#MDG
"દગડુ રાજા"
મુંબઈ નાં દરિયાકિનારે ઝૂંપડપટ્ટીમાં એક માછીમાર પરિવાર રહેતો હતો.. ઘરનાં મુખીયા નું નામ હતું શંકર. શંકર ની પત્ની નું નામ બીના અને દીકરા નું નામ રાજુ હતું. શંકર રોજ સવારે પોતાની નાવ લઈને દરિયો ખેડવા જતો અને જે પણ માછલીઓ પકડતો એ વેંચીને પોતાનું અને પોતાનાં પરિવાર નું ગુજરાન કરતો. મર્યાદિત આવકમાં પણ એ લોકો રાજીખુશી થી જીવન નિર્વાહ કરતાં હતાં.
રાજુ ભણવામાં મધ્યમ કક્ષા નો હતો પણ રમત ગમત અને મસ્તીમાં અવ્વલ. રાજુ સ્કૂલેથી છૂટીને સીધો પહોંચી જતો દરિયા કિનારે.. દરિયાની ભીની રેતમાં રમવા. રાજુ ત્યાં જઈને માટી વડે ક્યારેક ઘર બનાવતો તો ક્યારેક મહેલ.. બસ પોતાની ધુનમાં જ એ હંમેશા મસ્ત રહેતો.
એક દિવસ રાજુ ને દરિયાનાં મોજાંની સાથે કોઈ ચમકતી વસ્તુ તણાઈને આવતી દેખાઈ.. રાજુ એ બેતાબીથી પાણી માં જઈને એ વસ્તુને હાથમાં લઈ લીધી અને પછી બહાર કિનારે આવીને એને નીરખી નીરખીને જોવા લાગ્યો.. રાજુ ને સમજાતું નહોતું કે એ વસ્તુ આખરે છે શું.
"આ છે શું.. સમજાતું જ નથી.. "મનોમન રાજુ એ આટલું બોલી એ વસ્તુ પર લાગેલી માટી સાફ કરવા લાગ્યો.
રાજુ માટી સાફ કરતો હતો ત્યાં એ વસ્તુ માં જાણે ધ્રુજારી ઉત્તપન્ન થઈ અને એની અંદરથી ધુમાડો બહાર આવ્યો અને ધીરે ધીરે એ ધુમાડો એક માણસ જેવી પણ વિચિત્ર પ્રતિકૃતિ માં પલટાઈ ગયો.. જેને પગ નહોતાં પણ એક પૂંછ જેવો ભાગ હતો અને એ હવામાં ઉડી રહી હતી.
હકીકતમાં રાજુ ને જે વસ્તુ મળી એ એક ચિરાગ હતો.. એવો ચિરાગ જે અલાદિન ની જોડે પણ હતો. ચિરાગ ઘસતાં ની સાથે એ જીન વર્ષો સુધી ચિરાગમાં કેદ રહ્યાં બાદ મુક્ત થયો હતો.. બહાર નીકળતાં જ એને આળસ મરડીને રાજુ તરફ જોઈને કહ્યું.
"કયા હુકુમ મેરે આકા.. "
રાજુ તો આ વિચિત્ર જીવ ને જોઈ ડરી ગયો હતો. જીન ની વાત સાંભળી એને કોઈ પ્રત્યુત્તર ના આપ્યો.. એટલે જીન ફરીથી બોલ્યો.
"હવે તમે મારા આકા છો.. અને હું તમારો ગુલામ.. તમે મને હજારો વર્ષો ની કેદમાંથી મુક્ત કર્યો છે. હવે તમે જે કહેશો એવું હું કરીશ. "
રાજુ એ આવું જ વાક્ય અલાદીન ની વાર્તા માં સાંભળ્યું હતું એટલે એને પૂછ્યું.
"તો શું તમે પેલા અલાદીન નાં જીન છો.. ?"
"ના હું અલાદીન નો જીન તો નથી.. પણ એ જીન મારી માસી નો દીકરો થાય.. હવે ફટાફટ તમે કોઈ કામ બોલો એટલે હું એને પૂરું કરી દઉં. "જીની એ કહ્યું.
