No return - 2 part - 26 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-26

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નો રીટર્ન-૨ ભાગ-26

નો રીટર્ન-૨

ભાગ-૨૬

છક થઇને હું શબનમને જોઇ રહયો. માનવામાં નહોતું આવતું કે એક ઔરત અમને લેવા આવી હતી. મારી જેવી જ હાલત દિવાન સાહેબની હતી. રાજનનાં અપહરણમાં એક સ્ત્રી પણ શામેલ હોઇ શકે એ જાણીને તેમને પણ ઝટકો લાગ્યો હતો.

“ દિવાન સાહેબ, તમારે મારી સાથે આવવાનું છે. ” શબનમ એકદમ અમારી નજીક આવીને બોલી હતી. મતલબ કે તે દિવાન સાહેબને જાણતી હતી, આશ્વર્યનો બીજો ઝટકો મને લાગ્યો.

“ હું પણ સાથે આવીશ...!” એકાએક જ મારાથી બોલી જવાયું. શબનમ ખચકાઇને મારી સામું જોઇ રહી. તેને તો ફક્ત દિવાન સાહેબને લાવવાનો હુકમ થયો હતો. આ બીજા માણસ વીશે તો તેને કશું કહેવાયું નહોતું. તે મુંઝાઇ ઉઠી.

એભલનું પડખું સેવવાનાં બદલામાં તેને મબલખ રૂપિયા દેખાતા હતાં, એટલે જ તેણે એભલને ઉશ્કેર્યો હતો કે તે તેં માલીક પાસે પોતાની ડિમાન્ડ વધારે, પરંતુ એવું કંઇ થાય એ પહેલાં ઇકબાલખાનને રાજનનાં મામલામાં એભલ સંડોવાયો હોવાની ભનક લાગી ગઇ હતી. ઇકબાલ તેનાં સુધી પહોંચે એ પહેલાં તેઓ બંને ખોલી છોડીને ભાગા છૂટયા હતાં અને એક હોટલમાં રૂમ રાખીને રોકાયા હતાં. એભલનાં કથીત માલીકનો ફોન આવતા તે ચાલ્યો ગયો હતો અને છેક સાંજે તેનો ફોન આવ્યો હતો કે તેણે ઇન્દ્રગઢનાં દિવાન સાહેબને મોડીરાત્રે લેવા જવાનાં છે. તેને લેવા એક કાર હોટલે આવી હતી જેમાં બેસીને તે અહીં રાજમહેલે પહોંચી હતી પરંતુ અહીં તો કંઇક અલગ જ પરિસ્થિતી સર્જાઇ હતી. એક ને બદલે બે માણસો તેની રાહ જોતાં ઉભા હતાં. હવે શું કરવું જોઇએ એ સમજમાં ન આવતા ફોન કાઢી તેણે એભલનો નંબર ડાયલ કર્યો.

“ એભલ...! તે તો ફક્ત દિવાનને જ લાવવાનું કહ્યું હતું ને..! અહીં તો કોઇ બીજો વ્યક્તિ પણ સાથે આવવા તૈયાર થયો છે....”

“ બીજો વ્યક્તિ...? કોણ છે એ...? ”

“ એ તો તને ખબર હોયને...! તે મને અહીં મોકલી છે.”

“ બેવકુફ, બાફવાનું બંધ કર, જો તેમને ખબર પડી જશે કે આ મામલામાં તને કંઇ જ ખબર નથી તો એ લોકો તારો ફાયદો ઉઠાવશે. તું ફોન પેલા દિવાનને આપ...” એભલસીંહ ફોનમાં જ વરસી પડયો. એ દરમ્યાન શબનમે ફોન દિવાન સાહેબનાં હાથમાં પકડાવ્યો હતો. પરંતુ દિવાન સાહેબ કંઇ બોલે એ પહેલાં તેમનાં હાથમાંથી ફોન મેં રીતસરનો ઝૂંટવી લીધો હતો.

