અધુરા અરમાનો-૩૪
ઘડીકવાર માટે તો જય અને ભાવેશની મતિ બહેર મારી ગઈ. "સેજલ....!" કરતા એ બંને દોડી આવ્યા.
સૂરજ હજી કટાર ઝાલીને ઊભો હતો.
ઘડીકવારે સેજલને કળ વળી. એણે છાતીમાં હાથ મૂક્યો. હેમખેમ જણાયું. સૂરજને ભેંટી પડી. કહ્યું:" સૂરજ, મને લાગ્યું જાણે તે મારો જીવ લઈ લીધો! કિન્તું સમજાયું કે જે જીવ આપવા તૈયાર હોય એ જીવ લઈ જ કેમ શકે? તું મને તો શું પરંતું તને ખુદને મારી નાખતા પણ સો વાર વિચારશે?"
"તો હવે તારો શો વિચાર છે? તું મને શીદને સમજતી નથી? અરે, તારી સંગાથે પ્રેમ કરીને જેટલી ખુશી મળી છે એનાથી અધિક દુ:ખ તો પ્રેમલગ્ન કરીને મેળવ્યું છે. હાં, પણ એમાં તારો જરાય વાંક નથી હો. મારા ફૂટેલ કર્મોના કારણે આ થઈ રહ્યું છે."
"સૂરજ! શા માટે તું વિવશતાને વશ થઈને દુઃખી થાય છે? અને મને પણ શા માટે દુઃખી કરે છે. શા માટે તું જગત સામે આપણા પવિત્ર પ્રેમને પાંગળો બનાવે છે? તું સ્વસ્થ બનીને વિચાર કર. પ્રેમલગ્ન કર્યા એમાં એવું તો શું ખોટું કરી નાખ્યું છે જેથી આટલો બિહામણો બની ગયો છે?"
સેજલના સવાલોમાં સૂરજે વાત વધારી:" કાલે સાંભળ્યું હતું એ મારા ઘેર, બિચારા કેટલા દુઃખી દુઃખી થઇ રહ્યા હતા. વળી મારો પરિવાર જેટલો ગુસ્સે થયો છે તેનાથી બમણા તારા પપ્પા ગુસ્સે થયા હશે. દુઃખી પણ થયા હશે. કાલે મારા પરિવારને છોડીને અત્યારે મને પારાવાર દુઃખ થઇ રહ્યું છે. તને લઈને હવે ક્યારેય મારા ઘેર હું પગ નહીં મૂકી શકું. મારું તો ઠીક છે કિન્તુ મારા પરિવારનું જીવન હરામ થઈ ગયું છે હરામ!"
"સુરજ! લગ્ન નહોતા કરવા તો પ્રેમ શા માટે કર્યો હતો? શા માટે મારી જિંદગીમાં આવ્યો હતો? શા માટે મને લગ્નનું વચન આપ્યું હતું? બોલ, જવાબ છે તારી પાસે?"
" સેજલ, બકા ગુસ્સે ના થા. તને લગ્નનું વચન આપીને મેં મારી મોટી ભૂલ કરી છે પરંતુ એ વચનને નિભાવ્યું પણ છે. એ વચનને ખાતર કેટલા દિલને દુભાવ્યું છે એ ખબર છે તને? અને સાંભળ, 'પોતાના સ્વાર્થ ખાતર જે માણસના આત્માને છેદે છે તે માનવ નહીં પણ મહાદાનવ."
"સુરજ! પ્રેમ કરવો હોય; પ્રેમ લગ્ન કરવા હોય; પ્રેમની મંજિલ પામવી હોય તો આ દુનિયાના રીત-રિવાજો ભૂલી જવા જોઈએ. અને સાંભળ,જે માણસ બદનામી અને બરબાદીથી ડરી જાય છે તે જગતના મહામૂલા પ્રેમને પામવાને લાયક રહેતો નથી."
