Murderer's Murder - 39 in Gujarati Crime Stories by Hardik Kaneriya books and stories PDF | મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 39

Featured Books
Categories
Share

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 39

“જો તમે આ આખી યોજના વિશે જાણી ગયા હતા તો આરવીને રોકી કેમ નહીં, કોઈ સજ્જડ પગલાં કેમ ન લીધા ?” ડાભીએ મનીષાબેનને પૂછ્યું.

“શું પગલાં લઉં ? એક મા થઈને દીકરીને પોલીસના હવાલે કરી દઉં ? કે દુનિયાભરમાં ઢંઢેરો પીટું કે મારી દીકરીએ કોઈની હત્યા કરવાની યોજના બનાવી છે !”

“દીકરીની હત્યા કરવા કરતા તે બંને રસ્તા ઉત્તમ હતા.” ઝાલાએ ટોણું માર્યું, મનીષાબેન નીચું જોઈ ગયા. “તમે આરવીને સમજાવી શક્યા હોત કે તે ખોટા રસ્તે જઈ રહી છે.”

“જિદ્દી અને માથાફરેલ આરવી તે વાત સમજે તે અશક્ય હતું. ઊલટું, તેમ કરવાથી તે જાણી જાત કે મને તેની યોજના વિશે ખબર પડી ગઈ છે અને તે તેની યોજના મુલતવી રાખત અથવા તેમાં ફેરફાર કરત.”

“તો તમારા મતે, આરવીનો જીવ લેવો એ જ એકમાત્ર ઉપાય હતો ?” ઝાલાના પ્રશ્નમાં કડવાશ આવી.

“તમને કોણે કહ્યું કે હું આરવીને મારી નાખવા માંગતી હતી, હું તો ફક્ત જાણવા માંગતી હતી કે તે કોની હત્યા કરવા ઇચ્છે છે ?”

“મતલબ ?”

“કયા દિવસે, કેટલા વાગ્યે, કેવી રીતે ઘટનાને અંજામ આપવાનો છે, તે બધું હું જાણી ગઈ હતી. યોજના મુજબ દુર્ગાચરણ જે વ્યક્તિને બ્લેડ મારવાનો હતો તેને આરવી ઊંઘની ગોળીઓ નાખેલું કોલ્ડ ડ્રિંક પિવડાવી દેવાની હતી. બાદમાં, તેના રૂમના દરવાજા પર રેડિયમવાળું દિલ લગાવી નિશાન છોડવાની હતી. જો હું તે રાત્રે સજાગ રહી જાગતી રહું તો જોઈ શકું કે આરવી કોને ઊંઘની ગોળીઓવાળું કોલ્ડ ડ્રિંક પિવડાવે છે અને કોના રૂમના દરવાજા પર સ્ટીકર લગાવે છે.

તે જાણવું મારા માટે અગત્યનું હતું. આરવીએ દુર્ગાચરણને કહ્યું હતું કે તે જેની હત્યા કરવા ઇચ્છે છે તે તેની ખૂબ નજીકની વ્યક્તિ છે. બલર બંગલોમાં તેની એકદમ નજીક હોય તેવી બે જ વ્યક્તિઓ હતી : હું અને અભિલાષા ! બીજી શંકા મને એ પડી કે આરવી જેના બાળકની મા બની હતી તે પુરુષ કદાચ બલર બંગલોમાં રહેતો હોય અને આરવી તેની સાથે બદલો લેવા માંગતી હોય તો !

મારે ગમે તેમ કરી જાણવું હતું કે આરવી કોની હત્યા કરવા ઇચ્છે છે અને તે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ચૂપ રહેવું જરૂરી હતું.”

“પણ, તમે ‘ચૂપ નથી રહ્યા’, કોલ્ડ ડ્રિંકના ગ્લાસ અને રેડિયમના દિલ બદલીને આરવીને ‘ચૂપ કરાવી દીધી’ છે.”

