Premna Prayogo - 2 in Gujarati Short Stories by Hiren Kavad books and stories PDF | પ્રેમનાં પ્રયોગો - 2

Featured Books
Categories
Share

પ્રેમનાં પ્રયોગો - 2

પ્રેમનાં પ્રયોગો

હિરેન કવાડ

૨) શૈલીની શૈલી

“અને આ વખતનો બેસ્ટ બીલ્ડર ઓફ ધ યરનો એવોર્ડ જાય છે.”, બીલ્ડર એસોસિએશનના પ્રમુખ દિલિપ ઝાલા એવોર્ડ નોમિનેટરોની આતુરતા વધારવા બોલતા બોલતા થોભ્યા અને થોડી વાર માટે ચુપ જ રહ્યા.

“એન્ડ એવોર્ડ ગોઝ ટુ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્કા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.”, અચાનક વિશ્વદીપ ઝાલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલનું ગીત ગાવા લાગ્યા.

“બન્ટી અત્યાર અત્યારમાં ટી.વી બંધ કર.”, મનોરથ ભાઇની ઉંઘ ઉડી ગઇ એટલે એના દસ વર્ષના છોકરા બન્ટી પર ગુસ્સે થતા કહ્યુ. મનોરથભાઇની ઉંઘ ઉડી ગઇ અને એમનુ સપનુ સપનામાં સાકાર થતા રહી ગયુ.

મનોરથભાઇ સુરતના પ્રખ્યાત બિલ્ડરોમાંના એક હતા. જેમને પૈસાની કોઇ તાણ નહોતી. કામ કરવામાં ખુબ મહેનતુ અને કામ પણ ખુબ સારુ કરવા વાળા. પરંતુ પૈસો બધી ખુશી આપી શકતો નથી ! એમની ખુશી એમની એક ઇચ્છા હતી.

મનોરથભાઇની ખુશીની વ્યાખ્યા એમનો મનોરથ હતો. ‘બેસ્ટ બીલ્ડર ઓફ ધ યરનો એવોર્ડ.’ સપના જોવા એ ખુબ સારી વાત છે, પણ એ સપનાઓ કોઇ નિર્દોષોની ખુશીઓ છીનવતા ન હોવા જોઇએ.

“સોરી પપ્પા.”, બન્ટી નિરાશ થઇને ટી.વી બંધ કરીને ચાલ્યો ગયો. મનોરથભાઇ બેડ પર સુતા સુતા ફરી રહેલા પંખાને જોતા રહ્યા. સવારે જે છેલ્લુ સપનું આવ્યુ હતુ એ એમના મનમાં બરાબર ઘુસી ચુક્યુ હતુ. ત્રણ દિવસ પછી નોમિનેશન્સના નામ અનાઉન્સ થવાના હતા. પણ મનોરથાભાઇને આ વખતે પણ ડર હતો. એમના કોમ્પીટીટર અને સુરતના પ્રખ્યાત બિલ્ડર બ્રિજેશ નાકરાણી આ વખતે પણ એવોર્ડ જીતી જશે? ક્રીએટીવીટીમાં ક્યારેય કોમ્પીટીશન ના હોય એ કદાચ મનોરથભાઇને સમજ નહોતી, અને કદાચ બ્રિજેશભાઇ આ વસ્તુ જાણતા હતા. એટલે એ કદી કોમ્પીટીશનમાં નહોતા. એમના માટે આ એવોર્ડ લાઇફ તરફથી મળેલ કોમ્પ્લીમેન્ટ્ હતી. એમનુ ધ્યાન કોમ્પીટીશન કરતા ક્રીએટીવીટીમાં વધારે રહેતુ. એટલે જ એમના બીલ્ડીંગ્સની આર્કીટેક્ચર ડીઝાઇન એન્ડ સ્ટ્રક્ચર કંઇક હટકે જ બનતુ.

પરંતુ મનોરથભાઇએ આ વખતે અડાજણ પુલ પાસેના “કર્વ પ્લાઝા” બનાવવામાં એમનુ તન મન અને ધન ઘસી નાખ્યુ હતુ. માણસની ભુખ ‘પ્રખ્યાત’ બનવાની હોય છે. કારણ કે પ્રસિદ્ધી અભીમાનનો ખોરાક છે.

“મનોરથ ઉભા થાવ, હવે સુરજ ઉંબરે આવ્યો”, આંચલબેને એની કાઠીયાવાડી બોલીમાં મનોરથ ભાઇને જગાડવાનો પ્રયત્ન કર્યો. ઉંઘતા હોય એ માણસને જગાડી શકાય, જે ઉંઘતા જ નથી એને જગાડાનો પ્રયત્ન જ વ્યર્થ છે. મનોરથભાઇએ હોંકારો પણ ના આપ્યો.

“મનોરથ તમને શું થઇ ગયુ છે? હમણા તમે કંઇ બોલતા નથી. ઘરે પણ મોડા આવો છો?”, આંચલબેને થોડુ અકળાઇને પુછ્યુ.

“કંઇ નહિ, બસ કામની ચિંતા છે.”, મનોરથભાઇએ કોઇ જ એક્સપ્રેશન વિના સપાટ ચહેરે કહ્યુ.

“મનોરથ આપડી પાસે બધુ જ છે, હવે આપણે શાંતિ સિવાય બીજી કોઇ જ વસ્તુની જરૂર નથી.”, આંચલબેન બેડ પર બેસ્યા અને મનોરથભાઇનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યુ.

“ના, આ એવોર્ડની જરૂર છે, મેં જે કામ કર્યુ એને કોઇ નોટીસ નહિ કરે તો મને ઓળખશે કોણ? આપણો ધંધો કેમ ચાલશે?”, મનોરથભાઇ બેડમાંથી સફાળા ઉભા થતા બોલ્યા.

