ન કહેવાયેલી વાત
ભાગ - 9
(આ એક એવી પ્રેમકહાની છે, જે બે ધારી તલવારની જેમ બે પેઢીને, બે (ભૂત અને વર્તમાન) કાળને, બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં 'પર્ફેફ્ટ પત્ની અને મોમ ' નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે. ન કહેવાયેલી વાત ' નવલિકાની શરૂઆત 'દર્દ ન જાને કોઈ' ભા.1થી થઈ છે. ડાયરીના પાનામાં મારી (નેહાની) કિશોરાવસ્થાનો પ્રેમપ્રસંગ ત્યારે જ્ઞાતિભેદને કારણે લોહીના ડાધ મૂકી જાય છે, હવે અમેરિકામાં રંગદ્વેષ ને કારણે .' મારા દીકરાને એની શ્યામ ગર્લફ્રેન્ડને કારણે પીટાઈ થઈ, હું એને પડખે રહીશ, કોણે કર્યું ? કેમ કર્યું? તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ.' ન કહેવાયેલી વાત ભા.2 માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે, ક્રોધ ઊપજાવે, અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી. હું મારા સુખી કુટુંબમાં આગનું કારણ બની..' નેહાનો પતિ નીલ જાણે બે તરફની આપત્તિના સકંજામાં ફસાયો હતો. તે પુત્રની રક્ષા માટેનાં પગલાં લે છે. પણ પત્નીની ન કહેવાયેલી વાતનો પત્ર તેને વિચ્છિન્ન કરી નાખે છે. એ શું નિર્ણય લેશે? નેહાની મનોસ્થિતિ કેવી છે ? ભાગ -9 વાંચી રીવ્યુસ આપી આભારી કરશો.)
***
ફોન પર દીકરાનો 'કમ સુન' સંદેશ વાંચી હું શિકારીના પજામાંથી બચ્ચાને બચાવવા દોડતી હરણી જેવી ધેર આવી. આખા ય ઘરમાં નીલ, નિનાદની બૂમો પાડતી ગભરાયેલી ઘૂમી વળી અંતે ખાવા ધસતું હોય તેવું ઘર મારી આંખોમાં બાઝેલા ભેજમાં ઓગળતું હતું !
પતિના ગુસ્સાની ચાડી ખાતો તેમનો અસ્તવ્યસ્ત બેડરૂમ અને રાતભરના નિસાસાને જાણે બેડ પર પડેલા ભીના ટુવાલમાં છુપાવતો દીકરાનો રૂમ જોઈ હું ભાંગી પડી.
મારું કુટુંબ ગઈ કાલ સુધી સુખના પારણે ઝૂલતું હતું તે ઘડીના છઠ્ઠા ભાગમાં તોફાનમાં લટકી પડેલા માળા જેવું જોઈ હું નિરર્થક ધમપછાડા કરતી સમસમીને બેજાન થઈ ગયેલા ફોનને તાકી રહી. છેવટે ફોનને હાથમાં લઈ કોન્ટેક્ટ લિસ્ટને જોઈ રહી. બીજી કોઈ કટોકટી હોય તો ફટ દઈ 911 જોડી દેવાય. મને થયું મારે માટે પતિ -દીકરાનું જણાવ્યા વગર જતા રહેવું
જીવ તડપી ઊઠે તેવી સ્થિતિ હતી.હદયના ધબકારા વધી ગયા છે. શ્વાસ રૂંધાય છે, હથેળીમાં પરસેવો ઊભરાયો છે. મને સાચે જ હાર્ટ એટેક આવ્યો છે કે શું? કોને ખબર કેટલી વાર હું એ હાલતમાં હાથમાં ફોન લઈ બેસી રહી. નિનાદને સ્કૂલમાં ફરી નાન્સીને કારણે હેરાન કરશે તો? નીલે રક્ષણ માટે કોઈ પગલાં લીધાં હશે ? મને બધી વાતથી અંધારામાં રાખી ચિઁતાના ખારા, કડવા, લાય જેવા મિશીગન તળાવ જેવા કોઈ મોટામસ બેનામ તળાવમાં ધક્કો મારી નીલ તું ક્યાં જતો રહ્યો? છોકરાની મુસીબતમાં એનો પિતા જ મને ટેકો આપી શકે. હું તારા માટે તડપું ત્યારે જ તું દૂર ભાગ્યો. આટલાં વીસ વર્ષમાં તું ક્યારેય ભાગેડુ બન્યો નથી. મુસીબતને ઊકેલવાની તારી કુનેહનું આજે શું થયું?
