Swear on your mother life in Gujarati Short Stories by Pratik Barot books and stories PDF | ખા તારી માના સમ

Featured Books
Categories
Share

ખા તારી માના સમ

પરિચય

અમે પોળમા રહેતા ત્યારની આ વાત છે. હું લગભગ ધોરણ દસમાં ભણતો હતો. બાળપણમાથી જવાનીમાં ને પ્રાથમિક શાળા માથી હાઈસ્કુલમાં પ્રવેશી રહેલા મારા મનમાં સેંકડો પ્રશ્ર્નો ઉદભવતા ને હું એના ઉતર મેળવવા મથતો રહેતો. સ્વભાવે શરમાળ હતો પણ જીજ્ઞાસા સંતોષવા માટે સ્કુલ થી છુટતા જ હું આમતેમ મને સમજાવેલી હદના વિસ્તારમાં ફરતો ફરતો ઘરે આવતો ને રસ્તામાં મળતા લોકો અને બનતા બનાવોમાથી મારા સવાલોના જવાબો શોધવાનો પ્રયાસ કરતો. આ રોજિંદા અવલોકન ની મને જાણે આદત લાગી હતી. એમાંથી એક રસપ્રદ વાત અંહી તમારી સમક્ષ મુકુ છુ.

પોળમાં નાનકડા અંદાજે દસ-અગિયાર વરસના ટેણિયાઓની ફોજ હતી. નામ દઈને કહુ તો, ટિકુ, સૌરભ, પવન, વિવેક, નૈતિક, વિશાલ, વિજુ, પલક, ઝિશાન , અપ્પુ, કુન્નુ ને રોનક બધાય એક નંબરના મસ્તીખોર ને તોફાની હતા. રોજ સાંજે પોળની બાજુની ગલીમાં પાટિયા ને ઈંટાકડા ને સ્ટમ્પ માની, ઘરના બનાવેલ નિયમોથી આ ટેણિયાઓ ક્રિકેટ રમતા. મને આ રમત ના તો ગમતી ને ના તો એટલી આવડે, પણ મારી ટેવ પ્રમાણે માત્ર આ લોકોને રમતા જોવા ગલીના ખુણામાં ઓટલા પર ગોઠવાઈ જતો. કયારેક અમ્પાયરિંગ પણ કરી લેતો.

સમ ખાવાની ઘટના

હું રોજ ના સમય પ્રમાણે મારી જગ્યાએ આવીને ગોઠવાઈ ગયો હતો. ટીમ ધીમે ધીમે ભેગી થવા લાગી હતી. સ્ટમ્પલા ગોઠવાઈ ગયા હતા ને ટોસ ઉછળી ચુક્યો હતો, પણ ટિકુ હજુ આવ્યો નહોતો માટે એની રાહ જોવાતી હતી. ત્યાં કોઈ બોલ્યુ "અંધારું થાશે લા, ચાલુ કરો, ટિકુડાને આવુ હશે તો આવશે". ટ્રાયલ બોલ પત્યો ત્યાં તો ટિકુ આવી ગયો ને સાથે એક બીજા ટેણિયા ને પણ લાવેલો. એણે બધા મિત્રોને ઓળખાણ કરાવી, " આ મારા ફઈબાનો છોકરો છે, "મનિયો" બે દી' અંહી રોકાશે" ટિકુ ટીમ નો કપ્તાન એટલે ટીમ પડી ગયા પછી પણ મનિયાને જેકર તરીકે રમવા દેવાયો ને રમત શરૂ થઈ. ટિકુ ને એની ફોઈનો દિકરો મનિયો, આપણી વારતા આ બે ટેણિયાઓની જ છે. 

રમત શરૂ થઈ ને એક પછી એક વિકેટ પડતી ગઈ. સૌથી છેલ્લે બે ઓવરમા માત્ર દસ રન બાકી હતા ને જેકર તરીકે મનિયાનો દાવ આવ્યો. યોગાનુયોગ ઓવર પણ ટિકુની ચાલી રહી હતી. ટિકુ એ દડાને એવો સ્પીન કર્યો કે દડો બેટને અડકી સીધો વિકેટકીપર અપ્પુ ના હાથમાં ગયો. "આઉટ આઉટ" ની ચિચિયારીઓ કરતા સહુ કુદવા લાગ્યા, પણ મનિયાએ ચોખ્ખી ના પાડી દીધી કે "હું આઉટ નથી, બોલ બેટને અડયો જ નથી." બધા હવે એની તરફ વળ્યાં. આમ તો કુન્નુ કોઈ ને પણ મારતા વિચાર ન કરે ,પણ અંહી ટિકુ નો ભાઈ હતો એટલે એણે ખુદને રોકી લીધો. બધાએ હવે નિર્ણય માટે ટિકુ કપ્તાનની સામે જોયુ . ટિકુ પણ જાણતો હતો કે મનિયો જુઠું બોલે છે, એણે મનિયાને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ મનિયો માને જ નહી. આખરે ટિકુડાએ મનિયાને મસમોટો ડાયલોગ મારી જ દીધો કે, "જો તુ સાચુ બોલતો હોય તો ખા માના સમ, તો હું માનુ". બીજી એક ઓવર રમવા મળવાની લાલચમાં મનિયાએ માના સમ અમસ્તા જ ખાઈ લીધા. બધા માની ગયા, ટિકુએ આખરી ઓવર પણ પૂરી કરી ને સૌ પોતપોતાના ઘરે નીકળ્યા.

