No return-2 Part - 29 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ - 29

Featured Books
Categories
Share

નો રીટર્ન-૨ ભાગ - 29

નો-રીટર્ન-૨

ભાગ-૨૯

( આગળનાં પ્રકરણમાં વાંચ્યુઃ- અનેરી પોતાનાં ભૂતકાળને વાગોળે છે અને નિર્ણય લે છે કે તે પવન જોગીને સપોર્ટ કરશે..... હવે આગળ વાંચો....)

એ સવાર એક નવું આશ્વર્ય લઇને ઉગી હતી. મારી જીંદગીમાં ઘણાં સમયથી આવા આશ્વર્યોનો સીલસીલો શરૂ થયો હતો એવું કહું તો ખોટું નહી ગણાય. પાછલા છેલ્લા થોડા દિવસોની અંદર અનેક વિસ્મયકારક ઘટનાઓનું જાણે ઘોડાપુર આવ્યું હોય એવું મને લાગતું હતું. એવું જ એક વિસ્મય અનેરી સ્વરૂપે અત્યારે મારી નજરો સમક્ષ ઉભું હતું.

મને આખી રાત ઉંઘ આવી નહોતી. પેલાં ખોખાંની અંદર દોરેલા કબુતરો અને નંબરોએ સતત મને પજવ્યે રાખ્યો હતો. એ રહસ્યમય ચિત્રોનો કોઇ છેડો જડતો નહોતો. વિચારી- વિચારીને હું થાકયો હતો અને તેમાં અનેરીનાં વિચારોની ભેળસેળે મારી નિંદર વેરણ કરી નાંખી હતી એટલે સવારે હું વહેલો જ જાગી ગયો હતો. ઇન્દ્રગઢનાં પરીસરમાં સૂર્યનાં કિરણો પથરાય એ પહેલાં તો તૈયાર થઇને હું રાજમહેલનાં દિવાનખંડમાં આવી ધમકયો હતો. દિવાનખંડમાં પાથરેલાં એક સોફામાં મેં અનેરીને બેઠેલી જોઇ. પહેલાં તો મને વિશ્વાસ થયો નહીં કે તે આટલી વહેલી ઉઠીને અહીં બેઠી હશે, પરંતુ પછી આશ્વર્ય અનુભવતો હું તેની તરફ ચાલ્યો.

“ વોટ અ સરપ્રાઇઝ...! તમે આટલાં વહેલાં જાગી ગયાં....? ” સવારની કુમળી તાજગી મઢયાં તેનાં ચહેરા તરફ જોઇને મેં પુંછયું. તે હમણાં જ ન્હાઇને બહાર આવી હોય એવું પ્રતિત થતું હતું. એની સાબિતીરૂપ તેનાં ટૂંકાવાળનાં છેડે પાણીની બુંદો કોઇ તારલીયાની માફક ચમકતી હતી. ગરમ પાણીની કુમાશ તેનાં ગુલાબી ઢોળ મઢયાં ચહેરાની ત્વચામાં વર્તાતા હતી. હું અપલક દ્રષ્ટિથી આશક્ત બનીને તેને તાકી રહયો. મારી નજરોથી તે થોડી ઓઝપાઇ . મેં તેનાં ચહેરા ઉપરથી નજર હટાવી લીધી.

“ એકચ્યુલી મારે તમારી સાથે થોડી વાત કરવી હતી.” તે બોલી. ગઇરાત કરતાં અત્યારે તેનું વર્તન સાવ અલગ જણાયું. એકાએક જાણે તેનાં તમામ બંધનો ખુલી ગયાં હોય અને એક ધરખમ હળવાશ તેનામાં આવી હોય એવું મેં અનુભવ્યું.

“ તમે બેધડક જે કહેવું હોય એ કહી શકો છો...!” મને એ ગમ્યું હતું. ઉપરાંત અત્યારે તે એકલી જ આવી હતી. વિનીત તેની સાથે નહોતો એ વધુ ગમતી વાત હતી.

“ જૂઓ....! ગઇકાલનાં વર્તન બદલ હું માફી માંગું છું. પણ તમે મને સમજી શકશો કે અત્યારે હું કેવી પરિસ્થિતીમાં છું..! મારે કોની ઉપર વિશ્વાસ કરવો એ જ મને સમજાતું નથી, તેમાં તમે તો સાવ અજનબી છો એટલે મારાથી થોડી ગુસ્તાખી થઇ ગઇ હતી.”

