજના તેઓ મિત્ર જેવા છે. રીતભાત તદ્દન સુંવાળી. બોલવે-ચલાવે ધીરા ને સભ્ય. શરીરે લઠ્ઠ. મહીનો ત્રણ ગાઉનો પાણીપટ વટાવી પાર જવું, મહીની વાંસજાળ ભરતીમાં ખાબકી પડવું, મહીનાં ભયાનક કોતરો ભમવાં—એ તો એમને મન રમત. નવાઈ એ લાગી કે, આ ગરાસિયા ઠાકોરો દેહ–શણગારનો શોખ કાં ધરાવતા નથી ! ક્યાં કાઠિયાવાડી આંટીવાળી પાઘડીઓ, માથે ઓળેલાં ઓડિયાં, કમ્મરે પછેડીઓના ભેટ–લપેટ, ચકચકિત કડિયાળી ડાંગો; ને ક્યાં આ માથે જેમતેમ વીંટી લીધેલાં લાંબા લાંબા ફાળિયાં ! વરણાગી ઢંગ છો ન હોય, પણ પહેરવેશની રસિકતાયે નહિ ?
***
૫. માણસાઈની કરુણતા
એ વિચાર કરું છું ત્યાં તો આ લોકોના બોથાલા વેશપોશાકની અંદર ઢંકાયેલ પડેલી એક કરુણતાભરી માણસાઈનો પરિચય આપતો એક કિસ્સો મહારાજે કહ્યો :
“આંહીં હું રહેતો હતો ત્યારની એક મોડી રાતે, આ નજીક જ દેખાય છે તે ફોજદારના મકાનને બારણે આવીને એક આદમીએ અવાજ દીધો : 'ફોજદાર સાહેબ !' ફોજદારે મેડા પરથી ડોકું કાઢી કહ્યું : 'કોણ છે ?' આવનાર કહે : 'ઉઘાડો.' 'કેમ ?' તો કહે : 'હું ખૂન કરીને આવ્યો છું, તો મને અહીં પકડવો છે કે હું બોરસદ જઈને રજુ થાઉં ?' ફોજદાર તો ચકિત બનીને નીચે ઊતર્યા. માણસને જોયો. તદ્દન શાંત અને પૂર્ણ શુદ્ધિમાં દીઠો. પૂછ્યું : 'તારું નામ ?' કહે કે, 'મહીજી.' 'કેવા છો ?' 'ગરાસિયા.' 'ક્યાં ખૂન કર્યું છે ને ક્યારે ?' 'હમણાં જ કરીને ચાલ્યો આવું છું. મારે ખેતરે જ કર્યું છે. ઓ પડ્યા ત્યાં એના કકડા.” ફોજદાર કહે કે, 'અલ્યા, તું શા સારુ ખૂન અત્યારથી જ માથે લઈ લે છે ? તને ફાંસી દેશે.” જવાબમાં મહીજીએ કહ્યું : 'મને ખબર છે. મેં ખૂન કર્યું ત્યારે પણ ખબર હતી. પણ ફાંસી તો સહેવાશે; ન સહેવાયું પેલું જે દીઠું તે—' 'શું દીઠું ?' કહે કે, 'દીઠાં—મારા જ ખાટલા પર, મારી જ પથારીમાં બે જણાંને સૂતેલાં : મારી બૈરીને, અને મેં જેના કકડા કર્યા છે તે આદમીને.”
***