" પ્રેમ " માં અઢી અક્ષર એટલે જ છે કે એક અક્ષર પ્રેમ કરનારનો , તો
બીજો અક્ષર સામે પ્રેમ આપનાર માટે અને અડધો અક્ષર પરસ્પર માટે રહેલા પ્રેમનો....
આખા અક્ષર એ બે વ્યક્તિ માટે અને પ્રેમ માટે અડધો અક્ષર એવો પ્રશ્ન થાય પણ એનું કારણ એ કે પ્રેમ હંમેશા અધુરો જ હોય ક્યારેય પ્રેમ પૂરો થઈ જ ના શકે. જ્યારે પણ મળો કે જુઓ સતત પ્રેમ વધ્યા જ કરે તે વ્યક્તિના દોષમાં પણ ગુણ જોતા આવડી જાય છે તે પ્રેમ છે. સાચા પ્રેમને સંતોષ ક્યારેય ના થાય. એકબીજાને ખુશી આપવા, એનું સારૂ ઇચ્છવામાં, જોવામાં પ્રીત વધ્યા જ કરે એટલે જ પ્રેમને લોકો પાગલ પણ કહે છે. પણ અત્યારે જે રીતે તેનો અર્થ યુવા પેઢી સમજે છે તે આંશિક ખોટો અર્થ છે. રાધા-કૃષ્ણના પ્રેમ ને સૌ કોઈ જાણે તેવોજ વિશેષ પ્રેમ ગોપીઓ અને કૃષ્ણનો પણ છે એ પ્રેમને સમજવામાં ઘણાં જ્ઞાનીઓનું જ્ઞાન ટૂંકુ પડ્યું હતું.
આ પૃથ્વી પર આવ્યા છીએ એટલે પ્રેમથી તો સૌ કોઈ સાથે રહેવાનું જ.અને ખરી વાત એમ છે કે પ્રેમ જ બધુ છે તે સિવાય જીવન જીવવું... સુખેથી જીવવું મુશ્કેલ છે. પણ સાચા પ્રેમનો જો આનંદ માણવો હોય તો બે હાથ વાળા મનુષ્ય કરતા તેના રચનાકાર હજારહાથ વાળા ઈશ્વર સાથે પ્રેમ થઈ જાય અને પછી જે અલૌકિક આનંદ મળે છે તે આનંદ લૌકિકમાં નહિ.
મૃત્યુ સુધી આપણી આસપાસના લોકોને પ્રેમ ન કરવો એવું હું નથી કહેતી. તેમને પ્રેમ તો અપાર આપવાનો જ છે પણ એમના મોહમાં ફસાઈ જવાનું નથી. મોહ આસક્તિ તો માત્ર ઈશ્વરમાં જ રહેવી જોઈએ. ૧૪ ફેબ્રુઆરી એ પ્રેમનો દિવસ અને વસંત એટલે પ્રેમની ઋતુ એવું કહેવામાં માનવામાં આવે છે. પણ આવા પ્રેમના કોઈ એક દિવસ કે કોઈ એક ઋતુ ન હોય. તે તો અપાર હોય, નિરંતર વૃદ્ધિ ધરાવતો હોય પ્રેમમાં તો ઓટને સ્થાન જ નથી માત્ર ને માત્ર ભરતી જ હોય છે.
ગોપીઓને તો પ્રેમની સાચી ગુરૂ માનવામાં આવે છે. પ્રેમની કોઈ ચોક્કસ પરિભાષા આપી જ ના શકાય પ્રેમનું તો એવું છે કે તેને નેત્રથી, શબ્દથી, સ્પર્શથી, વર્તનથી, વિશ્વાસથી માનથી બસ સ્વજનોને એનો અહેસાસ કરાવવાનો હોય છે. એ જ સાચો પ્રેમ છે મહાજ્ઞાની ઉદ્ધવ ને પણ ગોપીઓએ ભક્તિભાવના પ્રેમથી ભીંજવી નાખ્યા...અને અનેક દલીલ પછી ઉદ્ધવ કબૂલી જાય છે કે " સબસે ઊંચી પ્રેમ સગાઈ " જ્યાં જ્ઞાન પણ પીગળી જાય છે.
