“ ઉચાળા ”
લેખક-નવીન સિંગલ
આજે ચોરે અને ચૌટે બધાની જીભે એકચક્રી શાસનની માફક જીવણા ઉભડનું નામ રમતું હતું.
“ લ્યા...આ જીવણો ઉભડ ભારે બળૂકો,બાપુની તરવાર વતે બાપુનો જનોઈવઢ કઇરી નાઇખો.”
“ અલ્યા રામસંગ,મારા માનવામાં આવતું નથ.આ માંયકાંગલો બાપુની હામે ઊંસી આઇંખ કરીનેય જોતો નોતો.તો પસે બાપુ હામે તરવાર કિં ઉગામે ? ”
“ પણ વજેસંગ આ હઁધુય સલાવી નઈ લે.જોજે ને આ ઊભડોને ગામમાંથી ઉસાળા ભરાવહે.”
“ભાઈ ગમે તેમ તોય એક લોહી ખરુને.કિયો દીકરો બાપના મારતલને જીવતો જવા દે ? ”
“વજેસંગ પાસો વઈટનો કટકો,પણ જામભા બાપુ બૌ દિયાળું.ગરીબોના બેલી અને ભૂખ્યાઓના તો અન્નદાતા.જ્યારથી આ જીવણાએ જામભા બાપુનું ખૂન કઈરું તારથી હોપો પડી ગ્યો સે ગામમાં.લે હાલ પોલીસ કેવોક ઠમઠોરે છે ઇ જીવણા ઉભડને.”
અધકચરી સળગાવેલી બીડીઓ પોતાના જોડા નીચે ચગદી બધાય ચોતરો છોડી ચોકી તરફ પ્રયાણ કરી ગયાં.પગ નીચે ચગદાયેલ બીડીનું ઠુંઠુ જીવણા પ્રત્યેની દાઝના પ્રતિક સમુ અવાવરુ પડ્યું પડ્યું પવનની રાહ જોતું હતું.ક્યાંકથી ધૂળની ડમરી આવી એ ઠુંઠાને ઉકરડે સલામત મૂકી આવ્યું.
------------------------------------------------------------------------------------------------------------------
મેલુંદાટ પોતિયું.બગલ અને બાંયમાંથી ફાટી ગયેલું,મેલના વળીયા ચઢી પીળું પડી ગયેલું સફેદ ખમીસ.ક્યાંક બટન મોટા તો ક્યાંક ગાજ.માથે જૂની ફાટેલી મેલી સાડીનું રંગીન ફાળિયું.ફાળિયામાંથી બહાર ડોકતા વાળ,સ્મશાનમાં પથરાયેલ ખડક અને રોડાઓ વચ્ચેથી અસ્ત-વ્યસ્ત ઉગેલ ઘાસની પ્રતીતિ કરાવતાં હતા.લીંબુના બે ફાડિયા જેવી આંખો.અધકચરી દાઢી,ભરાવદાર ગાલ,કથ્થઈ રંગના હોઠ વચ્ચેથી સફેદ થઈ ગયેલાં.બંને કાનમાં ભરાવેલ બીડી તથા ખમીસના ખિસ્સામાંથી ડોકતા બીડી બાકસ તેના સફેદ હોઠની ચાડી ખાતાં હતાં.ભરાવદાર રૂક્ષ મુંછો.લાંબુ અણીદાર નાક,ઊભાં પગે ઉભડક બેઠકે બંને હાથની મુઠ્ઠીઓ વાળી ઢીંચણના ટેકે કોણીઓ ટેકી અપલક નયને જીવણો ઈન્સ્પેકટર જાડેજાને નિહાળી રહ્યો હતો.બાજુમાં જામી ગયેલાં ઘટ્ટ લોહીવાળી તલવાર હતી.તેના કપડામાં લોહીના ડાઘા હતાં.
એક તરફ જીવણાની વૃધ્ધ વિધવા મા જે ફતેસિંહ ફોજદારને કૈંક લખાવી રહી હતી.જીવણની વૃધ્ધ મા ની ક્ષીણ થઈ ગયેલ જૂની સાડીનો પાલવ પકડી સલામત ઓથ ઝંખતો જીવણનો નાનો ભાઈ.ન ભૂતો,ન ભવિષ્યની દ્વિધામા મુકાયેલો ગભરુ નયનમાં જાડેજાની ધાક સંઘરી હેબતાઈ ગયેલો.જાડેજાની બાજુમાં વજેસંગ.જાડેજાની આંખના ઇશારા માત્રથી જીવણાના રાઈ-રાઈ જેવડા કટકા કરી નાખવાની પેરવીમાં પોતાની હથેળીઓ ઘસી,દાંત કચકચાવી રહ્યો હતો.પોલીસ ચોકીમાં ગામના બાપુઓનો જમેલો.અને પોલીસ ચોકીથી દૂર ગામની અન્ય કોમના માણસો તથા ઘણે દૂર છેલ્લે ઉકરડાના ઢગલામાં આ બધો કિસ્સો નજરે નિહાળવા એકઠાં થયેલાં ગામના તમામ ઊભડો.બધાયના માનસમાં અત્યારે પ્રશ્નાર્થનું સામ્રાજ્ય હતું.જેમાંથી ઈન્સ્પેકટર જાડેજા પણ બાકાત નહોતાં.
