Ghar Chhutyani Veda - 27 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | ઘર છૂટ્યાની વેળા - 27

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ઘર છૂટ્યાની વેળા - 27

ભાગ -૨૭

રોહન વરુણના મમ્મી પપ્પા સાથે ગાર્ડનમાં બેઠો હતો, ત્યાં જ વરુણ પણ પોતાના રૂમમાંથી નીચે ઊતરીને આવી ગયો. વરુણને આવતો જોઈ તેના પપ્પા એ કહ્યું :

"આવ દીકરા આવ, એક મહિના પછી તને જોઉં છું."

શોભનાબેન પણ જાણે એ તકની જ રાહ જોઇને બેઠા હોય તેમ બોલી પડ્યા :

"એક મહિનામાં જુઓને કેટલો સુકાઈ ગયો છે મારો છોકરો."

રોહન બાજુમાં જ બેસી મંદ મંદ હસી રહ્યો હતો,

વરુણ ત્યાં રહેલી આરામ ખુરશીમાં પોતાની જાતને લંબાવી કહેવા લાગ્યો :

"મમ્મી હું તારાથી એક દિવસ દૂર રહું તો પણ તને એવું જ લાગવાનું."

શોભનાબેન : "હા, તો લાગે જ ને મા છું તારી !!"

વરુણે વાતાવરણને થોડું મઝાક વાળું બનવવા તેની મમ્મીને બે હાથ જોડી કહ્યું : "માતૃદેવો ભવ :"

વરુણના પપ્પા, મમ્મી સાથે રોહન પણ હસવા લાગ્યો.

થોડીવાર વરુણના અમેરિકાના દિવસોની ચર્ચા ચાલી. વરુણના પપ્પાએ રાધિકા વિશેની કોઈ વાત ઉખેડી નહિ, વરુણ ખુશ લાગતો હતો, માટે રાધિકાની વાત ઉલ્લેખી તે વરુણને દુઃખી કરવા માંગતા નહોતા.

ચા નાસ્તો કરી વરુણ પોતાના રૂમમાં રોહન સાથે ગયો. રોહન નાહવા ગયો તે સમયે વરુણે પોતાની બેગમાંથી રોહન માટે લાવેલું જેકેટ કાઢીને તૈયાર રાખ્યું. રોહન નાહીને આવ્યો અને તેના હાથમાં એ જેકેટ આપતા કહ્યું :

"હું અમેરિકાથી તારા માટે બીજું તો કઈ નથી લાવી શક્યો પણ આ જેકેટ તારા માટે લાવ્યો છું, ગમ્યું તને ??"

"યાર, આ તો ખૂબ જ મોંઘું જેકેટ છે, હું આ ના લઈ શકું." રોહને જેકેટના કપડાને હાથથી મસેળી અને જોઈ બાજુમાં રહેલા બેડ ઉપર મૂકતાં કહ્યું.

"તું મને ભાઈ કહે છે તો આ મારા તરફથી તારા માટે નાની અમથી ગિફ્ટ છે, અને આ તો તારે લેવું જ પડશે, હું પહેલીવાર તને કંઈક આપી રહ્યો છું, દોસ્ત સમજીને નહિ પણ એક ભાઈ સમજીને લઈ લે." જેકેટને બેડ ઉપરથી લઈ વરુણ રોહનને આગ્રહ કરી રહયો હતો.

રોહન : "તો પણ યાર આટલું મોંઘું જેકેટ......"

રોહનને વચ્ચે જ રોકતાં વરુણે કહ્યું : "તારા કરતાં તો ઓછું કિંમતી છે, તારી મિત્રતા આગળ આ જેકેટની કોઈ કિંમત નથી, અને હું તને આ દિલથી આપવા ઈચ્છું છું, તારે લેવું જ પડશે." વરુણે હાથમાં રહેલું જેકેટ રોહનના હાથમાં આપી દીધું

રોહન વરુણના આગ્રહ સામે કઈ બોલી શક્યો નહિ, જેકેટને બારીકાઈથી જોઈ રહ્યો હતો ત્યાં જ વરુણે કહ્યું :

"હવે આમ હાથમાં પકડીને જોયા કરીશ કે પહેરીને મને બતાવીશ પણ ખરો."

