Devil - EK Shaitan -33 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ એક શૈતાન-૩૩

Featured Books
Categories
Share

ડેવિલ એક શૈતાન-૩૩

ડેવિલ : એક શૈતાન

ભાગ-૩૩

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-ડેવિલ અર્જુન ને મારી નાંખવાનો પ્રયાસ કરે છે પણ એમાં અસફળ જાય છે-ડેવિલ પોતાની અર્જુન સાથે જૂની દુશમની ની વાત જણાવે છે-બિરવા નું બ્રેઇન વોશ કરી ડેવિલ એના દ્વારા પીનલ નું કિડનેપ કરાવે છે-ખૂટતી કડી ઓ જોડતાં માલુમ પડે છે કે ડોકટર આર્યા જ ડેવિલ હોય છે-પીનલ પર છેલ્લે આવેલા કોલ ની તપાસ માટે અર્જુન નીકળે છે-હવે વાંચો આગળ...

સાંઈબાબા મંદિર થી ડાબી બાજુ ના રોડ પર થોડે દુર આવેલી પોસ્ટ ઓફીસ ની પાછળ આવેલા સ્વસ્તિક બંગલો ની તરફ અર્જુન પોતાની જીપ ને પુરપાટ ઝડપે ભગાવી ને લઈ જાય છે.નાયક અને જાવેદ પણ અત્યારે અર્જુન ની સાથે હોય છે.

હરેશભાઈ દેસાઈ ના ઘર નું સરનામું અર્જુન કઈ રીતે જાણતો હતો? એ હજુ પણ નાયક અને જાવેદ માટે એક મોટો સવાલ જ હતો.સ્વસ્તિક બંગલો માં અલગ અલગ ચાર વિભાગ હતા.A,B,C, અને D.. જમણી તરફ આવેલા B બંગલો ની લાઇન માં બંગલા નમ્બર આઠ જોડે લાવીને અર્જુને જીપ ની બ્રેક કરી ઉભી રાખી.

અર્જુન જીપ માં થી નીચે ઉતર્યો અને બંગલા નમ્બર આઠ ની ડોરબેલ ની સ્વિચ દબાવી.નાયક અને જાવેદ પણ અર્જુન ની સાથે સાથે નીચે ઉતરીને બંગલા ના મેઈન ગેટ સુધી આવ્યા.દરવાજો ખોલવામાં થઈ રહેલો વિલંબ અર્જુન ની બેચેની અને ગુસ્સા ને વધારી રહ્યો હતો.

બે મિનિટ પછી એક પચાસ વર્ષ ના ગૃહિણી એ દરવાજો ખોલ્યો અને અર્જુન ની સામે જોઈ ને આશ્ચર્ય થી પૂછ્યું"કેમ બેટા અર્જુન આજે કેમ અચાનક?"

"મારે અંકલ નું કામ છે..."અર્જુને સીધી મુળ વાત કરી.

"તારા અંકલ અને હું જમવા બેઠા હતાં એટલે દરવાજો ખોલવામાં વાર થઈ આવ અંદર..અમે જમી જ રહ્યા છીએ" વિનય અને માન પૂર્વક એ મહિલા એ કહ્યું.એમની વાતો પર થી નાયક અને જાવેદ સમજી ગયા કે અર્જુન આ લોકો ને સારી રીતે ઓળખે છે.

"કોણ છે હરેશભાઈ દેસાઈ..?અને પીનલ ના કિડનેપ સાથે એમને શું સંબંધ?"એ વિચાર કરતાં નાયક અને જાવેદ ઘર માં પ્રવેશ્યાં.

ઘર ના મુખ્ય હોલ ની દીવાલ પર રાખેલી વિશાળ ફોટોફ્રેમ જોઈ બંને સમજી ગયા કે અર્જુન કઈ રીતે આ લોકો ને ઓળખતો હતો.હકીકત માં હરેશભાઈ દેસાઈ બીજું કોઈ નહીં પણ બિરવા ના પિતાજી હતા અને દરવાજો ખોલનાર મહિલા બિરવા ના માતૃશ્રી ગાયત્રીબેન.

