બે હાથ માં આકાશ સમેટી લઈએ,
તું આવ તો ખારાશ સમેટી લઈએ,
તારા વિના ના વિષાદ ને શું કરું ??
તું આવે તો ભીનાશ સમેટી લઈએ...
- મહેશ પરમાર
વરુણ હાઇવે પર સાઈડ માં બાઈક પાર્ક કરી એકલો બેઠો હતો અને પસાર થતાં બધા જ વાહનો ને જોયા કરતો હતો. કંઈક એના મનમાં ચાલતું હતું.એની બાજુમાં સિગરેટનું પેકેટ અને લાઇટર પડ્યા હતાં. એક સિગારેટ તેના હાથમાં હતી,પણ સળગાવવાનું મન નહોતું થતું.થોડી થોડીવારે સિગારેટ મોમાં લે અને પાછી એ આંગળીઓ વચ્ચે લઇ અને હલાવે રાખે.કદાચ એના મન્ના વિચારો કોઈ નિષ્કર્ષ પર પહોંચતા ન હતાં. એ ખૂબ મુંઝાયેલ અવસ્થામાં બાઈક ની આસપાસ આંટા મારતો હતો.
વરુણ ની સામે હાઇવે ક્રોસ કરી એક કેડી રસ્તો લગભગ 500-550 મીટર અંદર એક ફાર્મહાઉસ હતું.અને એ ફાર્મહાઉસની હાઇવે ફેસિંગ બાલ્કનીમાં ઇશીતા બાયનોક્યુલર લઈ વરુણની બધી પ્રક્રિયા નિહાળતી હતી.
ઇશીતા એક ધનાઢ્ય કુટુંબ માંથી છે.તેના પિતા શહેરના નામી બિઝનેસમેન છે.ઇશીતા દરેક રવિવારે શહેરથી દૂર આ ફાર્મ હાઉસ પર આવે અને એકલા રહેવાનો આનંદ ઉઠાવે.બાયનોક્યુલર થી બાલ્કનીમાં લટકાવેલ ઝુલા માં બેસી આસપાસ ના પર્યાવરણ નો આંનદ ઉઠાવવો તેણી ને ગમતો હતો.એ એના રૂટિન મુજબ જ બાલ્કની માંથી બધુ નિહાળતી હતીને હાઇવે પર બાઈક પાર્ક કરેલ વરુણ પર તેની નજર ગઈ.થોડીવાર વરુણ ની હરકતો જોઈ ઇશીતા ને લાગ્યું આ જણ કંઈક મુંઝવણમાં લાગે છે.એ વરૂણ પાસે જવાનું વિચારે છે.
વરૂણ હજુ પણ બાઇકની આજુબાજુ હાથમાં વગર સળગેલ સિગારેટ સાથે આંટા મારતો હોય છે. ત્યાં અચાનક રોડની સામે બાજુ એક છોકરી!! જિન્સનું પેન્ટ,ગુલાબી ટોપ,ખભા થી ઉપર ખુલ્લા વાળ,માપ સર મેક અપ થી ગુલાબી દીપી ઉઠતો ચહેરો, કાનમાં લાંબા લટકણીયા,હાથમાં કાંડા થી સહેજ નીચે ટેટૂ, ભરાવદાર શરીર જાણે કોઈ મોડલ.
વરૂણ ના વિચારોની ગાડીને અચાનક બ્રેક લાગી ગઈ અને ઇશીતાને ક્યારેય પણ ન જોયેલી છોકરીની માફક ટગર ટગર નિરખવા લાગ્યો. "અરે.. આ શું? આતો મારા તરફ આગળ વધી?" ઇશીતા રોડ ક્રોસ કરી વરુણ પાસે આવે છે અને અરુણ ને પૂછે છે.
" હાઈ..!!"શેક હેન્ડ કરવા હાથ લંબાવે છે." "હું ઇશીતા...." વરુણ શૂન્યમનસ્ક હજુ જોયા જ કરતો હતો . સમજાતું ન હતું કે આ અચાનક અહીં હાઇવે પર ક્યાંથી અને શુકામ આવી પહોંચી હતી.ઇશીતા વરૂણની આંખો પાસે ચપટી વગાડે છે.વરુણ ધ્યાનભંગ થાય છે.થોડો હડબદાય છે.ફરી ઇશીતા ફ્રેન્ડલી સ્માઈલ આપી,"ઓ હેલ્લો!! આઈ એમ ટોકિંગ વિથ યુ?"
