Vikruti - 1 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - 1

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

વિકૃતિ - 1

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી

પ્રસ્તાવના

બે લેખકોના સયુંકત પ્રયાસથી તમારી સમક્ષ એક સ્ટોરી રજૂ થઈ રહી છે.આ સ્ટોરી અમે એક સાથે મળી લખવાનું એટલા માટે વિચાર્યું કે અમે વાંચકો સુધી કંઈક નવું રજૂ કરવા ઇચ્છતા હતા.એક પ્યોર લવસ્ટોરી જેમાં કંઈ વધુ પડતો મસાલો ન હોય.એક સામાન્ય લોકોના જીવનમાં જોવા મળતી વાસ્તવિકતા હોય.જેને તમે જીવી હોય કે પછી તમારી આસ પડોશમાં વ્યક્તિઓમાં તમને એ જોવા મળતી હોય.આ સ્ટોરીમાં તમને અલગ અલગ પ્રકારની ફીલિંગ્સ વાંચવા મળશે અને સાથે સાથે અનુભવવા પણ મળશે.

સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે.

ભાગ-૧

વિહાન

“હેય ગાઈઝ,આ વર્ષે આપણા બિઝનેસને 120%નો ગ્રોથ મળ્યો છે.કોન્ગ્રેચ્યુલેશનસ્.તમારા સપોર્ટ વિના આ બધું શક્ય નોહતું.તમારી મહેનતનું જ આ ફળ છે.તમે જે ડિઝાઈન તૈયાર કરો છો એ ઇન્ટરનેશનલ લેવલ સુધી વખાણવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એક ટીમ આપણી મુલાકાતે આવશે અને કદાચ મોટો ઓર્ડર પણ મળવાની મને શકયતા દેખાય રહી છે.આપણે ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચવા આવ્યા છીએ.

એ ઓર્ડર આપણને જ મળવો જોઈએ.આપણે હરીફોની લાઈન ટૂંકી નથી કરવાની પણ આપણી લાઈન લાંબી કરતી જવાની છે તેથી પોતાના સો ટકા આપીશું તો જરૂર એ મુકામ હાંસિલ કરીશું.”મારા સ્ટાફને સારા સમાચાર સાથે મોટિવેશન પૂરું પાડવામાં મને આનંદ મળે છે.તેઓ મને માન આપે છે અને હું તેઓના ઋણને આધીન સૌને એક પરિવાર માનું છું.મારા આ પરિવારમાં મોભો ગણી શકાય તેવા છ કર્મચારીઓનો ગણ છે.

“તો એક નાનકડી ટ્રીપ થઈ જાય?,આ સન્ડે વડોદરા વૉટરપાર્કમાં જવાનો પ્લાન છે.શું કહો છો તમે બધા?”

તેઓના ચહેરા પરના બદલાતા જતા હાવભાવે મારા સવાલમાં હામી ભરી દીધી એટલે મેં વાત આગળ ધપાવી, “ગ્રેટ,ચાલો હવે કામ પર લાગી જઈએ,વરસાદી માહોલ છે એટલે બધા છ વાગ્યા સુધીમાં નીકળી જશું અને દ્રષ્ટિ મારા કેબિનમાં આવજે જરૂરી કામ છે.”ઉભો થઈને હું કેબિન તરફ ગયો.

ચોમાસાની બપોર સાંજ જેવી જ ભાંસે છે.છેલ્લા ત્રણ દિવસથી વાદળોએ અમદાવાદને ઘેરી લીધું છે અને આઠ મહિના પછી પહેલીવાર મેઘ પોતાના અસલી કરતવો દેખાડે છે.ચાર મહિનાની કાળઝાળ ગરમી વેઠયા પછી ઠંડીની આ લહેરે અમદાવાદીઓના ચહેરા પર એક અલગ નૂર લાવી આપ્યું છે.

લંચ પતાવી હું મેઈલ ચૅક કરતો હતો ત્યાં જ દિલ્લીથી આવેલા મી.દેસાઈના મેઈલ પર મારી નજર પડી.તે આ વર્ષનો વર્કિંગ એનાલિસિસ રિપોર્ટ હતો અને અમે બીજી બધી પેઢીઓથી ઉપર હતા.મેં પહેલીવાર મારા સ્ટાફની સાથે આટલી વાતો કરી.સૌને ખુશીના સમાચાર આપ્યા અને એક ટ્રીપ ગોઠવી કાઢી.કારણ કે આજે હું ખુશ હતો.થોડોક વધારે ખુશ.