“ હું સમજું છું. તમે મારી ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી શકો છો. આપણી વચ્ચે જે કંઇપણ વાતચીત થશે એ સંપૂર્ણ ખાનગી રહેશે એની હું તમને ખાતરી આપું છું.” હું બોલ્યો. તે મારી આંખોમાં તાકી રહી. જાણે નજરોથી જ નક્કી કરી લેવા માંગતી ન હોય કે હું કેટલો પ્રામાણિક છું....!

“ ખબર નહીં કેમ, પણ મને તમારી ઉપર વિશ્વાસ કરવાનું મન થાય છે. આ વાતની શરૂઆત થઇ હતી આજથી એક મહિના પહેલાં. એ ગોઝારો દિવસ મને આજે પણ બરાબર યાદ છે.” અનેરી બોલી રહી હતી અને હું ધ્યાનમગ્ન બનીને તેની કહાની સાંભળતો રહયો... તેણે તેનાં દાદા સાજનસીંહનાં અપહરણથી માંડીને ઇન્સ. ઇકબાલ કેવી રીતે તેને અહીં લઇ આવ્યો એ બધું વિસ્તારપૂર્વક મને કહી સંભળાવ્યું. તેનાં એક એક શબ્દે મારી નસોમાં વહેતાં લોહીમાં ઉફાણ સર્જાતું રહયું. હવે મને સમજાયું હતું કે તેણે પેલો કેમેરો કેવી રીતે અને શું કામ મેળવ્યો હતો. બ્રાઝિલમાં કોઇએ તેનાં દાદાનું અપહરણ કર્યું હતું અને તેનાં બદલામાં ફોટાઓ માંગ્યા હતાં.

અવિશ્વસનીય બાબત તો એ હતી કે તેની વાતોથી મારા અનુમાનને પણ પુષ્ટી મળતી હતી. કબુતરોનાં ચિત્રો અને કેમેરાનાં ફોટાઓ વિશે મેં જે ધાર્યું હતું એવું જ અનુસંધાન જોડાતું હતું. તે બંને વચ્ચે ચોક્કસ કોઇને કોઇ કનેકશન તો હતું જ. એ શું હોઇ શકે એ બાબતે મારે વિચારવાનું હતું.

“ મને એ ફોટાઓ જોવા મળશે...?” સહસા જ મેં પુંછયું. તે કંઇ બોલી નહી. સાઇડમાં સોફા ઉપર પડેલું તેનું પર્સ ઉઠાવ્યું અને તેમાંથી એક કવર કાઢી મારી તરફ લંબાવ્યું. “ ઓહ ગ્રેટ...!” મેં કવર લીધુ અને ધડકતાં હદયે તેમાંથી ફોટાઓ બહાર કાઢી જોવા લાગ્યો.

“ શું છે આ બધું.....?” એક પછી એક ફોટાઓ ફેરવતો ગયો તેમ તેમ આશ્વર્યનાં મહાસાગરમાં હું હિલોળાતો હતો. કોઇ મેળ વગરનાં.. ઢંગધડા વગરનાં એ વિચીત્ર ફોટાઓ હતાં. એવું લાગતું હતું કે કોઇ ચોક્કસ ઉદ્દેશ્ય વગર જ આડેધડ આ ફોટાઓ પાડવામાં આવ્યા છે. છતાં આશ્વર્યની બાબત તો એ હતી કે ઘણાબધા ખૂંખાર માણસો આ ફોટોઓ પાછળ પડયાં હતાં. મેં એક ઉંડો શ્વાસ લીધો, અને ફરીથી... શાંતીથી એક પછી એક ફોટા જોવા લાગ્યો.

“ મને આની કોપી મળી શકે...?” સામે પડેલી ટીપોઇ ઉપર ફોટાઓની થપ્પી મુકતાં મેં પુંછયું.

“ કોપી તો નહિ આપી શકું, પરંતુ તમે મોબાઇલમાં તેનાં ફોટા પાડી શકો છો. એ પહેલા તમારી પાસે મારા મતલબની શું ચીજ છે એ બતાવવી પડશે.”

“ એક મિનીટ...!” મેં મોબાઇલ કાઢયો અને પેલાં ખોખાની અંદર દોરેલાં હતા એ કબુતરોનાં ફોટા તેને બતાવ્યાં.

“ આ શું રમત માંડી છે....?” અચાનક જ તે ભડકી ઉઠી. તેને એવું લાગ્યું કે જાણે હું તેની સાથે કોઇ મજાક કરી રહયો છું.

