ભીંડો ઉગ્યોને ભાદરવો બેઠો..!
ચમનીયાને ભીંડાની એવી તો ભારે સૂગ, કે જાણે ભીંડો ‘ વેજીટેરીયન ‘ ને બદલે ‘ નોન વેજીટેરીયન’ ફૂડ નહિ હોય..? થાળીમાં ભીંડાનું શાક જોઇને જ એને ધ્રુજારી ચઢવા માંડે. ભીંડાના શાકના દર્શન થાય, એટલે જ બાબા રામદેવની માફક પેટ ‘હાલક ડોલક’ થવા માંડે. જાણે પેઆખા શરીરને બદલે, માત્ર પેટને જ ‘ધૂણી’ નહિ ચઢી હોય..?
જો કે શિષ્ટાચાર બહારની વાત છે, પણ લગન માટે છોકરી જોવા જાય તો કહેતાં જ આવવાનું કે, હું ‘ભીંડા-માસ્ટર’ નથી. એટલે મારા ઘરમાં ભીંડો આવશે નહિ..! જો કે શાકભાજી ખરીદવાના પાવર આમ તો આપણી પાસે હોતા જ નથી. પણ અગમચેતી રાખેલી સારી. આપણે ક્યાં નથી જાણતા કે, પરણ્યા પછી જે ‘સશક્તિકરણ’ નું હથિયાર નીકળે એ બહુ ધારદાર હોય..! બીજું કે વેઠમાં પડ્યા તો તો ગયાં જ કામથી...!. એકવાર જો એમાં ભેરવાયા, તો ‘ મરતે દમ તક ‘ એ હલામણ નહિ છૂટે. ને એમાંને એમાં, ઘરવાળી કરતાં શાકભાજી વાળી સાથેના આપણા સંબંધો વધવ માંડે તે અલગ..!
શ્રી રામ જાણે, મારો જનમ ભાદરવામાં થયો જ નથી, છતાં આ ભીંડો મારો પીછો નથી મૂકતો. મારી કુંડળીમાં પણ ભીંડો, કોઈ વાતે આડો આવતો નથી, છતાં, જેવો ભાદરવો બેસે, એટલે મારા મગજમાં જાણે ભીંડો તોફાને ચઢવા માંડે. ભીંડાનો ડર શરુ થઇ જાય. ક્યારેક તો એવાં પણ વિચાર આવવા માંડે કે, શ્રી રામના ચરણ સ્પર્શથી જેમ શલ્યામાંથી અહલ્યા બનેલી, એવું આ ભીંડામાં કંઈ થાય કે નહિ..? શ્રી રામના ચરણ સ્પર્શની માફક, આ શ્રી રમેશના ચરણ સ્પર્શથી ભીંડામાંથી ભાખરવડી થતી હોય તો..? કમસે કમ ભીંડો ભૂતાવળ બનીને મગજ ઉપર હથોડા મારતો તો બંધ થાય ? આ તો કલ્પના મામૂ..!
આપણો સહેજ પણ દાવો એવો નથી કે, ભીંડો માણસ માટે ગુણકારી જ નથી. પણ ભીંડાને પેટમાં પધરાવવા માટે પ્રેમ પણ ઉભરાવો જોઈએ કે નહિ ? સાલું સમજમાં નથી આવતું કે, આ ભીંડો ભાદરવો જોઇને પ્રગટે છે કે, ભાદરવો ભીંડો જોઇને પ્રગટે છે..? ‘ આયા ભાદરવા ઝૂમકે ‘ ની માફક બંનેની જોડી જ એવી સોલ્લીડ કે, બજારમાં તમને ભાદરવો તો દેખાય જ નહિ, ભીંડો જ દેખાય..! બંનેની જોડી છૂટી જ નહિ પડે ને..? ઘોડિયામાં સુતેલું છોકરું પણ, ઘૂઘરો મુકીને ‘ભીંડો’ રમતો થઇ જાય..! “હર હર મોદી, ઘર ઘર મોદી” ની માફક, ઘર ઘર ‘ ભીંડા દર્શન ‘ જ થવા માંડે..! કદાચ કાગડાઓને પણ આ ભીંડાની સુગ હશે, એટલે જ એમણે ભાદરવામાં “પ્રેતાત્માઓનો વાસ “ લેવાનું રાખ્યું હશે. ભીંડાનું શાક મૂકતા ડર લાગે યાર..? ખુદ આપણને પણ સગાવ્હાલે જમવા જવાનો ડર લાગે. રખે ને જમવાની થાળીમાં ભીંડો પ્રગટ થયો તો...?
