Danak - 8 in Gujarati Detective stories by Disha books and stories PDF | ડણક ૮

The Author
Featured Books
Categories
Share

ડણક ૮

ડણક

A Story Of Revenge.

ભાગ:-8

(કાનો સેજલ ને જોતાં વેંત એને દિલ દઈ ચુક્યો હોય છે. શરદ પુનમ ના ગરબા માં સેજલ અવશ્ય આવશે એવી આશા કાનો સેજલ ના ગામ કિસા આવે છે. ત્યાં યોજાતી પ્રતિયોગીતા ના અંતે કાનો અને સેજલ સંયુક્ત રીતે વિજેતા બને છે. કાનો અને સેજલ એકબીજા સામે પ્રેમ નો એકરાર કરી લે છે. નૂતન વર્ષ ની સંધ્યા એ સેજલ ને મળવા આવેલો કાનો આવતી પૂર્ણિમા એ એનો હાથ માંગવા એનાં બાપુ જોડે આવશે એવું વચન આપે છે.. સેજલ અને કાના વચ્ચે ની આ મુલાકાત નો દલપત સાક્ષી બને છે અને એ બંને ને વિખુટા કરવાનું નક્કી કરે છે. હવે વાંચો આગળ)

પોતે સમજણો થયો ત્યાર થી લઈને અત્યાર સુધી જે છોકરી ને પોતાની પત્ની ના સ્વરૂપ માં જોઈ હતી અને આજે બીજા કોઈ પુરુષ ની બાહો માં જીવવા મરવાના કોડ આપતી જોઈને દલપત નું હૃદય જાણે સળગી રહ્યું હોય એવું એ અનુભવી રહ્યો હતો.

સેજલ ના બાપુ માનસિંહ નો કિસા ગામ માં સારો એવો માન મરતબો હતો.. એક જમીનદાર હોવાનાં નાતે માનસિંહ ઊંચ નીચ માં વધુ માનતા એ વાત દલપત સારી રીતે જાણતો હતો એટલે બાપુને કાના વિરુદ્ધ ભોળવી દેતાં વાર નહીં લાગે એ વાત દલપત સારી પેઠે સમજતો હતો.

પાંચ છ દિવસ સુધી તો દલપત માનસિંહ સામે કઈ રીતે આ બધી વાત કરવી એની અસમંજસ માં રહ્યો પણ આખરે એક દિવસ સવારે જ્યારે સેજલ ના બાપુ માનસિંહ જ્યારે વાડી માં ઢોલિયો ઢાળી આરામ ફરમાવી રહયાં હતાં ત્યાં દલપત પહોંચી ગયો.

દલપત ને જોઈ માનસિંહ એની તરફ જોઈને કહ્યું..

"આવ આવ દલા.. કેમ આ બાજુ ભૂલો પડ્યો.. બધું સારા વાલા તો છે ને.. ?"માનસિંહ દલપત ને પ્રેમ થી દલા કહીને સંબોધતાં.

"હા કાકા બધું સારું જ છે.. આપણે વળી કાં કંઈ દુઃખ હોય.. "માનસિંહ ની જોડે ખાટલા માં બેસતાં દલપતે કહ્યું.

"તો આમ કાં આ બાજુ આવ્યો.. તારો ચહેરો તો એ વાત ની ચાડી ખાય છે કે તું કંઈક કહેવા આવ્યો છે.. "વર્ષો ના અનુભવી માનસિંહ જાણે દલપત નો ચહેરો વાંચતાં હોય એમ બોલ્યાં.

"કાકા આતો તમારાં ઘર ની પ્રતિષ્ઠા અને માન મોભાં ની વાત આવી એટલે મારે તાત્કાલિક તમારી જોડે આવવું પડ્યું.. "દલપતે વાત નો મમરો મુક્યો.

"મારાં ઘર નાં માન મોભાં ની વાત.. અલ્યા સાચું બોલ એવી તો શું વાત લાવ્યો છે તું.. "ખાટલા માં થી સફાળા બેઠાં થતાં માનસિંહ બોલ્યાં.

"હા કાકા.. તમારા ઘર નો મોભો એટલે તમારી દીકરી સેજલ.. અત્યારે એ જે દિશા માં આગળ વધી રહી છે એ પર થી તો એવું લાગે કે તમારાં ઘર અને વડવાઓની વર્ષો ની પ્રતિષ્ઠા ને અવશ્ય કલંક લાગશે.. "દલપત હવે મૂળ મુદ્દા પર આવી ગયો હતો.

"એ દલપત મોઢું સંભાળીને વાત કરશે.. મારી દીકરી મારું અભિમાન છે અને મને વિશ્વાસ છે મારી દીકરી પર કે ક્યારેય એ એવું કંઈ ના કરે જેથી મારે મોઢું નીચું ગાલવાનો વારો આવે.. એટલે તું સમજ્યા વિચાર્યા વગર મારી સેજલ વિરુદ્ધ એક હરફ પણ ના ઉચ્ચારતો.. "દલપત ની વાત સાંભળી ગુસ્સા થી લાલચોળ થઈ ગયેલાં માનસિંહ તાડુકી ઉઠયાં.

"કાકા હું કંઈ ખોટી વાત નથી કરતો.. આજ થી સાત દિવસ પહેલાં નવા વર્ષ ની સાંજે નાગદેવતા ના મંદિર જોડે પાણી ના વ્હેળા નજીક આવેલાં પીપળા ના ઝાડ નીચે મેં બધો નજારો મારી સગી આંખે જોયો છે.. આતો વર્ષો ના સંબંધ છે તમારાં અને મારાં પરિવાર વચ્ચે એટલે તમને ચેતાવવા આવ્યો છું.. જો અત્યારે જ આ બધું પૂરું નહીં કરવામાં આવે તો કોઈને મોઢું બતાવવા લાયક નહીં રો.. "પોતાનાં અવાજ ને થોડો ઊંચો કરી દલપત બોલ્યો.

"શું જોયું છે તે એવું.. સઘળી વાત જણાવ.. "દલપત ઝુઠું તો નહોતો બોલી રહ્યો એ સમજાતાં માનસિંહ એને કહ્યું.

"જોવો સાચી હકીકત તમે સેજલ ને પૂછો તો વધુ સારું રહેશે.. આમ પણ એ તમારી સામે ઝુઠું તો નહીં જ બોલી શકે. બાકી આપણે જમીનદાર ના દીકરા કંઈપણ ઊંચ નીચ થઈ જાય તો આપણ ને ના પાલવે કાકા.. મારે ખેતરે થોડું કામ છે એટલે હું નીકળું.. રામ રામ.. !!"આટલું કહી દલપત ત્યાંથી નીકળી ગયો.

"રામ રામ!" માનસિંહ પ્રત્યુત્તર માં બોલ્યાં.

દલપતે કરેલી વાત સાંભળી માનસિંહ ના રૂંવે રૂંવે આગ લાગી ગઈ.. હવે તો સેજલ ને મોંઢે સચ્ચાઈ નહીં જાણે ત્યાં સુધી એમના હૃદય ને ધરપત નહોતી વળવાની.. આમ તો હજુ એમનાં ઘરે જવાનો સમય નહોતો થયો પણ દલપત ની વાત ની પૂરેપૂરી ખરાઈ કરવી જરૂરી હતી.. એટલે દલપત ના જતાં ની સાથે જ એ ઉતાવળાં પગલે નીકળી પડ્યાં પોતાનાં ઘર તરફ.

***

"સેજલ ની બા.. ઓ.. સેજલ ની બા.. ક્યાં મરી ગઈ.. ?" ડેલી ખોલી અંદર પગ મુકતાં ની સાથે જ માનસિંહ બોલ્યાં.

"મરે મારાં દુશ્મન.. અને આમ કેમ જોર જોર થી બરકો છો.. કંઈ નવાજુની છે કે શું.. અને આ લો પાણી થોડાં ટાઢા પડો.. "સેજલ ની માં અને માનસિંહ ની પત્ની ચંપા બેન એ પાણી નો લોટો માનસિંહ ને આપતાં કહ્યું.

માનસિંહ બધું પાણી ઉતાવળે ગટગટાવી ગયાં અને બોલ્યાં..

"ક્યાં છે તમારી લાડલી.. એને કહો કે ઝટ મારી સામે હાજર થાય.. "

"કોણ સેજલ.. ? હશે એ તો મેડી એ.. શું કર્યું સેજલે એવું તે તમે આમ ગુસ્સા માં દેખાવો છો.. "પોતાનાં પતિ નો ગુસ્સો પામી ગયાં હોય એમ ચંપા બેન એ પૂછ્યું.

"તારે વધારે દોઢડાહી થવાની જરૂર નથી.. તને જેટલું કહેવામાં આવ્યું એટલું કર અને જા જલ્દી બોલાવતી આવ સેજલ ને.. "માનસિંહ આદેશ ના સુર માં બોલ્યાં.

માનસિંહ નો હુકમ સાંભળી ચંપા બેન ઉપર મેડીએ ગયાં અને સેજલ ને જલ્દી નીચે આવવાનું જણાવી પાછાં નીચે આવીને પોતાનાં કામ માં લાગી ગયાં.

બાપુ એ કેમ બોલાવી છે એનાથી અજાણ સેજલ ફટાફટ નીચે આવી ને માનસિંહ જ્યાં બેઠાં હતાં ત્યાં જઈ એમની બાજુ માં ખાટલા પર બેસી ગઈ અને બોલી.

"હા બોલો બાપુ શું કામ હતું.. ?"

સેજલ ને મળી પોતાનો બધો ગુસ્સો એની પર ઉતારી મુકશે એવું વિચારતાં માનસિંહ નો સંધોયે ગુસ્સો સેજલ ના મુખે બાપુ શબ્દ સાંભળી ઠરી ગયો. એમને સેજલ નાં માથે હાથ ફેરવ્યો અને પ્રેમ થી કહ્યું.

"બેટા.. એક વાત પુછવી હતી.. મને વિશ્વાસ છે કે તું મારી સામે ક્યારેક એક હરફ પણ ખોટો નહીં બોલે.. "

"હા બાપુ પુછો.. હું વચન આપું છું કે હું બધું સાચું જ કહીશ.. "મક્કમ સ્વરે સેજલે કહ્યું.

"આજ થી સાત દિવસ પહેલાં નવા વર્ષ ની સાંજે તું કોને મળવા ગઈ હતી. ?. મને ખબર છે કે મને મળેલાં સમાચાર ખોટા જ હશે"માનસિંહે સેજલ ને કહ્યું.. હજુપણ એમના દિલ માં પોતાની દીકરી ખોટું કરી જ ના શકે એ વાત મજબૂત હતી.

"ના બાપુ તમને મળેલાં સમાચાર સાચા છે.. એ દિવસે સાંજે હું કાના ને મળવા ગઈ હતી.. હું તમને કાના વિશે કહેવાની જ હતી.. "સેજલ સત્ય બોલી રહી હતી.

હજુ તો સેજલ પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ માનસિંહે એક જોરદાર તમાચો સેજલ ના ગાલ પર લગાવી દીધો.. જેનો અવાજ સાંભળી ચંપા બેન પણ બધું કામ પડતું મૂકી ને ત્યાં આવી પહોંચ્યા.

"અરે કેમ મારો છો તમારી દીકરી ને.. આજ સુધી તો તમે ક્યારેક સેજલ ને ટપલી પણ નથી મારી.. અને આજે એવું તો શું થયું કે આજે તમારી વ્હાલસોયી પર હાથ ઉપાડવો પડ્યો.. ?"રડતી સેજલ ને પોતાની બાથ માં ભરી ચંપા બેને કહ્યું.

"તમારી વ્હાલીસોયી એ શું કર્યું છે એ તો પૂછો.. કોઈ છોકરાં જોડે એને સંબંધ છે.. આપણી આબરૂ ને ધૂળઘણી કરવા માંગે છે આ છોકરી.. "માનસિંહ નો ચહેરો તપીને લાલ થઈ ગયો હતો.

"બેટા સેજલ તારા બાપુ જે કહે છે એમાં સાચું કેટલું અને ઝુઠું કેટલું.. ?" ચંપા બેને સેજલ ને ઉદ્દેશીને પૂછ્યું.

"બા.. બાપુ સાચું કહે છે.. હું રાવટા ગામ નાં કાના આહીર ને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું.. અમે એકબીજા ને ભવોભવ નાં કોડ આપી ચૂક્યાં છીએ હવે અમને કોઈ અલગ કરી શકશે તો એ છે મોત.. "મક્કમ અવાજે સેજલ બોલી રહી હતી.

સેજલ ની વાત સાંભળી માનસિંહે સેજલ ને ત્રણ ચાર ઝાપટો લગાવી દીધી અને તાડુકીને કહ્યું

"જોયું તમારી લાડકી ની કરતૂતો.. આપણાં પ્રેમ અને સ્નેહ નો એને આ બદલો આપ્યો.. અને એ છોકરાનું નામ તો એવી રીતે બોલે છે કે આજુબાજુ ના ગામ નો ગામ ઘણી ના હોય.. એની નાત તો જો.. આહીર નો દીકરો છે.. બે ત્રણ એકર માં ખેતી કરી ગુજરાન કરતો સામાન્ય માણસ... અને આપણે જમીનદાર.. ક્યાં જમીન ને ક્યાં આકાશ.. "પોતાની જાતને ઊંચી માનતાં હોય એમ માનસિંહ બોલ્યાં.

"બાપુ કાનો ગામ ઘણી ભલે ના રહ્યો પણ મારો ઘણી તો જરૂર થશે.. અને એ આવશે મને લેવા માટે આ કારતક પૂર્ણિમા એ.. જોઉં છું કોણ રોકે છે મને કાના ની જોડે જતાં.. "પિતાજી ના હાથ ના માર ની પણ જાણે કોઈ અસર ના થઈ હોય અને પ્રેમ નું ઝનૂન માથે સવાર થઈ ગયું હોય એમ સેજલ અકળાઈને બોલી રહી હતી.

સેજલ ની વાત સાંભળતા જ માનસિંહ ધૂંવાપૂવા થઈ ગયાં.. આજે સેજલ પ્રથમ વાર એમની સામે ઉંચા અવાજે બોલી હતી જે માનસિંહ જેવાં વ્યક્તિ માટે સહનશક્તિ બહાર નું હતું. ગુસ્સા માં માનસિંહે સેજલ નું બાવડું ખેંચી એને એનાં મેડીએ આવેલાં રૂમ માં બંધ કરી એને તાળું મારી તાળાની ચાવી પોતાનાં ખિસ્સા માં સરકાવી દીધી.. અને પોતાની પત્ની ચંપા બેન ને પણ સ્પષ્ટ શબ્દો માં કહી દીધું કે..

"મને પૂછ્યા વગર કોઈએ સેજલ ને રૂમ માં થી બહાર કાઢવાની નથી.. અને હું પણ જોઉં છું કે એ બે કોડી નો કાનો કઈ રીતે મારી દિકરી ને લઈ જાય છે.. "

પગ પછાળતા માનસિંહ તો ત્યાંથી નીકળી ગયાં.. પણ દીકરી અને બાપ વચ્ચે કોનો પક્ષ લેવો એની વિસામણ માં ચંપા બેન ત્યાં જ ઊભાં રહી ગયાં.. !!સેજલ પણ હવે કાના ના આવવાની રાહ જોઈ એનાં ઓરડામાં પોતાનાં આંસુ લૂછી રહી હતી.

"ભવોભવ ની પ્રીતડી તારી કાના, તું જલ્દી આવે એવી મને આશ..

નહીં જો આવે મને લઈ જવા તો, તારી સેજલ બનશે જીવતી લાશ.. "

***

પોતાની દીકરી આજે એક અજાણ્યાં માણસ માટે થઈને પોતાની સામે થઈ ગઈ હતી એ વાત થી અકળાઈને માનસિંહ જમ્યા વગર જ વાડીએ ચાલ્યાં ગયાં. આજે તો એમનું મન પોતાની દીકરી નાં આવાં વર્તન અને પોતાની જાણ બહાર કોઈ વ્યક્તિ સાથે નાં પ્રેમ પ્રકરણ નું જાણ્યાં બાદ ક્રોધ ની અગ્નિ માં સળગી રહ્યું હતું.

