@@@ લાગણીની ચોટ... ભાગ :- ૧
એ ગામના પાદર માંથી પસાર થતી કાચી સડકના વળાંક આગળથી એક પગદંડી નીકળતી હતી. માત્ર એક વ્યક્તિજ ચાલી શકે એટલીજ એ પગદંડીની પહોળાઈ. આજુબાજુ અસંખ્ય ઝાડી ઝાખરા. દિવસે તો એ રસ્તા પર ચાલી શકાય પણ સૂરજ ઢળતા એ રસ્તા પર જવાનો કોઈ વિચાર પણ ન કરે. એમાંય જો ચોમાસાની ઋતુની વાત કરીએ તો તો થઈ રહ્યું. અન્ય ઋતુમાં મજબૂત લાગતી પગદંડી ચોમાસામાં કાદવ વળી લપસણી થઈ જાય એટલે એની પર ચાલવું જેવા તેવાનું કામ નઈ.
આ પગદંડી જ્યાં સમાપ્ત થતી ત્યાં થી શરૂ થતું એક માટીનું બનાવેલું કાચું ઝૂંપડું. ઝૂંપડું એટલે એક કાચું ઘર જેને ગોબરનું લીંપણ કર્યું હોય એવું માલુમ પડતું હતું. આ ઝૂંપડાની આજુબાજુ કુદરતે પુષ્કળ વૃક્ષો છુટા હાથે ઉછેરી દીધા હતા. વળી એમાંય ઝૂંપડાથી દસેક મીટર દૂર પાછળના ભાગમાં એક સુંદર ટેકરી અને ટેકરી પર એક પ્રાચીન અને લગભગ ખંડેર હાલતમાં માતાજીનું નાનકડું સ્થાનક. ત્યાં લોકો વર્ષમાં લગભગ એકજ વખત નવરાત્રીમાં આઠમના દિવસેજ દર્શન કરવા આવતા કારણ ટેકરી પર ચડવાનો રસ્તો ખૂબ દુર્ગમ હતો. એમાંય વળી યુવાનો છેક મંદિર સુધી પહોંચી શકતા બાકી ઘરડા બુઢા તો નીચે ઉભા ઉભાજ દર્શન કરી લેતા. આ ઝૂંપડાની જમણી બાજુથી એક નાનકડું બારમાસી વહેતુ ઝરણું પસાર થતું. વનરાજી, ટેકરી અને પાણીની સવલતના કારણે આ સ્થળ હંમેશા પક્ષીઓના કલરવ થી ઓર શુશોભીત લાગતું. આટલી સુંદરતા હોવા છતાં ગામલોકો એ તરફ ભાગ્યેજ આવતા. કારણ ગામમાં એવી વાત વર્ષોથી ચાલતી કે એ ભૂમિ શ્રાપિત છે. ત્યાં કોઈ રાતવાસો કરી ન શકે. ગોવાળો જો પોતાનું પશુધન ચરાવા એ તરફ ગયા હોય તો સૂરજ ઢળે એ પહેલાં ગામમાં આવી જતા.
તો વળી આવી શ્રાપિત ભૂમિમાં આ ઝૂંપડું કોનું? ,કોને બાંધ્યું હશે? અને એમાં રહેનાર એ વ્યક્તિ કોણ હશે? ક્યાંથી આવ્યો હશે? એવા જાત જાતના સવાલો લોક મુખે સદા સાંભળવા મળતા પરંતુ એ વ્યક્તિ ગામને કોઈ વાતે અડચણરૂપ ન હોવાથી ઉપરના સવાલો માં લોકો ઝાઝા ઊંડા ન ઉતરતા...
ગામ ખૂબ નાનું હોવાથી ભણવાની ઝાઝી સગવડ હતી નહિ. ગામમાં એક ખખડધજ શાળા શાળામાં દેશી નળીયા વાળો માત્ર એકજ રૂમ. માસ્તર પણ એકજ અને એ પણ મહિનામાં ભાગ્યેજ કાગળિયા કામ કરવા એકાદ બે વખત આવે. આખું ગામ અભણ અને ભોળું એથી સાહેબની બાબતમાં ઝાઝી પડાપૂસ ન કરે. સૌએ માનીજ લીધેલું કે શિક્ષણ કાર્ય આ રીતેજ થતું હશે.
એ માણસ જ્યારે નવો નવો આ ગામમાં આવેલો ત્યારે એના વર્તન ઉપરથી એ કોઈ પાગલ હશે એવું લોકોએ ધારેલું અને વિચારેલું કે એક બે દિવસમાં એ વળી બીજે ક્યાંક જતો રહેશે કારણ લોકો માનતા હતા કે ગાંડા ના ગામ ના હોય... પરંતુ આઠ મહિના વીતવા છતાં એ ક્યાંય ગયો નહિ,એને તો ગામના છેવાડે પોતાનો વસવાટ શરૂ કરી દીધો. શરૂઆતના બે એક દિવસ એ ગામમાં ભૂખથી પડ્યો રહ્યો પણ કહેવાય છે કે ગામડાના લોકોની મમતા અને દયાભાવ ખૂબ ઉચ્ચ કોટિના હોય છે તેથી દયાળુ ગામ લોકો માંથી થોડા લોકો એને ખાવાનું આપતા . થોડી શુદ્ધિ આવતા એ વ્યક્તિ ચાલી નીકળ્યો હતો એ દુર્ગમ સ્થાન તરફ જેનું વર્ણન આપે ઉપર વાંચ્યું. ત્યાં મહામુસીબતે એને એ કાચું ઝૂંપડું બાંધ્યું અને રહેવા લાગ્યો ત્યાં. એની દરેક હિલચાલ ની માહિતી ગોવાળો દ્વારા ગામ લોકોને ખબર તો પડીજ જતી પણ કોઈને સહેજ પણ નુકશાન ન હોવાથી કોઈએ એની રોક ટોક કરી ન હતી.
આ બાજુ ગામમાં જીવી ડોશી નું થોડું પાકું ગણી શકાય એવું મકાન અને મકાન માં એકલાજ રહે. જીવી ડોશી એટલે એક સમયે મૂળજી નામના દીકરા અને એની વહુ એક પૌત્રના પરિવારના મોભી. આખા ગામમાં સૌથી વધુ જમીન ધરાવનાર જાજરમાન ડોશી. ગામનું કોઈ પણ નવું કામ કે પંચાત માં મુખીની ભૂમિકા ભજવતા એ જીવી ડોશીનો માન મારતબો કોઈ મેયર થી સહેજ પણ ઓછો ન હતો. પરંતુ આજે એ મોટા ઘરમાં સાવ એકલા હતા. કોથરે અનાજની ઉણપ ન હતી પણ ઉણપ હતી તો પરિવારની. વાત જાણે એમ બનેલી કે બે વર્ષ પહેલાં અનરાધાર વરસાદ વરસેલો. ગામની પાસેથી પસાર થતા વોકળા ની બાજુમાજ જીવી ડોશીનું દસેક વિઘાનું ખેતરનું કટકું હતું. એ દિવસે એમનો દીકરો મૂળજી અને એની વહુ ખેતરે ગયેલા સાથે વળી એના ચાર વર્ષના દીકરા કાળું ને પણ લઈ ગયેલા. વોકળામાં વરસાદને કારણે પુષ્કળ પાણી આવેલું. મૂળજી એ જળની હાંસી કરવાનું સાહસ કર્યું. અને દીકરા કાળું ને ખભે બેસાડી સાથે એની વહુને લઈ વોકલો પાર કરવા અંદર ઉતર્યો અને પાણીના એક ઘુમરાવે ત્રણેય ને ડુબાડી દીધેલા. આખા ગામમાં એ દિવસે સોપો પડી ગયો હતો. જીવી ડોશી એ દિવસને યાદ કરે છે ને અનરાધાર આંસુએ રડી પડે છે. ત્યારથી એમનામાં પણ ગજબનું પરિવર્તન આવી ગયેલું. હવે એ ઓ પોતાનું ખેતર ભાગે આપી અને બને એટલું ધ્યાન ઈશ્વર ભક્તિ માં અને લોકોની સેવામાજ ગુજારતા થઈ ગયેલા. જીવી ડોશીના જીવનમાં આવેલ એ તોફાન પછી દરરોજ સવારે એ પોતે એ વોકળે દીવો કરવા જતાં અને પોતાના પરિવારની યાદમાં એકાંતમાં ઉના આંસુડાં સારી ભારે હૈયે