Danak - 9 in Gujarati Detective stories by Disha books and stories PDF | ડણક ૯

The Author
Featured Books
Categories
Share

ડણક ૯

ડણક

A Story Of Revenge.

ભાગ:-9

(નવ વર્ષ ની સંધ્યા એ કાનો સેજલ ને મળી આવતી પૂર્ણિમા એ એનાં પિતા જોડે એનો હાથ માંગવા આવશે એવું જણાવે છે.. કાના અને સેજલ ની મુલાકાત નો સાક્ષી બનેલો દલપત સેજલ ના પિતા માનસિંહ ને બધી વાત જણાવી દે છે. ગુસ્સા માં આવી માનસિંહ સેજલ ને ઓરડામાં બંધ કરી દે છે.. આ તરફ રવજી ના કહેવાથી માનસિંહ કાના ને અહીં આવતો રોકવાની અને આવે તો એને મોત ના મુખ સુધી પહોંચાડવાની યોજના ઘડી કાઢે છે.. હવે વાંચો આગળ)

રવજી ની સલાહ થી સાંજે માનસિંહ પોતાનાં ભાઈ વીરેન્દ્ર ના ઘરે જઈ પોતાનાં બે ભત્રીજા એભલ અને સુરા ને મળી કાના નું કાસળ કાઢી નાંખવાની વાત કરે છે. એભલ અને સુરો આમ પણ માથાભારે હતાં એટલે કાકા ની વાત માં એમને હામી ભરી દીધી અને કાકા ને હવે પોતે નિશ્ચિન્ત બની જાય એનું આશ્વાસન આપી ઘરે જવા જણાવી દીધું.

સુરા અને એભલ ને મળ્યાં બાદ માનસિંહ ને હાશકારો થયો અને એ નિરાંતે પોતાનાં ઘરે ગયાં.. હવે એમને બીજુ કામ કરવાનું હતું કે પોતે કાના ને મારી નાંખવા માંગે એ કાના નાં કાન સુધી કેવી રીતે પહોંચાડવી.. કેમકે ખોટી ખુન ખરાબી કરતાં કાનો ડરીને ના જ આવે એ સારું.

"એ સેજલ ની માં.. પાણી લાવ... "ઘર માં પગ મુકતાં ની સાથે જ માનસિંહે ચંપાબેન ને બુમ પાડી.

માનસિંહ ને પાણી નો લોટો આપ્યાં બાદ ચંપાબેને કહ્યું.

"સેજલ ને જમવાનું આપતી આવું.. ?"

"હા જતી આવ અને એ પણ કહેતી આવજે કે જો એનો કાનો આ ગામ માં પગ મુકશે તો એ જીવતો પાછો નહીં જાય.. એભલ અને સુરો એનું કાસળ કાઢી નાંખશે.. "માનસિંહે સેજલ નાં ઓરડા ની ચાવી આપતાં કહ્યું.

માનસિંહ ની રજા મળતાં જ ચંપાબેન ઉતાવળાં પગલે રસોડામાંથી જમવાની થાળી લઈને દાદરો ચડી મેડીએ સેજલ ના ઓરડા નું તાળું ખોલી સેજલ ની જોડે જઈને કહ્યું.

"લે દીકરા જમી લે.. બપોર ની ભૂખી છે થોડું ખાઈ લે.. "

ચંપાબેન ને જોઈ સેજલ પોતાનાં પલંગ માં થી ઉભી થઈ અને એમને વળગીને ડૂસકાં ભરી કહેવા લાગી "માં હું કાના વગર નહીં જીવી શકું.. માં કાનો બહુ સારો છોકરો છે એ મને હંમેશા ખુશ રાખશે.. "

"દીકરી હું જાણું છું કે તારી પસંદ ખોટી નહીં જ હોય.. પણ તું જો કાના નું સારું ઇચ્છતી હોય તો એને ભૂલી જા.. જો કાનો તને લેવા કિસા આવ્યો તો એવું પણ બને એ પોતાનાં જીવ થી હાથ ધોઈ બેસે.. તારા બાપુ એભલ અને સુરા ને એનું કાસળ કાઢી નાંખવાનું કહી આવ્યાં છે.. "સેજલ નાં માથે હેત થી પોતાનો હાથ ફેરવતા ચંપાબેને કહ્યું.

