Murderer's Murder - 41 in Gujarati Crime Stories by Hardik Kaneriya books and stories PDF | મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 41

Featured Books
Categories
Share

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 41

મનીષાબેનની કબૂલાત ચાલુ જ હતી, “હું ફરી વાર આંખ અને કાન સતર્ક રાખી મારા રૂમમાં લંબાઈ ગઈ. મેં મારા રૂમની તમામ લાઇટો બંધ કરી દીધી હતી જેથી બહારના કોઈ માણસને હું જાગું છું એવી શંકા ન પડે. થોડી વારમાં મારા રૂમનો અધખુલ્લો દરવાજો પૂરી રીતે ખૂલ્યો, મેં આંખો બંધ કરી લીધી અને હું હલનચલન કર્યા વગર પડી રહી. મને શંકા હતી જ કે એવું કંઈક થશે. હું જાગું છું કે સૂઈ ગઈ છું તે જોવા માટે આરવી આવી હતી. તેના ચાલ્યા ગયા પછી હું ઘણી વાર સુધી એમ જ પડી રહી. પછી, ધીમેકથી મારા રૂમની બહાર નીકળી અને અભિલાષાના રૂમ પાસે ગઈ. દરવાજા પર રેડિયમનું દિલ ચોંટેલું હતું. હવે, નક્કી કર્યા મુજબ મારે ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દેવાનો હતો, જેથી દુર્ગાચરણ ઘરની અંદર ન પ્રવેશી શકે.

સહેજ પણ અવાજ ન થાય તેવી રીતે પગથિયા ઊતરી હું નીચે ગઈ, મુખ્ય દરવાજાનો આગળિયો ખુલ્લો હતો, દરવાજો ખાલી વાસેલો હતો. આગળિયો બંધ કરવા મારો હાથ લંબાયો, પરંતુ દરવાજો બંધ કરીને હું અભિલાષાને કાયમ માટે બચાવી શકવાની ન્હોતી. લલિતને પામવા પાગલ થયેલી આરવી નવી યોજના ઘડીને તેને ખતમ કરી દે તેમ હતી. અને તેવું ન થાય તો ય અભિલાષાનું જીવન નર્કાગાર બની જવાનું હતું.

મને લાગ્યું કે અભિલાષાના જીવન પર ઘેરાયેલા કાળા વાદળો વિખેરવાનો એક જ ઉપાય છે ; આરવીની મોત. એ રાંડ મરી જાય તો બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય એમ હતું. તેમ થવાથી ન તો કોઈની બદનામી થાય, ન તો લલિતનો સાચો ચહેરો ઉઘાડો થાય કે ન તો અભિલાષાના દામ્પત્યજીવનમાં તોફાન ઊઠે. નિખિલનું ભવિષ્ય પણ સલામત રહે. આમેય, આરવી જેવી દીકરી હોય તેના કરતા ન હોય તે સારું હતું. મારા રોમેરોમમાં તેના પ્રત્યે ધિક્કાર ઊઠ્યો હતો, દિલમાં ભયંકર ક્રોધ અને ગુસ્સો સળગી રહ્યા હતા.

મને લાગ્યું કે આરવીની યોજનામાં નાનકડા ફેરફારથી તેની હત્યાનો ઘાટ ઘડાઈ જશે. કોલ્ડ ડ્રિંકના ગ્લાસ બદલાવી મેં અડધો ખેલ ખેલી લીધો હતો. હવે, ઘરનો મુખ્ય દરવાજો બંધ કર્યા વગર પાછી ફરી જાઉં અને અભિલાષાના દરવાજા પર લાગેલું દિલ આરવીના દરવાજા પર લગાવી દઉં એટલે દુર્ગાચરણ અભિલાષાના બદલે આરવીની હત્યા કરી નાખે તે નક્કી હતું.

પછી, મને વિચાર આવ્યો કે હું ય આવું કરીશ તો મારા અને આરવીમાં શો ફરક રહી જશે ? તો બીજી બાજુ થયું કે બાવળના ઝાડને ખોદી કાઢવું જોઈએ, પોતાના ખેતરમાં ઊગ્યું હોય ત્યારે તો અચૂક. હું વિચારે ચડી ગઈ. ઘડીમાં થતું કે ગમે તેવી તો ય આરવી મારી દીકરી છે. તો ઘડીમાં થતું કે તે નપાવટ જીવતી રહેશે તો કેટલીય જિંદગીઓ બરબાદ કરી દેશે. ઘડીમાં થતું કે તે સમજી જશે, તો ઘડીમાં થતું કે બીજો કોઈ રસ્તો જ નથી. હું ગમે તે કરું, હાર મારી જ થવાની હતી.

