Danak - 7 in Gujarati Detective stories by Disha books and stories PDF | ડણક -૭

The Author
Featured Books
Categories
Share

ડણક -૭

ડણક

A Story Of Revenge.

ભાગ:-7

(આજુબાજુ ના ગામો માં પ્રખ્યાત એવો કાનો સેજલ ને જોતાં વેંત એને દિલ દઈ ચુક્યો હોય છે. શરદ પુનમ ના ગરબા માં સેજલ અવશ્ય આવશે એવી આશા કાનો સેજલ ના ગામ કિસા આવે છે. ત્યાં યોજાતી પ્રતિયોગીતા ના અંતે કાનો અને સેજલ સંયુક્ત રીતે વિજેતા બને છે.. સેજલ પણ કાના ને દિલ દઈ ચુકી હોય છે. વિરજી એની પ્રેમિકા અને સેજલ ની સહેલી મીના ની મદદ થી કાના અને સેજલ ની મુલાકાત ગોઠવે છે હવે વાંચો આગળ)

"સાજણ, સાજણ હવે તો શ્વાસ લેવો પણ અઘરો પડે જ્યારે આવે તારી યાદ..

તને મળવાની એવી તે હું ઘેલી બની .. એ ફક્ત જાણે મારો કાળિયો નાથ.. "

જાણે કે કોઈ બગીચો ફૂલો થી સજીને સામે ચાલી વસંત ને મળવા નીકળી પડ્યો હોય, જાણે વહેતી નદી સાગર માં સમાઈ જવા માટે દોટ મૂકી ભાગતી હોય, જાણે કોઈ મયકશ મદિરા પીવા મયખાના ની રાહે અધીરો બની નીકળી પડ્યો હોય એમ આજે સેજલ સજીને પોતાનાં રૂપ ને શણગારી ને પોતે જેને પોતાનો મનમીત માની લીધો છે એવાં કાના ને મળવા નીકળી ગઈ હતી.

સેજલ નું રૂપ જોઈ આજે એવું લાગતું હતું કે જાણે આકાશ નો ચાંદ જમીન પર ઉતરી આવ્યો હોય.. પણ ફરક એટલો હતો કે આકાશ ને ચાંદ માં તો ડાઘ હતો પણ સેજલરૂપી આ ચાંદ તો બેનમુન હતો જેમાં કોઈ ડાઘ નહોતો. મેનકા ઉર્વશી જેવી બધી અપ્સરાઓ ના અંશ લઈને કુદરતે જાણે સેજલ ને ઘડી હોય એવું ભાસતું હતું.

ઘરે થી નીકળી સેજલ મીના નાં કહ્યા પ્રમાણે નાગદેવતા નાં મંદિર જોડે વહેતાં પાણી નાં વ્હેળા જોડે આવેલાં પીપળા ના વૃક્ષ તરફ ગઈ.. એને દૂર થી જોયું તો કાનો એની રાહ જોઈ ત્યાં પહેલાં થી ઉભો હતો.. કાના ને જોઈ સેજલ નાં હૈયે હાશ તો થઈ પણ કાના જોડે શું વાત કરશે અને કેવી રીતે વર્તન કરશે એ વિચારે એને અધીરી કરી મૂકી.. જે ઉત્સાહ થી એ દોટ મૂકી ત્યાં આવી હતી એ ઉત્સાહ જેમ કપૂર હવામાં ઓગળે એમ ઓગળી ગયો.. હૃદય ના ધબકારા જાણે બમણો વેગ ધારણ કરી ચૂક્યાં હતાં.. શીતળ પવન માં પણ એનાં કપાળે પરસેવો વળી ગયો... સેજલ ને સમજાતું નહોતું કે આવું કેમ થયું, પણ એને એતો સમજાઈ ગયું હતું કે આને જ પ્રેમ કહેવાતો હશે. !!