"સારું તો મારી માટે આઈસ્ક્રીમ અને બહુ બધી ચોકલેટ લેતો આવ.. "રાજુ એ કહ્યું.
"જો હુકમ મેરે આકા"આટલું કહી જીન ત્યાંથી ગાયબ થઈ ગયો અને બીજી મિનિટે તો પોતાનાં હાથમાં આઈસ્ક્રીમ અને ચોકલેટ લઈને ત્યાં હાજર થઈ ગયો.. એને બધી વસ્તુ રાજુ ને આપી એટલે રાજુ એ પેટભરી ને એ ખાઈ લીધી.
"મારા લાયક બીજું કોઈ કામ.. ?"જીન એ કહ્યું.
"અત્યારે તો કંઈ કામ નથી.. પણ કાલે હું કંઈક બીજું કામ કહીશ.. "રાજુ એ કહ્યું.
"સારું તો હું પાછો આ ચિરાગમાં જઈને સુઈ જાઉં.. તમારે જ્યારે મારી જરૂર પડે ત્યારે આ ચિરાગ ઘસવાનો હું હાજર થઈ જઈશ.. "જીન આટલું બોલી પાછો ધુમાડો બનીને ચિરાગમાં જતો રહ્યો.
રાજુ આજે બહુ ખુશ હતો.. આટલી સારી આઈસ્ક્રીમ અને ચોકલેટ એને પહેલી વખત ખાધી હતી.. એને ચિરાગ ને પોતાનાં શર્ટ માં છુપાવ્યું અને ઘરે આવી ગયો.
બસ પછી તો આ રાજુ નો નિત્યક્રમ બની ગયો.. એ રોજ સાંજે એ ચિરાગ લઈને દરિયા કિનારે જતો અને જીન ને બોલાવતો.. જીન રાજુ ની દરેક વાત માની જતો અને એની મનચાહી વસ્તુ એને માટે હાજર કરી દેતો.. એક દિવસ રાજુ એ મજાકમાં જીન ને કહ્યું.
"તું મારું હોમવર્ક કરી આપીશ.. ?"
રાજુ ને એમ હતું કે જીન ના પાડશે.. પણ જીને કહ્યું "આકા તમારો દરેક હુકમ સર આંખો પર.. લાવો તમારી નોટબુક હું બધું હોમવર્ક કરી આપું. "
રાજુ એ પોતાની નોટબુક જીન ને આપી તો એને બે મિનિટમાં તો રાજુ નું બધું હોમવર્ક પૂર્ણ કરી દીધો.. રાજુ ને હવે જીન જોડે જ પોતાનું હોમવર્ક કરાવાની આદત પડી ગઈ હતી. આ આદત નાં લીધે હવે રાજુ સ્કુલમાં પણ પોતાની સ્ટડી પર ધ્યાન નહોતો આપતો.
એક વખત રાજુ બે દિવસ માટે એની ફોઈનાં ઘરે રહેવા નાગપુર ગયો.. રાજુનાં ફોઈ સ્વભાવે થોડાં કડક સ્વભાવનાં હતાં એટલે ત્યાં જીન વાળું જાદુઈ ચિરાગ લઈને જવું મૂર્ખામીભર્યું પગલું કહેવાય એ વાત રાજુ સમજતો હતો.. રાજુ એ બે દિવસ માટે એ ચિરાગ ને ઘરમાં જ ક્યાંક છુપાવાનું નક્કી કર્યું.. એ માટે રાજુ એ પસંદગી ઉતારી એનાં જુનાં તુટેલા રમકડાં ભરેલી પેટી ઉપર.. રાજુ ત્યાં ચિરાગ મૂકીને બેફિકર થઈને નાગપુર રવાના થઈ ગયો.
બે દિવસ પછી રાજુ જ્યારે નાગપુરથી પાછો આવ્યો એવી જ એને સીધી રમકડાં ની પેટી ની તપાસ કરી.. પણ રાજુ ને એ જોઈ ઝાટકો લાગ્યો કે અંદર ચિરાગ કે કોઈ રમકડાં હતાં જ નહીં.. ચિરાગ ક્યાં ગયું હશે એ વિચારતાં જ એ હાંફળો-ફાંફાળો બનીને એની માં જોડે ગયો અને જઈને પોતાની માં ને પૂછ્યું.
