Ghar Chhutyani Veda - 25 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | ઘર છૂટ્યાની વેળા - 25

Featured Books
Categories
Share

ઘર છૂટ્યાની વેળા - 25

ભાગ - ૨૫

વરુણ ટેક્ષીમાં તેના પપ્પાએ આપેલા રાધિકાના ઘરના સરનામે પહોચ્યો. રાધિકાના પપ્પા જયેશભાઈનો કારોબાર અમેરિકામાં પણ ખુબ જ વિકાસ પામ્યો હતો એવું વરુણે તેના પપ્પા પાસે સાંભળ્યું હતું, પણ આજે રાધિકાના ઘરનો વૈભવ જોઈ અને એ વાત સમજાઈ રહી હતી. સવારનો સમય હતો, પણ વોશિંગ્ટનની ગલીઓમાં આળસ નહોતી દેખાતી. ટેક્ષીમાંથી નીકળી વરુણ બહારથી જ ઘરને અને આજુબાજુના વિસ્તારને જોતો ઉભો હતો. સાથે મનોમન વિચારી પણ રહ્યો હતો કે "રાધિકાના પપ્પાએ પોતાનું બધું જ ધ્યાન પોતાના બીઝનેસ પાછળ જ લગાવ્યું લાગે છે જો એમને તેમાંથી દસ ટકા પણ જો રાધિકા પાછળ ખર્ચ્યું હોત તો ગઈ કાલે જે રાધિકાને ક્લબમાં જોઈ એ રાધિકા ના હોત. પણ અફસોસ છે કે પૈસાની દોડમાં માણસ આંધળો બની જાય છે. પોતાના સંતાનોના મોજશોખ પુરા કરાવવા, તેમને મનગમતી વસ્તુ લઇ આપવી એમાં જ પોતાની સાચી સિદ્ધી માનતા હોય છે, પણ એવા મા બાપ ભૂલી જાય છે કે બાળક એમના પૈસાને કે વસ્તુઓને નહિ એમના સમયને પણ ઝંખતું હોય છે, એમની હુંફ એમની લાગણીના ભૂખ્યા હોય છે. અને મા બાપ દ્વારા જો પ્રેમ,લાગણી,હુંફ અને સમય જે બાળકોને નથી મળતો તેવા બાળકો જ ગેરમાર્ગે દોરાઈ જતાં હોય છે."

ગેટ ખોલી વરુણ અંદર પ્રવેશ્યો, જયેશભાઈ બહાર ગાર્ડનમાં બેઠા બેઠા પોતાના લેપટોપમાં કંઇક જોઈ રહ્યાં હતા. વરુણ આવ્યો તેની એમને ખબર નહોતી. અને તેઓ પોતાના લેપટોપમાં એટલા વ્યસ્ત હતાં કે ગેટમાંથી કોણ પ્રવેશે છે તે પણ જોવાનો તેમની પાસે સમય નહોતો. વરુણ અંદર પ્રવેશી રાધિકાને શોધી રહ્યો હતો. પણ ગાર્ડનમાં ક્યાય રાધિકા દેખાઈ નહિ, ઘરની અંદરથી રાધિકાની મમ્મી કુસુમબેન આવતા હતા. તેમની નજર વરુણ ઉપર પડી. વરુણને જોઇને તે એકદમ ચોકી ગયા. અને બોલી ઉઠ્યા :

"અરે, વરુણ બેટા તું ?"

જયેશભાઈને પણ કુસુમના અવાજથી જ ખબર પડી કે ગેટ ખોલીને કોઈ અંદર આવ્યું છે, અને તે વરુણ છે. તેમણે પણ વરુણને જોઈ અને પોતાનું લેપટોપ બાજુ ઉપર મુક્યું, અને વરુણને આવકારવા ઉભા થયા.

વરુણે બંનેની પાસે જઈ અને એમના ચરણસ્પર્શ કરી પોતાના ભારતીય સંસ્કારોની ઓળખ આપી. જયેશભાઈએ કહ્યું પણ ખરું : "વરુણ, હજુ સહેજ પણ નથી બદલાયો."

