હું કયારેય તારું મોઢું જોવા નથી માગતો, દૂર થઈ જા મારી સામેથી.....આઈ હૅટ યુ....
ઝંખના વિચારી રહી હતી કે તેનાથી શુંં ભૂૂલ થઈ? પણ અત્યારે એને કંઈ જ યાદ આવતું ન હતું.
અચાનક થોડા દિવસ પહેલાં ની સ્મિત ની કરેલ મજાક યાદ આવે છે, "ઑફિસમાં જે નવી એમ્પ્લોઈ આવી છે, તે ઝરણને ફસાવી લેવાની છે, ધ્યાન રાખજે ઝંખના"આજ એને આ મજાક હકીકત બની ગઈ હોય એવું લાગી રહ્યું હતું.
એ પોતાના ઘર તરફ જાય છે, ઝરણ દરવાજા ની સામેના પગથિયાં પર જ સૂઈ રહ્યો હતો. ઝંખના ઘરમાં દાખલ થઈ ને પોતાની બૅગ પૅક કરી ચાલી નીકળી. સપનાઓ થી સજાવેલા ઘરને પોતાની નજરમાં સમાવી. જયાં હવે તેની કોઈ જગ્યા ન્હોતી.
રાતનો અંધકાર ઘેરાઈ રહ્યો હતો. કઈ દિશામાં જવું એ સમજાતું નહોતું. રેલ્વે પ્લેટફોર્મ ના બાંકડા પર બેસીને સતત રોઈ રહી હતી.
એવા માં એક વ્હાલ ભર્યો સ્પર્શ એને જગાડી રહ્યો હતો. ઝંખના ઊઠ બેટા, હાલ ઝલ્દી વાડીએ જાવાનું મોડું થાયસે......
ઝંખના ઝડપથી ઊઠી નિત્યક્રમ થી પરવારી જમના માં સાથે તેમની વાડીએ ગઈ.
વાડીમાં હાલમાં તો કંઈ જ ન્હોતું. માટીના ઢેફાં ને દરિયા કિનારે જ વાડી હોવાથી દરિયાના પાળા બાજુએ થી ઉડતી ઝીણી રેતી જેને બધા પૈણો કહેતાં. ને થોડી જગ્યામાં નારિયેળના થોડા ઝાડ. બસ આ જ જમના માં ની વાડી. જમનામાં વાડીમાં ઢેફાં ભાંગતા ને ઝંખના નારિયેળના પાનને વણી ને બનાવેલી નાનકડી ઝૂંપડીમાં સાફસૂફ કરતી. થોડી વારે રહી ને જમના માં ને પાણી પાતી. પછી દરિયા અને વાડી ની વચ્ચેના પાળા પર જઈને બેસતી ને દરિયાને એકીટશે જોઈ રહેતી. પોતાની અંદર સમાવી ને આવેલા ઝરણના અંશ સાથે પોતાના પ્રેમ ના એ પળો ને વાગોળતી.
આજના સપનાને લીધે એ વિહવળ થઈ ગઈ હતી. આટલા મહિનાઓ વિતી ગયા પણ હજુ આ ગઈકાલ ની જ વાત હોય એવું લાગતું હતું. ઉપર થી રોજ રાત્રે હેરાન કરતું એ જ સપનું....
સપનું નહીં પણ હકીકત......
ઝંખના ને યાદ આવી ગઈ એ રાત......
ઘર છોડી દીધા બાદ રેલ્વે પ્લેટફોર્મ પર રડતી ઝંખના માટે જમના માં, જાણે એની માં બનીને આવ્યા હતા.
જમના માં, પચાસ આસપાસ ની ઉંમર એમની. મોટા શહેરમાં રહેવું એમને ગમતું તો ન્હોતું પણ એકના એક દિકરા ને વહુ માટે આ શહેર માં આવેલા. પણ થોડા જ દિવસો માં દિકરા અને વહુની દાનત દેખાય આવેલી. કેમ અચાનક દિકરાને ને વહુને માં ની યાદ આવી ગયેલી? કેમ ગામના ઘર અને વાડી વેચીને માં ને પોતાની સાથે લઇ જવા આવેલા? વહુ જયારે દિકરા ને સમજાવતી હતી કે માં ને પટાવી ને ગામના વાડી ને ઘર વેચી ને શહેરમાં નવું ઘર લઈ અને પછી માં ને વૃધ્ધાશ્રમ માં મૂકી આવશું અને જમના માં ને આ સાંભળીને તો જાણે ભૂકંપ જેવી અનુભૂતિ થઈ આવી. ને પોતાનો સામાન લઈને નીકળી ગયા દિકરા ને વહુના ઘર માંથી. અભણ હતાં, કયાં જવું કંઈ ખબર ન્હોતી. બસ પોતાનું સ્વમાન, પોતાના ઘર અને ધણીની વાડી બચાવવા નીકળી પડ્યા.
