Lagnini Chot - 3 in Gujarati Fiction Stories by Alkesh Chavda Anurag books and stories PDF | લાગણીની ચોટ... ભાગ:- ૩

Featured Books
Categories
Share

લાગણીની ચોટ... ભાગ:- ૩

@@@  લાગણીની ચોટ... ભાગ :- ૩ 

એ અજાણ્યો વ્યક્તિ બોલ્યો  "મા, તમારી મારી પ્રત્યેની લાગણીએ મારા સંકલ્પને જમીનદોસ્ત કરી નાખ્યો. મારા ગામ માંથી નીકળી ગયા પછી મેં નક્કી કર્યું હતું કે મારો શ્રાપિત ભૂતકાળ હું છેલ્લા શ્વાસ સુધી કોઈને નહિ જણાવું. પણ આજ હું એ મારી પ્રતિજ્ઞા તોડુ છું અને સંભળાવું છું વિધાતા એ મારેલી મારા જીવન પરની ઠોકર ની દાસ્તાન... જીવી ડોશીની તાલાવેલી વધતી જતી હતી. એ કોઈ સ્વાર્થ વશ નહિ પણ એ દુઃખી વ્યક્તિના દુઃખને જાણવા આતુર હતા. એ વ્યક્તિએ પોતાનો ભૂતકાળ ખોલ્યો કે જેને એ ભૂલવા માંગતો હતો. એ બોલ્યો...

મારું નામ અવિનાશ. મારું ગામ હમીરપુરા. અમારો પણ એક સુંદર અને નાનકડો પરિવાર હતો. પરિવારમાં બા,બાપુજી એક નાની બહેન અને હું. બહેન મારી બા ને ઘરકામ માં મદદ કરતી અને હું બાપુજીને ખેતીમાં. ખેતીમાં કઈ વધુ જમીન તો ન હતી પણ બાર મહિના ચાલે એટલું તો ભગવાન આપીજ દેતો... અમારી પાસે ઝાઝી સંપત્તિ તો નહતી પણ મનનો સંતોષ હતો. પરિવારનું સુખ હતું. એકબીજાનો સાથ હતો. બા બાપુજી જેટલા કર્મશીલ હતા એટલાજ ભક્તિ ભાવ વાળા હતા. અને ખૂબ નીતિમત્તા થી જીવન જીવતા. સમય પસાર થતે જતો હતો. 