"એ આહીર નો દીકરો મારી દીકરી ને ફોસલાવીને એની પ્રેમ જાળ માં ફસાવી ગયો હોય એવું લાગે છે.. એકવાર આવવા દે એને કિસા ગામ ની સરહદ માં હું પણ જોવું છે કે અહીં થી જીવતો કઈ રીતે પાછો જાય છે.. ના જોયો હોય તો મોટો મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે અને એ માટે પાછો મારા જોડે સેજલ નો હાથ માંગવા આવવાની વાતો કરે.. એને જીવતો જીવ ભો માં ના ભંડારી દઉં તો મારું નામ પણ માનસિંહ નહીં.. " માનસિંહ સ્વગત બબડી રહયાં હતાં.

"એ રવજી.. ક્યાં છે લ્યા.. "પોતાની વાડી ની દેખરેખ રાખતાં રવજી ને અવાજ દેતાં માનસિંહે કહ્યું.

માનસિંહ નો અવાજ સાંભળી સ્વામીભક્ત એવો રવજી દોડીને માનસિંહ ની જોડે આવ્યો અને ઢોલિયો ઢાળી હાથ જોડી બોલ્યો..

"બાપુ એ તો ગાયો ને ઘાસચારો નાંખતો હતો.. બોલો બીજી કોઈ સેવા.. "

"જા હુક્કા માં તંબાકુ ભરતો આવ અને પાણી પણ લેતો આવજે.. "આદેશ નાં સુર માં બાપુ બોલ્યાં.

થોડીવાર માં તો હુક્કો તૈયાર કરી પાણી નો લોટો લઈ રવજી બાપુ ની જોડે આવી ને એમનાં ઢોલિયા જોડે નીચે જમીન પર બેસી ગયો.

"બાપુ કેમ આજે આટલાં જલ્દી આવી ગયાં.. આમ તો તમે બપોર પછી જમીને આરામ ફરમાવી ને આવો છો.. "રવજી એ કહ્યું.

"એ બધી તારે પંચાત કરવાની જરૂર નથી.. મારી મરજી મારે આવવું હોય ત્યારે આવું.. તું છાનોમાનો તારું કામ કર.. "રવજી ના સવાલ નો જવાબ આપવાને બદલે એનાં પર ગુસ્સો કરી માનસિંહ બોલ્યાં.

"બાપુ.. તમારાં ચહેરા ના હાવભાવ બતાવે છે કે કોઈ મોટી વાત છે.. તમે એ વાત મને જણાવશો તો તમારા દિલ નો ભાર પણ હળવો થઈ જશે અને હું મારા થી બનતો પ્રયત્ન કરીશ કે એ વાત નો નિવેડો આવી જાય.. બાકી તમે અમારા માઈબાપ કહેવાઓ.. તમારી ચિંતા અમોને અમારા કરતાં પણ વધુ હોય એટલે તમને પૂછ્યું.. તમારે ના જણાવવું હોય તો તમારી મરજી.. "હાથ જોડી રવજી એ બોલ્યો.

રવજી ની વાત સાંભળી માનસિંહ ને એનાં પર પોતે ખોટાં ગુસ્સે થયાં એ વાત નો ખેદ થયો.. એમને હુક્કા ના કશ મારતાં કહ્યું.

"રવજી વાત તો એવી ગંભીર છે કે ના રહેવાય છે ના સહેવાય છે.. હું તારા પર વગર કારણે ગુસ્સે થયો એનું કારણ છે મારી દીકરી સેજલ.. "

"શું કર્યું એવું તે સેજલ દીકરી એ.. ?"રવજી એ પૂછ્યું.

રવજી ની વાત સાંભળી માનસિંહે સઘળી વાત એને જણાવી દીધી.. રવજી ને બધું કહ્યા બાદ માનસિંહ ને પણ મનોમન સારું લાગી રહ્યું હતું.. અને આમ પણ રવજી જેવો વફાદાર માણસ આ જમાના માં મળવો મુશ્કેલ હતો એટલે એને પોતાનાં ઘર ની વાત કહેવામાં વાંધો તો નહોતો.