વરૂણ હવે સ્વસ્થ થઈ ," હા..હા.. મેં સાંભળ્યું પણ તમે અહીં હૈ બે પર એકલા? અહીં ક્યાંથી?" ઇશીતા ફરી હળવું કાતિલ સ્માઈલ કરે છે અને જવાબ આપે છે."જી..હું? મારું અહીં ફાર્મ હાઉસ છે અને મેં મારા ફાર્મહાઉસની બાલ્કની માંથી તમને જોયાં તમે થોડા તણાવમાં જણાયા એટલે હું આવી."
વરૂણ આમતેમ નજર ફેલાવી ફાર્મહાઉસ ગોતવા લાગ્યો.ત્યાં રોડની સામે બાજુ થોડું અંદર નારીયાળીના ઝાડ ની પાછળ સફેદ બે માળનું મકાન જેવું દેખાયું.
ઇશીતા વરુણને ,"એક કામ કરીએ ચાલો મારી સાથે આપણે ત્યાં બેસી નિરાંતે વાતો કરીએ. "વરૂણ થોડો ખચકાટ અનુભવે છે.ઇશીતા વરૂણ ના ખચકાટ ને પારખી જાય છે એટલે," તમારા હાવભાવ પરથી લાગે છે તમે સંકોચ અનુભવો છો!! બટ બી રિલેક્સ આવો મારા ફાર્મ હાઉસ પર આપણે ચા પિતા નિરાંતે વાત કરીએ."
વરૂણ ના મન માં હવે વીચારો ના ઘોડાઓ એ દિશા બદલી હતી,આ રૂપાળી અપ્સરા જેવી છોકરી કોઈ જાત ની ઓળખાણ નહીં ને મને તેની સાથે આવવા શા માટે કહેતી હશે.પણ પુરૂષ નું મન થોડું લલચાયું અને બાઈક ચાલુ કરી. બાઈક શરૂ થતાં જ ઇશીતા પાછળ બિન્દાસ બેસી ગઈ.વરુણ ને ઇશીતા નું બિન્દાસ પણું ખૂંચતું હતું,પણ ગમતું પણ હતું.
ઇશીતા ફાર્મ હાઉસ તરફ વરુણ ને બાઈક લઇ જવા ઈશારા થી બતાવે છે.ફાર્મહાઉસ માં પ્રવેશતાં અફલાતૂન આર્કિટેક્ચર જોવા મળે છે.એક થી એક ચડિયાતા શોપીસ, મોંઘાડાટ ગાલીચા, સોફા અને ફર્નિચર જોઈ વરુણ અચંભીત થાય છે.ઇશીતા વરૂણ ને,"બાય ધ વે તારું નામ શું છે.?" વરૂણ થોડો શરમાતા,"ઓહો સોરી.. મારુ નામ વરૂણ ...વરૂણ વર્મા." જવાબ માં ઇશીતા ," નાઇસ નેમ..તું બેસ હું ચા બનાવી લાવું."
વરૂણ ઇશીતા ના ગયા બાદ ફાર્મ હાઉસ ને નીરખી નીરખી ને જોવા માંડે છે. થોડીવાર માં ચા અને બિસ્કિટ સાથે ઇશીતા આવે છે અને સીધો પ્રશ્ન કરે છે."શુ મુંજવણ છે?" વરૂણ મુર્તિવત જોયા કરે છે ઇશીતા ફરી,"તું કંઈક મુંજવણમાં આમતેમ આંટા મારતો હતો એટલે પૂછું છું શું મુંજવણ છે?મને જણાવ એટલે હળવો થઈશ.કોઈ છોકરી નો પ્રોબ્લેમ છે,કે પછી વેપારમાં ખોટ ખાધી,કે અન્ય કાંઈ."
વરૂણ ને હવે ઇશીતા નું આ વલણ ખટક્યું એટલે સામો પ્રશ્ન કર્યો,"પહેલા તમે એ જણાવો તમે કોણ છો?કોઈ જાણ પહેચાણ વગર મને અહીં લાવ્યાં અને મારી અંગત લાઈફમાં સીધા પ્રશ્ન કરી પ્રવેશવા માંગો છો?"
