ડેવિલ : એક શૈતાન
ભાગ-૩૨
આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-ડેવિલ અર્જુન ને મારી નાંખવાનો પ્રયાસ કરે છે પણ એમાં અસફળ જાય છે-ડેવિલ પોતાની અર્જુન સાથે જૂની દુશમની ની વાત જણાવે છે-બિરવા નું બ્રેઇન વોશ કરી ડેવિલ એના દ્વારા પીનલ નું કિડનેપ કરાવે છે-પીનલ ના ગુમ થઈ જવા થી અર્જુન ખુબ દુઃખી થઈ જાય છે-ડેવિલ પીનલ ના દેહ માં શૈતાની શક્તી નો પ્રવેશ કરવા માટે કોઈ કેમિકલ બનાવવા મુકે છે-અર્જુન દ્વારા અમદાવાદ થી લાવેલો ડેટા ચેક કરતાં નાયક ના હાથે કોઈ લિંક લાગે છે-હવે વાંચો આગળ...
અર્જુન અત્યારે ગાઢ ઊંઘ માં સુતો હોય છે..પીનલ સાથે વિતાવેલી ક્ષણો ના હસીન સપના એની આંખો આગળ રમતા હોય છે તો ક્યારેક પોતાના આવનારા બાળક નો હસતો ચહેરો એની આંખો માં આવી રહ્યો હોય છે, ત્યારે નાયક નો "સાહેબ.. જાગો...સાહેબ" અવાજ સાંભળી અર્જુન ની આંખો ખુલી જાય છે.
નાયક નો ચહેરો અત્યારે એના માં રહેલા ઉત્સાહ અને ખુશી ની ચાડી ખાઈ રહ્યો હતો...અત્યારે આટલી બધી ગંભીર પરિસ્થિતિમાં નાયક ના મુખ પર ફેલાયેલ હાસ્ય અર્જુન ને કંઈ શુભ સંકેત આપી રહ્યું હતું એટલે એને તરત જ આંખો ખોલતાં જ પુછ્યું "હા નાયક બોલ એવી તો શું વાત છે કે આટલો ખુશ દેખાઈ છે...તારા ભાભી ની કોઈ ભાળ મળી ગઈ કે શું?"આટલું પુછતાં અર્જુન ના અવાજ માં એક આશા ની કિરણ હતી.
"ના સાહેબ ભાભી નો તો કોઈ પત્તો નથી લાગ્યો હજુ સુધી.."નાયકે નિરાશ થઈને કહ્યું.
"તો પછી એના સિવાય તો બીજી એવી કઈ ખબર લઈને આવ્યો છે...?"અર્જુન ના અવાજ માં પાછી નિરાશા ફેલાઈ ગઈ.
"સાહેબ કાલે તમે મને અમદાવાદ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ની ઓફીસ માં થી લાવેલ ડેટા ની સીડી આપી હતી...મેં આખી રાત એ બધો ડેટા ચેક કર્યો..અને મારી નજર માં એક કેસ આવ્યો..જે શાયદ આપણ ને આપણા શત્રુ ડેવિલ સુધી લઈ જાય" નાયકે પોતાના જોડે રહેલું એક કાગળ જેના પર કંઈક લખેલું હતું એ અર્જુન ને આપતાં કહ્યું.
અર્જુને નાયક ના હાથ માં રહેલ કાગળ હાથ માં લીધો અને એમાં લખેલું લખાણ વાંચ્યું..વાંચન પૂર્ણ કર્યા પછી અર્જુને નાયક સામું જોયું અને કહ્યું.."આતો પેલો કતારગામ રેડ વાળો કેસ છે ને..?"
"હા સર આપણે દોઢેક વર્ષ પહેલાં કોલેજ ના યુવક યુવતીઓ ની રેવ પાર્ટી માં રેડ કરી હતી એ જ કેસ છે..જેમાં વિન્ડ ફાર્મ એપાર્ટમેન્ટ ના પાંચમા માળે ચાલી રહી દારૂ અને ડ્રગ્સ ની પાર્ટી પર આપણે રેડ કરી હતી ત્યારે ભાગવાની ઉતાવળ માં એક યુવક ટેરેસ પર થી પછડાયો અને મૃત્યુ પામ્યો હતો.."નાયકે કહ્યું.