“પણ બધુ હશે છતા આપણા ઘરમાં બધાના મોઢા ચડેલા હશે તો એ એવોર્ડ બધાને હસાવી શકશે?”, આંચલબેને રોજની જેમ આજે પણ મનોરથભાઇને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

“તુ સવાર સવારમાં મગજ ખરાબ કરમા ! બપોર પછી મારે અમદાવાદ જવા નીકળવાનુ છે, તુ પેકીંગ કરી નાખ, બે દિવસનું કામ છે, એટલે પરમ દિવસે જ આવીશ.”, મનોરથભાઇએ બેડમાંથી ઉભા થતા કહ્યુ. આંચલબેન પણ ઉભા થયા.

“અને તમે મને અત્યારે કહો છો?”, આચંલબેને કહ્યુ.

“લપ, કર માં. બસ.”, મનોરથ ભાઇએ ચાલતા ચાલતા પાછા ફરીને કહ્યુ. આંચલબેન બેડરૂમની બહાર નીકળી ગયા.

***

“મમ્મી આજે વ્હાઇટ ડે છે, અને મારુ વ્હાઇટ ટી-શર્ટ નથી મળતુ.”, પુષ્પોની જેમ ખુશ્બુદાર અને માખણ જેવી ગોરી શૈલીએ એની મમ્મીને કહ્યુ.

“બેટા, જોને તારા બેડરૂમના કબાટમાં જ હશે.”, આંચલબેને કહ્યુ.

“પણ મમ્મી, મેં ત્યાં ચેક કરી લીધુ, ત્યાં નથી.”, શૈલીએ પોતાના હાથ ઉપર-નીચે કરતા કહ્યુ.

“બંટીના કબાટમાં જો, કદાચ ત્યાં હોય તો.”, આંચલબેને કહ્યુ.

“તુ પણ મમ્મી.”, શૈલી મમ્મી સાથે મજાક કરતી અને હસતા હસતા, કુદતી કુદતી બંટીના રૂમમાં ગઇ.

“મમ્મી કેવુ લાગે છે?”, શૈલીએ એની મમ્મી પાસે પિનીયન માંગ્યો.

“વેરી નાઇસ…”, આંચલબેને મોઢુ બગાડીને શૈલીને ચીડવતા કહ્યુ. જાણે આંચલબેનને અંગ્રેજી આવડતુ હોય.

“મમ્મીઇઇઇ”, ઠણકલા મુકતા શૈલી બોલી.

“હા, ભઇ હવે સરસ લાગે છે.’, આંચલબેને શૈલીના માથા પર હાથ ફેરવતા કહ્યુ.

શૈલી બી.કોમના લાસ્ટ યરમાં હતી. સાથે સાથે એ એના પપ્પા મનોરથભાઇનુ અકાઉન્ટ મેઇન્ટેઇન કરવામાં હેલ્પ કરતી. પરંતુ શૈલીને પણ એના પપ્પાના ચહેરા પર સ્માઇલની ખોટ વર્તાતી હતી.

“મમ્મી હું જાવ છુ.”, શૈલીએ દરવાજામાંથી બહાર નીકળતા કહ્યુ.

“સ્કુટર ધીમે ચલાવજે.”, આંચલબેને ઘરમાંથી ચીસ પાડી.

‘ઓકે મમ્મીઇઇઇઇઇઇ.’, બહારથી અવાજ આવ્યો.

***

“મનોરથ, ભાખરી તૈયાર છે, નાસ્તો કરી લો.”, આંચલબેને બેડરૂમમાં દાખલ થઇ, શર્ટ પહેરી રહેલા મનોરથભાઇને કહ્યુ.

“હા આવુ, જા તુ ચ્હા ગરમ કર.”, પોતાની ગરમા ગરમ ચ્હા પીવાની આદતને કારણે મનોરથભાઇએ ચ્હા ગરમ કરવા કહ્યુ.

“બંટી લેશન કરી નાખ્યુ?”, આંચલબેને બ્રેડ પર બટર અને જામ ચોપડી રહેલા બંટીને પૂછ્યુ.

“મમ્મી આજે પણ પરી આવીને લેશન કરી ગઇ.”, બંટીના મોંમાથી વિચિત્ર શબ્દો નીકળ્યા.

“અરે, ફરી આ પાગલ છોકરીએ લેશન કરી નાખ્યુ.”, મનોરથભાઇ ટાઇટનની ગોલ્ડન બેલ્ટ કાંડા ઘડિયાળ કાંડા પર બાંધતા આવ્યા.

“શું થયુ?”, મનોરથભાઇએ ડાઇનિંગ ટેબલની સામે રાખેલી ચેઇર પર બેસતા પૂછ્યુ.

“અરે, ફરી શૈલીએ આજે બંટીનુ હોમવર્ક કરી નાખ્યુ. આ છોકરીને કેટલી વાર સમજાવવી કે બંટીનુ લેશન બંટીને જ કરવા દે, એ લેશન નહિ કરે તો એને કેવી રીતે બધુ આવડશે? પણ નય, એ તો દર વખતે એમ જ કહે છે કે. ‘નાના બાળકો આ ઉંમરે નહિ રમે તો ક્યારે રમશે? બાળકોને ધુળ ખાવા દો, મનભરીને કીચડમાં રમવા દો, એને ધુબાકા મારવા દો, જો એને અત્યારથી જ ભણવાથી એલર્જી થઇ જશે તો એને મોટા થઇને ભણવામાં રસ નહિ પડે. એમ પણ માણસનો સ્વભાવ છે જ ને કે, જે વસ્તુથી એને દુર લઇ જાવ એ વસ્તુ એને વધારે આકર્ષે છે. બંટી તો હજુ ત્રીજુ ભણે છે. હું નાની હતી અને આપડે ગામડે રહેતા ત્યારે હું માટીના મકાન બનાવતી, પપ્પાએ પણ બનાવ્યા હશે, એટલે જ તો પપ્પા અત્યારે બીલ્ડર છે. જો બાળક મનભરીને બાળપણને માણી નહિ શકે તો એ મીઠી માટીવાળી યાદો ક્યારે બનાવશે?’, પુરી પાગલ છે.”, આંચલબેને ગઇકાલનો શૈલી સાથેનો સંવાદ કહ્યો.