“ચલ બોલ...નઈ તો તારો ટોટોજ પીસી નાખીશ.”
જીવણાનું માથું નીચે ઢળી ગયું.આંખમાં આંસુની એક લક્ષ્મણરેખા ખેંચાઇ અને હૃદયની અંતર્વેદનાએ એ આંસુને સીમા ઉલ્લંઘનનું જ્ઞાન આપ્યું.અને ગરમ લ્હાય જેવા આંસુના ટીપાએ જીવણાની બંધ હથેળી પર સ્પર્શ કર્યો અને જીવણો કશુંય બોલી ના શક્યો. જીવણાની મુઠ્ઠીઓ પરથી અથડાઈને જમીન પર પટકાતાં આંસુએ જીવણાની કરૂણ કથની બયાન કરી.
------------------------------------------------------------------------------------------------------------------
આજે ઉભડવાસમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ ફેલાયેલું હતું.લોકોના મોંઢે એકજ વાત હતી કે જામભા બાપુએ જીવણાના લગનમાં રંગ રાખ્યો.રજવાડાથી માંડી આઝાદીના વર્ષમાં પહેલો બનાવ હશે કે જામભા બાપુએ એક દરબાર થઈ એક ગરીબ ઉભડને મદદ કરી હોય.
મદદ તો એક તરફ,પણ બાપુ જીવણાની જાનમાં એક પગે નાચ્યા.અને બે નાળીના અસંખ્ય ભડાકા હવામાં કર્યા.લોકોના વિસ્ફારિત નેત્રો બાપુના આવા અકલ્પ્ય વર્તનના ભેદને પામવામાં ઝાંખા નિસ્તેજ થઈ ગયાં.એક પ્રીતિપાત્ર મોભી ગણાતા વડીલોની આમન્યા ખાતર કોઈએ બાપુને પ્રશ્ન ના કર્યો.લોકોએ આ આખીય ઘટનાને બીડીના ગલથી વધારે મહત્વ ના આપ્યું.
------------------------------------------------------------------------------------------------------------------
“ઇ હું બોલ્યા બાપુ...? તમે તો અમારા અન્નદાતા છો.બાપુ તમે... ? વાડ જ ચીભડા ગળશે ? ”
“જો જીવણા,આવી રૂપ-રૂપના અંબાર સમી તારી બાયડી ક્યાં હુંધી તારા જેવા નમાલા હારે રેશે ? ઈની જિંદગીનો વસાર કઇરો છે ? એકવાર તારી બાયડીને આ બાપુનું પડખું સેવી લેવા દે.પસી જો તારી ઓલાદ કેવી મરદ પાકે શે ? ”
ખૂણામાં ઉભડક ટૂંટિયું વાળીને ઘૂંઘટમાં બેઠેલી જીવણાની બાયડીને ધ્રુજારીનો એક કંટોરો આવી ગયો.દાણાની અભિલાષામાં શિકારીની જાળમાં ફસાયેલ ફફડતાં સારસ યુગલને ક્રૂર વાસનાયુક્ત નજરથી બાપુએ નિહાળ્યું.અને વલી વાળંદ તરફ એક પ્રશ્નસૂચક દ્રષ્ટિ નાખી.એક હાથે પોતાની ટોપી સરખી કરી બોચી ખંજવાળતા વલીએ બાપુના નિષ્ઠુર કાનમાં ગુરુમંત્ર ફૂંક્યો.
“બાપુ...આમિર પાંહેથી ઈની દોલત અને ગરીબની ઇજ્જત લૂંટી લો.એટલે લાખ હથિયાર હોય,તોય પાંગળા થઈ જાય.” વાત પૂરી કરી અમલની કટોરી બાપુ તરફ ધરી વલી જીવણા પસે ગયો. “ જો જીવણા...બાપુ દરિયાદિલ છે.માનીજા તો તારી બાયડી રાજ કરશે.અને તારી પેઢી તરી જશે.હવે ઇ જમાનો નથી રિયો.જો બાપુ ભેદભાવમાં માનતા હોય તો તને આજે ઉતારો નસીબ ન થયો હોત.અલ્લાનો પાડ માન કે બાપુના ચાર હાથ છે તારા પર.વસાર કર.તારા લગનને પાંસ વરહ થિયા.તારી બાયડીને ખાટલો આઈવો ? બાપુએ તને હું નથી આઇપું ? તારી જમાતે ભાળી નઈ હોય એવી ટેપરેકર્ડ તારા ઘરમાં સે.તને પંખો લઈ આલ્યો.તારી ડોહીના મોતિયાનો હંધોય ખરસો બાપુએ વેઇઠો.અલ્યા તમે બેય ધણી-ધણિયાણી જેના પર ધિંગા-મસ્તી કરી રાતો રંગીન કરો સો ને, ઇ ખાટલોય બાપુનો આપેલો સે.જીવણા કાઈંક હમજ.તારી નાઇતના જેવો ના થઈશ.લક્ષ્મી ચાંલ્લો કરવા આવી સે.મોંઢુ ધોવા નો જાતો..”
“લે હાલ...ઇ તો જીવણો હંધુય હમજી જાહે.આ દાંતને જીભની ભલામણ નો હોય.” અમલના કેફમાં બાપુએ જીવણાની બાયડીનો હાથ ઝાલ્યો.ઋણનું એક મજબૂત બંધન તોડી ભારેલાં અગ્નિ સાથે ઊભા થયેલાં જીવણાએ બાપુને એક અડબોથ મારી ભોંય ભેગો કરી નાખ્યો.અમલના કેફમાં લથડતાં પગે બાપુ જેવા ઉભા થયાં,એની સાથે હિંચકા પર પડેલી તલવારને મ્યાનમાંથી કાઢી ક્રોધ અને આક્રોશ સાથે બાપુના ખભે મારી.બાપુનું ડોકું ધડ પર લટકી ગયું.આ ઘટનાથી હેબતાઈ ગયેલ વલી વાળંદ વંડી ઠેકી ગોકીરો મચાવી ગામલોકોને ભેગાં કર્યા.
તમાશાને તેડું નહીં,અને ગાંડી માથે બેડું નહીં.જોત-જોતામાં તો ગામ આખુય ડેલીએ ભેગું થઇ ગયું.
------------------------------------------------------------------------------------------------------------------
આખી ઘટના પૂરી થતાં સુધીમાં બીજી પોલીસવાન તથા પોલીસો આવી પહોંચેલા.અત્યારે માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલાં માણસો તથા ચાર ગણી પોલીસ ફોજ હતી.પોલીસ ચોકીની બહાર નીરવ શાંતિ શહેરના કરફ્યુ જેવી લાગતી હતી.સૂકી ભઠ્ઠ આંખોમાં મહાપરાણે નીકળતાં આંસુના બે ટીપાથી વૃધ્ધ મા એ દૂરથી જીવણાના ઓવારણાં લીધાં. જીવણાના નાના ભાઈની નાજુક કોમળ કીકીમાં એક વાક્ય તકતીની જેમ જડાઈ ગયું હતું... “હવે શું ? ” હાથમાં હાથકડી તથા રસ્સાથી બંધાયેલાં જીવણાએ બે હાથ જોડી આંસુણે બે ટીપાં સારી પોતાની મા ને કહ્યું કે આ આપણાં જીવ્યા મર્યાના છેલ્લાં જુહાર.
ધૂળની ડમરીઓ વચ્ચે ખૂની જીવણાને લઈને પોલીસવાન જઇ રહી હતી.જીવણો જાળીવાળી બારીમાંથી ગામને છેલ્લીવાર જીવભરી નીરખી રહ્યો હતો.ત્યાં તેની નજર એક ટોળાં પર પડી.પરિચિત માણસોના ટોળા પરથી જીવણાનું અનુમાન સાચું ઠર્યું. જીવણાએ જાળીમાંથી આકાશ તરફ એક પ્રશ્નસૂચક દ્રષ્ટિ નાંખી.આઝાદી પછી પણ ઊભડોને ઉચાળા કેમ ભરવા પડે છે ? અને ધૂળની ડમરીમાં પોલીસવાન અદ્રશ્ય થઈ ગઈ.
જીવણાનો વૃધ્ધ અપંગ,બીમાર બાપ ચાલી નથી શકતો.બધાં આગળ નીકળી જાય છે.વૃધ્ધ થાકી જાય છે અને એક રેતીની ટેકરી પર હાંફતો-હાંફતો બેસી જાય છે.તેની સાથે જીવણાની મા તથા તેની બાયડી પણ હોય છે.જીવણાની મા અને તેના બાપની આંખમાં આંસુ છે.તે બધા ઉપર જોઈ રહ્યા છે.બેકગ્રાઉંડમાં સૂર્ય આથમી રહ્યો છે. સૂર્ય બિલ્કુલ અસ્ત થઈ જાય એટલે વૃધ્ધ ઊભો થઈને ચાલવા જાય છે ત્યાં એ જમીન પર પછડાઇને મૃત્યુ પામે છે. જીવણાની મા આક્રંદ કરે છે. જીવણાનો નાનો ભાઈ તેની મા પાસે ખાવાનું માંગે છે...
“ એ મા...મારે ખાવું સે...” અને તેની આગળથી લોકો પસાર થઈ રહ્યાં છે.
---------------------------------------------------- સમાપ્ત ----------------------------------------------------