Ghar Chhutyani Veda - 24 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | ઘર છૂટ્યાની વેળા - 24

Featured Books
Categories
Share

ઘર છૂટ્યાની વેળા - 24

ભાગ -૨૪

ક્લબની અંદરનો નજારો જોઈને જ વરુણને એક અલગ દુનિયામાં આવ્યાનો અનુભવ થયો. અત્યાર સુધી ફિલ્મોમાં જે જોયેલા ક્લબમાં એ આજે પોતે ઊભો હતો, રંગેબેરંગી ઝગારા મારતી લાઈટ, વિલાયતી બ્રાન્ડના દારૂના કાઉન્ટર, દરેક ઉંમરના લોકો, અર્ધનગ્ન કપડામાં ફરતી યુવતીઓ, નશામાં ઝૂમી રહેલા યુવાનો જોઈ વરુણ થોડીવાર થંભી ગયો, તેના મનમાં પહેલો પ્રશ્ન થયો કે "શું આ જગ્યા ઉપર રાધિકા હોય શકે ખરી ? પણ રસ્તામાં જોયેલો એ ચહેરો તો તેને રાધિકા જેવો જ લાગ્યો હતો, ભલે એ અહીંયા હોય કે ના હોય, ભલે રાધિકા જેવી દેખાતી કોઈ વ્યક્તિને મેં રાધિકા માની લીધી હોય, પણ આટલે સુધી જો હું આવ્યો છું અને ખાતરી નહિ કરું તો મારા જ મનમાં અફસોસ રહી જશે." એમ વિચારી પોતાના પગને ક્લબની એ રંગતમાં લઈ ગયો. એક કાઉન્ટર પાસે જઈને ઊભો રહ્યો.. ઝગમગતી રોશનીમાં કોઈ ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યાં નહોતા.. સૌ પોતાની મસ્તીમાં ઝૂમી રહ્યાં હતાં, કાઉન્ટર પર રહેલા કાઉન્ટર બોયએ અંગ્રેજીમાં દારૂની અલગ અલગ પ્રકારની બ્રાન્ડના નામ કહ્યા, વરુણે આ પહેલા ક્યારેય નશો કર્યો નહોતો. પણ આજે તેની માનસિક સ્થિતિ તેને નશો કરવા પ્રેરી રહી હતી. મગજમાં ચાલતા વિચારો તેને પાગલ કરી મૂકે તેમ હતાં, જેના કારણે તેને કાઉન્ટર બોય પાસે એક પેગ મંગાવ્યો. ગ્લાસ હાથમાં પકડી હોઠ સુધી લાવતાં તે ત્યાં જ અટકી ગયો. અને વિચારવા લાગ્યો : "કે શું રાધિકાનો પ્રેમ મને આ હદ સુધી લઈ આવ્યો કે જેના કારણે આજે મારા હાથમાં દારૂનો ગ્લાસ પણ આવી ગયો ? રાધિકા અહીંયા છે કે નહીં એ પણ મને ખબર નથી, પણ જો આજે હું આ લત ને લગાવી લઈશ તો કદાચ છૂટવી મુશ્કેલ પણ બની જશે, પ્રેમમાં ચોટ પામેલા ઘણાં પ્રેમીઓને મેં નશા તરફ વળી બરબાદ થતાં જોયા છે.અને આ પીધા પછી રાધિકા આંખો સામે હશે તો પણ હું એને નશામાં નહીં ઓળખી શકું !" એટલું વિચારી વરુણે ગ્લાસ બાજુ ઉપર મૂકી દીધો. અને સોફ્ટડ્રિન્કનો ઓર્ડર કર્યો.

