Antim Viday in Gujarati Women Focused by JULI BHATT books and stories PDF | અંતિમ વિદાય

Featured Books
Categories
Share

અંતિમ વિદાય

બેઠકખંડ ના સોફાની બાજુમાં ઈશા આમ તેમ આંટા મારી રહી હતી. થોડી વારે સોફામાં બેસી જતી. ફરી પાછી ઊભી થઈ જતી. તેની નજર સતત મોબાઈલ પર અને દરવાજા પર મંડાયેલી હતી. “હમણાં બેલ વાગશે અને હોસ્પિટલમાથી કઈ સમાચાર આવશે. આમ અચાનક મમ્મીજીની તબિયત આટલી બધી કેમ બગડી ગઈ હશે! હે ભગવાન મમ્મીજી ને જલ્દી સારું થઈ જાય!” એટલામાં મોબાઇલની રીંગ વાગી. ઈશા એ અડધી જ રીંગે મોબાઈલ ઉપાડયો, “ ઈશા અમે મમ્મી ને લઈને ઘરે આવીએ છીએ.” પ્રેમે કહ્યું. ઈશનો શ્વાસ નીચે બેઠો, “હાંશ.” પરંતુ પ્રેમનો બીજો સંવાદ હતો, “મમ્મી હવે આ દુનિયામાં રહી નથી. “ઇશાના હાથમાથી મોબાઈલ પડી ગયો. તે ધબાંગ દઈને સોફા પર બેસી ગઈ. તેની આંખો ફાટી રહી. આગળ કઈ જ વિચારી ન શકી. રસોડામાથી નોકરાણી દોડીને આવી. “શું થયું ભાભી કહોને હોસ્પિટલમાંથી શું સમાચાર આવ્યા?” પણ ઈશા કઈ જ જવાબ ન આપી શકી. થોડી જ વારમાં એમ્બ્યુલંસ આવી પહોચી. ઈશા હજુ પણ સોફા પર જ બેઠી હતી. સ્ટ્રેચરમાં સુવડાવેલી યશોદાબેન ની લાશને જોઈને ઈશા કાળી ચીસ પાડી ઉઠી. “મમ્મીજી......!” આકાશ રીના ખુદ પોતે જ હિમ્મત હારી ચૂક્યા હતા એમાં ઈશાને આશ્વાસનના બે શબ્દો ક્યાથી કહે! સાથે આવેલા મિત્રોએ ઈશાને સાંત્વન આપ્યું. ઈશાની કાળી ચીસથી સોસાયટીના લોકો સમજી ગયા. સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું. ધગધગતા સૂર્ય ના પ્રકાશમાં પણ જાણે અંધારું છાવઇ ગયું! દરરોજ કિલકિલાટ કરતાં પક્ષીઓ પણ માળામાં લપાઈને બેસી ગયા. વૃક્ષોનું એક પાંદડૂય હલતું ન હતું. જાણે એ પણ આ શોકસભમાં આવીને બેઠા છે! આઠ સભ્યોથી કિલકીલી ઉઠતાં કુટુંબમાં કોઈના અત્યારે હાથ પગ કે હૈયું કામ કરતાં ન હતા. માત્ર આંખોમાથી અશ્રુધારા વહી રહી હતી. થોડી વારમાં પાડોશી, સગા સંબંધી એકઠા થયા. એક સ્વજને દેવેન્દ્રભાઈ ના ખભે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું, “ દેવેન્દ્રભાઈ હું સમજી શકું છુ , મારા બહેનની બહુ મોટી ખોટ પડી છે. પણ હવે આવ્યું કામ તો ઉકેલવું જ પડશે.” ધીમે ધીમે અંતિમ યાત્રાની તૈયારી શરૂ થઈ. યશોદાબેનને સ્વચ્છ પાણી વડે સ્નાન કરાવ્યુ. લગ્નની લાલ ચુંદડી પહેરાવવામાં આવી. તેના કપાળમાં કુમકુમ નો ચાંદલો કર્યો. ગાળામાં મંગળસૂત્ર અને હાથમાં લાલ ચૂડી પહેરાવવામાં આવી. ગાયનું છાણ લીપી જમીન પર સુવડાવવામાં આવ્યા. મોતની ચાદર ઓઢીને સૂતા હોવા છતાં તેમના ચહેરા પર અનેરી ચમક હતી. દેવેન્દ્રભાઈ ની નજર યશોદાબેનના ના ચહેરા પરથી હટવાનું નામ જ નથી લેતી. “લગ્નના પત્રીસ વર્ષથી આ ચહેરો આ શૃંગારમાં જોતો આવ્યો છું. શું આવતી કાલે મારી યશોદાનો ચહેરો મને જોવા નહીં મળે? તો મારી સવાર કેમ ઉગશે? નહીં નહીં....” દૂર ઉભેલો પ્રેમ તેના પિતા પાસે આવી ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. “જુઓને પપ્પા મમ્મી કેવી સૂતી છે! એને કહો બહુ સૂતી હવે જાગી જાય! નહીં જીવી શકીએ આપણે એના વગર.” પ્રેમ યશોદાબેન અને દેવેન્દ્રભાઈ નો સૌથી નાનો દીકરો. ઘરમાં સૌથી લાડકો. “પચીસ વર્ષનો થયો, પરણ્યો, એક દીકરાનો બાપ થયો તોય હજુ બાળપણ છૂટતું નથી. આ બહારથી આવીને માના ખોળામાં માથું નાખીને સૂતો.” યશોદાબેનના આ દરરોજના શબ્દો પડઘા પાડી પાડીને પ્રેમના કાને અથડાઇ રહ્યા હતા. જિદ્દી અને ગરમ મીજાજી પ્રેમને યશોદાબેન જ સંભાળી શકતા હતા . ક્યારેક ઈશા અને પ્રેમ ને ઝઘડો થાય તો બંને ને એવી રીતે વારી લે કે કોઈને દૂ:ખ ન લાગે. નાનપણમાં પણ પ્રેમ જીદ કરે તો યશોદાબેન તે પૂરી કરે. પણ પાછળથી પ્રેમથી સમજાવી તેને વારી લેતા. એક વખત સાયકલની જિદ્દ કરેલી એ સમયે એમની પરિસ્થિતિ બહુ સારી ન હતી. દેવેન્દ્રભાઈએ સાડીઓ ખરીદવા આપેલા પૈસાની યશોદાબેને પ્રેમને સાયકલ અપાવી દીધી. આ વાતની પ્રેમ મોટો થયો પછી તેને દેવકીમાસી પાસેથી ખબર પડી. બહારથી કોઈ ગાડીની ચાવી લેવા પ્રેમ પાસે આવ્યું. પ્રેમે ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો. ચાવીની સાથે ખિસ્સામથી એક પ્રિસ્ક્રીપ્શન નિકળ્યું. દસ દિવસ પહેલા આ પ્રિસ્ક્રીપ્શન યશોદાબેને પ્રેમને આપેલું. “બેટા આ દવાઓ લેતો અવાજે ને!” પ્રેમ દરરોજ સાંજે ભૂલી જતો. એક દિવસ યાદ કરી મેડિકલ સ્ટોર તરફ વાળ્યો. ત્યાં તેના મિત્રો મળી ગયા. “ચાલો ડિનર પાર્ટી કરીએ” ખિસ્સામાં હતા એટલા પૈસા ડિનર પાર્ટી મા વપરાઇ ગયા. પ્રેમ એ કાગળ તાકીને જોતો રહ્યો. દેવકીમાસી વાળી સાયકલની વાત અને પોતાની બેજવાબદારી ને સરખાવી પોતાની જાતને ધિક્કારતો રહ્યો.

સ્વભાવે પીઢ અને સમજુ આકાશ પણ આજે પોતાની જાતને સંભાળી શક્યો નહીં. પિતાના ખોળામાં માથું નાખી નાના બાળકની માફક રડી પડ્યો. રીના પણ તેની બાજુમાં આવીને બેઠી. “મમ્મી અમે તમારા વગર કેમ રહીશું?” આકાશ અને રીના બંને એકજ કંપનીમાં સર્વિસ કરતાં હતા. બંનેનું જીવન વ્યસ્ત રહેતું હતું. યશોદાબેન છેલ્લા ઘણા દિવસોથી કહેતા, “ બેટા થોડા દિવસની રજા લઈ લો ને! અહી મારી સાથે થોડો સમય વિતાવોને! પણ આકાશે બહુ ધ્યાન ન આપ્યું. નાનપણમાં આકાશને એક વખત ટાઇફોઇડ થયેલો. ત્યારે યશોદાબેને સતત ત્રણ દિવસ ઉજાગરો કરીને આકાશની સંભાળ લઈ તેને સાજો કર્યો હતો. આકાશના સ્મૃતિ પટ પર જ્યારે આ દ્રશ્ય આવ્યું ત્યારે તે પણ પોતાની જાતને પસ્તાવાની લાગણીથી છોડવી ન શક્યો.

ફરી શાંત અને ગમગીન વાતાવરણમાં ‘મમ્મી........’ ચીસ સંભળાઈ. આકાશ અને પ્રેમે પાછળ ફરીને જોયું. ફાલ્ગુની બંને ભાઈઓને ભેટીને હૈયાફાટ રડી પડી. દેવકી ઊભી થઈ ફાલ્ગુનીને સંભાળી. સાંત્વન આપી તેને બેસાડી. રસોડામાથી પાણી મંગાવી પીવડાવ્યું પણ નજર સામે મા નો મૃતદેહ હોય ફાલ્ગુનીના ગાળા નીચેથી પાણી કેમ ઉતરે! ભારે હૃદય અને ભીની આંખે દેવકીએ ધીરેથી ફાલ્ગુનીને કહ્યું, “ બેટા, કેટલા દિવસથી તારી મમ્મી ફોન કરીને તને બોલાવતી હતી. પણ તું ન આવી.” ફાલ્ગુનીના વિચારશૂન્ય મનમાં દેવકીના શબ્દો પડઘો બનીને પછડાયા.

યશોદાબેને ફાલ્ગુનીને માત્ર મા નહીં પણ મિત્ર બનીને ઉછેરી હતી. કોલેજ દરમિયાન તે અમરના પરિચયમાં આવી. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. સમય જતાં પરિવારજનો સુધી વાત પહોચી. બંને ભાઈઓ અને રૂઢિચુસ્ત પિતા આ સંબંધ થી રાજી ન હતા. યશોદાબેને અમરના પરિવાર અને ચાલચલણ વિષે તપાસ કરી. બધુ બરાબર હતું. તેથી પતિ અને બંને પુત્રોને સમજાવ્યા. પુત્રો તો માની ગયા પણ કડક અને સરમુખત્યાર સ્વભાવ ધરાવનાર દેવેન્દ્રભાઈએ આ વાત માન્ય ન રાખી. આખરે યશોદાબેને કહ્યું, “ “જો ફાલ્ગુનીના લગ્ન તેની મરજી વિરુદ્ધ અન્ય જગ્યાએ કરવામાં આવશે તો એ લગ્ન મા હું હાજરી નહીં આપું.” દેવેન્દ્રભાઈ સામે યશોદાબેન ની આ પહેલી અને છેલ્લી જીદ્દ હતી. ફાલ્ગુનીના માનસપટ પર આ બધી યાદો તાજી થઈ. માના મૃતદેહ તરફ ફરી નજર કરી, ફરી શબ્દોનો પડઘો પડ્યો, “કેટલા દિવસથી બોલાવતી હતી પણ તું ન આવી.” ફાલ્ગુની પોતાની જાતને કોસતી રહી.

દેવેન્દ્રભાઈ ની નજર તો યશોદાબેનના મૃત ચહેરા પરથી હટવાનું નામ જ નથી લેતી. કોલેજ ના વાર્ષિક સમારોહ મા ગીત ગાતા યશોદાબેનને જોઈ પસંદ કરેલા. ત્યારથી લઈ પ્રેમિકા, પત્ની, મિત્ર, માતા, સાસુ દરેક ભૂમિકા કુશળતા પૂર્વક ભજવી જનાર યશોદાબેન ની યાદોના પૂર દેવેન્દ્રભાઈના મનની સરીતા પર પુરજોશથી વહી રહ્યા છે. પરંતુ ગઈ કાલની યાદનું વહેણ કઈક વધારે જ વેગીલું છે.

દેવકી ઘરમાં પ્રવેશી. સીધી યશોદાબેન ના રૂમમાં ગઈ. યશોદાબેન અર્ધનિંદ્રામા આંખ બંધ કરીને સૂતા હતા . દેવકીએ હળવેથી તેને ચાદર ઓઢાડી. “અરે દેવકી, તું ક્યારે આવી?” “બસ અબીહાલ. તારી તબિયતના સમાચાર મળ્યા એટલે તરત નીકળી ગઈ. એક ફોન નહોતી કરી શકતી?” “પણ હવે સારું છે.” યશોદાબેને હાથનો ટેકો લઈ બેઠા થતાં જવાબ આપ્યો. પરંતુ દેવકીએ આ જવાબ સ્વીકાર્યો નહીં. “દીદી, મને તો સારું હોય એવું નથી લાગતું. આ તારો ચહેરો તો જો કેટલો ફિક્કો પડી ગયો છે! આંખ નીચે કુંડાળા , વળી શરીરમાં નબળાઈ કેટલી દેખાય છે!

યશોદાબેને બહુ કોશિશ કરી પણ દિલ નું દર્દ આંસુ બની આંખમાથી ગાલ પર સરી પડ્યું. દેવકીએ તેને ગળે વળગાડી લીધી. માથે હાથ ફેરવ્યો. ગાલ પરથી આંસુ લૂછયા. “મારૂ ઘર, મારો પતિ, મારા બાળકો કરી કરી આ જાત ઘસી નાખી. હવે પોતાના વિષે વિચાર કર.” દેવકી એ યશોદાબેનને ગ્લુકોઝનું પાણી પીવડાવી ફરી સૂવડાવી દીધા. “તું ચિંતા ન કર મને ખબર છે તારા ઘરના લોકો પાસે તારા માટે સમય નથી. પણ હવે હું આવી ગઈ છુ ને! તું સાજી થઈશ પછી જ જવાની છું. મે તારા જેવી ભૂલ નથી કરી. વિશાલ અને રીંકું-આદિ ને પોતાનું કામ પોતાની જાતે કરતાં શીખવ્યું છે. તેઓ થોડા દિવસ એડજસ્ટ કરી લેશે. દીદી તને ખબર છે? માણસ જેટલી વધારે અપેક્ષાઓ રાખે એટલો વધારે દુખી થાય! તું શા માટે એવી અપેક્ષાઓ રાખે છે કે ....”

દેવકી વધારે કઈ કહે એ પહેલા જ યશોદાબેને દર્દભર્યા અવાજે કહ્યું, “પણ દેવકી જ્યાં સ્નેહ હોય ત્યાં જ અપેક્ષાઓ હોય ને! કોઈ પારકી વ્યક્તિ પાસે થોડા આપણે હુંફ ની આશા રાખવાના! મને આકાશ, પ્રેમ કે ફાલ્ગુની નો અફસોસ નથી. તેઓ પોતાના જીવનમાં વ્યસ્ત છે. પણ દેવેન્દ્ર? એના અડધા વેણે હું ખડા પગે રહી છું. આજે એની પાસે પણ મારી પાસે બે ઘડી બેસવાનો સમય નથી! માથે હાથ ફેરવીને પૂછે કે તારી તબિયત કેવી છે? દેવકી ક્યારેક તો વિચારું છું દેવેન્દ્રના જીવનમાં મારૂ સ્થાન પત્નીનું છે કે દાસી નું?”

બંને બહેનો સુખ દૂ:ખની લેણ-દેણ મા એટલી મશગુલ હતી કે એમને ખબર જ ન હતી કે ઓફિસેથી આવી દેવેન્દ્રભાઈ બારણાં પાસે ઊભા ઊભા બંને બહેનોની વાતો સાંભળે છે. યશોદાબેન ની વાત હજુ પણ ચાલુ હતી. દેવકી, દેવેન્દ્રના મુખેથી હંમેશા સાંભળતી આવી છું, “યશોદા ચા બનાવી? યશોદા મારો રૂમાલ ક્યાં? યશોદા મારી ઘડિયાળ ક્યાં? યશોદા, બહુ ભૂખ લાગી છે આજે તારા હાથે રસોઈ બનાવજે અને દિવસભરની થકાન પછી, યશોદા, જરા પગ દબાવી આપને! બહુ થાક લાગ્યો છે.” એમણે ક્યારેય ન વિચાર્યું કે હું પણ દિવસભર કામ કરીને થાકી જતી હઈશ! ક્યારેક તો કહેવું હતું, “ યશોદા બેસ થાકી ગઈ હશ. પાણી આપું? આજે હું ચા બનવું અને આપણે સાથે ચા પીએ.” શું પતિ આવું ન કહી શકે? યશોદાબેન ને ઉધરસ ચડી. દેવકી એ તેને પાણી પીવડાવી સાંત્વન આપી સૂવડાવ્યા અને કહ્યું, “હું તારા માટે થોડી ચા બનાવીને લાવું છું. આપણે બંને બહેનો સાથે ચા પીશું.” દેવકી બારણાં તરફ વળી રસોડા તરફ જાય એ પહેલા દેવેન્દ્રભાઈ એ પોતાની જાતને ત્યાથી હટાવી દીધી. પરંતુ યશોદાબેન ના શબ્દોએ દેવેન્દ્રભાઈ ના મનને ઘેરી લીધું. બેઠક ખંડ અદાલત બની ગયો .યશોદાબેન ફરિયાદી અને દેવેન્દ્રભાઈ પોતે જ ગુનેગાર અને પોતે જ ન્યાયાધીશ. “ અરેરે અજાણતા કેવડી મોટી ભૂલ કરી બેઠો! યશોદાની વાત સાચી છે મે આવું ક્યારેય વિચાર્યું જ નહીં. હવે આવું નહીં બને. આજે છોકરાઓ અને વહુઓ ને કહી દઇશ, “હવે દરેક પોતાની જવાબદારીઓ જાતે સમજે. તમારી મમ્મી ને હવે આરામ આપો. હું પણ યશોદાને પૂરો સમય આપીશ. ગાડી, બંગલો, સારા કપડાં, આભૂષણો, સમાજ મા ઇજ્જત આપી હું એમ જ સમજતો રહ્યો મે યશોદાને બધુજ આપ્યું છે. પણ યશોદાના સ્ત્રીસહજ હૃદયની ગહેરાઈને કેમ ન સમજી શક્યો?”

“જીજાજી ચા.” દેવકી ત્રણ વાર બોલી પણ દેવેન્દ્રભાઈ હજુ પણ વિચારોમાં ખોવાયેલા હતા . ટિપાઈ પર ચાનો કપ મૂકવાના અવાજ થી તે જાગ્રત થયા. દેવકીના હાથમાં બીજો ચાનો કપ જોઈ તેને થયું કે લાવ ચા લઈ યશોદા પાસે જાવ અને મારા હાથે તેને ચા પીવડાવું! પણ એટલી વારમાં તો દેવકી યશોદાબેન ના રૂમમાં પહોચી ગઈ હતી. ફરી મન વિચારો ના ચગડોળે ચડ્યું, “નહીં હવેથી બધુ બદલાઈ જશે!” એટલી વારમાં અંદરથી દેવકીની ચીસ સંભળાઈ, “જીજાજી જલ્દી ડોક્ટરને બોલાવો દીદીને બહુ વસમું લાગે છે. પ્રેમ અને આકાશને પણ તરત ફોન કરી બોલાવી લીધા. ડોક્ટર આવ્યા. પણ ઘરે સારવાર શક્ય ન હોવાથી યશોદાબેનને તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજા દિવસે સવારમાં હોસ્પિટલમાં જ દેવેન્દ્રભાઈ ના ખોળામાં યશોદાબેને અંતિમ શ્વાસ લીધા.

અંતિમયાત્રાની તૈયારી થઈ ચૂકી હતી. યશોદાબેન ના પ્રાણે વિદાય લીધી પણ તેના પાર્થિવ દેહને વિદાય આપવાનો સમય આવી ગયો હતો. આકાશે પિતાને ઢંઢોળ્યા, “ ચાલો પપ્પા” કહી યશોદાબેન ની અર્થીને કાંધ આપવા નમ્યો.

“રહેવા દે... રહેવા દે.... આકાશ, તારી મમ્મીને જગાડ નહીં. તું જોતો નથી એ આરામથી સૂતી છે! આપણે હંમેશા આપણા વિષે જ વિચાર્યું છે. ક્યારેક એના વિષે પણ વિચારીએ. બહુ થાકી ગઈ હશે! એને આરામ કરવા દે. હું એના માટે પાણીનો ગ્લાસ ભરી લાવું છું. પછી આજે મારા હાથે ચા બનાવીશ. પછી અમે બંને સાથે બેસીને ચા પીશું.”

કોઈ કઈ સમજી ન શક્યા કે દેવેન્દ્રભાઈ આવું શા માટે કહે છે. દરેકની આંખમાં આંસુની વર્ષા હતી. પણ એ વર્ષામા વીજળીનો એક કડાકો દેવકીના હૃદયમાંથી પસાર થઈ ગયો. એ બધુ જ સમજી ગઈ. તે દેવેન્દ્રભાઈ પાસે ગઈ તેના ખભે હાથ મૂક્યો, ધીમેથી બોલી, “જીજાજી, બહુ મોડુ થઈ ગયું, હવે દીદીને પાણીનો ગ્લાસ કે ચાનો કપ નહીં અંતિમ વિદાય આપો.”

ચોધાર આંસુએ દેવેન્દ્રભાઈ દેવકી સામે તાકતા રહ્યા!