મનીષાબેનના ચહેરા પર અપરાધભાવ છવાયો, “મેં વિચાર્યું હતું કે આરવી કોઈને ઊંઘની ગોળીવાળું કોલ્ડ ડ્રિંક પિવડાવવા પ્રયત્ન કરશે ત્યારે હું ગમે તેમ કરી, આરવીને તે કોલ્ડ ડ્રિંક પિવડાવી દઈશ. આની પાછળનો મારો આશય એ હતો કે આરવી લાંબો સમય સુધી જાગતી ન રહી શકે. પછી, તે કોઈના દરવાજા પર સ્ટીકર લગાવી, ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખીને સૂઈ જાય ત્યારે હું, ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી આવવાની હતી. આ સાવ સરળ અને આદર્શ યોજના હતી. કોઈ પણ પ્રકારની ફજેતી કે ધમાલ વગર આરવીની યોજના નિષ્ફળ બનાવવાની આનાથી સારી રીત મને સૂઝી ન હતી. ઘરના દરવાજા બંધ થઈ જવાથી ન તો દુર્ગાચરણ ઘરની અંદર પ્રવેશી શકે કે ન તો કોઈની હત્યા થાય. વળી, મારે જે ભેદ જાણવો હતો તે પણ જાણી શકાય. હા, રેડિયમનું દિલ બદલવાનો મારો કોઈ ઇરાદો ન હતો, પણ બધું આપણા ધાર્યા મુજબ થતું નથી.” મનીષાબેનનો અપરાધભાવ ઘેરો બન્યો, તેમનો ચહેરો વિષાદથી ફિક્કો પડ્યો, તેમની આંખો ચૂવા લાગી, તેમનું અંતર પસ્તાવાની આગમાં શેકાવા લાગ્યું.

ઝાલા નિર્દય ન હતા, કઠોર હતા. તેઓ જાણતા હતા કે પશ્ચાત્તાપની બળતરા દેહાંત-દંડ અને ફાંસી કરતા પણ વધુ પીડાકારક હોય છે. તેમણે કહ્યું, “તમે જે વિચાર્યું તે ખોટું ન હતું, પણ કર્યું તે હતું. ઘટનાની રાત્રે શું બન્યું હતું ?”

“તે રાત્રે સવા દસે અમે સૌ પોતપોતાના રૂમમાં ગયા. હું ખૂબ ચિંતા અને ઉચાટમાં હતી. મારા રૂમનો દરવાજો અધખુલ્લો રાખી મેં એવી રીતે લંબાવ્યું કે અડધા ખૂલેલા દરવાજામાંથી આરવીના રૂમ પર બરાબર નજર રાખી શકાય. દીવાનખંડના નાઇટ લૅમ્પનો પ્રકાશ તેમાં મદદરૂપ થતો હતો. રાતના સાડા દસની આસપાસ તે પોતાના રૂમમાંથી બહાર નીકળી. હું ચુપચાપ પડી રહી. થોડી વાર પછી, મેં મારો દરવાજો ખોલીને જોયું તો તે અભિલાષાના રૂમમાં પ્રવેશી હતી. પછી, લલિત અને નિખિલ રૂમમાંથી બહાર નીકળ્યા અને નિખિલના રૂમમાં ચાલ્યા ગયા.

આરવીએ દુર્ગાચરણને કહ્યું હતું કે જે વ્યક્તિની હત્યા કરવાની છે તેને તે એકલી પાડી દેશે, ઊંઘની ગોળીઓ નાખેલું કોલ્ડ ડ્રિંક પિવડાવશે અને તેના રૂમના દરવાજા પર રેડિયમવાળું દિલ લગાવશે. અત્યારે તેણે અભિલાષાને એકલી પાડી દીધી હતી, મને જોરદાર આંચકો લાગ્યો. પણ, ઉતાવળ કરી અનુમાન બાંધવા કરતા ધીરજ રાખી ખાતરી કરવામાં શાણપણ હતું. હું મારા કાન સરવા રાખી નવી હિલચાલની રાહ જોવા લાગી. લગભગ સવા અગિયારની આસપાસ ફરી સળવળાટ થયો.