"શું કીધું.. કાના નો જીવ લેવા તૈયાર થઈ ગયાં છે બાપુ.. હું એવું ક્યારેય નહીં થવા દઉં.. મારા કાના ને હું એક કાંકરી પણ ના અડવા દઉં તો એનો જીવ તો કઈ રીતે જવા દઉં.. "આંખો નાં આંસુ લૂછતાં સેજલે કહ્યું.

"તો તું શું કરીશ દીકરા.. ?" સેજલ તરફ જોઈ ચંપાબેને કહ્યું.

"કાલે બાપુ ના હોય ત્યારે મીના ને મળી આ વાત એનાં કાને પહોંચાડજે એટલે એ બધું સંભાળી લેશે.. "સેજલે આશાભરી નજરે ચંપાબેન તરફ જોઈ કહ્યું.

"હા દીકરા હું કહી દઈશ મીના ને સઘળી વાત.. પણ તું થોડું જમી લે પહેલાં.. "હેત થી ચંપાબેને કહ્યું.

"પણ માં કેમ પિતાજી મારી ખુશી ની વાત સમજતાં નથી.. હું કાના જોડે સદાયે ખુશ રહીશ.. પોતાની ઝુઠી પ્રતિષ્ઠા બચાવવા કેમ એ પોતાની સગી દીકરી ની ખુશી ઓ ને આગ લગાવવા બેઠા છીએ એ મારી સમજ બહાર નું છે.. "સેજલે કહ્યું.

"બેટા આ સમાજ છે ને એ આ બધું કરાવે છે.. લોકો નાત જાત અને ઊંચ નીચ માં ભેદ કરી માણસ ને માણસ સમજતાં નથી.. કાનો આહીર નો દીકરો છે અને આપણી સમકક્ષ શ્રીમંત નથી એટલે એની સાથે તારાં લગ્ન થાય તો પોતાની ઈજ્જત જતી રહે એવું તારાં બાપુ સમજે છે એટલે કોઈ કાળે એ તારી વાત નહીં માને અને તારા અને કાના ના વેવિશાળ નહીં જ થવા દે.. "સેજલ ને સમજાવતાં ચંપાબેને કહ્યું.

"માં મને મારાં પ્રેમ પર ભરોસો છે.. આજે નહીં તો કાલે મારાં અને કાના ના પ્રેમ સામે બાપુ એ નમતું ઝોખવું જ પડશે.. "મક્કમ અવાજે સેજલે કહ્યું.

સેજલ ને પોતાનાં હાથ થી જમાડી. મીના ને બધી વાત જણાવવાનું વચન આપી કમને સેજલ ને ઓરડામાં પુરી ચંપાબેન દાદરો ઉતરી નીચે આવી ગયાં.. માં દીકરી વચ્ચે નો આછો પાતળો વાર્તાલાપ માનસિંહે સાંભળ્યો હતો એટલે એ સમજી ગયાં હતાં કે મીના દ્વારા આ વાત કાના સુધી જરૂર પહોંચશે.. અને અમે એની રાહ જોઈ ખુલ્લી તલવારો સાથે એનું સ્વાગત કરવા બેઠા છીએ એ સમજાઈ જશે એટલે કાનો સેજલ અને કિસા ગામ બધું એ ભૂલી જશે.. !!

***

બપોરે જમીને માનસિંહ તો પોતાનાં ઓરડે જઈ સુઈ ગયાં. એભલ અને સુરા ને મળ્યાં પછી એમનાં હૃદય ને ધરપત વળી હતી.. હવે આગળ ની બધી બાજી એમનાં હાથ માં છે એ માનસિંહ બાપુ સમજી ગયાં હતાં.