કેબિનમાં આવી મેં બીજીવાર મેઈલ ચેક કર્યો અને એ વાતની પુષ્ટિ કરી કે મારી આંખો સાચું જ જોઈ રહી છે.વરસાદને કારણે કામ ઓછું હતું પણ મારે દ્રષ્ટિને એક ડિઝાઈન તૈયાર આપવાની હતી.મારા સ્ટાફમાં કોઈ વ્યક્તિ વધુ કુશળ કે ઓછું કુશળ નથી.બધાને પોતાની આવડતની ખબર જ છે અને એ અનુસાર સૌ પોતાની જવાબદારી અદા કરે છે.મારી પેઢી ત્રણ મજલાની છે.સૌથી ઉપરના મજલે પેપરવર્કની બૅક ઓફીસ.જ્યાં અત્યારે હું બેઠો છું.બીજા મજલે બેનર અને પોસ્ટરો છાપવાની મશીનરી છે.સૌથી નીચે કાચા માલનું ગોડાઉન છે.

થોડીવાર થતા ફરી વરસાદની બુંદો કાચ સાથે અથડાઈ.ધીમે ધીમે કાચ ધુમ્મસથી ઘેરાવા લાગ્યો અને બહારનો નજારો ધૂંધળો દેખાવા લાગ્યો.હું ઉભો થયો અને કાચ પર એક હાર્ટ શૅપ કર્યો.વચ્ચે ‘વિ’ અને ‘એ’ આલ્ફાબેટ લખ્યા.વચ્ચેથી એક ઍરો પસાર કર્યો.પાણીના ટીપાં એ શૅપ બગડતા હતા પણ મને મજા આવતી હતી.અચાનક દ્રષ્ટિએ ડૉર નૉક કર્યો.કંઈ વિચાર્યા વિના જ મારો હાથ એ કાચ પર ફરી વળ્યો અને બધું પાણી પાણી થઈ ગયું.મારુ હૃદય પણ.

“આવ દ્રષ્ટિ”તેના હાથમાં બે કૉફીના કપ હતા.

એ આવીને ખુરશી પર બેસી અને બંને કપ ટેબલના ફર્શ પર રાખ્યા.મેં ડ્રોવરમાંથી એક ફાઇલ બહાર કાઢી અને ટેબલ પર રાખી.કપ હાથમાં લીધો અને રોજની માફક ‘થેન્કયું’ કહ્યું.અમારા સ્ટાફનો આ સારો નિયમ હતો.ત્રણ વાગે એટલે કૉફી બધા પાસે પહોંચી જતી.ક્યારેક હું ઑફિસમાં જતો હોવ તો બધા માટે લેતો જાવ અને કોઈ મારી કેબિનમાં આવતા હોય તો મારા માટે લઈ આવતા.

“દ્રષ્ટિ એ ફાઈલમાં તને જે ઇન્ફોર્મેશન આપી છે એ મુજબ તારે ડિઝાઈન તૈયાર કરવાની છે.મારે સોમવારે આપવાની છે તો તું શનિવાર સુધીમાં તૈયાર કરી આપજે.”મેં નરમાઈથી દ્રષ્ટિને કહ્યું,“વહેલા મળી જાય તો સોનામાં સુગંધ ભળશે.”

“આજ સુધી કોઈ દિવસ એવું બન્યું છે કે તમે કહ્યું હોય તેનાથી મોડું થયું હોય!!!,રિલેક્સ સર.બની શકે તો આજે જ સાંજે તમને આ ડિઝાઈન મળી જશે” દ્રષ્ટિ સાચું કહેતી હતી. એકવાર જો તેને પેટર્ન ખબર પડી જાય તો ડિઝાઈન તૈયાર કરવી તેના માટે ડાબા હાથનો ખેલ છે.