ઇશીતા ખડખડાટ હસવા લાગે છે તેનું આ હસવું વરૂણ ને હવે ગુસ્સો અપાવે છે."વોહટ ધ હેલ?મેં કઇ જોકે નથી કર્યો." ઇશીતા હસવાનું રોકી,"સોરી...સોરી..પહેલા મારી ઓળખાણ આપી દઉં.મારુ નામ ઇશીતા ગુપ્તા.હું દર રવિવારે આ મારા ફાર્મ હાઉસ પર માત્ર ને માત્ર મારી સાથે રહેવા આવું છું. હું એક આર્કિટેક એન્જીનીયર છું અને આ ફાર્મહાઉસ મેં મારા સ્વપ્નો ના રંગો ભરી બનાવ્યું છે. હું ઉપર બાલ્કનીમાં ઉભી હતી ને બાયનોક્યુલર માં આજુબાજુ નો માહોલ નિહાળી રહી હતી ત્યાં તારો ટાળવળાટ મારી આંખે આવ્યો . મને થયું લવ તારી સાથે થોડો સમય વિતાવું એટલે તું ફ્રેશ થઈ જઈશ.મારો તો જીંદગીનો એક જ ધ્યેય છે જેનાથી આનંદ મળે એને એન્જોય કરો.કોઈક શાસ્ત્ર માં કહ્યું જ છે ને આંતરભિમુખ થશો એટલે નિજાનંદ મળશે.શાસ્ત્ર વિશે વધુ તો નથી જાણતી પણ આ એક વાક્ય ગમ્યું એટલે અહીં અઠવાડિયે આંતરભિમુખ થવાનો પ્રયત્ન કરું છું."
આ વાતો સાંભળી વરૂણ થોડો શિથીલ થયો અને એ પણ હવે પોતાની વાત કરવા પ્રેરાયો,ગંભીર મુખ મુદ્રા સાથે,"હું એક સામાન્ય કુટુંબ માંથી આવું છું મને સરકારી નોકરી મળી છે. નોકરી માં અમારે હાજર થવા પહેલાં શારીરિક સક્ષમતાનો રિપોર્ટ કરાવવા નો હોય છે જેથી ગઈકાલે મેં ચેકઅપ કરાવ્યુ જેના રિપોર્ટ આજે આવ્યા અને એમાં મને પહેલા સ્ટેજનું ફેફસાં નું કેન્સર ડિટેકટ થયું છે." આટલું વાકય પૂરું કરતાં જ વરૂણ નાના બાળકની જેમ રડવા લાગ્યો.થોડું રડ્યા બાદ સ્વસ્થ થઈ,"મારી જ ભૂલ છે દિવસ રાત જોયા વગર હું સ્મોકિંગ કરતો એના વગર ચાલતું જ નહીં.આજે ડોક્ટર એ મને સિગારેટ પીવાનું બંધ કરવા જણાવેલ જે મારા માટે ખૂબ જ અઘરું છે. એના વિચારો માં જ હું અહી થોડીવાર એકાંતમાં ઊભો હતો."
ઇશીતા ઉભા થતા એના રૂમ તરફ જાય છે એક કાર્ડ લઇ આવે છે અને વરુણ ને આપે છે."આ લે કાર્ડ, અહીં જાજે ટ્રષ્ટ ની કૅન્સર હોસ્પિટલ છે પ્રથમ સ્ટેજનું કેન્સરતો મેડીસીન થઈ જ ક્યોંર થઈ જશે.બાકી મેં કહ્યું તેમ ખુમારી સાથે દીલથી જીંદગી જીવી લેવાની ભલે આ વાતો તને ઉપદેશ લાગે પણ ઉદાસ થઈ જા ત્યારે રાજેશ ખન્નાનું "આનંદ" મુવી જોઈ લેવું."
વરૂણને ઇશીતાની વાતો સાંભળી થોડી હિંમત આવે છે.એ સાંજ આખી ઇશીતા સાથે અલક મલકની વાતો સાથે પસાર કરે છે.વરૂણમાં એક શક્તિ નો સંચાર જાગે છે.એ મનોમન વિચારે છે "ઇશીતાની જેમ હકારાત્મક અભિગમ કેળવવો જોઈએ. એની સાથેની માત્ર એક સાંજ પસાર કરતાં મારામાં આ ભયાનક રોગ સાથે બાથ ભીડવાનું જોમ મારામાં આવી ગયું." વરૂણ અને ઇશીતા ની ટુંકી પણ અસરકારક મુલાકાત બાદ બીજા જ દિવસે સોમવારે પેલું કાર્ડ લઇ ટ્રસ્ટની કેન્સર હોસ્પિટલ એ પહોંચી જાય છે.
વરૂણના મુખ પર એક તેજ આવેલું હોય છે એ ડો. શેખાવત ને મળે છે ડોક્ટર બીજા થોડા રિપોર્ટ કઢાવવાનું કહે છે. વરૂણ ને એ પ્રોસેસ માં લગભગ આખો દિવસ પસાર થઈ જાય છે અને સાંજે ફરી ડો. શેખાવત રિપોર્ટસ જોઈ થોડી દવા લખી આપે છે અને ત્રણ કેમોથેરાપીના શેડ્યુલ ગોઠવી આપે છે. પહેલો સામાં સોમવારે અને પછી દરેક મહિને એક.
વરૂણ જયારે ડોક્ટર ની કેબિન છોડી જતો હોય છે ત્યારે ડોકટર વરૂણ ને કહે છે." મી.વરૂણ આજે જે રીતે હસતાં ચહેરે રિસ્પોન્સ આપ્યો છે એમજ છેલ્લે સુધી રહેજો." વરૂણ માત્ર સ્માઈલ આપી જાય છે.ફરી એક અઠવાડિયે કેમોથેરાપી માટે આવવાનું હોય છે.
વરૂણ ડોકટર સાથેની મુલાકાત ની વાત ઇશીતા ને કહેવા માટે પછીના રવિવારે ફાર્મહાઉસ પર પહોંચે છે પણ ત્યાં લોક જોવાં મળે છે.એ થોડો ગૂંચવાઈ છે."કેમ લોક હશે, તેણી એ તો કહેલું એ દરેક રવિવારે આવે છે!!" થોડી વાર રાહ જોઈ એક ચિઠ્ઠીમાં હોસ્પિટલ ની વાત લખી ત્યાં દરવાજે થી અંદર નાખી જતો રહે છે.
સોમવારે વરુણ ને કેમોથેરાપી લેવાની હોય છે એ હોસ્પિટલમાં એક દિવસ માટે દાખલ થાય છે.કાગળ કાર્યવાહી પતાવી એને એક હોસ્પિટલના રૂમમાં સુવડાવે છે.એક પીઢ નર્સ બેડ પાસે રહેલા મેડિસિન ટ્રે માં જરૂરી વેકસીન વગેરે ગોઠવતી હોય છે. વરૂણએના બેડની સામે હાર પહેરાવેલ ફોટો જોવે છે ને વરૂણ કરંટ લાગ્યો હોય તેમ તરત ઉભા થઇ ને નર્સને પૂછે છે "અરે આ ફોટો અહીં કેમ?" નર્સ જવાબમાં, "એ આ હોસ્પિટલના ટ્રસ્ટીની દીકરી હતી તેને પણ બ્લડ કેન્સર હતું એ ત્રણ દિવસ પહેલાં જ મૃત્યુ પામી.એ સાહેબ ની એકની એક દીકરી હતી.ખૂબ જ બહાદુર છોકરી હતી કેન્સર સામે હસતા ચહેરે લડતાં અમે જોઈ છે.મૃત્યુ નજીક હોવા છતાં ક્યારેય એનો ભય ચહેરા પર માલુમ પાડવા દીધો નથી. બસ અમને એક જ વસ્તુ કહેતી 'જીંદગી જીવી લ્યો...' એ જ્યારે આવતી બધાને કંઇક ને કંઇક ગિફ્ટ વહેંચતી અને બીજા ના ચહેરા પરની ખુશી જોઈ એ પણ ખુશ થતી.અમારી દિલથી આશીર્વાદ છે આવતાં જન્મે એ બમણું જીવે.એના મૃત્યુ બાદ હોસ્પિટલ ની દરેક વોર્ડની દીવાલે તેના અલગ અલગ ફોટો લટકાવ્યા છે. હોસ્પિટલ એન્ટ્રન્સ પર એનો ટૂંકો પરિચય અને જીવન જીવવાના હકારાત્મક અભિગમની વિશે લખાણ મુક્યું છે."
વરૂણના પગતળે જમીન સરકી ગઈ હોય છે.સ્તબ્ધ મુર્તિમય બની ફોટા ની સામે જોયા કરે છે..