તેની નજર કારમાં જોયેલા એ ચહેરાઓને શોધી રહી હતી. પણ કોઈના ચહેરા સ્પષ્ટ દેખાતા ના હોવાના કારણે તે કોઈને ઓળખી શક્યો નહિ. અને કાઉન્ટર પાસે જ બેસી રહ્યો. ત્યાં જ એક વિલાયતી યુવાન કાઉન્ટર પાસે આવ્યો અને ઓર્ડર આપવા ઊભો રહ્યો. વરુણની નજર તેની ઉપર પડી, જે વ્યક્તિ કાર ડ્રાઇવ કરી રહ્યો હતો તે એજ હતો. પળવાર તો તેને પૂછી લેવાનું મન થયું કે "તારી સાથે હતી એ છોકરી રાધિકા હતી ?" પણ તેને પૂછવા કરતાં જાતે જ જોવાનું વિચાર્યું. એ ઓર્ડર આપી સામેના ખૂણામાં ગોઠવેલા ટેબલ તરફ ગયો. વરુણ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

તે યુવાન તે લોકો જ્યાં બેઠા હતાં ત્યાં પાછો પહોંચ્યો અને એક છોકરીના ખભે હાથ રાખીને બેસી ગયો. વરુણને તેની પાછળનો ભાગ દેખાઈ રહ્યો હતો. માટે તેંમને વધુ ધ્યાનથી જોવા માટે તેનાથી થોડે દૂરના ટેબલ ઉપર ગોઠવાયો. વરુણને જેને જોઈ મનમાં થયું હતું કે એ રાધિકા છે તે તેનાથી ઉલટી દિશામાં હતી, અને એજ પેલા ડ્રિંક ઓર્ડર કરવા આવેલા વ્યક્તિને વળગીને બેઠી હતી. થોડીવાર સુધી એ લોકો સામે જ વરુણે જોયા કર્યું, તેના મનમાં થતું કે ક્યાંક એ લોકો ઊભા થાય ને એ છોકરીનો ચહેરો દેખાઈ આવે. પણ એવું બન્યું નહીં. જે છોકરાને વળગીને બેઠી હતી તે છોકરો તેને વધુ જકડી રહ્યો હતો, તેના શરીર ઉપર પોતાનો હાથ ફેરવી રહ્યો હતો, એ બધું જોતા વરુણની અંદર એક દાવાનળ પ્રગટી ઉઠ્યો હતો, પણ આ સમય ધીરજ રાખવાનો હતો, અને તે હળવા મને જોવા માંગતો હતો કે તે રાધિકા જ છે કે બીજું કોઈ.

તેની સામે બેઠેલું કપલ ઊભું થયું અને ડાન્સ કરવા માટે ગયું, પણ જેના ઉપર શક હતો એ બન્ને હજુ ત્યાં જ બેઠા રોમાન્સની પળો માણી રહ્યાં હતાં, ભારત દેશ હોત તો જાહેરમાં આવું ના થઇ શકે પણ આ તો અમેરિકા હતું, અહીંયા શરમ જેવું કંઈ હોતું નથી તેનો અનુભવ આજે વરુણને થઈ ગયો.

જેમ જેમ સમય પસાર થતો હતો, તેમ તેમ વરુણને જાણવાની ઉત્સુકતા પણ વધતી જતી હતી, પળવાર તો એને થઈ પણ ગયું કે એ લોકો સામે જ જઈ અને ઊભો થઈ જાવ પણ રાધિકા કદાચ તેને ઓળખવાથી જ ઇનકાર કરી દે તે વાત નો ડર હતો.

ઘણીવાર સુધી એ લોકોના ઊભા થવાની રાહ જોઈ પણ એ લોકો રોમાન્સમાં એટલા ઊંડા ઉતરી ગયા હતાં કે તેમને ઊભા થવાની જરૂર જ નહોતી. વરુણે વિચાર્યું કે "જો આજ રીતે અહીંયા બેસીને તે રાહ જોઈ રહેશે અને એ જ્યારે ઊભા થશે ત્યારે ટોળાના કારણે દેખાઈ નહિ શકે, વળી અહીંયા રોશની પણ ઘણી ઓછી છે તો પાક્કી ખબર પણ નહીં પડી શકે, માટે બહાર પાર્કિંગમાં જઈ અને રાહ જોવી યોગ્ય ગણાશે, એ લોકો બહાર તો નીકળશે, અહીંયા મારી ધ્યાન બહાર એ નીકળી જાય એ પહેલાં મારે બહાર જ જતું રહેવું જોઈએ અને ત્યાં આસાનીથી એને ઓળખી પણ શકાશે."