"આઈ.. મારાં બધાં રમકડાં ક્યાં ગયાં.. "?
"રાજુ એ બધાં રમકડાં તૂટી ગયાં હતાં.. નકામી જગ્યા રોકતાં હતાં.. અને તું પણ છેલ્લા એક વરસ થી એ રમકડાં ને અડયો પણ નહોતો.. એટલે મેં એક ભંગાર વાળા ને બધું આપી દીધું.. "રાજુ ની માં બીના એ રાજુ ની વાત નો જવાબ આપતાં કહ્યું.
"માં.. તને ખબર છે એ ભંગારવાળો કોણ હતો.. ?"રાજુ થોડાં ગુસ્સા સાથે બોલ્યો.
"અરે શું થયું.. કેમ આમ અકળાઈને બોલે છે.. ?"બીના એ રાજુ નું આ વર્તન વિચિત્ર લાગતાં પૂછ્યું.
પોતાની માં નાં પૂછાયેલા સવાલ નો કોઈ જવાબ આપવાના બદલે રાજુ દોડીને બહાર નીકળી ગયો.. રાજુ દીધો દરિયાકિનારે પહોંચી ગયો અને ચિરાગ આમ ખોવાઈ જવાનાં લીધે એ બહુ દુઃખી હતું.. આ દુઃખમાં જ એને જોરજોરથી રડવાનું શરૂ કરી દીધું.
"જીની વગર હું શું કરીશ.. મને આઈસ્ક્રીમ અને ચોકલેટ કોણ લાવી આપશે..? મારુ હોમવર્ક હવે કોણ કરશે.. ?" જોરજોરથી આવું બોલી રાજુ રડી રહ્યો હતો.. અંધારું થયું ત્યાં સુધી એ ત્યાંજ બેસી રહ્યો અને રાત પડવા આવી એટલે માયુસ ચહેરે એ પોતાનાં ઘરે પાછો ફર્યો.
"એય.. રાજુ ક્યાં હતો.. ?ચાલ હાથ પગ ધોઈલે.. અને જમવા બેસી જા.. "રાજુ ને જોતાંજ બીના એ કહ્યું.
"તમે જમી લો મને ભૂખ નથી.. "આટલું કહી રાજુ એ ખોલી ની અંદર નાં કમરામાં જતો રહ્યો.
રાજુ નું આમ ઉદ્ધતાઈથી વર્તવું ના બીના ને પસંદ આવ્યું નાં શંકરને.. પોતાનો દીકરો જરૂર કોઈ મૂંઝવણમાં છે એવું શંકર સમજી ગયો હતો.. જેનો જવાબ એ કોઈપણ ભોગે મેળવીને જ રહેશે એવું એને મન બનાવી લીધું હતું... !!!
***
બીજા દિવસે શંકર પોતાનાં કામ પરથી થોડો વહેલો આવી ગયો.. શંકર આવ્યો ત્યારે રાજુ ઘરમાં જ હતો અને પોતાની નોટબુકમાં માથું નીચું કરી એકધારું લખી રહ્યો હતો.. શંકર ને વહેલો આવેલો જોકે બીના કંઈક બોલવા જતી હતી પણ શંકરે એને હોઠ પર આંગળી મૂકી ચૂપ રહેવાનો ઈશારો કર્યો.
શંકર ત્યારબાદ હળવેકથી રાજુ ની નજીક ગયો અને એનાં માથે પોતાનો હાથ મૂકી પ્રેમ થી બોલ્યો.
"વાહ મારો રાજા દીકરો.. બહુ સુંદર લખે છે હો.. "
"બાપુ તમે.. આજે કેમ વહેલાં?.. "શંકર ને વહેલો ઘરે આવેલો જોઈ રાજુ એ આશ્ચર્ય સાથે કહ્યું.
રાજુ ની વાત સાંભળી શંકરે એની તરફ જોઈને કહ્યું.
"એતો વાત એવી છે ને કે બહુ દિવસથી તારી સાથે ક્યાંય બહાર નથી ગયો તો આજે મન થયું કે મારાં રાજા દીકરા સાથે ક્યાંક ઘુમતો આવું એટલે વહેલો આવી ગયો.. "
"યસ.. મજા આવી જશે.. પણ આપણે ક્યાં જઈશું બાપુ.. ?"રાજુ એ પૂછ્યું.
