Pratiksha - 7 in Gujarati Fiction Stories by Darshita Jani books and stories PDF | પ્રતિક્ષા - ૭

Featured Books
Categories
Share

પ્રતિક્ષા - ૭

“અને આવતીકાલે જે સ્ત્રી મારી જિંદગીમાં આવશે તેનું શું?” રેવાને અળગી કરતાં અકળાઇને ઉર્વીલે કહ્યું.
“જે પણ સ્ત્રી તારી જિંદગીમાં આવશે તે તો કિસ્મત હશે તારી, સારી હશે તો શ્વાસ ચાલે ત્યાં સુધી સાથ આપશે... પણ હું, હું તો તારા અસ્તિત્વનો ભાગ છું. શ્વાસ ખતમ થયા પછી પણ મને તારાથી અલગ નહીં કરી શકે તું... ક્યારેય જોયું છે તે રેવાના ઉર્વીલમાં ભળ્યા પછી તેનાથી અલગ થતાં...?” રેવા પ્રેમથી સમજાવી રહી...
“શું ઈચ્છે છે તું? હું લગ્ન કરી લઉં એ જ ને?? સારું જા કરી નાખું છું મારી જિંદગી બરબાદ... કરી લઉં છું મનસ્વી સાથે લગ્ન... નહીં બતાવું તને ક્યારેય મારો ચેહરો...” ઉર્વીલ ગુસ્સામાં ઊભો થતાં બોલ્યો અને રેવાએ તેનો હાથ ખેંચી ફરીથી સોફા તરફ ધક્કો મારી દીધો.
“તું કહે છે એ તો કરું છું રેવા... ના કર મને પ્રેમ, હું પણ નહીં કરું તને...” ઉર્વીલની આંખોમાં ફરી ભીનાશ વર્તાઇ. તેણે રેવાના ચેહરાથી નજરો હટાવી પોતાનો ચેહરો બીજી તરફ ફેરવી લીધો
“હું ક્યાં કહું છું કે તું મને પ્રેમ ના કર... પ્રેમ તો છે જ અને એ તો રહેશે જ... મારે તને કે તારે મને પ્રેમ કરવા માટે લગ્નમાં બંધાવાની જરૂર નથી ઉર્વીલ. તું કદાચ ક્યારેય હવે મને તારો ચેહરો નહીં બતાવે તો પણ હું તો તને આટલો જ પ્રેમ કરીશ... તારા લગ્ન પછી પણ તને પ્રેમ કરીશ. મારો પ્રેમ તારી હયાતીનો મોહતાજ જ નથી ઉર્વીલ.” રેવાએ ફરી ઉર્વીલનો ચેહરો પોતાની તરફ ફેરવતા ઉર્વીલને કહ્યું.
“તો હું શું કરું??” ઉર્વીલ રેવાના ખોળામાં માથું નાખતા બોલ્યો
“અમુક સંબંધો ફ્ક્ત તમારું રેસ્ટ હાઉસ હોય છે. ફક્ત વિસામો... જ્યાં તમે રહેતા ના હોવ. જે તમારું કાયમી સરનામું ના હોય. પણ જ્યારે જિંદગીની અટકળો થકવી નાખે ત્યારે તે રેસ્ટ હાઉસમાં થોડી કલાકો પૂરતું આવી શકાય. તમારો થાક ઉતારી શકાય. જ્યાં કોઈ આપવા લેવાનો સંબંધ જ ના હોય. ફ્ક્ત સમર્પણ હોય... હું તારું એ રેસ્ટ હાઉસ છું ઉર્વીલ. એ જ રહીશ...” રેવા એકીશ્વાસે બોલી રહી પછી ધીમેથી ઉમેર્યું.
“પણ તારી પત્ની તારું કાયમી સરનામું રહેશે. એક સારા પતિની દરેક ફરજ તારે નિભાવવાની છે. અને તેના શબ્દે શબ્દનું માન હવે તારે જાળવવું જ પડશે હો....” આટલું બોલી રેવાના સંયમનો બાંધ તૂટી ગયો અને તે છૂટા મોઢે રડી પડી.
ના રેવાઆગળ કઈ બોલી શકી ના ઉર્વીલ કઈંજ પૂછી શક્યો.