"હા નાયક મને એ યુવક ના મોત નું હજુપણ દુઃખ છે..એ વાત નો મને હજુપણ પસ્તાવો છે કે વગર કારણે એ યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો..આમ તો એ લોકો ગુનેગાર તો હતા પણ એમના ગુના ની સજા મોત તો નહોતી જ..આ ઘટના મારી ઉજ્જવળ કારકિર્દી માટે એક ડાઘ સમાન બની રહી..ભગવાન એની આત્માને શાંતી બક્ષે.."અર્જુને ઉપર જોઈ કહ્યું.
"સાહેબ તમને ખબર છે એ યુવક નું નામ શું હતું...?"નાયકે કહ્યું.
"હમ્મ...ક ઉપર થી કંઈક હતું.."અર્જુને લમણા પર હાથ મુકીને કંઈક વિચારતો હોય એવી અદા થી કહ્યું.
"કિશન.."નાયકે કહ્યું.
"હા કિશન..યાદ આવ્યું..."અર્જુને નાયક ની વાત સાંભળી તરત ઝબકારો થયો હોય એમ કહ્યું.
"હા કિશન..એ યુવક નું નામ કિશન હતું..પણ તમને ખબર છે..એનું પૂરું નામ શું હતું..એનું પૂરું નામ હતું..કિશન આર્યા...સન ઓફ ડોકટર આર્યા.."નાયક બોલ્યો.
"એનો મતલબ કે એ મશહુર સાયન્ટિસ્ટ ડોકટર આર્યા નો સુપુત્ર હતો..ઓહ માય ગોડ.. ત્યારે મારે એમની માફી તો માંગવી જ રહી.ડોકટર આર્યા ક્યાં હશે એ વિશે તપાસ કરવી પડશે..ભલે કિશન ની મોત મારા લીધે નથી થઈ પણ એનો જવાબદાર તો હું જ હતો ને.."અર્જુને ધીરા અવાજે કહ્યું..
"સાહેબ હજુ તમે એ નથી સમજ્યા જે હું કહેવા માગું છું...રાધાનગર માં બનતા દરેક ખુની ઘટનાક્રમ પાછળ ડોકટર આર્યા ની લખાયેલી બુક નો ઉપયોગ,કિશન નું તમારા લીધે થયેલું અપમૃત્યુ,ડોકટર આર્યા નું અચાનક તમને મળવું,અને ડેવિલ નો તમારી સાથે કોઈ જુની દુશમની ની વાત નો બદલો લેવાનું કહેવું...આ બધું એક સંયોગ માત્ર તો નથી.."નાયકે ચહેરા ની રેખાઓ તંગ કરી કહ્યું.
"એનો મતલબ તું એમ કહેવા માંગે છે કે ડોકટર આર્યા જ ડેવિલ છે..આ બધી ઘટનાઓ ને અંજામ ડોકટર આર્યા આપી રહ્યા છે અને એમનો જ હાથ છે પીનલ ના ગુમ થવા પાછળ..???"અર્જુને સવાલ સુચક દ્રષ્ટિ એ નાયક સામે જોઈ કહ્યું.
"હા સાહેબ હું એમ જ કહેવા માગું છું કે એ ખુની હત્યારો બીજું કોઈ નહીં પણ ડોકટર આર્યા જ છે.."નાયક ના અવાજ માં મક્કમતા હતી.
"હા નાયક તારી વાત માની પણ લઉં.. પણ ડોકટર આર્યા તો ફાધર થોમસ નું ખુન થયું એના બે દિવસ પહેલાં જ ઇન્ડિયા આવ્યા છે.."નાયક ની વાત સામે અર્જુને પોતાની વાત રજુ કરી.