"આવ આવ દીકરા..બેસ અહીં.."નેપકીન વડે ભીના હાથ લૂછતાં લૂછતાં હરેશભાઈ એ અર્જુન ની તરફ જોઈને કહ્યું.

"હું અહીં બેસવા નથી આવ્યો પણ મારી પીનલ ક્યાં છે એ જાણવા આવ્યો છું"અર્જુન ના અવાજ માં ભારેપણું હતું.

"અરે બેટા મને ક્યાં થી ખબર હોય તારી પીનલ ક્યાં છે..અને શું થયું છે પીનલ ને..?"હરેશભાઈ એ નરમાશથી કહ્યું.

"એક વડીલ તરીકે તમારું માન સાચવું ત્યાં સુધી સારું છે..બાકી સાચી વાત કઈ રીતે કઢાવવી એ મને આવડે છે"અર્જુન અત્યારે આવેશ માં બોલી રહ્યો હતો.

"અરે પણ દીકરા થયું છે શું..તારી પીનલ ક્યાં છે એની અમને થોડી ખબર હોય..અને તારા અંકલ પર આમ શક કરી ગુસ્સો કરવાનું કોઈ કારણ?"ગાયત્રીબેન શાંત અવાજે બોલ્યા.

"કારણ પણ છે અને સબૂત પણ છે..મારી પીનલ કાલે સાંજ થી ગાયબ છે અને એના નમ્બર પર આવેલો છેલ્લો કોલ તમારા હસબંડ હરીશભાઈ દેસાઈ નો હતો,એ કોલ આવ્યા પછી જ પીનલ ગુમ છે"અર્જુન નો અવાજ પીનલ વિશે વિચારી થોડો નરમ થઈ ગયો.

"જો બેટા મેં પીનલ ને કોઈ કોલ કર્યો નથી..છતાંપણ તને એવું લાગતું હોય તો તું તારી રીતે તપાસ કરી શકે છે..પણ એ જણાવીશ પીનલ પર કયા નમ્બર પર થી કોલ આવ્યો હતો..?"હરેશભાઈ ના અવાજ માં એક સ્વસ્થતા અને શાંતી જણાતી હતી.

અર્જુને પીનલ પર આવેલા છેલ્લા કોલ ની ડિટેઈલ હરેશભાઈ ને બતાવી એને જોઈ હરેશભાઈ બોલ્યા.."હા બેટા તું ખોટું તો નથી બોલી રહ્યો પણ મને ખબર નથી કે આ નમ્બર મારા નામે કઈ રીતે રજીસ્ટર છે..ફોટો આઈડી વાળું આધારકાર્ડ નું ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો તો મારો છે પણ આ સીમકાર્ડ ની ખરીદી મેં નથી કરી"

"અંકલ હજુ પણ સમય છે સાચું બોલી જાઓ, નહીં તો અમારા સાહેબ નો ગુસ્સો તમને ખબર નથી"નાયકે કહ્યું.

"અરે હું કંઈ જાણતો નથી આ બધું શુ થઈ રહ્યું છે..અર્જુન મારા દીકરા જેવો છે એની પત્ની નું કિડનેપ કરાવી મારો શું ફાયદો..તું જ વિચાર અર્જુન મને પીનલ નું કિડનેપ કરવામાં કોઈની મદદ કરી કોઈ લાભ ખરો"અર્જુન સામે જોઈ હરેશભાઈ એ કહ્યું.

હરેશભાઈ ની આંખો માં સત્ય દેખાઈ રહ્યું હતું..એ સાચું બોલી રહ્યાં હતાં એવું અર્જુન ને લાગ્યું..તો પછી કોણ હતું એ જેને પીનલ નું કિડનેપ કરવામાં ડેવિલ ની મદદ કરી અને કેમ?..એમાં પણ હરેશભાઈ ના ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી સીમકાર્ડ લેવાનું કોઈ ખાસ કારણ..કેટલાય પ્રશ્નો હતા જેના જવાબ અર્જુન ને હજુ શોધવાના હતા.

"સોરી અંકલ..મને લાગે છે કોઈએ તમારા ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી ડમી સીમકાર્ડ લઈ પીનલ ને કોલ કર્યો હશે.. હું ગુસ્સા માં કંઈપણ વધુ બોલી ગયો હોઉં તો બાળક સમજી માફ કરજો.."અર્જુને હાથ જોડી કહ્યું.

"દીકરા હું વડીલ છું તારો અને તારા પ્રત્યે કોઈ મન માં ગુસ્સો હોય જ નહીં..તું બહુ ટેંશન માં લાગે છે..થોડો ટાઈમ બેસ તારા આંટી મસ્ત શરબત પીવડાવે.."એમ કહી હરેશભાઇ એ ગાયત્રીબેન ને શરબત બનાવવા કહ્યું.

અર્જુને આંખ ના ઈશારા થી નાયક અને જાવેદ ને બેસવા માટે કહ્યું.થોડીવાર માં ગાયત્રીબેન શરબત બનાવી લેતાં આવ્યા..શરબત પીને અર્જુન ત્યાં થી રજા લઈ હતાશ થઈને બહાર નીકળવા જતો હતો ત્યાં એના મગજ માં એક ઝબકારો થતાં.. દરવાજા તરફ જતા કદમ અટકાવી ને હરેશભાઈ ની પાસે આવ્યો અને બોલ્યો..."અંકલ બિરવા ક્યાં છે..?"

"બિરવા ની તો ખબર નહીં ક્યાં હશે..જમવા ના ટાઈમે પણ નથી આવતી...બે દિવસ થી તો શું કરે છે એની ખબર જ નથી પડતી..એના વર્તન માં પણ ઘણો ફરક પડી ગયો છે દીકરા..ના કોઈના જોડે બોલવું..ના ટાઈમે જમવું..ખબર નહીં શું વિચારે છે.."ગાયત્રીબેને અર્જુન ના સવાલ નો જવાબ આપ્યો.

"સારું આતો બિરવા ને જોઈ નહીં એટલે પુછ્યું... નો પ્રોબ્લેમ.. ચલો ત્યારે હું નીકળું"

આટલું કહી અર્જુન બિરવા ના ઘરે થી નીકળી ગયો અને જાવેદ અને નાયક સાથે બહાર પાર્ક કરેલી જીપ માં બેઠો અને જાવેદ અને નાયક ને થોડા સુચનો આપી ત્યાં થી પોલીસ સ્ટેશન જવા કહ્યું. અર્જુન નું અહીં રોકાઈ જવું નાયક ને અજુગતું તો લાગ્યું પણ અર્જુન ને અત્યારે સવાલ કરવો ઉચિત ના લાગતાં બંને ત્યાંથી નીકળી ને પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયા.

***

બિરવા ના ઘર ની બહાર અર્જુન છુપાઈ ને લગભગ બે કલાક સુધી બેસી રહ્યો.સાંજ ના ચાર વાગવા આવ્યા હતા..અર્જુન ની નજર અત્યારે રસ્તા પર મંડાયેલી હતી..એ રાહ જોતો હતો બિરવા ની..બિરવા એના શક ના દાયરા માં આવી ગઈ હતી પણ બિરવા ના હજુ સુધી નહીં આવવાના કારણે અર્જુન ને હજુ સુધી પીનલ સુધી પહોંચવા નો કોઈ રસ્તો મળ્યો નહોતો..હા એ એવા તારણ પર ચોક્કસ આવ્યો હતો કે અહીં ઉભું રહેવું વ્યર્થ નહીં જ જાય.

આ તરફ ડેવિલ હાઉસ માં ડોકટર આર્યા એ સાંજે પીનલ ના જીવિત શરીર માં કેમિકલ દાખલ કર્યા બાદ એની આત્મા ને પોતાના વશ માં કરી પીશાચ કૃત્યો કરાવવા તૈયાર કરવા માટે ની વિધિ માટે ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

હોલ ના મધ્ય ભાગ માં એક વિશાળ વર્તુળ બનાવાયું હતું..વર્તુળ ની ફરતે સત્તાવીસ ત્રિકોણ ની ડિઝાઇન હતી જે જુદા જુદા સત્તાવીસ નક્ષત્રો ની નિશાની સમાન હતી.વર્તુળ ને દોરવા માટે રાખ અને કંકુ નો ઉપયોગ કરાયો હતો..વર્તુળ ના બાર સરખા ભાગ કરી દરેક માં એક કળશ રાખવામાં આવ્યો હતો..જેમાં જુદા જુદા બાર પ્રકાર ના પ્રાણી અને પક્ષી ઓ ના રક્ત ભરેલા હતા.