“તો હું જઉંને સર,મારે થોડો ડેટા ફિલપ કરવાનો છે”દ્રષ્ટિએ કહ્યું,“તમે મને પેલો દેસાઈનો મેઈલ ફોરવર્ડ કરજો.મારે એ પણ ચેક કરવાનું છે”દ્રષ્ટિની કામ પ્રત્યેની જાગૃતતા મને અલગ જ અહેસાસ અપાવે છે.શું છે પણ ખબર નહિ દ્રષ્ટિની આસપાસ એક એવું અદભુત વાતાવરણ છે કે જે તેના સંપર્કમાં આવે તે સકારાત્મક અભિગમ અપનાવવા લાગે છે.હું પણ.

“યસ,યુ કેન”મેં કૉફીનો ઘૂંટ પિતા કહ્યું.દ્રષ્ટિએ પણ છેલ્લો ઘૂંટ પીધો અને દરવાજો ચીરી નીકળી ગઇ.

હેલ્લો, હું વિહાન દિવેટિયા.શ્યામ આર્ટ ઍન્ડ ડિઝાઈનિંગનો માલિક. આમ તો મેં એમ.બી.એ. કર્યું છે પણ એ અરસામાં મને કોઈ પણ પ્રકારની જૉબ કરવાનો વિચાર નોહતો.મારા પાપા ગરીબ હતા.(હું ગરીબ છું એ કહેવું મુશ્કેલ છે પણ હું ગરીબ હતો કહેવું એટલું જ સરળ છે નહિ!!!)તેઓ એક શેઠના ખંડેર ઘરની રખવાળી કરતા અને મારું બાળપણ એ જ ખંડર હવેલીમાં પસાર થયું.મને હઠ કરતા નથી આવડતું અથવા એમ કહો તો પણ ચાલે કે એ સમયે મારી પાસે એ ઑપ્શન જ નોહતો.હું મારા પાપા સાથે તેની સાઈકલમાં પુરા ગામનું ચક્કર લગાવતો ત્યારે તેઓ મને કહેતા કે તું આમ જ પુરી દુનિયા ફરજે.ખૂબ ભણજે,તારા બાપાએ તો કંઈ ઉકાળ્યું નથી પણ તું તારા બાપાનું નામ રોશન કરજે.

એ સમયે ગરીબી મારા પાપાથી અળગી ના થઇ અને જયારે હું દસમું ભણતો ત્યારે તેઓ અમને છોડીને ચાલ્યા ગયા.મારી માંએ મહેનત કરીને મને ભણાવ્યો.બારમાં સુધી.પણ કહેવાય છે ને ગરીબોના ઘરમાં દિવા સળગે તો આગ લાગવાની સંભાવના વધુ હોય છે.હું અહીં બારમાં ધોરણમાં પાસ થયો અને ત્યાં એ ખંડેર હવેલીની નિલામી થઈ.એક માત્ર સહારો હતો એ પણ છીનવાઈ ગયો. અલબત્ત,એ ગામ છોડી અમારે જવું પડ્યું.મમ્મી મને અમદાવાદમાં લઇ આવી.તેઓના ના કહેવા છતાં મેં પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી. એમ.બી.એ.પૂરું થયું ત્યાં સુધી મેં જોબ કરી.આટલા સમયમાં હું એટલું તો સમજી જ ચુક્યો હતો કે ગરીબી દૂર કરવા જૉબ ન કરાય.બિઝનેસ કરાય.અને ત્યાં સુધીમાં મેં થોડું એવું ફંડ એકઠું કરી લીધું હતું.

‘બેટા આ ધંધો કરવો આપણું કામ નથી,તું કંઈ પણ કરીશ ભગવાન તારી સામે નહિ જુએ”મારી માં મને વારંવાર આવા શબ્દો કહેતી.તેની વાત પણ સાચી હતી.જ્યારે એ પરણીને આવી હતી ત્યારે મારા પાપા સોનાની ખાણમાં રમતા.દાદાએ સાત પેઢી તરી જાય એટલી સંપત્તિ ઉભી કરી હતી.દિવા પાછળ અંધારું હોય તેમ જ પાપાના મોટા ભાઈએ ઐયાશી અને જુગારમાં બધું ઢોળી નાખ્યું.દાદા આ આઘાત સહન કરી શક્યા નહી અને હૃદય બેસી જવાથી સ્વર્ગલોક સિધાવ્યા.

મોટાબાપુને તો પણ અક્કલ ના આવી.છેવટે ઘર વેચાયા અને બધા રસ્તા પર આવી ગયા.લેણદારો મોટાબાપુને હેરાન કરતા.પાપાને પણ.છેવટે મોટાબાપુએ પણ પોતાનો રસ્તો શોધી લીધો અને જતાં જતાં એક ચિઠ્ઠી છોડતા ગયા.તેના મૃત્યુ પછી કોઈ લેણદારે અમારું બારણું નથી ખખડાવ્યું. દાદાના અજીજ દોસ્ત હસમુખદાસે પેલી ખંડેરવાળી હવેલીની રખવાળી પાપાને સોંપી અને રહેવું હોય ત્યાં સુધી રહેવાની છૂટ આપી.

હસમુખદાસ અને પાપાના મૃત્યુ પછી તેના દિકરાઓએ હવેલીની નિલામી કરી અને ફરી અમે રસ્તા પર.ક્યારેક મમ્મીની વાતો સાચી લાગે છે.પણ મારા દાદાની ખુમારી મારામાં જીવતી હતી.ખબર નહિ પણ અમદાવાદ આવ્યા પછી મને મારો રસ્તો મોકળો લાગવા લાગ્યો.પાપાના નામથી પેઢી શરૂ કરી અને આજે….

“સર…”પ્રશાંતના અવાજે મને વર્તમાનમાં ખેંચી લીધો,“તમે દ્રષ્ટિને મી.દેસાઈનો મેઈલ ફોરવર્ડ કરતા ભૂલી ગયા છો.તેણે યાદી આપવાનું કહ્યું.”

“સૉરી,હું અત્યારે જ ફોરવર્ડ કરી આપું છું”મેં કહ્યું, “થેન્ક યુ”

પ્રશાંતે ડૉર લૉક કર્યો.હું ફરી ભૂતકાળમાં સરકતો ગયો.માણસ જ્યારે પોતાની જાતને એકલતામાં રાખે છે ત્યારે તે ભૂતકાળ સાથે ગાઢ અને ઘનિષ્ઠ સંબંધ બાંધી લે છે.

“તારા પાપા અત્યારે જીવતા હોત તો કેટલા ખુશ થાત!!!” આંખમાં ખુશી અને થોડી વેદનાના આંસુ સાથે તે દિવસે પહેલીવાર મમ્મીએ મારા કામની સરહના કરી હતી.મેં પેઢી શરૂ કરી તેને ત્રણ મહિના પસાર થઈ ગયા હતા.ત્રીજા મહિને બધો ખર્ચો બાદ કરતાં મારી પાસે ત્રીસેક હજાર રૂપિયા વધ્યા હતા.મેં મમ્મી માટે એક સાડી લીધી સાથે મીઠાઈ લઈ ઘરે પહોંચ્યો.તે દિવસે મીઠાઈ કરતા મમ્મીના શબ્દો મને વધુ મીઠા લાગ્યા હતા અને તે દિવસે જ મમ્મીએ મને લગ્ન કરી લેવાની સલાહ આપી.મેં મમ્મીના સવાલનો જવાબ ન આપ્યો.મારી પાસે તેનું કારણ હતું.

એ મારી લાઈફમાંથી ગઈ તેના હજુ ત્રણ જ મહિના થયા હતા અને હું બીજી છોકરી વિશે વિચારું?!?? ત્રણ મહિના તો શું ત્રણ જન્મ બદલાય તો પણ એને હું ભૂલી નહિ શકું.એ વાત જુદી છે કે દૂર થવાનું કારણ સુધ્ધાં તેણે જણવવાનું યોગ્ય ના સમજ્યું.

“મમ્મી હજી પેઢી શરૂ જ થઈ છે,આપણે પહેલા ઘર લેવાનું વિચારશું.નહીંતર તમારી વહુને ક્યાં રાખશું?”મમ્મીના મૂડને ન બગાડવા મેં બનાવટી સ્મિત સાથે તેના ગાલ ખેંચ્યા.તેણે અજાણતા જ મને તેની યાદ અપાવી દીધી હતી.હું અસ્વસ્થ હતો.પલભરમાં મને ઘૂંટન મહેસુસ થવા લાગી.મેં ત્રણ બંડલ મમ્મીના હાથમાં ધર્યા અને રૂમમાં ચાલ્યો ગયો.

“તેણે આવું શા માટે કર્યું?એટ્લીસ્ટ રિઝન આપ્યું હોત તો તેને શું વાંધો હતો?”હું અરીસા સામે તાંકીને પોતાની સાથે જ વાતો કરતો હતો.સામે વિવાન હતો કે વિક્કી? એણે જ મને વિક્કી નામ આપ્યું હતું.પહેલીવાર કોઈએ મને નામ આપ્યું હતું પ્રેમથી.વિક્કી મારા પર હાવી થાય તર પહેલા મેં તેને ખંખેરી નાખ્યો અને વિહાન બનીને ફ્રેશ થવા ચાલ્યો ગયો.

“તેણે આવું શા માટે કર્યું?એટ્લીસ્ટ રિઝન આપ્યું હોત તો તેને શું વાંધો હતો?”બહાર આવ્યો એટલે ફરી એ જ વિચાર આવ્યો.મેં માથું પકડ્યું. ‘શટ અપ વિહાન હવે એ નહિ આવે,ભૂલી જા બધું.’

મારી આંખમાંથી આંસુનું ઝરણું વહી ગયું. ‘એ કોઈક બીજાની થઈ ગઈ વિહાન.’એક દિવસ પહેલા જ ખુશીએ મને આ સમાચાર આપ્યા હતા.તેની સગાઈ થઈ ગયી છે અને થોડા મહિનામાં એ બીજાના હાથમાં હાથ રાખીને ફરતી હશે અને હું…

“સર તમને મળવા મી.મહેતા આવ્યા છે”દ્રષ્ટિએ ફરી મને ભૂતકાળમાંથી ખેંચી લીધો.મારે તેનો આભાર માનવો હતો પણ મારી આંખોની નમી એ જોઈ ગઇ.દરવાજો બંધ થાય એ પહેલા મેં આંસુ લૂછવાની કોશિશ કરી પણ હું નિષ્ફળ રહ્યો..મારી આંખો બધી ચાડી ખાય ગયી.

પાંચ મિનિટ પછી હું બહાર નીકળ્યો.મી.મહેતાને મળ્યો.દ્રષ્ટિ મને ઘુરી રહી હતી.જુદી જ રીતે. ‘સર એ આંસુ પાછળનું કારણ કહેશો પ્લીઝ!’ દ્રષ્ટિની આંખો આવું જ કહેતી હશે.મેં અવગણી. દ્રષ્ટિને પણ અને મિટિંગને પણ.બની શકે એટલી જલ્દી હું મારી કેબિનમાં આવી ગયો.

‘શું કરે છે વિહાન??,તને યાદ છેને જ્યારે તે પેઢી શરૂ કરી હતી ત્યારે તારી જાતને પ્રોમિસ આપેલું છે કે ધંધામાં અંગત બાબતોની અસર નહીં થવા દે તો અત્યારે કેમ આવું થાય છે? એ પણ ત્રણ વર્ષ પછી.’ હું મારી જાતને જુઠ્ઠું બોલી રહ્યો હતો.આ એક હજાર અને પંચાણું દિવસમાં એક પણ દિવસ એવો નોહતો જેણે મને તેની યાદ ના અપાવી હોય.એ છોડી ગયી તેને એક હજારને પંચાણું દિવસ થયા હતા.પાંચ દિવસ પછી અગિયારસો દિવસ પુરા થશે.મારી ત્રણ વર્ષની ડાયરીમાં એક પૅજ એવું નહિ હોય જ્યાં તેનો ઉલ્લેખ નહિ હોય.ખેર,હું અત્યારે વર્તમાનમાં રહેવા માંગુ છું.

