Punravartan in Gujarati Short Stories by Niranjan Mehta books and stories PDF | પુનરાવર્તન

Featured Books
Categories
Share

પુનરાવર્તન

પુનરાવર્તન

એક સાંજે ચેતના એક વ્યક્તિને લઈને ઘરે આવી અને કહ્યું, ‘દીદી આ રોહનસર છે જે મારી ઓફિસમાં મારા ઉપરી છે.’

તેના ગયા પછી પ્રગતિએ ચેતનાને કહ્યું, ‘આજે અચાનક તારા સરને લઈને આવી?”

‘તેઓને આ બાજુ કામ હતું એટલે રસ્તા ભેગો રસ્તો છે કહી મને ઘર સુધી મુકવા આવ્યા. મેં તેમને થોડીવાર માટે અંદર આવવા કહ્યું. પહેલા તો અચકાયા પણ પછી માની ગયા.’

‘મુકવાનું બહાનું હતું કે બીજું કાંઈ? શું તું તેમના પ્રેમમાં છે અને કહેતાં સંકોચાય છે? ભલે હું તારી મોટીબેન હોઉં પણ હવે તો સખી ગણાઈએ.’

‘ના રે દીદી, એવું કાંઈ નથી.’ પોતાના ભાવ સંતાડતાં ચેતનાએ કહ્યું.

‘મને શું નાની કીકલી સમજે છે? આટલા વર્ષોથી સાથે રહ્યાં છીએ એટલે તારા મનના ભાવ ભલે છૂપાવે પણ તે મારી જાણ બહાર નહીં રહે. ચાલ હવે બધી વિગતે વાત કર એટલે હું તે પર વિચાર કરૂં. ત્યાર પછી તારા જીજાને કેમ વાત કરવી અને કેમ મનાવવા તેની મને સમજ પડે.’

બહુ કહ્યા બાદ ચેતનાએ પોતાના મનની વાત દીદીને ધીરે ધીરે જણાવી જેનો સાર હતો કે તે રોહનસરના પ્રેમમાં છે. જેને તે ચાહે છે તે તેનાથી થોડો મોટી ઉંમરના છે અને અન્ય નાતના છે પણ લાગે છે કે તે પણ ચેતનાના પ્રેમમાં છે. છેલ્લા થોડા દિવસથી તેમનું ચેતના પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું હતું અને ગઈકાલે તો તેમણે પોતાના મનની ભાવના ચેતના આગળ ખુલ્લી કરી હતી. બસ, આ જ કારણે ચેતના મૂંઝવણમાં હતી કે દીદીને કેમ વાત કરવી અને તેનો શું પ્રતિભાવ હશે. એટલે મુકવા આવવાને બહાને આજે તે તેમને ઘરે લઇ આવી હતી જેથી દીદીના પ્રત્યાઘાત જાણી શકાય.

પ્રગતિને પોતાનું અતીત યાદ આવી ગયું. વર્ષો પહેલા નાતજાતના બાધ હતાં તેની માયાજાળમાં પ્રગતિ ફસાઈ ગઈ હતી. મા તો તે કોલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે જ મૃત્યુ પામી હતી. ત્યાર પછી કોલેજની સાથે સાથે તેના પિતા અને નાની બેન ચેતનાની જવાબદારી પણ તેના શિરે આવે પડી હતી. પિતાજીની તબિયત નરમગરમ રહે એટલે થોડું વધુ ધ્યાન આપવું પડતું.

આ એ જ રોહંનસર છે જે તેની સાથે કોલેજમાં હતો. સાથે ભણતાં રોહનની તે ધીરે ધીરે નિકટ આવવા લાગી હતી અને તેવું જ રોહનનું હતું. પણ તે ઉતરતી નાતનો હતો એટલે પ્રગતિને શંકા હતી કે જો તે તેના પિતાને વાત કરશે તો તે માનશે નહીં કારણ તેમની ઉંમર અને જક્કી સ્વભાવ. પરંતુ પહેલા ભણવાનું પૂરૂં થાય પછી બાપુજીને વાત કરવી તેમ પ્રગતિએ મનમાં નક્કી કર્યું હતું.