“બંટી, દીદી પાસે હોમવર્ક નહિ કરાવવાનુ.”, મનોરથભાઇએ થોડુ સખતાઇથી કહ્યુ.

“પણ પપ્પા મેં મારી હોમવર્કની બુક જોઇ હતી. એમાં હોમવર્ક કરેલુ જ હતુ. દીદીએ પેલી પરીની વાર્તા કરેલી જેમાં પરી આવીને હોમવર્ક કરી જાય છે, એ જ પરી આવીને હોમવર્ક કરી ગઇ હશે.”, બંટીએ પોતાના કાલાઘેલા અવાજમાં કહ્યુ. આંચલબેલ હસવા લાગ્યા.

“એ પરી તારી દીદી જ છે પાગલ.”, આંચલબેને હસતા હસતા કહ્યુ. આંચલબેનને ખુશીઓ આવી નાની નાની બાબતોમાંથી જ મેળવવાની હતી. બંટીએ સેન્ડવીચ મોઢામાં નાખી. થોડો જામ એના નાક પર ચોંટી ગયો. મનોરથભાઇ ચુપચાપ સવારની ભાખરી ખાતા રહ્યા.

“મનોરથ, હવે આપડી શૈલી મોટી થઇ ગઇ છે, એના સંબંધ માટે કોઇ છોકરો જોવો જોઇએ.”, આંચલબેને મનોરથભાઇનુ ધ્યાન ખેંચતા કહ્યુ.

“હા, હું પણ એજ વિચારતો હતો, કોઇ સારૂ ઘર મળે એટલે આગળ વિચારીએ.”, મનોરથભાઇએ કિટલીમાંથી ચ્હા લેતા સુકા સ્વરે કહ્યુ.

“અમદાવાદ અચાનક શું કામ આવી પડ્યુ.?”, આંચલબેને સંકોચાઇને સવાલ પૂછ્યો.

“બિલ્ડર્સ એસોશીએશનની મીંટીંગ છે, અને ઓન ધ સ્પોટ ડીઝાઇન કોમ્પીટીશન પણ છે, જેમાં શૈલીએ એક ડીઝાઇન બનાવી છે, એ પણ રજીસ્ટર કરાવવી છે.”, મનોરથભાઇનો નાસ્તો પુરો થયો.

“પપ્પા મારા માટે રીમોટ કાર લેતા આવજો.”, બંટીએ કહ્યુ.

“પંદર દિવસ પહેલા તો એક લાવી આપી હતી ને?”, મનોરથભાઇએ થોડી સખતાઇથી કહ્યુ.

“એ તો સાહેબે બાળી નાખી, એક પાટીયુ સ્પેશીયલ રમકડા બાળવા માટે સાચવ્યુ છે.”, આંચલબેન કહેતા કહેતા હસી પડ્યા.

“હ્મ્મ, મારૂ બેગ તૈયાર છે?”, મનોરથભાઇએ ઉભા થઇને કહ્યુ.

“હા. હું લઇ આવુ.”, આંચલબેન ઉભા થયા અને રૂમમાં બેગ લેવા માટે ગયા. થોડીજવારમાં એ બેગ લઇને આવ્યા.

“સાચવજો, અને પહોંચો એટલે ફોન કરી દેજો.”, આંચલબેને બેગ મુકતા કહ્યુ.

મનોરથભાઇ ઘરની બહાર નીકળ્યા. એમણે એમની કાર પાર્કિંગમાંથી બહાર કાઢી.

“પપ્પા, મારૂ રમકડુ લેતા આવજો.”, બંટીએ ચીસ પાડતા કહ્યુ.

મનોરથભાઇએ ખાસ કોઇ રીસ્પોન્સ ના આપ્યો. આંચલબેનનો ચહેરો થોડો પડી ગયો.

***

“મમ્મી? મમ્મી?”, ઘરમાં આવતા જ શૈલીએ મમ્મીને બોલાવી. એ ચાલવામાં થોડીક લંગડાતી હતી. છતા ઉતાવળ એના શરીરેથી નીતરતી હતી.

“શું થયુ પગમાં?”, આંચલબેને શૈલીનો પગ જોતા કહ્યુ.

“કંઇ નહિ કાંટો વાગ્યો છે, જે તારે કાઢી આપવાનો છે.”, શૈલીએ હસતા હસતા કહ્યુ.

“ચપ્પલ નથી તારે?, કેવી રીતે વાગ્યો”,

“કંઇ નહિ મમ્મી, કોલેજ બહાર એક માંગણ ચાલી જતી હતી. એના પગમાં કાચ વાગી ગયો. મેં એને દવાખાને લઇ જવા કહ્યુ પણ એણે ના પાડી. એણે જાતે જ કાંચ ખેંચી લીધો અને એક કપડુ ફાડીને પાટો બાંધી દીધો. એના ખુલ્લા પગ મારાથી ના જોવાયા એટલે પછી મેં મારા ચપ્પલ આપી દીધા. મારા સાદા ચપ્પલ એને જેટલી થાય એટલી હેલ્પ કરી શકે.”, શૈલીએ ફટાફટ એની સ્ટોરી કહેવાની શરૂ રાખી.

“કેન્ટીનમાં નાસ્તો કરી હું અને મારા ફ્રેન્ડ્સ ક્લાસમાં જતા હતા ત્યારે જ આ કાંટાએ મારો પગ ચુમી લીધો. કાંટો કાઢવાની કોશીશ કરી પણ અંદર જ ટુટી ગયો છે.”, શૈલીએ સોફા પર બેસતા કહ્યુ.

