Prem Path - 1 in Gujarati Fiction Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ પથ

Featured Books
Categories
Share

પ્રેમ પથ

પ્રેમ પથ

મિતલ ઠક્કર

પ્રકરણ-૧

સંગીતાને બીજી સારી નોકરી મળી ગઇ એટલે ખુશ હતી. આજે નવી નોકરીનો પહેલો દિવસ હતો.

સંગીતા અગાઉ જે કંપનીમાં નોકરી કરતી હતી ત્યાં પગાર ઓછો હતો અને કામ વધારે હતું. સંગીતા આખો દિવસ ડોક ઊંચી ના કરી શકે એટલું બધું કામ રહેતું હતું. સતત કોમ્પ્યુટર પર કામ કરીને સાંજે તેની આંખો દુ:ખતી હતી. તેને નોકરીની જરૂર હતી એટલે જ્યાં સુધી બીજી સારી નોકરી ના મળે ત્યાં સુધી છોડી શકે એમ ન હતી. એક તો ઘરમાં છોકરો જોવાનું ગોઠવાતું હતું અને તેને રજા મળતી ન હતી. તેના પપ્પા ન જાણે ક્યાંથી દર મહિને એક-બે છોકરા શોધીને લાવતા હતા. તેમની સાથે મુલાકાત કરવાની અને તેના વિશે વિચારવાનું કામ વધી ગયું હતું. ઘરમાં પપ્પાની આવક ઓછી હતી. એટલે જેમતેમ સ્નાતક થયા પછી તે પપ્પાના ઓળખીતાની કંપનીમાં નોકરીએ લાગી ગઇ ગતી. ત્યાં શરૂઆતમાં તેને નવું કામ, નવા લોકો અને નવો માહોલ હતો એટલે ગમ્યું હતું. પછી તેની કાબેલિયતને કારણે વધારે કામ આપવાનું શરૂ થયું. બીજા કર્મચારીઓ ધીમે ધીમે કામ કરતા હતા. તેને કામ લટકાવી રાખવાનું અને ધીમેથી કરવાનું પસંદ ન હતું. તે જેટલું કામ વધારે કરવા લાગી એમ વધારે કામ આપવામાં આવતું હતું. સંગીતા સમજતી હતી કે તેની મજબૂરીનો લાભ લેવામાં આવી રહ્યો હતો. તેની પાસે કોઇ વિકલ્પ ન હતો. તે પિતાને બીજી નોકરી માટે કહેતી રહેતી હતી. પોતે પણ અખબારોમાં જાહેરાત વાંચીને સંપર્ક કરી ઇન્ટરવ્યુ આપતી હતી.

બે-ત્રણ જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા પછી તેને સમજાઇ ગયું કે તેમને કાબેલ કર્મચારી કરતાં શોભાની પૂતળીની વધારે જરૂર હતી. લોકોને આકર્ષી શકે એ માટે તેને નોકરી આપવા માગતા હતા. તેમને કર્મચારીની નહીં બેબી ડોલની જરૂર હતી. ઘણી કંપનીઓમાં સુંદર છોકરીનું શારિરીક શોષણ થતું હોવાની વાત તેણે સાંભળી હતી. કંપનીમાં બુધ્ધિના સવાલ પૂછાતા ન હતા. બુધ્ધિને બદલે સુંદરતાને આધારે પસંદગી થતી હતી. જાહેરાતોમાં આકર્ષક છોકરીઓએ સંપર્ક કરવો એવું લખેલું હોય તો એ સંપર્ક કરતી જ ન હતી. તેણે કોઇ મોડેલ કે હીરોઇન તરીકે કામ કરવાનું ન હતું તો પછી તેની સુંદરતાને કેમ મુખ્ય લાયકાત તરીકે જોવામાં આવે છે? એવો પ્રશ્ન તેને થતો હતો. છોકરીને તેના રૂપના આધારે નોકરી આપવામાં આવે એ વાત સંગીતાને બિલકુલ ગમી ન હતી. હવે તેણે ઓળખીતા મારફત નોકરી શોધવાનું નક્કી કર્યું હતું.