સવાર પડતાં ની સાથે જ્યારે બાપુ વાડીએ લટાર મારવા ગયાં એટલે ચંપાબેન સીધાં મીના ના ઘર તરફ ગયાં.. પણ એમને ત્યાં જઈ હતાશા જ હાથ લાગી કેમકે મીના એનાં ઘરે નહોતી એ પોતાની ફોઈ નાં ઘરે રહેવા જૂનાગઢ ગઈ હતી અને હજુ એ બે ત્રણ દિવસ પછી આવવાની હતી એટલે એની રાહ જોયાં વગર છૂટકો પણ નહોતો.

જેમ જેમ દિવસ વીતતાં જતાં એમ એમ સેજલ અને ચંપા બેન ની ચિંતા માં વધારો થઈ રહ્યો હતો.. કેમકે એ એભલ અને સુરા તથા એમનાં લુખ્ખા દોસ્તો થી પરિચિત હતાં.. એ લોકો કાના ને ગમે તેવું નુકશાન પહોંચાડી શકે છે એ વાત જાણતાં હોવાથી કોઈપણ રીતે કાના ને ચેતવવો જરૂરી હતો.. હવે કારતક પૂર્ણિમા ના આડે ફક્ત બે દિવસ જ વધ્યા હતાં.. મીના આજે સાંજે આવવાની હતી એવું એની માં એ કીધું હતું એટલે ચંપાબેન નિયત સમયે મીના ના ઘરે પહોંચી ગયાં.

ચંપકાકી ને જોઈ મીના એ એમને આવકાર્યા અને પૂછ્યું.

"કાકી એવું તે શું કામ પડ્યું કે ત્રણ દિવસ થી રોજ હું આવી કે નહીં એની તપાસ કરવા આવો છો.. ઘરે આવી એવું જ માં એ કીધું કે તમે ત્રણ દિવસ થી રોજ મારાં આવવાની રાહ જોઈને બેઠાં છો.. બધું સારાં વાલા તો છે ને?"

"દીકરી તને એક વાત કહેવી હતી.. બહુ અગત્ય ની વાત છે એટલે આટલાં દિવસ થી તને મળવા રોજ આવતી હતી.. "ચંપાબેને કહ્યું.

"હા તો બોલો કાકી શું છે એ અગત્ય ની વાત.. હું મારા થી બનતી બધી મદદ કરવાનું વચન આપું છું.. "મીના એ ચંપાબેન ને આશ્વસ્થ કરતાં કહ્યું.

ચંપાબેન એ મીના ને બધી વાત જણાવી દીધી કે કાના અને સેજલ વચ્ચે ના પ્રેમ પ્રકરણ ની વાત સેજલ નાં બાપુ ને ખબર પડી ગઈ છે અને એમને સેજલ ને એનાં ઓરડામાં કેદ કરી દીધી છે.. આ ઉપરાંત એભલ અને સુરા ને પણ માનસિંહે આ વિશે જણાવી જો કાનો આવે તો એનું કાસળ કાઢી નાંખવાની જવાબદારી સોંપી દીધી છે એ વાત થી પણ મીના ને વાકેફ કરી.

"તો તો કાકી જો કાનો અહીંયા આવશે તો એનાં જીવ નું જોખમ ખરું.. તો મારે ગમે તે કરી કાના ભાઈ સુધી આ ખબર પહોંચાડવી જ પડશે કે અહીં કિસા માં લોકો એમનાં જાન નાં દુશ્મન થઈને બેઠાં છે. "ચંપાકાકી ની વાત સાંભળી મીના એ કહ્યું.

"હા દીકરી એટલે જ તને આ વાત જણાવવા માટે સેજલે કહ્યું હતું.. એ બિચારી તો દિવસ રાત કાના ની યાદ માં ઝુરે છે.. તું ગમે તે કરી કાના સુધી આ વાત પહોંચાડ તો તારો ઉપકાર રહેશે.. "હાથ જોડી વિનવણી ના સુર માં ચંપાબેન બોલ્યાં.