ઘરે પાછા ફરતા. હજી પણ જીવી ડોશીને આઠ મહિના પહેલા થયેલો એ ભ્રમ યાદ છે કે જે દી એમને વોકળે થી પાછા ફરતા એ અજાણ્યા માણસને પહેલી વાર જોયો હતો. જોતાજ એમને જાણે થયેલું કે એમનો એકનો એક દીકરો મૂળજી જાણે પાછો આવી ગયો હતો. ડોશીને ખબર નઈ કેમ પણ એ અજાણ્યા વ્યક્તિ પ્રત્યે એક મમત્વ બંધાઈ ગયું હતું એમને એ વ્યક્તિમાં પોતાના મૂળજી નાજ દર્શન થતા હતા. એ દિવસથી ડોશી ગામમાં કોઈને ખબર ન પડે એમ છુપી રીતે એ અજાણ્યા માણસના ઝૂંપડે ખાવાનું આપી જતા. એ માણસ પણ ચૂપચાપ કઈ બોલ્યા વિના ખાવાનું સ્વીકારી લેતો અને જઠરાગ્નિ સંતોષી વળી પાછો શૂન્ય મનસ્ક બની ઝરણાને નિહાળ્યા કરતો. ડોશી પણ એને ખવડાવી વાસણ લઈ પોતાના રસ્તે ચાલતા થતા. એક શબ્દનો પણ કોઈ વાર્તાલાપ નહિ કે નઈ કોઈ સવાલ કે જવાબ... જીવી ડોશી રોજ ઘરેથી નક્કી કરીને જતા કે આજે તો એ માણસને એના વિશે પુછીજ લેવું છે કે એ કોણ છે? ક્યાંથી આવ્યો છે? કેમ આમ હમેશા મૂંગો રહે છે? પરંતુ એના ઝૂંપડે જતાજ જાણે ડોશીના હોઠ પણ સિવાઈ જતા. એ કશુંજ પૂછી ન શકતા.
જીવી ડોશીને પરિવાર ગુમાવવાની ચિંતાનું સ્થાન હવે એ અજાણી વ્યક્તિ વિશે જાણવાની તાલાવેલી એ લઈ લીધું હતું. માળા લઈને પ્રભુ ભક્તિમાં લીન થવાની ખૂબ કોશિશ કરે પણ જાણે એમનું ચિત એ વ્યક્તિ માંથી હટતું જ ન હતું. દિવસે દિવસે એના વિશે જાણવાની તાલાવેલી વધતીજ જતી હતી. પણ હંમેશા એક સવાલ પર આવી ડોશી અટકી જતા કે "એને પૂછવું કઈ રીતે...?" જેવી જિજ્ઞાસા એ ડોશીને થતી એવીજ જિજ્ઞાસા સૌ ગામ લોકોને હતી પણ કોઈ કઈ પૂછતાં ન હતા. ગામના થોડા લોકોને તો એ ચિંતા પણ પેઠી હતી કે શાંત અને સાવ નિર્દોષ લાગતો એ અજાણ્યો માણસ ગામને ક્યાંક કોઈ મોટી ઉપાધિ માં ન મૂકી દે. તો વળી કેટલાક લોકો એનું ખંડન કરતા કહેતા કે "નાના, એવું ન હોય એને કઈ નુકશાન કરવું હોત તો તો આજે આઠ નવ મહિના થઈ ગયા એ નુકશાન ન કરી નાખોત...? માણસ સાવ નિર્દોષ લાગે છે ભલે ને બિચારો આપણા ગામના આશરે જીવન ગુજારતો..." આવી બધી ધારણાઓ વચ્ચે હવે જીવી ડોશીની જિજ્ઞાસા ની પણ હદ આવી ગઈ હતી. સવારમાં એ માણસ નું ભાત તૈયાર કરતા કરતા એમને આજે તો નક્કી કરીજ લીધું કે આજે તો એ માણસ વિશે એ ને પુછીજ લેવું છે. અને ડોશી ભાત ઉપાડી ઉપડ્યા એ દુર્ગમ રસ્તે કે જ્યાં એના છેવાડે ગામમાં એ અજાણ્યો વ્યક્તિ આઠ નવ મહિનાથી આવીને વસ્યો હતો...
(વાર્તાનો ભાગ :- ૨ ક્રમશઃ...)
લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'