વરુણને કહેવાનું મન થઇ ઉઠ્યું હતું કે "હું હજુ એવો જ છું પણ તામારી દીકરી અહિયાં આવીને ઘણી બદલાઈ ગઈ છે, ગઈકાલે તમે એનું જે રૂપ જોયું હોત તો આજે મારી સામે આંખો પણ ના મિલાવી શકતા હોત." પણ એ રાધિકા વિષે એમને કઈ કહેવા માંગતો નહોતો. જયેશભાઈ પૂછવા લાગ્યા :

"તું ઇન્ડિયાથી ક્યારે આવ્યો ? અને અમને ઇન્ફોર્મ પણ ના કર્યું ? અને તારો સામાન ક્યાં છે ?"

વરુણ : "અંકલ, મારા આવ્યે એક મહિનો થવા આવ્યો અને હું બે દિવસ પછી પાછો પણ જવાનો છું."

કુસુમ : "પહેલા એને બેસવા માટે તો કહો પછી ચર્ચા કરો."

જયેશભાઈ : "હા, સોરી બેસ વરુણ."

વરુણ અને જયેશભાઈ ગાર્ડનમાં જ બેઠા. કુસુમબેન ચાના કપ તૈયાર કરવા લાગ્યા."

જયેશભાઈના પ્રશ્નો ચાલુ જ હતા, પણ વરુણને બધા જ પ્રશ્નોની જાણ હતી માટે તે પૂરી તૈયારી સાથે જ આવ્યો હતો.

જયેશભાઈ : "તું એક મહિનાથી અહિયાં આવ્યો છે અને જવાના બે દિવસ પહેલા અમારા ઘરે આવે છે ? અને અમને જાણ પણ ના કરી ? તારા પપ્પાએ પણ અમને કેમ ના કહ્યું ?"

વરુણ : "અંકલ, હું થોડા મિત્રો સાથે એક કામથી અહિયાં આવ્યો હતો, એટલે મેં તમને ડીસ્ટર્બ ના કર્યા, હોટેલ બુકિંગ હતું અને કામ પણ ઘણું હતું જેના કારણે મળવા આવવું પણ શક્ય નહોતું, આજે થોડો સમય લઈ અને સ્પેશીયલ તમને મળવા જ આવ્યો."

કુસુમબેન : "હવે બે દિવસ તારે અહિયાં જ રહેવાનું છે."

વરુણ : "સોરી આંટી, હજુ મારે થોડું કામ બાકી છે, અને એ આ બે દિવસમાં પૂરું કરવું પડે એમ છે. માટે વધુ સમય મારાથી રોકાઈ શકાય એમ નથી. ટેક્ષી પણ બહાર જ ઊભી રખાવી છે, જો તમને મળ્યા વગર જ પાછો ચાલ્યો ગયો હોત તો હું આવ્યો છતાં તમને મળવા નાં આવ્યાનો અફસોસ થતો. એટલે આજે આવી જ ગયો."

જયેશભાઈ : "એની વે બેટા, ઘરે બધા કેમ છે ?"

વરુણ : "બધા જ મઝામાં છે. તમને ખુબ જ યાદ કરે છે."

કુસુમબેન : "રાધિકા હજુ સુઈ રહી છે, રાત્રે એક ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી હતી તો મોડી આવી હતી, હું એને ઉઠાવીને બોલાવું."

વરુણના મનમાં તો થઇ રહ્યું હતું કે "મેં જોઈ છે એને ગઈ કાલે બર્થ ડે પાર્ટી ઉજવતાં. અને એ જો સામે આવશે તો હું મારી જાત ઉપર જ કાબુ નહિ રાખી શકું અને કંઇક બોલાઈ જશે એના કરતાં એ સુઈ રહી છે ત્યાં સુધી હું નીકળી જઈશ એજ સારું રહેશે."

વરુણ એમને ઉભા થતાં રોકતા : "ના આંટી, એને સુઈ રહેવા દો. આમ પણ મારી પાસે એટલો સમય નથી અને એ આવશે તો વાત લાંબી ચાલશે."

કુસુમબેન : "અરે. એ ઉઠશે અને અમે કહીશું તો એ અમને જ ઝગડશે."

વરુણ : "હું એને સમજાવી દઈશ, તમે ચિંતા ના કરો."

કુસુમબેન : "સારું, તું નાસ્તો તો કરીશ ને ?"

વરુણ : "ના, આંટી હોટેલમાં હું બ્રેકફાસ્ટ કરીને જ આવ્યો."

જયેશભાઈ : "વરુણ આવું કેમ ચાલે બેટા, તું આટલા દુરથી આવ્યો અને અમે તારા માટે કઈ ના કરી શક્યાં!"

વરુણ : "અંકલ, એમાં તમારો વાંક ક્યાં છે ? મારી પાસે જ સમયનો અભાવ છે."