"અરે કાકી આમ હાથ જોડી મને શરમ માં ના મુકશો.. સેજલ મારી સગી બેન થી પણ સવાયી છે.. એની ખુશી માટે જીવ આપતાં પણ ના અચકાઉં.. તમે હવે નિશ્ચિન્ત બની ઘરે પ્રયાણ કરો અને સેજલ ને પણ ધીરજ રાખવા કહો.. "ચંપાકાકી સામે જોઈ મીના એ કહ્યું.

"સારું ત્યારે દીકરી જય માતાજી.. "આટલું કહી ચંપાબેન ત્યાંથી નીકળી ગયાં.

આજે તો રાત પડવા આવી હતી એટલે વિરજી ને મળવું મુશ્કેલ હતું.. કાલે ગમે તે કરી વિરજી ને મળી સંધિયે વાત જણાવી દઈશ એવું મીના એ નક્કી કર્યું અને મનોમન સેજલ અને કાનો એક થઈ જાય એવી દ્વારકાધીશ ને અરજ કરી.

***

વિરજી નાં વાડી માં જવાનાં સમય થી વાકેફ મીના બીજા દિવસે સવારે વિરજી ને મળવા એની વાડી એ પહોંચી ગઈ.. મીના પહોંચી ત્યારે વિરજી પોતાનાં પાલતુ કૂતરાં મોતી ને રોટલો અને દૂધ ખવડાવતો હતો.. મીના ને જોઈ વિરજી ને આશ્ચર્ય થયું અને એ સફાળો ઉભો થયો મીના ની તરફ ગયો અને બોલ્યો.

"ઓહો.. મીના રાણી તમે આમ અચાનક કોઈ પણ જાત ની અગમચેતી વગર.. સારું થયું તમે આવી ગયાં,આમ પણ જ્યારથી તમે જૂનાગઢ ગયાં હતાં મારુ તો મન જ નહોતું લાગતું.. "

"વિરજી આમ ગેલ માં આવી જવાની જરૂર નથી.. આતો એવી નોબત આવી પડી એટલે મારે અહીં સુધી લાંબુ થવું પડ્યું બાકી તને ખબર તો છે મને મારા બાપા ની એટલી બીક લાગે છે કે હું તારી સામે નજર કરતાં એ ઘણીવાર તો ડરું છું. "મીના એ વિરજી સામે જોઈ કહ્યું.

મીના નો ગંભીર ચહેરો જોઈ વિરજી વાત ની ગંભીરતા ને સમજી ગયો અને બોલ્યો.

"અરે એવી તે શું વાત છે કે તારે આમ વ્યગ્ર ચહેરે આવવું પડ્યું.. ?"

"વિરજી.. તારાં દોસ્ત કાના નાં જીવ નું જોખમ છે.. "મીના એ કહ્યું.

"શું કીધું.. કાના નાં જીવ ને જોખમ.. હું પણ જોઉં કોણ છે એવું જે મારા ભેરુ કાના ને હાથ પણ લગાડી શકે?" પોતાનાં હાથ ની બાંયો ચડાવતાં વિરજી બોલ્યો.

"વિરજી આમ બડાશ માર્યા પહેલાં મારી વાત સાંભળ.. કાના ને જીવ નું જોખમ બીજાં કોઈ થી નહીં પણ સેજલ નાં પિતરાઈ એવાં એભલ અને સુરા થી છે.. "મીના એ કહ્યું.

"એભલ અને સુરો.. એનો મતલબ સેજલ અને કાના નાં પ્રેમ સંબંધ ની સેજલ ના ઘરે ખબર પડી ગઈ છે અને એમને આ વાત મંજુર નથી.. એટલે એ લોકો કાના ને મારી નાંખવા માંગે છે.. "વિરજી એ અનુમાન લગાવ્યું.

"હા કોઈએ સેજલ ના બાપુ ને બધું જણાવી દીધું.. એટલે એમને સેજલ ને બધી વાત સાચી કે ખોટી એ વિશે પૂછ્યું અને સેજલ પણ બધું સાચું બકી ગઈ અને એને ભોળપણ માં એ પણ જણાવી દીધું કે કારતક પૂનમે કાનો કિસા આવે છે એનો હાથ માંગવા.. "મીના એ કહ્યું.