આ એ દિવસની વાત છે કે જ્યારે ખેતરેથી હું સાંજના સમયે ઘેર આવી રહ્યો હતો. અમારા ગામના સરપંચ અરજણકાકા એમના પરિવાર સાથે એમની જીપ ગાડી માં બેસી લગ્ન પ્રસંગેથી ઘેર આવી રહ્યા હતા. રસ્તા વચો વચ એમની જીપ ખોટકાઈ ને ઉભેલી હતી. નજીક જઇ ને મેં કહ્યું "કાકા શુ થયું , હું કઈ મદદ કરું..." આવું પૂછવાનું કારણ એજ હતું કે અરજણ કાકાનો સ્વભાવ જરા એવો હતો કે કોઈ વગર પૂછયે બોલે એ એમને ગમતું નહિ. પણ એ દિવસે એમને સીધો જવાબ આપેલો. એમના કહેવાથી હું બાજુના ગામમાંથી ગાડી ના કારીગરને લઈ આવ્યો. કારીગર ગાડીનું બોનેટ ખોલી કઈક જોઈ રહ્યો હતો. હું પણ બાજુમાં ઉભેલો. અરજણ કાકાના મોટા દીકરાનો દસ વર્ષનો નાનકો આ દરમિયાન  બાજુના ઝાડ પાસેના પાંદડાઓ ભેગા કરવાની રમત રમતો હતો. ત્યાં લગ્ન પ્રસંગના થાકને કારણે કોઈનું ધ્યાન એની તરફ ન હતું. ત્યાં અચાનક મારું ધ્યાન એની તરફ ગયું. મેં જોયું કે એક સાપ નાનકા તરફ ધસી આવતો હતો. બસ એનાથી એક ડગલુંજ એ છેટો હતો. મેં એક ક્ષણ નો પણ વિચાર કર્યા વિના એ સાપના મોઢા પર મારો પગ દાબી દીધો. પગના દાબથી એ શિકાર કરવા આવેલો સાપ પોતેજ શિકાર થઈ ગયો. બાદમાં બધાને ખબર પડી કે શું ઘટના બની. અરજણ કાકા તો મને રીતસરના ભેટીજ પડ્યા. અને માત્ર એટલુંજ બોલ્યા "અવિનાશ ,આજે તે માત્ર મારા નાનકા ને નથી બચાવ્યો પણ મારા આખા પરિવારને બચાવ્યો છે. જો આજે કઈ અજુગતું બન્યું હોત તો હું ક્યાં મોઢે ઘરે જાત અને મારા દીકરાને શુ મોઢું બતાવોત..." આ બધાની વચ્ચે અરજણ કાકા ની દીકરી માલતી મારી સામું જોઇજ રહી. બાપાની મર્યાદા ખાતર એ મોઢેથી તો કઈ ન બોલી પણ જાણે ન બોલીને ઘણું બધું બોલી ગઈ. વાત કરતા કરતા અટકી જરા અટકીને અવિનાશે એ જીવી ડોશીને કહ્યું... આ હતો મારો અને માલતી નો પ્રથમ લાગણી વશ મિલાપ. બીજા દિવસે અરજણ કાકા એ મારા બાપુજી અને મને એમના ઘેર બોલાવ્યા. ખૂબ આદર ભાવથી અમને આવકાર્યા અને મારા બાપુજીને કહ્યું..."સવજી... તારા દીકરા અવિનાશે કાલે મારી પર જે ઉપકાર કર્યો છે એનો હું કઈ રીતે બદલો વાળું. પણ મારી એક વાત માન્ય રાખ. જો તારો દીકરો અવિનાશ ભણેલો ગણેલો અને હોશિયાર સાથે હિંમતવાળો છે. મારે ખેતી ઝાઝી છે તો કાલથીજ એને મારા ભેગો કામે મોકલી દે. એને કામ કઈ કરવાનું નથી મારા મજૂરો પર દેખરેખ રાખવાની અને થોડો હિસાબ કિતાબ સાંભળવાનો. ખાવું પીવું મારા ઘરે અને બદલામાં મહિને પાંચ હજાર પગાર આપીશ..." મારા બાપુજીએ પણ કહેલું..."સરપંચ સાહેબ,આટલી બધી મહેતબાની ની કઈ જરૂર નથી. અવિનાશે જે કર્યું એતો એની ફરજ હતી. તમે પણ તમારા હૃદયમાં એને ઉપકાર જેવું ગણશો નહિ. " મારા બાપુજીની ના કહેવા પાછળનું કારણ એ હતું કે  અરજણ કાકા ખૂબ જક્કી માણસ હતા. ક્રોધિત સ્વભાવના પણ ખરા. અને એમના કરતા પણ એમનો દીકરો માવજી તો વળી ખૂબ અભિમાની. ક્યાંક આ લોકો ભેગો મારો દીકરો મુશ્કેલીમાં ન મુકાય જાય એવો છૂપો ડર મારા બાપુજીને હતો. પરંતુ અરજણ કાકા ન માન્યા તે નજ માન્યા અને અંતે મારા બાપુજીને નમવું પડ્યું. 