*

ઉર્વીલ મુંબઈથી આવ્યા પછી ઘરમાં એક શબ્દ પણ બોલતો નહોતો. મયુરીબેનને ઉર્વીલનું મૌન અક્ળાવી જતું. તેમને પોતાના જ દીકરાને આવી રીતે સૂનમૂન જોઈ પોતાના પર ધૃણા ઊપજી આવતી. તેમને કહેવાની ઈચ્છા પણ થઈ આવતી કે ઉર્વીલને કહે કે પોતાનું ધાર્યું કરી લે...
પણ તેમનો અહમ તેમને ક્યારેય તેમ કરવા ના દઈ શકતો

ઉર્વીલ વિષે તે કઇ વિચારી શકે તે પહેલા જ ઉર્વીલની બહેન વૃંદા માટે બહુ જ સરસ માંગુ આવ્યું. છોકરો બધી રીતે સારો હતો ને તેને ફોરેન જવાનું હોવાથી તાત્કાલિક લગ્ન કરવા માંગતો હતો.
વૃંદાના લગ્ન તો વહેલા કરવાના જ હતા તેથી મોકાનો ફાયદો લઈ મયુરીબેને મનસ્વી અને ઉર્વીલ ના લગ્નનુ ફરમાન પણ જાહેર કરી દીધું.
ના ઉર્વીલ મુંબઈ જઈ શકતો ના રેવા સાથે વાત કરી શકતો. અંદર ને અંદર પૂરેપૂરો ગૂંગળાઇ જતો. રોજ મરીને પોતાની જિજીવિષા ટકાવાની કોશિશ કરી રહેતો
બંને ભાઈ બહેન ના લગ્ન એક જ માંડવે થાય તેનાથી રૂડું શું હોય એમ વાત મૂકી સગાઈના એક જ મહિનામાં ઉર્વીલ મનસ્વીના લગ્ન થઈ ગયા...

રેવાના કહેવા મુજબ ઉર્વીલ મનસ્વીના પતિ તરીકે ની પ્રત્યેક ફરજ નિભાવતો. તેના શબ્દે શબ્દનું માન જાળવતો પણ તેના શમણાં હંમેશા રેવાથી જ સાર્થક રહ્યા. તેમાં ક્યારેય મનસ્વી ભાગ પડાવી શકી જ નહીં... તે ઉર્વીલમાં ભળી શકી જ નહીં...

*

ભૂતકાળ વાગોડવાનો થાક પણ અદ્ભુત હોય જે ઉર્વીલ પ્રત્યેક ક્ષણમાં અનુભવી રહ્યો હતો. તેના શરીરની એકેએક નસ ફાટી રહી હતી. હજી તો કેટલું બધુ બાકી હતું તેને તે ભૂતકાળમાં જોવાનું...
પણ હવે સમય થઈ ગયો હતો વર્તમાન સામે નજરો મેળવવાનો
આજે એ દિવસ હતો જ્યારે તે પહેલી વખત પોતાની અને રેવાની ઉર્વાને મળવા જય રહ્યો હતો
અમદાવાદથી મુંબઈનું અંતર આમ તો કઈંજ વધારે નહોતું ઉર્વીલ માટે
પણ જાણે સદીઓ કાપવાની હતી તે અંતર પૂરું કરી રેવાના ઘર સુધી પહોંચવામાં

