lakshmi in Gujarati Moral Stories by Tanvi Tandel books and stories PDF | લક્ષ્મી

Featured Books
Categories
Share

લક્ષ્મી

 લક્ષ્મી

આ સાલ હજુય વરહાદ નથ પડ્યો. કુણ જાણે હુંય થાહે? ગયે સાલ ય ચોમાસુ આખુંય વરહ બગાડી ન ગ્યો તો. બસ મજૂરી પર જાય તા આખુંય વરહ કકમ નીકળે. સિમી તેના પતિ રતન ને ડેલીએ બેસી કહી રહી હતી. 
રતન મજૂરીએ થી હમણાજ થાકીને આવ્યો હતો. એક તો કામ નો થાક ને ઉપરથી આ સિમિ ના અશુભ વચનો. 
તારા ને તારી આ તરન છોરીઓ ના પગલે. ત્રણ લખમી ઓ આપી છ. ખાવાનો દાણો નથ ને ઉપરથી દુકાળે અધિક માસ.. જેવીઓ . રતન સિમીને ગુસ્સાથી ભાંડી રહ્યો. 
કહું છું એમાં મારો ચ્યો વાંક.. સાંભળો છો ક?
મૂંગી મર્યા વિના કા તન ચેન પડ સે, તે બોલ સૂય કહેવાનું બાકી રહી જીયુ સ.
પેલા દવાખાના વાળા બુન આયા તા . કેતા તા કે ત્રણ છોરીઓ થઇ હવે હમજીને આવો. બસ.. મારુય શરીર કથળી ગયું સ.ત્યાં જ રતને આવીને એક લાફો મારી પોતાનો જવાબ સીમીને આપી દિધો. સિમિ ભીંત પાસે પછડાઈ ને આંખોમાં ઝળહળીયા સાથે ફરી રોટલો બનાવવા ચૂલાએ ગઈ. મોટી લક્ષ્મી બધું જોઈ રહી.
બહાર પવન ફુંકાવો શરૂ થયો હતો. વરસાદ આવવાનો હોઈ એવું લાગી રહયું હતું.પણ.. વાદળો , બસ સંતાકૂકડી રમ્યા કરતાં હતા. એક આશ સાથે લઈ આવતા ને ફરી પાછા નિરાશા પ્રસરાવી જતા રહેતા. સિમીએ રોટલા ઘડ્યા .રતનને કડછીથી થોડું બટાકા નું શાક ને બે રોટલા મૂકી ભાણું તેની નજીક જઈ મૂકી દીધું. રતને ગુસ્સામાં થાળી હડસેલી . જે થોડું ડિશમાં હતું એ એમનું એમ રહેવા દઈ સિમી  નીચે પડેલું અન્ન વીણવા લાગી. લોટો પાણી પિયને રતન ઘર બહાર નીકળી ગયો. લક્ષ્મી ખાવાનું ખાઈ નીસાળનું લેસન કરવા બેઠી. બીજી બન્ને ઊંઘી ગઈ હતી. લક્ષ્મી બાપુને જતાં જોઈ રહી. પોતાની માના આંસુ આ પંદર વર્ષની દીકરી અનુભવી શકતી હતી.. બાપુની બીકે બસ એક જગાએ  બેસી લખતી રહી. ચોપડીઓ સંગાથે જ સૂઈ ગઈ.
રતન ગુસ્સામાં હતો તેની જાણ સિમ્મીને સારી રીતે હતી.તેથી કઈ પણ બોલવાનું રહેવા દઈ એ ચૂપચાપ સુવા ગઈ.રતન ની રાહ એ જોઈ રહી. મોડી રાતે એ રતન ઘર તરફ આવ્યો લથડિયાં ખાતો ખાતો. ઘર માં પ્રવેશ્યો ત્યારે સિમી જાગતી જ હતી.  રાત્રીના અંધકારમાં સીધો પલંગ પર સૂવાની જગાએ સિમી પર પડ્યો. સિમી એને સંભાળતી રહી. માત્ર અંધકાર ની હાજરીમાં ફરી.... પુત્ર લાલસામાં સીમી સાથે જબરજસ્તી કરવા લાગ્યો. સિમી ની કરુણ આરઝુ તેને ટશ મશ ના કરી સકી. સિમી રડતા રડતા એ જુલમગાર ને વશ થઈ. પ્રેમભર્યો જુસ્સો નહોતો બસ એ તગતગતી આંખોમાં લાલસા હતી .ઉપરા ઉપરી લેવાતા ઊંડા શ્વાસ...ને છેવટ ની દર્દનાક આહ.. રતનને બસ પુત્ર જોયતો હતો. બસ એમાં ને એમાં સિમિને એ પીંખી નાખતો. બિચારી ક્યારેય પતિનો પ્રતિકાર કરી શકતી ન્હોતી. આવી કેટલીયે રાતો... એ મૂંગી સહન કરતી. બળાત્કાર ની જ...જેમ.
સિમી કેડે પાચેક મહિનાની છોકરી લઈ તેને ચૂપ કરાવવા મથતી હતી. લક્ષ્મી શાળામાં જવા માથું ઓળી રહી હતી. એટલામાં રતન આવ્યો.ચૂલે મુકેલ ચા ને લોટામાં ભરી ખાટલો ઢાળીને ચા પીવા બેઠો.
હેડ..સિમી આજે ઓલા કાળુભા ના ખેતરે મજૂરીએ જાવાનું સ. અબઘડી તૈયાર થઇ જા.
સિમીએ તાવમાં ધખધખતા શરીર વાળી ને રડીને લાલ લાલ થઈ ગયેલી સૌથી નાનકીને રતન આગળ ધરી. 
આ નાનકી આજ બઉ બીમાર સ.  તમ તમારે જાવ. મારાથી નહિ હેંડાય.હુ ને વચેટ દીપુ બન્ને આને હાચવી સુ.
રતન લાલઘૂમ આંખો થી સિમી ને જોઈ રહ્યો. બહાના સે કામ નથ કરવું. ને નવરીના બેસીને હરામનું ખાવા મારે માથે પડ્યો સો .. હંધિયે.
આ માણસમાં દયા જેવું કશું હશે કે નહિ. દીકરી ઓ પ્રત્યે રતન ને થોડો પણ લગાવ ક્યારેય નહોતો. પોતાની પાંચ માસની દીકરીને તાવ હોવા છતાં દવાખાને લઈ જવાનું તો દૂર જોવા સુદ્ધની ફુરસદ ન્હોતી. તે ચિંતા કર્યા વિના સિમી ને મજૂરીએ આવા દબાણ કરવા લાગ્યો..
સિમી રડતી દીકરીને મીઠા વાળુ કપડું માથે મૂકી રહી. 
ઓ લખમી..તું ચ્યો હેંડી?
બાપુ નીહાળનો ટેમ થ્યો .. ગભરાટ સાથે લક્ષ્મી બોલી. 
કાલથી આ બન્ને બુનોને તારે હાચ્વવાની. તો તારી માં મજૂરીએ હે ન્ડાય. આ નિહાળે જવાના ધતિંગ રેવા ડ્યો. ઘેર કામ કરો.. કાલથી ક્યાંય જાવાનું નથ. હમજાયું?
લક્ષ્મી બાપુની ગુસ્સા ભરી આંખો રડમસ ચહેરે જોઈ રહી.સિમી રતનને તાકી રહી.
તારી મા .. નફ્ફટ સાલી.. બોલતાં બોલતાં ગામ તરફ ગયો .
લક્ષ્મીને બાપુની બહુ બીક લાગતી. રતન રોજ થોડું છાંટો પાણી કરીને ઘરે આવતો ને પછી સિમી ને એલફેલ બોલી મારતો. ક્યારેક બન્ને બહેનો ને પણ ઝૂડી નાખતો. નાનકી રડ્યા કરતી.  નાની હતી ત્યારથી લક્ષ્મી બાપુના આ વર્તન ને ક્યારેય સમજી શકી નહોતી.  પિતાનો પ્રેમ કેવો હોય એ ક્યારેય તેણે અનુભવ્યો નહોતો.એને મન પિતાની છબી બસ એક મારતા ,ગુસ્સો કરતા એક રાક્ષસ ની હતી. તે હમેશા રતન હોય એ સમયે ઘર ની બહાર જ રમતી . ને રાત હોય તો એક ખૂણામાં બેસી રહેતી. પિતાએ ક્યારેય વ્હાલ નો એક હરખ લક્ષ્મી  કે બીજી બે બહેનોને ન્હોતું આપ્યું..પિતાની ક્રૂરતા હમેંશ તેને પિતાથી અળગી જ રહેવા મજબૂર કરતા.
સીમી એ રતનને આવો અપનાવી લીધેલો. પણ લક્ષ્મી આ બધું જોઈ શકતી ન્હોતી. લક્ષ્મી નો જનમ થયો એ દિવસથી રતન આવો. લક્ષ્મી જનમી પ્રથમ ખોળે ત્યારેજ એને જોવાનું મૂકી એ દારૂના પીઠા તરફ આગળ વધ્યો. તે દિન થી રોજ બસ રતન આવોજ ક્રૂર. બીજી બન્ને દીકરી આવતા એ વધુ નિરાશ થઈ ગયો. ને બસ મજૂરી કરે ને જે મળે એ દારૂ પીવા માં વાપરે. દીકરીઓ  કે સિમિના તરફ જોવાની કઈ પડેલી નઈ. બસ ક્યારેક પૈસા ના હોય તો સિમી પાસે માંગે ને સિમી ના પાડે એટલે ઘર માં મહાભારત... રતન સિમી ને મારે ને પગ પછાડીને જતો રે.
સીમિને ફરી મહિના રહ્યા. બસ એને બીક હતી કે આ વખતે જો પુત્રી અવતરે તો મરવા જેવું થાસે. એણે રતનને કીધું જ નહિ. પણ એક વાર ઉલ્ટીઓ કરતાં એ બાપડો જોય ગયો ને એને ખબર પડી ગઈ. રતન અંદરોઅંદર થોડો આ વાત થી ખુશ હતો.ભલે તરણ તરણ છોડીઓ ત્થી પણ આ વખત તો છોરો જ થવાનો. સિમિ ને હવે એ મારતો નહોતો.  લક્ષ્મી ને પણ બાપના આ વર્તનથી નવાઈ લાગી. થોડાજ સમયમાં એ દિવસ પણ આવી પહોંચ્યો. સિમિ ને દુખાવો ઉપડ્યો તો...રતન ગામમાં રહેતા રેવાબા ને બોલાવી લાવ્યો. ઇન્તેજારી નો અતિરેક થઈ રહ્યો હતો.બપોરનો સમય હતો. ધૂળની ડમરી ઓ ઉડીને ઝૂપડામાની જુદી જુદી વસ્તુ ઉપર પથરાઈ રહી હતી.  લક્ષ્મી તેની બન્ને બેનો જોડે બહાર ડેલીએ બેસી હતી. માની દયનીય હાલત એને દેખાતી હતી પણ શું થઈ રહ્યું હતુ એ સમજ ન્હોતી . થોડી વારમાં બાળક ના રડવાનો અવાજ આવ્યો. રતન બહાર જ હતો . રેવાબા એ ખબર આપી કે પુત્ર અવતર્યો સે..પણ...
આટલું જ સાંભળતા રતન હરખ માં દોડ્યો.
રેવાબાની વાત પણ ન સાંભળી. આ બાજુ સિમિની હાલત ખરાબ હતી. એનું શરીર પહેલેથીજ નબળું ને ઉપરથી ઘણું લોહી વહી રહ્યું હતું. દાગતર ને બોલાવો કોઈ.... સિમી ... રેવાબાં ને બીજી બે બેનો બૂમ પાડી રહી. સિમી વેદનામાં કણસતી હતી પણ રતન તો પુત્ર ને હાથ માં લઇ જોય જ રહ્યો. લક્ષ્મી દોડી દવાખાના તરફ બન્ને બેનો ને મૂકી . એના પગ ખુબ ઝડપથી વધતા હતા પણ દવાખાના એ થી કોઈ આવે એ પહેલા સિમી મૃત્યુ પામી. રતનની વર્ષો પુરાણી પુત્રની ઘેલછા પૂરી થઈ હતી.પણ પત્ની ખોઈ બેઠો હતો . છતાં એના મો પર રંજ કે દુઃખ ની એકાદ અસર પણ વરતાતી ન્હોતી. દીકરાના આગમન માં તે પત્નીના અવસાનની નોંધ લેવાની પણ ભૂલી ગયો. લક્ષ્મી આવી બહાર લોકો નું ટોળું જોઈ ગભરાઈ. ડોકટર લાવી હતી પોતાની માં માટે એતો. બન્ને બેનો બહાર રડતી હતી. માં .... માં...
ને બાપ પેલા તાજા જન્મેલા દીકરાને હાથમાં લઈ આરામથી બેસી ગાયનું દૂધ લાવીને પીવડાવી રહ્યો હતો. ઘરમાં આવા ન કલ્પેલા માહોલ ને લક્ષ્મી બસ મુક બની જોઇ રહી. બાપ ના મોઢા પર પોતાની મરી ગઈ છતાં રડવાનો ભાવ ના જોઈ એને એ માણસ પર વધુ અકળામણ વધી.  એ ચોધાર આંસુડે માતાના શબને જોઈ રડી રહી. લક્ષ્મીને ભાઈ આવવાની ખુશી ન્હોતી.બસ દુઃખ હતું માં ગુમાવવાનું. માના મૃત્યુનું કારણ આ બાપ હતો. પોતાને બાપ કહેવાને લાયક પણ લક્ષ્મી ન્હોતી ગણતી એને. પેલું નવું જન્મેલું કાય કાય કરતુ બાળક નો શો વાંક??  વિધિની વક્રતા કે આ બાળકે જનમતાજ માં ગુમાવી હતી. લક્ષ્મી ને પોતાની બન્ને બેન ને આ બાળક - આ બધાને વ્હાલ કરનાર એની માતા એમના સૌથી દૂર બીજી દુનિયામાં જતી રહી હતી.
એ યાદ કરી રહી એ દ્રશ્ય - જેમાં પોતાનો આ બાપ પોતાની માને ફટકારી રહ્યો હતો.. જેમાં વચ્ચે માં ને ના મારવા કાકલૂદી કરતી પોતાની જાત - વચ્ચે પોતાને પણ વિંઝાતી તમાચાની વણઝાર. ને રડતી બન્ને નાની બહેનો. આ ક્રૂર માણસની હલકટતા,, નીચતા... - સઘળું એ ક્યારેય વીસરી શકે એમ નહોતી. માં ના શરીર પર પડેલા એ ઘાવ .... એ સઘળું યાદ કરી રહી. ક્યારેય આ માણસે માને કે પોતાને , બીજી બહેનોને પ્રેમ નો એકાદ અવસર આપ્યો નહોતો.. તેનામાં એક અજબ જોમ આવતું તેણે અનુભવ્યું. માના શબ આગળ આંસુ સારતા સારતા એણે એક મક્કમ નિર્ણય કર્યો.
શબને ઘરમાંથી લઈ જવાયો. અગ્નિદાહ ની ક્રિયા પતાવી સાંજે મોડા બધા ઘરે પહોંચ્યા. ગામ આખું ઘર બહાર બેઠું હતું. ઘરની અંદર લક્ષ્મી બન્ને બેનો ને સંભાળતી બેસી હતી. જનમેલું બાળક રતન સાડલાના છેડાઓ વચ્ચે સુવાડી રહ્યો હતો. 
રાતે સૌ સુવા ઘરે ગયા. થોડીવારમાં રતન ઘર માં આવ્યો. આવતાં જ લક્ષ્મી તૈયાર હતી. રતન કંઈ સમજે એ પેલાજ કુહાડીના જોરદાર ઘા એના માથા પર ઝીંકાયો. વાતાવરણ શ્વાસ લેતું થંભી ગયું હતું. 
અંધકારના કાળા રંગોમાં સૂર્યોદયના સુશોભિત રંગો આકાર લેતા હોય એવું દશ્ય મંડાયું. રાત્રીના તારાઓ વિશાળ આકાશમાં સંતાકૂકડી રમી રહ્યા હતા. લક્ષ્મીના જીવંત વ્યક્તિત્વમાં હાશકારો હતો.. પોતાની મૃત માને  આઝાદ કરાવ્યાનો..
લોહીથી ખરડાયેલો ક્રૂર દેહ જમીન પર પડ્યો હતો. ને તેની બાજુમાંથી નાના પગલાંઓની છાપ પાડી લક્ષ્મી તેના ભાઈ બહેન સાથે એક આઝાદ ધરા પર ચાલી નીકળ્યા.. 
- તન્વી કે ટંડેલ..