વરસાદ આજે અલગ જ મૂડમાં વરસી રહ્યો હતો.સાંબેલાધાર કહો કે ધોધમાર આજે બધા જ શબ્દો તેની સામે ફિક્કા પડતા હતા. જેમ વરસાદ વરસતો હતો તેમ મને ભૂતકાળ વધુ યાદ આવતો હતો.એ મને આવા જ મૌસમમાં મળી હતી.વરસાદમાં ભીંજાયેલી બાળકી જેવી.એ વરસાદમાં પલળતી કૂદકા મારતી હતી,વરસાદને માણી રહી હતી અને હું તેને માણતો રહ્યો જ્યાં સુધી એ ત્યાંથી ના નીકળી ત્યાં સુધી. પહેલી નજરે પ્રેમ થતો હશે કે માત્ર ફીલિંગ્સ જ હશે? તમે પહેલી નજરના પ્રેમમાં માનો છો!?,હું માનું છું;મારે માનવું પડ્યું હતું.હા હું તેના પ્રેમમાં પડી ચુક્યો હતો, એક તરફી પ્રેમમાં.હું ક્યાં સુધી ધુમ્મસવાળા કાચને નિહાળી તેને યાદ કરતો રહ્યો મને ખબર નથી.

ઘડિયાળ પર નજર પડી ત્યારે યાદ આવ્યું કે સાત વાગી ચુક્યા છે.મેં બધાને છ વાગ્યે નીકળી જવા કહ્યું હતું પણ કોઈએ મને જાણ કેમ ના કરી?બધા હજુ ઓફિસમાં જ છે?હું ખુરશી પરથી ઉભો થયો અને કેબિનમાંથી બહાર આવ્યો.એક સિવાય બધા જ પીસી બંધ હતા.થોડા અંધારામાં હું દ્રષ્ટિના ચહેરા પર પડતી ડિસ્પ્લેની આછી લાઈટ જોઈ શકતો હતો.તેનું ધ્યાન હજુ ડિસ્પ્લે પર જ હતું.

“તું હજી ગઈ નથી દ્રષ્ટિ? અને બધા ચાલ્યા ગયા તો મને કોઈએ જાણ કેમ ના કરી?”સ્વસ્થ અવાજે મેં કહ્યું. “તારે નથી જવું?”

“હું પેલી ડિઝાઈન પર કામ કરૂં છું અને તમે અસ્વસ્થ હતા એટલે મેં જ કોઈને ના કહેવા કહ્યું હતું” દ્રષ્ટિએ ડિસ્પ્લે પરથી ઊંચી નજર કરી કહ્યું. “કોઈ પ્રોબ્લેમ છે સર?”દ્રષ્ટિએ આંખો મેળવવા મારા ચહેરા સામે જોયું પણ મારી નજર બીજે હતી.

“ના કઈ પ્રોબ્લેમ નથી અને પીસી બંધ કર ચાલ હું તને ડ્રોપ કરી જાઉં છું.આ વરસાદમાં તારે એકલા જવું યોગ્ય નથી.”મેં બની શકે તેટલો અવાજ સ્વસ્થ રાખવાની કોશિશ કરી.

“ઍઝ યુ વિશ સર”દ્રષ્ટિએ બનાવટી સ્મિત સાથે કહ્યું, “મને પાંચ મિનિટ આપો બસ હું ફાઇલ સેવ કરી પીસી બંધ કરું છું”

મેં જવાબ ન આપ્યો.કેબિનમાં જઇ મારુ પીસી બંધ કર્યું અને ડ્રોવરમાંથી કારની ચાવી લઈ હું બહાર આવ્યો.દ્રષ્ટિ એકબાજુ તેનું બેગ લટકાવી તૈયાર હતી.એ જ બનાવટી સ્મિત સાથે.

“તું મહેનતું છો,એક દિવસ ચોક્કસ આગળ વધીશ” મેં દ્રષ્ટિને સંબોધી, “હું પણ તારી જેમ જ ધગશથી કામ કરતો.”

દ્રષ્ટિએ ઑફિસની બધી લાઈટો બંધ કરી.બને બહાર આવ્યા.મેં શટર નીચે ખેંચ્યું અને દ્રષ્ટિએ તાળું લગાવ્યું.

“સર, મારી પાસે કોઈ એવું ઠોસ કારણ નથી ને!!”દ્રષ્ટિએ હલકા સ્મિત સાથે કહ્યું.અમે બંને પગથિયાં ઉતરવા લાગ્યા.નીચે પાર્કિંગમાં આવી ફોર્ચ્યુનરમાં બેઠા.