વરુણ એ ટેબલ ઉપરથી ઊભો થઈ અને બહાર પાર્કિંગ પાસે આવી ગયો. જ્યાં એ લોકોની કાર પાર્ક કરેલી હતી અને જ્યાંથી એ લોકો ચાલી ને જઈ શકે એજ રસ્તા ઉપર તે બેસી ગયો. ત્યાંથી આવતાં જતાં દરેક વ્યક્તિ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. થોડી જ વારમાં એ લોકો પણ બહાર નીકળ્યા પણ બે જ વ્યક્તિ હતાં, જેના પર શક લાગી રહ્યો હતો તે વ્યક્તિ અને જે વ્યક્તિ ડ્રિન્ક ઓર્ડર કરવા આવી હતી એ બન્ને કાર તરફ આવવા લાગ્યા. એ બન્ને ચાલતા ચાલતા પણ રોમાન્સમાં જ ખોવાયેલા હતાં, કદાચ ડ્રિન્કનો નશો પણ હશે, પણ એ બંને હોશમાં લાગી રહ્યાં નહોતા.

બન્ને કારનો દરવાજો ખોલી અને અંદર બેઠાં અને દરવાજો લોક કરી એક બીજાના હોઠમાં હોઠ પરોવી બેસી ગયા. ખુલ્લી સ્પોર્ટ્સ કાર હોવા છતાં હવે બન્ને વચ્ચે શરમનો એક પણ પડદો નહોતો. પેલા છોકરાના હાથ, એ છોકરીના આખા શરીરને સ્પર્શી રહ્યાં હતાં, આ તરફ વરુણના મનની આગ ભડકે બળી રહી હતી. ચાલતા ચાલતા પણ એ છોકરીનો ચહેરો સ્પષ્ટ દેખાયો નહોતો કારણ કે એ પેલા છોકરા સાથે એ રીતે વળગીને બહાર આવી હતી કે તેને ઓળખવી મુશ્કેલ હતું.

વરુણને હવે શું કરવું તેની ખબર પડતી નહોતી, આ રીતે તો ક્યારેય સમજી નહીં શકે કે તે રાધિકા છે કે બીજું કોઈ ? શાંત ચિત્તે તે વિચારવા લાગ્યો એવામાં તેનો હાથ પોતાના ખિસ્સામાં ગયો. ખિસ્સામાં મોબાઈલ હતો. વરુણે મોબાઈલ બહાર કાઢી હાથમાં લીધો અને વોટ્સએપમાં રાધિકાની ચેટ ઓપન કરી. અને મેસેજ કર્યો, થોડીવાર સુધી તેને જોયું પણ મેસેજ ડિલિવર તો થઈ ગયો હતો પણ રીડ નહોતો થયો, સામે બંને વ્યક્તિઓ પોતાના રોમાન્સની હદો પાર કરી રહયા હતાં, વરુણને છેલ્લો રસ્તો વોટ્સએપ કોલિંગ કરવાનો દેખાયો. જો એ રાધિકા હશે તો પોતાનો કોલ જોવા માટે બંને અલગ થશે અને ત્યારે સાબિત થઈ જશે કે એ રાધિકા જ છે, વરુણે વોટ્સએપ કોલિંગ ઉપર આંગળી મૂકી અને નજરને કાર તરફ રાખી. એક રિંગ... બીજી રિંગ.. ત્રીજી રિંગ.. ચોથી રીંગે કારમાં રહેલી છોકરીએ એ છોકરાને થોડો દૂર હડસેલ્યો અને પોતાનો મોબાઈલ જોયો. બે સેકેન્ડ માટે મોબાઈલ જોઈ અને બાજુ ઉપર મૂકી પાછી એ છોકરાને વીંટળાઈ ગઈ. વરુણના મોબાઈલમાં બીપ બીપના અવાજ સાથે કોલ કટ થયો. વરુણે બીજીવાર પણ એવું જ કર્યું. અને બીજીવાર પણ કારમાં રહેલી છોકરી ફોન જોઈ બાજુ ઉપર મુક્યો. ત્રીજીવાર પણ વરુણે એમ જ કર્યું, પણ આ વખતે એ છોકરીએ ફોનને થોડીવાર સુધી પકડી રાખ્યો અને સ્વીચઓફ કર્યો. સ્વીચઓફ કરવા જેટલા સમયમાં કારમાં રહેલી એ છોકરીનો ચહેરો ફોનની બ્રાઈટનેસના કારણે સ્પષ્ટ દેખાઈ આવ્યો. અને વરુણને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે એ રાધિકા જ છે. ફોન બાજુ ઉપર મૂકી અને એ પોતાના રોમાન્સની મઝા માણવા લાગી પણ આ સમયે વરુણની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. પોતે શું કરે હવે તેનો કોઈ અંદાઝો પણ તેને ના રહ્યો. એક સમય તો તેને થઈ પણ ગયું કે "કાર પાસે જઈ અને રાધિકાને એક તમાચો મારી દે." પણ તેના સંસ્કાર તેને એક સ્ત્રી ઉપર હાથ ઉગામતા રોકી રહ્યાં હતાં, ભલે રાધિકા પોતાના ભારતીય સંસ્કાર ભૂલી અને પશ્ચિમી રંગમાં રંગાઈ ગઈ હોય પણ પોતે તો ભારતીય છે અને તે રાધિકાનો તમાસો બનાવવા નહોતો માંગતો.

બીજી એકવાર તેને રાધિકાને ફોન કરવાની ઈચ્છા થઈ અને આ વખતે તેને વોટ્સએપ કોલ ના કરતાં રેગ્યુલર કોલ કર્યો. પણ તેને ધારણ સાચી પડી રાધિકાએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. વોટ્સએપમાં મેસેજ કર્યો તે પણ ખાલી સેન્ડ જ થયો ડિલિવર ના થયો. હવે વરુણના મનમાં કોઈ પ્રશ્ન રહ્યો નહીં. અને તેને ખોટી વ્યક્તિને પ્રેમ કર્યો તેનું દુઃખ થવા લાગ્યું, જો રોહન હોત તો રોહનને વળગીને પોતે રડી શકતો પણ પારકા દેશમાં પારકા લોકો વચ્ચે તેને કોઈ ખભો રડવા માટે મળ્યો નહીં. એક થાંભલાના સહારે તે રડતો રહ્યો ઘણીવાર સુધી. થોડી જ વારમાં તે કાર પણ ત્યાંથી ચાલી ગઈ. વરુણ એકલો એકલો રડી રહ્યો હતો. પણ હવે રડવા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. પોતાની જાતે જ તે હિંમત એકઠી કરી અને એક ટેક્ષી લઈ હોટેલ પહોંચ્યો.

હોટેલ પહોંચીને વરુણ ને આ ક્ષણે રોહન સાથે વાત કરવાની ઈચ્છા હતી. વરુણે થોડા હળવા થઈ અને રોહનને ફોન લગાવ્યો. રોહને પણ તરત ફોનનો ઉઠાવી વાત કરી.. વરુણે પહેલાં તો બનેલી બધી ઘટનાઓ રોહનને જણાવી બોલતા બોલતા પણ વરુણની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. રોહનને પણ વરુણની વાત સાંભળી ઘણું દુઃખ થયું, અને તેને બરાબર સમજવતાં કહ્યું :

"વરુણ, તે તારી નજરે હવે જોઈ લીધું છે કે રાધિકા ખરેખર બદલાઈ ચુકી છે. તો પછી હવે તું એને ભૂલી જા. અને જીવનમાં આગળ વધવાનું વિચાર. કદાચ ઈશ્વરે તારા નસીબમાં રાધિકા કરતા પણ બીજી કોઈ પ્રેમાળ વ્યક્તિ લખી હશે. અને ભગવાનનો આભાર માન કે તારા આવવાના ચાર દિવસ પહેલા જ તે એને જોઈ લીધી. જો તું એને જોયા વગર જ ઇન્ડિયા આવી ગયો હોત તો તારા જવા ઉપર અને રાધિકા વિશે જાણ્યા વગર તારા મનમાં પ્રશ્નો જ ઉદ્દભવતા હોત."

વરુણ : "હા, રોહન તું સાચું કહી રહ્યો છે. પણ મને હવે પ્રેમ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે, હું હવે મારા જીવનમાં કોઈને આવવા જ નહીં દઉં. જેના કારણે મારે બીજીવાર દુઃખનો સામનો કરવો પડે."

રોહન : "વરુણ, જીવનમાં કોણ આવશે અને કોણ જશે એ તો સમય નક્કી કરશે. તું અત્યારે એટલું વિચાર કે અમે તારી સાથે છીએ, અમે તારી રાહ જોઈ રહ્યા છીએ, તારા મમ્મી પપ્પા તને ઘણો પ્રેમ કરે છે. બીજું બધું જ તું ભૂલી જા."

વરુણ : "હા, હું ભૂલવા જ માંગુ છું, પણ મારી નજરે જોયેલા એ રાધિકાના હાલ હું કેવી રીતે ભૂલી શકું ? કોઈ બીજા વ્યક્તિ સાથે જે રાધિકા હતી એ રાધિકાને મેં અહીંયા ક્યારેય જોઈ જ નથી. જેની સાથે મેં જીવન વિતાવવાના સપનાં જોયા, આજે મેં એને બીજાની બાહોમાં ઝૂમતા જોઈ, મારી આંખો સામે એ દરેક પળ દેખાઈ રહી છે."

રોહન : "જે થવાનું હતું એ થઈ ગયું અને એ એક સપનું સમજી ને એને ભૂલી જા દોસ્ત."

વરુણ : "હા, હું ભૂલી જઈશ પણ એ પહેલાં મારે એક કામ કરવું છે, હું રાધિકાના ઘરે જવા માંગુ છું."

રોહન : "કેમ રાધિકાના ઘરે ?"

વરુણ : "મારા અને રાધિકા વચ્ચે જે હતું, તે અમારો પરિવાર પણ જાણે છે, અને અમારા લગ્ન કરાવવાની વાત પણ ઘણીવાર મેં પપ્પા જ્યારે રાધિકાના પપ્પા સાથે વાત કરતાં ત્યારે સાંભળી છે, અને જો હું હમણાં જ એમના ઘરે જણાવી દઈશ કે હું આ લગ્ન માટે તૈયાર નથી તો એ વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ જશે. પણ જો હું નહીં કહું અને જ્યારે સમય નજીક આવશે ત્યારે ના કહીશ તો અમારા બંને ઘર વચ્ચેના સંબંધો પણ તૂટી જશે. હું નથી ઇચ્છતો કે મારા કારણે મારા પપ્પાના સંબંધો પણ તૂટે !"

રોહન : "વાત તો તારી સાચી છે, આ વાત ઉપર જેટલું જલ્દી પૂર્ણવિરામ મુકાઈ જાય એટલું જ સારું છે. પણ ધીરજથી વાત કરજે."

વરુણ : "હા, હું એ લોકો સમજી શકે એ રીતે જ મારી વાત કરીશ. અને જો રાધિકા સાથે એકાંતમાં વાત થશે તો એને હું પૂછીશ કે તે કેમ આવું કર્યું ?"

વરુણ અને રોહને ઘણીવાર સુધી વાત કરી. રોહન સતત વરુણને હૂંફ આપ્યા કરતો. બે જ દિવસનો સમય હવે વરુણ પાસે હતો. રોહન સાથે વાત કરી વરુણે તેના પપ્પા પાસે રાધિકાના ઘરનું સરનામું મંગાવ્યું, અને તે લોકોને જાણ ના કરવાનું કહ્યું, તે પોતાની જાતે જ સૌને આશ્ચર્યમાં રાખી અને જવા માંગતો હતો.

બીજા દિવસે સવારે ટેક્ષી મંગાવી વરુણ રાધિકાના ઘર તરફ જવા રવાના થયો....

વધુ આવતા અંકે...

લે. નીરવ પટેલ "શ્યામ"