“ધ ફર્સ્ટ હાફ”
(ભાગ – ૩)
વિરાજગીરી ગોસાઈ
સૂરત, ગુજરાત.
બપોરે ૨:૩૦ વાગ્યે હું સૂરત રેલ્વે સ્ટેશન પર ઇન્ટરસીટી ટ્રેનમાંથી ઉતર્યો. સ્ટેશન પરની ભીડ જોઇને મારી આંખો ખૂલ્લી જ રહી ગઈ. પહેલી નજરમાં આ સ્ટેશન મુંબઈના કોઈ વ્યસ્ત સ્ટેશન જેવું લાગતું હતું જે મેં ફક્ત ફિલ્મો અને સમાચારોમાં જ જોયું હતું. માનવદરિયો જાણે આમતેમ હિલોળા લેતો હતો. હું સ્ટેશનની બહાર ગેટ પાસે આવ્યો જ્યાં કંપની દ્વારા એક હેલ્પ ડેસ્ક રાખવામાં આવ્યું હતું. હું ત્યાં ગયો.
“ગૂડ આફ્ટરનૂન સર. આઈ એમ ઋષિકેશ પારેખ ફ્રોમ રાજકોટ” મેં કહ્યું. મને આ એપોઇન્ટમેન્ટ લેટર કુરીઅર દ્વારા મળ્યો છે. મેં એમને મારો લેટર બતાવ્યો.
“આપકો હેં ના, એક એસ.એમ.એસ મિલા હોગા કંપની તરફસે જિસમેં આપકે અકોમોડેશનકા એડ્રેસ હોગા” તે વ્યક્તિ લેટર વાંચતા બોલ્યો.
“હા, વિશાખા રેસીડેન્સી” મેં મારા મોબાઈલમાં આવેલો એસ.એમ.એસ બતાવતા કહ્યું.
“ઠીક હેં. અભી આપ હેં ના યે ચાચા કે સાથ ચલે જાઓ. યે આપકો વહા લેકે જાયેંગે. રિક્ષા કા કિરાયા નક્કી કર લેના” તેને બાજુમાં ઉભેલા કાકા તરફ ઇશારો કર્યો. મને તે ગુજરાતી વ્યક્તિ જ લાગ્યો જે જબરદસ્તી હિન્દી બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે પછી તેને બોલવા માટે કહેવામાં આવ્યું હશે.
“ઓકે. થેંક યૂ” મેં તેની પાસેથી મારો લેટર પાછો લીધો અને કાકા સાથે એક્ઝીટ ગેટ તરફ ચાલવા લાગ્યો.
“કેટલા લેશો કાકા?” મેં કાકાને ચાલતા ચાલતા પૂછ્યું.
“આપકો વિશાખા જાનેકા હેં ના? એટલે આપકા ૧૫૦” કાકા બોલ્યા. તે પણ જાણે પરાણે હિન્દી બોલી રહ્યા હતા.
“બહુ વધારે છે કાકા”
“ત્યાંથી પાછુ અમારે ખાલી આવવું પડે ભાઈ, દશ કિલોમીટર છે” કાકાએ પોતાની વાત રાખી. હવે તે આખું વાક્ય ગુજરાતીમાં જ બોલ્યા.
“તો રહેવા દ્યો કાકા. ૧૫૦ જાજા છે” હું ચાલતો થયો.
“સારું હાલો ૧૩૦ આપજો બસ?” કાકાએ મને રોક્યો.
“૮૦” મેં કહ્યું.
“ચલો તમારા ય નઈ ને મારા ય નઈ, ૧૦૦ આપજો બસ?” તેને મને વધારે ભાડું ઓછુ કરતા રોક્યો અને રીક્ષામાં બેસવા કહ્યું.
“સારું ચલો” હું વધારે માથાકૂટ ન કરતા રીક્ષામાં બેસી ગયો. હું અંદરથી ખૂશ થઇ રહ્યો હતો કે મેં રીક્ષા ભાડામાં પચાસ રૂપિયા ઓછા કરાવ્યા હતા, પણ તે મારો વહેમ હતો.
ખૂબ જ ભીડવાળા વિસ્તાર એટલે કે રેલ્વે સ્ટેસનથી થોડી જ વારમાં રીક્ષા લાંબા અને પહોળા ફ્લાયઓવર પર પહોચી. આટલા બધા ફ્લાયઓવર જોઇને મને નવાઈ લાગી. હું સુરત પહેલા ક્યારેય ન’તો આવ્યો અને રીક્ષામાં બેઠો બેઠો વિશ્વના ચોથા નંબરના સૌથી ઝડપથી વિકસતા આ શહેરના વિકાસ, સંસ્કૃતિ અને લોકોને નિહાળી રહ્યો હતો. પહોળા રસ્તાઓ, શોપિંગ મોલ્સ અને જબરદસ્ત ટ્રાફિક જે મેં પહેલા ક્યારેય ન’તો જોયો. આશરે ચાલીસ મિનીટની મુસાફરી પછી રીક્ષા વિશાખા રેસિડેન્સી પર પહોચી. મેં કાકાને પૈસા ચૂકવ્યા અને બિલ્ડીંગમા ગયો.
“નયા જોઈનીંગ?” ત્યાંના ચોકીદારે મને પૂછ્યું.
“હા”
“આપકા ડીટેઇલ ઇસમેં ભર દિજિયે ઓર આપકા એપોઇન્ટમેન્ટ લેટર મૂજે દિખાઈયે તો મેં રૂમકા અરેન્જમેન્ટ કર દૂ” તેને રજીસ્ટર મારી તરફ કરતા કહ્યું.
“મેં રજીસ્ટરમાં સામાન્ય વિગતો ભરી અને મારો એપોઇન્ટમેન્ટ લેટર તેને બતાવ્યો, તે મને ત્રીજા માળે આવેલા રૂમ નંબર ૩૦૨ માં લઇ ગયો.
“યે આપકા રૂમ હેં. યે એક બેડ જય સર કા હેં ઓર યે વાલા આપકા. યે બાજુવાલે રૂમમે ઓમ સર રહેતે હેં. આપકો કિસી ચીઝકી જરૂરત પડે તો નીચે બતા દેના મુજે ઓર હા નીચે આઓ તબ આપકા એક પાસપોર્ટ સાઈઝકા ફોટો લેતે આના, રજીસ્ટરમેં લગાના બાકી હે” કહીને તે જતો રહ્યો. એવામાં બાથરૂમ માંથી એક છોકરો બહાર આવ્યો અને મને પૂછયું, “જી, આપ કોણ?”
“હાઈ જય, આઈ એમ ઋષિકેશ. યોર રૂમમેટ” મેં મારો પરિચય આપ્યો.
“હેલ્લો ઋષિકેશ, પણ...તને મારું નામ...?”
“આ વોચમેને કહ્યું” મેં તેનીસાથે હાથ મિલાવ્યો.
“ઓહ્હ...તો, ક્યાંથી છો?”
“હું રાજકોટથી અને તમે?” મેં પુછ્યું.
“હું ભાવનગરથી છું અને હા આ ‘તમે તમે’ રહેવા દે, સાથે રહેવાનું છે તો ફ્લેક્ષિબલ રહેવાનું. વધારે ઇઝી પડે.” તેને આંખ મીચકાવીને કહ્યું.
“ઓકે ઓકે...તો ક્યારે આઇવો આયા” મેં પૂછ્યું. મને થોડી હળવાસ અનુભવાઈ. તે પણ સૌરાષ્ટ્રથી જ હતો એટલે અમે કાઠીયાવાડી ભાષા માં જ બોલવા લાગ્યા.
“હું….. હજી કાલે જ આઇવો”
“અચ્છા, કેવું છે જમવાનું ને બધું?” મેં એક ટીપીકલ પ્રશ્ન પૂછ્યો જે લગભગ દરેક ગુજરાતી ગમે ત્યાં જાય ત્યારે પૂછતાં હોય છે.
“સારું છે. હજી તો નવું નવું છે ને!. સાંભળ, અત્યારે હું બા’ર જાઉં છું, રાત્રે ડિનરમાં મળીએ. ત્યાં સુધીમાં ઓમ પણ આવી જશે” બોલીને તે રૂમની બહાર નીકળી ગયો. હું મારો સામાન ખોલીને કબાટમાં ગોઠવી રહ્યો હતો ત્યાં જ મારો ફોન વાગ્યો. તે ફોન મારી કોલેજમેટ સોનિયાનો હતો.
“હાઈ ઋષિ, કેમ છે?” ફોન ઉઠાવતા જ સામેથી અવાજ આવ્યો.
“ઓહ્હ...હાઈ સોનિયા, આઈ એમ ફાઈન. તને કેમ છે?” મેં પૂછ્યું.
“કઈ જ નવું નથી. એટલીસ્ટ તારા જેવું તો નહિ જ” તેની આદત મુજબ તેને મને પજવવાનું શરુ કર્યું.
“કમોન સોનિયા. એટલીસ્ટ આજે તો રેવા દે” મેં કહ્યું. તે વડોદરા શહેરથી હતી અને શુદ્ધ ગુજરાતી બોલતી હતી એટલે એની સાથે મારે પણ શુદ્ધ ગુજરાતી ની આદત પડી ગઈ હતી, ફક્ત એની એક સાથે જ!
“હા હા હા...ચલ મને કહે કે તારૂ રહેવાનું કેવું છે? તારી કંપની કેવી છે? તે નવા મિત્રો બનાવ્યા? તે ગર્લફ્રેન્ડ બનાવી? નામ શું છે?” તેને મને એકીસાથે પાંચ પ્રશ્નો પૂછી નાખ્યા.
“અરે યાર હજી મને અહિયાં આવ્યા એને ચાર કલાક નથી થયા અને તું તો એવી વાત કરે છે જાણે હું અહિયાં મહિનાઓથી રહેતો હોય” મેં તેને રોકતા કહ્યું.
“સારું આરામ કર. મેં ખાલી પૂછવા જ ફોન કર્યો તો” તે બોલી.
"ઓકે...થેન્ક્સ ફોર કોલિંગ”
“બાય” તેને કહ્યું. મેં પણ બાય કહીને ફોન મૂકી દીધો અને પછી મારો સામાન અનપેક કરવાનું ચાલુ કર્યું. રાત્રે આશરે નવેક વાગ્યે જય રૂમ પર આવ્યો અને મને જમવા માટે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કેન્ટીનમાં લઇ ગયો. ત્યાં એક ખૂણામાં છ ખૂરશીઓ વાળા ટેબલ પર ચાર છોકરાઓ બેઠા હતા. હું અને જય પણ તેઓની સાથે જોડાઈ ગયા.
“કા એલાવ, જાપટી લીધું કે બાકી?” જયે પૂછ્યું.
“બાકી બાકી” એક બોલ્યો.
“શું બનાવ્યું એલા?” જયે તેને પૂછ્યું.
“તારા પ્રિય એવા કારેલાં” બીજો બોલ્યો.
“ઓ ભે.....દ” મેં પહેલીવાર જયના મૂખેથી સુરતની પ્રખ્યાત ગાળ સાંભળી.
“એલા તને તો હુરતી ગાળ આવડી ગઈ” પેલો બોલ્યો.
“તો શું લા... આ આ બે દી થયા કરેલા ને ઘીસોડા ને એવું જ બધું હાલે છે... બાય ધ વે આ ઋષિકેશ છે મારો રૂમ પાર્ટનર, રાજકોટ થી છે” જય બોલ્યો. મેં પણ પહેલા ક્યારેય કારેલાં કે ઘીસોડા ન’હતા ખાધા પણ હવે કદાચ આ બધું જીવનનો એક ભાગ બનવા જઈ રહ્યું હતું.
“અચ્છા...રોકેટ?” બીજાએ જયને પૂછ્યું.
“સહી પકડે હે” જય બોલ્યો અને બધા હસવા લાગ્યા. મને કઈ સમજાયું નહિ એટલે હું ચૂપ રહ્યો.
“એક્ચુલી અહી અમે ઝોનલ વાઈસ નામ પાળ્યા છે બધાના. આપડે સૌરાષ્ટ્ર વાળાને આ લોકો રોકેટ કહે છે, સુરતવાળાને લાલા, દીવ-દમણ વાળાને પીધરા વગેરે ” જયે મને કહ્યું અને મને પણ હસવું આવી ગયું.
“લોજીક લગાવીને કે એમ જ?” મેં પૂછ્યું.
“બધી વસ્તુમાં લોજીક થોડી હોય” તે બોલ્યો અને થાળી આવતા સીધો જ તેના પર અટેક કર્યો. જયે પછી બધા છોકરાઓની મારી સાથે ઓળખાણ કરાવી અને બધા પોતપોતાના શહેરની વાતો કરવા લાગ્યા, એમાનો એક ઓમ હતો. પોતાના કેમ્પસ ઈન્ટરવ્યું ના અનુભવ વિશે, કઈ કોલેજમાંથી ભણેલા છે વગેરે વગેરે વાતો થવા લાગી. આશરે અડધાએક કલાક પછી અમે જમવાનું પતાવીને કેન્ટીનમાંથી છુટા પડ્યા.
“આપણે રૂમમાં જાવું છે કે આંટો મારવા બા’ર?” જયે મને પૂછ્યું.
“નાં, બા’ર નઈ જાવું મારે આજે. તું જા, હું રૂમમાં જાવ છું” મેં કહ્યું અને તે રૂમમાં જતો રહ્યો. મેં મારા ઘરે એટલે કે “માં” ને ફોન કર્યો.
“હેલ્લો માં”
“હા બેટા, કેમ છે?” સામેથી માં નો અવાજ આવ્યો.
“સારું છે માં, તમને કેમ છે?”
“મનેય સારું છે બેટા. તું ટાઈમે પહોચી ગયો’તો ને? રસ્તામાં કઈ તકલીફ નો’તી પડી ને? સ્ટેશનથી રીક્ષા મળી ગઈ’તી ને? તે જમી લીધું? રહેવાની વ્યવસ્થા કેવી છે?” માં એ એકસાથે ઢગલાબંધ પ્રશ્નો પૂછી નાખ્યા, મારા એકેય જવાબની રાહ જોયા વગર!
“બધું બરાબર છે માં અને મેં જમી લીધું છે” મેં એમને અટકાવ્યા અને ટૂંકમાં જવાબ આપ્યા.
“સારું બેટા તું થાકી ગયો હોઈશ, અત્યારે આરામ કરી લે આપણે કાલે વાત કરીશું” તેમણે કહ્યું.
“ભલે માં, હું કાલે ફોન કરું” કહીને મેં ફોન મૂક્યો અને રૂમ માં ગયો. ખૂબ જ થાકી ગયો હતો એટલે બેડ પર સુવા માટે પડ્યો. જય કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો. જે રીતે એ વાત કરી રહ્યો હતો એ પરથી એવું લાગતું હતું કે કા’તો તે તેની ગર્લફ્રેન્ડ હતી અને કા’તો તેની ફિયાન્સી. આશરે અડધા કલાક પછી તેને ફોન મૂક્યો અને મારી સામે જોયું.
“ફિયાન્સી?” મેં પૂછ્યું.
“નાં ભાઈ, ગર્લફ્રેન્ડ. આ ઉમંરમાં લગન કરીને મારે શું મરવું છે?” તે બોલ્યો અને અમે હસવા લાગ્યા. હું બેડ પર સુવા પડ્યો અને વિચારતો વિચારતો ભૂતકાળમાં સરી પડ્યો. યાદ આવ્યા એ દિવસો જયારે ફિલ્મો બનાવવાના સપના એકદમ ચરમસીમા પર હતા પરંતુ ફિલ્મજગત વિશે કોઈ જ માહિતી ન હતી. ફિલ્મો બનાવવાની ઘેલછા હતી પરંતુ કેમ બને એના વિશે કોઈ જ ખ્યાલ ન’હતો. જ્યાં પણ શૂટિંગ ચાલતું દેખાય એટલે ત્યાં દોડી જવાનું. જેકી ચેનની ફિલ્મોમાં ફિલ્મ પૂરી થયા પછી ફિલ્મના સીન્સ કેમ શૂટ થયા તે નીરખી નીરખીને જોવાનું. થીએટરમાં ફિલ્મ ચાલુ થયા પહેલા અને પૂરી થયા પછી આખી જ ટીમના નામ વાંચવાના. છાપામાં ફિલ્મો બનાવતી વખતે બનેલા કિસ્સાઓના તમામ આર્ટીકલો વાંચવાના. મેં હંમેશાથી જ એવું સાંભળ્યું હતું કે એકવાર તમે નોકરીએ લાગી જાઓ પછી તમે બીજું કાઈ જ ન કરી શકો. ફિલ્મો બનાવવાના કેરિયરના સપના સેવ્યા હતા ક્યારેક અને આજે કેરિયરનું મૂહર્ત જ નોકરીથી કર્યું હતું!
ક્રમશ: ભાગ ૪ માં...
અને હા આપને “ફર્સ્ટ હાફ” અત્યાર સુધી કેવી લાગી એ મને મોબાઈલ/whatsapp ૯૨૨૮૫ ૯૫૨૯૦ પર જરૂર થી જણાવજો.