પોતે કંઈક વિચારતો હોય એવી અદાથી શંકર બે ઘડી ચૂપ બેઠો પછી અચાનક કંઈક યાદ આવી ગયું હોય એમ ચમકીને બોલ્યો.
"પપ્પુ ભાઈ નાં ગોલગપ્પા ની લારીએ.. "
"અરે પપ્પુ ભાઈ ની લારીએ.. વાહ વાહ મજા આવી જશે.. "આટલું કહી રાજુ ખુશી થી ઝૂમી ઉઠ્યો.
પપ્પુભાઈ નાં ગોલગપ્પા ત્યાં ખૂબ પ્રખ્યાત હતાં.. એમની મીઠી ચટણી વાળા ગોલગપ્પા અને દહીં પુરી રાજુ ની ફેવરિટ હતી એ શંકર જાણતો હતો એટલે પોતાનાં દીકરાનો મૂડ ઠીક કરવા એને ત્યાં જવાનું કહ્યું.
શંકર નાં જોડે રાજુ પછી નીકળી પડ્યો પપ્પુભાઈ ની લારીએ જવા.. શંકરે રાજુ ને ભાવતી બધી વસ્તુઓ ખવડાવી અને એને ગમતું એક ક્રિકેટ બેટ પણ લાવી આપ્યું.. રાજુ અત્યારે ખૂબ જ ખુશ હતો.
"રાજુ હવે તારો મૂડ ઠીક છે ને.. તું ખુશ છે ને દીકરા.. "શંકરે ઘરે પાછા આવતી વખતે રાજુને પૂછ્યું.
"હા બાપુ બહુ જ.. "રાજુ એ કહ્યું.
"રાજુ એક વાત પૂછું ખોટું ના બોલતો.. કાલે શું થયું હતું કે તું આટલો બધો ઉદાસ હતો.. તારી એ ઉદાસી પાછળનું કારણ જાણી શકું.. "શંકરે રાજુ ને સવાલ કર્યો.
રાજુ એ શંકર નાં સવાલના જવાબમાં બધી હકીકત જણાવી દીધી કે એને કઈ રીતે એક ચિરાગ મળ્યું હતું જેમાં એક જીન હતો.. જે એની બધી ઈચ્છા પુરી કરતો.. પણ એ ચિરાગ હવે ખોવાઈ ગયું છે.
"અરે એમાં શું થયું.. જીની નથી તો તારાં આ બાપુ તો છે ને.. હું તને તારી બધી જોઈતી વસ્તુ લાવી આપીશ.. પણ દીકરા આમ દુઃખી ના થા.. એ ચિરાગ વગર પહેલાં પણ તું ખુશ જ હતો. આમપણ જે વસ્તુ આપણી હતી જ નહીં એને ગુમાવાનું દુઃખ કરવું મૂર્ખામી છે"જીવન ની સાચી ફિલોસોફી ટૂંકમાં સમજાવતાં શંકરે પોતાનાં દીકરાને કહ્યું.
"બાપુ.. એ વાત નથી.. મને એવી વસ્તુ ની લાલચ નથી.. પણ.. "આટલું બોલી રાજુ અટકી ગયો.
"શું પણ.. કેમ અટકી ગયો.. ?"શંકરે પૂછ્યું.
"બાપુ એ ચિરાગ મળ્યાં પછી મેં મારું બધું હોમવર્ક જીની જોડે જ કરાવ્યું છે.. ભણવામાં મેં થોડું પણ ધ્યાન નથી આપ્યું.. દસ દિવસ પછી એક્ઝામ છે. મને હતું કે હોમવર્કની જેમ મારાં એક્ઝામ પેપર પણ જીની લખી દેશે.. પણ હવે હું ફેઈલ થઈ જઈશ.. "આટલું કહી રાજુ પોતાનાં બાપુ ને વળગીને રોવા લાગ્યો.
રાજુ ની વાત સાંભળી શંકરને જરૂર આંચકો તો લાગ્યો હતો પણ અત્યારે પોતાનાં પુત્ર ને હિંમત આપવી જરૂરી હતી.. એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો લાવવા કંઈક કરવું પડશે એમ વિચારી શંકરે રાજુ નાં આંસુ લૂછતાં કહ્યું.