આ તરફ કાનો પણ રસ્તા પર મીટ માંડી ને સેજલ ની રાહ જોઈ રહ્યો હતો.. એની દશા પણ સેજલ જેવી જ હતી.. એ પણ આજે વ્યવસ્થિત તૈયાર થઈને આવ્યો હતો.. સેજલ જોડે વાત ની શરૂવાત કેવી રીતે કરશે એ સવાલ એનાં મન માં પણ ઘુમી રહ્યાં હતાં.. એની હૃદય ની ગતિ પણ વધી ગઈ હતી.. એની જેવી નજર સેજલ પર પડી એવું જ એનું હૃદય જાણે ધબકારો ચુકી ગયું હોય એવું કાના એ મહેસુસ કર્યું.. !!

હાથ હલાવીને કાના એ સેજલ ને ત્યાં આવવા કહ્યું.. સેજલ પણ ધીરે થી ચાલીને કાના ની તરફ આગળ વધી રહી હતી.. વ્હેળા ના પાણી નાં લીધે ત્યાં ઉગેલાં કુણા ઘાસ ને પણ સેજલ નાં પગ ની પાની નો સ્પર્શ સુંવાળો લાગી રહ્યો હશે એવું કાનો મનોમન કલ્પી રહ્યો હતો.. જેમ જેમ સેજલ કાના ની તરફ આગળ વધી રહી હતી એવી એવી બંને ની બેચેની વધી રહી હતી.. !!

"કેમ છે હવે તમને... ?" સેજલ પોતાની નજીક આવી એવું કાના એ કહ્યું.

"મને.. મને હવે સારું છે.. તમારા હાથે કેમ છે.. ?" સેજલે નીચી નજરે જ કાના ને પ્રત્યુત્તર આપતાં કહ્યું.

પોતાનાં પગ ના અંગુઠા થી જમીન ને ખોતરતી અને હાથ ની આંગળીઓ થી પોતાનાં ચહેરા પર આવતી લટ સાથે રમત કરતી સેજલ ને જોઈ કાનો જાણે સ્થિતપ્રજ્ઞ સ્થિતિ માં આવી ગયો.. થોડા સમય બાદ કાના એ કહ્યું.

"મને હવે સારું છે.. આમ પણ આ હાથ ખેતર માં મહેનત કરી એટલા તો મજબૂત થઈ ગયાં છે કે આવી નાની મોટી ઇજાઓ ની અસર ના થાય.. બાકી તમે કાલે તો રંગ રાખ્યો.. "

"અરે રંગ તો તમે રાખ્યો હતો.. તમારા ઢોલ ની થાપ પર મારા પગ કેમ અટકતાં નહોતાં એ હજુ મને સમજાતું નથી.. અને બીજી વાત કે મેળા માં થી પાછા આવતાં સમયે તમારી સાથે કરેલા વ્યવહાર બદલ હું દિલગીર છું.. "સેજલ એક વખત કાના ની સામે જોઈ પાછી નજર ને જમીન તરફ સ્થિર કરી બોલી.

"અરે એમાં દિલગીર થવાનું ક્યાં આવ્યું તમારા એ દિવસ ની હરકત પર તો મારું દિલ.. "હોઠે આવેલી વાત ને અટકાવી કાનો બોલ્યો.

"કેમ અટકી ગયાં બોલો ને.. "સેજલ લજ્જા મીશ્રીત સ્વરે બોલી.

"હા તો હું એમ કહેતો હતો કે તમારી એ દિવસ ની બાલિશ હરકતો મને બહુ પસંદ આવી એટલે હું એવું કહેતો હતો કે... "કાનો આટલું બોલી પાછો અટકી ગયો.

"પેલી દિલ વાળી વાત તમે શું કહેતા હતાં એ બોલો ને.. "હવે સેજલ થોડી અધીરી થઈને બોલી.

"એમ કે હું તમને બહુ પ્રેમ કરું છું.. હવે મારી જીંદગી માં કોઈ સ્ત્રી આવશે તો એ તમે જ હશો.. મારા સપના ની રાણી અને જેવી છોકરી હું મારી પત્ની સ્વરૂપે ઇચ્છતો હતો એવી બધી ખૂબી મને તમારાં માં દેખાય છે.. "કાનો એકી શ્વાસે બોલી ગયો.