*

બધી જ લેટેસ્ટ સુવિધાઓ અને ઇન્ટરનેશનલ ઇંટિરિયર થી શોભતા આલીશાન ફ્લેટમાં દેશી હિંડોળે હીંચક્તા તે ગરમાગરમ કોફી અને JBL ની મ્યુજિક સિસ્ટમ પર વાગતા લતા મંગેશકરના ગીતોને મન ભરીને માણી રહ્યો હતો. ત્યાંજ કોઈક વસ્તુના જોરથી પડવાના અવાજથી તેની સંગીત સાધનામાં ખલેલ પહોંચી અને તે ચિડાઇને ફ્લેટના દરવાજે ગયો.
કહાનના હાથમાંથી કોઈ વજનદાર બોક્સ પડ્યું હતું અને ઉર્વા ઊંચા અવાજે કહાનને ખીજાઈ રહી હતી.... તેને હસવું પણ આવતું હતું અને ગુસ્સો પણ આવતો હતો.
“અરે નાલાયકો શું તોડ ફોડ કરો છો તમે બેય!!!!” તે થોડી રમુજમાં અને થોડા ગુસ્સામાં બોલ્યો.
“અરે દેવ અંકલ આ તમારો દીકરો જોવોને... ક્યારનો હેરાન કરે છે મને.” ઉર્વા કહાન સામે જોઈને બોલી.
“હું હેરાન કરું છું?? એમ કે મદદ કરું છું તારી. બાકી તારું મગજ ક્યાં ને કોની રાહમાં છે એ મને જ ખબર છે...” કહાન કટાક્ષમાં બોલ્યો.
ઉર્વાએ ફ્ક્ત તેની સામે આંખો કાઢીને ચૂપ થઈ ગઈ. અને ચૂપચાપ કહાન અને દેવના ઘરમાં પલાઠી વાળી સોફા પર બેસી ગઈ
“કેમ બોલ ને હવે બોલને...” કહાન હજુ કટાક્ષમાં રમૂજી સ્વરમાં સોફાની સામેની બિન બેગ પર બેસતા ઉર્વાને ચીડવી રહ્યો હતો.
“ઉર્વા ઉર્વીલની રાહ જોવે છે ને!” બહુ શાંતિથી હિંડોળા પર બેઠક લેતા દેવે કહ્યું. કહાન અને ઉર્વા સ્તબ્ધ થઈ દેવ સામે જોઈ રહ્યા...
“ડેડી, તમને કેમ ખબર? ઉર્વાએ તો હજી મને ય કાલે જ કીધું...” કહાને અંતે પૂછી જ લીધું.
“એ અક્કલ વગરના, તારો બાપ છું હું...” બોલી દેવ હસ્યો ને પછી ઉર્વા સામે જોઈ ઉમેર્યું,
“રેવા આ દુનિયામાં ના હોય ને તું ઉર્વીલની પાસેથી જવાબ ના માંગે ને તો જ મને આશ્ચર્ય થાય બેટા... આટલા વર્ષો તું જવાબ વગર થોડીને રહે...” દેવ સમજાવતા બોલ્યો.
“પણ જવાબની જરૂર જ શું છે?? એ ઉર્વીલ છે. રેવાનો કાતિલ... એને જીવવાનો હક જ નથી ડેડી. ઉર્વા એ આવા માણસને મળવું પણ ના જોઈએ... સીધું એને શુટ જ કરી દેવું જોઈએ. રેવા માટે આટલું તો કરી જ શકે હો એનો દીકરો...” બિનબેગ થી ઊભા થતાં આક્રોશમાં કહાન બોલી રહ્યો.
“એનાથી તારી માં પાછી આવશે?” દેવે તેની આંખમાં આંખ નાખી પૂછ્યું.
“તું જન્મ્યોને એના વરસમાં જ સ્વાતિ તને ને મને મૂકીને ચાલી ગઈ હતી. તને રેવા એ જ મોટો કર્યો છે... અને તો ય તું એના સર્વસ્વને મારવાની વાત કરે છે!!! ઉર્વીલથી વધારે રેવા માટે ક્યારેય કોઈ નહોતું. ઉર્વા કે તું પણ નહીં... ઉર્વીલને તકલીફ આપીને તું સૌથી વધારે તકલીફ રેવાની આત્માને આપીશ. એનું ભાન છે તને?!!” દેવે તેને પોતાની બાજુમાં બેસાડતા પૂછ્યું.
“તો હું શું કરું?? રેવાનો કાતિલ મારી સામે હોય ને હું બસ ચૂપચાપ આ બાપ દીકરીનું મિલન જોયા રાખું? પેલા રામભરત મિલાપ ટાઈપ?” કહાન હજી ઉકળી રહ્યો હતો.
“બદલો તો હું લઇશ જ કહાન... બસ થોડીક રાહ જોઈ લે મારી જાન... તું આવવા તો દે ઉર્વીલને... આવતીકાલની સાંજે જે કઈ થશે તારી નજરોની સામે જ હશે.” ઉર્વા કહાનની એકદમ નજીક જઈ બોલી અને કહાનને તેના પ્રશ્નોના બધાજ ઉત્તર મળી ગયા.

*

(ક્રમશઃ)