પછીતો મારી નોકરી શરૂ થઈ ગઈ. રોજ સવારે અરજણ કાકા ને ત્યાં જવાનું અને કામે વળગી જવાનું. મારા ભાગેતો મોટે ભાગે હિસાબનું કામજ હતું. એ દિવસે હું ઓરડામાં બેઠો બેઠો હિસાબ લખી રહ્યો હતો ત્યાં અચાનક નાનકો દોડમ દોડ ઓરડામાં આવી મારી પાછળ છુપાયો. એની પાછળ પાછળ દોડતી માલતી પણ આવી. મને જોઈ એ થોડું શરમાઈ અને પછી આંખોથી કઈક બોલી બહાર નીકળી ગઈ. અરજણ કાકા ને ઘેર કામના બે મહિના વીતવા છતાં હજુ સુધી મારી અને માલતી વચ્ચે કોઈ શાબ્દિક વ્યવહાર નહોતો થયો પરંતુ જ્યારે પણ અમારી આંખો મળતી ત્યારે એ મને કઈક કહેવા માંગે છે એવું લાગ્યા કરતું. ન એ કશું કહી શકતી કે ન હું... હું એમના ઘેર હોવું ત્યારે કોઈક ને કોઈક બહાને એ મને જોઈ લેવા માંગતી હોય એવું એનું વર્તન હતું. એના વર્તનની મારી પર પણ અસર થઈ હતી. મને પણ એને જોઈ લેવાની તાલાવેલી લાગતી. એ સમયે મને ખુદને ખબર ન હતી કે આવું બધું કેમ થયા કરે છે. ખૂબ હિંમત ભેગી કરી મેં એને એક વખત પુછીજ લીધું કે "તમે મને કંઈ કહેવા માંગતા હો એવું મને લાગ્યા કરે છે... શુ હું જે વિચારું છું એ સાચું છે...?" જાને મારી પહેલ કરવાનીજ એ રાહ જોઇ રહી હોય એમ ધડ દઈને એને મને સામું કહીજ દીધું..."તમે એક જુવાન જોધ છોકરીની આંખોની ભાષા પણ ન ઓળખી શકો એટલા બુધ્ધુ તો નથી લાગતા, તોય આટલા સમય થી કઈ સમજી ન શક્યા...!!!" માલતી ના આ એકજ વાક્યએ જાણે મને અંદરથી હચમચાવી નાખ્યો. હું બધું સમજી શકતો હતો કે એ શું કહેવા માંગતી હતી. 