"હજુ તો તમે મને સરખી રીતે ઓળખતાં જ નથી તો પછી આખી જીંદગી વિતાવવા નો વિચાર કઈ રીતે કરી લીધો.. ?"કાના ની સામે નજરો સ્થિર કરીને સેજલે પૂછ્યું.

"તો હવે ઓળખી લઈએ.. અને સાચું કહું તો મારે નથી જરૂર તમને વધુ ઓળખવાની.. મારે તો તમે જેવાં છો એવાં જ ચાલસો.. ચાલસો નહીં દોડશો.. "કાનો પોતાનાં આગવા અંદાજ માં બોલ્યાં.

કાના ની વાત સાંભળી સેજલ હસી પડી અને એનાં ગાલ માં હસવા ના લીધે ખંજન પડી ગયાં.. જેમાં કાનો ડૂબી જવાનો હતો એ નક્કી હતું.

થોડો સમય સુધી સેજલ કંઈ બોલી નહીં એટલે કાના એ કહ્યું.

"બોલો ને કેમ ચૂપ થઈ ગયાં.. હું દ્વારકાધીશ ના સમ ખાઈને કહું છું કે આખી જીંદગી તમને ખુશ રાખીશ. ક્યારેક કોઈ દુઃખ નહીં પડવા દઉં.. શું તમે મારા પ્રેમ નો સ્વીકાર કરશો.. ?"

સેજલે કાના ની તરફ જોયું પણ કોઈ ઉત્તર આપવાને બદલે પોતાનું ડોકું હકાર માં ધુણાવ્યું.. સેજલ ની આંખો ના ઈશારા અને ડોકું હલાવી પ્રેમ નો સ્વીકાર કરી લીધો હોવાની વાત કાનો સમજી ગયો હતો.

"એનો મતલબ તમે.. મારા પ્રેમ નો સ્વીકાર કરી લીધો.. ?" રાજીના રેડ થઈને કાનો બોલ્યો.

"હા તમે પણ મને પસંદ છો.. કાલે રાતે જ હું તમારી થઈ ગઈ હતી.. હવે તો આ જન્મ અને આગલાં સાત જન્મ સુધી સેજલ ની પાછળ કોઈનું નામ લખાશે તો એ તમારું હશે.. "સેજલે કહ્યું.

સેજલ ની વાત સાંભળી તો કાના ને તો આ પળ ને કેદ કરી દેવાનું મન થયું.. એની આંખો અને ચહેરો એનાં દિલ માં ઉભરાઈ રહેલી ખુશીઓનાં ઘોડાપુર ની ચાડી ખાઈ રહ્યાં હતાં.

"એતો કાલે તમારા ચહેરા અને આંખો પર થી હું સમજી જ ગયો હતો કે તમે પણ મને મનોમન પસંદ કરો છો.. એટલે જ મેં વિરજી ને કહી તમને અહીં બોલાવવા માટે કહ્યું હતું.. કેમકે હવે એવું ના કરત તો ક્યાંક એવું પણ બનત કે મારો જીવ જતો "કાના એ સેજલ ની આંખો માં જોઈને કહ્યું.

કાના ની જીવ જવાની વાત સાંભળતા ની સાથે જ સેજલે પોતાનો હાથ કાના ના મુખ પર રાખી એને આગળ બોલતો અટકાવી થોડાં પ્રેમ ભર્યા ગુસ્સા થી કહ્યું.

"ખબર છે જો મરવાની કે જીવ જવાની વાત કરી છે તો મારા સમ છે.. હવે આ સેજલ નો શ્વાસ તમારા હૃદય ના ધબકારા સાથે જ આવશે અને જશે.. તારી આ જીંદગી મારી છે અને મારી જીંદગી તારી.. "

સેજલ ની વાત સાંભળતાં જ કાના એ પોતાનાં બંને હાથ પહોળા કરી સેજલ ને એની બાહુપાશ માં આવવાનો જાણે ઈશારો કરી દીધો.. સેજલ પણ ક્ષણભર નો વ્યય કર્યાં વગર કાના ની બાહો માં સમાઈ ગઈ.