છેવટે, નિર્દોષ અભિલાષા માટે, મારી જાત અને બલર પરિવારને બદનામીથી બચાવવા માટે, નિખિલના સારા ભવિષ્ય માટે, મેં મારા જીવનનો સૌથી અઘરો નિર્ણય લીધો ; આરવીની યોજનાને તેની અંતિમ યોજના બનાવી દેવાનો નિર્ણય, આરવીને તેના જ શસ્ત્રથી ખતમ કરી દેવાનો નિર્ણય...

ઘરના મુખ્ય દરવાજાને એમ જ ખુલ્લો રહેવા દઈ હું ઉપર આવી. આરવીના રૂમનો દરવાજો ખોલી મેં અંદર જોયું. રૂમમાં ફેલાયેલા ગાઢ અંધકારમાં તે આરામથી ઊંઘી રહી હતી. પછી, હું અભિલાષાના રૂમ પાસે ગઈ, મેં તેના દરવાજા પર લાગેલું દિલ ઉખેળ્યું અને મારા પગ ધ્રૂજવા લાગ્યા. દીકરીની હત્યાના નિર્ણયને અમલમાં મૂકવો, તે નિર્ણય કરવા કરતા અનેકગણું કઠણ હતું. મારા આખા શરીરે પરસેવો વળી ગયો, મારું દિલ ભયાનક રીતે કલ્પાંત કરવા લાગ્યું, મારી આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. છતાં, દિલ પર પથ્થર મૂકીને મેં તે સ્ટીકર આરવીના દરવાજા પર લગાવી દીધું. મારા માટે બધું જ ખતમ થઈ ગયું હતું, બધું જ. પણ, હું અભાગણી જોરથી રડી શકું તેમ ય ન્હોતી.”

“આ બધું કરતી વખતે તમને પકડાઈ જવાનો ડર ન લાગ્યો ?” ઝાલાએ પૂછ્યું.

“લાગ્યો હતો, પણ મારા પર કોઈને શંકા પડવાની શક્યતાઓ નહિવત્ હતી. જો દુર્ગાચરણ પકડાય તો તે આરવીનું નામ આપવાનો હતો અને તેમ થાય તો ય આરવી કોને મારવાની હતી, શા માટે મારવાની હતી, અન્યના બદલે તે કેમ મરાઈ તે પ્રશ્નોના જવાબ કોઈને મળવાના ન્હોતા. જોકે, એક કામ હજુ બાકી હતું. આરવીએ દુર્ગાચરણને કહ્યું હતું કે તેના ગયા પછી બંગલોનો દરવાજો બંધ થઈ જશે. તેણે એવું નહોતું કહ્યું કે તે પોતે દરવાજો બંધ કરશે. હું જાણવા માંગતી હતી કે દુર્ગાચરણના ગયા પછી ઘરનો દરવાજો કોણ બંધ કરે છે ? લલિત તેની યોજનાનો હિસ્સો છે કે કેમ ?”

“દુર્ગાચરણ આરવીના રૂમમાં ગયો એ પહેલા અન્ય કોઈ વ્યક્તિ આરવીના રૂમમાં પ્રવેશી હતી ?” ડાભીએ પૂછ્યું.

“હું મારા રૂમના અધખુલ્લા દરવાજામાંથી આરવીના રૂમ પર નજર રાખી રહી હતી. બરાબર સાડા બાર વાગ્યે મેં અભિલાષાને આરવીના રૂમમાં પ્રવેશતા જોઈ. તે થોડી વારે બહાર આવી અને દરવાજો હતો તેમ બંધ કરીને ચાલી ગઈ. તે અને આરવી રાત્રે સાથે સૂતા હતા. અભિલાષાની ઊંઘ ઊડી જતા તેને થયું હશે કે આરવી ક્યાં ગઈ ? આરવી પોતાના રૂમમાં સૂઈ ગઈ છે કે કેમ તેની ખાતરી કરવા તે ત્યાં આવી હશે.”

“અમને અભિલાષાએ આ વાત કહી હતી, બીજું કોઈ જાગતું હતું ?” ડાભીએ પૂછ્યું.

“હા.”

“કોણ ?” ઝાલા અને ડાભીની ઉત્તેજના ચરમસીમાએ પહોંચી. મનીષાબેનના મુખે બોલાવા જઈ રહેલું નામ તેમને વધુ એક ગુનેગારની નજીક લઈ જવાનું હતું.

