ઝાલા લલિતની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેના ચહેરા પર પસ્તાવો હતો, તે સાચું બોલતો હોય એવું લાગતું હતું.
“તે ઘટના પછી હું ખૂબ સાવધ બની ગયો હતો, હું આરવીથી દૂર રહેવા લાગ્યો હતો. પણ, આરવી પર તેની અવળી અસર પડી હતી, તે કોઈ મુગ્ધાની જેમ મારા પ્રેમમાં પડી ગઈ હતી. જેમ જેમ હું તેને ઇગ્નોર કરવાનો પ્રયત્ન કરતો તેમ તેમ તે મારી વધુ નજીક આવવા પ્રયત્ન કરતી.
જૂન મહિનામાં તેનું ભણવાનું પૂરું થયું અને તે રાજકોટ ચાલી ગઈ. મને હાશકારો થયો, પણ તે હાશકારો લાંબો સમય ટક્યો નહીં. થોડા જ દિવસોમાં આરવીનો ફોન આવ્યો કે અમારા અસુરક્ષિત સંબંધનું પરિણામ તેના પેટમાં પાંગરી રહ્યું છે. મને ફાળ પડી. મેં તેને ગર્ભપાત કરાવવાની સલાહ આપી, પણ તે ગુસ્સે થઈ ગઈ.
તેણે કહ્યું, “હું જાણતી હતી કે મારા પેટમાં બાળક છે એ જાણી તમારા પેટમાં તેલ રેડાશે. એટલે જ મેં આ વાત આજ સુધી છુપાવી રાખી હતી. તમે ઇચ્છો છો કે હું ગર્ભપાત કરાવી લઉં જેથી દુનિયા ન જાણી શકે કે હું તમારા બાળકની મા બની છું, પણ પહેલા બાળકની હત્યા કરવાના બોજને મારે જીવનભર વેંઢારવો પડશે એનું શું ? હું ગર્ભપાત નહીં કરાવું. તમારે મારી સાથે લગ્ન કરવા પડશે.”
મેં તેને સમજાવી કે એમ કરવા મારે તેની જ બહેનને તરછોડવી પડશે, પરંતુ તે વાત સમજવા તૈયાર ન હતી. તેણે કહ્યું, “તેને ડિવૉર્સ આપી દો.” પછી, ઘણાં દિવસોની સમજાવટના અંતે તે ગર્ભપાત કરાવવા તૈયાર થઈ. મેં મારા રાજકોટના ગાયનેકોલોજિસ્ટ મિત્ર સાથે તેનો સંપર્ક કરાવ્યો અને ગર્ભપાત થઈ ગયો. જો કે એ પછી પણ તેના દિમાગમાંથી, મારી સાથે લગ્ન કરવાનું ભૂત ઉતર્યું ન હતું.”
“બંધ રૂમમાં પોતાનું શરીર સોંપી દેતી મોટાભાગની સ્ત્રીઓને ખબર નથી હોતી કે સામે ઊભેલા પુરુષને શામાં રસ છે ; તેનામાં કે તેના શરીરમાં !”
“એવું ન્હોતું, હું મજબૂર હતો.”
“બધા પુરુષો એવું જ કહેતા હોય છે, પણ તે મજબૂર નથી હોતા, કાયર હોય છે. અને એવું જ હતું તો તારે આરવી સાથે અંતર જાળવવું જોઈતું’તું. ઊલટું, તેં તો પછી પણ તેને દિવાળી કરવા વડોદરા બોલાવી.”
“એ મેં મારી મરજીથી ન્હોતું કર્યું, મારે આરવીની જીદ સામે ઝૂકવું પડ્યું હતું. તેનો આગ્રહ હતો કે હું તેને દિવાળી કરવા અહીં બોલાવું. હું જાણતો હતો કે અહીં આવીને તે મારા પર લગ્ન કરવાનું દબાણ કરશે, પણ હું લાચાર હતો. વડોદરા આવ્યાના બીજા દિવસે તેણે મને ફરી આંચકો આપ્યો. તેણે કહ્યું, “મારે અઢી લાખ રૂપિયા જોઈએ છે.” મેં પૂછ્યું, “આટલા બધા રૂપિયાનું શું કરવું છે ?” પણ, તેણે કોઈ જવાબ ન આપ્યો. મારી પાસે તેનું કહ્યું કરવા સિવાય કોઈ ઉપાય ન હતો. મેં બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા અને તેને આપ્યા. પરંતુ, તે ફરી ગઈ. તેણે ફક્ત દોઢ લાખ રૂપિયા લીધા અને કહ્યું, “બાકીના જરૂર પડ્યે માંગી લઈશ.” મને સમજાઈ ગયું કે બે પળ લીધેલી મજાની સજા હવે જીવનભર મળતી રહેવાની છે. હું કંઈ કરી શકું એમ ન્હોતો. ઘડીભર થયું કે અભિલાષા સામે ભૂલની કબૂલાત કરી લઉં, પરંતુ જીભ જ ન ઊપડી.”