રોહને હાથમાં રહેલું જેકેટ પહેર્યું, જીવનમાં ક્યારેય આટલું મોંઘું જેકેટ તે પહેરશે તે વિચાર્યું નહોતું, પણ વરુણે તેની ઈચ્છા આજે પુરી કરી હતી.

"ઓહો, લાગે છે તારા માટે જ આ જેકેટ બનવનારાએ બનાવ્યું હશે, મુંબઈમાં જો ચાલ્યો જાય તો તને ફિલ્મોમાં કામ જરૂર મળી જાય."

વરુણ જેકેટમાં સામે ઉભેલા રોહનને જોઈને કહી રહ્યો હતો.

"બસ હવે, બહુ મસ્કાના મારીશ હો..." રોહને કહ્યું.

વરુણ : "ખરેખર મારા ભાઈ, આ જેકેટ તને ખૂબ જ સરસ લાગે છે, આવતી કાલે તું કૉલેજમાં આજ પહેરીને આવજે, બધાના અભિપ્રાય મળશે તો તું માનીશ ને ?"

રોહન : "તું કહું છું એટલે સારું જ લાગતું હશે, પણ હું કાલે નહિ પહેરુ, કૉલેજના એન્યુઅલ ડે માં પહેરીશ."

વરુણ : "ક્યારે છે એન્યુઅલ ડે ?"

રોહન : "આ મહિનાની વિસ તારીખે."

વરુણ : " વિસ તારીખે તો તારો જન્મ દિવસ પણ છે ને ?"

રોહન : "હા, પણ મને મારા જન્મ દિવસનું ટેનશન નથી એટલું આ એન્યુઅલ ડેનું છે."

વરુણ : "લે એન્યુઅલ ડેનું શું ટેનશન વળી ??"

રોહન : "યાર, અવંતિકા એ કહ્યું છે કે તું કંઈક પર્ફોર્મ કર એ દિવસે."

વરુણ : "તો સારુંને, હું પણ માનું છું તારે એન્યુઅલ ડેમાં પર્ફોર્મ કરવું જોઈએ."

રોહન : "પ્રશ્ન પર્ફોર્મ કરવાનો નથી, પણ હું શું કરું જેના કારણે બધા જ ખુશ થાય ? અવંતિકા ખુશ થાય !!"

વરુણ : "કોઈ સારો ડાન્સ કર અથવા કોઈ સોન્ગ ગાઈ લે."

રોહન : "ના યાર, આ કૉલેજનો એન્યુઅલ ડે છે, જો સહેજ ચૂક થઈ જાય તો મારી ઉપર બધા હસે, અને એમ પણ તું જાણે જ છે અવંતિકા મને પ્રેમ કરે છે એ જાણી આપણાં કૉલેજના કેટલાય છોકરાઓને મારી ઉપર ઈર્ષા છે, તો એમને મોકો મળી જાય."

વરુણ : "વાત તો તારી સાચી છે, અવંતિકાને જ પૂછી લે ને.. શું કરી શકાય ?"

રોહન : "આમ તો મેં નક્કી કરી જ રાખ્યું છે, હું કોઈ કવિતા લખી અને રજૂ કરીશ, અને હું અવંતિકાને સરપ્રાઈઝ આપવા માંગુ છું."

વરુણ : "એ બેસ્ટ આઈડિયા છે. મને પણ ગમી આ વાત."

રોહન : "હું જે કવિતા લખીશ એ પહેલાં તારી આગળ રજૂ કરીશ. અને તને ગમશે તો જ હું સ્ટેજ ઉપર રજૂ કરીશ."

વરુણ : "અને મને ના ગમી તો ??"

રોહન : "તો હું ભાગ જ નહીં લઉં, મારુ નામ છેલ્લા સમયે કેન્સલ કરાવીશ."

વરુણ : "હું તો મઝાક કરું છું, તું જે લખીશ એ બેસ્ટ જ હશે. અત્યારથી મારી શુભકામનાઓ તારી સાથે છે."