જેમ ચંદન ને ફરતે કોઈ ભોરિંગ વીંટળાઈ એટલી મજબૂત રીતે સેજલ કાના ને વીંટળાઈ પડી હતી.. એના ઉન્નત ઉરોજ પ્રદેશ નો સ્પર્શ કાના ને જાણે પાગલ કરી રહ્યો હતો.. કાના એ પોતાનાં હાથ ને સેજલ ની અધખુલ્લી પીઠ પર હળવેક થી ફેરવવાનો શરૂ કર્યો એટલે એક આંચકા સાથે સેજલ ની પકડ પણ કાના ફરતે વધુ મજબૂત બની. શ્વાસોશ્વાસ અને હૃદય ના ધબકારા હવે કાનો અને સેજલ પરસ્પર મહેસુસ કરી રહ્યાં હતાં.

સેજલ નો ચહેરો કાના એ પોતાનાં હાથ વડે ઊંચો કર્યો અને એનાં ગુલાબની પાંખડી જેવાં બે અધરો ને ચુમવા પોતાનાં ચહેરા ને એનાં ચહેરા તરફ લઈ ગયો.. સેજલ જાણે આ પળ ને મહેસુસ કરવા માંગતી હોય એમ આંખો મીંચી ને કાના પ્રત્યે સમર્પિત થઈ ગઈ.. અને પછી બંને પ્રેમી પંખીડા એકબીજા માં એકાકાર થઈ ગયાં.. કાનો તો આ અદ્દભૂત સમય અટકી જાય થોડો સમય માટે એવી પ્રભુ ને પ્રાથના કરી રહ્યો હતો. !!

ડુબતા સૂરજ ના આછા કિરણો અત્યારે પ્રેમી યુગલ ના દેહ પર પડી જાણે એમની આ જોડી ને આશિષ આપી રહ્યાં હતાં.. પીપળા ના પર્ણ પર જાણે એ બંને પર પોતાનો હેત વરસાવતા હોય એમ એમની ઉપર પડી રહ્યા હતાં.. કુદરત પણ આજે આ નવ યુગલ પ્રેમી પંખીડા ને જોઈ ખુશ ભાસતી હોય એમ વૃક્ષ પર બેસેલાં પક્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં તથા શીતળ પવન પણ વેગ સાથે વાતો હતો.. !!

"એક તાંતણે બંધાઈને પૂરાં થયાં બંને નાં મન ના કોડ,

જોડી તો એવી લાગે જાણે સારસ બેલડી ની જોડ... "

આમ પણ જ્યારે ધરતી ને ભીંજાવાનું મન હોય તો મેહુલો એને વારંવાર ભીંજવવા માટે વરસી પડતો હોય છે.. એમ કાનો જ્યાં સુધી કિસા માં રોકાયો ત્યાં સુધી સેજલ ને અવારનવાર મળવાનું થતું રહ્યું.. પ્રણય નામ નો રોગ છે ને ચેપી છે, જેમજેમ મુલાકાતો વધે એમ એમ વધતો જાય છે.. હજુ તો ત્રણ દિવસ પહેલાં શરદપુનમ ની પ્રતિયોગીતા માં કાના અને સેજલ ના હૃદય માં અંકુરિત થયેલું પ્રેમ નું બીજ નજીવા સમયમાં તો ઘટાટોપ વૃક્ષ નો સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું.. !!

ત્રણેક દિવસ પછી કાનો જ્યારે પોતાને ગામ જતાં પહેલાં સેજલ ને છેલ્લી વખત મળવા ગયો ત્યારે તો સેજલે એને અહીંજ રોકાઈ જવાની જીદ પકડી લીધી.. પણ ખેતર માં હજુ ઝાઝું કામ છે એટલે પોતે નહીં રોકાઈ શકે એવું કારણ આપવા છતાં એ કાના ની અળગા થવા ની વાત વિચારી ને સેજલ નું મન અત્યારે કાના ને રોકવાની જીદ કરી રહ્યું હતું.. આખરે નવ વર્ષ ની સાંજે પોતે સેજલ ને મળવા આવશે એવું વચન આપી ને કાના એ પોતાનાં ગામ જવા ની વાટ પકડી.. !

