૨૨ સિંગલ
ભાગ ૧૮
(હર્ષના કઠણ દિલ પર એક છોકરી, મીઠી – નાની સ્માઈલ રૂપી વરસાદ કરી ગઈ છે. એમ તો હર્ષનું નસીબ હમેશા થોડું પાછળ જ ચાલે છે તો જુઓ આ કેસ માં શું થાય છે તે......)
“કુછ તો હુઆ હૈ, કુછ હો ગયા હૈ” સોંગ રીપીટ માં મુકીને હર્ષ સુઈ ગયો. રાત્રે ખબર નહિ કઈ કેટલાય સપના એ છોકરી ના નામ ના જોઈ લીધા હશે. છોકરી નો ચહેરો યાદ આવતા જ હર્ષ ગુલાબી ગુલાબી થઇ જતો. સવારે ઉઠીને પણ આમ જ મસ્ત મુડમાં હતો. ફટાફટ રેડી થઈને કંપની ગયો. આંખો બંધ કરીને લંચ બ્રેકમાં જયારે હર્ષ પોતાના ડેસ્ક ઉપર બેઠો હતો ત્યારે પણ એના મો પરનું છુપું હાસ્ય સમાતું નહોતું. એને જોઇને મેનેજર એ પણ પૂછ્યું કે આજે કેમ ગાડી એકદમ ફોર્મમાં છે. ત્યારે તો બસ કઈ નહિ સર કરીને જવા દીધું.
સાંજે પોતાનું ફેવરીટ યુએસ પિઝ્ઝા માં અનલીમીટેડ પિઝ્ઝા ખાવા ગયો. બસ આજે હર્ષને કોઈની ખોટ ના પડી કારણકે ઈમેજનરી છોકરી એની સાથે જ બેઠી હતી. પ્રેમ માં પડવાનો અનુભવ આમ કઈ હર્ષને આ પહેલી વાર નો નહતો. લાઈન તો એણે બહુ બધી ને મારી છે પણ અત્યાર સુધી નું બધું માત્ર વન સાઈડેડ હતું. એ જે જગ્યા એ લાઈન લગાવે ત્યાં એને હમેશા રોંગ નંબર અથવા પીકે પિક્ચર ની જેમ ‘કોનું ફીરકી લે રહા હૈ’ જેવું જ થતું. પહેલી વાર અહિયાં બરાબર લાઈન લાગી છે. સામેથી પણ સાચો નંબર લાગ્યો છે.
એક દિવસ તો માત્ર વિચારોમાં જ ગયો. પણ માત્ર વિચારો કરવાથી શું થાય? પોતાની પાસે છોકરી નું ના તો નામ છે, ના એનું ઘર ખબર છે, ના એનો મોબાઈલ નંબર છે. આ હકીકત હર્ષ ભાઈને ૨૪ કલાક પછી સમજમાં આવી. બાકી આ ૨૪ કલાક માં તો એ છોકરી પાછળ બાવરો જ બની ગયો હતો. હવે શું કરવું? આ ચેપ્ટર પણ સ્ટાર્ટ થતા પહેલાજ પતી જશે ? ના, આ વખતે તો હર્ષ એ નક્કી કર્યું કે એવું નહિ જ થવા દઉં.
પહેલા દિવસ ના અતિ ઉત્સાહ પછી બીજો દિવસ એટલો જ ટેન્શન માં ગયો. બાબા એ કીધેલા ૭ દિવસમાં આ ત્રીજો દિવસ હતો. “ગુલાબજાંબુ મો સુધી આવ્યું પણ ચાખવા ના મળ્યું” એના જેવું હર્ષ સાથે થયું. પોતાને યાદ હોય તો પણ માત્ર છોકરી નો ફેસ, એ સિવાય બીજું કઈ નહિ. કાશ, ગુગલે એ એવી કોઈ એપ્લીકેશન બનાવી હોત કે ફેસબુક પર એવું ફીચર હોત કે છોકરી નો ફોટો મુકીએ તો એના વિષે બધી માહિતી મળી જાય. જો કે એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી હતી કે હર્ષ પોતે ડ્રોઈંગ માં બહુ જ ખરાબ હતો. છેલ્લે થી પહેલો કહેવાય એવો. છોકરી નો સ્કેચ બનાવવા જાય તો છોકરો બની જાય. અત્યાર સુધી ડ્રોઈંગ માં બનાવ્યું છે તો પણ શું? પેલું 5 વર્ષ નો છોકરો દોરે એવા સૂર્ય, જંગલ, નદી ,પંખીઓ જ ને! એ પણ જોકે કુદરતની જ કળા હતી પણ હમણાં જે દોરવાનું છે એ તો છે – છોકરીનો ચેહરો. પૃથ્વી પરની ભગવાનની સૌથી સુંદર રચના.