"કિન્તુ આપણી ભૂલનું પરિણામ પરિવારજનો ભોગવે એ કોના ઘરનો ન્યાય? સેજલ, દુનિયાથી ટક્કર લેવી સહેલી છે. સમાજને પણ કરાવી શકાય છે. કિંતુ જે માવતરે આપણને જન્મ આપીને ઉછેર્યા, સંસારના દિવ્ય દર્શન કરાવ્યા, જેમણે આપણને જિંદગી જીવતા શીખવાડી એ પ્રભુમૂરત -પ્રાતઃસ્મરણીય માવતર સામે કેમ કરી છાતી કાઢી શકાય? વળી આપણો પ્રેમ તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાંગર્યો ને ફૂલ્યોફાલ્યો છે. પરંતુ માવતર સાથેનો પરિવાર સાથેનો આપણો 18 - 21 વર્ષનો પ્રેમ છે, એ પવિત્ર પ્રેમને આમ આપણા સ્વાર્થ ખાતર તોડી નાખો વાજબી નથી. અને આજે અત્યારે એ મહાન પ્રેમને છોડીને હું તારી પાસે છું કિન્તુ મારું હૈયું એ પ્રેમની ખાતર અત્યારે તડપી રહ્યું છે." ઝળઝળીયા ભરેલી આંખો ને સાફ કરતાં સૂરજ બોલ્યો.
"તો પછી એ પ્રેમને છોડીને શા માટે મારી પાસે પ્રેમ ની ભીખ માંગવા આવ્યો હતો? શા માટે મને તારી પનારે પાડી? અને આજે આવા મહાજ્ઞાની જેવા વચનો બોલ્યે જાય છે! ત્યારે એ બધો વિચાર કરવો હતો ને!"
"એ તો ભોળું મન અને લાગણીથી ઉભરાતી ભોળી જવાની હતી. આજે હવે ભાન થાય છે કે એક નાની સરખી ભૂલ કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે? પ્રેમ તો હું તને આજેય એટલો ને એટલો જ કરું છું અને કરતો જ રહીશ, પરંતુ....!"
"સૂરજ, તું ગમે તે કહે કે કરે. હું તને છોડીશ તો નહીં જ, ક્યારેય નહીં છોડું! સિવાય કે મોત."
"આ તો તારી નરી વાસના છે. પતિ પત્ની તરીકેની જિંદગી જીવવા કરતા તો પ્રેમી પ્રેમિકાની જિંદગી જીવવામાં જ મજા છે. એ તો વખત આવે તને ખબર પડશે, સેજલ."
બંનેની વાતોથી જય અકળાઈ રહ્યો હતો. એને લાગી રહ્યું હતું કે બેમાંથી એકેય પક્ષપલટો કરે એમ નથી. એટલે એણે સૂરજનો પક્ષ લઈ સેજલને સમજાવવા કહ્યું:"સેજલ સૂરજ ઠીક કહે છે. અને તમે માની જાવ. બાકી તમારા પરિવારનું કશું નહીં થાય. તમને કશું નહીં થાય કે આ સૂરજનેય કદાચ કંઈ નહીં થાય. કિન્તુ સૂરજના પરિવારની તો અત્યારે બરબાદી અને બદનામી બોલાઇ રહી હશે. તમને તો કદાચ ખબર નહીં હોય. આજથી દસેક મહિના પહેલા નગરીના એક ભાઈએ સૂરજની જેમ પ્રેમ લગ્ન કર્યા હતા. તેને અને તેના પરિવારને અમારા સમાજે રૂપિયા ૫૦ હજારનો દંડ કરીને ન્યાત બહાર કાઢ્યા હતા. અને બરબાદી બદનામી બોલાવી એ તો અલગ. એટલે સૂરજ પર દયા ખાઈને માની જાઓ."