“ આ કોઇ મજાક નથી. આ નિશાનીઓ લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાંથી મને મળી છે. આ ચિન્હો જોઇને મને પણ આશ્વર્ય થયું હતું, પરંતુ પછી સમજાયું કે આ કોઇ અત્યંત મહત્વની ગુપ્ત સંજ્ઞાઓ છે. આ કબુતરોનાં ચિત્રો ચોક્કસ કોઇ અતી મહત્વપૂર્ણ ઘટના તરફનો ઇશારો માત્ર છે. ”

“ ઓહ...! ” અનેરી બોલી ઉઠી. અને ફરીથી તેણે એ ચિત્રો જોયાં. “ મને તો કંઇ જ સમજાતું નથી...” એકાએક જ તેણે મને મોબાઇલ પાછો આપ્યો હતો અને બંને હાથે તેનું માથું પકડીને, નીચે નજરો ઢાળીને તે હતાશ થઇને બેસી ગઇ.

“ મારા માટે મારા દાદા જ સૌથી મહત્વનાં છે. હું આ ફોટાઓ તેમનાં અપહરણકારો સુધી પહોંચાડીને દાદાને છોડાવી લાવીશ...! ” માથું નીચે ઢાળેલું રાખીને જ તે બોલી.

“ તને લાગે છે કે આ ફોટાઓ તું આપી દઇશ એટલે તેઓ તારા દાદાને છોડી દેશે....? ” હું બોલ્યો.

“ મતલબ....? ” એકાએક તેણે માથું ઉંચું કર્યું અને પ્રશ્નસૂચક નજરે મને જોઇ રહી.

“ મતલબ ન સમજે એટલી નાની તો તું નથી જ....! ” એકાએક જ મારાથી “ તું ” કારો થઇ ગયો હતો. મને તેની નાદાનીયત ઉપર હસવું પણ આવ્યું હતું છતાં હું હસ્યો નહી. તે નારાજ થાય એવું કંઇ હું કરવા માંગતો નહોતો. અનેરી આશ્વર્યથી, મોં વકાસીને મને જોઇ રહી. મારો મુદ્દો તેની સમજમાં આવતો હતો.

“ ઓહ ગોડ...! એ વાત તો મેં વિચારી જ નહોતી. ”

“ તારે વિચારવું જોઇતું હતું. જેણે તારા દાદાનું અપહરણ કર્યુ છે એ લોકો કંઇ શરીફ માણસો તો નહીં જ હોય....! ”

“ યસ, યુ આર રાઇટ. તો હવે શું કરવું જોઇએ...? ”

“ સોદાબાજી....?” મેં ધડાકો કર્યો.

“ મતલબ...?” અનેરીનાં કપાળે સળ પડયા. તે આતુરતાપૂર્વક મને તાકી રહી હતી. તેની આંખોમાં હજ્જારો સવાલો ડોકાતાં હતાં.

“ મતલબ કે તેમની પાસે તારા દાદા છે, અને તેમને આ ફોટાઓ જોઇએ છે.... અને બીજી તરફ.... ” મેં વાક્ય અધૂરુ છોડયું અને આંખો ઉલાળી “કંઇ સમજી કે નહિ” એવા ભાવ સાથે તેની સામુ જોયું.

“ ઓહ યસ્સ...!” મારો મતલબ તેની સમજમાં આવ્યો હતો અને એકાએક જ તે રોમાંચીત થઇ ઉઠી હતી. “ તમારો કહેવાનો મતલબ એ જ કે મારે જે જોઇએ છે એ તેમની પાસે છે, અને તેમને જે જોઇએ છે એ મારી પાસે છે. મતલબ કે હવે ગરજ બંને તરફ એક સરખી છે. મતલબ કે હવે સોદાબાજીમાં બંને પલડાં સરખા ભારે થયા છે..! ”

“ જી...!”