મધ્ય ભાગ માં એક આસન હતું જ્યાં ડોકટર આર્યા બેસવાના હતા..આખા ઘર ને ચારેબાજુ થી બંધ કરાયું હતું..કોઈ આવવાની શક્યતા નહિવત હતી.પીનલ અત્યારે બેભાન અવસ્થામાં લોખંડ ના સ્ટ્રેચર પર સાંકળો થી બંધાયેલી હાલત માં હતી..કેમકે જ્યારે કેમિકલ એના શરીર માં દાખલ કરાશે ત્યારે ઉત્તપન્ન થતી પારાવાર પીડા નું દર્દ હદ બહાર નું હશે.. જે પીનલ સહી નહીં શકે એટલે એને કન્ટ્રોલ માં રાખવી જરૂરી હતી.

હજુ ત્રણ કલાક જેટલો સમય બાકી હતો પીનલ ના શરીર માં દાખલ કરવા માટે ના કેમિકલ ને તૈયાર કરવા માટે પણ દુષ્ટ આસુરી શક્તિઓ નું આહવાન કરી એમને ડેવિલ હાઉસ માં બોલાવવી જરૂરી હતી.એના માટે ઘણો સમય લાગી જાય એ ડોકટર આર્યા જાણતાં હતા..એટલે અત્યાર થી જ આસુરી શક્તિઓ ને બોલાવવાની વિધિ ની શરૂવાત થઈ ગઈ હતી.

દુનિયા ના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો માં જેની ગણના થતી હતી એવા હંમેશા શૂટ બુટ માં રહેવા વાળા ડૉક્ટર આર્યા એક બ્રાહ્મણ ના વેશ માં વિધિ કરવા બેઠા હતા..આખા શરીરે ભભૂત લગાવી હતી અને કપાળ પર લોહી થી તિલક..વર્તુળ ની અંદર બનાવેલા આસન પર ડોકટર આર્યા એ સ્થાન ગ્રહણ કર્યું અને જોડે રહેલ એક નોટબુક માં થી વાંચી કંઈક મંત્ર જેવું ઉચ્ચારવાનું શરૂ કરી દીધું.

મંત્ર ની અસર નીચે આખા ડેવિલ હાઉસ માં જાણે પડછાયા ઉડતાં હોય એવું લાગવા લાગ્યું..ભયાનક ચિચિયારીઓ અને ચીસો ના અવાજ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું..ટૂંક સમય માં ડોકટર આર્યા પોતાની બુદ્ધિ ના જોરે કંઈક એવું કરવાનો હતો જે આખી દુનિયા ને દાંત વચ્ચે આંગળીઓ દબાવવા મજબૂર કરી મુકે.

બિરવા નું બ્રેઈન વોશ કરી એને પીનલ વિશે ઉશ્કેરી પીનલ નું કિડનેપ કરાવી એને પોતાના ડેવિલ હાઉસ માં લાવવાનું ષડયંત્ર તો પૂરું થઈ ગયું હતું..બસ હવે પીનલ ને શૈતાન બનાવી એ રાધાનગર શહેર માં લોહી ની નદીઓ વહેડવાવા માંગતો હતો..!!

ત્યાર બાદ ડેવિલ નું આગળ નું પગથીયું હતું પીનલ ને જાહેર માં અર્જુન ની નજરો સામે પોતાની શક્તિ વડે મોત ને ઘાટ ઉતારી દેવાનો હતો..એક કાંકરે ત્રણ પક્ષીઓ મારવાનો પેરફેક્ટ પ્લાન ડેવિલ એટલે કે ડોકટર આર્યા અંજામ આપવાની તૈયારી ચુક્યો હતો.

