Svyamprerna thi vyaktitva vikash in Gujarati Motivational Stories by Pragnesh Parmar books and stories PDF | સ્વયંપ્રેરણા થી વ્યક્તિત્વ વિકાસ

Featured Books
Categories
Share

સ્વયંપ્રેરણા થી વ્યક્તિત્વ વિકાસ

સ્વયંપ્રેરણા થી વ્યક્તિત્વ વિકાસ :-

રૂષિ ની ધો.12 વિજ્ઞાનપ્રવાહ ની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી .તે ખૂબ હાશકારો અનુભવી રહ્યો હતો .તેણે નક્કી કર્યું હતું કે આખું વેકેશન મજા કરશે .ઘરેથી પણ ફરવા માટેની છૂટ માળી જ ગઈ હતી .રૂષિ એક સાંજે પોતાના પિતરાઈઓ સાથે નીકળ્યો , એક લગ્ન માં મોડી સાંજે મહેફિલ ની જમાવટ થઈ . 6:45 વાળી મહેફિલ તમે સમજી શકશો . બધા રૂષિ થી ઉંમર માં મોટા હતા. રૂષિ અવાક થઈને જોઈ રહ્યો હતો . તે મહેફિલ માં આજના કહેવાતા well educated persons બેઠા હતા . રૂષિએ સહજ ના પાડી , ' મને આ બધું નહીં ફાવે '. એકે કહ્યું , ' અરે અમે પણ શરૂઆત માં આવું જ કહેતા હતા , પણ આજે જો ચાર પેક ની પણ અસર થતી નથી .' બીજા એ કહ્યું , ' મર્દ થા મર્દ ..જુવાન થયો હવે , કોલેજ જવાનો , ચાલ ઉઠાવ .' ત્રીજા એ કહ્યું , ' તારા માટે small light પેક બનાવીએ , ચાલ .' રૂષિ અચરજ થી સાંભળી રહ્યો હતો . તેણે કહ્યું , ' મને આ શોભશે નહીં અને ન શોભે તેવું કામ હું કરતો નથી . તમે ચાલવા દો હું આવું છું .' આમ કહીને તે ત્યાંથી નીકળી ગ્યો . તેનું ના પાડી નીકળી જવું તેના અલગ વ્યક્તિત્વની ઓળખ હતી .

રૂષિ ના મન માં વિચારોનું વંટોળ ઉદભવ્યું . તેને થયું કે શું બધાએ આ રીતે ઑફર મળતા ગ્લાસ સહજ રીતે પકડી લીધો હશે ? તેણે મન માં બધાની વ્યસન ની શરૂઆત કઈ રીતે થઈ હશે તે જાણવાનું નક્કી કર્યું . ઘણા સમય બાદ ઘણા લોકોને મળ્યા પછી તેણે જાણ્યું કે મોટાભાગના કિસ્સામાં આ જ રીતે બધાને તેમની ઉગતી યુવાનીએ ફરજ પાડવામાં આવી હતી અને ઈચ્છા ન હોવા છતા પોતાની જાતને ન ખબર શું પુરવાર કરવા ગ્લાસ ઉપાડી લીધા હતા .

બધામાં કાંઈ બધું જ આંતરિક ખરાબ જ નથી હોતું , પણ સારું કે નબળું , યોગ્ય -અયોગ્ય , આ બે માંથી કયું કરવું ? શું ઉપાડવું ? એ નક્કી કરવું જ કઠિન છે . ત્યારે બીજા શું વિચારશે ? બીજા શું બોલશે ? એ જે વિચારે તે ગ્લાસ ઉપાડી જ લે , પણ જે પોતાને શું શોભશે ? તેનો વિચાર કરે છે તે વિશેષ હોય છે , તે ગ્લાસ નહીં ઉપાડે . આવું કરવાની પ્રેરણા તેને પોતાની અંદર થી જ મળે છે , અને આવી પ્રેરણા એટલે જ સ્વયંપ્રેરણા .

સ્વામી વિવેકાનંદ કહે છે , ' શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ . શિક્ષણનું મહત્વનું કાર્ય જ વ્યક્તિ માં જે કઈ આંતરિક છે તેને પ્રગટ કરવાનું છે . શિક્ષણ ની પ્રક્રિયા માં બહાર થી કશું નાખવાનો પ્રશ્ન જ નથી.' સ્વામીજી કહે છે , ' આપણમાંના પ્રત્યેકે આપણી જાત ને જાતે જ શિક્ષિત કરવાની છે .' તેમના મત પ્રમાણે જેમ છોડ પોતાના સ્વરૂપ ને જાતે જ વિકસાવે છે , એ જ રીતે બાળક પણ પોતે જ શીખે છે . છોડ ઉછેરનારો માળી જમીન ને ખેડી ને અંકુર ફૂટવાની મોકળાશ કરી આપે છે , તે ફૂટેલા અંકુર ને સાચવે છે , ખાતર અને પાણી આપે છે અને તેનું કાર્ય પૂર્ણ થાય છે , તે જ રીતે શિક્ષક પણ બાળક ને માત્ર બાહ્ય વાતાવરણ આપી શકે છે , તે સિવાય કશું શીખવી શકતો નથી .એટલે કે વ્યક્તિત્વ ના વિકાસ માટે વ્યક્તિએ પોતે જ અંકુરિત થવાનું છે અને આવું થવું એટલે જ સ્વયંપ્રેરણા.