“ પણ....” ફરીથી અનેરી અટકી હતી. “ આ ફોટાઓ, આ કબુતરોનાં ચિત્રો, શું છે આ બધું....? એ લોકો શું શોધી રહયા છે...? એ લોકોને કેમ ખબર પડી કે કોઇ પુરાનો કેમેરો છે જે ઇન્દ્રગઢમાં પડયો છે...? અને એ કેમેરાને શોધવાનું કામ હું જ કરી આપીશ એવી તેમની ખાત્રીનો પાયો શું હશે....? મારા દાદાનું અપહરણ કરવાને બદલે તેઓ બીજા કોઇને પણ બંદી બનાવી તેની પાસેથી એ કામ કઢાવી શકયા હોત, તો હું જ કેમ...? અને અહીં ઇન્દ્રગઢમાં પણ ઘણાં લોકો આ ફોટાઓ મેળવવા પાછળ પડયા છે. એક તો કોઇ લાલ બુલેટવાળો શખ્શ છે. ઉપરાંત રાજનનું કીડનેપીંગ થયું એ પણ તમને રહસ્યમય નથી લાગતું...? ” એક સાથે કેટલાય તર્ક-સંગત પ્રશ્નો અનેરીએ મને પુછી નાંખ્યાં. આવાં જ પ્રશ્નો મને પણ ઉદ્દભવતાં હતાં. એ સવાલોનાં જવાબ મેળવવા લાગતું હતું કે મારે હવે આ આખી ઘટનાનાં ઉંડાણમાં ઉતરવું જ પડશે. આખી ઘટનામાં જો સૌથી મહત્વનો કોઇ પ્રશ્ન હોય તો એ કે “ શું કામ...?” શું કામ આ બધું બની રહયું છે...? આ ઘટનાક્રમ પાછળનો મુખ્ય હેતું શું હોઇ શકે...?

વિચારોનાં ભયાનક વમળમાં ગુંચવાઇને હું અને અનેરી એકબીજાની સામું તાકતા કેટલોય સમય બેસી રહયાં. જ્યારે ખરી હકીકત તો એ હતી કે અનેરી એ પુંછેલાં સવાલોમાં જ અમારો જવાબ છુપાયેલો હતો, જે અત્યારે અમે સમજી નહોતાં શકતા.

@@@@@@@@@@

એ સમય દરમ્યાન મહેલમાં અમારા બ્રેકફાસ્ટની વ્યવસ્થા થઇ હતી. અનેરીને હું આગ્રહપૂર્વક ડાયનીંગ ટેબલ તરફ દોરી ગયો. તેને વિનીતની રાહ હતી પરંતુ હજુ સુધી તે ઉઠયો નહી હોય એટલે સવારનાં ચા-નાસ્તાને અમે ન્યાય આપ્યો. આ સમગ્ર સમય દરમ્યાન અમારા બંનેનાં જીવ ઉચાટમાં હતાં. મને દિવાનજીની સખત ચિંતા સતાવતી હતી. તેઓ રાજનનાં અપહરણકર્તાઓ સાથે સોદાબાજી કરવા એક દિવસ પહેલાંની રાત્રે કોઇ ઔરત સાથે કારમાં બેસીને ગયા હતાં જે હજુ સુધી પાછા ફર્યા નહોતાં. ખરેખર તો મને મારી જ મુર્ખામી ઉપર શરમ આવતી હતી. મેં દિવાનજીને જવા જ શું કામ દીધા..? એ સવાલ વારંવાર મારા મનમાં પડઘાતો હતો. રાજન તો અપહરણકારોની ચુંગલમાં હતો જ, હવે કનૈયાલાલ પણ એ લોકોની ગીરફ્તમાં હતાં એ બહું ખતરનાક બાબત બની ગઇ હતી. ઇન્સ. ઇકબાલને આ મામલામાં વધુ સમય ખામોશ રાખવો મુશ્કેલ હતો કારણ કે તે એક ફરજ પરસ્ત ઇમાનદાર અફસર હતો. જો હું ઇન્દ્રગઢનો રાજકુંવર ન હોત તો તેણે કયારેય મારી વાત માની ન હોત. અને આમપણ તેને ડયૂટી કરતાં રોકવો એ એક કાનૂની અપરાધ જ બનતો હતો. ઇકબાલને અહીં મહેલમાં ઉતરેલા વિદેશી પ્રોફેસરો ઉપર પુરેપુરો શક તો હતો જ, એવું દિવાનસાહેબે મને જણાવ્યું હતું. ઉપરાંત કોઇ એભલસીંહ નામનો શખ્શ હતો જે આ મામલામાં સંડોવાયેલો હતો. કયાંક આ એભલસીંહ એ જ વ્યક્તિ નહીં હોયને જેણે અનેરીનો પીછો પકડયો હતો...? બની શકે કે તે જ હોય...! વિદેશી પ્રોફેસરો અને બ્રાઝિલમાં અનેરીનાં દાદાનું અપહરણ થયું એ બંને ઘટનામાં પણ ઘણું સામ્ય જણાતું હતું. હું ચકરાઇ ઉઠયો. જો આ ગુત્થી ઉકેલવી હોય તો કોઇપણ એક છેડેથી શરૂઆત કરવા જરૂરી હતી. આમ ચારેકોર આંધાધૂંધ વિચારવાથી કોઇ ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચવું મને શક્ય જણાતું નહોતું.