માનસિંહ ની વાત સાંભળી રવજી ના ભવાં સંકોચાયા એને થોડું વિચાર્યું પછી બાપુ ની સામે જોઈ કહ્યું.

"બાપો આ કાનો છે ને બહુ તાકાતવર છે.. બે ચાર જણા ને તો આમેય ધૂળ ચાટતા કરી દે એવો.. હું જાણું છું એનાં વિશે.. મારી બેન તખી રાવટા જ પરણાવી છે એટલે મેં એનાં મોંઢે આ કાના ની ઘણી વાતો સાંભળી છે.. એને મારવો કંઈ સામાન્ય વાત તો નથી.. "

"અરે મારી સામે તું મારાં દુશ્મન નાં વખાણ કરે છે.. ?"ગુસ્સામાં માનસિંહ બોલ્યાં.

"બાપુ વખાણ નથી કરતો પણ તમને ચેતવું છું કે આપણે એને મારી નાંખવા કોઈ મોટી યોજના ઘડવી પડશે.. હું તો કહું છું એકવાર કાના ના કાને એ વાત પહોંચાડી દો કે તમને એનાં અને સેજલ ના પ્રેમ પ્રકરણ ની ખબર પડી ગઈ છે અને તમે એને જાન થી મારી નાંખવા માંગો છો.. આટલું સાંભળતા જ એ આ ગામ ની હદ માં ફરી પગ નહીં મૂકે એ નક્કી છે.. અને મુકશે તો પછી આપણે આગળ ની બધું જોઈ લઈશું.. "રવજી એ કહ્યું.

"હા તારી વાત સાચી છે.. હું કાના જોડે ખબર પહોંચે એની વ્યવસ્થા કરું છું.. પણ જો વાત મળ્યાં પછી એ સેજલ ને લેવા કે મળવા આ ગામ ની હદ માં આવ્યો તો શું કરીશું?"માનસિંહે સવાલ કર્યો.

"બાપુ તમે કેમ ભૂલી ગયાં તમારા ભત્રીજાઓ એભલ અને સુરા ને.. એ બંને ને આ કાનો આવે તો એને ઠેકાણે પાડવાની જવાબદારી આપી દઈએ એટલે પૂરું.. આમ પણ એ બંને ના દોસ્તારો ઘણા છે.. એ બંને આ કામ ને યોગ્ય અંજામ આપી શકશે એનો મને વિશ્વાસ છે.. "હોઠ પર લુચ્ચું સ્મિત લાવી રવજી બોલ્યો.

"શાબાશ.. !! બહુ સારો વિચાર છે તારો રવજી.. હું આજે સાંજે જ મારા ભાઈ વીરેન્દ્ર ના ઘરે જઈ એભલ અને સુરા ને મળી બધી વાત કરી દઉં છું.. આમ તો કાનો આપણે એની રાહ જોઈ બેઠાં છીએ એ ખબર મળતાં આવશે જ નહીં.. અને આવશે તો... !!"આટલું કહી માનસિંહ અટ્ટહાસ્ય કરવા લાગ્યાં.

"આવે જો વાત પ્રેમ ની તો નાત જાત ના ત્રાજવા માં એ તોલાય

પ્રેમ નું મૂલ્ય સમજે નહીં આ દુનિયા ને પ્રેમીઓની વેરી બની જાય.. "

વધુ આવતાં અંકે....

માનસિંહ કઈ રીતે કાના સુધી વાત પહોંચાડશે? પોતાને મારવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે એ જાણ્યા પછી કાનો સેજલ ને લેવા કિસા આવશે કે કેમ? સેજલ અને કાના ની પ્રેમકહાની નો શું અંત આવશે?? જાણવા વાંચતાં રહો ડણક the story of revange નો નવો ભાગ આવતાં ગુરુવારે..

માતૃભારતી પર મારી અન્ય નોવેલ દિલ કબૂતર પણ તમે વાંચી શકો છો.. આભાર.

-દિશા. આર. પટેલ