રોહન : "થેન્ક્સ યાર"

વરુણ : "હવે આખો દિવસ ઘરમાં જ આપણે બેસી રહેવું છે કે ક્યાંક બહાર પણ જઈએ, એક મહિનો થઈ ગયો અમદાવાદને નિહાળે. અવંતિકા અને સરસ્વતી સાથે પણ વાત નથી થઈ હમણાંથી. પૂછને અવંતિકાને તું ! એ ફ્રી હોય તો આપણે બધા મળીએ આજે. બહુ મન થયું છે બધાને મળવાનું."

રોહન : "હું મેસેજ કરી દઉં છું અવંતિકાને."

રોહને અવંતિકાને મેસેજ કરી અને બંને પાછા વાતોમાં લાગી ગયા, થોડીવાર બાદ અવંતિકાનો મેસેજ આવ્યો. એ લોકો પણ મળવા માટે તૈયાર હતાં, રિવરફ્રન્ટ ઉપર મળવાનું સ્થળ નક્કી થયું, રોહન અને વરુણ કાર લઈ અને રિવરફ્રન્ટ જવા માટે નીકળ્યા, સરસ્વતી પણ અવંતિકાના ઘરે આવી ગઈ. અને એ બન્ને પણ અવંતિકાના એક્ટિવા ઉપર રિવરફ્રન્ટ આવવા નીકળી ગયા.

રસ્તામાં રોહને એક મહિનો કોલેજમાં કેવા દિવસો રહ્યાં તેની વાત કરતો રહ્યો. વરુણે પણ અમેરિકાના અને ભારતના તુલના રોહન આગળ કરી. રિવરફ્રન્ટ ઉપર કાર પાર્ક કરી અને બન્ને સાબરમતીના કિનારે પહોંચ્યા, અવંતિકા અને સરસ્વતી પણ થોડા જ સમયમાં ત્યાં આવી પહોંચ્યા.

વરુણ એક મહિના બાદ બધાને મળ્યો હતો, તેના અમેરિકાના પ્રવાસ વિશે અવંતિકાએ પહેલાં તો તેને પૂછ્યું, રાધિકાની કોઈ વાત કરી નહિ. વરુણે પણ સંતોષકારક જવાબ આપ્યો. સરસ્વતી કઈ બોલી રહી નહોતી. તેના ચહેરાના ભાવ પણ કંઈક અલગ જ લાગી રહ્યાં હતાં. વરુણે તેને જોતા પૂછ્યું :

"સરસ્વતી, કોઈ ટેનશનમાં છે કે શું ? તારા ચહેરાની રોનક ક્યાં ચાલી ગઈ ?"

સરસ્વતી : "કંઈ નહીં બસ એમ જ"

અવંતિકા અને રોહન સમજી ગયા કે સરસ્વતીના મનમાં વરુણ માટેના વિચારો ચાલી રહ્યાં છે, સરસ્વતી વરુણથી પોતાના દિલની વાત છુપાવવા માંગતી હતી. એ રોહન અને અવંતિકા બંને જાણતા હતાં આથી અવંતિકા વાતની દિશા બદલી કહ્યું :

"વરુણ અમારા માટે અમેરિકાથી શું લાવ્યો ?"

વરુણ : "અરે હા એ તો રહી જ ગયું, કઈ ખાસ નથી લાવ્યો, ત્યાં ચોકલેટ સારી મળે છે તો એજ લઈ આવ્યો છું. તમે થોડીરાહ જુઓ હું કાર માંથી લઈ આવું."

વરુણ ચોકલેટ લેવા માટે કાર તરફ ગયો. અને અવંતિકાને સરસ્વતી સાથે વાત કરવાનો અવસર મળ્યો.

"તું વરુણ વિશે વિચારી રહી હતી ને સરુ ?"

સરસ્વતી : "હા, મને રાધિકા વિશે જાણવાની ઈચ્છા છે, પણ કેમ કરી પૂછું તે સમજાઈ નથી રહ્યું."

રોહન : "જો સરુ, વરુણે મને રાધિકા વિશે બધું જ જણાવ્યું છે, તું હમણાં શાંતિ રાખ, રાધિકાએ જે વરુણ સાથે કર્યું છે તેનાથી તે હમણાં પોતાના જીવનમાં કોઈને સ્વીકારી નહીં શકે, યોગ્ય સમય આવે અમે કંઈક કરીશું."