“રફીના ગીતોમાં જુદો જ સાજ હોય છે નહિ!,સીધા હૃદયમાં સ્પર્શી જાય છે”દ્રષ્ટિએ સિસ્ટમ શરૂ કરતાં કહ્યું, “ક્યાં હુઆ તેરા વાદા…, વો કસમ વો ઈરાદા…”ધીમું સંગીત ફોર્ચ્યુનરમાં રેળાયું.મને લાગે છે કે સમય પણ સમજદાર હોય છે.ચોક્કસ સમયે જ ચોક્કસ કામ કરે છે.

ધીમી ગતિએ ફોર્ચ્યુનર પાર્કિંગની બહાર આવી.બહાર આવતા જ ફ્રન્ટ કાચ પર વરસાદના ટીપાં બાજવા લાગ્યા.મેં વિન્ડશિલ્ડ વાઇપર શરૂ કર્યું.દ્રષ્ટિ મને હજુ શંકાની નજરે જોઈ રહી હતી.મને પસંદ નથી કોઈ આવી રીતે મને જુએ.તેણે જલ(સ્વદેશી પાણીની બોટલ)ની બોટલમાં રહેલો છેલ્લો ઘુંટડો પીધો.સાઈડ કાચ નીચે કર્યો અને ખાલી બોટલ બહાર ફેંકી.

“દ્રષ્ટિ!!!”મેં બ્રેક મારી ફોર્ચ્યુનર બાજુમાં ઉભી રાખી.મારો અવાજ ઊંચો થઈ ગયો,“તું સ્વચ્છતા વિશે એટલી બેદરકારી કેમ દાખવી શકે?,બોટલ બહાર ફેંકતા પહેલા કંઇ વિચાર્યું નહિ અને ફેંકી દીધી?”

“સૉરી સર”દ્રષ્ટિનો અવાજ ધીમો હતો,તેણે નજર ઝુકાવી લીધી, “હું લઈ આવું છું”કહી તેણે ફોર્ચ્યુનરના લૉક પર હાથ રાખ્યો.

“વેઇટ”મેં દરવાજો ખોલતા તેને અટકાવી.નીચે ઉતરી મેં ખાલી બોટલ લઈ લીધી.બોટલ મારા હાથમાં હતી,કમબખ્ત એ પણ મને તેની યાદ અપાવતી હતી.હા એ પ્રકૃતિપ્રેમી છે.અથવા હતી.ત્રણ વર્ષમાં પૂરો માણસ બદલાય શકે છે.બદલાવ માટે તો એક ક્ષણ જ કાફી છે ને!

“થેન્ક્સ સર,હવે હું ધ્યાન રાખીશ”દ્રષ્ટિએ બોટલ લેતા કહ્યું, “હું હવે ડસ્ટબીનમાં જ કચરો નાખીશ”તેના છેલ્લા શબ્દો પર મને ખાસ ભાર લાગ્યો.મેં ફોર્ચ્યુનર ચલાવી.

“હું હવે ડસ્ટબીનમાં જ કચરો નાખીશ”મેં પણ તેને આવું જ કહ્યું હતું. થયું એમ હતું કે અમે પહેલીવાર નાસ્તો કરવા કેન્ટીનમાં આવ્યા હતા.અમે માજાની એક બોટલ શૅર કરી.અલબત્ત,છેલ્લો ઘુંટડો મારા ભાગમાં આવ્યો હતો. મેં એ ઘૂંટ પીને બોટલ બાજુમાં ફેંકી.ત્યાં થોડો કચરો પહેલેથી જ હતો.

“વિક્કી આ શું કરે છે?,આવી રીતે કચરો ના ફેલાવાય”તેણે થોડા કડક પણ મધુર શબ્દોમાં કહ્યું હતું.તેણે મારો કાન પકડ્યો પ્રેમથી.એ બોટલ લેવા કહ્યું.મને એ આવી જ રીતે ટ્રીટ કરતી પ્રેમથી.મેં એ બોટલ લીધી.હું કેવો બેદરકાર હતો ત્યારે.દસ ફૂટના જ અંતરે ડસ્ટબીન પડ્યું હતું તો પણ બોટલ બહાર ફેંકી.