"તો એમાં ખોટું શું છે.. કાના જેવો ભડ નો દીકરો આખા પંથક માં જડે એમ નથી.. સેજલ અને કાના ની જોડી એકદમ સરસ લાગશે.. તો માનસિંહ કાકા ને શું વાંધો આવ્યો.. ?"આશ્ચર્ય સાથે વિરજી બોલ્યો.

"વિરજી એવું તું માને છે પણ માનસિંહ નહીં.. કાનો આહીર છે અને સામાન્ય પરિવાર માં થી આવે છે. માનસિંહ જમીનદાર છે અને જુનવાણી વિચારો વાળા છે.. કેમેય કરી એ પોતાની એક ના એક દીકરી નો હાથ કાના ના હાથ માં તો નહીં જ સોંપે.. ઉલટા નું જો કાનો કારતક પૂર્ણિમા એ આવ્યો તો એને મારી નાંખશે એ નક્કી છે.. "ચિંતિત વદને સેજલ બોલી.

"તો તું શું ઈચ્છે છે.. કે હું કાના ને કિસા આવતાં રોકું.. ?"વિરજી એ પૂછ્યું.

"હા અત્યાર પૂરતો તું કાના ને કિસા આવતો રોક.. આગળ નું પછી જોયું લેવાશે.. અત્યારે વાતાવરણ ગરમ છે.. બધું ઠંડુ ના પડે ત્યાં સુધી થોડી ધરપત રાખવી જ પડશે.. "સેજલે સલાહ સૂચક સ્વરે કહ્યું.

"સારું તો હું આજે જ નીકળું રાવટા જવા.. ત્યાં જઈ કાના ને બધી હકીકત જણાવી દઉં.. અને તું પણ ચંપાકાકી ને જઈને મળી એમને કહેજે કે સેજલ ને થોડી ધીરજ રાખવા કહે.. બાકી સેજલ અને કાના ને કોઈ વિખૂટાં નહીં પાડી શકે.. "વિરજી એ હુંકાર કર્યો.

"સારું ત્યારે.. હું ચંપાકાકી ને અને સેજલ ને જણાવી દઈશ કે તમે કાના ને મળવા રાવટા ગયાં છો.. અને બીજી વાત તું પણ તારું ધ્યાન રાખજે વિરજી.. "આટલું કહેતાં મીના ની આંખો ભીની થઈ ગઈ.

"અલી ગાંડી આમ કેમ રડે છે.. મને કાંઈ નહીં થાય.. "આટલું કહી વિરજી મીના ને ભેટી પડ્યો.

***

મીના ને આવ્યાં ના બે કલાક પછી વિરજી પોતાની ઘોડી ને લઈને નીકળી પડ્યો ઘરે જવા.. ઘરે જઈને વિરજી એ પોતાની માં લીલાબેન ને પણ સઘળી હક્કીક્ત જણાવી દીધી.. રખે ને કોઈ એવું કારણ બને જ્યાં મામલો ગરમ સ્વરૂપ ધારણ કરે ત્યારે ગામ નાં સરપંચ હોવાનાં નાતે લીલાબેન બધું સંભાળી લે.

બપોરે જમીને થોડો આરામ કરી વિરજી એ લીલાબેન નાં આશીર્વાદ લીધાં અને નીકળી પડ્યો રાવટા જવા. વિરજી ત્રણેક કલાક માં તો રાવટા પહોંચી ગયો.. આગળ પણ એ ઝરખ નાં ટોળાં નો શિકાર કરવાની ઘટના વખતે કાના ની મદદ કરવા અર્થે રાવટા આવ્યો હોવાથી કાના નું ઘર ક્યાં આવ્યું છે એ વાત થી વિરજી પરિચિત હોવાથી ક્ષણ નો એ વિલંબ કર્યા વગર એને પોતાની ઘોડી ને કાના ના ઘર તરફ ભગાવી મૂકી.

