Helino Dhumketu in Gujarati Moral Stories by Pankaj Nadiya books and stories PDF | હેલીનો ધૂમકેતુ - હેલી નો ધૂમકેતુ

Featured Books
Categories
Share

હેલીનો ધૂમકેતુ - હેલી નો ધૂમકેતુ


    હેલીનો સુંદર અને સોહામણો ચહેરો આજે સવારથી જ લાલ થઈ ગયો હતો. જેમ જેમ સૂરજ સમયની સાથે ગતિ કરતો આગળ વધી રહ્યો હતો તેમ તેમ હેલીનો ચહેરો પણ ગુસ્સામાં વધુ ને વધુ લાલ બની રહ્યો હતો.

    હેલીને અસ્ત થતો સૂરજ સહેજેય ગમતો નહીં. સૂરજનું આથમવુ હંમેશાં તેને ખીજવતું. પરંતુ સૂરજનું ઊગવું તેના જીવનને રંગોથી ભરી દેતુ અને તેથી જ તેને ઊગતો સૂરજ અતિપ્રિય હતો. પરંતુ ગુસ્સામાં લાલ થયેલી હેલી આજે જાણે સૂરજ પર પણ ગુસ્સે થયેલી જણાતી હતી અને તેને તપી રહેલી જોઈને સૂરજને પણ પરસેવો વળી રહ્યો હતો.


* *


ધૂમકેતુને આજે માંડ એક રજા મળી હતી. આ એક જ દિવસમાં તેણે ઘણાં કામ એકલા હાથે જ પૂર્ણ કરવાનાં હતા. તેના પિતા ગોવિંદભાઈએ મિલમાં કામ કરતાં અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો ત્યાર બાદ પરિવારની સઘળી જવાબદારી ધૂમકેતુના માથે આવી પડી હતી. તેનાં માતા રાધાબહેન પણ હાઈ બી.પી. નાં દર્દી હતાં. તેઓ સતત પોતાના પતિ અને દીકરાની ચિંતા કર્યાં કરતાં.

જવાબદારીઓના ભારના કારણે ધૂમકેતુ હેલીને ખૂબ ઓછો સમય આપી શકતો. બંને વચ્ચે અગાઢ પ્રેમ હતો પરંતુ જવાબદરીની આંટીઘૂંટીમાં ફસાઈ જવાથી તે હેલીને ભાગ્યે જ મળી શકતો. લાંબા સમય બાદ આજે તેણે હેલીને મળવાનો વાયદો કર્યો હતો પણ કોઈ સામાજિક કામ પૂર્ણ કરવામાં તે વ્યસ્ત થઈ ગયો હતો. આથી તેની રાહ જોતી હેલીનો ગુસ્સો જ્વાળામુખી બનીને ફાટી નીકળવા તેના આગમનની જ રાહ જોઈ રહ્યો હતો.

“ હાય ડિયર, કેમ છે? ”

“ બકવાસ બંધ કર. ઘડિયાળ સમય જોવા માટે હોય છે ખબર તો છે ને? ”

“ હા-હા કેમ નહીં ! મને આવડે છે જોતાં.”

“ ધૂમકેતુ પ્લીઝ, મારું મગજ ખૂબ જ ગરમ છે . મજાક ન કર.”

“ પણ કેમ?”

“ તું દોઢ કલાકથી વધુ મોડો આવ્યો છે ને પૂછે છે કેમ?”

“ હા, તો?”

“ તો...તો... તારુ કપાળ! હું તારી રાહ જોયા કરું ને તું આરામથી આવે, ને પાછો ‘તો’ કહે છે. મન તો થાય છે કે તને ..”

“ શુ મને? બોલ ને!”

“ કંઈ નહીં, મારે ઝઘડવું નથી. આમ પણ મળતો નથી ને આજે મળ્યો છે તો પણ ઝઘડો જ કરે છે. મોડા આવવાનું ને પાછું ઝઘડવાનું નહીં! હું જ સાવ નવરી છું કે સવારની તારી રાહ જોઉં છું. મોડા આવીને સોરી પણ નહીં કહેવાનું? કારણ પણ નહી આપવાનુ ? કેમ, હેલી તો ગાંડી છે નહીં?”

સોરી, સોરી, સોરી. ઘરે મમ્મી-પપ્પા સાથે એક ચર્ચા થઈ એમાં જ મોડું થઈ ગયું યાર.”

“ આખી દુનિયાની ચર્ચાઓ કરાય છે. મારો ખ્યાલ પણ હોય છે?”

“ તારો જ ખ્યાલ હોય છે યાર. આજે સવારે મમ્મીએ મારાં લગ્નની વાત કરી અને છોકરી જોવા જવાનું કહ્યું.”

“ વાહ! સરસ. તો કરી લે લગ્ન.”

“ અરે સાંભળ તો. મમ્મીએ એ વાત કરી એટલે મારે એમને આપણા પ્રેમ વિશે જણાવવું પડ્યું.”

“ શું કહ્યું મમ્મી-પપ્પાએ?”

“ હેલી, મેં મમ્મી-પપ્પાને તારા વિશે બધી જ બાબત જણાવી. તું સવર્ણ છે અને અમે વણકર છીએ એ કારણે તેઓ થોડા ચિંતામાં છે. સાચું કહું તો આપણા સંબંધના ભવિષ્યથી ડરે છે.”

“ પણ કેમ?”

“ કારણ કે તેઓને એવો ડર છે કે સવર્ણ છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર થાય તો કંઈક પ્રોબ્લમ હ્શે. અને જ્યારે તેમણે જાણ્યું કે તું રાત્રે.... તો..”

“ હં... એમની વાત સાચી જ તો છે. મારી આંખોમાં સૂરજના પ્રકાશ વિના સાવ અંધકાર છે. સાંજ ઢળતાં જ મારી ચારે કોર કાળમીઢ અંધકાર છવાઈ જવાઈ જાય છે. તું જાણે જ તો છે ધૂમકેતુ કે તારી હેલીની આ સુંદર આંખો રાતના અંધકારમાં હોલવાઈ ગયેલા દીવડા જેવી સાવ નક્કામી થઈ જાય છે. તારે મમ્મી-પપ્પાની વાત માની લેવી જોઈએ.”

“ હેલી પ્લીઝ યાર વાત તો સમજ. એક વાર કહેવાથી મમ્મી-પપ્પા ન માને એટલે શુ હું તને છોડી દઉં? હું સમજાવીશ એમને.”

“ પણ તેઓ તારા સારા માટે જ કહે છે.”

“ હેલી, મારાં મમ્મી-પપ્પા તારાં મમ્મી-પપ્પા જેટલાં એજ્યુકેટેડ કે મુક્ત વિચારોવાળાં નથી. એમને સમજતાં વાર લાગશે. તું જ આવું કહીશ તો પછી મારે કોનો સહારો રહેશે?”

“ પણ હું રાત્રે જોઈ નથી શકતી એટલે એમની ચિંતા વાજબી જ છે. તારે એમની વાત ...”

“ બસ, યાર! ચૂપ પ્લીઝ. મેં એમને કહ્યું છે કે હું તને મારા ઘરે મળવા લઈ જઈશ. તેઓ તને મળવા પણ તૈયાર છે. મને વિશ્વાસ છે કે તેઓ થોડા સમય બાદ માની જશે.”

“ તારી વાત સાચી પણ મારી તકલીફ જ એવી છે કે કોઈ પણ મમ્મી-પપ્પા ના માને.”

“ હેલી શું એક જ વાતનું રટણ કર્યા કરે છે. સાંભળ, મેં મમ્મી-પપ્પાને કહી દીધું છે કે હું લગ્ન કરીશ તો હેલી સાથે જ કરીશ.”

“ પણ..”

“ પણ બણ કંઇ જ નહીં. તારે મમ્મી-પપ્પાને મળવા આવવાનું છે બસ.”

“ સારું. સમય હશે એટલે હું કહીશ તને. ઓ.કે. ખુશ ને?”

“ તો મારી ફેવરિટ પાણીપૂરી ખવડાવ.”

“ સારું ચાલ.”

* *

સાંજે ધૂમકેતુ આવ્યો કે તરત જ રાધાબહેન પૂછ્યું,

“ ધૂમકેતુ તું પેલી છોકરીને મળવા લઈને આવવાનો હતો ને? આજે પંદર દિવસથી વધારે સમય થઈ ગયો. એ નહીં આવે દીકરા. તને ગોળ-ગોળ ફેરવે છે. તું સમજતો નથી.”

“ કોઈ ગોળ-ગોળ ફેરવતું નથી.”

“ સાચુ તો કહે છે તારી મમ્મી. તે જ કહ્યું હતુ ને કે હેલી ઘરે આવશે. શું થયુ?”

“ હમણાં તેની તબિયત ઠીક નથી, માટે તે આવી શકે તેમ નથી.”

“ તબિયત તો બહાનું છે દીકરા. તેનાં મા-બાપને જાણ થઈ હશે કે તું વણકર છે, એટલે લગ્નની સાફ ના કહી હશે. માટે જ બીમારીનાં બહાનાં કાઢ્યા હશે. અમને તો ખબર જ હતી કે સવર્ણની છોકરી ને એ પણ પૈસાવાળાની, વણકરના છોકરા સાથે લગ્ન ના જ કરે. તું જ સમજવા તૈયાર નહોતો. હવે સમજાયું ને કે...”

“ મમ્મી, તને ખબર નથી તો મહેરબાની કરી ગમે તેમ ના બોલ.”

“ બેટા, તું સમજતો કેમ નથી? લગ્ન ના કરવાં પડે માટે જ હવે બીમારીનાં નાટક કર્યાં હશે.”

“ મમ્મી શું બોલે છે એનો તો વિચાર કર. હેલી એવી નથી. તું કંઈ જ જાણતી નથી કે તેની સાથે શું થયું છે. કેટલી તકલીફમાં છે મારી હેલી! તે હોસ્પિટલમાં હતી. ડોક્ટરે જણાવ્યું છે કે હેલી હવે ક્યારેય કુદરતના રંગો જોઈ નહીં શકે. તેની આંખો નિસ્તેજ થઈ ગઈ છે. તેની દુનિયા હંમેશ માટે અંધારી રાત બની ગઈ.”

“ શું કહે છે તું? એ છોકરીની આંખો સાવ નકામી થઈ ગઈ? એ હવે હંમેશ માટે અંધ બની ગઈ એમ જ ને?

“હા.”

“ ભગવાનનો આભાર કે તું લગ્ન કરીને લાવે એ પહેલાં જ આવું થયું નહિતર તારું આખું જીવતર નકામું થઈ જતું. જો દીકરા આ જ ડરથી અમે તને એની સાથે લગ્ન કરવાની ના પાડી હતી. હવે તો તને સમજાયું ને કે તારાં મા-બાપ સાચાં હતાં.”

“ મમ્મી, હેલીની ર્દષ્ટિ જ ગઈ છે, એનો મારા પ્રત્યેનો પ્રેમ અને ર્દષ્ટિકોણ અકબંધ છે. ને રહી વાત લગ્નની, તો મારો નિર્ણય સાંભળી લો, હું લગ્ન તો હેલી સાથે જ કરીશ. બીજી કોઈ સ્ત્રીને મારી તરીકે કલ્પનામાં પણ હું સ્વીકારી ના શકું.”

“ બેટા, પ્રેમ અને જીવનસંસાર અલગ-અલગ બાબત છે. પરિસ્થિતિને ગંભીરતાથી લે. આ કંઈ બે-ચાર મહિના કે એક-બે વર્ષોની વાત નથી, તારી આખી જિંદગીનો પ્રશ્ન છે. આખુ જીવન એક અંધ પાત્ર સાથે કેવી રીતે ગુજારીશ?”

“ પપ્પા, હેલી અને મારો પ્રેમ ગાઢ છે. જીવનની એકાદ તકલીફ  કે ખરાબ સમય અમારા પ્રેમને કમજોર નહીં કરી શકે.”

“ કેવો પ્રેમ દીકરા? તે હવે તારા જેવી નથી રહી. તેની આંખો સાવ નકામી થઈ ગઈ છે. આંધળી છે તે આંધળી. તારામાં ને એનામાં સરખાપણુ ક્યાંય નથી રહ્યું. પળેપળે તું પસ્તાઈશ. એ અંધકાર છે ને તું પ્રકાશ, ક્યારેય મેળ નહીં થાય દીકરા.”

“ મમ્મી હેલીએ જાતે તો આ તફાવત નથી પેદા કર્યો ને? નસીબની વાત છે. તે સવર્ણ છે ને હું વણકર છું છતાંય એણે તો ક્યારેય સરખામણીની વાત નથી કરી. તો હવે હું આવા ભેદ કેવી રીતે રાખી શકું?”

“ હેલીએ સવર્ણ હોવા છતાં ભેદ નથી રાખ્યા, કેમ કે તે જાણતી જ હતી કે તેની આંખો ગમે ત્યારે દગો દેશે. એટલે જ તો તું વણકર હોવા છતાં એ તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ.”

“ એવું કશું જ નથી. મમ્મી તું...”

“ હું કંઈ જ સાંભળવા માંગતી નથી. તારા પપ્પા તને કશું કહેશે નહીં પરંતુ હું તારાં લગ્ન એ આંધળી છોકરી સાથે નહીં જ થવા દઉં. લગ્ન કરવા સરખો મેળ તો બેસવો જોઈએ ને! એની દુનિયામાં ફક્ત કાળો અંધકાર જ છે અને હું એ અંધકાર તારા જીવનમાં ક્યારેય આવવા નહીં દઉં.”

રાધાબહેન નારાજગી અને ગુસ્સા સાથે રસોડામાં જતાં રહ્યાં. ગોવિંદભાઈ પણ કંઈ જ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગયા.

ધૂમકેતુ સામે વિકટ પ્રશ્ન હતો. એક તરફ હેલીનું દુખ હતું તો બીજી તરફ માતા-પિતા સાથેનો સંઘર્ષ હતો. ધૂમકેતુ મા-બાપની વાત માની લે કે અવગણે, બંને બાબતોમાં તેણે પોતાનો એક પ્રેમ જતો કરવો જ પડે એવી જટિલ સમસ્યા ઊભી થઈ હતી.

ધૂમકેતુ જન્મ આપનાર મા-બાપનું ૠણ કેવી રીતે ભૂલી શકે? તો કોઈ પણ જાતની અપેક્ષા વગર, કોઈ જ ભેદભાવ ન રાખીને માત્ર શુદ્ધ પ્રેમ આપનારી હેલીનો સાથ એના દુખના દિવસોમાં છોડી શકે તેમ પણ નહોતો. બંને પરિસ્થિતિમાં સૌથી વધુ દુખ તો ધૂમકેતુને જ વહોરવાનું હતું. શું કરવું? ધૂમકેતુને કંઈ જ સમજાતું નહોતું.”

ઘરનું વાતાવરણ ખિન્ન બની થઈ ગયું હતું. ધૂમકેતુ નોકરીથી આવે કે તરત જ એ જ વાતનું પુનરાવર્તન થતું. શુ કરવું, ધૂમકેતુને કંઈ જ સૂઝતું નહોતું.

એક દિવસ નોકરીથી ઘરે આવીને તેણે તેના પપ્પાને જણાવ્યું કે કંપનીના કામે તેને દસ-બાર દિવસ માટે બહાર જવાનુ છે. બીજા દિવસે સવારે વહેલા જ તે ઘરેથી નીકળી ગયો.

દસેક દિવસ થયા છતાં ધૂમકેતુના કોઈ સમાચાર ના આવ્યા. તેનાં માતા-પિતાને ચિંતા થવા લાગી. દસેક દિવસનું કહીને ગયેલો દીકરો બે અઠવાડિયાં થયા છતાંય પાછો ન આવ્યો આથી રાધાબહેન અને ગોવિંદભાઈની ચિંતાઓ વધી ગઈ. ગોવિંદભાઈએ ધૂમકેતુની કંપનીમાં તપાસ કરી તો તેમનું હ્રદય દ્રવી ઊઠ્યું, કેમ કે ધૂમકેતુ કંપનીના કામથી ગયો જ નહોતો. ગોવિંદભાઈ અને રાધાબહેનની ચિંતાઓએ હવે ડરનું સ્વરૂપ ધારણ કરી લીધું. ધૂમકેતુ ક્યાં ગયો હશે? શું થયું હશે? તે જૂઠ્ઠું બોલીને  કેમ ગયો હશે? વગેરે જેવા પ્રશ્નો અને અશુભ વિચારોથી બંને જણ અકળાઈ ગયા હતાં. ધૂમકેતુ તેમની વૃદ્ધાવસ્થાનો એકમાત્ર આશરો હતો અને એને જો કંઈ થઈ ગયું હશે તો? ચિંતાઓ અને ડરાવનારી કલ્પનાઓ આખો દિવસ તેમનો પીછો નહોતી છોડતી.

બીજા દિવસે સાંજે ચાર વાગ્યે ધૂમકેતુ ઘરે પાછો આવ્યો. એની ડાબી આંખ પર પાટો બાંધેલો હતો. શરીર કરમાઈ ગયેલા ફૂલ જેવું થઈ ગયું હતું પરંતુ ચહેરો જાણે હાલ જ કોઈ કળી ખીલીને ફૂલ બની હોય એમ ચમકતો હતો.

ધૂમકેતુને પાછો આવેલો જોઈને તેના મા-બાપ ખૂબ જ ખુશ થયાં. પરંતુ તેની આંખ પર બાંધેલ પાટા જોઈને એમના ચહેરા પર ફરીથી દુખનાં વાદળ છવાઈ ગયાં. દીકરાને મળવાનો આનંદ વીજળીના ચમકારાની જેમ ગાયબ થઈ ગયો.

ધૂમકેતુને આવી હાલતમાં જોઈને રાધાબહેનની આંખોમાં આંસુ આવી ગયાં. તેના માથા પર હાથ ફેરવતાં તેમણે ગળગળા થઈ ગયેલા અવાજમાં પૂછ્યું,

“ આંખમાં શું થયું? પાટો કેમ બાંધ્યો છે? કંઈ વાગ્યું છે? ક્યાં હતો તું આટલા દિવસ? કંપનીના કામથી પણ નહોતો ગયો. અમારો તો વિચાર કરવો હતો.” બોલતાં-બોલતાં રાધાબહેનને ડૂમો ભરાઈ ગયો અને તેમની આંખો આંસુથી ઊભરાવાં લાગી.

ગોવિંદભાઈએ પણ ગંભીર થઈ પૂછ્યું,

“ ધૂમકેતુ ક્યાં ગયો હતો બેટા? તારી મમ્મીનો અને મારો જીવ નીકળી ગયો તારી ચિંતામાં. આ આંખે શું થયું છે કંઈક બોલ તો ખબર પડે. દીકરા શું થઈ ગયું છે તને, બોલને...”

છેવટે ધૂમકેતુએ ચુપકીદી તોડી. “ મારી ડાબી આંખનુ ઓપરેશન કરાવ્યું છે.”

“ કેમ, શું થયું તારી આંખને?”

“ કંઈ નથી થયું મમ્મી.”

“ બેટા કંઈક સમજાય એમ બોલ. કંઈ થયું નથી તો ઓપરેશન કેમ કરાવ્યું.”

“ પપ્પા, મન મજબૂત કરીને સાંભળજો. હવે મારે એક જ આંખ રહી.”

“ શું?”

“ હું કંપનીના કામથી નહોતો ગયો પરંતુ હોસ્પિટલમાં હતો. મેં મારી એક આંખ હેલીને આપી દીધી છે.”

ધૂમકેતુની વાત સાંભળીને આખા ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. થોડી વાર સુધી સ્મશાન જેવી શાંતિ રહી ત્યાર બાદ ધૂમકેતુએ પોતાની વાત આગળ વધારી.

“ જ્યારે મેં ડોક્ટરને મારી આંખ આપીને હેલીને દેખતી કરી શકાય? તે વિશે પૂછ્યું તો તેમણે ચેકઅપ કર્યા બાદ એવું શક્ય છે એમ જણાવ્યુ. જોકે હેલી આ માટે તૈયાર ના થઈ, પરંતુ મેં એને સોગંદ આપીને મનાવી. પછી અમારી બંનેની આંખના ઓપરેશન કરીને મારી એક આંખ હેલીને લગાવવામાં આવી. ડોક્ટરનુ કહેવું છે કે બે-ત્રણ મહિનાની કાળજી લીધા પછી હેલી એક આંખે બિલકુલ નોર્મલ રીતે જોઈ શકશે અને હું પણ એક આંખથી જોવા ટેવાઈ જઈશ.”

“ બેટા, આટલું મોટું જોખમ લેવાની શું જરૂર હતી? હેલીનાં માતા-પિતા ધનવાન છે તો થોડી રાહ જોઈ હોત તો આંખો દાન કરનાર મળી જતું. એમાં તારે આંખ આપવાની શી જરૂર હતી?”

“ સાચી વાત પપ્પા. ડોનર મળી જાત. હેલીનાં મમ્મી જ પોતાની આંખ આપવા તૈયાર હતાં. પણ મેં બધાને સ્પષ્ટ કહી દીધું કે હેલીને મારી જ આંખ આપીશ. મારી આંખ તેને મેચ પણ થાય છે.”

“ એનાં મમ્મી આંખ આપવા તૈયાર હતાં તો તારે મોટો દાનવીર થવાની શી જરૂર હતી?”

“ જરૂર હતી મમ્મી. તુ કહેતી હતીને કે હેલી અંધ થઈ ગઈ છે અને હું જોઈ શકું છું માટે અમારી વચ્ચે સમાનતા નથી. હવે તો હેલી અને હું સરખાં જ થઈ ગયાં ને? બંને એક આંખે અંધ અને એક આંખે દેખતાં. હવે તો અમારી વચ્ચે સરખાપણું આવી ગયું ને?”

ધૂમકેતુની વાત સંભળીને રાધાબહેન તેને બાથ ભરીને રડવા લાગ્યા. ગોવિંદભાઈની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. તેમણે ધૂમકેતુની પીઠ થપથપાવીને કહ્યું,

“  શાબાશ દીકરા! ખરો તું હેલીનો ધૂમકેતુ. બેટા, આજે તે જે રીતે સમાનતા લાવવાનું કાર્ય કર્યું છે તેવા જ પ્રયત્નો સમાજમાં વર્ષોથી જોવા મળતા જાતિ અને ધર્મ આધારિત ભેદભાવને દૂર કરવા માટે થયા હોત તો આજે સમાજમાં ક્યાંય કોઈ પણ પ્રકારના ભેદભાવ ના રહ્યા હોત. એકબીજાને સમાન થવા માટે તું જે હદ સુધી ગયો એવા પ્રયત્નોની ખોટ રહી ગઈ, નહીતર ભારત સાચે જ સમાનતા અને એકતાના આધાર પર દુનિયામાં સર્વશ્રેષ્ઠ બની શક્યો હોત. શાબાશ ! હેલીના ધૂમકેતુ.”


          *સમાપ્ત *