“પાગલ એટલે પુરી પાગલ.”, આંચલબેને કહ્યુ અને કાંટો કાંઢવા સોઇ લઇ આવ્યા. શૈલીનો પગ પકડીને આંચલબેન કાંટો કાઢવા લાગ્યા. ખબર નહિ ગામડામાં રહેલી માં કાંટા કાઢવામાં સ્પેશીયાલીસ્ટ કેમ હોય છે? એક જ મિનિટમાં એમણે કાંટો કાઢી આપ્યો.

***

રાત્રે ત્રણેય જમવા બેસ્યા. કાંટાએ જુની યાદો તાજી કરી દીધી હતી. એટલે શૈલી એની મમ્મીને એની બાળપણની યાદો કહી રહી હતી.

‘યાદ છે, મમ્મી? હું નાની હતી ત્યારે જ્યારે કાંટો વાગતો હતો ત્યારે પણ તુ જ મને કાંટો કાઢી આપતી હતી? અને કાંટો કોઇને ના વાગે એટલા માટે એ કાંટાને તુ ચાવી નાખતી હતી.”, શૈલીએ જમતા જમતા કહ્યુ.

“હા બેટા, મને બધુ જ યાદ છે, ખબર નહિ તારા પપ્પા બધુ જ ભુલી ગયા છે.”, આંચલબેન થોડુક ઉદાસ થઇને બોલ્યા. ત્યાર બાદ ન તો શૈલી કંઇ બોલી ન તો આંચલબેન.

જમીને આંચલબેન ટી.વી જોવા બેસી ગયા. બંટી એક નોટબુક લઇને દોડતો દોડતો આંચલબેન પાસે આવ્યો.

“મમ્મી પરીએ આજે પણ હોમવર્ક કરી આપ્યુ.”, બંટીએ એના મમ્મીને હોમવર્ક બતાવતા કહ્યુ.

આંચલબેને એના ચહેરા ઉપર આવેલી સ્માઇલ છુપાવી દીધી. એમની ઇચ્છા વિરૂધ્ધ થોડો ગંભીર ચહેરો કરીને શૈલી સામુ જોયુ.

શૈલીને કંઇ ખબર જ ના હોય એવા એક્સ્પ્રેશન આપ્યા. એ વધારે સમય સુધી એની મમ્મી સાથે આંખો ના મેળવી શકી. થોડી જ વારમાં એ ખડખડાટ હસી પડી. આંચલબેન પણ હસવા લાગ્યા.

***

સવારે સાત વાગ્યામાં શૈલી આંચલબેનના બેડરૂમમાં આવી અને ટી.વી ચાલુ કરીને વોલ્યુમ ફુલ કરી દીધુ. MTV પર બોલીવુડના ઢીંચાક સોંગ્સ આવી રહ્યા હતા. આંચલબેનની ઉંઘના સાડા બાર વાગી ગયા. તરત જ એમની આંખો ખુલી ગઇ.

ગીત પર શૈલી એના ખુલ્લા વાળ અને નાઇટ ડ્રેસમાં ડાન્સ કરી રહી હતી. એવુ લાગી રહ્યુ હતુ કે કાલીકા માતા તાંડવ કરી રહ્યા હોય. આ તાંડવ સવાર સવારમાં આંચલબેન ઉંઘ ભરેલી આંખોથી જોઇ રહ્યા હતા.

“શું છે? અત્યાર અત્યારમાં?”, MTV પર ગીત બદલાયુ.

“મમ્મીઇઇઇઇ…. ખુશખબર હૈ.”,

“પુરી નાટક બાજ, શું છે?”, આંચલબેને ઉભા થઇને હસતા હસતા કહ્યુ.

“પાપા કા નામ. એવોર્ડ કે લીયે નોમિનેટ હો ગયા હૈ.”, શૈલીએ શબ્દોને ગીતના ઢાળમાં નાખીને કહ્યુ.

“તને કોણે કહ્યુ? અને નોમિનેશન્સ તો આવતી કાલે બહાર પડવાના હતા ?”

“એ છોડને મમ્મી,”, શૈલી બેડ પર ગોઠણ વાળીને બેસી ગઇ.

“તારા પપ્પાને કોલ કર.”, આંચલબેને કહ્યુ.

“ના મમ્મી, આ વખતે પપ્પા કોલ કરશે. એમના ચહેરા પર સ્માઇલ આવશે.”, શૈલીએ આંચલબેનના હાથ ઉપર હાથ રાખતા કહ્યુ.

***

“ગુડ લક, ફોર નોમીશન્સ.” બધા બીલ્ડર્સે મનોરથભાઇને બેસ્ટ ઓફ લક કહ્યુ.

“થેંક્યુ વેરી મચ.”, મનોરથભાઇએ બધાનો આભાર માન્યો અને પોતાનુ બધુ કામ પતી ગયુ હોવાથી એ પોતાની કાર લઇને સુરત જવા માટે નીકળ્યા. એમણે ઘડીયાળમાં સમય જોયો. બાર વાગ્યા હતા.

“પપ્પા ટોય લેતા આવજો.”, મનોરથભાઇને બંટીના શબ્દો યાદ આવ્યા. પરંતુ મનોરથભાઇની ચિંતાઓમાં એ શબ્દો ક્યાંક ખોવાઇ જ ગયા. મનોરથભાઇની કારે એરપોર્ટ રોડ પર લોર્ડ પ્લાઝા હોટેલથી રીંગરોડ પરનો રોડ પકડ્યો.

મનોરથભાઇના મગજમાં એક જ વિચાર હતો. આવતી કાલે નોમિનેશન્સમાં પોતાનું નામ આવશે કે નહિ? મનોરથભાઇના મોબાઇલમાં “ઓમ સાંઇ નમો નમઃ ની રીંગ વાગી.”. નંબર અજાણ્યો હતો. મનોરથભાઇએ થોડી સેકન્ડ માટે નંબરને જોઇને યાદ કરવાની કોશીષ કરી. એમને યાદ ના આવ્યુ.