જયેશભાઈ : "એની વે, બીજું શું ચાલે છે ઇન્ડીયામાં ? અને ખાસ આપણા અમદાવાદમાં ?"

વરુણ : "બસ તમે જે અમદાવાદ છોડી ને ગયા હજુ એવું જ છે, કોઈ ફર્ક નથી પડ્યો, હા થોડી ઇમારતો અને રસ્તા વધી ગયા છે બાકી વધારે કઈ ખાસ નહિ."

જયેશભાઈ : (થોડા મર્માળા સ્મિત સાથે) "તો હવે લગ્ન વિષે શું વિચાર છે તારો ? તારા પપ્પા સાથે તો વાત થઇ જ હતી, પણ આજે તને પણ પૂછી લઉં. તું અને રાધિકા એકબીજાને પસંદ તો કરો જ છો, મારે રાધિકા સિવાય બીજું કોઈ છે પણ નહિ, અને મારી નજરમાં તારાથી શ્રેષ્ઠ છોકરો બીજો કોઈ નથી."

વરુણ : "સોરી અંકલ, પણ હું હમણાં લગ્ન માટે તૈયાર નથી."

જયેશભાઈ : "અરે હમણાની હું ક્યાં વાત કરું છું, હજુ તો રાધિકાનું પણ ભણવાનું ચાલુ જ છે, હજુ એકાદ-બે વર્ષ પછીની વાત છે ."

વરુણ : "અંકલ, લગ્ન કરી હું બંધાઈ જવા માંગતો નથી, મારે હજુ ઘણુબધું કરવું છે, અને મેં ઘણા સપના જોયા છે જે હું પુરા કરવા માંગું છું, લગ્નના બંધનમાં બંધાઈ જઈને મારા સપનાઓને અધૂરા રાખવા નથી માંગતો."

જયેશભાઈ : "અરે દીકરા, લગ્નએ બંધન ક્યાં છે ?અને લગ્ન બાદ પણ તું તારા સપના પુરા કરી જ શકે છે ને. તારા પપ્પાનો બીઝનેસ પણ સેટ થઇ ગયો છે, તારે તો માત્ર તેને આગળ જ વધારવાનો છે ને ?"

વરુણ : "ના અંકલ, હું મારી જાતે જ મારો રસ્તો બનાવવા માંગું છું, પપ્પાનો બીઝનેસ ભલે રહ્યો પણ હું મારી રીતે કંઇક કરવા માંગું છું. અને સોરી અંકલ હું લગ્ન નહિ કરી શકું."

જયેશભાઈના ચહેરાના ભાવ થોડા બદલાઈ રહ્યાં હતા, પણ એમને આશા હતી કે વરુણ અત્યારે ના કહે છે પણ એના પપ્પા સાથે વાત થતાં એ મનાવી લેવાના છે એટલે તમને વરુણ સાથે લગ્નની ચર્ચા ના કરી. વરુણ પણ રાધિકાનો ચહેરો તેમની આંખો સામે લાવવા માંગતો નહોતો, જો તેને રાધિકા વિષે બધું જ કહ્યું હોત તો એમને સામે ચાલીને લગ્નની વાત કરતાં પહેલા પણ વિચાર કરવો પડતો. પણ વરુણ માત્ર લગ્ન નથી કરવાનું જ જણાવવા આવ્યો હતો.

"ચાલ વરુણ તને મારું ઘર બતાવું એમ કહીને ઘરની અંદર લઇ ગયા, અમેરિકામાં પણ આલીશાન પ્રોપર્ટી જયેશભાઈએ વસાવી લીધી હતી. રાધિકાના રૂમનો દરવાજો લોક નહોતો. જયેશભાઈએ દરવાજો ખોલ્યો, રાધિકા આલીશાન બેડમાં બ્લેન્કેટ ઓઢી અને સુઈ રહી હતી. વરુણની નજર ત્યાં ના અટકી પણ બાજુમાં એક ટેબલ ઉપર પડેલા ડ્રેસ ઉપાર અટકી, એ જ ડ્રેસ કાલે રાધિકા એ પહેર્યો હતો, જે ઘરે આવી ચેન્જ કરી અને ટેબલ ઉપર મૂકી દીધો હશે. રાધિકાના રૂમમાંથી બહાર નીકળી આખું ઘર વરુણે જોયું, થોડીવાર ડ્રોઈંગ રૂમમાં બેસી વાતો કરી અને પછી વરુણે જવાની રજા માંગી.