પ્રેમમાં સહજતા હોય સરળતા હોય, કોઈ દિવસ પ્રેમ ભરેલા દિલને આ કરો.. તે કરો..એવા સૂચનો કહેવા નથી પડતા. બસ બધુ જે પ્રિયજન માટે શ્રેયકર છે તે સહજતાથી થઈ જતું હોય છે એ જ પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં સુચનને સ્થાન નથી હોતું. કંઈ કહ્યા વગર જ બધું, એકમેકની વાતો, સારું-નરસું સમજાઈ જાય અને તેવા કાર્યો થઈ પણ જાય છે.
પ્રેમ માટે એક પંક્તિ યાદ આવે છે કે "પ્રેમની કડી સર્વથી વડી". પ્રેમ જ મુખ્ય છે પણ આ પ્રેમ કોઈ પ્રેમી-પ્રેમિકા, પતી-પત્ની, કોઈ અત્યારના સમયના લોકો જે સમજે છે તેવા આછકલા પ્રેમની વાત નથી. અત્યારના ઝડપી યુગમાં પ્રેમ પણ ઝડપી થઈ જાય અને ઝડપી તૂટી પણ જાય છે. ચીકલેટ્સ, ગિફ્ટ, ખર્ચાઓ, દેખાદેખી, સ્ટેટ્સ, આવા બધા ચક્રવ્યૂહમાં અત્યારનો પ્રેમ ફસાયેલો હોય છે. જેનો કોઈ અર્થ જ નથી. અત્યારના યુવાઓનો પ્રેમ એ આકર્ષણ થઈ ગયો છે.ઘણીવાર તો પ્રેમ શારીરિક સંતોષનુ રૂપ બની જતો જોવા મળે છે...વાસ્તવમાં પ્રેમ તો પવિત્ર અને બંધનમુક્ત હોવો જોઈએ, પ્રેમમાં સામેના પાત્ર માટે સહર્ષ સમર્પણ હોવું જોઈએ.
અત્યારના સમયમાં યુવક-યુવતીઓ જે પ્રેમની વાતો કરે છે, કસમો ખાય છે, મરી જવાની, અરે મારી નાખવાની વાતો કરે છે. એ ખરેખર વાસ્તવમાં પ્રેમનો એક છાંટો પણ નથી એ છે માત્ર ને માત્ર આકર્ષણ,જુનૂન, પાગલપણ અને ગાંડપણ. પ્રેમમાં ક્યારેય બંદીશ ન હોય જ્યારે આજના સમયમાં પ્રેમ કરે એટલે કે જાણે તે વ્યક્તિ પર પોતાનો કોપીરાઈટ હોય તેમ વર્તે. તે કહે એટલું જ કરવાનું, તેમ જ જીવવાનું,કહે એમના જોડે જ બોલવાનું અને જો ન કરીએ તો બ્લેકમેઇલ કરવાના કિમીયા.. મરી જવાની ધમકી વગેરે વગેરે... અરે દોસ્ત આ તો કંઈ પ્રેમ કહેવાય ???
પેલા નાના છોકરાઓ સાબુ વાળા પાણીમાંથી રંગબેરંગી ખુબસુરત પરપોટા હવામાં ઉડાડેને જે જોવાની આપણને પણ મજા આવે. આજનો પ્રેમ પણ કંઈક એવાજ રંગબેરંગી પરપોટા જેવો છે. લાગે જોવામાં સરસ થોડોક ઊંચે ઉડે ત્યાં દેખાતો બંધ થઈ જાય.
અરે, દોસ્ત ! પ્રેમ કરો જ છો તો પેલા એમની પાસેથી અપેક્ષા રાખવાની મૂકી દો, બસ પ્રેમ કરો. પ્રેમમાં કોઈ શરત ન હોઈ.. કોઈ ફરિયાદ ન હોઈ.. માંગણી ન હોઈ...