નવ વરસ ને હવે આડે બાર દિવસ જ રહ્યાં હતાં પણ ચકોર રૂપી સેજલ ને એને ચંદ્ર સમાન કાના ને જોવા ની અને મળવાની જે અધીરાઈ હતી એ બાર દિવસ ને જાણે બાર મહિના હોય એવું માનવા મજબુર કરી રહી હતી.. એમ ને એમ દિવાળી નો દિવસ આવી ગયો. સેજલ નાં ગામ માં લોકો એ આનંદ ઉલ્લાસ થી આ તહેવાર ઉજવ્યો.. લોકો ખૂબ ખુશ અને ઉત્સાહી જણાતાં હતાં.. પણ એમાંય સેજલ ની ખુશી તો અવર્ણનીય હતી.

પોતાનાં વાલમ કાલે આવવાના હોઈ સેજલ તો હવે એમને મળી ને આટલાં દિવસ થી આંખો ને ચાલતો ઉપવાસ તોડવા માટે એમની આતુરતા થી રાહ જોતી ઘડીઓ ગણી રહી હતી.. આમ પણ જામ જ્યારે હોઠો ની સૌથી વધુ નજીક હોય ત્યારે એની પીવાની ઉત્કંઠા આમ પણ વધી જતી હોય છે એવું જ અત્યારે સેજલ અનુભવી રહી હતી.. ત્રણ ચાર મુલાકાતો માં તો કાનો એના મન અને હૃદય પર જાણે આધિપત્ય જમાવી બેઠો હોય એવું સેજલ ને મહેસુસ થતું હતું.

"પ્રણય ની બાજી પણ કેવી ગજબની હોય છે મારાં ભાઈ..

એક દિલ જીતતા ક્યારેય આપણું બધું હારી જવું પડે છે.. "

જ્યાં કાના એ સેજલ સમક્ષ પોતાનાં દિલ ની વાત રજૂ કરી હતી ત્યાં જ કાના એ સેજલ ને નવ વર્ષ ની સંધ્યા એ મળવાનું વચન આપેલું એટલે સેજલ ત્યાં કાના ની રાહ જોતી ઉભી હતી.. સૂર્ય પણ ધીરે ધીરે આથમી રહ્યો હતો. એ જગ્યા ગામ થી દુર હોવાથી વાતાવરણ ની ઠંડક સેજલ ને મહેસુસ થઈ રહી હતી.. પણ આજે તો હિમ પડે અને એમાં પોતાનું આખું શરીર ગળી ભલે ને જાય પણ પોતે કાના ને મળ્યાં વગર નહીં જાય એ વાત સેજલ મન થી નક્કી કરીને આવી હતી.

એટલા માં રાત નું આગમન થઈ રહ્યું હતું.. કાનો આવશે કે નહીં?? એ વિચારો એ સેજલ ને પરેશાન કરી મૂકી હતી.. આજે તો કાનો નહીં આવે તો પોતે એને મળવા રાવટા જશે એવો પણ વિચાર એને એક ક્ષણ તો આવી ગયો.. રસ્તામાં કંઈક થયું તો નહીં હોય ને? આવા ખરાબ ખ્યાલ પણ સેજલ ને આવી રહ્યાં હતાં.. વિચારો ની આંધી એનાં મન માં આકાર લઈ રહી હતી એટલામાં સામે થી એક માનવ આકૃતિ આવતી જોઈ સેજલ નો ચહેરો વસંત માં ખીલતાં વૃક્ષ ની માફક ખીલી ઉઠ્યો.

હા એ કાનો જ હતો સેજલ નો કાનો.. એનો મનમીત, એનો વાલમ, એનો પ્રિયતમ, એનો સાજન અને એનો થનારો ભરથાર.. કાના ના મોડા આવવાના લીધે સેજલ બહુ ગુસ્સે હતી. આજે તો કાના ને ધમકાવી જ મુકશે એવું સેજલે નક્કી કરી લીધું હતું પણ જેવો કાનો પોતાની સમીપ આવીને ઉભો રહ્યો એવો જ એનો ગુસ્સો ઓગળી ગયો અને એ કાના ને વીંટળાઈ ગઈ અને ડૂસકાં ભરીને કહેવા લાગી.