દાદા એ સ્વપ્નમાં આવીને મને સાચું જ કહયું હતું કે “ અહીં ઇન્દ્રસભા કરતાં તારી જરૂરિયાત ઇન્દ્રગઢમાં વધુ છે...”

@@@@@@@@

એક ધમાકો થયો... અને પછી કોઇ વાહનનાં ટાયર જમીન સાથે ભયંકર રીતે ઘસડાવાનો, અને જાણે કોઇએ જોરદાર બ્રેક મારી હોય એવા અવાજો રાજમહેલનાં ડ્રોઇંગરૂમમાં ગુંજી ઉઠયા. એ અવાજો સાંભળીને મારી નજર મહેલનાં દરવાજા તરફ ખેંચાઇ હતી. બહાર...રાજમહેલનાં પ્રાંગણમાં થોડીવારમાં તો ધમાચકડી મચી ગઇ હોય એવા હો- હલ્લાનાં અવાજો આવવા લાગ્યાં. મે અને અનેરીએ હજું હમણાં જ નાસ્તો પતાવ્યો હતો. બહાર થયેલા ધમાકાનો અવાજ સાંભળીને હું ખુરશી ખસેડી ઝપાટાભેર ઉભો થયો અને દરવાજા તરફ લપકયો હતો. અનેરી પણ મારી પાછળ આવી હતી. ડ્રોઇંગરૂમનો દરવાજો વટાવી મહેલની પરસાળમાં આવ્યો અને આભો બનીને ત્યાં સર્જાયેલા દ્રશ્યને જોઇ રહયો.

ઇન્સ. ઇકબાલ રાજમહેલનાં પરસાળ સુધી પહોંચતા દાદરમાં ફસડાઇને ઉથલી પડેલો નજરે ચડતો હતો. તેનું બાઇક કંઇક વિચીત્ર રીતે ફાંગુ થઇને તેનાં જ પગ ઉપર ખલાયેલું હતું. તેનો ડાબો પગ બરાબર પીંડી પાસેથી બાઇકની નીચે સલવાયેલો હતો. બાઇકનું એન્જિન ભારે ઘરઘરાટી મચાવતું હજું પણ ચાલું જ હતું, જેના કારણે બાઇકનાં એકઝોસ્ટ પાઇપમાંથી કાળાં- સફેદ ધુમાડાંનાં ગોટે-ગોટ નીકળતાં હતા. સ્પષ્ટ રીતે જણાઇ આવતું હતું કે ઇકબાલખાન ભયંકર ધડાકા સાથે રાજમહેલનાં પગથીયા સાથે અથડાયો હતો અને તેની બાઇક ઉથલીને તેની ઉપર જ પડી હતી. એવું કેમ કરતાં થયું હતું એ એક આશ્વર્યનો વિષય હતો.

હું દોડયો અને ઝપાટાભેર દાદર ઉતરીને તેની નજીક પહોંચ્યો. એ સમય દરમ્યાન રાજમહેલનાં કર્મચારીઓમાંથી પણ થોડા માણસો ત્યાં દોડી આવ્યા હતાં. સૌથી પહેલાં મેં બાઇકની ચાવી ઘુમાવીને તેનું એન્જિન બંધ કર્યું. પછી બાઇકનું હેન્ડલ એક હાથે પકડી બીજા હાથે પાછલું કેરીયર પકડી બાઇકને ઉભી કરવાની કોશિશ કરી. બાઇક થોડું ઉંચું થતાં ઇકબાલે તેનો પગ ખેંચીને બહાર કાઢી લીધો. બન્ને હાથે દાદરનો ટેકો લઇ તે થોડો પાછળ ખસક્યો. એટલું કરવામાં પણ તેનાં ચહેરા ઉપર પીડાનાં ભાવો છવાયા હતાં. લાગતું હતું કે તેનાં પગમાં કોઇ જગ્યાએ વધુ વાગ્યું હશે.

પણ... મને આશ્ચર્ય એ બાબતનું હતું કે તે એકલો-એકલો પડયો કઇ રીતે..? બાઇકને સ્ટેન્ડ કરી ત્યાં સુધી હું તેનાં ચહેરાને તાકી રહયો હતો.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.