"આ વાત તમને કોને કહી કે ડોકટર આર્યા ફાધર ના મોત ના બે દિવસ પહેલાં ઇન્ડિયા આવ્યા છે..?"નાયકે અર્જુન સામે જોઈ પુછ્યું.
"આ વાત તો મને ડોક્ટર આર્યા એ કહી હતી.."અર્જુન નો અવાજ ધીમો પડી ગયો.
"હા સાહેબ આ વાત તમને ડોકટર આર્યા એ કહી છે પણ તમે એની તપાસ કરાવી એમની વાત સાચી કેટલી?"નાયકે વેધક નજરે અર્જુન સામે જોઈ કહ્યું.
"ડોકટર આર્યા ખોટું બોલી રહ્યા હતા એનું કોઈ પ્રુફ ખરું..?"આંખો ઊંચી કરી અર્જુને નાયક ને પૂછ્યું.
"હા સાહેબ પ્રુફ છે..આ રહ્યો ઇન્ડિયન એમ્બેસી નો રિપોર્ટ..ડોકટર આર્યા છેલ્લે સાઉથ અમેરીકન દેશ કોસ્ટારીકા માં હતા..ત્યાંથી ઇન્ડિયા આવે નવ મહિના થઈ ગયા..ગત વર્ષ આઠમા મહિના ની બારમી તારીખે તે ભારત આવ્યા હતા..."પોતાની જોડે રહેલી એક પ્રિન્ટ અર્જુન ને આપતાં કહ્યું..!!
"એનો મતલબ તારી વાત સાચી પણ હોઈ શકે..પણ એ માટે કોઈ પાકું પ્રુફ હજુ સુધી મળ્યું નથી.."અર્જુન ને હજુપણ ડોકટર આર્યા જ ડેવિલ હોવાની નાયક ની વાત પર પુરો ભરોસો નહોતો.ડોકટર આર્યા સાથે થયેલી મુલાકાત માં એમનો વ્યવહાર અને એમનું પ્રખ્યાત નામ અર્જુન ના મન માં એમની ખરાબ છાપ હોય એની કલ્પના પણ થવા દે એમ નહોતો.
અર્જુન થોડી વાર ચુપચાપ બેસી રહ્યો પછી એને કંઈક સૂઝ્યું હોય એમ ચપટી વગાડી ને બોલ્યો.."યસ એક આઈડિયા છે..."
અર્જુને કોમ્પ્યુટર ઓન કર્યું અને ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી..સર્ચ માં જઈ ડોકટર આર્યા લખ્યું એટલે અલગ અલગ ઘણી માહિતી ડોકટર આર્યા વિશે ની અર્જુન ની નજરે ચડી..નાયક પણ કોમ્પ્યુટર સ્ક્રીન પર નજર ગડાવી બેઠો હતો.
અર્જુને વિકિપીડિયા વાળા ઓપશન પર ક્લિક કર્યું અને ડોકટર આર્યા વિશે ની માહિતી વાંચવની શરૂ કરી..જેમ જેમ અર્જુન વધુ વાંચતો ગયો એમ એમ ડોકટર આર્યા અને ડેવિલ વચ્ચે કોઈ સંબંધ જરૂર હોવો જોઈએ એ વાત અર્જુન ને સમજાઈ રહી હતી..અમુક અમુક માહિતી તો ડોકટર આર્યા જ ડેવિલ હોવાની વાત નો સ્પષ્ટ ઈશારો કરતાં હતાં.
***
"નાયક ફોરેન્સિક રિપોર્ટ માં નિખિલ અને આરઝુ ના બ્લડ સેમ્પલ પર થી માહિતી મળી હતી કે આવું જ બ્લડ સેમ્પલ આફ્રિકન દેશ કોંગો માં એક વ્યક્તિ ના શરીર માં થી મળી આવ્યું હતું...અને ડોકટર આર્યા પણ કોંગો માં ગરીબ લોકો ને પૈસા ની લાલચ આપી હ્યુમન બોડી પર રિસર્ચ કરવાની પ્રક્રિયા માં વિશ્વ અદાલત દ્વાર કસુરવાર પુરવાર થયેલા છે જેની સજા રૂપે એમને એક લાખ ડોલર નો દંડ અને દસ વર્ષ સુધી વૈજ્ઞાનિક પ્રવૃત્તિ માં થી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.."અર્જુને નાયક ને કોમ્પ્યુટર માં લખેલું એક લખાણ બતાવી કહ્યું.