“હેલો !”, મનોરથભાઇએ કોલ રીસીવ કરીને કહ્યુ.

“કોન્ગ્રેચ્યુલેશન.”, એક સોફ્ટ, જેન્ટલ એન્ડ જાણીતો અવાજ સામેથી આવ્યો.

“કોણ ?”, મનોરથભાઇએ જાણતા હોવા છતા ઓળખાણ માંગી.

“મનોરથ, બીલ્ડર એસોસીએશને એક દિવસ પહેલાજ નોમિનેશન્સના રીઝલ્ટ ડીક્લેર કર્યા. તારૂ સપનુ હવે દુર નથી. આ વખતે મારૂ નામ નોમિનેટ નથી થયુ. તુ તારા લંગોટીયા યારને ના ઓળખી શકે એવુ તો ના જ બની શકે.”, સામેથી એ જ જેન્ટલ અવાજ આવ્યો.

“ઓહ્હ થેંક્યુ”, મનોરથભાઇએ જે અવાજ સાંભળ્યો હતો એ બિજેશભાઇનો અવાજ હતો.

“આ વખતે નોમિનેશન્સમાં તારૂ નામ નથી?”, મનોરથભાઇએ સવાલ પૂછ્યો.

“કર્વ પ્લાઝા જેવી બીલ્ડીંગ સામે મારા નાના બંગ્લોઝનુ કંઇ ના આવે.”, મનોરથભાઇ પોતાના કામના વખાણ બ્રિજેશભાઇના મોંઢેથી સાંભળીને હરખાયા.

“ક્યાં સુધી આપડે બન્ને આમ એક ફળીયાના બે ભેરૂ એકબીજાથી દુર દુર ભાગતા રહેશુ?, શું ધંધાને લીધે લાગણીઓનુ ખુન કરી નાખવાનુ?, તુ બેસ્ટ બીલ્ડર એવોર્ડ માટે નોમિનેટ થઇ ચુક્યો છે. આ ખુશીને સાથે ઉજવીએ.”, બ્રિજેશભાઇએ કહ્યુ.

“સોરી, યાર, સ્પર્ધાએ મને આંધળો કરી મુક્યો હતો. હું ખુશ છુ કે આ ખબર હું તારા મોઢેથી સાંભળુ છું.”, મનોરથભાઇની ચિંતા અચાનક ક્યાંક ખોવાઇ ગઇ. એમની ખુશીઓનો પાર ન્હોતો. ભલે એ જસ્ટ નોમિનેટ થયા હતા. પણ એમને અત્યારે એવોર્ડ મળી ચુક્યો હોય એવી ખુશી થઇ રહી હતી. એમણે પોતાની કાર સાઇડમાં ઉભી રાખી દીધી.

“તુ મીટીંગમાં ન્હોતો આવ્યો?”, મનોરથભાઇએ કહ્યુ.

“ના, મને આવી મીટીંગ્સમાં થોડો ઓછો રસ છે, પરંતુ આજે તો હું તારા ઘરે જ જમવાનુ લઇશ.. અમે આખુ ફેમીલી તારા ઘરે ઉજાણી કરવા આવીએ છીએ.”, બ્રિજેશભાઇએ કહ્યુ.

“અરે, સ્યોર, એન્ડ થેંક્સ. કે મારા આવા બીહેવીઅર પછી પણ.”, મનોરથભાઇએ થોડા અફસોસ સાથે કહ્યુ.

“મને કદી તારો બીહેવીઅર નડ્યો જ નથી, આપડે બન્નેએ હારે ગારો ચુથ્યો છે. આરે પડ્યા આખડ્યા છીએ.”, બ્રિજેશભાઇએ જુની યાદ અપાવતા કહ્યુ.

“બ્રિજેશ હું સુરત જ આવી રહ્યો છુ. રાતે મળીએ ૮:00 વાગે.”, મનોરથભાઇએ કહ્યુ.

મનોરથભાઇનુ બ્લડપ્રેશર વધ્યુ હતુ. એમની નસોમાં આ સમાચાર સાંભળીને લોહી કંઇક વધારે સ્પીડથી દોડી રહ્યુ હતુ. મનોરથભાઇની આંખોમાં જળજળીયા આવી ગયા. એ કારમાં બેઠા બેઠા બે ઘડી વિચારો મુક્ત થઇ ગયા. એમને આંચલબેન યાદ આવ્યા. એમનો બંટી યાદ આવ્યો. વાત વાતમાં મજાક કરતી શૈલી યાદ આવી. એમણે અત્યાર સુધી એ લોકો સાથે જે રીતે રૂડ વર્તન કર્યુ હતુ એમનો એમને અફસોસ થવા લાગ્યો. આંચલબેન સાથે ઓછુ બોલવુ, બંટી પર ગુસ્સો એમને હવે આ બધુ ખુંચવા લાગ્યુ. મનોરથભાઇને સમજ આવી ગઇ કે નામના મેળવવા માટે ફેમેલીને ગુમાવવુ ખોટનો સોદો છે. આજે એ સમજે મનોરથભાઇને એક મોકો આપ્યો. મનોરથભાઇ એમની કાર અમદાવાદ તરફ વાળી. હવે એ બધુ પાછુ મેળવવા માંગતા હતા જે એમણે પોતાની અજ્ઞાનતાને લીધે ગુમાવ્યુ હતુ. મનોરથભાઇ આજે પહેલી વાર પોતાના ફેમીલી માટે કંઇક ખરીદી કરવા માંગતા હતા. બંટી માટે એક નહિ ત્રણ ત્રણ રીમોટ કાર. આંચલબેન માટે એમણે બે ડ્રેસ ખરીદ્યા અને શૈલી માટે તો ખાસ એણે ડિઝાઇનર ટોપ અને એક જીન્સ ખરીદ્યુ. ઘણી બધી ચોકોલેટ્સ બંટી માટે અને પછી એ સુરતના રસ્તે ચડ્યા. એમના મનમાંથી એવોર્ડનુ ભુત હવે ક્યારનુંય ઉતરી ચુક્યુ હતુ. બ્રિજેશભાઇના એક ફોને મનોરથભાઇના જીવન જીવવાની રીત એક મિનિટમાં જ બદલી નાખી. હજુ મનોરથભાઇએ આંચલબેનને કોલ ન્હોતો કર્યો. એટલે હવે એમને લાગ્યુ કે કોલ કરી લેવો જોઇએ. એમણે ઘરે કોલ કર્યો.