મેં અધખુલ્લા દરવાજામાંથી જોયું તો આરવી ઘરના પગથિયાં ઊતરી રહી હતી. હું સમજી ગઈ કે તે કોલ્ડ ડ્રિંક લેવા નીચે જઈ રહી છે. ઘણાં સમય પછી જયારે તે કોલ્ડ ડ્રિંક લઈને પાછી આવી ત્યારે અભિલાષા રૂમની બહાર નીકળી હતી. તેમની વચ્ચે પગથિયાં પાસે જે વાતચીત થઈ તેમાં આરવીએ કહ્યું, “હું તમને મારા હાથે જ કોલ્ડ ડ્રિંક આપીશ.” બસ, પતી ગયું ; આરવી અભિલાષાની જ હત્યા કરવા ઇચ્છે છે તે વાત સ્પષ્ટ થઈ ગઈ. મારા રૂંવાડા ઊભા થઈ ગયા, પોતાની સગી બહેનની હત્યા કરવા તૈયાર થયેલી નીચ આરવીની નસોમાં મારું લોહી દોડી રહ્યું છે એ વિચાર માત્રથી મને ઘૃણા છૂટી. મારા અંગેઅંગમાં આરવી માટે તિરસ્કાર જન્મ્યો ; મને થયું કે તે હલકટને બે તમાચા મારી ઘરની બહાર કાઢી મૂકું, તેની સાથેના બધા સંબંધો કાપી નાખું, પણ મેં મારા દિમાગ પર કાબૂ મેળવ્યો. મારે એ કરવાનું હતું જે મેં વિચારી રાખ્યું હતું. ગમે તેમ કરી કોલ્ડ ડ્રિંકના ગ્લાસની અદલાબદલી કરવી જરૂરી હતી.

આથી, હું મારા રૂમની બહાર નીકળી તેમની પાછળ ગઈ. અભિલાષાના રૂમમાં જઈ મેં કહ્યું, “મને માથું દુખે છે અને ઊંઘ આવતી નથી.” મારી વાત સાંભળી આરવી તેના રૂમમાં પડેલી માથાની ગોળી લેવા દોડી ગઈ. પણ, જતાં પહેલા તેણે કોલ્ડ ડ્રિંકની ટ્રેને ટેબલ લૅમ્પ પાસે મૂકી અને પ્લગમાં ભરાવેલા ચાર્જરની પિન તેના ફોનમાં લગાવી ફોનને ટ્રે પાસે મૂક્યો. પછી, તે રૂમની બહાર નીકળી અને અભિલાષા વૉશ રૂમમાં ગઈ. જો તેમ ન થયું હોત તો હું ગમે તે ભાંજઘડ કરીને ય અડધી મિનિટનું એકાંત સર્જવાની હતી. જોકે, એ માટે મારે કોઈ મહેનત ન કરવી પડી.

હું રૂમમાં એકલી પડી ગઈ હતી, ટેબલ લૅમ્પ પાસે ગોઠવાયેલા કોલ્ડ ડ્રિંકના ગ્લાસ ઊલટસૂલટ કરવાનું કામ મેં ચમકારામાં પતાવ્યું. ત્યારે જ, ટ્રે પાસે પડેલા આરવીના ફોનમાં વ્હોટ્સઍપ મેસેજનું નોટિફિકેશન આવ્યું. તેના ફોનમાં પોપ-અપ ઑન હતું, માટે સ્ક્રીન લાઇટ ચાલુ થઈ અને મારું ધ્યાન ખેંચાયું. ઉપર ‘લલિત જીજુ’ લખ્યું હતું, નીચે ‘આઇ લવ યુ ટૂ’, કિસ કરતી સ્માઇલી અને બે દિલ હતા. મને આંચકો લાગ્યો, સ્ક્રીનની લાઇટ તરત બંધ થઈ ગઈ અને ફરી નવો મેસેજ આવ્યો, “ડોન્ટ બી ઇમોશનલ.” બે-પાંચ સેકન્ડમાં એક પછી એક બે વાર પોપ-અપ થયું, “બટ, ડીલીટ ધીસ ચૅટ.” “એન્ડ ટર્ન ઑફ યોર ડેટા બૅકઅપ.”

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)