"હા સર...અને તમને મળેલા પહેલાં લેટર ના શબ્દો યાદ છે..."અપમાન અને અશ્વત્થામા ની રાશી એક છે..એટલે જ બન્ને ના ઘા દુઃખે છે..ઝરે છે પણ રૂઝાતા નથી..વિશ્વ ના ખ્યાતનામ સાયન્ટિસ્ટ નું આ એક અપમાન જ હતું..અને એ અપમાન નો કડવો ધૂંટ ડોકટર આર્યા ને દસ વર્ષ સુધી ભરવો પડ્યો..આ દસ વર્ષ માં એ આર્થિક રીતે પણ પાયમાલ થઈ ગયા હતા..એટલે જ પોતાની જાત ને પુરવાર કરવાની ઈચ્છા એ પણ એમને આ શહેર માં આ ખુની ઘટનાક્રમ ને અંજામ આપવાની પ્રેરણા આપી.."નાયકે પણ પોતાની બુદ્ધિ નો પરિચય આપતા કીધું.
"એકદમ રાઈટ..નાયક ..આ સિવાય તે ડોકટર આર્યા નું આખું નામ વાંચ્યું...ડોકટર વેદિલ આર્યા.. ભારતીબેન ના હાથ પર લખાયેલાં પ્રથમ બે આલ્ફાબેટ...v.a" અર્જુન ના ચહેરા પર અત્યારે કેસ સોલ્વ કરી લીધો હોય એમ ખુશી દેખાઈ રહી હતી.
"હા સર..એનો મતલબ ડોકટર વેદિલ આર્યા જ ડેવિલ છે.."નાયક પણ અત્યારે આટલું બોલતાં પ્રસન્ન જણાતો હતો.
"હા નાયક એક બીજી વાત પણ યાદ આવી..મારા હાથ પર ફાધર થોમસે એક રક્ષા કવચ પુરો પાડતો દોરો બાંધ્યો હતો..જેની અસર થી શૈતાની શક્તિ મારા શરીર સુધી ના પહોંચી શકે પણ શ્વાન રૂપી એ શૈતાને જ્યારે મારા પર હુમલો કર્યો ત્યારે એ દોરો મારા હાથ પર નહોતો..ડોક્ટર આર્યા સાથે ની મુલાકાત બાદ એ દોરો મોજુદ નથી,એ વખતે જ ડોકટર આર્યા એ એ દોરો ગમે તે કરી તોડી નાંખ્યો હશે...ખરેખર ડોકટર તો ખુબ ચાલાક છે.."અર્જુને ડેવિલ બનેલા ડોકટર આર્યા ના વખાણ કરતાં કહ્યું.
"ભ્રષ્ટ થઈ ગઈ છે ડોકટર ની બુદ્ધિ...એનો અંત નજીક આવી ગયો છે..."નાયક ગુસ્સા માં બોલી રહ્યો હતો.
"હા એનો અંત નજીક જ છે...અરે નાયક પેન આપતો..."અર્જુને એક કાગળ હાથ માં લઈ નાયક જોડે પેન માંગી.
નાયક ના હાથ માં થી પેન લઈ અર્જુને કાગળ પર વારાફરથી ડેવિલ અને વેદિલ નો સ્પેલિંગ લખ્યો... પછી એક ભેદી મુસ્કાન સાથે કાગળ નાયક ને બતાવ્યો..
