આશ્ચર્ય
'હલો હલો ' મીનાબેન પોતાના દીકરા સાથે વાત કરવા જીવ સટોસટની તાણ પર આવી ગયાં હતાં.
હોસ્પિટલમાં દાખલ કરેલા એમના પતિ વિનોદને આઈ. સી. યુ. માં લઈ જતા જોઈ સાવ નોધારા બની ગયેલા મીનાબેને દીકરાને તાબડતોડ આવી જવા ઉપરાઉપરી ફોન કર્યા પણ બીજે છેડે સાયલન્ટ પર મકેલો ચિન્મયનો ફોન... તેઓ જાતને કોસતા હતા "કેવો દીકરો જણ્યો ? બાપનું મોઢું જોવાય નવરો નથી. ' છેવટે શોકમાંથી ક્રોધાગ્નિ તેમના અંગેઅંગમાં જલી ઊઠ્યો. ફોન પછાડી આઘો મૂકી દીધો.
એકના એક દીકરા ચિન્મય પર પહેલી વાર એવા ગુસ્સે થયા કે સામો આવે તો બે લાફા ખેંચી કાઢું !
'ખરે વખતે ફોન ઉપાડતો નથી.'
આજે સવારે તેઓ ચા નાસ્તો કરવા રોકાયેલા હતા. વિનોદ દરરોજ કરતા મોડા ઊઠ્યા ત્યારે તેમણે પતિના રૂમમાં ડોકિયું કર્યું :
'આજે બજાર નથી જવું ?'
વિનોદ સફાળો બેઠો થઈ ગયો હતો :' આજે શુક્રવાર છે, બજારમાં ઊથલપાથલ થાય, જલ્દી તૈયાર થઈ નીકળું છું. '
તે વખતે ફૂલફટાક તૈયાર થઈ ચિન્મય બોલ્યો: 'મમ્મી, તું જાણે છે મારે શુક્રવારે મિત્રોની સાથે પાર્ટી હોય છે। રાત્રે મોડું થશે '
કામની ધમાલમાં મીનાબેન કઈ બોલે તે પહેલાં ચિન્મય બાઈકની ચાવી લઈ ઉપડી ગયો. તેઓ બબડેલા 'આને ચા-નાસ્તાની પડી નથી '.
તેમના પતિ શેરબજારની ઓફિસમાં ગયા ત્યારે જરા નરમ હતા પણ આરામની વાત નહીં. આદુવાળી ચા પીધી અને નાસ્તાની ડિશને અડ્યા નહીં.
'આ માથે ભાર રાખી દોડો છો તે સારું નહિઁ ' મીનાબેને ટોકેલા.
'આ તારો નબીરો ઓફિસ સંભાળે પછી જાત્રાએ ઊપડી જઈશું. ' કહીને નીકળેલા તેમના પતિ અત્યારે બેભાન પડ્યા હતા. મીનાબેન ચિન્મયને ફોન કરી નાસીપાસ થયા. મેસેજનો કોઈ જવાબ નહીં ગુસ્સામાં અને ચિંતામાં પતિને અપાતી સારવારને જોતા નીતરતી આંખોને પાલવથી લૂછ્યા કરતાં હતાં.
શેરબજારની ઓફિસમાં બજાર તૂટી પડવાના સમાચારથી ઊથલપાથલ થઈ ગઈ હતી તેમાં તેમના પતિ વિનોદને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો એઓને 'પ્રશાંત 'હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ચિન્મય લ્હેરીલાલો, બિન્દાસ યુવાન. પોતાને 'કુલ 'માને. કાંડા પર તાંબાનું કડું, ગળામાં સોનાની ચેઇન ને રેંબોનના સનગ્લાસિસ પહેરી બાઈક પર ઊડતો હોય તેમ ભાગે. ચાર્ટર એકાઉન્ટનો અભ્યાસ કરે પણ ના ઘરની કોઈ જબાબદારી કે ના પેસા કમાવાની ફિકર. આમ તો એના પાપા બેન્કમાં નોકરી કરતાં હતાં પણ પાપાએ નોકરી છોડી સ્ટોકનો ધન્ધો જમાવેલો એટલે આવક સારી તેમાં એક જ દીકરો એટલે ચિન્મયના પોકેટખર્ચ માટે ખાસ રોકટોક નહોતી.