રેલગાડીમાં આવેલા એ યાદ. એટલે પૂછતાં પૂછતાં રેલ્વે સ્ટેશન પહોંચી ગયા. ત્યાં ઝંખના ને રડતાં જોઈ ને એક માં નું હૃદય વલોવાઈ ગયું. એમને એક દીકરી મળી ને ઝંખના ને માં.
ઝંખના જમના માં સાથે એમના ગામમાં આવી ને વસી ગઈ. પણ ઝરણની યાદ એને કોરી ખાતી હતી. જમના માં એની દિકરી ને હીઝરાતી જોઈ શકતા ન્હોતા. પણ શું કરે કંઈ સમજાતું ન્હોતું.
એવામાં એક દિવસ ઝંખના ને ચક્કર આવતા તે પડી ગઈ. આસપડોસની મદદ લઈ જમના માં નજીકના દવાખાને લઈ ગયા. જમના માં ડૉક્ટર ની વાત ધ્યાન થી સાંભળી રહ્યા હતા.
"જુઓ માજી તમારી દિકરી ને ડીલીવરી માં થોડા કૉમ્પ્લિકેશન છે, બાળક આડું છે એટલે સર્જરી આવશે એ સમયે એનો પતિ હાજર હોય તો સારું રહેશે" જમના માં ને કૉમ્પ્લિકેશન મા તો કંઇ સમજ ન પડી પણ એટલું તો જાણી જ ગયા કે ડીલીવરી વખતે એના વરને હાજર રહેવું પડશે.
ઝંખના ને વાત કરી પણ તેને ઝરણના કહેલા શબ્દો કાનમાં ગૂંજી ઉઠ્યા," હવે કયારેય મને તારું મો ન બતાવતી." એવામાં કઈ રીતે એને અહીં બોલાવવો. નવમો મહિનો પૂરો થવામાં હતો. જમના માં ને ઝંખના ની ચિંતા થઈ આવતી પણ ઝરણ ને કયાં ગોતવો.????
જમના માં હમણાંથી રોજ પોસ્ટ માસ્ટર કિશોર દાદા પાસે જાય છે પણ ઝંખના કંઈ પૂછે તો આડીઅવળી વાત કરી ટાળી દે. એમ કરતાં કરતાં એ દિવસ પણ આવી ગયો જયારે ઝંખના પોતે માં બની એક નવું જીવન આ દુનિયામાં લાવવાની હતી.
અડધી રાત્રે દુખાવો શરૂ થઇ ગયેલો. ઘરથી ૨-૩ કિલોમીટર ના અંતરે એક થોડું મોટું કહી શકાય એવું હોસ્પિટલ, જ્યાં લગભગ બધી સુવિધા મળી રહે. જમના માં એ અગાઉ જ એક છકડા વાળા ને કહી રાખેલું એટલે ઝંખના ને હોસ્પિટલ પહોંચાડતા બહુ વાર ન લાગી.
ઑપરેશન થિયેટરમાં ઝંખના અર્ધજાગ્રત અવસ્થામાં પડી હતી. ડૉક્ટરો કંઈક મસ્લત કરી રહ્યા હતાં. બાળકનું બ્લડ ગ્રુપ રૅર હતું ને એને બ્લડ ની જરૂર હતી. ઝંખના ને આમ તો કંઈ વાંધો ન્હોતો આવવાનો પણ જો બાળક ને કંઈ થાય તો એ આઘાત ઝંખના માટે પ્રાણઘાતક થઈ શકે એવી બીક એ ત્યાં ઉભેલા ડૉક્ટરો ના ચેહરા પર જોઈ શકાતી હતી. પણ હવે કંઈ સંભળાતું ન્હોતું. બેભાન કરવા આપેલી દવા તેનું કામ કરી રહી હતી ને ઝંખના ધીમે ધીમે સંપૂર્ણ બેભાન થઇ ગઈ.
માથા પર કોઈનો પ્રેમાળ સ્પર્શ થયો ને ઝંખના ની આંખો ધીમે ધીમે ખુલી. જમના માં ને જોતાં જ એના સૂકાઇ ગયેલા હોઠો પર હળવું સ્મિત ઉભરાય આવ્યું અને સાથે જ આંખોમાં એક અજંપા ભર્યો પ્રશ્ન.....
જમના માં એના મૂક પ્રશ્ન ને સમજી ગયા ને દરવાજા તરફ નજર નાખી...