વરુણને આવતો જોઈ રોહને પોતાની વાતને ત્યાં જ અટકાવી દીધી.

વરુણે ચોકલેટનું બોક્સ ખોલી સૌને પોતાના હાથે ચોકલેટ આપી, અને વાતો કરવા લાગી ગયા, વરુણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો, રાધિકાએ તેની સાથે જે કર્યું એ ઘણું જ દુઃખ પહોંચાડે તેવું હતું, પણ વરુણ પરિસ્થિતિ સાથે ભળી ગયો.

આવનાર એન્યુઅલ ડે અને રોહનને જન્મ દિવસ વિશે ચર્ચા ચાલુ થઈ.

વરુણ : "આપણે સૌ એન્યુઅલ ડે બાદ પાર્ટી કરીશું, રોહનના જન્મ દિવસની."

રોહન : "ના, આપણે કોઈ પાર્ટી નથી કરવી, જીવનનું એક વર્ષ ઓછું થાય છે એમાં વળી પાર્ટી કેવી ?"

વરુણ : "તારો આ અમારી સાથે પહેલો જન્મ દિવસ છે, માટે મારે આ દિવસે પાર્ટી આપવી છે બધાને."

સરસ્વતી : "હા, રોહન મઝા આવશે, આપણે પાર્ટી કરીશું."

અવંતિકા : "સારું ને જો પાર્ટી થાય તો એ બહાને દિવસ યાદગાર પણ બની જાય."

વરુણ : "જો બધાનું મન છે તારો જન્મ દિવસ ઉજવવાનું, હવે ના કહીને બધાને નિરાશ ના કરીશ !!"

રોહન : "ઓકે, જેવી તમારા સૌની ઈચ્છા બસ."

થોડીવાર મઝાક મસ્તી અને વાતો કરી, દિવસ આથમવાનો સમય થવા આવ્યો હતો, સરસ્વતીએ ઘરે જવાની ઈચ્છા દર્શાવી, રોહને અને અવંતિકાએ આંખોના ઇશારાથી વાતો કરી લીધી. બંને ને એકાંતમાં વાત કરવાનો અવસર મળ્યો નહિ.

અવંતિકા અને સરસ્વતી ઘર તરફ જવા રવાના થયા. વરુણની ઈચ્છા હજુ વધુ સમય બેસવાની હતી. તેને રોહનને કહ્યું : "આપણે થોડીવાર બેસીએ ? મને અહીંયા ગમી રહ્યું છે, જો તને વાંધો ના હોય તો ?"

રોહન : "મને શું વાંધો હોવાનો, તું કહું તો આખી રાત આપણે અહીંયા જ બેસી રહીએ."

વરુણ : (હસતાં હસતાં) "ના, ના યાર આખી રાત નથી બેસવું, ઘરે પાછા ચિંતા કરવા લાગી જશે."

રોહન : "સારું હવે મને તું એક વાતનો જવાબ આપ."

વરુણ : "કઈ વાત નો ?"

રોહન : "રાધિકા સાથે તારે જે પણ કઈ બન્યું એનાથી તું કોઈ તકલીફમાં નથી ને ?"

વરુણ : "સાચું કહું, મને ખુબ જ દુઃખ થયું હતું જ્યારે મેં રાધિકાને આટલી બધી બદલાયેલી જોઈ ત્યારે, મને ગુસ્સો પણ ખૂબ જ આવ્યો, રાધિકાને એક લાફો મારી દેવાનું મન થયું જ્યારે એ મારી આગળ જુઠ્ઠું બોલી રહી હતી, પણ મેં મારી જાતને રોકી લીધી. મેં એમ જ વિચાર્યું કે એ એનું જીવન છે, મેં તો એને પ્રેમ કર્યો હતો, પણ એને કોઈ બીજાનું થવું હતું એ એની મરજીની વાત હતી, મારે એને મજબૂર કરીને પ્રેમ નહોતો કરવો, એ બીજી વ્યક્તિ સાથે ખુશ છે તો ભલે, મને રડવું પણ ખૂબ જ આવ્યું, પણ શું થઈ શકે, દેશ પારકો હતો અને ત્યાંના લોકો પણ પારકા. થોડીવાર વહાવી લીધા આંસુ અને પછી પોતાની જાતે જ મારી જાતે જ હિંમત આપી દીધી."

રોહન : "જો દોસ્ત, મેં તો તને પહેલા જ કહ્યું હતું, અને હવે તો તે બધું જ તારી આંખે જોઈ લીધું, હવે બધું ભૂલી જવામાં જ મઝા છે, હું તો કહું છું કે તું હવે તારી લાઈફમાં પણ બીજી વ્યક્તિને રાધિકાની જગ્યા આપી દે, પ્રેમ વગર જિંદગી જીવવી તેના કરતાં કોઈના પ્રેમમાં જીવન વિતાવવાની મઝા આવશે."

વરુણ : "ના રોહન, હવે હું આ પ્રેમના ચક્કરમાં પડી અને પાછો દુઃખી થવા નથી માંગતો."

રોહન : "પ્રેમમાં દુઃખના હોય ભાઈ, પ્રેમતો ખુશી આપે છે."

વરુણ : "રાધિકાને પ્રેમ કરી મને દુઃખ સિવાય શું મળ્યું ?"

રોહન : "એ વ્યક્તિ તારા પ્રેમને લાયક નહિ હોય, તે તો સાચા દિલથી એને પ્રેમ કર્યો હતો ને..એમાં તારો કોઈ વાંક નથી."

વરુણ : "પણ સોરી યાર, હું હમણાં એ વિશે વિચારવા નથી માંગતો."

રોહન : "ઓકે, જેવી તારી ઈચ્છા. પણ કોઈ ગમી જાય તો મારાથી છુપાવતો નહિ."

વરુણ : "એવું તો ક્યારેય નહીં બને છતાં મને કોઈ ગમશે તો હું તને પહેલાં જ જણાવીશ બસ. ચાલ હવે જમવા માટે જઈએ. અમદાવાદનું જમવાનું જમે એક મહિનો થઈ ગયો છે, આજે તો પેટભરી ને જમવું છે."

રોહન : "હા, ત્યાં તો અહીંના જેવી મઝા નહિ મળી હોય, ચાલ."

રોહન અને વરુણ હોટેલમાં જમવા માટે ગયા, જમી અને વરુણ રોહનના ઘરે રોહનને ઉતારી પોતાના ઘરે જવા માટે નીકળ્યો. રાત્રે ગ્રુપમાં પણ બધાએ ખૂબ જ વાતો કરી મોડા સુધી. રોહન અને અવંતિકાએ પર્સનલમાં થોડીવાતો કરી બીજા દિવસે કોલેજમાં મળવાનું નક્કી કરી સુઈ ગયા.

કૉલેજના દિવસો પસાર થતાં રહ્યાં, રોહન અને અવંતિકાનો પ્રેમ પણ ધીમે ધીમે વધી રહ્યો હતો, સરસ્વતી પોતાના દિલની વાત દિલમાં જ દબાવીને બેસી રહી. એન્યુઅલ ડે ના દિવસો નજીક આવી રહ્યાં હતાં, રોહન પોતાની કવિતાના શબ્દો ગોઠવવા લાગ્યો, અને એક સુંદર કવિતા તેને બનાવી પણ લીધી. વરુણને તે કવિતા બતાવી, વરુણને એ ખૂબ જ ગમી, અને તેને કહી દીધું. "આ કવિતા સાંભળી અવંતિકા જ નહીં આખી કૉલેજને તું ખુશ કરી દઈશ એની મારી ગેરેન્ટી." વરુણની વાત સાંભળી રોહન પણ ખુશ થયો, તેને બનાવેલી કવિતા તે વારંવાર વાંચી રહ્યો હતો, ક્યારેક વરુણ સામે તો ક્યારેક અરીસા સામે એકાંતમાં. મોટા સ્ટેજ ઉપર બોલવાનો એ પહેલો અવસર હતો રોહન માટે. તેને પુરા દિલથી તૈયારી કરી લીધી. અવંતિકાને તે સરપ્રાઈઝ આપવા માંગતો હતો માટે તેને કવિતા બતાવી નહિ.

એન્યુઅલ ડેના આગળના દિવસે વરુણે રોહનને પોતાના ઘરે જ રોકાવવા માટે કહ્યું. રોહન પણ ત્યાં જ રોકાઈ ગયો. બીજા દિવસે રોહનનો જન્મ દિવસ પણ હતો. વરુણ તેને સરપ્રાઈઝ આપવા માટે કેક પણ મંગાવી રાખી હતી. તેની રોહનને પણ જાણ નહોતી. રાત્રે રોહન અને વરુણ ઘરની બહાર ગાર્ડનમાં બેઠા હતા, વરુણે એક નોકર પાસે પોતાના રૂમમાં જ બધી તૈયારી કરાવી રાખી હતી. બરાબર બાર વાગે જ રોહનને રૂમમાં લઇ જઇ સરપ્રાઈઝ આપવા માંગતો હતો.

૧૧:૫૫ મિનિટે વરુણે રૂમમાં જવા માટે કહ્યું, ધીમે ધીમેં બંને રૂમ તરફ આગળ વધ્યા, નોકર બાર વાગ્યાની રાહ જોઇને જ બેઠો હતો. રૂમની અંદર અંધારું કરી રાખ્યું હતું. રૂમમાં દાખલ થયા ત્યારે રોહને કહ્યું : "આટલું અંધારું કેમ છે ?"

વરુણ : "લાગે છે રૂમમાં લાઈટ ઓન કરવાની રહી ગઈ છે, તું અહીંયા ઉભો રહે હું જોઈ આવું."

રોહનને ત્યાં ઊભો રાખી વરુણ થોડો દૂર ગયો, બરાબર બાર વાગે નોકરે રૂમની બધી જ લાઈટ એક સાથે ઓન કરી. વરુણે મોટા અવાજમાં જન્મ દિવસનું ગીત વગાડ્યું, અને રોહન પાસે આવી જન્મ દિવસની શુભકામનાઓ આપી. વરુણના મમ્મી પપ્પા પણ એ ખુશીમાં સામેલ થવા આવી પહોંચ્યા. રોહન આશ્ચર્યમાં જ પડી ગયો આ બધું જોઈને, જીવનમાં પહેલીવાર તે આ ક્ષણનો અનુભવ કરી રહ્યો હતો, આજ પહેલા તેને ક્યારેય સપનામાં પણ પોતાનો જન્મદિવસની આ રીતે ઉજવણી થશે તેવું વિચાર્યું નહોતું. રોહનની આંખો ખુશીથી છલકાઈ ઉઠી, વરુણને ભેટી તેનો આભાર વ્યક્ત કરવા લાગ્યો, વરુણના મમ્મી પપ્પાને પગે લાગી આશીર્વાદ મેળવ્યા. અને પછી કેક કાપી. અવંતિકાને અને સરસ્વતીને વરુણના પ્લાનિંગ વિશે ખબર હતી, એમનું પણ મન હતું રોહનને સરપ્રાઈઝ આપવાનું પણ તે આવી શકે તેમ નહોતા, માટે તમને બરાબર બાર વાગ્યે મેસેજ કરી દીધો હતો. રોહને મેસેજમાં એ સૌનો આભાર માન્યો, વરુણે નોકરને પોતાનો મોબાઈલ આપીને બધી ક્ષણો કેમેરામાં કેદ કરાવી લીધી હતી, તે બધા જ ફોટો ગ્રુપમાં સેન્ડ કર્યા, થોડીવાર સુધી બધાએ સાથે મળી રોહનને દિવસને યાદગાર બનાવ્યો.

સવારે કૉલેજમાં એન્યુઅલ ડે હતો, રોહને પુરી તૈયારી કરી જ લીધી હતી. બસ હવે એ ક્ષણની રાહ જોવાતી હતી જ્યારે રોહન કૉલેજના સ્ટેજ ઉપરથી પોતાની કવિતા પોતાના સ્વર દ્વારા અભિવ્યક્ત કરતો હોય...

વધુ આવતા અંકે...

લે.નીરવ પટેલ "શ્યામ"