"બસ આટલી વાત.. અરે એમાં શું થયું.. હું કાલે તારી માટે દગડુ રાજા ને લેતો આવીશ.. એમની જોડે જીની કરતાં પણ વધુ શક્તિ છે.. એ તને એક્ઝામમાં પાસ થવામાં જરૂર મદદ કરશે.. "
"સાચેમાં.. "આટલું કહી રાજુ પોતાનું બધું દુઃખ ભૂલી શંકરને વળગી ગયો.
***
બીજાં દિવસે સ્કુલથી પાછા આવ્યાં બાદ રાજુ ઘણી અધિરાઈથી એનાં બાપુ ની વાટ જોઈ રહ્યો હતો.. જેવાં રાજુ એ એનાં બાપુને આવતાં જોયાં એ દોડીને એમની તરફ ગયો અને બોલ્યો.
"બાપુ કેમ તમે એકલા આવ્યાં.. ક્યાં છે દગડુ રાજા.. ?"
"દગડુ રાજા આ થેલી માં છે.. તું ઘરમાં ચાલ પછી તને બતાવું.. "શંકરે રાજુને કહ્યું અને પછી એને લઈને પોતાનાં મકાનમાં આવ્યો.
"બાપુ.. જલ્દીથી બતાવો ને ક્યાં છે મારાં દગડુ રાજા.. ?"રાજુનાં અવાજમાં બેતાબી હતી એ જાણવાની કે દગડુ રાજા આખરે છે કોણ?.
શંકરે પોતાની જોડે રહેલી થેલીમાંથી એક ગણપતિ ની નાનકડી પ્રતિમા કાઢી અને રાજુનાં હાથમાં મૂકી.. આ ગણપતિ ની પ્રતિમા માંડ વેંત જેટલી ઊંચી હતી. આ પ્રતિમા જાણે કોઈ શિક્ષકની હોય એમ એનાં હાથમાં ડસ્ટર અને ચોક હતો.
"અરે આ તો ગણપતિ બાપ્પા છે.. ?"રાજુ એ મૂર્તિ ને જોતાં જ કહ્યું.
"અરે આ જેવી તેવી મૂર્તિ નથી.. આ દગડુ રાજા છે.. એમની અંદર ખૂબ શક્તિ છે. જે પણ એમની સામે બેસી પોતાનું ભણવાનું વાંચે તો એને બધું યાદ રહી જાય છે.. "શંકરે કહ્યું.
"સાચેજ.. આ દગડુ રાજા સામે વાંચવાથી મને બધું યાદ રહી જશે.. "રાજુ નાં અવાજમાં આશ્ચર્ય હતું.
"હા બેટા.. હું ખોટું નથી બોલતો.. એવું હોય તો તારી આઈ ને પૂછી જો.. "શંકરે પોતાની પત્ની બીના ની તરફ જોઈને આંખ મારી કહ્યું.
"હા હા.. એવું જ છે.. આ દગડુ રાજા તો બહુ શક્તિશાળી છે અને બાળકો તો એમનાં ખૂબ પ્રિય છે.. એ દરેક બાળકનાં મિત્ર છે.. જો તું ગણપતિ બાપ્પા નું નામ લઈ તું દિલ લગાવી વાંચીશ તો આ દગડુ રાજા તારી યાદશક્તિ વધારી તને પાસ કરવામાં મદદ કરશે.. "શંકરનો ઈશારો સમજી ગઈ હોય એમ બીના બોલી.
"સારું ત્યારે આજથી જ હું દગડુ રાજા ની સામે બેસીને મારુ વાંચવાનું શરૂ કરી દઉં.. "રાજુ એ કહ્યું.. રાજુ નાં અવાજમાં હવે આત્મવિશ્વાસ સાફ સાફ વર્તાઈ રહ્યો હતો.