જયેશભાઈએ એરપોર્ટ ડ્રોપ કરવા આવવા માટે કહ્યું પણ વરુણે "ના" કહ્યું ટ્રાવેલ એજેન્ટે બધી વ્યવસ્થા કરી છે એમ જાણવી કુસુમબેન અને જયેશભાઈને બાય કહી ટેક્ષીમાં હોટેલ જવા રવાના થયો.

વરુણે રાધિકાના પપ્પા સાથે કરેલી વાતનો વરુણને પૂરો સંતોષ નહોતો, તે હજુ જયેશભાઈને સમજાવવામાં પુરેપુરો સફળ રહ્યો નહોતો તેમ એને લાગી રહ્યું હતું. પણ રાધિકા સાથે લગ્ન ના કરવાના બીજનું રોપાણ તો તેને કરી દીધું તેનો આનંદ હતો. ધીમે ધીમે જયેશભાઈ પણ બધી વાત સમજી જશે અને એ પણ રાધિકા અને તેના લગ્નની વાત નહિ કરે.

રાધિકાને ઉઠી ત્યારે જયેશભાઈ ઓફીસ જવા નીકળી ગયા હતા, પોતાના રૂમાંથી ફ્રેશ થઈ તે ડાઈનીંગ ટેબલ ઉપર આવીને નાસ્તો કરી રહી હતી. કુસુમબેન પણ તેની બાજુમાં જ હતા. કુસુમબેને રાધિકાને કહ્યું :

"સવારે વરુણ આવ્યો હતો."

વરુણના આવ્યાની વાત સાંભળતા જ રાધિકા હાથમાં રહેલી ચમચી છૂટી અને જમીન ઉપર ટનનન.. અવાજ સાથે પછડાઈ.

એકદમ આશ્ચર્ય અને પહોળી થઇ ગયેલી આંખો સાથે રાધિકાએ કહ્યું :

"શું... ??? વરુણ... અહિયાં ??? આપણા ઘરે આવ્યો હતો ???"

કુસુમબેન : "હા, મેં એને કહ્યું : 'હું રાધિકાને ઉઠાવું.' પણ એને ના પાડી."

રાધિકાને તરત યાદ આવ્યું, કે "ગઈકાલે વરુણ વોટ્સેપ ઉપર કોલ પણ કરતો હતો, કદાચ એ પોતાના આવ્યાના સમાચાર આપવા જ કરતો હશે પણ હું ડેવિડ સાથે રોમાન્સમાં વ્યસ્ત હતી અને કોલ કટ કર્યો હતો." રાધિકાના મનમાં થયું કે વરુણે પપ્પાને કહ્યું તો નહિ હોય ને કે મેં રાધિકાને કોલ કર્યો અને તેને ઉઠાવ્યો નહિ ?" એટલે થોડા સંકોચ સાથે તેની મમ્મીને પૂછ્યું :

"તો એ રોકાયો નહિ ? અને આમ અચાનક આવીને કેમ પાછો પણ ચાલી ગયો ?"

કુસુમ : "તે કોઈ કામ માટે થોડા ફ્રેન્ડ સાથે એક મહિનાથી આવ્યો છે, અને એ ઉતાવળમાં જ હતો, થોડીવાર જ બેસી અને ચાલ્યો ગયો."

વરુણ એક મહિનાથી અમેરિકામાં છે એ જાણી રાધિકાના મનમાં ગભરામણ થવા લાગી, તેના મગજમાં વિચારો દોડવા લાગ્યા, હમણા જ થોડા દિવસ પહેલા તેની સાથે વાત થઇ હતી. તેને કોલેજનું નામ પણ જણાવ્યું, અને ત્યારે વરુણે અમેરિકામાં છે એવું તો કહ્યું નહોતું. એ વિચારી દિમાગ ચકરાવે ચઢવા લાગ્યું.

કુસુમબેને રાધિકાના ચહેરા ઉપરની ચિંતાના ભાવ વાંચી લીધા અને પૂછી લીધું :

"શું થયું ? કેમ ગભરાયેલી લાગે છે ? તારી તો વરુણ સાથે વાત થાય છે જ ને !"

રાધિકા : "હા. પણ ત્યાનો અને અહિયાનો સમય સેટ નથી થતો એટલે ઓછી વાત થાય છે."

કુસમ : "એને તને પણ નહોતું કહ્યું કે એ અમેરિકા આવે છે ?"