“હમ્મ. છેવટે, આરવીથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો ન દેખાતા તેં તેને ખતમ કરી નાખી ! તારા રૂમમાંથી મળેલી સક્સામિથોનિયમ અને ક્લૉરોફોર્મની બૉટલ સાબિત કરે છે કે...”
“એનાથી તો મને ય આશ્ચર્ય થયું છે. સાહેબ, હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું, એનેસ્થેટિસ્ટ નથી. આ દવાઓ મારા કોઈ કામની નથી.”
એટલી વારમાં ડાભી રૂમમાં પ્રવેશ્યા, “વરુણનું ‘ઋણ’ ચૂકવાઈ રહ્યું છે, આને લઈ જઈએ ?” ડાભીએ લલિત તરફ ઇશારો કર્યો.
“લઈ જાવ, પણ શરૂ કરતા પહેલા મને મળી જજો.”
લલિત સાવ ઢીલો પડી ગયો, મહાપરાણે પગ ઉપાડતો તે ડાભી સાથે ગયો. ડાભી બે જ મિનિટમાં પાછા ફર્યા.
“બોલો સાહેબ...”
ઝાલાએ ડાભીને લલિતનો આખો એકરાર કહી સંભળાવ્યો.
“સાહેબ, એક તિખારો પણ લીલાછમ જંગલને બાળીને ભસ્મીભૂત કરી નાખતો હોય છે, જયારે અહીં તો સૂકાં ઘાસના જંગલમાં મશાલ લઈને ફરવા જેવું થયું છે. યુવાન સ્ત્રી-પુરુષને એકાંત મળે અને આવા સંજોગો સર્જાય તો ભડકો જ થાય ને !”
“મને તો લલિત સાચું બોલતો હોય એવું લાગે છે. આરવી તેના પર ફિદા થઈ ગઈ હતી તે વાતમાં કોઈ શંકા નથી. લલિતના રૂમની ઝડતી લેતી વખતે મેં લલિતના જન્મતારીખનો દાખલો જોયો હતો. તેમાં તેની જન્મતારીખ 19/11/81 લખી હતી. મને ત્યારે જ લાગ્યું કે આરવીના ફોનના પાસકોડ અને આ તારીખમાં કંઈક કનેક્શન છે. તેથી, મેં મારી ડાયરી બહાર કાઢીને ચેક કર્યું. મેં બંને નંબર ઉપર નીચે લખ્યા ત્યારે ખબર પડી કે આરવીના ફોનનો પાસકોડ એ લલિતની જન્મતારીખનો રિવર્સ નંબર છે.”
“મને લાગે છે કે આરવી અને લલિત વચ્ચે જે કંઈ પણ થયું તેના પછી, આરવી તેના પ્રેમમાં પડી ગઈ હશે અને તેણે પોતાના ફોનનો પાસકોડ બદલીને આ કરી નાખ્યો હશે. આ વાતની ખબર કોઈને નહીં હોય, નહિતર અભિલાષા અને મનીષાબેન એવું ન કહેત કે આરવીના ફોનનો પાસકોડ તેની બર્થ ડેટ છે.”
“હા. પછી, દિવાળી કરવા વડોદરા આવેલી આરવીએ પોતાનો ફોન નિખિલને ગેમ રમવા આપ્યો હશે. નિખિલને ફોન આપતી વખતે, તેને એવું લાગ્યું હશે કે આ નાનકડો છોકરો શું પાસકોડ યાદ રાખવાનો ! પણ, તે ત્યાં જ ભૂલ કરી ગઈ. નાની ઉંમરના બાળકો ફોનને લગતી વાતો તરત યાદ રાખી લેતા હોય છે, તેઓ આવી વસ્તુઓ ભૂલતા જ નથી.”
“હમ્મ.”