આઈ ડોન્ટ બીલીવ.... કે, એકપણ દેવી-દેવતાએ પણ ભીડો જીભ ઉપર મૂક્યો હોય..! સ્વયં શ્રી રામચંદ્ર ભગવાને તો ચૌદ-ચૌદ વરસનો વનવાસ વેઠેલો. છતાં ક્યારેય ભીંડો ખાધો હોય એવું રામાયણ કે, મહાભારતમાં પણ વાંચવામાં આવ્યું..? ખાધા હોત તો, આરતી પછી શિરાની જગ્યાએ પ્રસાદમાં ભીંડા નહિ વહેંચાયા હોત..? મંદિરોમાં ફળને બદલે, ભીંડા નહી ચઢાવાતા હોત..? એટલું જ નહિ, વાર તહેવારે ભીંડાના તોરણ બનાવીને મંદિરે લટકાવ્યાં નહિ હોત..? મને તો હજી પણ એક વાતની શંકા છે કે, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર ગયેલાં, ત્યારે દુર્યોધને થાળીમાં એમને ભીંડો જ પીરસ્યો હોવો જોઈએ. એ વિના ભગવાન શ્રી કૃષણ, દુર્યોધનના દરબારના ૩૨ જાતના પકવાનનો ત્યાગ કરીને, વિદુરની ભાજી ખાવા નહિ ગયાં હોત..! આ તો એક અનુમાન..! બાકી, દુર્યોધને અપમાન કરેલું તેથી શ્રી ભગવાને દુર્યોધનના ભોજનનો ત્યાગ કરેલો, એ તો એક ઉપજાવી કાઢેલી લોકવાયકા જ લાગે છે હા...! એ તો કોઈએ સર્વે નથી કર્યું એટલે, બાકી અમુક ઘરોમાં તો ખાવાની બાબતમાં જેટલાં કંકાસ આ ભીંડાએ કરાવ્યા છે, એટલા કંકાસ કરવાના યોગ, કદાચ એ ઘરની સાસુ કે નણંદના ભાગ્યમાં પણ કદાચ નહિ આવ્યા હોય..!
પેટમાં પથરી થાય, ને દમણ કે ગોવા યાદ આવે એમ, જ્યારે જ્યારે ભાદરવો આવે ને, મારાં ભેજામાં ભીંડો સળવળવા માંડે. શ્રી રામ જાણે, ભીંડા સાથે મારા કયા જનમનું વેર છે..? ચૂંટણી આવે એટલે પસંદગીનો અધિકારી જેમ એ મુલકમાં નિમણુક પામે, એમ ભાદરવો બેસતાં જ ભીંડાનું પણ પ્રાગટ્ય થવા માંડે. સાથે ગણપતિબાપા પણ ખરાં..! ચમ્નીયાની વાત કરું તો, એ પણ સુખી નથી, પણ ભીંડાના શાકનો સુગી ભારી. ભીંડો જુએ ને એનું ભેજું છટકે...! ડેન્ગ્યુ-મેલેરિયા-સ્વાઈન ફ્લ્યુ કે ટાઈફોઈડના જંતુ એને અડવાની હિંમત નહિ કરે, પણ ભીંડાનું શાક જો થાળીમાં આવ્યું, તો વગર જંતુએ એને ભીંડાજન્ય તાવ ચઢવા માંડે....! નફરત તો ત્યાં સુધીની કે, ‘ તારક મહેતાના ઉંધા ચશ્મા “ નો હજી સુધી એણે એકેય એપિસોડ જોયો નથી. કારણમાં એટલું જ કે, આત્મારામ ભીંડેની અટક ‘ભીંડે’, એ એને નડે. એના કપાળમાં કાંદા ફોડું.....!!