“ હેલ્લો...! તમે જે કોઇ પણ હોંવ, પરંતુ જો તમારે આ સોદો કરવો હોય તો દિવાન સાહેબ સાથે મને પણ રાખવો પડશે. મારી વગર તમારી એકપણ શરત મંજૂર રાખવામાં નહીં આવે...” હું આવેશપૂર્ણ અવાજમાં બોલી ઉઠયો. મને ખબર હતી કે મારી આ બાલીશ હરકતથી રાજનનો જીવ ખતરામાં મુકાઇ શકે તેમ છે છતાં મેં એક ચાન્સ લીધો હતો. મારે જાણવું હતું કે ખરેખર આ બધું શાં માટે બની રહયું છે...? આ લોકો કઇ ચીજ પાછળ દોડી રહયાં છે...? મારી ઉત્તેજનાં આ ઘટનાઓનું મૂળ જાણવાં ચરમસીમા વળોટી ચૂકી હતી અને સત્ય હકીકત જાણવાં હું કોઇપણ હદ સુધી જવા તૈયાર હતો. મારા જ રાજ્યમાં, મારી જ નજરોની સામે, ઇન્દ્રગઢનો ઉચ્ચ હોદ્દો શોભાવતા દિવાન સાહેબ સાથે કોઇ ધૂર્ત માણસો તેમનાં પુત્રનું અપહરણ કરીને સોદાબાજી કરે એ કેમ સાંખી લેવાય...? તેમાં મારો અહમ્ ઘવાતો હતો.

“ અરેપણ તમે છો કોણ...? અને ફોન દિવાનને આપો. હું દિવાન સીવાઇ બીજા કોઇ સાથે વાત કરવા માંગતો નથી...” સામા છેડેથી કહેવાયું.

“ તમારે વાત કરવી જ પડશે. જો તમારે ઇન્દ્રગઢની લાઇબ્રેરીમાં તપાસ કરવી હોય અને પેલી છોકરી શું લઇને ભાગી છે એ જાણવું હોય તો તમારે મારી સાથે વાત કરવી જ પડશે...! ” મેં મક્કમતાથી કહયું. સામા છેડે સન્નાટો છવાઇ ગયો. કદાચ તેણે આવા જવાબની અપેક્ષા રાખી નહીં હોય. હું ફોન કાને રાખીને એ ખામોશીમાં થતો ખળભળાટ સાંભળી રહયો. મને ખબર હતી કે સામેવાળો વ્યક્તિ ચોક્કસ મુંઝવણમાં મુકાયો હશે અને હવે મને શું કહેવું એ વિચારમાં ખોવાયો હશે.

વિચારો તો મને પણ આવી રહયાં હતાં. હમણાં હું જે શબ્દો ફોનમાં બોલ્યો હતો એ જ શબ્દો મારા મનમાં પડઘાઇ રહયાં હતાં. લાઇબ્રેરીમાં એવું કંઇક હતું જે અતિ મહત્વનું હતું. અને જેને એ લોકો શોધવા માંગતાં હતાં...! એ શું હોઇ શકે...?

અને... એકાએક જ એક વિચાર મને ઝબકયો, સહસા જ એક હળવી મુસ્કાન મારા ચહેરા ઉપર તરી આવા. ફોનમાં સામેથી કોઇ જવાબ આવે એ પહેલાં જ હું બોલી ઉઠયો.

“ ઠીક છે, હું દિવાન સાહેબને મોકલું છું. તમારે જે સોદાબાજી તેમની સાથે કરવી હોય એ કરજો. પરંતુ આખરે એ મંજૂર રાખવી કે નહીં તેનો આખરી નિર્ણય હું લઇશ. અને બીજી પણ એક વાત કહીં દઉં... જો દિવાન સાહેબનાં છોકરા રાજનનો એક વાળ પણ વાંકો થયો છે તો તમારે તેનું પરીણામ ભોગવવું પડશે. ” આટલું કહીને મેં તેની વાત સાંભળ્યા વગર ફોન કાપી નાંખ્યો અને પછી દિવાન સાહેબ તરફ ફર્યો. “ સહેજ પણ ચીંતા કર્યા વગર તમે જાવ. એ લોકો જે પણ શરતો કહે એ બધી સ્વીકારી લેજો. આપણાં માટે રાજનથી અગત્યનું અત્યારે કશું જ નથી. રાજન સલામત રીતે હેમખેમ પાછો આવવો જોઇએ. એ માટે ગમે તેટલી ભારે કિંમત ચૂકવવાની થાય, ચૂકવી દેજો. હું પણ જોઉં છું કે પછી એ લોકો બચીને કયાં જાય છે....!” એકાએક રાજપુતી ખુમાર જાણે મારી રગેરગમાં જાગી ઉઠયું હતું.

મહેલની દિવાલે લટકતી ટયૂબલાઇટનાં આછા અજવાળામાં દિવાનસાહેબ મારા ચહેરાં ઉપર છલકતું તેજ જોઇ રહયાં. મારી વાતોમાં રહેલી ખુમારીથી અચાનક તેમનાં ખભા પણ ટટ્ટાર થયા હતાં. અત્યાર સુધી મુંઝાયેલા જણાતાં તેમનાં જીવમાં ઇન્દ્રગઢનાં રાજકુમારનો સધિયારો મળતાં નવા પ્રાણ ફૂંકાયા હતાં અને તેઓ પેલી ઔરત સાથે જવા ચાલી નીકળ્યા હતાં. શબનમને પણ રાહત ઉદ્દભવી હતી. તે બંને કારમાં બેઠા એટલે ડ્રાઇવરે કાર મહેલની બહાર જતાં રસ્તે હંકારી મુકી.

***

જેવા એ લોકો ગયા કે તુરંત મેં વાલમસીંહને હાંકલ મારી હતી. થોડી જ વારમાં આંખો ચોળતો વાલમસીંહ મારી સમક્ષ પ્રગટ થયો. મને આ સમયે મહેલનાં પરીસરમાં ઉભેલો જોઇ તેને આશ્વર્ય થયું હતું, પણ અત્યારે મને તેનાં આશ્વર્ય સાથે કંઈ લેવા-દેવા નહોતું. મારે તો હમણાં જ મનમાં ઉદ્દભવેલાં એક વિચારને અમલમાં મુકવાનો હતો. અને એ કામ અત્યારે જ થઇ શકે તેમ હતું. એ વિચારને કારણે જ મેં દિવાનસાહેબ સાથે જવાની મારી જીદને પડતી મુકી હતી.

“ વાલમસીંહ....! ગઢની લાઇબ્રેરીની ચાવી લઇ આવો. અને હાં... એક ટોર્ચ પણ લેતાં આવજો...” મેં હુકમ છોડયો. વાલમસીંહ પહેલાં તો કંઇ સમજ્યો નહીં, અને સમજ્યો ત્યારે તેનું મોં હૈરતથી પહોળું થયું હતું.

“ લાઇબ્રેરીએ જવું છે કુંવર સાહેબ...? આ સમયે...?” તેનાં અવાજમાં અચંબો હતો.

“ જી...! અને થોડી ઉતાવળ કરજે. આપણે સવાર નથી પાડવાની...! ” મેં ઉંચા અવાજે કહયું. વાલમસીંહ તરત જ દોડયો હતો અને મહેલનાં કાર્યાલયની ખીંટીએ લટકતી ચાવીઓનો ઝૂડો અને કબાટમાં મુકાયેલી એક ટોર્ચ ઉઠાવી લાવ્યો હતો. મેં તેને સાથે લીધો અને રાજમહેલનાં પગથિયા ઉતરી અમે લાઇબ્રેરીવાળી બિલ્ડીંગ તરફ ચાલ્યાં.

***

વાતાવરણમાં જબરજસ્ત ઠંડક પ્રસરેલી હતી. પળેપળ હજુ પણ ઠંડી વધતી જવાની હતી. મારી પડખે ચાલતાં વાલમસીંહે ઠંડીથી બચવા ગરમ ધૂંસો ઓઢયો હતો જ્યારે હું મારા નાઇટડ્રેસમાં જ હતો એટલે, સૂસવાટા મારતાં પવનોની થપાટથી મારો પાતળો દેહ વારેવારે ધ્રુજી ઉઠતો હતો. મને ખબર નહોતી કે બહાર આટલી ઠંડી લાગશે નહિંતર મેં પણ સ્વેટર પહેરી લીધું હોત. પણ ખેર, લગભગ દોડતાં જ કહી શકાય એવી ઉતાવળી ચાલે અમે રાજમહેલનું કંપાઉન્ડ વળોટીને બાજુની ઇમારતનાં મુખ્ય દ્વારે આવીને ઉભા રહયાં હતાં. વાલમસીંહે ટોર્ચનું અજવાળું દરવાજે નાંખીને તાળું ખોલ્યું. ઘનઘોર અંધકારમાં મિજાગરાનો કિચૂડાટ બોલાવતાં સીસમનાં લાકડાનાં બનેલાં ભારેખમ મજબુત દરવાજા ખોલીને અમે લાઇબ્રેરીમાં દાખલ થયાં. વાલમસીંહનાં હાથમાંથી ટોર્ચ લઇને મેં અંદર પ્રકાશ ફેંકયો. અહીં વિજળીની વ્યવસ્થા હતી પરંતુ સાવધાની ખાતર જ મેં ટયૂબલાઇટ સળગાવાનું માંડી વાળ્યું હતું. રખેને અપહરણકર્તાઓમાંથી કોઇ અહીં ધ્યાન રાખતું બેઠું હોય અને આટલી મોડી રાત્તે લાઇબ્રેરીમાં અજવાળું ભાળીને તે સતર્ક થઇ જાય તો ઉપાધી સર્જાયા વગર ન રહે. એવું કંઇ થાય એમ હું નહોતો ઇચ્છતો એટલે જ ટોર્ચ સાથે લીધી હતી.

સાવધાનીથી ચાલતાં અમે સ્ટોરરૂમનાં દરવાજે પહોંચ્યાં. પોલીસ ઇન્વેસ્ટિગેશન પતી ગયું હતું એટલે સ્ટોરરૂમ ખુલ્લો જ હતો. વાલમસીંહને આગળ કરી હું અંદર ધુસ્યો.

“ વાલમસીંહ.... રાજન બેહોશ હાલતમાં મળી આવ્યો ત્યારે તું અહીં હતો...? ” મેં તેને પુંછયું.

“ એ સમયે તો નહી, પરંતુ એમ્બ્યુલન્સ આવી ત્યારે હો હા મચી હતી એટલે કુતુહલતા ખાતર મહેલેથી દોડતો હું અહીં આવ્યો હતો...” અંધારામાં મને તેનો ચહેરો સ્પષ્ટ કળાતો નહોતો છતાં તેનાં અવાજ પરથી લાગતું હતું કે આટલી મધ્યરાત્રીએ કુંવરજી આ શેની મગજમારી ઉખેળીને બેઠાં છે એનું આશ્વર્ય જરુર તેને ઉદભવતું હશે.

“ અચ્છા...!” મેં ઉદગાર કાઢયો હતો. “ તે અહીં શું જોયું હતું, મતલબ કે તું પહોંચ્યો ત્યારે સ્ટોરરૂમની હાલત કેવી હતી...?”

“ કુંવર સાં... અરે બધું જ અસ્તવ્યસ્ત હતું. ત્યાં ટેબલ પાછળ રાજન પડયો હતો. તેની પાસેનાં કબાટને વિખવામાં આવ્યો હોય એવું જણાતું હતું કારણ કે કબાટમાંથી ઘણા પુસ્તકો હેઠે પડીને જમીન ઉપર વિખરાયેલા દેખાતા હતાં. ઉપરાંત આ નાનકડી જગ્યામાં ઘણાબધા માણસોનાં પગલાનાં નિશાનો હતા એટલે ચોક્કસ અહીં કોઇ ભારે ધમાચકડી મચી હોવી જોઇએ. પોલીસવાળાઓ તો કંઇ કહેતાં નથી પરંતુ મને લાગે છે કે રાજને જરૂર એ લોકોનો બહાદુરીથી સામનો કર્યો હશે. આખરે તેનામાં પણ એક રાજપુતનું લોહી વહે છે, અને રાજપુતો સામનો કર્યા વગર પીછેહઠ કરતાં નથી...” વાલમસીંહે રાજપુત ખાનદાનીનું નાનકડું અમથું ભાષણ ઠોકી દીધું. તેની વાત તો સાચી હતી પરંતુ આ સમયે મને એવી કોઇ શૌર્યગાથા સાંભળવામાં સહેજ પણ દિલચશ્પી નહોતી. મારે જે શોધવું હતું એ કામ પતાવીને હું જલ્દી અહીંથી નીકળી જવા માંગતો હતો એટલે વાલમસીંહની અન્ય વાતોને અધ્યાહાર જ રહેવા દઇ મેં તેને પુંછયું.

“ ક્યો કબાટ વિંખવામાં આવ્યો હતો...? આ સામે દેખાય છે એ...?” મેં ટોર્ચનું તીખું અજવાળું પાછલી દિવાલે ફેંકયું.

“ જી હાં કુંવર સાહેબ....! એ જ કબાટ...! ”

આગળ વધીને હું એ કબાટ પાસે જઇને ઉભો રહયો. અહીં આવવાનો વિચાર મને એકાએક જ સૂઝયો હતો. હું તો એ ઔરત સાથે જવા તૈયાર થયો હતો પરંતુ અચાનક જ મને કશુંક સૂઝયું હતું. એ જાસાચીઠ્ઠી મેં બરાબર વાંચી હતી અને તેમાં લખ્યું હતું કે એ લોકો લાઇબ્રેરીમાં કશીક તપાસ કરવા માંગે છે. એ માટે તેમને મોકળું મેદાન આપવામાં આવે એવું કહેવાયું હતું. મારા મનમાં એ જ વાત ખટકી હતી કે લાઇબ્રેરીમાં એવું તે શું છે જેની શોધખોળ તેમનાં માટે અગત્યની હતી...!! એ મુદ્દા ઉપર જ મેં તેમની સાથે જવાનું માંડી વાળ્યું હતું અને લાઇબ્રેરીમાં જવાનું નક્કી કર્યુ હતું.. એક વાત બરાબર સમજાઇ હતી કે આ આખી રમત જ અહીંની લાઇબ્રેરીથી શરૂ થઇ હતી. કંઇક તો એવું હતું જે મેળવવા ઘણાબધા લોકો તેની પાછળ પડયાં હતા. એ શું હોઇ શકે, એ જ મારે પણ શોધવું હતું.

શરૂઆત મેં એ કબાટમાં મુકાયેલા પુસ્તકોથી કરી. ટોર્ચને વાલમસીંહનાં હાથમાં પકડાવી હારબંધ કતારમાં ગોઠવાયેલા પુસ્તકોનાં ઢગલાને એક પછી એક હાથમાં ઉઠાવીને ચેક કરવા લાગ્યો. થોડી જ વારમાં મને ખ્યાલ આવ્યો હતો કે અહીં મુકાયેલા પુસ્તકો કોઇ એક ચોક્કસ જોનરનાં નહોતાં, ઉપરાંત આ પુસ્તકો વંચાઇ-વંચાઇને બહું જર્જરીત અવસ્થામાં પહોંચી ચુકયાં હતાં કદાચ એટલે જ તેને અહીં સ્ટોરરૂમમાં મુકી દેવામાં આવ્યાં હશે. ખેર.. મારા માટે પુસ્તકોની કંન્ડિશન કે તે ક્યાં વિષયનું છે એ અગત્યનું નહોતું. એવું કંઇક યુનિક, કે અલગ અહીં હોવું જોઇએ કે જેની મને તલાશ હતી. એ શું હશે તેનો ખ્યાલ તો મને પણ નહોતો. હું તો બસ... ટોર્ચની નાની અમથી રોશનીમાં ખાંખાખોળા કરી રહયો હતો.

પરંતુ બહું જલ્દી જ હું થાકયો હતો. લગભગ આખો કબાટ, એક-એક પુસ્તક, કબાટની ઇંચે-ઇંચ જગ્યા તપાસવા છતાં મારે હાથે વિશેષ કહી શકાય એવું કંઇ લાગ્યું નહોતું. ઘોર નિરાશાથી મારું માથું ભમવા લાગ્યું હતું. હવે શું...? એ વિકરાળ પ્રશ્ન મારી સામે આવીને ખડો થઇ ગયો. અને પેલો વાલમસીંહ, એ તો કોઇ બાઘા વ્યક્તિની જેમ હું જ્યાં કહું ત્યાં ટોર્ચની રોશની ફેંકતો ઉભો હતો. અહીં શું ધમાલ ચાલી રહી છે એ કંઇ જ તેને સમજાતું નહોતું. બસ, એટલો ખ્યાલ તેને આવ્યો હતો કે તેનાં માથાંફરેલ કુંવર સા... અડધી રાત્રે લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાં ધૂળ ફાંકતા આ પુસ્તકો વચ્ચે કંઇક શોધી રહયા છે.

“ સાહેબ... પેલાં ઉપરનાં ખોખાં બાકી છે હજું....” તે એકાએક જ બોલ્યો હતો

“ કયા ખોખાં...?” મને સમજાયું નહી.

“ કબાટ ઉપર પડયા છે એ...” તેણે કબાટની ઉપર ટોર્ચનો પ્રકાશ ફેંકયો. ભૂખરાં પુંઠ્ઠાનાં બે લંબચોરસ બોક્સ કબાટ ઉપર પડયા હતાં.

“ નીચે ઉતાર તો....! તેને પણ જોઇ લઇએ...” ડૂબતાને તણખલાનો સહારો એમ માનીને મેં એ બોક્સ નીચે ઉતરાવ્યાં. ત્યારે મને ખબર નહોતી કે અચાનક એક જેકપોટ મને લાગવાનો છે. સાવ અનાયાસે જ મારા હાથમાં એક અસંભવ કહાની આવી પડવાની હતી, જેની શરૂઆત વર્ષો પહેલાં મારા દાદાએ કરી હતી.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવામાં તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.સ