"નાયક જો આ સ્પેલિંગ.."D.E.V.I.L" અને "V.E.D.I.L"...બન્ને વચ્ચે ફક્ત ફરક છે તો પ્રથમ અને ત્રીજા આલ્ફાબેટ નો..VEDIL ના પ્રથમ અને ત્રીજા આલ્ફાબેટ ને પરસ્પર બદલી દેવામાં આવે તો બને DEVIL.. એક શૈતાન.."અર્જુન અત્યારે મક્કમ સ્વરે બોલ્યો.
"એનો મતલબ હવે ડોકટર આર્યા ને ગમે તે કરી પકડવા જ રહ્યા..પણ ક્યાં છુપાઈને બેઠો હશે એ શૈતાન..?"નાયક ગુસ્સા માં બોલ્યો..
"હા પીનલ સુધી પહોંચવા પહેલાં ડેવિલ રૂપી એ ડોકટર આર્યા સુધી પહોંચવું જરૂરી છે..પણ કઈ રીતે?"અર્જુન ચીંતા માં બોલ્યો.
***
અર્જુન અને નાયક હજુ ડોકટર આર્યા અત્યારે ક્યાં હશે એની તપાસ ની શરૂઆત ક્યાથીં કરવી એની પળોજણ માં હતા એટલા માં જાવેદ હાથ માં થોડા કાગળ લઈને અર્જુન ની કેબીન માં આવ્યો.
"ગુડ મોર્નિંગ સર.."અંદર આવતાં ની સાથે અદબ ભેર જાવેદે કહ્યું.
"વેરી ગુડ મોર્નિંગ જાવેદ..શું લઈને આવ્યો છે..?"અર્જુને પૂછ્યું.
"સર આ રહી તમને આવેલા ધમકીભર્યા કોલ ની ડિટેઇલ અને એ નમ્બર કોના નામે રજીસ્ટર છે એનું લિસ્ટ..."જાવેદે જોડે રહેલા કાગળ માં થી અમુક કાગળો અર્જુન ને આપી કહ્યું.
અર્જુને કાગળ હાથ માં લીધું અને બધા કોલ નું લિસ્ટ ચેક કર્યું..લાસ્ટ કોલ એના નમ્બર પર કરેલો હતો અને એ સીમ કોઈ શિવાનંદ પાંડે ના નામે રજીસ્ટર હતું. એડ્રેસ ઝાંસી,ઉત્તરપ્રદેશ...અર્જુને મગજ પર થોડું જોર આપતાં યાદ આવ્યું કે આ નામ તો એ ચોકીદાર નું છે જેનું ખુન સતનામ બિલ્ડર ની નવી બનતી બિલ્ડીંગ માં થયું હતું..કોઈએ એના મોબાઈલ ની ચોરી કરી હતી જેથી ભવિષ્ય માં એનો કોઈ ખોટા મકસદ માટે ઉપયોગ કરી શકાય એટલે એ નમ્બર ની ડિટેઇલ અત્યારે તો નકામી હતી કેમકે એ નમ્બર ત્યારબાદ સ્વીચઓફ જ આવતો હતો.
"જાવેદ મારા પર આવેલા કોલ ની ડિટેઇલ પર થી તો આગળ વધી શકવું અશક્ય છે..તું પીનલ પર આવેલા લાસ્ટ કોલ ની કોઈ વિગત લાવ્યો કે નહીં..?"અર્જુને જાવેદ સામે જોઈ ને કહ્યું.
"હા સર પીનલ ભાભી પર આવેલો છેલ્લો કોલ જે નમ્બર પર થી આવ્યો હતો એ નમ્બર કોઈ હેમંતભાઈ દેસાઈ ના નામે રજીસ્ટર છે...અને હેમંતભાઈ દેસાઈ નું એડ્રેસ છે...."જાવેદ બોલતો હતો ત્યાં એની વાત ને કાપતાં અર્જુન બોલ્યો..
"બંગલા નમ્બર B-14,સ્વસ્તિક સોસાયટી,પોસ્ટ ઓફીસ જોડે,રાધાનગર.."
જાવેદ અર્જુન ના શબ્દો સાંભળી પોતાની જોડે રહેલા પેપર પર નજર કરી બોલ્યો..
"હા સર...એકજેક્ટ આ જ એડ્રેસ છે...પણ તમે કઈ રીતે જાણો છો હેમંતભાઈ ને?"જાવેદે સવાલ કર્યો.. આજ પ્રશ્ન નાયક ના મન માં પણ અત્યારે ચાલી રહ્યો હતો કે અર્જુન કઈ રીતે હેમંતભાઈ ને ઓળખે છે.
"એ બધી વાત પછી કરીશું..પહેલા આપણે હેમંતભાઈ ના ઘરે જવું અગત્ય નું છે...નાયક તું અને જાવેદ ચાલો મારી સાથે...જેમ બને એમ જલ્દી હેમંતભાઈ ના ત્યાં પહોંચવું પડશે.. ત્યાં થી જ ડેવિલ સુધી પહોંચવાનું પગેરું મળશે.. અને પીનલ અત્યારે ક્યાં અને કઈ સ્થિતિ માં છે એની જાણ થશે..."અર્જુને ખુરશી માં થી ઉભા થતાં કહ્યું.
"યસ સર..અમે તૈયાર છીએ"નાયક અને જાવેદે પણ એક સુર માં કીધું.
ડુબતા ને તો તરણું પણ સહારો એમ હેમંતભાઈ દેસાઈ ના ઘરે થી જ પીનલ અને ડેવિલ વિશે ની કંઈક માહિતી મળશે એમ વિચારી અર્જુન,નાયક અને જાવેદ નીકળી પડ્યા વાયુ વેગે હેમંતભાઈ દેસાઈ ના ઘર તરફ જવા માટે..!!!
***
અર્જુન પોતાના સુધી પહોંચી તો નહીં જ શકે એ વાત ના અભિમાન માં ખોવાયેલા ડોકટર આર્યા એટલે કે ડેવિલ અત્યારે પોતાના ડેવિલ હાઉસ માં બાથટબમાં પડ્યા પડ્યા સ્નાન લઈ રહ્યા હતા.
દસ દસ વર્ષ સુધી એક નાનકડી ભુલ ના લીધે પોતાના સાયન્ટિસ્ટ તરીકે નું પ્રમાણપત્ર રદ કરવું એ ડોકટર આર્યા માટે એક દુઃસ્વપ્ન બની રહ્યું હતું.એમના જક્કી સ્વભાવ અને પોતાના પતી ની બદનામી ના લીધે એમની પત્ની સુલોચના એ પણ સુસાઇડ કર્યું હતું એટલે દીકરા કિશન ને સાચવવાની જવાબદારી ડોકટર આર્યા પર આવી ગઈ હતી..વધુ પડતાં લાડ કોડ માં કિશન ખરાબ સોબતો ના રવાડે ચડી ગયો અને ડ્રગ્સ નો વ્યસની બન્યો.
વિદેશ માં કિશન ની આ હરકતો એને જેલ ની સજા પણ આપી શકે એમ હોવાથી ડોકટર આર્યા એ કિશન ને ઇન્ડિયા મોકલી દીધો કેમકે એ જાણતા હતાં ભારત માં પૈસા ના જોરે પોતાના દીકરા ને પોતે કંઈ નહીં થવા દે.
કોંગો માં કરેલા જીવતા મનુષ્ય પર ના એક્સપરિમેન્ટ પછી ડોકટર આર્યા આજે પ્રથમ વાર પીનલ ના દેહ માં DNA ટ્રાન્સફોર્મ અને શૈતાની તાકાતો ને પ્રવેશ કરવાની વિધિ કરવાના હતા..બસ સાંજ સુધી માં જરૂર મુજબ ના કેમિકલ તૈયાર થાય એની રાહ જોવાતી હતી.