આજે શુક્રવારની રાત એટલે ચિન્મય માટે તેના ચાર ખાસ ભાઈબંધો સાથે કોઈના ફાર્મ પર જઈ મન બહેલાવવાનું. તેમાં આજે તો રીટા અને તીરા પણ આવ્યાં હતાં. એમની ટોળી ભરતના ફાર્મ પર પહોંચી. એમની પાર્ટીમાં મર્યાદામાં નશો કરવાનો અને સહીસલામત મોડા મોડા પણ સૌએ પોતાને ઘેર પહોંચી જવું એવા વણલખ્યા કાયદાનું પાલન થતું. એનું એક કારણ એ પણ હતું કે નિલેશ અને સૌરભ પરણેલા હતા. આજે તેમની પત્નીઓ પાર્ટીમાં જોડાઈ હતી. બધાંએ ચારેક વર્ષ પહેલાં બી. કોમ. કરેલું. હવે કોઈને કોઈ ધન્ધામાં સ્થાયી થયા હતા. એક ચિન્મય હજી ડિગ્રી લેવા ભણતો હતો.
પ્યાલામાં બિયરનું ફીણ ઊભરાયું ને 'ચીઅર્સ ચીઅર્સ 'નો ખણખણાટ થયો.
'જી લો યાર યહી પલ હે ' ગાતા સૌને બિયરના ધૂટડાનો તૂરો નશો હલકો હલકો મગજને બહેલાવી રહ્યો.
બધાંએ ફોન સાઇલન્ટ પર મૂકી દીધા હતા. મસ્તીમાં ફોનના મેસેજ તરફ પણ કોઈએ નજર કરી નહીં.
***
મોડી રાત્રે ફાર્મમાંથી નીકળતા પહેલાં ચિન્મયે ફોન પર નજર કરી. મમ્મીના સત્તર વોઈસમેલ અને ચાર મેસજ 'જલ્દી આવી જા ' તારા પાપા હોસ્પિટલમાં છે. છેલ્લામાં પ્રશાંત હોસ્પિટલ હતું .
'ઓ ભગવાન, આ શુ થઈ ગયું?' ચિન્મય કકળી ઊઠ્યો. તેના પગ ભાંગી પડ્યા તે બાઈક ચલાવતા ધુજી ગયો. નિલેશે એને મન મજબૂત કરવા સમજાવ્યું.
તેઓ બન્ને હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે પાપાનો બેડ ખાલી હતો. ચિન્મય બેડ પર થોડીવાર પહેલાં સૂતેલા પાપાના શરીરની નાડીના લોહીના ધબકારાને પોતાના શ્વાસમાં ઉતારી રહ્યો. સમયની રફ્તારમાં તેજ દોડતો એક યુવાન એકાએક આવી પડેલા ખભા પરના બોજથી એક ડગલું ભરતા હાંફી જતો હતો. અરે. શ્વાસ લેતા ઊંડા કુવામાં જોતા ચક્કર આવી જતા હતા. કેમ ન હાંફી જાય ? ખભા પરનો બોજ સગા બાપની ઠાઠડીનો હતો !
જે બાપનો અંતિમ શ્વાસ એકનાએક સુપુત્રનું મોં જોયા વિના તડપતો ગયો હતો. ચિન્મય માપીને ડગલાં ભરતો હતો. તેના માથા પર આકાશ નહોતું રહ્યું, ઘરની છત ઊડી ગઈ હતી, તેને ઢાંકનાર પપ્પા વિના તે બેસહારા થઈ ગયો હતો. 'પાપા તમારો ચિમુ સ્કૂલેથી મોડો આવતો ત્યારે તમે વરંડામાં રાહ જોઈ ઊભા રહેતા। આજે કેમ મારી રાહ ન જોઈ? '
ચિન્મય ધીરા પગલે કોઈ પ્રૌઢ ચાલતો હોય તેમ તે ઘરના બારણે આવી ઊભો રહ્યો.
મમ્મીની હાલત તેનાથી સહન થતી નહોતી. તેને આશ્વાસન આપવા, તેના ખોળામાં માથું મૂકી રડી લેવા મન તડપે છે પણ કયા મોઢે મમ્મીનો સામનો કરે ! એના પશ્ચાતાપનો પાર નથી પણ વિધવા બનેલી મમ્મીએ જાણે દીકરા માટે પણ હાથ ધોઈ નાંખ્યા હોય તેમ એનાથી દૂરની દૂર રહે છે. 'બેટા બેટા' કરી થાકતી નહીં તે મુનિવ્રત લઇ બેસી ગઈ છે. ચિન્મય મનોમન નક્કી કરે છે 'હું એવું કરીશ કે મમ્મીના દુઃખને મલમ ચોપડ્યા જેવી રાહત મળે '
ચિન્મય જુએ છે સગાવહાલાં આવે જાય છે,દાદી અને કાકી મમ્મીની સાથે રહે છે. પણ ઘરની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે,મમ્મી તિજોરી ખોલી ચિતામાં જોયા કરે છે.