છતાં હર્ષે હિંમત ના હારી. પોતાને જેમ આવડે એમ એણે છોકરી નું ડ્રોઈંગ બનાવ્યું. બનાવ્યા પછી જો કે પોતે જ વિચાર કર્યો હતો કે આ માંથી મોઢું કઈ બાજુ છે. એને ફાડીને ડસ્ટબીનમાં જ નાખ્યું આખરે. એ ભૂલેચૂકે પણ કોઈક જાય તો હર્ષની પસંદ પર કોઈ પણ વ્યક્તિને શંકા જાય. છોકરીના ડ્રોઈંગ માંથી જાણે “ટ્રાન્સજેન્ડર” બહાર દેખાતી હતી.
ખેર, એ બધું પતાવીને અંતે “સબકા માલિક એક” એમ સાંજે મંગળવાર હોવાથી “બાપા” ના દર્શન કરવા ગયો. પોતાનાથી નીચે ના નમાતું હોવા છતાં પોતાના કપડા ઉપર ભરોસો રાખીને “બાપા” ને શાષ્ટાંગ પ્રણામ કર્યા. બસ “બાપા” કઈ કરી આપે એ ઝનુનમાં પોતાની ઈજ્જત પણ જમીન પર ટેકવી દીધી. જોકે “બાપા” એ તથાસ્તુ તો કીધા જ છે, એ તો હવે જોઈએ કે એ તથાસ્તુ સેટિંગ કરવા માટે છે કે સિંગલ રેહવા માટે....
મંદિરે થી દર્શન કરીને રૂમ પર આવતા પહેલા હર્ષ એના દરરોજ રુટીન પ્રમાણે દુધ લેવા દુકાને ગયો. દુકાનમાં સારી એવી ભીડ હતી એટલે એણે પાંચેક મિનીટ રાહ જોવી પડી. દુધ લઈને જયારે હર્ષ દુકાનની બહાર નિકળ્યો એટલામાં કાઉન્ટર બોય એ હર્ષને બુમ પાડીને ઉભો રાખ્યો.
કાઉન્ટરબોય : “ભૈયા, આપસે એક બાત કરની થી.”
હર્ષ : “હા બોલ. ક્યાં હુઆ?”
કાઉન્ટર બોય : “ભૈયા, પરસો સુબહ જબ આપ દુધ કી થેલી લેને આયે થે તબ યાદ હૈ વો એક લડકી ભી દુકાન મેં થી?”
હર્ષ (મોઢા પર એક મસ્તવાળી સ્માઈલ સાથે) : “હા ભાઈ. કૈસે ભૂલ શકતા હું મેં ઉસે!!!”
કાઉન્ટર બોય : “હા, વહી ભાઈ. મસ્ત દિખતી હૈ નહિ?”
હર્ષ : “હા એકદમ મસ્ત. જેસે કી....”
કાઉન્ટર બોય : “જેસે કી????”
હર્ષ : “અબે સાલે, મેં તુજ્હે કયું યે બતા રહા હું. તું બોલના કામ ક્યાં હૈ? ક્યાં બાત કરની થી?”
કાઉન્ટર બોય : “અરે ભાઈ, ગુસ્સા કયો કર રહે હો? આપકે ફાયદે કી હિ બાત હૈ. વો લડકી કી હિ બાત હૈ.”
હર્ષ : “અચ્છા. સોરી ભાઈ. બોલ ક્યાં બાત હૈ?”
કાઉન્ટર બોય : “ભૈયા, વો લડકી આપકો પસંદ હૈ ક્યાં?”
હર્ષ (થોડાક ગુંચવાઈ ગયેલા ચેહરે) : “તું યે સબ કયો પૂછ રહ હૈ. સીધે સીધા બતાના ક્યાં બાત હૈ વો.”
કાઉન્ટર બોય : “રેહને દો ભાઈ. આપ કો ગુસ્સા કરના હૈ તો આપ અપને ઘર પે જા કે કિસી કે ઉપર કરના. મેરે સામને નહિ. ભલા આપકે અચ્છે કે લિયે બોલ રહ હું, ઔર આપ મેરે ઉપર હિ આગ નિકાલ રહે હો!!”
હર્ષ : “અરે સોરી ભાઈ. તું પૂછ હિ ઐસા રહ થા ફિર.” વૈસે બાત ક્યાં હૈ વો તો બતા.”
કાઉન્ટર બોય : “વો લડકી, આજ સુબહ ફિર આઈ થી. ઔર આપકે બારે મેં પૂછ રહી થી.”
હર્ષ (ફાટી આંખે) : “ ક્યાં? મેરે બારે મેં? “ક્યોં ?” “તુને ઉસસે ક્યાં કહાં?” “તું ઉસકો પહેચાનતા હૈ?”
કાઉન્ટર બોય : “અરે ભાઈ, અર્નબ ગોસ્વામી હો ક્યાં?” “સવાલ પે સવાલ.” “બોલ ને તો દો મેરે કો.” “લગતા હૈ અભી તક કોઈ ગર્લફ્રેન્ડ હોગી હિ નહિ. તભી એક લડકી ને સિર્ફ પૂછ ક્યાં લિયા આપકે બારે મેં આપ તો જૈસે ઉસને સેટિંગ કે લિયે હા કર દી હો ઐસે ખુશ હો રહે હો.”
હર્ષ (મનમાં) : {સાલા આને પણ ખબર પડી ગઈ કે હજી સુધી સિંગલ જ છું.}
કાઉન્ટર બોય : “ અગર આપ કો ઉસ લડકી સે મિલના હો યા બાત કરની હો તો કલ સુબહ ઉસી ટાઇમ પે વો મેરે દુકાન પે આયેગી. આપ ભી આ જા ના.”
હર્ષ (ભાંગલી તૂટલી હિન્દી માં) : “સુબહ?????” અરે તો ફિર જોબ જાને મેં મોડા હો જાઉંગા.”
કાઉન્ટર બોય : “ક્યાં ભાઉ અપ ભી, બહુત અચ્છી લડકી હૈ. યહાં કે સારે લડકે ઉસકે ઉપર ફિદા હૈ. ઔર પતા નહિ ઉસને આપમે ક્યાં દેખ લિયા કી આપકે બારે મેં પૂછ રહી થી.”
હર્ષ : “અરે નહિ ભાઈ, આઉંગા આઉંગા. કુછ ભી કરને આઉંગા. બહોત ટાઇમ કે બાદ મેરા નસીબ ઉઘડા હૈ. અબ તો જો હોગા દેખા જાયેગા.”
કાઉન્ટર બોય : “ભાઈ સેટિંગ હો જાયે તો ફિર પાર્ટી મુજ્હે ભી ચાહિયે, હાં??!!!”
હર્ષ : “તેરે કો સબસે પેહલે બસ.”
કાઉન્ટર બોય : “ઠીક હૈ ચાલો કલ સુબહ મિલતે હૈ.”
હર્ષ : “હા, દોસ્ત. તું હિ સચ્ચા દોસ્ત હૈ મેરા.”
હર્ષ તો લગભગ નાચતો કૂદતો રૂમ પર પહોચ્યો. એટલી ખુશી થતી હતી કે જાણે એ છોકરી એ લગન માટે જ હા પડી દીધી હોય. રૂમ માં પહેલા તો બે ચાર વાર આંટા માર્યા. શું કરવું એની કઈ સમજ નહોતી પડતી. અનુ ને ફોન કરવાની ઈચ્છા થઇ પણ પાંચ દિવસ થયે એના તરફથી પણ પછી કોઈ મેસેજ નથી આવ્યો એટલે એને કહેવાનું માંડી વાળ્યું. એના સિવાય બીજા કોઈ ફ્રેન્ડ હતા પણ નહી કે કોઈને આ વાત શેર કરાય. એટલે કોઈ ને કહેવા કરતા વાત પોતાના સુધી જ રાખવાનું નક્કી કરી હવે કાલે કેવા તૈયાર થઈને જવાનું એ વિચારવાનું શરુ કર્યું.
જમવાનો ટાઇમ તો થઇ જ ગયો હતો પણ આજે ક્યાં ભૂખ જ હતી. સમય જ ક્યાં હતો હર્ષ પાસે ભૂખ વિષે વિચારવાનો. એ તો કાલ ની તૈયારીમાં લાગ્યો. પોતાનો ચેહરો અરીસામાં જોયો. એક વાર તો એણે ફરી વિચાર કરી લીધો કે આ જ ચેહરા ને પેલી છોકરી એ બોલાવ્યો છે. તરત દિમાગ માં નેગેટીવ વિચાર પણ આવ્યો કે કાઉન્ટર બોય મસ્તી કરતો હોય તો?!!! પોતાની ખીંચાઈ કરતો હોય તો!!!??? એ વાર તો આ વિચારે હર્ષને ઊંડા વિચારોમાં અને ટેન્શન માં નાખી દીધો. પણ “ ઓલ ઇસ વેલ” ના મંત્રજાપ ચાલુ રાખ્યા.
રાત્રે બીજા દિવસના સવાર ની બધી તૈયારી કરીને હર્ષ સુવા પડ્યો. કપડા જે પહેરવાના હતા એ અત્યારથી જ બહાર કાઢી મુક્યા. ટોવેલ તો બાથરૂમ માં રાતથી જ મુકીદીધો કે સવારે ટાઇમ બચે અને લેટ ના થઇ જવાય. એક વાર તો રાતે નાહીને જ સુઈ જવાનો વિચાર આવ્યો કે સવારે નાહવાનું ટેન્શન જ ના આવે. પણ પછી ખુદ ને વધારે પડતો ઉત્સાહિત થતા રોક્યો. આજ ની રાત કદાચ આખરી હોઈ સકે સિંગલ તરીકે ની એ વિચારે તો એના રૂંવાડાં ઉભા થઇ ગયા. બસ કાલે સવારે એકવાર છોકરી સાથે વાત થાય, નંબર મળે અને છોકરી સેટિંગ માટેની હા પાડે પછી આખી દુનિયા ને બતાવી દઉં કે હર્ષ શું ‘ચીજ’ છે. બસ આવા વિચારોમાં ને વિચારોમાં એને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના પડી.
સવારે મુકેલા એલાર્મ ને હર્ષે જ બંધ કર્યો. એલાર્મ વાગ્યા પહેલા તો એ ઉઠી ગયો હતો. આજ સવારથી એનામાં ગજબ ની સ્ફૂર્તિ હતી. ફટાફટ પોતાનું રુટીન પતાવ્યું. એક તરફ ઉત્સાહ હતો તો બીજી તરફ દિલ માં ઊંડે ઊંડે કૈક પોતે છેતરાતો તો નથી ને એવી લાગણી પણ થઇ આવતી પણ એ બધું છોડીને એણે કામ પર ધ્યાન આપ્યું. સમય થી 5 મિનીટ પહેલા જ રૂમથી નીકળી ગયો અને દુકાને જઈને ઉભો રહી ગયો.
દુકાને જઈને ઉભો રહી ગયો પણ પહેલો જ દાવ ઉલ્ટો પડ્યો. કાઉન્ટર બોય હતો જ નહી. એની જગ્યા એ એની મમ્મી કાઉન્ટર પર ઉભી હતી. હર્ષના આવતા વેંત જ એમણે હર્ષ ને શું જોઈએ એ પૂછ્યું. આજે હર્ષ દુકાને કોઈ વસ્તુ લેવા થોડો આવ્યો હતો, એ તો એની ‘રાધા’ ને મળવા આવ્યો હતો. પણ કાઉન્ટર બોય ની મમ્મી ને કેમ સમજાવવું. છતાં એણે પોતે દુકાનમાં કૈક શોધતો હોય એવા નાટક કરવા લાગ્યો. બસ ગમે તે રીતે એણે ટાઇમ કાઢવાનો હતો. કાઉન્ટર બોયના મમ્મી શું જોઈએ એ પૂછતા રહ્યા પણ હર્ષ “અહિયાં જ હતું. ક્યાં ગયું? એનું નામ યાદ નથી આવતું.” કરીને ફરી શોધવામાં લાગ્યો.
જોતજોતામાં દસ મિનીટ નીકળી ગઈ. પણ પોતાની ‘રાધા’ ના કોઈ વાવડ નહોતા. બે-ત્રણ વસ્તુ લઈને હર્ષ ભારે હૈયે દુકાનમાં થી બહાર નિકળ્યો. હવે 2 મિનીટ પણ મોડું કરે તો પોતાની કંપની ની બસ પણ ચુકી જવાય અને પછી રજા પાડવાનો જ વારો આવે. એટલે એણે પોતાના મનમાંથી છોકરી ના વિચારો કાઢી લાંબા પગલા ભરવા લાગ્યો. જેટલું ઝડપથી એ ચાલતો હતો એના કરતા બમણી ઝડપથી દિમાગ માં વિચારો અને આંખો માં આંશુ આવતા હતા.
શું લાગે છે મિત્રો? રાધા નહિ આવી હોય કે કાઉન્ટર બોય એની સાથે ગેમ રમી ગયો?