ટિકુની મનોદશા

ટિકુ મારો પડોશી પણ ખરો, મારા ને એના ઘરના દરવાજા એકદમ સામસામે હતા. ટિકુ આમ ભલે મસ્તીખોર પણ મનનો ખૂબ ભોળો ને સમજુ હતો. એ દિવસે પણ ઘરે જતા જતા એ નાનકડા બાળકની આંખોમાં મે કોઈ વાત ની ચિંતા જોઈ હતી. કદાચ મનિયાએ એની માના સમ ખાધા એ એને યોગ્ય નહોતુ લાગ્યું. સમ ખાવાથી જેના સમ ખાધા હોય એ વ્યક્તિ મરી જાય કાં તો એનુ કંઈક ખરાબ થાય એવુ એને એના બાએ એક વાર કીધેલુ. ને આ વાતને લઈ મનિયાએ ખાધેલા સમને લીધે પોતાના ફોઈને કંઈક થશે એવા વિચારોમા એણે ઘર તરફ દોટ મૂકી. ઘરે જઈ એણે "ફઈબા ફઈબા" એમ બૂમો પાડતા બધે જ ફોઈને શોધવા માંડયા. એ ફળિયામાં, ઓસરીમાં, રસોડામાં, માળિયામાં, ઉપરના માળે બધે જ ફરી વળ્યો ને છેલ્લે બાથરૂમ પણ તપાસી આવ્યો. પણ ફોઈ ન મળતા, મનિયાના સમને લીધે જરૂર ફોઈને કંઈ થયું એમ વિચારી એ નાનકડો ટિકુડો રડવા બેઠો. તરત જ ઓટલા પર શાક સમારતા ટિકુના બા બધુ પડતુ મુકી અંદર આવ્યા ને ટિકુને છાનો કરવામાં લાગ્યા. બા કંઈ પુછે એ પહેલા બજારમાં ખરીદી કરવા ગયેલા ફોઈ પણ પાછા આવી ગયા. ફોઈને જોતા જ ટિકુ તરત દોડીને એમને વળગી પડયો. ફોઈએ પણ ટિકુને તેડયો ને વહાલ કરીને રડવાનું કારણ પુછયુ, પણ ટિકુએ કોઈ વાત ન કરી, હા, ટિકુ શાંત જરૂર થઈ ગયો.

ટિકુ શાંત તો થઈ ગયો હતો પણ પેલી સમવાળી વાત એના મગજમાંથી કેમેય કરીને જતી નહોતી. ફોઈ લગભગ અઠવાડિયુ રહયા ત્યાં સુધી ટિકુ જાણે કે એમનો પડછાયો બની ગયો હતો. મિત્રોના બોલાવવા છતા એ રમવા પણ ન જતો, બસ ફોઈ ને કંઈ થશે તો, એમ વિચારી એ ફોઈની આસપાસ ગોળ-ગોળ ફર્યા કરતો. ઘરમાં પણ એક બે વાર બાપુજી ને થોડુક અજુગતુ લાગ્યુ, પણ બાળકબુદ્ઘિ સમજી બધાએ ટિકુને કંઈ ના કીધું.

ટિકુનો પ્રશ્ર્નોતરી

આખરે ફોઈ અને મનિયાના જવાનો દિવસ આવ્યો. ફુઆ મુંબઇથી ફોઈને લેવા અને બધાને મળવા અમદાવાદ આવ્યા હતા. ફોઈના જવાના સમયે ટિકુ ખૂબ જ રડયો. બાળસહજ સમજી સહુએ ટિકુડાને છાનો પાડયો. ફોઈના ગયાના એક કલાક પછી જ ટિકુએ બાને પ્રશ્ર્નો પૂછવાનું શરૂ કર્યુ,
"અહીંથી ફોઈનુ ઘર કેટલે દૂર છે?"
"ત્યાં પંહોચતા કેટલી વાર લાગશે?"
"શુ એ લોકો પંહોચી ગયા હશે?"
"આપણે ફોન કરી જોઈએ તો કેવુ?"
એક વાર બાએ ફોન પર ટિકુની ફોઈ સાથે વાત પણ કરાવી, પણ ટિકુડાની પ્રશ્નોતરી સાંજ સુધી અવિરત ચાલુ જ રહી. 

ટિકુનો નિર્ણય

અંદાજે છ વાગ્યે ફોઈનો બા પર ફોન આવ્યો ને કીધું, "રસ્તામા કારનુ ટાયર પંચર થતા ગાડીનો નાનો અકસ્માત થયો હતો, પણ સહુ સલામત છે ને ઘરે પંહોચી ગયા છીએ." બાએ ટિકુને અક્ષરશઃ સમાચાર કિધા ને હવે પ્રશ્ર્નો ના પૂછીને લોહી ન પીવાની વિનતીં પણ કરી.

આ સમાચાર સાથે એક બાજુ ટિકુએ ફોઈના હેમખેમ હોવાની વાત પર રાહત અનુભવી ને બીજી બાજુ કયારેય કોઈના પણ સમ ન ખાવા કે ના તો ખવડાવવા નો મનોમન પાકો નિર્ણય કરી બેટ લઈ ખુશ થતો થતો એ ક્રિકેટ રમવા ઉપડયો.