“જો વિક્કી(એ જ મને વિક્કી કહેતી) આપણે એક જવાબદાર નાગરિક છીએ.”તેણે મને કહ્યું,ત્યારે મને ભાષણ જ લાગ્યું હતું. “બધા લોકો જવાબદારી સમજશે ત્યારે આપણે પણ સમજશું.તેવું વિચારવું યોગ્ય નથી.આપણે જ શરૂઆત કરવાની છે.બોલ હવે કચરો ક્યાં નાખીશ?”

“હું હવે ડસ્ટબીનમાં જ કચરો નાખીશ.”મેં કહ્યું, “આઈ એમ સૉરી”

“સોરી વાળો!!!”તેણે મારા ગાલ ખેંચ્યા, “ચાલ હવે તારી ક્યૂટ સ્માઈલ આપ”તેને મારી સ્માઈલ વધુ ગમતી.ત્યારે તેને ખબર નોહતી કે આ ક્યૂટ સ્માઈલ પાછળ એક ઉદાસીન ચહેરો પણ છે.

કરરર…મેં બ્રેક મારી.આગળ સિગ્નલ રેડ થઈ ગયો હતો.મેં ફોર્ચ્યુનર બંધ કરી.એ પણ આવું જ કરતી.દ્રષ્ટિ આજે ગુમસુમ નજરે ચડતી હતી.તેને મારી વાત જાણવી હશે કે હું ખીજાયો હતો એ વાતનું ખોટું લાગ્યું હશે.મને ખબર નથી પણ આજે તેની ક્યૂટ સ્માઈલ ગાયબ હતી.મેં ચહેરો ધૂમાવી જમણીબાજુના કાચ બહાર નજર ફેંકી.એ બાજુ એક બગીચો હતો.દસ વર્ષની છોકરી આટલા વરસાદમાં પણ પલળી રહી હતી. તેના મમ્મી-પપ્પા થોડે દુર છત્રીની નીચે એ નાચતી-કૂદતી છોકરીને જોઈને હસી રહ્યા હતા.નિર્દોષ હાસ્ય.

હું ક્યાં દિવસથી રોતળું થઈ ગયો?મારી આંખના ખૂણે આંસુ હતું.દ્રષ્ટિ ન જોઈ જાય એ ડરથી મેં બારી ખોલી ચહેરો બહાર કાઢી થોડા ટીપાં મારા ચહેરા પર પડવા દીધા.સિગ્નલ ગ્રીન થયો અને મેં ફોર્ચ્યુનર હંકારી.

“સર!”દ્રષ્ટિ ધીમેથી બોલી, “તેનું નામ શું હતું?”

શું એ મને એમ પૂછતી હતી કે હું મારા ભૂતકાળને યાદ કરું!

“તમે મને કહી શકો છો,અંદર ઘૂંટાતા રહેશો તો સળગતા જ રહેશો”એ મને હૂંફ આપતી હતી કે સહાનુભૂતિ મને ખબર નથી પણ હું રડી પડ્યો.ચોધાર રડી પડ્યો.જ્યારે તમે કોઈ વ્યક્તિને લીધે એકલતા મહેસુસ કરો છો અને બીજા કોઈ વ્યક્તિ તેના વિશે વાત કરે છે ત્યારે તમે બધું બોલી જાઓ છો.હું પણ બોલી ગયો.એ વાત જુદી હતી મારે બધી વાત કહેવા માટે બાજુની સીટ પર બેસવું પડ્યું હતું.

“શું નામ હતું તેનું?”દ્રષ્ટિએ ફોર્ચ્યુનર ડ્રાઈવ કરતા કહ્યું.

“આ…આ..ક.કૃતિ”મારા શબ્દો લથડાયા.મેં ઉધરસ ખાધી અને કહ્યું, “આકૃતિ”

(ક્રમશઃ)

વિહાનની આટલી બેચેનીનું કારણ શું છે?,કેમ એ આકૃતિને ભૂલવાની કોશિશ કરે છે?,આકૃતિએ એવું તો શું કર્યું હશે કે ત્રણ વર્ષથી વિહાન આકૃતિને મળ્યો પણ નથી!

ઘણીવાર ગ્રહો મળતા હોય છે તો પણ નસીબમાં મળવાનું લખ્યું નથી હોતું.શું વિહાન આકૃતિની બધી જ વાતો દ્રષ્ટિને કહી દેશે?જાણવા આગળના ભાગની રાહ…

-Megha Gokani & Mer Mehul