ઝંખનાએ એ તરફ જોયુ ને બસ જોતી જ રહી..... મગજમાં વિચારો નું ધમાસાણ મચી ગયું ને આંખોમાં વહેતા આંસુઓ ની ધારા............
એને પોતાની આંખો પર વિશ્વાસ ન્હોતો આવતો. શું સાચે જ ઝરણ એના બાળક ને લઈ ને ત્યાં ઊભો છે કે પછી આ એક ભ્રમ છે,,,??
થોડી પળો એમ જ વીતી ગઈ. કોઈ કશું બોલતું નથી.. હર્ષ અને દુઃખ ની એ લાગણીઓ વચ્ચે અજંપા ભરી શાંતિ......
જમના માં ના અવાજ થી એ બોઝીલ શાંતિનો અંત આવ્યો.," ઝંખના સો વરસની થાજે, કુળદેવી એ દિકરો દીધો છે બેટા, ને એ દિકરો તારી મનોકામના પૂરી કરવા એના બાપનો હાથ એના માથે લઈને આવ્યો છે.."
ઝંખના નું સપનું હતું કે જયારે એનું બાળક આ દુનિયામાં આવે ત્યારે એની જેમ અનાથ ન હોય, એના પિતાનો હાથ એના માથા પર હોય. અને આજે એ સપનું હકીકત બની ચૂક્યું હતું. ઝરણ એની પાસે આવે છે, આંખો માં પોતાની ભૂલ બદલ ના આંસુ.
આસપાસ ઊભેલા દરેક એમના આ મિલન ને જોઈ રહ્યા છે. ઝરણ દિકરા ને ઝંખના ના હાથમાં મૂકીને એના માથા પર હાથ ફેરવી રહ્યો છે ને સતત પોતાની ભૂલ માટે ક્ષમા માંગી રહ્યો છે.
હવે ઝંખના ની આંખોમાં આંસુ તો છે પણ હર્ષ ના અને હોઠો પર હળવી મુસ્કાન....નર્સ આવી ને કહી ગઈ છે કે ઝંખના ને સંપૂર્ણ આરામ ની જરૂર છે. એટલે સૌ આઘાપાછા થઈ જાય છે. ઝરણ ડૉક્ટરની સૂચના મુજબ ની દવાઓ લાવવા ગયો છે ને ઝંખના પોતાના બાળક ને પ્રથમ વાર પોતાની છાતીએ વળગાડી માં હોવાનો એહસાસ કરી રહી છે. થોડી વારે જમના માં બાળક ને પોતાના ખોળામાં લઈ લે છે અને ઝંખના એક આરામ અને શાંતિ પૂર્વક ની ઊંઘ માં ગરકાવ થઈ જાય છે.
સર્જરીના લીધે ચાર પાંચ દિવસ હોસ્પિટલનું રોકાણ હતું. અને ઝંખના ને વધુ વાત કરવાની મનાઈ હોવાથી બધી ક્રિયા શાંતિ પૂર્વક ચાલ્યા કરે છે. ઝરણનાં અહિયાં પહોંચ્યા બાબતે એના મનમાં પ્રશ્ન સળવળ્યા કરે છે. પણ હમણાં નહીં પછી શાંતિ થી વાત કહીને ઝરણ અને જમના માં બેય વાત ને ટાળી દે.
છઠ્ઠા દિવસે રજા મળી. જમના માં એ ઘરને શણગારી રાખ્યું હતું. દરવાજે આસોપાલવ ના તોરણ, તાજી લીપેલી ગાઈરની સુગંધ સાથે કંકુ પગલાં પાડી ઝંખના નાના કાનુડાને લઈ ઘરમાં પ્રવેશી.જમના માં સિવાય એમના સગાં સંબંધી ને પડોશીઓ નું ઘર ભર્યુ છે. આજ બાળકની છઠ્ઠી કરવાની હોય જમના માં એ અગાઉ થી જ બધાને નોતરું આપી દીધું હતું. પડોશમાં જ રહેતી ચંપા અત્યારે બાળકની ફઈ બની ગઈ છે ને છઠ્ઠી ની વિધિ કરી રહી છે. નામ પાડવાનો સમય થયો ને ઝરણ સામે જોવાયું. ઝરણે નામ ઉચ્ચાર્યુ, "સ્મિત". ને ઝંખના એને નિહાળી રહી. વિધિ પૂરી થઈ. બધા ને પેંડા વેચાયા. ધીમે ધીમે બધાએ વિદાય લીધી. હવે ઝંખના પોતાના મનનો ઉચાટ સમાવવા ઉતાવળી બની છે. ઝંખના પ્રશ્ન સૂચક નજરે ખાટલા માં સૂતી છે અને ઝરણ અને જમના માં એની પાસે જવાબ આપવા તૈયાર ઊભા છે.