પીનલ નું શૈતાની રૂપ ભયાવહ બનાવની યોજના હતી એ પ્લાન નો પહેલો સ્ટેપ..પછી રાધાનગર ના લોકો વચ્ચે જાહેર માં પીનલ ના એ શૈતાની રૂપ નો ખાત્મો કરી પોતાની દુનિયાભર માં વાહ વાહ થઈ જાય એવી ડોકટર આર્યા ની ધારણા હતી.ત્યારબાદ અર્જુન પોતાની પત્ની શૈતાન હોવાનું જાણવા છતાં કોઈ કાર્યવાહી નહોતો કરતો એવું જુઠ્ઠાણું ફેલાવી અર્જુન ને બદનામ કરી મુકવાની યોજના હતી.

પીનલ ની મોત અને બદનામી નો બેવડો આઘાત આપી પોતાના દીકરા ની મોત નો બદલો લેવાની ડોકટર આર્યા ની માસ્ટર માઈન્ડ જેવી યોજના હતી.દુનિયા ભર માં પોતાની શક્તિ ની જ્યારે નોંધ લેવાશે ત્યારે ખોવાયેલી ઈજ્જત પાછી મળશે એ ગણતરી કરતાં કરતાં ડોકટર આર્યા વધુ મક્કમ મનોબળ થી શૈતાની વિધિ ના કાર્યકાંડ માં લાગી ગયો.

***

ડોકટર આર્યા ના તાબા નીચે પીનલ જોડે શું થવાનું હતું એ વાત થી અજાણ અર્જુન અત્યારે બિરવા ના આવવાની રાહ જોઈને અત્યારે બિરવા ના ઘર ની બહાર જ ઉભો હતો..જેમ જેમ સમય વીતતો જતો એમ એમ અર્જુન ની ચીંતા માં વધારો થઈ રહ્યો હતો.

અચાનક એક એક્ટિવા આવતું જોઈને અર્જુન સજાગ થઈ ગયો,થોડું નજીક એક્ટિવા આવતાં એ લઈને આવનાર બિરવા જ હતી એ અર્જુન સમજી ગયો..બિરવા એક્ટિવા પાર્ક કરીને ઘર માં ગઈ એવો જ અર્જુન બિરવા ના ઘર ના બારણે જઈને ઉભો રહ્યો અને અંદર થતી વાતચીત કરવા માટે કાન સરવા કરી દીધા.

જ્યારે અર્જુને બિરવા ક્યાં છે એવો સવાલ હરેશભાઈ ને કર્યો ત્યારે એના પ્રત્યુત્તર માં બિરવા ના બદલાયેલા વ્યવહાર વિશે જ્યારે ગાયત્રીબેન જણાવતાં હતા ત્યારે હરેશભાઈ એ ડોકું ધુણાવી એમને ચુપ રહેવા કહ્યું એ વાત અર્જુન ના ધ્યાન માં આવી ગઈ હતી.

હરેશભાઈ કંઈક તો જાણતાં હતા..પણ શું??એ સવાલ નો જવાબ બિરવા આવે ત્યારે જ મળશે એ વાત ની ખાત્રી અર્જુન ને થતાં એને ત્યાં રોકાઈ જવું જ ઉચિત સમજ્યું.!!

***

આખરે અર્જુન પોતાની પત્ની પીનલ ને સહીસલામત બચાવી શકશે? બિરવા અર્જુન ની મદદ કરશે? ડેવિલ નો પ્લાન સફળ થશે કે કેમ ? શું આવશે આ નવલકથા નો અંત? જાણવા માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે.

મિત્રો આપના પ્રેમ અને સહકાર વગર આટલું આગળ વધવું શક્ય તો નહોતું જ..આપ સૌનો ખુબ ખુબ આભાર..ઘણા વાંચક મિત્રો ના whatsup પર મેસેજ આવે છે અને લખાણ ના વખાણ કરે ત્યારે ઘણું સારું લાગે છે..આપ સૌ માટે ટૂંક સમય માં લાવું છું એક સુંદર પણ અસામાન્ય લવસ્ટોરી "મેરે રસકે કવર"..આ નોવેલ અંગે આપના અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો.

ઓથર:- જતીન. આર. પટેલ