એ દિવસ પછી અમારી અંતરની સમીપતા ઓર વધી ગઈ. ધીમે ધીમે અમારા શરૂઆત ના મૌને હવે શબ્દોનું રૂપ ધારણ કરી લીધું હતું. એટલે કે અમે બંને સાચી લાગણીના તાંતણે બંધાઈ ચુક્યા હતા. અમારા હૈયામાં પવિત્ર પ્રેમનો જાણે મહાસાગર હિલોળા લઈ રહ્યો હતો. અરજણ કાકા ના ઘરે અનેક વાર અમને એકાંત પણ મળેલું છતાં મેં કે માલતીએ અમારી મર્યાદા ઓળંગી ન હતી.  આમ કરતા કરતા એક વર્ષ જેટલો સમય વીતી ચુક્યો હતો. અને આવ્યો મારો જન્મ દિવસ. હું પચીસ વર્ષ વટાવી છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ્યો. ત્યારે માલતીની ઉંમર પણ પચીસની હતી. મારા જન્મ દિવસે મેં માલતી ને કહ્યું..."માલતી કઈક માંગુ તો આપીશ..." અને એક ક્ષણ નો પણ વિચાર કર્યા વિના એ બોલેલી "મારા પ્રાણ માંગો તો પણ અબ ઘડી આપી દઉં..." મેં કહેલું "ગાંડી મને તારા પ્રાણ નહિ પણ તું જોઈએ છે..." અને આગળ મેં કહેલું..."હું આજેજ અરજણ કાકા ને આપણી વાત કરીશ અને તને માગી લઈશ..." અમને બન્ને ને એમ હતું કે કાકા રાજી થઈને અમારા સંબંધની હા કહી દેશે પણ કુદરતને કઈ ઓરજ મંજુર હતું. મેં ખૂબ છાતી કાઠી કરી ને અરજણ કાકા ને અમારી વાત કરી. વાત સાંભળતા જાણે શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું હોય એમ ક્રોધિત થઈ ઉઠ્યા અને જોરથી મોઢેથી નાલાયક..... એમ બોલતા મારા ગાલે તમાચો ચોડી દીધો. પછીતો જે તાંડવ ખેલાયું એની માત્ર કલ્પનાજ કરવી રહી. એજ ક્ષણે મને એમના ઘરેથી કાઢી મુકવામા આવ્યો. સાથે ધમકી પણ આપી દીધી "નાલાયક આજ પછી મારી નજરે ચડ્યો તો સમજી લેજે જીવથી ગયો..." "જે થાળીમાં ખાધું એ ઘરેજ નજર બગાડી" મા મેં નજર બગાડી હતી કે માલતી ને સાચો પ્રેમ કર્યો હતો એતો એક હું અને બીજો મારો ભગવાન જાણે છે. બાદમાં અરજણ કાકા એ માલતી ને પણ ખૂબ ધમકાવી. એની પર પણ હવે કડક ચોકી પહેરો ગોઠવાઈ ગયો. હું અને માલતી એકબીજાને મનથી એકબીજાના માની ચુક્યા હતા. માલતી એ પણ જાણે નક્કી કર્યું હતું કે એ આ જનમ તો શું આવતા સાત જનમ બીજા કોઈની નહિ થાય. લાગણીના આ તાણાવાણા માં એ એવીતો ગુંચવાણી કે એને નક્કીજ કરી નાખ્યું કે બસ..."મોત..." અને એ કાળમાં દિવસે મને સમાચાર મળ્યા કે અરજણ કાકાની માલતી એ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. એના આપઘાતે અરજણ કાકા ના ક્રોધઅગ્નિ ને ઓર ભડકાવી દીધો. મારા બા બાપુજી અને બહેન ઘરે હતા. હું કામ અર્થે બહાર ગયેલો અને અરજણ કાકા ભરી બંદૂકે અમારા નાનકડા પરિવારનો કાળ બની અમારા ઘરે આવી ચડ્યા. ક્રોધના આવેશમાં ત્રણ નિર્દોષ લોકોનો જીવ લેતા પણ એ ન અચકાયા. ઘરે આવી મેં જોયું કે હસતો ખીલતો મારો નાનકડો પરિવાર આજે જાણે શૂન્ય બની ગયો હતો. કુદરતે મારું બધુજ છીનવી લીધું હતું. મારી માલતી, બા, બાપુજી, બહેન ... કઈ ન બચ્યું મારા જીવનમાં. મને પણ જીવન ટૂંકાવી મારા પરિવાર પાસે પહોંચી જવાનો વિચાર આવી ગયો પરંતુ કોઈ અજાણી તાકાતે જાણે મને રોકી લીધો...

 અવિનાશની કરુણ જીવન લીલા સાંભળતા સાંભળતા જીવી ડોશીને પોતાના પરિવારનો એ કાળમો દિવસ યાદ આવી ગયો કે કંઈક આવુજ એમની સાથે પણ ઘટિત થઈ ચૂક્યું હતું. ઉનાળાની એ રાત્રીમાં જીવી મા ની આંખો માંથી જાણે શ્રાવણ ભાદરવો ઉભરાઈ રહ્યો... માજીના આંસુ લૂછતાં અવિનાશે પોતાના જીવન કથાની અંતિમ કડી ની વાત કરતા કહ્યુ... મા મેં એ દિવસે નક્કીજ કરી લીધું કે જે ભૂમિએ મારું બધુજ છીનવી લીધું ત્યાં એક દી પણ નથી રહેવું. અને રઝળતા રઝળતા હું આવી પહોંચ્યો અહીં... 

વાત પૂરી કરતા કરતા અવિનાશ ની માત્ર આંખોજ નહિ પરંતુ હૃદય પણ વલોપાત કરી રહ્યું હતું. જીવી મા એ અવિનાશને પણ પોતાની જીવન વ્યથા સંભળાવી.  બે સમ દુખિયાનું એ અદભુત મિલન હતું...
અંતે જીવી મા એ અવિનાશના માથે લાગણીવશ હાથ મુક્યો અને એને છાતી સરસો ચાપી લાગણી ના રણકારથી બોલ્યા ... "બેટા, આજથી તું જ મારો દીકરો. મારો પરિવાર તું અને તારો પરિવાર હું..."

લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'