બધી જ જગ્યાએ સુંદરતાની પૂજા થતી હતી. એનો સંગીતાને અનુભવ થઇ ગયો હતો. સંગીતા એટલી સુંદર હતી કે કોઇ પણ પુરુષની આંખમાં તરત વસી જાય. તેનું ગોળ ગોરું મુખ ચાંદ જેવું ચમકતું હતું. તેના હોઠ એટલા ગુલાબી હતા કે લિપ્સ્ટિક લગાવવાની જરૂર જ પડતી ન હતી. તેનું નિર્દોષ હાસ્ય ચહેરાની સુંદરતા વધારી દેતું હતું. તેનું સપ્રમાણ શરીર પુરુષોને આકર્ષતું હતું. તેના લગ્ન તો તરત થઇ જાય એમ હતા. તેને જોવા આવનાર યુવાન તેની માસૂમ સુંદરતાથી અભિભૂત થઇને જ હા પાડી દેતો હતો. સંગીતા જ ના પાડતી હતી. તે નહોતી ઇચ્છતી કે તેના રૂપથી મોહિત થઇને કોઇ લગ્ન કરે. તેણે ઘણા છોકરાઓને ના પાડી દીધી હતી એટલે મમ્મી-પપ્પા ચિંતામાં હતા. રૂપ નહીં પણ ગુણને લીધે તેની પસંદગી થાય એવી દલીલ તેના મા-બાપને યોગ્ય લાગતી હતી. પરંતુ આજના જમાનામાં એવા વિચારવાળા છોકરા જલદી મળવા મુશ્કેલ હતા.

સંગીતા લગ્ન પછી પણ નોકરી કરવા માગતી હતી અને પોતાના પરિવારને મદદરૂપ થવા ઇચ્છતી હતી. તેની આ શરત કેટલાક છોકરાઓએ કમનથી માની હતી. પણ સંગીતાને ખબર હતી કે લગ્ન પછી પરિવારના દબાણમાં આવી જઇને આવા છોકરા તેને નોકરી કરવા દેવાના ન હતા. મોટા ઘરના માંગા આવતા હતા. અને એ પરિવાર એવી ઇચ્છા ના રાખે કે તેમની પુત્રવધુ કોઇ જગ્યાએ સામાન્ય નોકરી કરે. સંગીતાને હતું કે તેને કોઇ સામાન્ય ઘરનો સુંદર અને સુશીલ છોકરો મળે. તેને જોવા આવતા છોકરા સંપન્ન ઘરના હતા. તેમની પાસે કાર અને બંગલો હતા. પરંતુ મોટાભાગનાનો દેખાવ સામાન્ય હતો. હકીકતમાં સંગીતાએ ઘણાં છોકરાને તેના સામાન્ય રૂપને કારણે ના પાડી હતી. તેમને કારણ બીજું કંઇક આપ્યું હતું. એક તરફ છોકરા જોવાનું ચાલી રહ્યું હતું અને બીજી તરફ નોકરીની શોધ ચાલી રહી હતી.

છોકરો તો નક્કી ના થયો પણ સંગીતાએ નોકરી નક્કી કરી દીધી. પપ્પાના મિત્રના કોઇ ઓળખીતા જ વાત લાવ્યા હતા. શહેરના છેવાડે આવેલી એક કંપનીની ઓફિસમાં વહીવટી કામ માટે એક છોકરીની જરૂર હતી. સંગીતા ઇન્ટવ્યુ માટે ગઇ ત્યારે ત્રણ જણ બેઠા હતા. તેમાં બે કંપનીના ડિરેક્ટર હતા અને એક મેનેજર હતા. સંગીતાએ એ વાતની ખાસ નોંધ લીધી કે ત્રણેય જણાએ તેના ચહેરા પર એક જ વખત સરસરી નજર નાખી હતી. પછી તો વારાફરતી પોતાની ડાયરીમાંથી સવાલ જ પૂછતા હતા. તેમણે સંગીતાને અત્યારની નોકરીના કામ અંગે સવાલ પૂછ્યા પછી તેમની કંપનીમાં જે કામ કરવાનું છે તેના માટે કેટલી સજ્જ છે તેનો કયાસ કાઢ્યો હતો. કંપની મોટી હતી અને જવાબદારી ઘણી આવે એમ હતી. સંગીતાને થયું કે જો અહીં પણ વધારે કામ કરવાનું હોય તો જૂની નોકરી શું ખોટી છે. એક જ કંપનીમાં થોડું વધુ રહીશ તો વધારે અનુભવનું સર્ટીફિકેટ કામ લાગશે. પૂછાયું એટલે સંગીતાએ તેની હાલની સેલેરી કહી દીધી હતી. પણ તેને કેટલી સેલેરીની અપેક્ષા છે એમ પૂછવામાં આવ્યું નહીં. તેને આવું પૂછવું યોગ્ય લાગ્યું નહીં. પપ્પાના ઓળખીતાની ભલામણથી તે ઇન્ટરવ્યુ માટે આવી હતી. ઇન્ટરવ્યુ પૂરો થયા પછી તેને કહેવામાં આવ્યું કે બે દિવસમાં જાણ કરવામાં આવશે.

સંગીતા ઇન્ટરવ્યુ આપીને પોતાની ચાલુ નોકરી પર ગઇ. આખો દિવસ કામ કરીને થાકેલી ઘરે પહોંચી ત્યારે પપ્પા રજનીભાઇ દવે તેની કાગડોળે રાહ જોતા હતા. બપોરે ફોન આવ્યો ત્યારે તેણે ઘરે આવીને રૂબરૂમાં વાત કરશે એમ કહ્યું હતું એટલે રજનીભાઇની તાલાવેલી વધી ગઇ હતી. તે ઇચ્છતા હતા કે આ નોકરી સંગીતાને મળી જાય તો સારું છે. કંપની મોટી હતી અને પ્રગતિની સારી તક મળે એમ હતી.

"સંગુ, શું થયું ઇન્ટરવ્યુમાં?" રજનીભાઇની ધીરજ ખૂટી હતી.

"તમે છોકરીને ઘરમાં આવવા તો દો! કેટલી થાકી ગઇ છે." કહી શીલાબેને સંગીતાના હાથમાંનું પર્સ લઇને તેને બેસવાનો ઇશારો કર્યો. અને ઝટપટ પાણી લઇ આવ્યા.

"મમ્મી, હું લઇ લેતને!" કહી સંગીતાએ પાણીનો ગ્લાસ હાથમાં લીધો. સંગીતા એક જ શ્વાસે અડધો ગ્લાસ ગટગટાવી ગઇ. પછી ઓઢણીથી કપાળ પરનો પરસેવો લૂછતાં બોલી:"પપ્પા, ઇન્ટરવ્યુ તો સારો ગયો છે. ઘણું બધું પૂછ્યું. મેં લગભગ બધા સવાલના જવાબ આપ્યા...."

"શું વાત કરે છે? એટલું બધું પૂછ્યું? કોઇ શિક્ષકની જગ્યા માટે પણ હવે તો આટલા બધા સવાલ પૂછાતા નથી..." સંગીતાની વાત સાંભળી રજનીભાઇએ નવાઇથી પૂછ્યું.

"આપણે તો જવાબ આપવા જ પડે ને? પણ એમણે કેટલો પગાર આપશે એ તો કહ્યું જ નહીં...." સંગીતાએ ઇન્ટરવ્યુ પછી મનમાં સતત રમતો સવાલ હોઠ પર લાવી દીધો.

"બેટા, તું પગારની ચિંતા ના કર. ઓછા નહીં આપે. કંપની મોટી છે. માણસો સારા છે. જો ઓછા કહેશે તો હું વાત કરીશ. એક વખત તું આવી સારી કંપનીમાં નોકરીએ લાગી જા. પછી બધું થઇ રહેશે." રજનીભાઇની લાગણી હતી કે આવી સારી કંપનીની નોકરી છૂટવી ના જોઇએ.

"પપ્પા, એમણે બે દિવસ પછી જવાબ આપવા કહ્યું છે..."

"અરે હું કાલે જ પૂછી લઇશ. મારા મિત્રના ઓળખીતા ભાઇની જ કંપની છે."

"તમે કોની વાત કરો છો?" શીલાબેને ઉત્સુક્તાથી પૂછ્યું.

"તું નથી ઓળખતી. હમણાં જ ઓળખાણ થઇ છે. તમે રસોઇ તૈયાર કરો હું બજારમાં આંટો મારીને આવું છું.." કહી રજનીભાઇ ઘરની બહાર નીકળી ગયા.

સંગીતાએ માને ઇન્ટરવ્યુની અને આજની દિવસ દરમ્યાનની ઓફિસની વાતો કરી. બંને મા-દીકરી રસોઇ કરતા હતા ત્યાં રજનીભાઇ પાછા આવી ગયા.

બંનેને નવાઇ લાગી. આટલા જલદી કેમ આવી ગયા હશે?

"સંગુ, આ લે! મોં મીઠું કર." કહી રજનીભાઇએ એક બોક્સ ખોલી તેમાંથી બુંદીનો લાડુ ધરતા કહ્યું.

"પપ્પા, શું વાત છે? કોઇ સારા સમાચાર છે?" સંગીતાએ લાડુને હાથમાં પકડતા પૂછ્યું.

"હા બેટા, હું બહાર નીક્ળ્યો અને થોડીવારમાં ફોન આવ્યો. તને નોકરી મળી ગઇ છે..."

"પણ પપ્પા પગાર કેટલો?" સંગીતાને પગારની ઉત્સુક્તા વધારે હતી.

રજનીભાઇએ આંકડો કહ્યો એ સાંભળી સંગીતાને નવાઇ લાગી. તે અત્યારે જે કંપનીમાં નોકરી કરતી હતી તેનાથી અઢી ગણો પગાર મળવાનો હતો. તે ખુશ થઇ ગઇ. તેના કામની કદર થઇ લાગે છે. હાલની કંપનીમાં પોતે કેટલું કામ કરે છે એ કહ્યું ત્યારે ઇન્ટરવ્યુ લેનાર ત્રણેય પ્રભાવિત થયા હતા એ વાત સંગીતાને યાદ આવી ગઇ.

"વાહ! સારી વાત છે." કહી સંગીતાએ બુંદીના લાડવાના બે ભાગ કરી પહેલાં મમ્મી- પપ્પાને ખવડાવ્યો અને પછી પોતે પણ ખાધો.

સંગીતાને થયું કે પગાર વધારે હોય તો વધારે કામ કરવામાં તેને વાંધો ન હતો.

બીજા જ દિવસે તેણે જૂની કંપનીમાં રાજીનામું મૂકી દીધું. તેણે એક મહિનાની નોટીસ આપવી જરૂરી હતી. પણ પપ્પાએ બે દિવસમાં નવી નોકરીમાં હાજર થવાનું કહ્યું હતું. તેણે એક માસનો પગાર જતો કરવાનું નક્કી કર્યું હતું. અચાનક તેણે રાજીનામું ધરી દીધું એટલે કંપનીવાળાને નવાઇ લાગી. મેનેજર રાજનભાઇને સમજાઇ ગયું કે તેને બીજે વધારે પગાર મળવાનો હશે. તેણે કહ્યું:"રાજીનામું આપતા પહેલાં કહ્યું હોત તો શેઠને વાત કરીને પગારમાં વધારો કરાવી આપ્યો હોત."

"સાહેબ, વધારો થવાનો હોત તો થઇ જ ગયો હોત. એના માટે રાજીનામું મૂકવાનું ના હોય." કહીને સંગીતા સ્ટાફના બધાંને મળી આવી. સંગીતાના જવાનું સૌથી વધારે દુ:ખ મયુરીને હતું. તેને સંગીતા સાથે સારું ફાવતું હતું. એ તેના સુખ-દુ:ખની સાથી જેવી હતી. તે રડું રડું થઇ ગઇ. "અલી, અચાનક કેમ? મને પણ ના કહ્યું?"

"મને પણ ખબર ન હતી કે અચાનક નોકરી મળી જશે. પપ્પાના આગ્રહથી કાલે ઇન્ટરવ્યુ આપવા ગઇ હતી. કાલે ને કાલે જ મને પસંદ કરી લીધી. વાત કરવાનો સમય જ ના મળ્યો..."

"ખેર! મારી શુભેચ્છા છે! મળતી રહેજે. હું ફોન તો કરતી રહીશ." કહી મયુરી તેને ભેટી પડી. સંગીતાને પણ આ નોકરી છોડવાનું દુ:ખ થયું. તે બે વર્ષથી અહીં નોકરી કરતી હતી. તેને કોઇ તકલીફ ન હતી. પણ કામની કદર થવાને બદલે વધારે કામ અપાતું એ ગમતું ન હતું. તેણે બધાંની વિદાય લીધી.

સંગીતા ઘરે આવીને નવી નોકરી માટે તૈયારી કરવા લાગી.

સવારે તે જલદી ઊઠી ગઇ. ભગવાનની પૂજા કરી. મમ્મી-પપ્પાના આશીર્વાદ લીધા. આજે તે એક નવા રસ્તે પ્રયાણ કરી રહી હતી. બંનેએ સંગીતાને આશીર્વાદ આપ્યા.

***

સંગીતાને આજે પહેલા દિવસે મેનેજરે કંપનીની કામગીરીની માહિતી આપી. તેણે શું કામ કરવાનું છે તે સમજાવ્યું. તેણે કામગીરી જાણી ત્યારે તેને નવાઇ લાગી. અહીં ખાસ કામ જ ન હતું. તેને ઇન્ટરવ્યુમાં પૂછાયેલા પ્રશ્નો પછી એમ લાગતું હતું કે તેણે ઘણી કામગીરી કરવાની રહેશે. તેને થયું કે તે હજુ નવી છે એટલે ધીમે ધીમે કામ સોંપવામાં આવશે. એમ કરતાં એક અઠવાડિયું વીતી ગયું. હવે તેને થોડો કંટાળો આવવા લાગ્યો. આખો દિવસ સતત કામ કરતી સંગીતાને ખાલી બેસી રહેવાનું ગમતું ન હતું. તેણે બીજી મહિલા કર્મચારીઓની કેબીનમાં થોડીવાર બેસવાનું ચાલુ કર્યું. ક્યારેક બીજા પાસે કામ રહેતું હતું. એટલે સંગીતા એમને મદદ કરવા લાગી. વાતવાતમાં તેને જાણવા મળ્યું કે કાલે કંપનીના માલિકના પુત્ર આવશે. સંગીતાને એમ હતું કે મહિનામાં એક-બે વખત મુલાકાતે આવતા હશે. પણ સંજનાએ કહ્યું કે પંડ્યા સાહેબ બે વીકથી વિદેશ યાત્રાએ ગયા હતા એટલે હમણાં આવતા ન હતા. ઓફિસમાં બધાં તેમને પંડ્યા સાહેબ કહીને બોલાવતા હતા. સંગીતાને તેમની સાથે મુલાકાત કરવાની ઉત્સુક્તા વધી ગઇ.

બીજા દિવસે સંગીતા પોતાની ચેમ્બરમાં હતી ત્યારે તેને પિયુન મારફત જાણવા મળ્યું કે પંડ્યા સાહેબ આવી ગયા છે. તેને થયું કે એ તેને મળવા બોલાવશે. બપોર પડી ગઇ તો પણ તેને બોલાવી નહીં. તેને થયું કે આટલી મોટી ઓફિસમાં કેટલાય લોકો આવતા-જતા હશે. બધાને કંઇ એ મળતાં ના હોય. એવું પણ બને કે કામ વધુ હોય એટલે ના બોલાવી હોય. તે ગડમથલમાં હતી. તેણે ઇન્ટરકોમ પર સંજનાને ફોન કરી પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. સંજનાએ તેને કહ્યું કે તારે મળી આવવું જોઇએ. જો વ્યસ્ત હશે તો ના પાડશે અને પછી બોલાવશે. સંગીતાને સંજનાની વાત યોગ્ય લાગી. તેણે પોતાના કપડાં ઠીક કર્યા અને વાળ સરખા કરી પંડ્યા સાહેબની ઓફિસની બહાર જઇને ઊભી રહી. પિયુનને પોતાના નામની ચબરખી આપી બાજુની મુલાકાતીઓની ખુરશીમાં બેસી ગઇ. તેને એમ હતું કે જલદી બોલાવશે નહીં. ત્યારે પાછા પગલે આવેલા પિયુને તેને અંદર જવાનો ઇશારો કર્યો. તેને નવાઇ લાગી.

સંગીતા સહેજ ધડકતા દિલે દરવાજો ખોલી અંદર ગઇ. પંડ્યા સાહેબની ચેમ્બર ડાબી બાજુ હતી. કાળા કાચની કેબિનમાં તે બેસતા હતા. તેણે એ કેબિનનો દરવાજો સહેજ ખોલ્યો. સુખડની અગરબત્તીની સુગંધ તેને દરવાજા સુધી અનુભવાઇ. વાતાવરણની પવિત્રતા તેને સ્પર્શી ગઇ. તે હજુ તો "હું અંદર..." બોલી ત્યાં પંડ્યા સાહેબના ચહેરા પર નજર પડતાં ચોંકી ગઇ. તે પોતાનું વાક્ય પૂરું કરી શકી નહીં. તે વિચારવા લાગી. તેના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. પંડ્યા સાહેબ સામે પોતે કેવી રીતે નજર મિલાવી શકશે? પંડ્યા સાહેબ તેને આવકારશે કે ધુત્કારશે? તેને એક ક્ષણ તો થયું કે તે મળવા માટે ખોટી આવી. અહીંથી જ પાછી વળી જાય. આ નોકરી છોડીને જ જતી રહે.

વધુ હવે પછી....