જય બોલી રહ્યો કે સૂરજે તરત જ ચાલુ કર્યું:" અને તું વિચાર કર કે અત્યારે તું મારી પાસે છે ત્યારે શું તારા મમ્મી-પપ્પાને દુઃખ નહિ થતું હોય? એમની લાગણી નહિ દુભાઈ હોય? એ દિવસે જ્યારે તું મારી યાદોમાં ભાન ભૂલી ગઈ હતી ત્યારે તારી ખાતર તારી મમ્મીએ આખી રાતનો ઉજાગરો વેઠ્યો હતો! એ હૈયાને દુઃખ નહિ થતું હોય? વળી, તું છેલ્લા અઠવાડિયાથી મારી જોડે છે. રાતોની રાતો આપણે એકાંતમાં ગુજારી છે. એમના મનને જરાય શંસય નહીં થતો હોય? એ આત્માને કેટલું દુઃખ થતું હશે?"
"તું શું કહેવા માંગે છે? મને સીધેસીધું કહી દે!" મમ્મી-પપ્પાના દુઃખની વાત સાંભળીને તેજલ ભોંઠી પડી ગઈ.
"મારે માત્ર એટલું જ કહેવું છે કે આપણે બંને પતિ પત્ની બનવાનું માંડી વાળીને પહેલાંના જેવી પ્રેમી-પ્રેમિકા તરીકેની મધુર જિંદગી જીવીએ." બોલતા- બોલતા સુરજ મારુતિ માં જઈ બેઠો. સેજલ પણ એની પાછળ પાછળ જઈને મારૂતીમાં બેઠી. જય અને ભાવેશે પણ જગ્યા લીધી. બપોર થતામાં તો મારુતિ પાલનપુરની અદાલતમાં આવીને ઊભી રહી.
અને 'અભી બોલા અભી ફોક' ની જેમ ગઇકાલના પ્રેમલગ્ન આજે તલાકમાં પરિણામ્યા! પ્રેમી-પ્રેમિકા માંથી પતિ-પત્ની બનેલા બંને જણા પાછા પાછલી જિંદગીમાં એટલે કે પ્રેમી-પ્રેમિકા બની ગયા! સૂરજને મોટી હશ થઇ. જાણે પોતે 'કાળાપાણી'ની સજામાંથી મુક્ત થયો હોય એમ એણે પાલનવાડા તરફ મારૂતી હંકારી મૂકી.
એ મનમાં બબડ્યો, "રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું? જે જવાની હતી એ આબરૂ તો ગઈ. ભેગાભેગી સેજલ પણ ગઈ! મારી પાસે રહ્યું શું? માત્ર અફસોસ! એકલતા! વીરહ! ખાલીપો!" એની છાતીમાં ભયંકર દુખાવો ઉપડ્યો. એ એણે ગણકાર્યો નહિ.
બરાબર બપોરના બાર થતામાં તો કિશોરીલાલની ઇંતેજારીનો ઉમળકો વધી ગયો. એ આવી સેજલ...! એ આવી સેજલ..! એમ બમડતા શેઠનો કાગની ડોળે સેજલ ની રાહ જોઈ રહ્યા હતા. ઘર બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એની તો એમને ક્યાંથી ખબર? કિશોરીલાલશેઠ સેજલની ઇન્તેઝારીમાં ઓળઘોળ હતા. જ્યારે સૂરજના પરિવારજનો કિશોરીલાલને સમજાવવાની પેરવીમાં પાલનવાડાની ગલીઓમાં એમનું ઘર શોધી રહ્યા હતા. એ વખતે આસપાસના લોકો સુરજ- સેજલની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યાં હતાં. શહેરની ગલીએ ગલીએ નિર્દયી લોકો સુરજ - સેજલના પ્રેમની, પ્રેમલગ્નની બદનામી બોલાવી રહ્યા હતાં.
કિશોરીલાલનું ઘર શોધતા- શોધતા કિશન અને નર્મશંકર એમના દરવાજે આવી ઊભા રહ્યાં ત્યારે લોકોનું એક ટોળું એમને ઘેરી વળ્યું. બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ. ભયંકર હાથાપાઈ થવાની હતી અને તાકડે જ સેજલની ડેલીનો દરવાજો ખખડ્યો. સૌની એ તરફે મીટ મંડાણી.
- ક્રમશ: