Ae kya gai in Gujarati Short Stories by Tarulata Mehta books and stories PDF | એ ક્યાં ગઈ

Featured Books
Categories
Share

એ ક્યાં ગઈ

મિત્રો,

ઘરના વિવિઘ ચહેરા, નીતનવીન સ્વરૂપો મને મોહ પમાડે છે. તેથી જ લાંબા સમય સુઘી એક જ ઘરમાં રહેવા છતાં 'સ્વીટ હોમ' કહીએ છીએ. ઘરમાંથી એક પછી એક સ્વજન કામ ઘન્ઘે કે બીજા નિમિત્તે જાય છે, ઘરની યાદો કદી છૂટતી નથી, ઘરથી સ્વજન દૂર ગયો એમ ભલે હોય પણ ઘર અચલ, શાંત રાહ જોયા કરે છે. ઘર ઝૂર્યા કરે છે. જે ઘરમાં પા પા પગલી ભરી, પાવ રે પાવ કર્યું, સંતાકુકડી રમ્યા, ભાઈની પાછળ દોદોડાદોડી કરી, બા નો પાલવ ખેચી જીદ કરી તે ઘર સ્વજન બની ગયુ. આવા ઘરની માયા કેમ છૂટે ? અને ઘર પણ એની માયાની અદશ્ય દોરીથી અતિ વહાલા સ્વજનને બાંધી રાખે છે. એક ઘર માટે ઝૂરતી નારીની વાર્તા રજૂ કરું છુ.

'એ ક્યાં ગઈ ?'

તરુલતા મહેતા

હવેલીમાં ભાગદોડ, ધમાલ મચી છે. મોટીબા વરંડાની ખુરશીમાં લાકડી લઈ બેઠેલાં છે . તેમના હુકમો અને લાકડીના ઠકઠકારાથી નોકરો ચાર પગે દોડતા ઉપરના માળે જાય છે. બહારની અગાશીની લાઈટો કરી જુએ છે તો સવારે વડોદરા ગયેલી જાનની બસ હવેલીના દરવાજે ઊભી હતી. ગુલાબના હારથી શોભતા વર-વહુને આવકારવા સૌ હવેલીના દરવાજે દોડ્યા. નાનકડી નવોઢા મો---ટી હવેલીને જોતી જ રહી ગઈ !

વલસાડના સ્ટેશન રોડ પર મનુબાની હવેલીનો વટ હતો. આજે મોટા દીકરા મોહનના લગ્ન પ્રંસગે હવેલી ને નવવધૂ જેવી શણગારવામાં આવી છે. ચારે કોર દીવા ઝળહળતા હતા. દરવાજે આસોપાલવના તોરણો ઝૂલતા હતા.

'આ આપણું ઘર સરલા, ચાલ મોટીબા રાહ જોઈને બેઠાં છે . '

હવેલીને માથું ઊંચું કરી જોતી નવી નવેલી વહુ ધુંધટને સંભાળી શકી નહીં પતિની નજર પડતા લજામણીની વેલ થઈ ગઈ. સરલાનું વિસ્મય અને ભોળપણ વરને ગમી ગયું.

મનમાં સરલા અધધ આવડી મોટી હવેલીની હું વહુ? હરખઘેલી થઈ.

એની પિયેરની બહેનપણીને કહેવાનું મન થઈ ગયું કે અલી, જો તો ખરી પેલી વાર્તાની હવેલી જેવી સાચુકડું મારુ ઘર !

વર્ષો પછી સરલા તાળું લટકતા હવેલીના દરવાજે બૂમો પાડે છે:

'મારું ઘર છે, કોઈ ખોલો .. મારું ઘર છે મને કેમ રોકો છો ?'

વલસાડના સ્ટેશનથી ઊતરી સીઘા રોડ પર ચાલતા જાવ કે વાહનમાં જાવ તમને સીલબંઘ દરવાજાની પાછળ એક હવેલી જેવું પીળા રંગનું બે માળનું ઘર દેખાશે, એ ઘરની લાલ ફ્રેમની બારી અને બારણા પરની ઘૂળ, કરોળિયાના જાળા અને કબૂતરની અઘારથી તમને સૂગ આવશે, બીજા માળના ખૂલ્લા વરંડામાં તૂટેલી હાલતમાં હીંચકો ખેતરના ચાડિયા જેવોપવનમાં હાલ્યા કરતો જોઈ તમને દુઃખ થશે, એવું બને કે ઘરના વરંડામાં હીંચકો ઝૂલાવવાનું તમારું સપનું હજી પૂરું થયું નહોતું બાપની મિલકત માની રીતસર હૂપ હૂપ કરતાવાંદરા જોઈ તમને ભગાડવાનું મન થઈ જશે. તમે ચાલતા હો તો ઘરના કમ્પાઉડના

ખૂણે બીડી ફૂકતા ચોકીદારને બોલાવવાનો વિચાર કરતા ઊભા રહો, કદાચ માથું ખંજવાળી રહ્યા છો ત્યાં એક ખાનદાન સન્નારી દરવાજે ઊભી રહે છે. જાણે એનું જ ઘર છે, પણ લાંબા સમય પછી આવી હશે તેથી વિમાસણમાં પડેલી દેખાય છે. તમે ગામમાં નવા એટલે સીઘા રોડથી આગળ નીકળી ગયા. તમે અનુમાન કર્યું હશે કે પેલી સન્નારી ઘરમાં ગઈ હશે. પણ જો તમારું અનુમાન સાચું હોત તો આ વાર્તા ન લખાત એ ઘર ભાઈઓના ઝઘડામાં આ જ હાલતમાં ઘણા સમયથી દેખાય છે, કેટલાં વર્ષો ઘરની હાલત માલિક વગરની રહેશે કોઈ જાણતું નથી. માલિકણ દરવાજે રાહ જોયા જ કરે છે, શું તેણે પ્રતીક્ષાવ્રત લીધુ હશે?

રોડ પરની દુકાનમાં આવેલો ઘરાક અને વેપારી વાત કરતા હતા. ઘરાક 'આ બાઈ ત્યાં ઊભી રહી શું કરે છે? એની ચાવી ખોવાઈ ગઈ છે?'

વેપારી કહે, 'ચાવી હોય તો ગુમ થાય ને! જવા દો ને વાત રોજની રામાયણ છે. આખી બપોર દરવાજેથી બૂમો પાડયા કરશે'કોઈ ખોલો દરવાજો ખોલો, મારે બારીઓ, બારણાઓ ચોખ્ખા કરવા છે, કચરો વાળવો છે, અરે, સાંભળે છે કે પેલા વાંદરાને તો કાઢો. '

ઘરાક પૂછે છે, 'ચોકીદાર દરવાજો કેમ ખોલતો નથી?'

વેપારી કહે છે, 'તે ક્યાંથી ખોલે? પાંચ વર્ષ પહેલાં જુદી વાત હતી, એનું ઘર હતુંએના કુટુંબ સાથે મઝેથી રહેતી હતી. હવે કોર્ટનું સીલ વાગી ગયું છે. કેસનો નિકાલ ન આવેત્યાં સુધી કોઇથી અંદર દાખલ થવાય નહિ, ત્યાં સુઘી ઘર ખંડેર પડી રહેવાનું. '

હવેલીની સામેની ફર્નિચરની દુકાન વેપારી સોમચંદની છે. એ ત્રીસ વર્ષોથી ઘન્ઘો કરે છે. સ્ટેશનરોડ એટલે પરગામના અને ગામના ઘરાકો ફર્નીચર ખરીદવા આવ્યા કરે. સોમચંદ દુકાનની બહાર આવી ભાવથી બોલ્યા, 'સરલાબેન, તાપ છે, દુકાનમાં આવો આમ ને આમ સાંજ સુધી થાકી જશો. આપણે

તો પાડોશી, તમે ઘરમાં રહેતાં હતાં ત્યારે ઠંડું પાણી મારી દુકાને મોકલતા, મોહનભાઈ હતા ત્યારે રોજ દુકાને આવતા. '

સરલાબેને સાડલાની ધૂળ ઉડાડી, ચંપલ બહાર કાઢી દુકાનમાં આવ્યાં, બોલ્યાં 'ભાઈ, મને ગંદકી ના ગમે. '

સોમચંદ બોલ્યા, 'દુકાનમાં બધાં જૂતા સાથે આવે છે, હવે બઘા મોર્ડન થઈ ગયાં, જૂતા વગર એમને ન ચાલે'

સોમચંદે બે ચાનો ઓર્ડર આપ્યો, પછી બોલ્યા, 'સાભળ્યું કે તમે મોટી દીકરીને ત્યાં અમેરિકા જવાના છો, આ ઘરના કકળાટમાંથી

છુટો, 'દેખવું ય નહિ ને દાઝવું ય નહિ '

સરલા પાલવથી આંખો લુછતા બોલી, 'ભાઈ, આ ઘર ગયું ત્યારની કાયમની દાઝી ગઈ છું, નથી ખાવાનું મન થતું કે રાત્રે ઊઘ આવતી, પથારીમાં જેવું ઓશિકા પર માથું મુકું એટલે હવેલીના બારી -બારણા ખૂલી જાય અને ને હવામાં એવાં ભટકાય કે સફાળી ઊભી થઈ જાઉં, વલસાડ આખામાં તિથલના દરિયાના પાણી કંઈ ઊમટે કે જોવાય નહિ, તેમાં હવેલીના ખૂલ્લા બારણેથી હુડ હુડ કરતા ઘૂસી જતાં પાણી કાળોકેર વર્તાવે '

સોમચદે ચાનો કપ સરલાને આપ્યો, બોલ્યા, 'સરલાબેન મન મજબૂત રાખો, આ બઘી તમને ભ્રમણા થાય છે. કેસનો ચૂકાદો આવી જશે. બહેન હવે આપણે પાકું પાન કહેવાઈએ, મેં દીકરાને ઘણું સોંપી દીઘું છે, તમેય ઘરની માયા છોડી દો, આ હવેલી ભંગાર થઈ ગઈ રહેવા લાયક રહી નથી. '

સરલા બોલી, 'આ તમારી પાસે હેયાવરાળ કાઢી, બાકી મારા બળાપાથી છોકરો વહુ કંટાળી ગયાં છે. ચાલીશ વર્ષો જે ઘરમાં સાફસૂફી કરી, રસોઈપાણી કર્યા, સઉને જમાડ્યાં, દીકરાને પરણાવ્યો તે બધું કેમ વિસારું ?છેવટે તમારા ભૈબંઘના છેલ્લા શ્વાસ---હજી હવેલીમાં ઘૂમરાતા હશે! એક વાર હવેલીમાં જઈ એમની બેસવાની આરામખુરશી અને માળા લઈ આવું તો મને ચેન પડે. '

સરલાની વાત સાંભળી સોમચદ પણ ખિન્ન થયા, તેમણે સહાનુભુતિથી કહ્યું, 'હા, એ આરામખુરશી મોહનભાઈ હોંશથી મારી દુકાનેથી જ લઈ ગયા હતા, ભોળા દિલના અને હસમુખા હતા. '

સરલા યાદ કરી બોલી 'હું નવી સાસરે આવેલી ત્યારે હવેલી જોઇને છક થઈ ગઈ હતી, પછીના વર્ષે પારણું તમારે ત્યાંથી લઈ ગયેલાં, '

'તમને બધું યાદ છે. 'સોમચંદ બોલ્યા

સરલા હવેલી તરફ જોઈ રહી છે, કોઈ એના કાનમાં ઝીણીઝીણી વાત કરતું હતું, તેને થયું આ ઘર વણપૂજ્યા માતાજીના મંદિર જેવું છે, સાફસૂફી માટે રાહ જોતું હશે, તુલસીનો છોડ પાણી વગર સૂકાય છે, કીડી, મકોડા ઘરને ચટકા ભરતા હશે, ઉઘયથી કોરાતું હશે.

તે ખાલી ખાલી, દીવા બત્તી વગરનું અંઘારામાં કેવું હીજરાતું હશે. મારી યાદો કાંટા જેવી તેને વાગતી હશે!' મને તો સૂનું સૂનું ઘર ડૂસકા ભરતું સભળાય છે'. સરલા સોમચંદની દુકાનમાંથી જાણે ઓગળી ગઈ!!

સોમચંદ આંખો ચોળતા દુકાનને ઓટલે આવી ગયા, હવેલીના બારણાં

ખૂલ્લાં હતાં, લાઈટો થયેલી હતી, સરલા બીજા માળના વરંડામાં હિચકે ઝૂલતી હતી. સોમચંદ દુકાનને તાળું વાસી સીઘા રોડ ઉપર જતા જતા સરલાનો વિચાર કરતા હતા, 'સરલા હવેલીમાં ક્યાંથી જતી રહી! '

***

બીજે દિવસે સવારે નિત્યક્રમ મુજબ સોમચદ પોતાની દુકાન ખોલતા હતા. શોરબકોરથી તેમનું ધ્યાન ખેંચાયું. લોકોનું ટોળું હટાવતા પોલીસ આવી પહોંચ્યા :

હવેલીકા તાલા કિસને ખોલા ? પકડો સા .. દારુકી પાર્ટી કરનેકો તાલા તોડા હોગા ..

ચોકીદાર થરથર ધ્રજતો હતો, જીભ થોથવાતી હતી :

'સાહેબ, રાતકો મેં ચોકી કરતા રહા, કિસીકો નહીં દેખા . '

'અરે, જુઓ હીંચકા પર કોઈ છે !'

પોલીસે લાકડી ઉગામી પણ કોઈ સ્ત્રીને જોઈ પાછો હટી ગયો. સૂકા ઘાસના તણખલા જેવા ખૂલ્લા હવામાં ઉડતા વાળ, બહાર લટકતી ભૂરી જીભ, સફેદ કોડી જેવી આંખો, જે કોઈ જોવા આવતું તે આંખો બંધ કરી ત્યાંજ ધબ લઇ પડી જતું. ધબ .. ધબ .. ધબાક

ના એ હવેલી વેચાય છે, ના એની કોઈ મરામત થાય છે ! બસ રાતના સુનકારમાં હીચકાનો કિચૂડ . કિચૂડનો અવાજ 'નાઇટમેર ' જેવો ભયની કંપારી આપ્યા કરે છે.

તરુલતા મહેતા

'કોઈ પણ કારણ વગર જવાય તેવું એક ઘર મળે '(માધવઃ રામાનુજ )