અધુરા અરમાનો-૩૨
જમાનો જરૂર બદલાયો છે કિન્તું હજી કેટલીક ભયંકર વિચારસરણીઓ બદલાઈ નથી. વિશ્વ એક કુંટુંબ બની ગયું, જમાનો ગ્લોબન બની ઊભરી રહ્યો છે. તેમ છતાં હજું જરૂરી પરિવર્તનનો પવન ફુંકાયો નથી. આપણા આધુનિક સમાજમાં પ્રેમ અને પ્રેમલગ્ન કર્યા એટલે જાણે કોઈનું ખૂન કરી નાખ્યું ન હોય! એટલો ખતરનાક ઊહાપોહ! અરે, હવે તો સરકારે પણ આ સ્વિકાર્યુ છે અને કાનૂન પણ એવા લોકોને સંરક્ષણ આપે છે. તો પછી માણસો શીદને આ સ્વિકારતા નથી. આ સમયમાં એક પણ વ્યક્તિ એવી નહી હોય કે જેણે એની જીંદગીમાં કોઈને પ્રેમ કર્યો ન હોય! તો પછી એ જ વ્યક્તિઓ અન્યોની લાગણીને, પ્રેમને કેમ સ્વિકારી શકતા નથી.
"અરરર...! પ્રેમ તારી આવી દશા? ર, કુદરત તે શું જોઈને આ પ્રેમતત્વને સર્જ્યું હશે? પ્રેમ અને પ્રેમલગ્ન કરનારની તો સરાજાહેર પૂજા કરવી જોઈએ. જગતમાં શ્રેષ્ઠ તથા મહાન ગણાતા આશિકોના મંદિર હોવા જોઈએ. જ્યારે દિવાનાઓની આવી દશા? શું જીવ લઈ ભાગીને ફરવું એ જ એમના ભાગ્યમાં લખાયું હશે! કે પછી ઉંમ્રભર ઉરના અંધારા ખૂણામાં વિજોગનો દાવાનળ સંતાડીને ઝુર્યા કરવાનું? કોઈનેય નડ્યા વિના અમે આશિકો મસ્તાનભરી જીંદગી જીવીએ એમાં દુનિયાનું જાય છે શું?" ચોફેર મચેલી ધમાલ તથા પોતે બનેલ તમાશાની મજા માણતા લોકો પર ઉદાર નજર નાખતી સેજલ મનમાં બબડી રહી. દુનિયાને દોષ દેવા સિવાય એ કશું કરી શકે એમ જ ક્યાં હતી!
સૂરજના પિતાજી ઊભા થયા. પારાવાર પીડા થઈ, પણ દિલમાં જ દબાવી દીધી. ન થવાના કેટલાય વિચારો થઈ ગયા કિન્તુ એ અટકી ગયા એમને વિચાર આવ્યો કે થવા જેવું તો થઈ જ ગયું છે. હવે નકામા બળાપા કાઢવાથી શુ ફાયદો? અને આખરે એમણે કહેવા માંડ્યું:"બેટા સુરજ! તે આ શું કર્યું? અરે તારે આવું કાળું કરવું જ હતું તો આ તારા બિમાર બાપ સામે તો જોવું હતું? કે પછી તુંય પ્રભુની જેમ નિર્દય બની ગયો છે શું? તને ભણતો જોઈને મારું જે હૈયું હરઘડી હરખાયેલું રહેતું હતું એમાં તે દાવાનળ લગાડી દીધો છે તારે આવું જ કરવું હતું તો કોક દિવસ અમને જાણ તો કરવી હતી? અત્યારે આ તારા કાર્યથી તને ધિક્કારું કે આવકારું એ જ મને નથી સમજાતું!"
પછી આંખો લૂછતાં આગળ કહેવા માંડ્યું:" દીકરા સૂરજ! તે તારા આ કર્મથી અમને બદનામી અને બરબાદીના માર્ગે વાળ્યા છે. ભલે અમારું ગમે તે થાય કિન્તુ તું તારી ખુશીને લઈને અહીંથી ચાલ્યો જા. ગમે ત્યાં જેવી લેજે. ગમે તે રીતે જીવજે. સુખેથી જીવી નહીં શકે તો મરણના વાવડ જરૂર પહોંચાડશો. જા દીકરા, હૃદયથી આશિષ આપું છું કે તું અને તારો સંસાર આનંદમય રહે." આટલું બોલતાં તો એ ખાટલામાં ઢળી પડ્યા.