“પપ્પા પાર્ટીઇઇઇઇઇઇઇઇઇઇ.”, સામેથી શૈલીનો ચીસ ભરેલો અવાજ આવ્યો.

“ધીમે ધીમે બેટા, હું ઘરે જ આવુ છું”, મનોરથભાઇના ચહેરા પર સ્માઇલ હતી.

“પપ્પા કોન્ગ્રેચ્યુલેશન.” શૈલીએ ફરી કહ્યુ.

“થેંક્યુ એન્ડ મમ્મીને કેજે કે બ્રિજેશભાઇનુ ફેમીલી આજે ડિનર માટે આપણા ઘરે આવે છે. એન્ડ તારી મમ્મીને મારા વતી આઇ લવ યુ કહેજે, એન્ડ આઇ લવ યુ ટુ માય ડાર્લીંગ..”, મનોરથભાઇએ ઘણા સમય પછી શૈલી સાથે આવી રીતે વાત કરી હતી. એન્ડ એમણે કોલ કટ કર્યો.

મનોરથભાઇ ખુબસુરત સુરતના રસ્તે નીકળી પડ્યા.

***

“વેલકમ… વેલકમ..”, ઉંચી હાઇટ, બ્લેક બ્લેઝર એન્ડ હાથમાં IPhone 5 ફોન લઇને ઉભેલા વ્યક્તિને જોઇને મનોરથભાઇએ કહ્યુ અને મનોરથભાઇ બ્રિજેશભાઇના ગળે વળગી પડ્યા. આંચલબેન બ્રિજેશભાઇના પત્નિ અંકિતાબેનને ઘણા સમય પછી મળ્યા. દરવાજા માંથી બ્લુ જીન્સ અને વ્હાઇટ શર્ટ પહેરેલ એક યંગ હેન્ડસમ છોકરો અંદર આવ્યો અને એ આંચલબેનને પગે લાગ્યો. એ હતો બ્રિજેશભાઇનો છોકરો સિધ્ધાર્થ. એણે આંચલબેનની પાછળ ઉભેલી શૈલી સામે હળવુ સ્મિત કર્યુ.

બધા અંદર આવ્યા. બ્રિજેશભાઇ અને મનોરથભાઇ એક સોફા પર બેઠા. અંકિતાબેન અને આંચલબેન બાજુના બીજા સોફા પર, બીજા બે મીની સોફામાંથી એક પર સિધ્ધાર્થ બેઠો અને બીજા પર શૈલી અને બંટી.

“તો કેવી રહી અમદાવાદની ટ્રીપ?”, બ્રિજેશભાઇએ પૂછ્યુ.

“ખુબ જ સરસ !, તુ બોલ તુ શું કરે છે હમણા ?”, મનોરથભાઇએ બ્રિજેશભાઇને પૂછ્યુ.

“બસ, હવે આરામ જ કરુ છું, સિધ્ધાર્થ ધીરે ધીરે બધુ સંભાળે છે.”, બ્રિજેશભાઇએ સિધ્ધાર્થ તરફ નજર નાખતા કહ્યુ.

આંચલબેન અંકિતાબેનને નીચેના રૂમમાં કરાવેલુ ફર્નીચર બતાવવા લઇ ગયા.

“છોકરો મોટો થઇ ગયો.”, મનોરથભાઇએ હસતા હસતા કહ્યુ. મનોરથરભાઇના મોબાઇલમાં “ઓમ સાંઇ નમો નમઃ” ની રીંગ વાગી. મનોરથભાઇએ નંબર જોયુ. શ્રીનાથ કંસ્ટ્ર્ક્શન લખેલુ હતુ.

“હા બોલો, દર્શનભાઇ”, મનોરથભાઇએ ફોન ઉપાડતા કહ્યુ.

“ગુડ લક દર્શનભાઇ.”, સામેથી અવાજ આવ્યો.

“ગુડ લક, પણ શેના માટે?”, મનોરથભાઇએ થોડા આશ્ચર્યમાં પૂછ્યુ.

“અરે, એવોર્ડના નોમિનેશન્સ માટે, સાંભળ્યુ છે કે આ વખતે બ્રિજેશભાઇએ એવોર્ડ માટે નામ નોંધાવવાનો ઇનકાર કરી દીધો છે.”, મનોરથભાઇએ દર્શનભાઇના શબ્દો સાંભળ્યા.

“એવોર્ડ નોમિનેશન્સ?”, મનોરથભાઇ ઉભા થઇને બંગલાના ઝરૂખા તરફ ગયા. શૈલીએ બ્રિજેશભાઇ અને સિધ્ધાર્થ તરફ નજર ફેરવી. એ ઉભી થઇને મનોરથભાઇની પાછળ ગઇ.

“નોમિનેશન્સનુ રીઝલ્ટ તો આજે જ નથી આવી ગયુ?”, મનોરથભાઇએ દર્શનભાઇને પૂછ્યુ. શૈલી સામે જ ઉભી હતી.

“ના, રીઝલ્ટની ડેટ કાલે છે તો કાલે સાંજે જ બહાર પડશે ને, અમે પણ રાહ જોઇને જ બેઠા છીએ, કેમ તમને ખબર નથી?”, સામેથી અવાજ આવ્યો.

