બંધન વગર નો પ્રેમ
ભાગ-5
(મિત્રો આપણે પાછળ ના ભાગમાં જોયું કે રવિના મમ્મીનો ફોન આવે છે અને તે લોકો પણ ખૂબ ચિંતિત જણાય છે,ડોક્ટરના જવાબથી રવિનો ડર વધી જય છે અને રવિનું જીવન ફક્ત 3 દિવસમાં પૂરું બદલાય ગયું હોય છે..)
તે દિવસે સાંજે ડોકટરે રવિની બાજુમાં આવીને કહ્યું કે તમે ખુશીના ઈલાજ માટે બીજા ડૉક્ટરની સલાહ લઇ શકો છો,તેનો મતલબ હતો કે ડોક્ટરને પણ લાગી ગયું હતું કે તેઓ હવે કશું ખાસ કરી શકે એમ નથી.ખુશીની હાલત વધારે બગડી રહી હતી.રવિએ ખુશીના પપ્પાને બધી વાત કરી. છેલ્લી આશા એપોલો હોસ્પિટલ હતી.આટલી સિરિયસ ખુશીને અહીંયાંથી લઈ જવી સૌથી મુશ્કેલ કામ હતું.થોડી પણ નાનકડી ભૂલ થી ઘણું બધું થઈ શકે એમ હતું,પરંતુ બીજો કોઈ રસ્તો પણ ના હતો.
બીજે દિવસે બધાએ એ મોટા કામમાં લાગી ગયા.ખુશીને એપોલો હોસ્પિટલમાં લઇ જવા તૈયાર થયા તો નર્સે આવીને રવિને થોડા કાગળો ઉપર સહી કરવા કહ્યું.રવિએ વાંચ્યું તો લખ્યું હતું,"દર્દીની હાલત સિરિયસ છે,અહીંયાથી લઈ જવા માટેનું કામ દર્દીના પરિવારની મર્જીથી કરવામાં આવી રહ્યું છે.આગળ કઈ પણ થશે કે જેનાથી દર્દીનું મોત થાય તો તેના માટે હોસ્પિટલ જવાબદાર ગણાશે નહીં."
રવિએ ખુશીના પપ્પા પાસે સહી કરાવી અને પૈસા ચૂકવીને બધા ખુશીને એપોલો હોસ્પિટલ લઈ જવા નીકળી ગયા.એક એક મિનિટ ખૂબ સાવધાની માંગી રહી હતી.બેચેની વચ્ચેની 45 મિનિટમાં ખુશીને લઈને બધા હોસ્પિટલ પોહચ્યા.હોસ્પિટલ સ્ટાફ તરત જ ખુશીને આઈ.સી.યુ.માં લઇ ગયા.ત્યાં પણ હોસ્પિટલની કાગળની બધી ઔપચારિકતા પુરી કરાવવામાં આવી.ખુશીને પુરી સફળતા સાથે નવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.રવિ અને ખુશીના પપ્પાને નવી આશા ના કિરણો ઉભા થયા.
થોડી વાર પછી એક ડોકટર આઈ.સી.યુ.માંથી ખુશીનો એક્સ-રે લઈને બહાર આવ્યા.તરત જ રવિએ પૂછી લીધું, "સાહેબ ખુશીને સારું તો થઈ જશે ને ?"
"જુઓ ભાઈ, અમે તમને ચાંદ-તારા તોડી લાવવાના સપના તો નથી બતાવતા,પરંતુ અમારી ટિમ પુરી મહેનત કરી રહી છે ખુશીને જલ્દીથી સ્વસ્થ કરવા માટે" ડોકટરે જણાવ્યું.
ખુશીની હાલત વધુ ખરાબ થતી રહી હોય એવું જણાતું હતું.રવિએ મનમાં વિચાર્યું હતું તેનાથી બધું અલગ જ બનવા લાગ્યું હતું.
સાંજે રવિ અને ખુશીના પપ્પા જ હજાર રહ્યા.થોડી વારમાં હસ્તી અને આત્મય સાંજનું રવિ તથા તેમના સસરા માટે ટિફિન લઈને આવ્યા અને તે લોકો રાત્રીનું ભોજન સાથે લેવા માંગતા હતા જેથી રવિ અને હસ્તીના પપ્પાને થોડું વાતાવરણ સારું લાગે. રાત્રીના જમ્યા પછી ચારેય લોકો વાતો કરવા લાગ્યા.ખુશીના પપ્પાને પણ હસ્તી અને તેના પતિ હોસ્પિટલ આવી ગયા હોવાથી થોડું સારું લાગતું હતું.રવિનું મન ક્યાંય લાગતું ના હતું તે મનમાં ને મનમાં ઘણું બધું વિચારી રહ્યો હતો થોડો ઉદાસ પણ લાગી રહ્યો હતો.રાત્રીના 11 વાગ્યા હતા પરંતુ રવિને નિંદર આવતી ના હતી તે શાંતિથી બેઠો હતો.અચાનક રાત્રી ના 1 વાગ્યે એલાર્મ વાગ્યો અને ડોકટરે રવિ પાસે આવીને કહ્યું કે ખુશીને લોહીની જરૂર છે.
લોહી ?? ફરી વખત ?? રવિ ડરી ગયેલા અવાજે બોલ્યો,
આ વખતે અમારે પ્લેટલેટ્સ ખુશીના શરીરમાં ભેળવવા પડશે,જેનું લેવલ ધાર્યા કરતાં ખૂબ જ ઓછું છે, ડોકટરે કહ્યું.
તો હવે અમે બ્લડબેંકમાંથી લાવી શકીએ ? રવિએ પૂછ્યું
ડોકટરે કહ્યું,'' આ સેલ 4 થી 6 કલાકથી વધુ નથી રહી શકતા,એટલા માટે તમારે કોઈ વ્યક્તિ જોઈશે જે પ્લાઝમા સેલ ડોનેટ કરી શકે,અને આ એજ માણસ કરી શકે જેનું બ્લડગ્રુપ ખુશીના બ્લડગ્રુપ સાથે મળતું હોય.
હાલત ખૂબ જ ખરાબ હતી.બધા અલગ અલગ જગ્યાએ ફોન કરીને લોહીની તપાસ કરવા લાગ્યા.પરંતુ કોઈ સાનુકૂળ જવાબ મળતો ના હતો.કલાક પછી હસ્તીનો ફોન રવિ ઉપર આવ્યો અને કીધું કે તેના ઘરની બાજુમાં રહેતા કોઈ લોહી આપવા તૈયાર થયા છે.થોડી વારમાં તે વ્યક્તિ હોસ્પિટલ આવ્યા અને તેના બધા રીપોર્ટ ચેક કરવામાં આવ્યા અંતે બધા રિપોર્ટ ખુશીના બ્લડગ્રુપ સાથે મળતા હોવાથી તેમને આઈ.સી.યુ.માં લઇ ગયા.
આગળના 10 કલાકમાં ખુશીની હાલતમાં થોડા અંશે સુધારો જોવા મળ્યો.પરંતુ હજુ પણ એમ કહી શકાય એમ ના હતું કે તેની હાલત ખતરાની બહાર છે.
રવિના ઘરે તેના મમ્મી પપ્પા હાલતને લઈને ચિંતિત હતા.રવિના મમ્મી તેની સાથે રહેવા માંગતા હતા.રવિના મમ્મીએ રવિને ફોન કરી ને બધી હાલત જણાવી અને રવિના પપ્પાએ પણ કીધું કે તેના મમ્મી તારી સાથે રહેવા ઈચ્છે છે,ખુશીને જોવા માંગે છે એટલે તું આવ અને તારા મમ્મીને લઈને ફરી મુંબઈ જતો રહેજે..
બીજી બાજુ રવિએ એવી વાત ધ્યાને ચડી કે તેને પૂરો હચમચાવી નાખ્યો.ખુશીની ખબર કાઢવા જે પણ કોઈ આવતું તો ખુશીના પપ્પાને એ લોકો પહેલો સવાલ એ કરતા કે, આ તમારી સાથે રહે છે ?? એક અઠવાડિયાથી ? આવા સવાલોએ રવિને શંકાળુ બનાવી દીધો હતો.
સાંજના ખુશીના પપ્પા પણ રવિની હાલત સમજી ગયા.તેમણે રવિને કહ્યું કે,''રવિ,તમારા મમ્મી ખૂબ પરેશાન છે,તમારી જરૂર છે ત્યાં,હું ઈચ્છું છું કે તમે ત્યાં જાવ અને તમારા મમ્મીને અહીંયા લઈ આવો.
રવિએ કહ્યું કે હું ડોક્ટરને મળીશ પછી નિર્ણય લઈશ.રવિ તરત નીચે એક લેડીઝ ડૉક્ટરને મળવા તેમની ચેમ્બર માં ગયો.અને બધી વાત જણાવી.
ડોકટરે કહ્યું કે ખુશી જ્યારે આંખ ખોલશે ત્યારે તરત તમારી જરૂરિયાત મહેસુસ કરશે,અને હજી ચાર પાંચ દિવસ લાગશે.
ચાર પાંચ દિવસ ?? રવિ બોલ્યો
"હા,ત્યાં સુધી ઊંઘની ગોળીના સહારે રહેશે એટલા માટે તમે ત્યાં જાવ અને થોડા સમયમાં ફરી અહીંયા આવી જાવ.હું તમારી મમ્મીની હાલત સમજી શકું છું એટલે હું એ જ સલાહ આપીશ કે જઈને તમારા મમ્મીને મળો અને તેમને પણ અહીંયા લઈ આવો"ડોકટર બોલ્યા.
રવિએ બીજે દિવસની સવારની ફ્લાઈટમાં જવાનું નક્કી કર્યું. પુરી રાત જાગતો રહ્યો. સવારે નીકળતા પેહલા ખુશીની નજીક જઈને ખુશીને ઘણા સમય સુધી એક નજરથી જોતો રહયો.અને પછી નીકળી ગયો.
રવિએ એરપોર્ટ ઉતરીને પહેલો ફોન ખુશીના પપ્પાને કર્યો અને ખુશીની તબિયત વિશે જાણી લીધું.રવિના શહેરમાં આવી રહ્યાના ખબર મળતા જ રવિના મમ્મી પપ્પાની સ્થિતિમાં હળવાશ અનુભવાતી હતી.બીજો રવિએ તેના મમ્મીને કર્યો અને જણાવ્યું કે તે શહેરમાં આવી પોહચ્યો છે એટલે થોડા જ સમયમાં ઘરે પોહચી જશે.
ટેક્સી કરીને એરપોર્ટ પરથી ઘર તરફ જવા રવાના થયો.એક કલાકનો રસ્તો હોવાથી રવિને ટેક્સીમાં નિંદર આવી ગઈ. અને હજુ ઘરની નજીક પોહચતાં થોડા અંતરે દૂર હતો ત્યાં રવિનો ફોન રણક્યો. રવિએ ફોનમાં જોયું તો ખુશીનો નંબર હતો.
રવિએ તરત જ ફોન ઉપાડી ને કહ્યું, હેલ્લો ?
પરંતુ બીજી બાજુથી કોઈ અવાજ ના આવ્યો બસ કોઈ ના શ્વાસ સંભળાયા.
પપ્પા ? રવિ બોલ્યો
હા બેટા...
રવિ સાચો હતો,ખુશીના પપ્પાનો અવાજ હતો,
હા પપ્પા.. રવિ બોલ્યો.
ખુશીના પપ્પાએ એક ઊંડો શ્વાસ લઈને કહ્યું,બેટા એક ખરાબ ખબર છે, આપણી ખુશી આ દુનિયામાં નથી રહી,થોડી મિનિટો પેહલા તે આપણને છોડીને ચાલી ગઈ.............
રવિ ચાલુ ફોને ચોધાર આંસુ એ રડી રહ્યો હતો....
પૂર્ણ...
મિત્રો આપને આ સ્ટોરી ના 5 ભાગ કેવા લાગ્યા તે બાબત ના આપના સૂચન આવકાર્ય છે અને આપના પ્રતિભાવ મને +91-7878571515 પર વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ધન્યવાદ
_અભય પંડ્યા