કોઈને શનિ નડે, રાહુ નડે, મંગળ કે કેતુ નડે, ત્યારે આ ચમનીયાને આમાંનું કોઈ નહિ નડે, માત્ર ભાદરવાનો ભીંડો નડે....! ગ્રહોના નડતર હોય તો જપ-તપ કે મંત્રના ઉપચાર પણ કરાવાય. પણ એના ભેજાંમાંથી ભીંડો કેમનો કાઢવાનો..? વિધિ કરવા માટે, એકાદ ભીંડા નાબુદી મંત્ર પણ તો હોવો જોઈએ કે નહિ..? ભેજાંમાંથી ભીંડો કાઢવા માટે ‘ભીંડા-યજ્ઞ’ પણ નહિ થાય, ને ભીંડા આરતી પણ નહિ આવે..! બસ, એના મગજમાં એક જ વ્હેમ, કે ભીંડો એટલે પાંડવ, ને અંદરના દાણા એ કૌરવ.! મને કહે, “ ભીંડો આપણને બુદ્ધિજીવી બનાવવાને બદલે, યુધ્ધજીવીના વાઈબ્રેશન જ આપે. એટલે તો, કોઈના લગનમાં જમવા જાય તો, ચાંદલો નોંધાવતા પહેલાં એ બરાબર જોઈ લે, કે શાકમાં ભીંડો તો નથી ને....? જો ભીંડાનું જ શાક છે એમ જાણ્યું, એટલે તાબડતોબ ચાંદલા ઉપર કાપ લાવી દે....!
વાત આટલેથી અટકતી નથી. ભીંડાની બબાલમાં એણે ત્રણ-ત્રણ વાર તો લગન કરવા પડેલા. એ બધીએ ચમનિયા ઉપર ભીંડાનો એવો ધોધમાર ત્રાસ વરસાવેલો કે, એ ચોથી લાવ્યો. પણ કરમની કમબખ્તી એવી થઇ કે, એમાં પણ ભીંડો જ નીકળ્યો. માણસ લગન કરી કરીને પણ કેટલાં કરે....? અમારા જેવાંએ તો કહ્યું પણ ખરું, કે ‘ ભાઈ તારે વાઈફ બદલવાની જરૂર નથી. તું હવે ભીંડાનો સ્વીકાર કરી લે. બાકી જેટલી લાવશે તેમાં ભીંડો જ નીકળવાનો..! ને ચોથી વાઈફ લાવ્યો, તે વળી આગલી કરતાં પણ આગળ વધી. થયેલું એવું કે, ચમનીયો એકવાર ચોથીના પિયર ગયેલો. તો સાસુએ સાત દિવસ સુધી એને ભીંડા જ ખવડાવ્યા. સાસુજી આટલેથી અટકી ગયાં હોત તો પણ ઠીક, પણ વિદાયમાં પાછું ભીંડાનું પોટલું પણ પકડાવી આપેલું...! ત્યારપછી ૨૦ વરસના વ્હાણા વાઈ ગયાં, પણ હજી એ એના સાસરે નથી ગયો. જેના કારણે ગામમાં કહેવત પડી ગઈ કે, ‘ અટકેલો વર જ ભીંડે જાય....! ‘’ ભૂલમાં પણ કોઈ એ ગામમાં જાન લઈને ગયું, તો જાસાચિઠ્ઠી આવે કે, “ ભીંડા પચતા હોય તો જ ફેરા ફરજો.....! નહિ તો સાસરામાં ભીંડા ખાયને મરી જશો....! “
જેને પણ ભીંડાની સુગ હોય, એને કહી દઉં કે, ભૂલમાં પણ કોઈ એમ કહે કે, આજે અમે રામકલીનું શાક બનાવ્યું છે, તો રામ શબ્દ સાંભળીને હરખાય નહિ જવાનું. કારણ છતીસગઢમાં ભીંડાને ‘ રામકલી ‘ પણ કહેતાં હોય છે.....! આ તો ચેતતો નર સદા સુખી...!!
-------------------------------------------------------------------------------------------------------------------------