“હા, કાલે જ રીઝલ્ટ ડીક્લેરેશનની ડેટ છે, કાલે મળીએ.”, મનોરથભાઇના ચહેરા પરના થોડાક આંકારો બદલાયા. મનોરથભાઇએ શૈલી સામે જોયુ.

“પપ્પા એક મિનીટ બેસશો. હું તમને બધુ જ સમજાવુ..”, શૈલીએ મનોરથભાઇનો હાથ પકડીને ઝરૂખામાં રાખેલી ખુર્શીમાં બેસાડ્યા. એ પણ એની સામેની ખુર્શીમાં બેસી. શૈલીએ મનોરથભાઇનો હાથ પોતાના હાથમાં જ રાખ્યો.

“પપ્પા, આ બધો પ્લાન મારો હતો. હું તમારા ચહેરા પર રોજ રોજ આ ચિંતાઓની રેખાઓ નહોતી જોવા માંગતી. એટલીસ્ટ અમે એક દિવસ તો એવો જોઇ શકીએ કે જે દિવસે તમે પુરે પુરા અમારી સાથે હોવ. મેં બ્રિજેશઅંકલને બધી વાત કરી. એમણે મને કહ્યુ કે “મેં આ વખતે મારૂ નોમિનેશન્સમાં લેવાની ના જ પાડેલી છે, જો આવા રમકડા ન મળવાને કારણે અમારા જુના સંબધો ફરી સંધાઇ જતા હોય તો મને કોઇ પ્રોબ્લેમ જ નથી. મેં તો ઘણી વાર તારા પપ્પા સાથે વાત કરવાની કોશીષ પણ કરી છે.” પછી મેં કહ્યુ કે આપણે આ રીતે પપ્પા ને એક દિવસ માટે ખોટુ બોલીએ. કદાચ એમને સમજાઇ જાય. અને કદાચ તમે આ વખતે નોમિનેશન્સ માં સીલેક્ટ પણ થઇ જાવ, એવી આશા રાખીને મેં આવુ વિચાર્યુ. બ્રિજેશ અંકલે પહેલા તો ના જ પાડી અને કહ્યુ કે “સંબધોનો પાયો કદી અસત્યનો ન હોવો જોઇએ.” પરંતુ મે કહ્યુ કે જો અસત્યથી કોઇ વ્યક્તિ એનુ સ્મિતવાળુ જીવન પાછુ મેળવી શકતો હોય તો એ ખોટુ કામ પણ સાચુ જ બની જાય છે. બ્રિજેશ અંકલને તમને કોલ કરવા માટે મેં જ કહ્યુ હતુ. આ બધી વસ્તુ પાછળ એમનો કોઇ જ દોષ નથી. પપ્પા તમે તમારી અંદર નજર નાખશો તો તમને પણ જવાબ મળી જશે કે તમે છેલ્લા આઠ કલાકથી કેટલા ખુશ છો. આજે જ્યારે તમે મારા માથા પર હાથ ફેરવ્યો ત્યારે મને એમ લાગ્યુ કે જાણે ઇશ્વર મને એના ખોળામાં રમાડી રહ્યો છે, બંટી પણ તમારી સાથે આજે કેટલો ખુશ લાગતો હતો, અને મમ્મી તો તમારા ચહેરા પર સ્માઇલ રહે એ માટે કંઇ પણ કરવા તૈયાર છે. અત્યાર સુધી અમે આ સ્માઇલ દેવતાનો સાક્ષાત્કાર જોઇ પણ રહ્યા હતા. ખબર નહિ આ શેનો પ્રયોગ હતો, અમે તો પ્રેમ માંગીએ છીએ એટલે પ્રેમનો પ્રયોગ જ હું કહી શકુ.”, શૈલીએ કહ્યુ. સાંભળતી વખતે મનોરથભાઇ શૈલી સામે એકટીસે જોઇ રહ્યા અને ચુપચાપ સાંભળતા રહ્યા. શૈલીની આંખો ભીની થઇ ચુકી હતી.

મનોરથભાઇએ શૈલીના હાથ પોતાના હાથથી દબાવ્યા.

“બેટા, તારા આ એક પ્રયોગે આજે મારી લાઇફને ઘણી બદલી નાખી છે. એ એવોર્ડની લાલચને તો હું અમદાવાદના રીંગરોડ પર જ મુકી આવ્યો છુ. જો કદાચ તે આજે બ્રિજેશભાઇ પાસે આ ખોટુ ના બોલાવરાવ્યુ હોત તો હજુ હું બંટી પર સવાર સવારમાં બરાડા પાડત, તારી મમ્મીની રસોઇ કદી હું માણી ના શકત અને મારો મોગો ચડેલો જ રહેત. કદાચ બ્રિજેશ અને મારી વર્ષો પહેલા ખોવાયેલી મિત્રતા આજે ફરી મને ના મળી શકી હોત. હવે મારે એવોર્ડ નથી જોઇતો. મારે તમારી જરૂર છે.”, મનોરથભાઇ કહેતા કહેતા ગળગળા થઇ ગયા. એમણે એમનુ માથું શૈલીના ખભા પર મુકી દીધુ. શૈલીની આંખો આજે હરખથી ભરાઇ ગઇ હતી. આજે એનો ખભો ખુબ હળવુ મહેસુસ કરી રહ્યો હતો. દિકરીના ખભા પર માથુ રાખીને બાપ એક જ વાર રડતો હોય છે, દિકરી જ્યારે ઘરેથી વિદાય લેય ત્યારે, શૈલીને જરાક પણ એના પપ્પાનો ભાર ના લાગ્યો.

“પપ્પા, આ આંસુ પાડવાનો સમય નથી, આ તો ખુશીઓનો સમય છે.”, શૈલીએ મનોરથભાઇના આંસુ પોતાના દુપટ્ટાથી લુછ્યા.