જુદાં જુદાં માફિયા ગેંગ ના સંપર્ક માં આવ્યા પછી ડોકટર આર્યા જોડે પુષ્કળ રૂપિયા આવી ગયા હતા..કોઈ ગેંગ ના કોઈ વ્યક્તિ ની હત્યા કે મોત થઈ જાય તો એ જાણતો હોય એ બધી છુપી વાતો પણ એની સાથે દફન થઈ જાય..ડોકટર આર્યા આવી ગેંગ ને કોઈ ખુફિયા વાત જાણવાની જરૂર હોય તો એ વ્યક્તિ ની આત્મા નો એના શરીર માં પુનઃપ્રવેશ કરવી એમને જોઈતી માહિતી કઢાવી આપતાં.. જેના બદલા માં એમને મોં માંગી રકમ મળતી.
એમાં પણ મેક્સિકો માં ડોન ડિયાગો ના જમણા હાથ સમાન વિક્ટર જુડો જોડે થી એની હત્યા પછી પણ ૪૦૦ મિલિયન ડોલર ના ડ્રગ્સ ને ક્યાં છુપાવાયું છે એની માહિતી કઢાવ્યા પછી તો અંડરવર્લ્ડ અને બે નમ્બર ના ધંધા વાળા લોકો વચ્ચે ડોકટર આર્યા નું બહુ મોટું નામ થઈ ગયું હતું.
દીકરા ના મોત અને પોતાની સાથે થયેલા વ્યવહાર નો આજે બદલો લેવાઈ જવાનો હતો..મનોમન ડોકટર આર્યા ને એમ હતું કે કોઈ જાણી નહીં શકે કે ડેવિલ આખરે કોણ છે અને આ બધું કેમ કરતો.આમ પણ દરેક ગુનેગાર ને એમ જ હોય કે પોતાને કોઈ પકડી નહીં શકે કે હરાવી નહીં શકે.
અર્જુન પીનલ સુધી પહોંચે એ પહેલાં પોતે અર્જુન ની મદદ કરી પીનલ નું જાહેર માં ખુન કરાવશે અને લોકો ની નજરો માં વાહ વાહી લૂંટશે.પોતાના પર લાગેલા બદનામી ના ડાઘ આ રીતે ધોવાઈ જશે અને દુનિયા ભર માં પોતાની ખ્યાતિ ફેલાઈ જશે એની ડોકટર આર્યા ને ખાત્રી હતી.એક ડેવિલ એક ફિલ્મી નાયક બનવાનો હતો એ વિશે વિચારી ડોકટર આર્યા અત્યારે લુચ્ચાઈ ભર્યું સ્મિત કરી રહ્યા હતા.
શતરંજ ની બીસાત લાગી ગઈ હતી..પાસાં ફેંકવાના બાકી હતા..કોણ કોને માત કરવાનું છે એતો સમય ના જ હાથ માં હતું..પણ આવનારા બાર કલાક અર્જુન,પીનલ,બિરવા,અને ડોકટર આર્યા ની જીંદગી ના સૌથી મહત્વ ના બાર કલાક બનવાના હતા એમાં કોઈ નવાઈ નહોતી.જીંદગી અને મોત ની રમત માં કોને કેટલા ઘા સહન કરવાના બાકી હતા એ તો ભવિષ્ય ની ગર્ત માં જ ધરબાયેલું હતું.
***
To be continued.....
હેમંતભાઈ દેસાઈ કોણ છે? ડેવિલ પીનલ ના દેહ માં શૈતાન નો પ્રવેશ કરવી શકશે? અર્જુન ડોકટર આર્યા નો અસલી ચહેરો દુનિયા સામે લાવી શકશે? ડોકટર આર્યા ડેવિલ સ્વરૂપે અર્જુન સાથે બદલો લઈ શકશે? આખરે શું હશે અંત? જાણવા માટે વાંચો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે..
આ નવલકથા એના અંત તરફ આગળ વધી ગઈ છે..અત્યાર સુધી જે રીતે આપ સૌ નો પ્રેમ અને સહકાર મળતો રહ્યો છે એ માટે હું આપનો ખરા દિલ થી ઋણી છું..ભવિષ્ય માં પણ વધુ સારું લખાણ આપ માટે લાવતો રહીશ.
ઓથર:- જતીન. આર. પટેલ