"તમે કેમ આટલું બધું મોડું કર્યું.. ?ઘડીભર તો મને એવું લાગ્યું કે તમે નહીં આવો.. આજે તમે ના આવ્યાં હોત તો આ સેજલ તમારા વિયોગ માં મરી જાત.. "

સેજલ ને રડતી જોઈ કાના એ એનો સુંદર ચહેરો પોતાની હથેળી માં લીધો અને એનાં આંસુ લૂછતાં કહ્યું.

"એ ગાંડી.. તારો આ કાનો એકવાર વચન આપે ને તો એ પૂરું કરીને જ રહે.. તને મારા પ્રેમ પર એટલો તો વિશ્વાસ હોવો જોઈએ.. અને આમ મરવાની વાત ન કર, મારે તારી સાથે હજુ તો ઘણું જીવવાનું બાકી છે મારી વ્હાલી.. "

"કાના હવે હું તમારા વગર નહીં રહી શકું.. તમે જેમ બને એમ જલ્દી મારા બાપુ જોડે મારો હાથ માંગી લગ્ન કરી તમારી સાથે લઈ જાઓ.. કેમકે તમારા વિના તો હવે શ્વાસ લેવા પણ ભારે પડે છે.. "સેજલ પોતાની સરોવર જેવી આંખો માંથી વહેતા અશ્રુ ની ધાર સાથે બોલી રહી હતી.

"અરે ડોબી કેમ રડે છે.. જા હું તને વચન આપું છું કે આવતી કાર્તિક પૂર્ણિમા ના રોજ તારા બાપુ પાસે આવીને મારા માટે તારો હાથ માંગી લઈશ.. બસ હવે તો ખુશ ને.. "સેજલ ના આંસુ લૂછતાં કાના એ કહ્યું.

"હા ખુશ.. બહુ જ ખુશ.. "આટલું કહી સેજલ કાના ને પાછી ભેટી પડી.

સેજલ સાથે કલાક જેટલો સમય પસાર કર્યા બાદ કાનો રાતે જ પોતાનાં ગામ રાવટા જવા માટે નીકળી ગયો.. પણ આ સમયે સેજલે એને રોક્યો નહીં પરંતુ હવે તમે જલ્દી આવજો એમ કહી સસ્મિત વળાવ્યો... !!

કાના ને મળ્યા પછી ખુશખુશાલ એવી સેજલ પોતાનાં ઘરે જવા માટે નીકળી ગઈ.. સેજલ હવે આ પંદર દિવસ જલ્દી વીતી જાય એની રાહ જોઈ રહી હતી.

સેજલ અને કાના ની મુલાકાત દરમિયાન થયેલી બધી વાતચીત દલપત સાંભળી ગયો હતો.. દલપત ને પહેલાં થી જ કાના અને સેજલ વચ્ચે કંઈક છે એ બાબત ની ગંધ તો આવી ગઈ હતી.. આજે સેજલ જેવી ઘરે થી બહાર નીકળી અને નાગદેવતા ના મંદિર તરફ આવી એવી દલપત ની નજર એનાં પર પડી અને એ પણ સેજલ ની પીછો કરતો કરતો ત્યાં આવી પહોંચ્યો.. પછી તો કાના નું આગમન અને સેજલ ને કારતક પૂર્ણિમા ના રોજ એનો હાથ માંગવા આવશે એવું વચન સાંભળ્યા પછી તો દલપત નું હૃદય બળીને ખાખ થઈ ગયું.

"કેમેય કરીને સેજલ અને કાના ને એક ના થવા દેવા" એવી મન માં ગાંઠ વાળીને દલપત ત્યાંથી નીકળી ગયો.. !!

વધુ આવતાં અંકે..

શું કાનો અને સેજલ એક થઈ શકશે?? દલપત કઈ રીતે એમની પ્રેમ કહાની રોકી શકશે?? જાણવા વાંચો બદલા અને પ્રેમ ની આ સુંદર કહાની ડણક.. આવતાં સપ્તાહે.

આ ઉપરાંત તમે મારી બીજી નવલકથા "દિલ કબૂતર" પણ વાંચી શકો છો માતૃભારતી પર.

-દિશા. આર. પટેલ