ઘડીભર રહીને સુરજના કાકા ઊભા થયા. કહેવા લાગ્યા:" અરે ઓ કલંકી, આમ ઊભો છે શું? નીકળી જા અહીંથી નીકળી જા! કોઈની દીકરીને આમ ઉપાડી લાવતા તને જરાય શરમ ન આવી? પાછો અહીં લઈને આવ્યો છે? જાણે ગંગાજી નાહ્યો હોય એમ! અરે કાળમુખા તે તો અમારી કુળની આબરૂના ધજાગરા ઉડાવી દીધા."
આ બધું સાંભળીને સુરજના પગ તળેથી ધરતી ખસવા લાગી. જાણે હમણાં ધરતીમાં સમાઈ જશે. દિલમાં જાણે મોટો ધરતીકંપ થયો હોય એમ હૈયું ધ્રુજી ઉઠ્યું. પરિવારના સહુએ ન કહેવાનાં વેણ કાઢ્યાં. સૂરજ પર બળાપાના વાદળ વરસી રહ્યા. જે સાંભળીને સેજલના કાનમાંથી કીડા ખરી ગયા.એ દરવાજો ખોલીને મારુતી માં ભરાઈ ગઈ.
મહાભયંકર કાલરાત્રિની સેનાએ ધરતીને જકડવા માંડી હતી. ચારે બાજુ અંધારું ફેલાઈ રહ્યું હતું. સૂરજ પણ જઈને ગાડીમાં બેઠો. બિચારો જય પણ મારુતિ માં ફસડાઈ પડ્યો. પરિવારની બળતી લાહ્યમાં શેકાતા સૂરજે મારુતિ હંકારી મૂકી.
જે સમાજમાં પ્રેમલગ્નને કાળુ કલંક માનવામાં આવે એ સમાજમાં કોઈ કુટુંબનો જાયો- નબીરો આવું કાર્ય કરે ત્યારે એની વલે શું થાય? સમાજ નાત બહાર કાઢી મૂકશે એ ભયથી સૂરજનું પરિવાર ધ્રુજી ઉઠ્યું. કિન્તુ નર્મશંકરે કહ્યું:"તમે નાહકના ચિંતા કરશો નહીં. સમાજ આપણો વાળ વાંકો નહીં કરી શકે!" એવું કહીને એમણે સૌને સાંત્વના આપી.
પ્રેમલગ્ન કરનાર પેલા પોપટીયાને સમાજે ત્રીસ-ત્રીસ વર્ષથી ન્યાત બહાર રાખ્યો હતો એ એમને સાંભરી આવ્યું છતાંય મનમાં હામ રાખી.
રાત્રિના અંધકારમાં વાહનોના લાઇટના અજવાળે આથડથી પછડાથી મારુતિ પાલનપુરમાં આવીને ઊભી રહી નવ વાગી ચૂક્યા હતા. સૂરજ એક હોટલનો રૂમ બુક કરાવી આવ્યો. જય અને સેજલને પોતપોતાની રૂમ સોંપીને એ પોતાની રૂમમાં આવીને ફસડાઇ પડ્યો. પણ સુરજ વિના સેજલને કળ શાને વળે? એ તો પોતાની રૂમ એમને એમ છોડીને સૂરજની રૂમમાં ધસી આવી. જ્યાં લાઈટ, પંખા, એ.સી બધું જ બંધ કરીને એ પડ્યો હતો. ત્યાં આવીને સેજલ સૂરજ પર ઢળી પડી.
અગિયાર વાગ્યે કિશોરીલાલ દુકાનેથી ઘેર આવ્યા. આખા ઘરમાં ઉદાસીભર્યો સૂનકાર છવાયેલો હતો. અંજલી અને શિલ્પાબેન સૂનમૂન બની પોતપોતાના કાર્યમાં વ્યસ્ત હતા. ધીમે રહીને કિશોરીલાલે પૂછ્યું:" દીકરા અંજલિ, સેજલના શાં સમાચાર છે? મયુરી સાથે પ્રવાસમાં ગયેલી હજુ આજે અઠવાડિયું થવા આવ્યો છતાં પાછી કેમ આવી નથી? આજે કેટલા દિવસ રોકાવાનું છે?"