વિકાસ એનો જ હોય જે છે. દા .ત . બુદ્ધિ છે , તો તેનો વિકાસ છે , શરીર છે તો તેનો વિકાસ છે . છોડ છે તો તેનો વિકાસ છે , તેથી જ્યારે વ્યક્તિત્વ વિકાસ ની વાત થતી હોય ત્યારે એક વાત જાણી સમજી લેવી જોઈએ કે વ્યક્તિત્વ વિકાસ એટલે વ્યક્તિ માં જે કાંઈ આંતરિક છે તેનો વિકાસ .
દરેક વ્યક્તિ માં સારી વાત રહેલી છે .કુદરતે દરેક ને કંઈક અલગ વિશેષ આપ્યું છે , વ્યક્તિ તેને ઓળખી લે , સમજી લે એટલે ' સ્વઓળખ' . તે ઓળખી લીધા પછી તેના માટે પ્રયત્ન કરો , ખૂબ મહેનત કરે તો તે ખીલી શકે , વિકાસ કરી શકે તેને કહેવાય 'સ્વયંપ્રેરિત' થવું .

આજની કરુણતા એ છે કે વ્યક્તિ પોતાની ચિંતા છોડી , પોતાની ઈચ્છા ન હોય છતા બીજાને ગમશે કે ? બીજા શું વિચારશે ? કોઈને ન ગમે તો ? આવા જ પ્રશ્નોમાં અટવાયા કરે છે , ગુંગળાયા કરે છે અને આ જ કારણે તે ખીલી શકતો નથી અને તેનું વ્યક્તિત્વ રૂંધાય છે .

તો પ્રશ્ન એ ઊભો થાય કે વ્યક્તિએ વિકાસ કરવો કેવી રીતે ? સ્વયંપ્રેરિત થવું કેવી રીતે ? તો આ વ્યક્તિત્વ વિકાસ એ વ્યક્તિમાં રહેલી આંતરિક બાબતો-ક્ષમતાઓને ખીલવી ને જ થઈ શકે. બીજાને ગમતી વાતો, બાબતો ન હોય , તેના માટે પ્રયત્નો કરવાથી કોઈ વ્યક્તિત્વ પ્રભાવી બનતું નથી . કારણ તેમા આત્મા અને ઈચ્છા પરોવાયેલા નથી . આથી સ્વયંપ્રેરિત થવા માટે સૌથી પહેલા મને શું ગમે છે ? મારે શું કરવું છે ? તેના માટે મારે શાની જરૂર પડશે ? આવા પ્રશ્નો પોતાની જાતને પૂછો અને જવાબો પોતાના અંદરથી જ મેળવવા પ્રયત્ન કરો . જવાબ મળ્યા પછી તેના વિશે સતત વિચારતા રહો . ચિંતન કરતા રહો .મને 100% વિશ્વાસ છે કે તમને પ્રેરણા તમારા અંદર થી જ મળશે . આ મારી દ્રઢ વિશ્વાસ છે .

તમને તમારી ગમતી બાબત કઈ છે ? તે માટેનો રસ્તો મળે પછી શું તમે થોભવાના છો ? ના ભાઈ ! તમે થોભશો નહીં પણ ચાલતા થઈ જશો . અરે ! ચાલતા નહીં પણ દોડતા થઈ જશો અને દોડતા જ રહેશો , તે પણ થાક્યા વિના , કારણ તમને પ્રેરણા તમારી અંદર થી મળી છે .તમેં જાતે જ કંઈક નક્કી કર્યું છે અને એ જ 'સ્વયંપ્રેરણા' .

સ્વયંપ્રેરણા એટલે શું અને સ્વયંપ્રેરિત કઈ રીતે થવાય તે તો જાણ્યું . મારા મત પ્રમાણે પોતાને ગમતી વાતો પોતાની ઈચ્છા પ્રમાણેની બાબતો ને પ્રભાવી રીતે કરવી એ પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે આવશ્યક છે. પરંતુ આ બધું એટલું સરળ પણ નથી. તરત થઈ જાય તેવું પણ નથી .સમય માંગી લે તેવું છે . તેના માટે નિયમિતતા અને સાતત્ય જાળવવું અગત્યનું છે . ખંત થી તેની પાછળ લાગેલા રહેવું જરૂરી છે .

સ્વયંપ્રેરિત થવા માટે આંખો ની સામે હંમેશા એક લક્ષ્ય હશે તો વિકટ પરિષ્થિતિમાં , મુશ્કેલીમાં પણ પ્રેરણા મળતી રહેશે . આવા સમયે પોતાની વિચારસરણી હકારાત્મક બનાવેલી રાખવી જરૂરી છે .તમારા લક્ષ્ય માટેનો તમારો લગાવ તમને સ્વયંપ્રેરિત કરશે અને આ બાબત તમારા વ્યક્તિત્વને ખીલવશે, નિખારશે .
so , તમારી ગમતી વાત કઈ ? તમારે શું થવું છે ? શું મેળવવું છે ?આવા પ્રશ્નોના જવાબો મેળવવામાં લાગી જાવ . જવાબ મળે પછી બેસી ના રહેતા , પણ શું કરવાનું તમને ખબર છે ને ? તો બસ પછી ...all the best ..

:- પ્રજ્ઞેશ એચ પરમાર