“અભિલાષા ગઈ પછી અડધી કલાક બાદ મને આશ્ચર્ય થાય એવી ઘટના ઘટી. બિલ્લીપગે આવેલા મુક્તાબેન આરવીના રૂમમાં ગયા અને તેમણે રૂમનો દરવાજો બંધ કરી દીધો. મેં ઘડિયાળમાં જોયું તો રાતનો એક વાગ્યો હતો. થોડી વાર પછી દરવાજો ખૂલ્યો અને તેઓ પોતાનો નેણ ખંજવાળતા બહાર નીકળ્યા. તેમણે હાથમોજા પહેર્યા હતા, તેમના હાથમાં થેલી હતી.”

“મુક્તાબેન આવ્યા ત્યારે થેલી સાથે લઈને આવ્યા હતા ?” ઝાલાએ પૂછ્યું.

“ત્યારે મને તેમની પીઠ દેખાતી હતી એટલે તે વિશે ખાતરીપૂર્વક નથી કહી શકતી. પણ, અડધી રાત્રે તેઓ આરવીના રૂમમાં શા માટે ગયા તે પ્રશ્ન મારા માટે કોયડો બની ગયો. તેમના ગયા પછી હું ચોરપગલે નીચે ગઈ અને તપાસ્યું કે તેમણે ઘરનો દરવાજો બંધ તો નથી કરી દીધો ને ?”

“અને ?”

“દરવાજો ખુલ્લો હતો. હું ફરી મારા રૂમમાં આવી, ઘડિયાળના કાંટાને દોઢની નજીક સરતો જોઈ રહી. મારો અજંપો વધવા લાગ્યો હતો. મને વારંવાર થતું હતું કે હું કેવી મા છું જે પોતાની દીકરીને મારવા તૈયાર થઈ છે ? દોઢ વાગવામાં અમુક સેકંડો બાકી હતી ત્યારે મને થયું કે ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી આવું જેથી આ કંઈ થાય જ નહીં. હું ઊભી થઈને મારા રૂમના દરવાજા સુધી ગઈ, પણ મને લાગ્યું કે કોઈ ઉપર આવી રહ્યું છે. દુર્ગાચરણ આવી પહોંચ્યો હતો. મેં તેને આરવીના રૂમનો દરવાજો ખોલતા જોયો અને હું મારી જગ્યાએ જડાઈ ગઈ.

જે છોડને ખાતર-પાણી આપી મેં જતનથી ઉછેર્યો હતો, જેના પ્રત્યે મને અનહદ લાગણી હતી તેને મૂળિયા સોતો ઉખેડી ફેંકવામાં હું પ્રધાન ભૂમિકા ભજવી રહી હતી. થોડી વારમાં દુર્ગાચરણ રવાના થયો અને હું સાવ ભાંગી પડી. મારાથી ડૂસકું ભરાઈ ગયું, અવાજ થશે તો કર્યા કરાવ્યા પર પાણી ફરી વળશે એવો વિચાર આવતા હું રુદન રોકી શકી, વેદના અને આંસુ નહીં. કેટલીય વાર સુધી મેં ચુપચાપ રડ્યા કર્યું.” તેમની આંખોમાંથી મસમોટા આંસુ દડ્યા.

“એક બાજુ થતું હતું કે આરવીને હજુ બચાવી લેવાશે. તો બીજી બાજુ થતું હતું કે તે કુલટાને બચાવી કુળનો વિનાશ કરવો છે ? આરવી પળેપળ મૃત્યુના મુખમાં ગરકી રહી હતી. હું આરવીને બચાવવી કે મરવા દેવી એવા વિરોધાભાસી વિચારોમાં અટવાતી રહી. મને થતું હતું કે હું આ બધું રોકી લઉં, પરંતુ અન્ય કોઈ રસ્તો ન હતો. અન્યને દફનાવવા ખોદાયેલી કબરમાં આરવી પોતે દફન થઈ રહી હતી. પેટજણી દીકરીને નજર સામે મરતી જોવાનો બોજો અસહ્ય હતો. જેને સતત ચિરંજીવ રહેવાના આશીર્વાદ આપ્યા હતા તેવી મારી દીકરી આરવીને મેં મરવા દીધી. મેં ખૂબ અધમ કૃત્ય કર્યું છે, મને ફાંસીએ ચડાવી દો.” તેમણે ‘આરવી’ના નામની ચીસ પાડી ને જોરથી છાતી કૂટી.

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)