લગ્ન જીવનની સૌથી મોટી ખુશી માં-બાપ બનવામાં હોય. પણ કહેવાય છે ને કે કાંઈ મેળવવા માટે કાંઈક ખોવુ પડે અથવા સહેવુ પડે. બસ આ જ વાત માં-બાપ બનવા માટે પણ લાગુ પડે. માં પોતાના ગર્ભમાં તેના શીશુંને નવ મહિના સુધી રાખે એ બધાને ખબર છે પણ તે દરમિયાન શું શું સહન કરવુ પડે એ ખાલી માં ને જ ખબર હોય. તે જ રીતે એક પિતાને પણ તેના જીવનની બધીજ શક્તિ અને શ્રમ લગાવીને તેને પાલન કરે છે. આવી જ એક વાત એક માં-બાપની છે.
એક દિવસ એક ઘેર એક છોકરીનો જન્મ થયો. નવરાત્રીનો સમય હતો અને ઘોર બપોર જામ્યુ હતુ. હોસ્પિટલના ઓરડી આગળ બધા સગા સંબંધીની ભીડ જામી હતી. એક નર્સ ઓરડીની બહાર આવી અને કહ્યુ કે દિકરી જન્મી છે.... આ સાંભળીને બધા ખુશ તો હતા, પણ કોઇનું મન મુંઝવણમાં હતુ. તે માણસને જોઈને એવુ ભાષી રહ્યુ હતી કે તે ખુશ તો છે પણ કોઇક વાતથી દુભાય છે. તેની પત્ની આ બધુ જોઈને પણ ચૂપ હતી. કદાચ સાચા સમયની રાહ જોઈ રહી હતી.
થોડા દિવસો વીતવા લાગ્યા, બધુ સામાન્ય થઈ ગયુ હતું. બાળકીના પિતા, જે તેના જન્મથી ખુશ હોવા છતા ખુશ ન હતા તેમની જીંદગી એ બાળકીની આસપાસ ફરવા લાગી હતી. એટલે તેની પત્નીએ કશુ પણ પુછવુ માંડી વાળ્યુ.
જેમ જેમ દિવસ પસાર થવા લાગ્યા તેમ તેમ પિતાની જીંદગી તેની દિકરી થકી થવા લાગી. સવાર સાંજ બસ બધા વિચારો તેની દિકરીના જ. સ્વાભાવિક રીતે દિકરીને વધારે માયા એના પિતા સાથે હોય..... એટલે આની માયા પણ તેના પિતા સાથે બંધાવા લાગી. એટલી હદ સુધી કે તેના પિતા તેના માટે આદર્શ બની ગયા. દરેક વાતમાં પિતાના વિચારોની અને વર્તનની નકલ કરવા લાગી.
હજુ તો સમજ આવી જ રહી હતી કે એક ના ગમતો વળાંકનો સામનો થયો. જેમ દિકરી મોટી થવા લાગી કે તેના પિતા તેનાથી દૂર થવા લાગ્યા. ..વાણીથી, વર્તનથી અને દરેક વાતથી...એટલી હદ સુધી કે વાતચીત પણ ઓછી થઈ ગઈ. આ બધી ઘટના દિકરી માટે સામાન્ય ન'હોતી .તે સમજી ના શકી કે આવુ વર્તન કેમ?!.. દરેક એ દરેક દિવસ એક સજા રુપ લાગવા લાગ્યો. હ્રદય પર મોટા અણીદાર સૂર વાગવા લાગ્યા. દરેક નવા ઉગતા દિવસ સાથે એક આશા ઉગતી અને દરેક આથમતા સૂર્ય સાથે એની ધીરજ ખૂટતી. પણ હાર માનવી એણે શીખી નહતી એટલે નવા દિવસની નવી શરૂઆત કરતી. પરંતુ જેટલી નજીક એ તેની મંઝિલની જતી તેટલી જ ભૂલ તેના પિતા સામે થતી. આટલી ભૂલો કરતા જોઇ તેના પિતા વિચારવા લાગતા કે જીવનમાં આનુ શું થશે! ...આવો વિચાર પોતાના જ આદર્શ તરફથી સ્વીકારી શકાય તેમ નહતો. રોજ રાત્રે થાકેલી પાકેલી છતાંય ઉદાસ એકલી બેસી બધાથી છુપાવી ને રડ્યા કરતી. છુપાવા પાછળનું કારણ એ હતુ કે તેના પિતાને દિકરીનુ રડવું પસંદ ન હતુ.
પસાર થતા વર્ષો અને વધતી ઉંમર સાથે તેની ધીરજ છૂટી રહી હતી. હવે તો એની ઉંમર લગ્ન લાયક થઈ ગઈ હતી. પરંતુ તેને ના કોઈનો ખયાલ આવતો કે ના સ્વપ્ન. એક તરફ તેના મિત્રો સ્વપ્નમા તેમના રાજકુમાર શોધતા હતા તો બીજી તરફ દિકરીના મનમાં ફક્ત એક જ ઇચ્છા હતી. .. બસ જીવનની એકમાત્ર ઇચ્છા પિતાનો પ્રેમ હાસલ કરવાની . એ ચાહતી હતી કે એક વાર માત્ર એક વાર તેના પિતા એના માથે હાથ મૂકીને પ્યારથી પંપાળે. પણ એવુ બન્યુ નહિ અને તેના લગ્ન લેવાનો સમય આવી ગયો. હજુ સુધી દિકરીના મનમાં હતુ કે કોઇક તો ચમત્કાર થાય... !.. આમ વિચારતા વિચારતા વિદાયનો સમય થઈ ગયો અને દિકરી સાસરે ચાલી ગઈ.
તે દિવસથી તેણે નિર્ણય કર્યો કે હવે તેના પિતાની પાછળ નહિ ભાગે અને આગળની ખુશીઓ પર ધ્યાન આપશે. દિવસો જવા લાગ્યા અને દિકરી તેનુ લગ્નજીવન સુખેથી માંડવા લાગી. વચમાં કોઇ વાર તેને વિચાર આવતો હતો કે તેના પિતા થકી આવુ વર્તન કેમ? પણ પછી તે તેના મનને સમજાવી લેતી.
ઘણા વર્ષો વીતી ગયા, અને એક વાર બજારમાં તેની માં ને મળી. ઘણું મનને સમજાવ્યા પછી પણ પુછાય ગયુ કે મારા પિતાને મન હું કેટલી વ્હાલી? ... ત્યારે તેની માતા એ થોડુ હસીને જવાબ આપ્યો .
" ખુબ વધારે તો નહિ પણ તારા પિતાને માટે તુ એટલી જ વ્હાલી જેટલુ એક માણસ માટે એનો જીવ! તને ખબર પણ નથી કે તારી વિદાયની વેદના તારા પિતાને કેટલી હતી. અસહ્ય વેદના મક્કમ બની સહેવાની પરીક્ષામા તો પાસ થઈ ગયા પણ આજ સુધી તેમની જીંદગીને તારાથી અળગી કરવામા સફળ ના થઇ શક્યા. એક બાપને મન એની દિકરી ક્યારેય પારકી નથી થતી." માં એ બધી માંડીને વાત કરી, જે દિવસથી તારા પિતાએ તારો હાથ છોડવા તૈયારી કરી હતી તે દિવસથી જ પોતાના મન પર પથ્થર રાખ્યો હતો. જે માત્ર તને તારા પગ પર ઊભા રહેતા શીખવવા. તારી સામે ભલે વાત ન કરતા હોય પણ તારી નાનકડી વાતથી લઇ મોટી મોટી ઇચ્છાઓને તેમણે પુરી કરી છે. પછી એ સામેથી હોય કે બીજા થકી. બસ તારા એક હાસ્ય માટે તે બધુ છોડી દેવા તૈયાર હતા અને આજે પણ છે. જે દિવસે તારી વિદાય હતી તે દિવસ તને પોતાનાથી દૂર જતા જોવુ તે એક જ વાર મા સો મોત મરવા સમાન હતુ. માત્ર તે પહેલો અને છેલ્લો અવસર હતો જ્યારે તારા પિતાને રડતા જોયા હશે....
આ સાંભળીને દિકરીને તેની ભુલ સમજતા પશ્ચાતાપના આંસુએ રડી પડી. અને ત્યારથી જ તેને મન પિતાની ઇજ્જત ખુબ વધી ગઈ.