પ્રેમ શબ્દને આજના ઘણા લોકોએ સસ્તો કરી મુક્યો છે પ્રેમ જેટલો મહાન છે તેટલી મહાનતા તેની અત્યારના જળવાતી નથી પ્રેમને આછકલો બનાવી દીધો છે.આમ તો પ્રેમની કોઈ પરિભાષા જ ન થઈ શકે છતાં મારી નજરે અપાર પ્રેમ એટલે --
એના સન્માનની ચિંતા એનાથી વધુ આપણને હોય..પ્રેમ તો એ છે કે જેમાં I LOVE YOU કેહવાના ફરજની જરૂર નથી..પ્રેમમાં એની ખુશી જ આપણી ખુશી બની જાય છે..પ્રેમ તો એ છે કે એની નાની નાની તકલીફ પણ આપણને મોટી લાગે..પ્રેમ તો જ લાંબો ટકે જો એને વિશ્વાસ અને માનના કવર સાથે આપવામાં આવે...
સાચો પ્રેમ કરનાર, બદલામાં અપેક્ષા ક્યારેય નથી રાખતો તે માટે તો તે વ્યક્તિને ખુશ રાખવી અપાર પ્રેમ કરવો એ જ જીવન હોય છે..ઘણું કરીએ છતાં એવું લાગે કે હજુ એમના માટે કંઈ નથી કરી શકતા તે પ્રેમ છે..
નામ ની ઓળખાણ ના હોય છતાં માત્ર આંખોની ઓળખાણથી જ દિલ ખુશ થઈ જતું હોય તો તે પણ પ્રેમ છે...પ્રેમની કોઈ સીમા નથી તે તો અપાર છે.અનુપમ સૌંદર્ય થી ભરપૂર છે. પ્રેમ છે તો જ જીવન છે.
પ્રેમ શબ્દ સાંભળતા જ આપણને રાધા-કૃષ્ણ તરત જ યાદ આવે પરંતુ પ્રેમ એ કોઈ પ્રેમી-પ્રેમિકા પૂરતો જ સીમિત નથી. પ્રેમની પરિભાષા ખુબજ ઊંચી ને ઉત્તમ છે.સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્યધનનો મેવો છોડી વિદુરની ભાજી સ્વીકારી તે પ્રેમ.શબરીના એંઠા બોર ચાખ્યા તે છે પ્રેમ.વ્રજની ગોપીનો કૃષ્ણ માટેનો ભાવ તે છે પ્રેમ...લાખ ફરિયાદો કરશે, પરંતુ પણ જો કોઈ એના માટે ફરિયાદ કરે તો તેના માટે લડી લેશે તે છે પ્રેમ...પ્રેમ ક્યારેય પૂરો નથી થતો તે તો સમય મુજબ પરિવર્તન પામે છે.આજના સમયમાં એવી ફરિયાદો સાંભળવા મળે છે કે તમે મને પ્રેમ નથી કરતા કે પેલા ની જેમ પ્રેમ નથી કરતા.. અરે ! શરૂઆતમાં I LOVE YOU કહેવાતું પણ હવે એમ કહે તારું ધ્યાન રાખજે તે પ્રેમ જ છે.પહેલા અપાતી ચોકલેટ ને ગિફ્ટના હાથ હવે માંદગીમાં દવા આપે તે પ્રેમ જ છે.દુનિયા સામે ભલે આપણને ના કહે કે I LOVE YOU પણ દુનિયાને આપણા પર આંગળી ચીંધવા ના દે તે પ્રેમ જ છે....
"જન્મ પ્રેમ..મૃત્યુ પ્રેમ...પ્રેમ સૌથી પરે..
કુંતિજી એ તો દુઃખને પણ કર્યો છે પ્રેમ
આ જગતમાં અપાર પ્રેમ કરે તે જ તરે..."