રાધિકા : "ના, એને મને પણ જાણ નથી કરી."

વરુણે કેમ અમેરિકા આવ્યો અને તેને કોઈને જાણ કેમ ના કરી તે વિષે જાણવા માટે રાધીકાનું મન આકુળ વ્યાકુળ થઇ રહ્યું હતું.

"મમ્મી, વરુણ બીજું શું કહેતો હતો ?"

કુસુમ : "તું મને પહેલા એ કહે કે તારી અને વરુણ વચ્ચે કઈ થયું છે ?"

રાધિકા : "ના, પણ કેમ તું આવું પૂછેછે આજે ?"

કુસુમ : "તારા અને વરુણના લગ્નની વાત આપણે ઘણાં સમય પહેલાથી જ નક્કી કરી હતી, તું અને વરુણ એકબીજાને પસંદ પણ કરતાં હતા, પણ આજે વરુણે અચાનક લગ્ન કરવાની ના પાડી છે."

રાધિકા : "મમ્મી, એને એવું કેમ કહ્યું મને પણ ખબર નથી, હમણાં થોડા દિવસ પહેલાં જ વાત થઇ હતી ત્યારે એને મને કઈ ના કહ્યું, હું અત્યારે જ એની સાથે વાત કરું." એમ કહી અને રાધિકા ઉભી થઇ પોતાના રૂમમાં જઈ. દરવાજો અંદરથી બંધ કરી લીધો.

રૂમમાં બેઠા બેઠા પહેલા તો એ વિચારવા લાગી કે વરુણે કેમ આવું કર્યું ? ફોનમાં ઘણી વાર સુધી વરુણને ફોન કરવાનો પ્રયત્ન કરતી રહી પણ કોલિંગ બટન ઉપર આંગળી મુકવા જતાં જ રોકાઈ જતી હતી, કેવી રીતે વાત કરું એજ તેને સમજાઈ રહ્યું નહોતું, તેના મનમાં ઘણા પ્રશ્નો ઉભરાવવા લાગ્યા, શું વરુણ ને તેના વિષે માહિતી મળી ગઈ હશે ? શું વરુણ તેની કોલેજમાં તેને શોધવા ગયો હશે ? એ બધા સવાલોના જવાબ વરુણ પાસે જ હતા, અને છેવટે હિમ્મત કરી રાધિકાએ વરુણના ફોનમાં વોટ્સેપ કોલિંગ કર્યું.

વરુણ હોટેલના રૂમમાં રાધિકાના ફોન કે મેસેજ આવવાની જ રાહ જોઈ રહ્યો હતો, તેને ખબર જ હતી કે જયેશભાઈ કે કુસુમબેન તેને મારા આવ્યાના સમાચાર આપશે અને એ જાણવા માટે ફોન કે મેસેજ કરશે.

ફોનમાં રાધિકાનું નામ સ્ક્રીન ઉપર જોઇને વરુણ જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો એ આવી ગઈ એમ લાગ્યું અને ફોન ઉઠાવ્યો :

વરુણ : "તો તારો ફોન આવ્યો ખરો એમને, હું તારા જ ફોનની રાહ જોતો હતો."

રાધિકા : "તું મને મળ્યા વગર કેમ જતો રહ્યો ?"

વરુણ : "તને લાગે છે આપણે મળવાનું હતું ?"

રાધિકા : "કેમ વરુણ આમ બોલે છે ? તું ક્યાં છે હું તને મળવા માંગું છું"

વરુણ : "સોરી, રાધિકા, પણ હવે મારી તને મળવાની ઈચ્છા નથી."

રાધિકા : "શું થયું છે વરુણ એ મને કહેને ? તું અમેરિકા આવ્યો, મને ના જાણ કરી. તું ઘરે આવ્યો, મને ના જાણ કરી. કેમ આવું કરું છું મને કઈ સમજાતું નથી, પ્લીઝ વરુણ એકવાર મારે તને મળવું છે."

વરુણ પણ ઈચ્છતો હતો કે રાધિકાને એકવાર મળી અને તેને શું જોયું છે અને તે અમેરિકા કેમ આવ્યો છે એ જણાવે. માટે વરુણે મળવા માટે રાધિકાને હા કહ્યું. વરુણ જે હોટેલમાં રોકાયો હતો એજ હોટેલમાં રાધિકાને સાંજે બોલાવી.

વધુ આવતા અંકે...

લે. નીરવ પટેલ "શ્યામ"