સાંજ નો સમય થઈ ગયો હોવાથી કાનો ખેતરે થી ઘરે આવી બહાર ચોકડી માં પોતાનાં હાથ પગ ધોતો હતો ત્યારે એની નજર ઘોડી લઈને આવતાં વિરજી પર પડી એટલે એને ઘણું આશ્ચર્ય થયું.. વિરજી ને જોઈ કાના એ હાથ પગ ફટાફટ લૂછયાં અને વિરજી ને સત્કારવા એની તરફ આગળ વધ્યો.

ઘોડી પર થી ઉતરી વિરજી કાના ની તરફ આવ્યો અને એને ભેટી પડ્યો.. ટૂંકા ગાળા માં વિરજી અને કાનો સગા ભાઈ થી પણ અધિક એવી મિત્રતા ના સંબંધ માં પુરેપુરા રંગાઈ ચૂક્યાં હતાં.

"ભાઈ આમ અમારા ગામ ની આમ ઓચિંતી મુલાકાત લેવાનું કોઈ ખાસ કારણ.. કારણ જે પણ હોય એ બધું પછી.. પહેલાં તું આવ્યો એ જોઈને જ મને તો ઘણો આનંદ થયો.. તું અહીં બેસ હું પાણી મંગાવું.. "કાના એ આટલું કહી પોતાનાં ભત્રીજા રાજુ ને હાકલ કરી પાણી લાવવા કહ્યું.

"બીજું બોલ વિરજી કિસા માં બધું કેવું ચાલે.. માં ની તબિયત સારી છે ને.. ?"કાના ના સવાલ ચાલુ જ હતાં.

"હા માં ની તબિયત સારી છે પણ તને એક વાત કહેવી જરૂરી હતી એટલે મારે અબઘડીએ અહીં મારતી ઘોડી એ આવવું પડ્યું.. "વિરજી એ કહ્યું.

"એવી તે શું વાત છે જે તને અહીં મારી જોડે આવવા મજબુર કરી ગઈ.. ?"કાના એ પૂછ્યું.

વિરજી જવાબ આપવા જતો હતો એટલામાં કાના નો ભત્રીજો રાજુ પાણી લઈને આવ્યો એટલે વિરજી આગળ ના બોલ્યો. એટલા માં કાના નાં મોટાભાઈ લખમણ ભાઈ પણ આવી ગયાં એટલે વિરજી એ પોતાની વાત મન માં જ રાખી મૂકી.

થોડો સમય અહીં તહીં ની વાતો કર્યા પછી કાના ના આગ્રહ ને માન આપી વિરજી એ કાના ના ઘરે જ રાત નું વાળું કર્યું અને પોતાની વાત હજુ કાના ને કહી શક્યો નહીં હોવાથી રાત્રી રોકાણ ત્યાં રાવટા માં જ કરવાનું નક્કી કર્યું.

રોજ ની ટેવ મુજબ ખેતર માં જ સૂતો કાનો વિરજી ને પણ સુવા માટે ખેતરે લઈ ગયો.. વિરજી ને પણ મનોમન સારું લાગ્યું કે ત્યાં ખેતર માં એકાંત મળતાં પોતે કાના ને બધી હકીકત શાંતિ થી સમજાવી શકશે.

"હા તો વિરજી આપણી વાત સાંજે અધૂરી રહી ગઈ હતી કે તું કયાં કારણ થી આમ અચાનક રાવટા આવ્યો.. ?"ખેતર માં પાથરેલા ખાટલા પર આડા પડતાં ની સાથે જ કાના એ વિરજી ને સવાલ કર્યો.

"કાના કાલે તું સેજલ નો હાથ એનાં બાપુ જોડે માંગવા કિસા આવવાનો છે ને?"મુદ્દા ની વાત પર આવતાં વિરજી બોલ્યો.

"પણ તને કઈ રીતે ખબર કે હું કાલે સેજલ નાં બાપુ ને મળી અમારી લગન ની વાત કરવા હારું તમારે ગામ આવવાનો છું.. ?"વિરજી ની વાત સાંભળી નવાઈ પામેલાં કાના એ પૂછ્યું.