“એ સિવાય પણ એક વાત છે. સવારે આપણે બલર બંગલોથી પાછા આવતા હતા ત્યારે તમે ‘ગુનેગાર પકડાઈ ગયા એવું કહેતા હતા’, પણ હું તમારી સાથે સહમત ન્હોતો.”
“હા.” ડાભીએ કહ્યું.
“ત્યારે હું વિચારતો હતો કે લલિતે આરવીને સક્સામિથોનિયમનું ઇન્જેકશન માર્યું તો વધેલી દવા સાચવી કેમ રાખી ? તેણે તે ફેંકી કેમ ન દીધી ? એક ડૉક્ટર સારી રીતે જાણતો હોય કે પીએમ રિપૉર્ટમાં તેનો ખુલાસો થશે અને કદાચ ઘરની ઝડતી લેવાશે.”
“આપનો તર્ક વ્યાજબી છે.”
“માટે, અહીં પહોંચી મેં મારા એનેસ્થેટિસ્ટ મિત્રને ફોન કર્યો હતો, તેણે જે કહ્યું તે પરથી મારી શંકા ઓર મજબૂત બની છે.”
“કઈ શંકા ?”
“મને લાગતું હતું કે કોઈ અન્ય વ્યક્તિએ આ દવા ખરીદી હતી. પછી, તેણે આરવીને ઇન્જેક્શન માર્યું અને વધેલી દવા લલિતના રૂમમાં છુપાવી દીધી.”
“તમારા એનેસ્થેટિસ્ટ મિત્રએ એવું તો શું કહ્યું કે આ શંકા પાક્કી થઈ ગઈ ?” ડાભીએ વિનમ્રભાવે પૂછ્યું.
“સક્સામિથોનિયમની જે બૉટલ લલિતના રૂમમાંથી મળી તે રબરના બૂચ વાળી મલ્ટિ ડોઝ 10ml વાયલ છે. તેમાં એક કરતા વધારે ઇન્જેકશન મારી શકાય એટલા જથ્થામાં દવા હોય છે. તેના મથાળે રહેલા રબરના બૂચમાં નીડલ પરોવી દવા ખેંચવાની હોય છે. સામાન્યત: એનેસ્થેટિસ્ટ વાયલ જ રાખતા હોય છે, પણ કોઈને આ દવા એક જ વાર વાપરવી હોય તો તે, બજારમાં મળતા 2ml સિંગલ યુઝ વાયલનો ઉપયોગ કરે છે. કાચની નાનકડી બૉટલ જેવા વાયલમાં 100 મીલીગ્રામ દવા હોય છે જે માણસનો જીવ લેવા કાફી હોય છે. સીધા શબ્દોમાં કહું તો હત્યા કરવાનો ઇરાદો હોય તે માણસ સિંગલ યુઝ વાયલ જ ખરીદે. વળી, લલિત તો ડૉક્ટર છે, સામાન્ય માણસ કરતા તેને આ બધાની વધારે જાણકારી હોય. છતાં અહીં એવું થયું નથી. કદાચ કોઈ લલિતને ફસાવવા માંગે છે. અને મારી શંકા સાચી છે તો અત્યારે આપણે એ કરી રહ્યા છીએ જે કોઈ ત્રીજી વ્યક્તિ ઇચ્છે છે.”
“પણ, લલિતના જેલ જવાથી કોને ફાયદો થાય ? તે તો ઘરનો કમાઉ દીકરો છે. વળી, વધેલી દવા ન ફેંકવાની ભૂલ લલિતે હડબડીમાં કરી હોય તેવું ય બને, કેટલીક વાર ગુનેગારો સાવ બેવકૂફ જેવી ભૂલો કરી બેસતા હોય છે.”
ઝાલાએ માથું ધુણાવ્યું.
“હવે શું કરવું છે ?” ડાભીએ પૂછ્યું.
“પુરાવાના આધારે ચાલો, લલિતને રિમાન્ડ પર લો. અને હા, હેમંત વિશેષના અન્ય નંબરના કૉલ રેકૉર્ડ્સ સ્ટડી કરીને આપવાનો હતો, તેનું શું થયું ?”
“પૂછીને કહું છું.”
“ડૉક્ટર નેહાને મળવાની પરવાનગી આપતા હોય તો ત્યાં ય જઈ આવીએ.”
ડાભી ગરદન હલાવી બહાર ગયા અને થોડીવારે અંદર આવ્યા, “હેમંતનું કામ પતવા આવ્યું છે અને ડૉક્ટરે નેહાને મળવાની પરવાનગી આપી દીધી છે.”
ક્રમશ :
(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)