રાજુ ની વાત સાંભળી શંકર અને બીના નાં ચહેરા પર પણ આછેરી સ્મિત ફરી વળી.. એ બંને ગણપતિ બાપા નો મનોમન વિનંતી કરી રહ્યાં હતાં કે.. "એમનાં પુત્ર ને પૂરતી ઉર્જા અને વિશ્વાસ પૂરો પાડે જેથી એ સારા નંબરે ઉત્તીર્ણ થઈ જાય. "
દિવસે ને દિવસે રાજુ વધુ ને વધુ વાંચન કરવા લાગ્યો.. દગડુ રાજા સાક્ષાત ગણપતિ બની એની જોડે બેસી એને જોઈ રહ્યાં હોય એવી અનુભૂતિ રાજુ ને થતી હતી.. રાજુ ને એવું લાગી રહ્યું હતું કે સાચેમાં દગડુ રાજા ચમત્કારી છે.. અને એને બધું વાંચેલું યાદ રહી જાય છે.
આખરે પરીક્ષાનો દિવસ આવી ગયો.. રાજુ એ ખૂબ મહેનત કરી અને સાચી લગન તથા શ્રદ્ધા સાથે આખી એક્ઝામ આપી.. આમ તો રાજુ નો નંબર દસથી પંદર ની વચ્ચે આવતો.. શંકર અને બીના ને પણ એવું જ હતું કે રાજુ એટલાં માર્ક્સ પણ આ વખતે મેળવી લે તોપણ ઘણું છે.. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયાં કેમકે રાજુ 98. 33% સાથે પ્રથમ ક્રમાંકે આવ્યો હતો.
શંકર અને બીના ની ખુશીનો કોઈ પાર જ નહોતો.. રાજુ પણ ખૂબ ખુશ જણાતો હતો.
"બાપુ.. દગડુ રાજા એ તો ખરેખર ચમત્કાર કરી દીધો. સાચેમાં દગડુ રાજા શક્તિશાળી અને ચમત્કારી છે.. "ઘરે આવતાં ની સાથે રાજુ એ એનાં આઈ અને બાપુ તરફ જોઈને કહ્યું.
રાજુ ની વાત સાંભળી શંકરને થયું કે હવે રાજુ ને સત્યથી રૂબરૂ કરાવાનો સમય આવી ગયો છે.
"બેટા રાજુ.. તને એક વાત જણાવા માંગુ છું.. કે આ દગડુ રાજા ચમત્કારી નથી.. આતો જીની નો ચિરાગ ખોવાઈ ગયાં પછી તારો ખોવાયેલો આત્મવિશ્વાસ અને ઉત્સાહ પાછો લાવવા મેં આ દગડુ રાજા વાળું તુત ચલાવ્યું.. આ ખાલી ગણપતિ બાપ્પા ની બીજી મૂર્તિ ની જેમ એક સામાન્ય મૂર્તિ છે.. "શંકરે કહ્યું.
શંકરની વાત સાંભળી રાજુ ઘડીભર તો કંઈપણ ના બોલ્યો પણ પછી એને કહ્યું.
"બાપુ ગણપતિ બાપ્પા ની કોઈ મૂર્તિ સામાન્ય હોઈ જ ના શકે.. હું પણ જાણતો હતો કે તમે ખોટું બોલી રહ્યાં હતાં કે આ દગડુ રાજા ચમત્કારી છે.. પણ આ દગડુ રાજા એ મને હંમેશા વાંચવા માટે ની પ્રેરણા પુરી પાડી. એમનાં દર્શન કરીને જ હું આત્મવિશ્વાસ થી ભરાઈ જતો.. તો પછી આ દગડુ રાજા ચમત્કારી થયા ને.. "રાજુ એ ચહેરા પર મોટું સ્મિત લાવી ને કહ્યું.
"સાચી વાત છે દીકરા.. બાપ્પા સદાય એનાં ભક્તો ની વ્હારે આવે છે.. બસ એમનાં પ્રત્યે તમારી અંદર સાચી આસ્થા હોવી જરૂરી છે.. "બીના એ મનથી ગણપતિ બાપ્પા ને વંદન કરી કહ્યું.
રાજુ એ પોતાની આઈ ની વાત સાંભળી ને ઊંચા અવાજે કહ્યું.
"તો બોલો દગડુ રાજા ની જય.. ગણપતિ બાપ્પા ની જય.. "
- દિશા. આર. પટેલ