વિરજી એ કાના ને પછી બધી વાત કરી કે કઈ રીતે સેજલ ના ઘરે બધી ખબર પડી ગઈ છે એનાં અને સેજલ નાં પ્રેમ પ્રકરણ ની.. આ ઉપરાંત માનસિંહે કાના ને મારી નાંખવાનો તખ્તો ગોઠવી રાખ્યો છે એટલે સેજલે જ મીના જોડે કહેવડાવી પોતાની જોડે કાના માટે સાવચેતી રૂપે સંદેશો મોકલાવ્યો છે કે એ કાલે કિસા ના આવે.

વિરજી ની વાત સાંભળી કાનો થોડીવાર મૌન રહ્યો પછી કાના એ કહ્યું.

"વા ફરે, વાદળ ફરે, ફરે નદી નાં પુર..

પણ શુરા બોલ્યાં ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર.. "

"મિત્ર હું એક મર્દ નો દીકરો છું.. આમ મોત થી ડરી મારાં વચન થી પીછેહઠ કરું તો મારી જનેતા નું ધાવણ લાજે.. અને આ જગત માં એવો કોઈ માય નો લાલ નથી પેદા થયો જે સામી છાતી એ આ કાના આહીર ને મારી શકે... હું કાલે જઈશ કિસા.. સેજલ ના બાપુ ને પણ મળીશ અને મારા માટે સેજલ નો હાથ પણ માંગીશ.. એ પોતાની મરજી થી સેજલ નો હાથ મારા હાથ માં મૂકે તો ઠીક નહીંતો સેજલ ને ભગાડી ને લેતો આવીશ. "

"જો પછી તે નક્કી જ કરી લીધું છે તો હું પણ કાલે તારી જોડે જ રહીશ.. હવે તો જે થશે એ જોયું જશે.. "હાથ નો પંજો કાના ની સાથે મિલાવી વિરજી એ કહ્યું.

"બસ તો હવે કાલ નો સૂરજ ઉગશે એટલે એ નક્કી થઈને જ રહેશે કે એક જમીનદાર ની ઝુઠી અકડ જીતે છે કે મારો અને સેજલ નો સાચો પ્રેમ.. "કાનો મક્કમ અવાજે બોલ્યો.

"તો ભેરુ ચાલ હવે સુઈ જઈએ.. કાલે સવારે નીકળવાનું છે તારી સાસરી જવા.. "વાતાવરણ ને હળવું કરવા વિરજી એ કહ્યું.

વિરજી ની વાત સાંભળી કાનો હસી પડ્યો અને પછી બંને મિત્રો એ ખાટલા માં લંબાવી દીઘું.. વિરજી તો સુઈ ગયો પણ કાના ની આંખો માં થી ઊંઘ જોજનો દૂર હતી.. કોઈએ સાચું જ કહ્યું છે..

"જે આંખો આવતીકાલ ના સપનાં જોતી હોય એને ઊંઘ તો ના જ આવે.. "

બસ હવે રાહ જોવાતી હતી આવતી કાલ નો સૂરજ ઉગવાની.. ખબર નહીં નવો દિવસ કોની માટે શું લઈને આવ્યો હશે.. ?

***

વધુ આવતાં અંકે.

શું કાનો અને સેજલ એક થઈ શકશે કે સેજલ ને પામવાની ચાહત માં કાનો પોતાનો જીવ ગુમાવી બેસશે? માનસિંહ પોતાની દીકરી ને કાના જોડે પરણાવવા માનશે કે કેમ? અને સ્ટોરી નાં ટાઇટલ માં જે બદલા ની revange ની વાત છે એ બદલો કેવો હતો અને કોનાં જોડે હતો.. ? જાણવા વાંચતાં રહો ડણક the story of revange નો નવો ભાગ આવતાં સપ્તાહે. !

માતૃભારતી પર તમે મારી એક બીજી લવસ્ટોરી વાળી નોવેલ "દિલ કબૂતર" પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