પણ ધાર્યું ધણીનું થાય એ મુજબ હજી પ્રગતિનો અભ્યાસ ચાલુ હતો અને તેના પિતાએ એક દિવસ જણાવ્યું કે તેને માટે એક સારા ઘરનું માંગુ આવ્યું છે. તેઓ વિના વિલંબે લગ્ન લેવા માંગે છે.

‘બાપુજી, મારૂં ભણવાનું હજી બાકી છે. ત્યાં સુધી લગ્ન પાછળ ન ઠેલવી શકાય?’

‘અરે તેમણે તો એમ પણ કહ્યું છે કે લગ્ન પછી તું તારો અભ્યાસ ચાલુ રાખી શકે છે.’

‘મને થોડો વિચાર કરવા દો.’

‘તેમાં વિચાર શું કરવાનો? લાગે છે કે તું કોઈના પ્રેમમાં છે એટલે આમ કહે છે. એવું હોય તો તે બધું ભૂલી જા. આવું સાસરૂં ગુમાવવા જેવું નથી.’

બીજે દિવસે પ્રગતિએ કોલેજ જઈ રોહનને બધી વાત કરી. રોહને તો ભાગી જઈ લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મુક્યો પણ પ્રગતિને ભાગી જઈને લગ્ન કરવાનું કબૂલ ન હતું. એટલે રોહનને કહ્યું કે તે તેને ભૂલી જાય.

‘અરે, એમ તને કેવી રીતે ભૂલી જાઉં? સાચો પ્રેમી પોતાના પ્રેમને એમ સહેજમાં થોડો ભૂલી જાય? મને ભૂલી જવાનું તું કહે છે પણ તું શું મને ભૂલી શકશે?’

‘એક સ્ત્રીને પરિસ્થિતિ પ્રમાણે વર્તવું પડે છે. સામાજિક બંધનો તેને આડા આવે છે અને ત્યારે અંતરના ભાવ દબાવી રાખવા પડે છે જે તેને માટે સહેલું નથી. પણ જવાબદારીઓની સાંકળ તેને જકડી રાખે છે એટલે મનેકમને તેને સ્વીકારવું પડે છે.’

‘ઠીક છે. પણ તું મને જીવનસાથી તરીકે નહીં મળે તો હું અન્ય કોઈ સાથે પણ તેવા સંબંધથી નહીં બંધાઉં.’

આમ પિતા પ્રત્યેની લાગણી કહો તો લાગણી અને પિતાની જીદ કહો તો જીદ પણ પ્રગતિએ ગોઠવેલ સંબંધ માન્ય રાખવો પડ્યો. લગ્નના થોડા સમય પછી પિતાનું મૃત્યુ થયું. માતા તો આ પહેલા મરી ગઈ હતી એટલે નાની ચેતનાની જવાબદારી પ્રગતિને માથે આવી પડી. સારા નસીબે મનોજ એક સમજદાર પતિ હતો અને તેને પણ નાની ચેતના પ્રત્યે લગાવ હતો એટલે ચેતનાને પોતાની સાથે રાખવાની વાતને તેણે આવકારી.

ચેતનાને ઉછેરી અને ભણાવી અને હવે તેનું કોલેજનું ભણતર પૂરૂં થાય તેની રાહ જોતી હતી જેથી સારા ઠેકાણે પરણાવી પોતાની તે જવાબદારીમાંથી મુક્તિ મળે તેમ કેટલાક સમયથી પ્રગતિને વિચાર આવતો હતો. પણ આજે આમ અચાનક ચેતનાનું મન જાણી તે વિચારોના વમળમાં અટવાઈ ગઈ.

પ્રગતિના મનમાં જે મોટી ગડમથલ હતી તે હતી નાતજાતનો બાધ. પોતે જે સહન કર્યું તે શું ચેતનાને પણ સહન કરવું પડશે? વર્ષો વીત્યા પણ સમાજનો સંકુચિત સ્વભાવ એમ જલદી બદલાય? એક તો રોહન અન્ય નાતનો અને વળી ચેતનાથી ઘણી મોટી ઉંમરનો. તો શું મનોજ અને અન્ય કુટુંબીજનો આ પ્રસ્તાવ સ્વીકારશે? શું સમાજના વાડામાં રહીને કોઈના પ્રેમને ગૂંગળાવી નાખવાનો? તેને રોહનનો પણ વિચાર આવ્યો કે એક વાર સહન કર્યા બાદ શું તેણે ફરી વાર એ જ અનુભવવું પડશે? શું ઇતિહાસનું પુનરાવર્તન થશે?

પણ અનેક વિચારોની ગુથ્થી એમ થોડી ઉકેલાય છે? આખી રાત આ વિચારોએ તેને ઘેરી રાખી હતી. હવે તો શાંતિથી વિચારી યોગ્ય પગલું ભરવું જરૂરી છે એમ પ્રગતિને લાગ્યું. વહેલી સવારે તે એક નિર્ણય પર પહોંચી અને ત્યાર બાદ તે શાંતિથી સુઈ ગઈ.

બીજી સવારે પ્રગતિએ ચેતનાને કહ્યું કે તારી મનોભાવના હું સમજુ છું પણ તેને સાથ આપતા પહેલા મારે તારા રોહનસરને મળી થોડી વાત કરવી છે એટલે એકવાર તારી ગેરહાજરીમાં હું મળી લઉં પછી આગળ વાત કરીશું. તને રોહનસર જો પૂછે તો કહેજે કે હું તેને મળીને વાત કરીશ.

જો કે રોહન પણ પ્રગતિને મળ્યા પછી અવઢવમાં હતો કે હવે તે શું કરે એટલે ચેતના સાથે વાત કરવાનું ટાળ્યું.

બે દિવસ પછી પ્રગતિએ ફોન કરી રોહનને તેની ઓફિસ બહાર મળવાની ઈચ્છા દર્શાવી. તે મુજબ બંને રોહનની ઓફિસની બાજુના એક કાફેમાં ભેગા થયા. પ્રગતિ સીધી મૂળ વાત પર આવી અને તેણે રોહનને જૂની યાદોને વિસારે પાડી વર્તમાનની વાતો કરવા કહ્યું. જો કે રોહનનું મન આ બાબતમાં માનતું ન હતું પણ પ્રગતિની વાત તેને પણ યોગ્ય લાગી.

‘રોહન, મને ખબર છે કે તને આ પહેલા જાણ નહીં હોય કે ચેતના મારી નાની બેન છે. મારાથી તે દસ વર્ષ નાની છે એટલે તે બેન કરતાં પણ મારી વહાલી દીકરી જેવી છે. તે સુખી રહે તે જ મારી ઈચ્છા છે. પણ તને હવે ખબર પડી છે કે તે મારી બહેન છે તો તેના પ્રત્યેના તારા વિચારોમાં કોઈ બદલાવ હોય તો તે હું પહેલા સમજી લઉં જેથી ચેતનાને કેમ સંભાળવી તેનો મને ખયાલ આવે.’

‘પ્રગતિ, પહેલા તો તે દિવસે તને જોયા પછી ભૂતકાળ યાદ આવ્યા વગર રહે? વળી ચેતના તારી બેન છે તે જાણ્યા પછી ત્યાંથી ચાલી જવાનો વિચાર આવ્યો. પણ પછી થયું કે આમ કરૂં તો ચેતનાને સમજ નહીં પડે કે મેં આમ કેમ કર્યું. સ્વાભાવીક છે કે તે આ માટે સવાલ કરે તો ચોખવટ પણ ન કરી શકાય. એટલે તેના મનમાં ખોટા સવાલો ઉભા ન થાય તે માટે મેં મારી જાતને કાબુમાં રાખી અને પરાણે બેસી રહ્યો. પણ જેટલો સમય તારી પાસે રહ્યો ત્યારના મારા મનોભાવ કેવા હશે તે તું સારી રીતે સમજી ગઈ હશે. તારે ત્યાંથી ગયા પછી તું અને આપણું અતીત બહુ યાદ આવ્યા. પછી થયું કે તું સંસાર માંડીને બેઠી છે એટલે હવે ભૂતકાળને યાદ કરવાનો કોઈ અર્થ નથી. વળી મને ખાત્રી છે કે તારા પતિદેવ તો આપણા તે સંબંધ વિષે કશું જાણતા પણ નહીં હોય તો શા માટે પથરો નાખી બધાની જિંદગી બગાડવી?’

‘મને પણ હતું જ કે મારો રોહન પરિસ્થિતિને સમજી અતીતને બહાર નહીં લાવે. કારણ નાતજાતના બાધને કારણે આપણી સાથે જે થયું તે ચેતના સાથે ન થાય તેમ હું ઈચ્છું છું. ભલે તું તેનાથી મોટો છે પણ મને તેનો વાંધો નથી. પણ તને એટલા માટે મળવા આવી છું કે આ બધું જાણ્યા પછી પણ તું ચેતના સાથે લગ્ન કરવા માંગે છે કે તારો વિચાર બદલાઈ ગયો છે?’

‘હા, વિચાર તો બદલાઈ ગયો છે, પણ તે વર્ષો પહેલાનો લગ્ન ન કરવાનો. તે દિવસે જાણ્યું કે ચેતના તારી બેન છે એટલે એકવાર તો વિચાર આવ્યો કે ચેતનાને ભૂલી જાઉં. પણ પછી થયું કે તેમાં એનો શો વાંક? વળી મેં અનુભવ્યું છે કે તેનો મારા પ્રત્યેનો પ્રેમ અનહદ છે, ભલે હું તેનાથી દસેક વર્ષ મોટો છું. મારી પણ લાગણીઓ તેના તરફ છે. આટલા વર્ષે મને કોઈ દિલથી ચાહે છે અને તેમાં સચ્ચાઈ પણ છે એ જાણ્યા પછી મારૂ મન પણ તેના તરફ ઢળ્યું છે, એટલે જો તારી અને તારા પતિદેવની ઈચ્છા હોય તો હું તેને અપનાવવા તૈયાર છું. હા, તારા પતિદેવને તારા પપ્પા મુજબ નાતજાતનો કે મારા મોટા હોવાનો વાંધો હોય તો હું બધું ભૂલી જવા તૈયાર છું અને આ શહેર છોડી જવા પણ તૈયાર છું એટલે બધા પ્રશ્નોનું સમાધાન થઇ શકે. પણ ત્યારબાદ ચેતનાને તું કેમ સંભાળશે તેનો તારે વિચાર કરવો રહ્યો.’

‘તેનો પ્રશ્ન જ નહીં ઊભો થાય. ભલે મારો અને તારો સહવાસ એક અવિસ્મરણીય ઈતિહાસ છે પણ હવે આટલા વર્ષો પછી હું તે પણ ભૂલી જવા સક્ષમ છું. મનોજને કેમ મનાવવા તે મારા પર છોડ. બસ, મારી ચેતના સુખી રહે તે જ મારી ઈચ્છા છે અને હવે મને ખાત્રી છે કે તેમાં તું પાછો નહીં પડે. એક વાતનો ખાસ ખયાલ રાખજે. તારા અને મારા અતીતના સંબંધો એક ઈતિહાસ બની રહે અને ચેતનાને કોઈ રીતે તેની જાણ ન થાય.’

‘આપણા પ્રેમના સોગંદ, તે બાબતમાં તું નચિંત રહેજે.’

નિરંજન મહેતા