“ચાલો પપ્પા આજે હું તમને એક સરપ્રાઇઝ આપવા માંગુ છુ.”, શૈલી મનોરથભાઇને અંદર લઇ ગઇ.

“મમ્મી નીચે આવ.”, શૈલીએ સાદ પાડ્યો. શૈલી કિચનમાં ગઇ અને કોલ્ડડ્રીંક લઇને આવી. શૈલીએ દુરથી જ જોયુ કે બ્રિજેશભાઇ અને મનોહરભાઇ એકબીજાના ગળે મળી રહ્યા હતા અને મનોરથભાઇ બ્રિજેશભાઇને થેંક્યુ કહી રહ્યા હતા. આંચલબેન અને અંકિતાબેન નીચે આવ્યા અને સોફા પર બેસ્યા. શૈલીએ બધાને કોલ્ડડ્રીંક આપ્યુ. એ હોલના મોટા LCD ટીવી પાસે જઇને ઉભી રહી ગઇ.

“મમ્મી અને પપ્પા, આજે મારે તમારી સાથે કંઇક શેર કરવુ છે, જે હું છુપાવતી રહી છું.”, શૈલીએ ઉભી થઇને કહ્યુ.

“હા, બેટા બોલ.”, મનોરથભાઇએ કહ્યુ.

“પપ્પા એ હું બોલીને નહિ કહું, મેં એક પ્રેઝેન્ટેશન તૈયાર કર્યુ છે. એના દ્વારા હું બતાવવા માંગુ છુ.”, શૈલીએ બધી લાઇટો બંધ કરી. કંપ્યુટર દ્વારા એણે એક વિડીયો શરૂ કર્યો. એ બાજુમાં ચેઇર લઇને બેસી ગઇ.

પ્રેઝેન્ટેશન ચાલુ થયુ. બેકગ્રાઉન્ડમાં સ્લો, સોફ્ટ રોમેન્ટીક મ્યુઝીક વાગવા લાગ્યુ. મોગરાના અને ચંપાના ફુલવાળા બેકગ્રાઉન્ડ ઇમેજની ઉપર અચાનક “લવ ઇઝ ફોરેવર” લખેલુ આવ્યુ. જાણે કોઇ મુવીના નંબર પડતા હોય. પ્રેઝેન્ટેશન એકાએક ફાસ્ટ બની ગયુ. મ્યુઝીક પણ ફાસ્ટ થયુ.

“પ્રેમ એટલે પુર્ણતા”,

“પ્રેમ એટલે માણસને યુવાન રાખતી ક્ષણો”

“પ્રેમ એટલે હું તુ અને આપણે”,

આવા કેટલાક સુત્રો એક પછી એક પ્રેઝેન્ટેશનમાં આવ્યા અને પછી

જે આવ્યુ એ જોઇને બધા જ આશ્ચર્ય ચક્કિત થઇ ગયા.

એક ફોટો આવ્યો જેમાં વ્હાઇટ ડ્રેસમાં શૈલી અને વ્હાઇટ કપડામાં સિધ્ધાર્થ ડુમસના દરિયા કિનારે ધોડાની સવારી કરી રહ્યા હતા.

ફરી એક ફોટો આવ્યો જેમાં શૈલી સિધ્ધાર્થના મોં પર કેક ચોપડી રહી હતો. બેક ગ્રાઉન્ડ મ્યુઝીક ફાસ્ટ થયુ.

ફરી એક ફોટો આવ્યો, જેમાં સિધ્ધાર્થ લીલા રંગથી શૈલીને રંગી રહ્યો હતો.

હાર્ટ શેપમાં ફરી એક ફો્ટો આવ્યો. જેમાં સિધ્ધાર્થ શૈલીના છુટ્ટા વાળ ઉંચા કરી રહ્યો હતો અને શૈલી પાછળ સિધ્ધાર્થ તરફ જોઇ રહી હતી. આ ફોટો જોઇને બધા બવ હસ્યા.

આવી શૈલી અને સિધ્ધાર્થની ઘણી મોમેન્ટ્સ પ્રેઝેન્ટેશન્સમાં આવી.

છેલ્લે એક ખુબ જુનો ફોટો આવ્યો. જેમાં મનોરથભાઇ, બ્રિજેશભાઇ, અંકિતાબેન, આંચલબેન હતા. સિધ્ધાર્થ અને શૈલીને પોતપોતાના મમ્મીએ તેડેલા હતા. એ ફોટાની નીચે લખેલુ હતુ. વી આર હેપ્પી ફેમીલી.

પ્રેઝેન્ટેશન પુરૂ થયુ. લાઇટ શરૂ થઇ. બધાજ સિધ્ધાર્થ અને શૈલીની સામે સરપ્રાઇઝ થઇને જોઇ રહ્યા હતા. એકાએક બધા હસ્યા. “આંચલ જા ફ્રીજમાંથી પેંડા લઇ આવ.”, મનોરથભાઇએ આંચલબેનને કહ્યુ. સિધ્ધાર્થ અને શૈલીને પણ સરપ્રાઇઝ મળવાથી બન્નેના ચહેરા પર ખુશી છવાઇ ગઇ. બધાએ એકબીજાનુ મોં મીઠુ કર્યુ.

ત્યાંજ બંટી રૂમમાંથી દોડતો દોડતો પોતાના હાથમાં નોટબુક લઇને આવ્યો.

“મમ્મી પરીએ આજે ફરી હોમવર્ક કરી આપ્યુ.”, બંટી કાલુડી ભાષામાં બોલ્યો અને બધા હસી પડ્યા.

***

જો તમને આ વાર્તા ગમી હોય તો રીવ્યુ આપવાનું ભુલતા નહીં. ટુંક સમયમાં બીજી વાર્તા. ત્યાં સુધી કરો પ્રેમનાં પ્રયોગો.