ઘરમાં મહારાજ ગીતાનો પંદરમો અધ્યાય વાંચતા હતા. ચિન્મય પલાંઠી વાળી બેઠો હતો પણ એનું ચિત્ત ફોનની ઘન્ટડી તરફ હતું. બાજુની ટિપોઈ પર લેન્ડ લાઈનનો ફોન હતો. તેણે નંબર જોયો તો પાપાની ઓફિસનો હતો. એ પોતાના રૂમમાં ગયો. પાપાના પાર્ટનર મનોજભાઈ સાથે વાત થઈ. તે ગીતા પાઠ પૂરો થયો એટલે 'મારે અગત્યનું કામ છે' કહી બહાર જતો રહ્યો. તે મોડી રાત્રે ધેર આવ્યો ત્યારે ઘર નિદ્રામાં ડૂબેલું હતું. ઘણા મહિના સુધી ચિન્મયનો ઘેરથી વહેલા નીકળી મોડી રાત્રે આવવાનો ક્રમ ચાલ્યો.
***
ઘરમાં ગોકળગતિએ બધું થાળે પડ્યું. મમ્મી પાપાના ફોટા પર રોજ તાજો ગુલાબની પાંખડીનો હાર પહેરાવે પછી રસોડામાં જાય. એના ચહેરા પર વેદના અને આંખોમાં ખાલીપણું છે. પણ મનોજભાઈએ બે વાર મોકલેલા પેસાથી તિજોરી ખોલી ઝટ દઈ જરૂરી નોટો કાઢી સીતારામને ચીજવસ્તુ લેવા મોકલે છે. દાદી અને કાકી ગુસપુસ કર્યા કરે છે 'આ જુવાનજોધ છોકરાને કાંઈ ઘરની પડી નથી ,વહેલી સવારનો નીકળી જાય છે તે રાત્ સુધી ભટક્યા કરે છે. '
મીનાબહેન ચિન્મયનો પક્ષ લેતાં કહે છે 'એને પરીક્ષા હશે!'
મીનાબહેનને ઘણા દિવસો પછી ચિન્મયનું આખો દિવસ અને મોડી રાત સુધી બહાર રહેવું ખટકવા લાગ્યું. 'હવે આને કોઈ કહેવાવાળું રહ્યું નહીં ભણવાને નામે આડી લાઈને ચઢી જશે તો?
વિનોદભાઈની ત્રીજી તિથિ હતી. મીનાબેને બ્રાહ્મણને જમવા બોલાવ્યા હતા. તેઓ કાગને ડોળે ચિન્મયની રાહ જોતા હતા. મા -દીકરા વચ્ચેના અબોલા તૂટ્યા નથી પણ ફોનના મેસેજીસ ચાલુ હતા. ચિન્મયનો મેસેજ હતો:
'સોરી મમ્મી અગત્યના કામમાં મોડું થયું પણ અમે દસ મિનિટમાં ઘેર આવીશું '
મીના ગૂંચવાઈ 'અમે કોણ ?' ચિઢાઈ કે અત્યારે ભાઈબંધોને લાવવાની ધમાલ કરાતી હશે! હજી અક્કલ આવી નહિ. મારે એને કડક શબ્દોમાં કહેવું પડશે કે જવાબદારી રાખતા શીખ.
કમ્પાઉન્ડનો દરવાજો ખૂલ્યો અને ગાડી ઊભી રહી એટલે મીનાબેને ચિન્મયને આજે સીધોદોર કરવાને ઇરાદે બારણું ખોલ્યું.
ઓફિસના મેનેજર મનોજભાઈ ચિન્મયનો હાથ પકડી ઊભા હતા. દીકરાની જેમ તેને વહાલ કરી બોલ્યા :
'મીનાભાભી તમારા સુપુત્રે આપણને તાર્યા. એના યુવાન માનસે હિંમત કરી તૂટેલા શેર બજારમાં કમાણી કરી આપી. '
મીનાબેન ત્રણ ત્રણ મહિનાથી બહારના બહાર રહેતા દીકરાને મળવા તડપતા હતાં. સમજદાર પુત્રના રૂપમાં પિતાના ધન્ધાને સંભાળી લેતા ચિન્મયને તેમણે 'મારો વહાલો ચીમુ બેટો' કહી છાતીસરસો ચાંપી દીધો. માની હૂંફમાં બેટાએ આજે દિવસો પછી સંતૃપ્તિ અનુભવી.
તરૂલતા મહેતા
(મારી વાર્તાઓને ઉમળકાભેર વાંચી રીવ્યુ આપવા બદલ આભારી છું )