28મી ઑક્ટોબરની સવારે ઝાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ડાભી આવી પહોંચ્યા હતા. તેમણે ઉત્સાહથી કહ્યું, “સર્ચ વૉરન્ટ તૈયાર છે.”
“લેટ્સ ગો.” ઝાલાનો આદેશ થતા મોટો પોલીસ કાફલો બલર બંગલે ત્રાટક્યો.
તેમણે બંગલોના દરેક રૂમની ઝડતી લેવાનું શરૂ કર્યું. નીચેના માળે મહેન્દ્રભાઈ-મુક્તાબેનનો બેડરૂમ, વરુણનો બેડરૂમ, લાઇબ્રેરી, રસોડું, ઉપર આરવી તથા મનીષાબેન રોકાયા હતા તે ગેસ્ટ રૂમ, લલિત-અભિલાષાના બેડરૂમ અને નિખિલના રૂમમાં અલગ અલગ માણસો તપાસ કરવા લાગ્યા. એ સિવાય બંને દીવાનખંડ, રામુકાકાનો રૂમ અને સ્ટૉરરૂમની પણ ઝડતી લેવાવા લાગી.
જેમણે પોલીસ ટુકડીને સર્ચ કરતા જોઈ છે તેમને ખ્યાલ હશે કે તેઓ કેટલી ઉદ્ધતાઈથી કામ કરતા હોય છે. દરેક રૂમના સામાનને વેરવિખેર કરતા, વૉર્ડરોબમાં રહેલા કપડાંને જેમ તેમ ફંગોળતા, ગમે તે ફાઇલ કે નોટ-ચોપડાને ઉલટાવી-ઉથલાવી-ખોલી-તપાસી જેમ તેમ ફેંકી દેતા, આખા ઘરને અસ્તવ્યસ્ત કરતા સૌ ‘કંઈક’ શોધવામાં વ્યસ્ત બન્યા.
લલિત અને બલર પરિવારે આ બાબતનો વિરોધ નોંધાવ્યો, વકીલને ફોન કરી જણાવ્યું પણ ખરું, પરંતુ સર્ચ વૉરન્ટ હોય તો તપાસ કરવા દેવી પડશે એમ કહી વકીલે અસહાયતા દર્શાવી. કાયદાનો ઝંડો બતાવી ગુનેગારોને છોડાવી જતા કાળા કોટના હાથ કાયદાથી બંધાઈ ગયા હતા.
પોલીસ ટુકડી સાથે એક તકનીકી નિષ્ણાત આવ્યો હતો. તેણે લાઇબ્રેરીમાં રહેલું કમ્પ્યુટર તેમજ સૌના લેપટોપ અને મોબાઇલ ચેક કર્યા. મહેન્દ્રભાઈની ભીતર છુપાયેલા કામાંધ માણસનું પ્રતિબિંબ દેખાડતું હોય તેમ તેમના લેપટોપમાં ઢગલાબંધ પૉર્ન ફોટા, વીડિયો તેમજ બી અને સી ગ્રેડની મૂવીનું કલેક્શન મળ્યું.
“મેં તો એવું સાંભળ્યું હતું કે અમુક ઉંમર પછી માણસને અમુક ભૂખ પજવતી નથી.” મહેન્દ્રભાઈનો ખજાનો જોઈ તકનીકી નિષ્ણાત બોલ્યો.
“કેમ, બંદૂક જૂની થઈ જાય તો બુલેટ ફોડવાનું બંધ કરી દે છે ?” એક કૉન્સ્ટેબલે બેલ્ટનું બકલ સરખું કરતા ભદ્દી કમેન્ટ કરી, આસપાસ રહેલા ખાખીધારીઓ હસી પડ્યા. ઝાલાએ તે કૉન્સ્ટેબલ સામે ગુસ્સાથી જોયું અને સૌ ચૂપ થઈ પોતપોતાનું કામ કરવા લાગ્યા. તેમણે મહેન્દ્રભાઈનો આખો રૂમ ફેંદી માર્યો, પરંતુ આરવીની હત્યા સાથે સાંકળી શકાય એવી કોઈ વસ્તુ ત્યાંથી ન મળી.
વરુણે છેલ્લા કેટલાક દિવસોમાં ગૂગલ પર “સેફ વે ટુ કિલ સમવન” લખીને ઘણું સર્ચ કર્યું હતું. તેના મોબાઇલમાં સાયનાઇડ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપતા વેબ પેજ અને યુઆરએલ સર્ફ થયા હતા. સૌના આશ્ચર્ય વચ્ચે તેના રૂમમાંથી જીવલેણ આર્સેનિક પૉઇઝનની બૉટલ મળી આવી જે તૂટેલી હતી, મતલબ બૉટલનું ઝેર ક્યાંક વાપરવામાં આવ્યું હતું !
પોલીસ ટીમ લલિતના રૂમમાં તપાસ કરી રહી હતી ત્યારે ઝાલાના હાથમાં લલિતના આઇડી ડોક્યુમેન્ટ્સની ફાઇલ આવી. તેમણે તેના પર અછડતી નજર નાખી. ફોલ્ડર ફેરવતા તેમનું ધ્યાન લલિતના બર્થ સર્ટિફિકેટ પર ગયું, તેમાં લલિતના જન્મની તારીખ 19/11/81 લખી હતી. તારીખ વાંચી ઝાલાને કંઈક તાળો મળતો લાગ્યો, તેમણે પોતાની ડાયરીમાં તે તારીખ ચોક્કસ જગ્યાએ લખી. ત્યાં એક કૉન્સ્ટેબલે ઝાલાનું ધ્યાન દોરાય તેવી વસ્તુ શોધી. મેજના ખાનામાં સક્સામિથોનિયમની નાની અને ક્લૉરોફોર્મની મધ્યમ બૉટલ પડી હતી ; કોઈના પણ ધ્યાન પર ન આવે તે રીતે તેને ખાનાની અંદરની બાજુએ સંતાડવામાં આવી હતી. એ સિવાય, તકનીકી નિષ્ણાતને લલિતના મોબાઇલમાં એક મેસેજ મળી આવ્યો. 18મી ઑક્ટોબરે બેંક તરફથી આવેલા તે મેસેજમાં લલિતે અઢી લાખ રૂપિયા ઉપાડ્યા છે તેવું ડિસ્કલોઝર હતું. વધુ તપાસ કરતા લલિતના બેડરૂમના કબાટમાં પચાસ-પચાસ હજાર રૂપિયાના સીલ મારેલા બે બંડલ મળી આવ્યા. બંડલ પર તે જ બેંકના સીલ હતા જે દુર્ગાચરણના ઘરેથી મળેલા દોઢ લાખ રૂપિયાના બંડલ પર હતા !
અર્ધસત્ય એ જૂઠ નથી કહેવાતું અને કહેવાતું હોય તો ય ઝાલાએ, ‘આરવીને સક્સામિથોનિયમનું ઇન્જેકશન મારવામાં આવ્યું હતું’ કહી, લલિતને કસ્ટડીમાં લીધો. ‘આરવીનું મૃત્યુ ગૂંગળાવાથી થયું છે’ એ વાત તેમણે છુપાવી રાખી. વરુણને પણ શંકાના દાયરામાં ઉઠાવવામાં આવ્યો.
બલર પરિવારના બંને પુત્રોને લઈ પોલીસ જીપ રવાના થઈ. ઝાલા અને ડાભી બીજી જીપમાં ગોઠવાયા.
“સાહેબ, બંને ગુનેગાર પકડાઈ ગયા છે. હવે, ગુનો કબૂલે એટલી જ વાર છે. આરવી લલિત પર લગ્ન કરવા દબાણ કરતી હશે એટલે તેણે તેનું કાટલું કાઢી નાખવા સક્સામિથોનિયમ વાપર્યું. તો વરુણ આરવીને આર્સેનિક પૉઇઝન પિવડાવી મારી નાખવા ઇચ્છતો હશે. પરંતુ, તેને તેમ કરવાનો મોકો નહીં મળતા, આરવીને ગૂંગળાવીને મારી નાખી.” ડાભી થોડા હળવા થઈ ગયા હોય એવું લાગતું હતું.
“દૂરથી તો કાચળી ય સાપ જેવી લાગતી હોય છે, પણ તેવું હોતું નથી.”
ડાભી કંઈ સમજ્યા ન હોય તેમ ઝાલા સામે જોઈ રહ્યા.
“અભિલાષાની હત્યા કરવા માટે આરવી દુર્ગાચરણને અઢી લાખ રૂપિયા આપવાની હતી, અને તેટલા જ રૂપિયા લલિતના ખાતામાંથી ઊપડ્યા છે. વળી, બેંકમાંથી પૈસા ઉપાડ્યાના ત્રણ દિવસ પછી, આરવીએ દુર્ગાચરણને દોઢ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તો વધ્યા કેટલા ? એક લાખ. લલિતના ખાનામાંથી એ જ રકમના બંડલ મળ્યા છે અને લલિત તથા દુર્ગાચરણ પાસેથી મળેલા રૂપિયાના બંડલો પર એક જ બેંકના સીલ છે. આના પરથી એવું લાગે છે કે અભિલાષાની હત્યા કરવાની આરવીની યોજનામાં લલિત સામેલ હતો. પણ, બીજી બાજુ આરવીની હત્યા કરવા વપરાયેલા સક્સામિથોનિયમ અને ક્લૉરોફોર્મ લલિતના રૂમમાંથી મળ્યા છે. યા તો લલિત અભિલાષાને મારવા ઇચ્છે, યા તો આરવીને, બંનેને મારીને તેને શું ફાયદો થાય ?”
“કંઈ સમજાતું નથી.”
થોડી વારમાં સૌ પોલીસચોકીએ પહોંચ્યા. જીપમાંથી નીચે ઉતરતા ઝાલાએ ડાભીને કહ્યું, “લલિતના રૂમમાંથી મળેલા ક્લૉરોફોર્મ અને સક્સામિથોનિયમની બૉટલ પરની ફિંગરપ્રિન્ટ્સ ચેક કરાવો અને લલિત તથા વરુણને રિમાન્ડ રૂમમાં લઈ જાવ. તે બંનેને મારવાના નથી, ડારવાના છે ; તેમની સામે દુર્ગાચરણને ખોખરો કરો, પછી પૂછપરછ કરીએ.” આટલું કહી ઝાલા પોતાની કૅબિનમાં ચાલ્યા ગયા.
****
ડાભી કૅબિનમાં પ્રવેશ્યા ત્યારે તેમના કપાળ પર પરસેવો બાઝેલો હતો. આંખો બંધ રાખી મનોમંથન કરી રહેલા ઝાલાને તેમણે કહ્યું, “કામ થઈ ગયું છે, દુર્ગાચરણને માર ખાતો જોઈ બંનેના ચહેરા ફિક્કા પડી ગયા છે. મને નથી લાગતું કે હવે તેઓ ખોટું બોલવાની હિંમત કરશે.”
ઝાલાના ચહેરા પર ન કળી શકાય એવા અજબ ભાવો વ્યાપ્યા હતા. દિમાગમાં ચાલતા વિચારોને ખંખેરી નાખવા મથતા હોય તેમ તેમણે જોરથી માથું ધુણાવ્યું અને ઊભા થઈ ડાભી સાથે ચાલ્યા. રિમાન્ડ રૂમની છતના હૂકમાં પરોવાયેલા જાડા રસ્સાના છેડે ટ્રકનું ટાયર લટકતું હતું, ટાયરમાં લબડતો દુર્ગાચરણ કણસી રહ્યો હતો, તેની બેઠક પર દંડાવાળી કરવામાં આવી હતી.
“આને ઉતારી વરુણને લટકાવો.” ઝાલાએ કૉન્સ્ટેબલને કહ્યું.
“સ...સ...સાહેબ, પ...પણ મેં શું કર્યું છે ?” વરુણના અવાજમાં ફફડાટ વર્તાયો, રિમાન્ડ રૂમના બંધિયાર ઓરડામાં તેનો આખો શર્ટ પરસેવાથી ભીનો થઈ ગયો.
“એ તો બેઠક સોજીને ફૂટબોલ જેવી થઈ જશે એટલે યાદ આવી જશે કે તેં શું કર્યું છે ?” ઝાલાએ કડકાઈથી કહ્યું.
“તમે તમારી સત્તાનો દુરુપયોગ કરી નિર્દોષ માણસોને પરેશાન કરી રહ્યા છો. મારે મારા વકીલને બોલાવવા છે.” લલિત પણ ડરી ગયો હતો, છતાં તેણે પોતાનો ફોન બહાર કાઢ્યો.
“નિર્દોષની તો હમણાં કહું એ... સત્તાના દુરુપયોગની *** અમે અમારી જાત પર આવી જઈશું તો તારી ***” રાડ પાડી ઝાલાએ મા-બેન સમી ગાળો ઉચ્ચારી. તેમણે કૉન્સ્ટેબલ પાસેથી દંડો આંચકી જોરથી ઉગામ્યો. લલિત એકદમ હેબતાયો, માનવસહજ પ્રતિક્રિયા રૂપે તેના બે હાથ માથાની આગળ આવ્યા અને આંખો બંધ થઈ ગઈ. પણ, ઝાલાએ દંડો માર્યો નહીં, લલિતનો ફોન આંચકી લીધો.
“આ તારી હોસ્પિટલ નથી, વચ્ચે બોલ્યો છે તો...” ઝાલાએ દાંત ભીંસ્યા, તેઓ તેમના અસલ મિજાજમાં આવી ગયા હતા. તેમણે વરુણનું બાવડું પકડ્યું, તે ડઘાઈને શૂન્યમનસ્ક થઈ ગયો હતો.
“બોલ કોને મારવા માંગતો હતો તું ? તારા રૂમમાં આર્સેનિક પૉઇઝનની બૉટલ શું કરતી હતી ? કોને પિવડાવવા ખરીદ્યું હતું તેં ઝેર ?” ઝાલાની આંખમાંથી અંગારા ઝર્યા. પાણી વગરના અવાવરું કૂવામાં ભૂલથી ખાબકેલો સાવજ ગુસ્સામાં બરાડા પાડે અને તેનો અવાજ પડઘાય તેમ ઝાલાનો અવાજ પડઘાયો. વરુણ ભયંકર રીતે ધ્રૂજી ગયો, તેણે આવી પરિસ્થિતિનો સામનો ક્યારેય કર્યો ન હતો.
“બોલે છે કે પછી...” મૂંગા વરુણને ધમકાવવા ડાભી આગળ આવ્યા. “કોને ખતમ કરવા ગૂગલ પર સુરક્ષિત રસ્તો શોધતો હતો ?” અને ડાભીનો ભારે હાથ વરુણના ગાલ સાથે ટકરાયો, એક પ્રચંડ તીખાં થપ્પડની ગુંજ આખા રૂમમાં ફરી વળી. વરુણના આંખે અંધારા આવ્યા, રિમાન્ડ રૂમ ગોળ ગોળ ફરતો હોય એવું લાગ્યું. લલિત કંઈ બોલવા જતો હતો, પણ ઝાલાએ તેની સામે તીરછી નજરે જોયું અને તે થૂંક સાથે શબ્દો ગળી ગયો.
“કહું છું, બધું જ કહું છું, મને મારશો નહીં.” લલિતનો સહકાર નહીં મળે એમ સમજી ગયેલા વરુણે ગાલ પંપાળતા કહ્યું.
“ચાલ બોલવા માંડ.” ડાભીએ ડોળા કાઢ્યા.
“મેં તે ઝેર આરવીની હત્યા કરવા ખરીદ્યું હતું. પ્રેમનું નાટક કરી મને તરછોડી દેનાર કુલટા સાથે મારે બદલો લેવો હતો.”
ક્રમશ :
(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)