અગાઉ જે ઘટનાઓ બની( પ્રેમના એ પળ પુસ્તક વાંચી જવી) અને જે ગેરસમજ થઈ એ વિશે ઝરણ ઝંખના ને સમજાવે છે. ઝંખના ના મન પર જે બોજ હતો એ આજ દૂર થયો. એના મનમાં ઊઠેલી શંકા કુશંકા દૂર થઈ ગઈ. ગેરસમજણ નું એક વાદળ જે ઝંખના ના મનમાં હતું એ દૂર થઈ ગયું હતું અને ઉજાસ છવાઈ ગયો હતો.
હજુ એક પ્રશ્ન હતો, " કે ઝરણ ખરા સમયે અહિયાં પહોંચ્યો કઈ રીતે??" ઝંખના જમના માં ને મરક મરક હસતાં જોઈ રહી.
જમના માં આજે ભલે હસી રહ્યા રહ્યા હોય પણ જ્યારે ઝંખના ની ડિલિવરી ની તકલીફ વિશે જાણેલું ત્યારે તો તેમના ચહેરા પરથી રંગ જ ઊડી ગયો હતો. ઉપરથી ઝંખના ઝરણને બોલાવવા માટે માનતી ન્હોતી. શું કરવું એ ગડમથલમાંં હતાં. એમને ઝરણ વિશે જો કોઈ પણ જાણ હોત તો ક્યારના એ ઝરણને મનાવી ને લઈ આવ્યા હોત..
પણ અત્યારે શું કરવું.? ડીલીવરી ને ઝાઝી વાર ન્હોતી એવામાં ઝરણને ક્યાં ગોતવો??
આવા કપરા સમયમાં ભગવાને જ ગામના પોસ્ટ માસ્તરને એમની વા'રે મોકલ્યા હશે. હાથમાં છાપું લઈ જમના માં પાસે આવ્યા ને છાપામાં છપાયેલ ફોટો બતાવ્યો. હા, એ ફોટો ઝંખના નો જ હતો. નીચે લખ્યું હતું, "ઝંખના ક્યાં છે તું? પ્લીઝ પાછી આવી જા. મારી ભૂલને માફ કરી દે." નીચે નોંધ પણ હતી, જે કોઈ ઝંખના ની માહિતી આપશે એને યોગ્ય ઈનામ આપવામાં આવશે. અને ઝરણ નો સંમ્પર્ક નંબર.
જમના માં તો કિશોરભાઈ ની વાત સાંભળીને રડું રડું થઈ ઊઠ્યા ને એમનો ને ભગવાનનો આભાર માનવા લાગ્યા. તરત એમની ઑફિસે ગયા ને ઝરણનો નંબર લગાડ્યો. પણ ઝરણ ફોન ઉપાડતો નથી. જમના માં થોડા નિરાશ થાય છે પણ એક આશા જાગે છે આજ નહીં તો કાલ ઉપાડશે. ઑફિસ બંધ કરવાના સમય સુધી કિશોર દાદા પણ પ્રયત્ન ચાલુ રાખે છે. આ જ કારણ થી જમના માંં ના પોસ્ટ ઑફિસ ના ધક્કા ચાલુ થયા. બે દિવસ, ચાર દિવસ, દસ દિવસ અંતે ઝરણ સાથે વાત થઈ. ઝંખના ના સમાચાર મળતા જ જાણે દુનિયા મળી ગઈ. દસ દિવસ થી તે એક પ્રોજેક્ટ માટે બહારગામ ગયો હતો. ઝંખના વિશે જાણીને તરત જ ઝંખના પાસે આવવા નીકળી ગયો. ને ખરા સમયે તેની પાસે પહોંચી ગયો. જમના માં એ આજ સાચે જ ઝંખના ની માં હોવાની ફરજ અદા કરી હતી. ઝંખના અને ઝરણ હર્ષ ના આંસુ સહ જમના માં ને નિહાળી રહ્યા. આટલા મહિના ના વિયોગ પછી મળેલા આ જોડકાને થોડો અવકાશ મળી રહે એટલે જમના માં રસોડા તરફ પ્રયાણ કરી ગયા. ઝંખના અને ઝરણ જમના માં ઉપરાંત કિશોર દાદા નો પણ મનોમન આભાર માનવા લાગ્યા. એક ઝંઝાવાત પછી નો ઉઘાડ બંને ના મન માં પથરાય ગયો. પાનખર માં મુરઝાઈ ગયેલ પ્રેમી યુગલ નાનકડા સ્મિત ની કિલકારી ની વસંત થી ફરીથી મ્હોરી ઊઠ્યા......
સમાપ્ત✍️