કોઈએ કશો ઉત્તર વાળ્યો નહીં.
આખરે કંટાળીને કિશોરીલાલે મયુરીના ઘેર ફોન કર્યો. વિધાતાનું કરવું એવું કે મયુરીના બદલે એના પપ્પાએ ફોન ઉપાડ્યો. તેમને આ ઘટનાની જરીએ જાણ નહોતી. એટલે તેમણે કિશોરીલાલને કહ્યું,' અહીં સેજલ આવી પણ નથી અને મયુરી ક્યાંય ગઈ પણ નથી!'
આ સાંભળી કિશોરીલાલની આંખે અંધારા આવી ગયા. પોતાની પત્ની શિલ્પાબેનને પૂછ્યું તો તેમણે કહ્યું કે મને કહીને ગઈ નથી હું પણ આઠ-આઠ દિવસથી કાગના ડોળે રાહ જોઈને બેઠી છું. શિલ્પાબેનની બિચારાની દશા બેઠી હતી. એથી એમણે ઘવાયેલા મને ધીરેથી કહ્યું. પછી તો આખા ઘરમાં સેજલના નામની ધમાલ મચી ગઈ.
કિશોરીલાલે રાતના 11 વાગે સેજલની બધી સહેલીઓને ફોન લગાડીને સમાચાર પૂછ્યા. પરંતું ક
કોઈ વાવડ જડ્યા નહી.
"ક્યાં હશે મારી સેજલ?" કિશોરીલાલની આંખો ભરાઈ આવી. હૈયામાં ઉથલપાથલ મચી ગઈ. ગમે તે તોય બાપ! બાપને બેટીની ચિંતા તો હોય ને! સરરરર કરતું એમનું કાળજું ચિરાઇ ગયું. જમવાનું જમવાના ઠેકાણે, ને શરીર શરીરના ઠેકાણે. સેજલની ભાળ મેળવવા ક્યાંય ફાફા મારવા લાગ્યા. કિશોરીલાલ દીકરીની શોધ કરવા નીકળવાની તૈયારીમાં જ હતા અને એ જ ઘડીએ એમના મોબાઈલની ઘંટડી રણકી ઉઠી. અજાણ્યો છતાંયે સાંભળ્યો હોય એવો અવાજ લાગતો હતો:" તમારી વહાલી લાડકવાયી સેજલ અત્યારે મારી જોડે છે. એ અત્યારે આવી શકે તેમ નથી. તમે એની ભાળ મેળવવાની જરૂર કોશિશ કરશો નહીં. કિન્તુ કાલે સવારે અને જો સવારે નહીં તો બપોરે બેથી ત્રણ વાગ્યા સુધીમાં હેમખેમ તમારા ઘેર પહોંચી જશે. તેને ઊની આંચ પણ નહી આવે. તમે ચિંતા કરતા નહીં."
કિશોરીલાલ બાઘાની જેમ સાંભળી રહ્યા. એ કંઈ પૂછે એ પહેલાં તો ફોન બંધ થઈ ગયો.
કિશોરીલાલ બધું સમજી ગયા.
ઘડીકવારમાં કેટલાય વિચારો આવીને હવાની જેમ વહી ગયા. "કોણ હશે એ પુરુષ? આટલી અડધી રાતે સેજલ ક્યાં હશે? કેમ એ કંઈ બોલી નહીં?" કિશોરીલાલ નું બીપી વધી ગયું સોફા પર ઢળી ગયા ઘડીકવાર રહી એમણે નંબર ડાયલ કર્યો. કિન્તુ એટલીવારમાં તો સૂરજે સ્વીચ ઓફ કરી લીધો હતો. બિચારા કિશોરીલાલ અને શિલ્પાબેન આખી રાત નીંદ માટે અને સેજલ માટે વલખા મારતા રહ્યા. માવતરને દીકરીની કેટલી ચિંતા?
-ક્રમશ: