પીએમ રિપૉર્ટ ફરી એક વાર વાંચી ઝાલા રિમાન્ડ રૂમમાં ગયા.
“આમ તો એવો કોઈ નિયમ નથી પણ મોટા ભાગે ડૉક્ટરની પત્ની ડૉક્ટર હોય છે અને અભિલાષા ડૉક્ટર નથી.” ડાભી ખણખોદ કરી રહ્યા હતા.
રામુએ તેનો જવાબ આપતા કહ્યું, “લલિત સાહેબ રાજકોટની મેડિકલ કૉલેજમાં ભણતા હતા ત્યારની વાત છે. લોકોમાં પોલિયો બાબતે જાગૃતિ ફેલાવવા રાજકોટ નગરપાલિકાએ એક કાર્યક્રમ કર્યો હતો, જેમાં મેડિકલ કૉલેજે જ નહીં, પણ રાજકોટની બધી કૉલેજના વિદ્યાર્થીઓએ નાટક ભજવવાના હતા. તેમાં જે નાટકને પહેલું ઇનામ મળેલું તેના મુખ્ય કલાકાર અભિલાષા મૅડમ હતા. લલિત સાહેબે એ નાટક લાઇવ જોયુ હતું અને તેઓ તેમના પ્રેમમાં પડી ગયા હતા. પછી, સાહેબે તેમની સાથે મિત્રતા બાંધી જે આગળ જતાં લગ્નમાં પરિણમી. પરણ્યા પછી પણ તેઓ નાના મોટા નાટકમાં ભાગ લેતા, પરંતુ નિખિલના જન્મ પછી તેમણે એ સાવ બંધ કરી દીધું છે.”
“તો અભિલાષા અભિનય પણ કરી જાણે છે.”
“અભિનય નહીં, સર્વશ્રેષ્ઠ અભિનય ! મેં તેમના એ નાટકનું રેકૉર્ડિંગ જોયું છે.” રામુએ જવાબ આપ્યો.
‘અભિલાષા પોતાની આ આવડત વડે સૌને બેવકૂફ તો નથી બનાવી રહી ને ! જીવન ભલે એક રંગમંચ હોય, પણ માણસના વર્તનમાં અભિનય ભળે ત્યારે માણસ એક કોયડો બની જતો હોય છે.’ ઝાલા મનમાં બબડ્યા. “શું અભિલાષા લલિત અને આરવીના સંબંધો વિશે જાણતી હતી ?” તેમણે પૂછ્યું.
“બિલકુલ નહીં. એવું હોય તો પતિ-પત્ની વચ્ચે ઝઘડો ન થાય ? મેં તેમને આ બાબતે ચર્ચા કરતા ય સાંભળ્યા નથી.” રામુએ ખાતરીથી કહ્યું.
પછી, મહેન્દ્રભાઈ વિશેની પૂછપરછમાં તેણે જણાવ્યું, “શેઠ તો પહેલેથી જ રંગીન મિજાજના છે. અમારા જૂના શેઠાણી ઠીક હતા, પણ નવા શેઠાણી હીરોઇનથી કમ ન હતા. આ તો તેમને થાઇરોઇડ થયું ત્યારથી તેઓ મેદસ્વી થઈ ગયા છે, અને ઉંમર તો એનો ભાગ ભજવે ને ? સાચું કહું તો સાહેબ ફરી ડાફોળિયાં મારવાં લાગ્યા છે, એક વાર તો તેમણે અભિલાષા મૅડમ સાથે ય અવિનય કરેલો. આ બાબતે ઘરમાં ઝગડો પણ થયો હતો.”
‘કૂતરું ગમે તેવા પટ્ટા કે સાંકળથી બંધાયેલું હોય, હાડકું જુએ એટલે લાળ ટપકાવ્યા વગર રહેતું નથી. અભિલાષાએ આરવીને તેના સસરાથી દૂર રહેવાનું શા માટે કહ્યું હશે તેનો તાળો અહીં મળે છે.’ ઝાલા બબડ્યા અને રિમાન્ડ રૂમમાંથી બહાર નીકળ્યા. ડાભી પણ તેમની પાછળ ગયા.
“સાહેબ, રામુનું શું કરવું છે ? તેની વિરુદ્ધ ગુનેગાર તરીકેના કોઈ પુરાવા નથી.”
“એફઆઈઆર ન ફાડતા, તેમ છોડવાની ઉતાવળ પણ ન કરતા. દંડાનો ભય અને જેલની દીવાલો માણસની યાદશક્તિને સતેજ બનાવી દે છે, એકાદ રાત અહીં રહેશે તો કદાચ બીજું પણ યાદ આવશે.”
“ઠીક છે.”
“અને બલર બંગલોનો સર્ચ વૉરન્ટ કઢાવો. મને લાગે છે કે બહુ મોટી રમત રમાઈ રહી છે, ઘરમાં એક કરતા વધારે ગુનેગાર ફરી રહ્યા છે.”
“પીએમ રિપૉર્ટમાં કંઈ ચોંકાવનારુ આવ્યું છે ?” ઝાલાની વાત સાંભળી ડાભીને શંકા પડી.
“વિશેષના રિપૉર્ટ તો ક્લીન છે, તેની મોત ગોળી વાગવાથી જ થઈ છે. પરંતુ આરવીનું મૃત્યુ...”
“આરવીનું મૃત્યુ ?”
“ગૂંગળાવાથી થયું છે. મૃત્યુનો અંદાજીત સમય બારથી એકની વચ્ચેનો છે. મતલબ, દુર્ગાચરણ રૂમમાં દોઢ વાગ્યે ગયો ત્યારે આરવી મરી ચૂકી હતી. ચોંકાવનારી વાત એ છે કે આરવી ગૂંગળાઈને મરી ગઈ પછી ય તેને સક્સામિથોનિયમનું, એનેસ્થેસીયામાં વપરાતી અત્યંત ઝેરી દવાનું ઇન્જેકશન મારવામાં આવ્યું હતું.”
“હેં ?” ડાભી ચોંક્યા.
“હા. આરવીના જમણા હાથની કોણી પાસે લોહીનું ટીપું જામેલું હતું ત્યાં, સક્સામિથોનિયમનું ઇન્જેકશન મારવામાં આવ્યું છે. દવા તરીકે વપરાતા સક્સામિથોનિયમના ઝેરી ઇન્જેક્શનથી માણસ વધુમાં વધુ બે મિનિટમાં ખલાસ થઈ જાય, પણ માણસ જીવતો હોય તો લોહીનું પરિભ્રમણ થતું હોય અને લોહીનું પરિભ્રમણ થતું હોય તો જ સક્સામિથોનિયમ આખા શરીરમાં ફેલાય. જયારે આ કિસ્સામાં દવા જમણા હાથની કોણી પાસે જ ફેલાઈ છે. મતલબ, આરવીને ઇન્જેકશન મારવામાં આવ્યું ત્યારે તે મરી ચૂકી હતી અને તેના શરીરમાં લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયું હતું.”
“પણ, આરવી મરી ચૂકી હતી તો પછી હત્યારાએ તેને સક્સામિથોનિયમનું ઇન્જેકશન શા માટે માર્યું ?”
“ઇન્જેક્શન મારનાર માણસને ખબર ન હોય કે આરવી મરી ગઈ છે તો ? મને લાગે છે કે પહેલા એક માણસ આવ્યો જેણે આરવીને ગૂંગળાવીને મારી નાખી. તેના ચાલ્યા ગયા બાદ બીજો માણસ આવ્યો, આરવી મૃત્યુ પામી છે એ વાતથી તે અજાણ હતો. તેણે આરવીને સક્સામિથોનિયમનું ઇન્જેકશન માર્યું. તેના ગયા પછી દુર્ગાચરણ આવ્યો. પલંગ પર પડેલો દેહ આરવીનો છે અને તે જીવિત નથી એ વાતથી અજાણ દુર્ગાચરણે તેના હાથની નસ કાપી. તેના ગયા બાદ ચોથા વ્યક્તિએ બલર બંગલોનો દરવાજો બંધ કર્યો. મને લાગે છે કે આ ચારેય માણસો એકબીજાના કરતૂતથી અજાણ હતા, કદાચ હજુ ય છે.”
ઝાલાના આનુમાનિક તારણ વિશે સાંભળી ડાભીના રૂંવાડા ઊભા થઈ ગયા. “આજ સુધી આવું ક્યારેય બન્યું નથી.”
“તો શું થઈ ગયું ? અત્યારે વારંવાર જોવા મળતી ઘટના ય ક્યારેક પ્રથમ વાર બની હોય છે. અને ત્યારે, તે ઘટનાએ બહુ લોકોને ચોંકાવ્યા હોય છે.”
“સાહેબ હજુ એક પ્રશ્ન છે, આરવીની ગૂંગળાવીને હત્યા કરવામાં આવી ત્યારે કોઈ ઝપાઝપી કે અવાજ કેમ ન થયો ? આરવીએ તેનો પ્રતિકાર કેમ ન કર્યો ?”
“પીએમ રિપૉર્ટ પ્રમાણે આરવીએ મરતા પહેલા ઊંઘની ગોળીઓ લીધી હતી. આરવીએ જાતે નશાકારક દ્રવ્યનું ઇન્જેક્શન લીધું હશે તેવો મારો તર્ક ખોટો અને ઊંઘની ગોળી નાખેલા કોલ્ડ ડ્રિંકના ગ્લાસ બદલાઈ ગયા હશે એવો તમારો તર્ક સાચો સાબિત થયો છે. ભૂલથી જ ભલે, પણ અભિલાષાને પિવડાવવાનું પીણું આરવી પોતે પી ગઈ હતી.”
“હમ્મ...” ડાભીએ નમ્રતાથી કહ્યું. પોતાની વાત સાચી ઠેરવવા માણસ દલીલ કરતો હોય છે, પણ તેની વાત માન્ય થાય ત્યારે તે આપોઆપ નમ્ર બની જતો હોય છે. “સાહેબ, મેં આપને કહ્યું હતું કે લલિત-આરવીના સંબંધો વિશે જાણ થતા અભિલાષાએ આરવીનું કાટલું કાઢી નાખ્યું હશે, પણ હવે મને નવી શંકા જન્મી રહી છે.”
“શું ?”
“આપે કહ્યું કે સક્સામિથોનિયમ એ દવા છે અને તેવી ઝેરી દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળે નહીં. હા, કોઈ મેડિકલવાળો મિત્ર કે ઓળખીતો હોય તો જુદી વાત છે. શું એવું ન બને કે આરવી લલિત પર લગ્ન કરવાનું દબાણ કરતી હોય અને લલિતે તેનાથી છુટકારો મેળવવા...”
“બની શકે. પરંતુ, તેમ થવાની શક્યતાઓ ઓછી છે. એક ડૉક્ટર સારી રીતે જાણતો હોય કે યુવાન સ્ત્રીનું મૃત્યુ થતા પોલીસ તપાસ થશે અને બોડીનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે. વળી, પોસ્ટમૉર્ટમ રિપૉર્ટમાં આરવીની હત્યાનું કારણ પકડાઈ જ જાય. પછી, મૃત્યુનું કારણ સક્સામિથોનિયમ નીકળે એટલે પોલીસ ઘરના એકમાત્ર ડૉક્ટર પર શંકા કરે. માટે, લલિત આરવીને મારવા ઇચ્છતો હોય તો ય, તે બીજી કોઈ રીત અપનાવે. જોકે, આ મારો તર્ક છે. બાકી, કુદરતનો ગડદો પડવાનો હોય ત્યારે માણસની બુદ્ધિ પર પડદો પડી જતો હોય છે. વારુ, સર્ચ વૉરન્ટ કઢાવો, કાલે બલર બંગલોની ઝડતી લઈશું.”
“જી સાહેબ.” ડાભી કૅબિનની બહાર નીકળ્યા અને પોતાના કામે લાગ્યા.
****
કૅબિન છોડીને ગયાને પૂરી દસ મિનિટ પણ નહીં વીતી હોય ત્યાં ડાભી લાંબી ફર્લાંગો ભરતા ફરી કૅબિનમાં પ્રવેશ્યા, તેમના ચહેરા પર આનંદ હતો. તેમણે કહ્યું, “નેહા ભાનમાં આવી ગઈ છે. ડૉક્ટરે કહ્યું છે કે થોડો આરામ આપવો પડશે પણ જીવનું જોખમ ટળી ગયું છે. એકાદ દિવસમાં આપણે તેની પૂછપરછ કરી શકીશું.”
“ગુલામ(રામુ) પછી રાણી(નેહા)નું પત્તું ખૂલ્યું છે, ‘બંગલો’* બનવામાં એક બાદશાહની જ કમી છે, બાજી આપણી ફેવરમાં આવી રહી છે.”
(તીનપત્તીની રમતમાં ગલ્લો(ગુલામ), રાણી, રાજા આવે તો ‘બંગલો’ બન્યો છે એમ કહેવાય અને બંગલોની બાજી સિટી (એક્કો, રાજા, રાણી) અને તંગડી (એક્કો, દુડી, તીડી) સિવાયની કોઈ પણ રોન કરતા મોટી ગણાય છે.)
ક્રમશ :
(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)