વીસ વર્ષના સહજીવન પછી મારા મનનો ભૂતકાળનો બોજ હળવો કરવા નીલને -પ્રેમાળ પતિને મિત્ર માની ન કહેવાયેલી વાત કહી. સત્યનો તાપ આટલો આકરો હશે? તે મને સમજાઈ રહ્યું હતું. નીલે 'આઈ ડોન્ટ નો " કહી તેનો ફોન કટ કરી દીધો. મારી જાણે એના અસ્તિત્વમાંથી બાદબાકી કરી નાંખી, અમે વસાવેલા ઘર, કુટુંબમાંથી મને દૂર ધકેલી મૂકી ! તો શું આપણે ઘર ઘર રમવાનો માત્ર ખેલ કરતા હતા? ખેલમાં ખાવાનું, પીવાનું, પ્રેમ કરવાનું બે ઘડી. તેવું તારે મન હતું કે મારા મનમાં સંઘરાયેલા સત્યને જાણી તેં ખેલ રમવાનું સમેટી લીધું? હું તને મારા ભૂતકાળમાં પ્રવેશ આપી મારા સમગ્ર દિલથી તને ચાહવા માંગુ છું. રોહનની એક દર્દીલી યાદ છે હું એને જાણતી નથી, સામે મળે તો અમે એકબીજાને ઓળખી પણ ન શકીએ એટલા અજાણ્યા છીએ. તું એક અજાણ્યા વ્યક્તિને ખાતર વીસ વર્ષથી પરિચિત પત્નીને એમ કહી દે છે કે 'આઈ ડોન્ટ નો '. શું તું મા-બાપને કે સંતાનોને એવું કહી શકે? તું ધેર આવી જા. મારી આંખમાં આંખ પરોવી, હાથમાં હાથ લઈ જે કહેવું છે તે કહે ! આપણા સંબધને વિપરીત પરિસ્થિતિના અગ્નિમાં તપવા દે મારે બે પુરુષ વચ્ચેની સરહદ પર જીવવું નથી. એણે નીલને મેસેજ કરવા ફોન હાથમાં લીધો ત્યાં ઉપરાઉપરી ડોર બેલ વાગ્યા .
'ઓહ, નીના સ્કૂલેથી આવી ગઈ?'
બે-ત્રણ કલાક બેઠા રહેવાથી મારા પગ અકળાઈ ગયા હતા, ઝટ દોડીને બારણું ખોલાતું નથી.
'આટલી ઉતાવળી શું થાય છે ? બે મિનિટ...' રોજની જેમ નીના ઇવાની રાઈડ લઈ આવી હતી.
મેં બારણું ખોલી ઇવાને 'થેંક્યુ ' કહ્યું.રોજ સવારે સ્કૂલે જતાં તેની દીકરીને હું રાઈડ આપતી જો કે આજે તેને મોડું થયું હતું એટલે તે સ્કૂલે જવા નીકળી ગયેલી.
'મોમ તું સૂઈ ગઈ હતી ? બારણું ખોલવામાં કલાક લગાડ્યો.' નીના દોડીને ટેબલ પર બેકપેક મૂકી ખાવાનું માંગતી હતી.
મને યાદ આવ્યું આજ સવારથી તેણે ઘરનું એક કામ કર્યું નહોતું. ફોન પકડી શિક્ષા થયેલી હાલતમાં જાતને કોસતી બેઠી રહી હતી. શું નાસ્તો બનાવું તે સૂઝતું નથી.
નીના મમ્મીને વળગી હલાવતી હતી : 'મોમ તને શું થયું છે?'
' આઈ એમ ઓ.કે તું કપડાં બદલી આવ '.મેં કહ્યું
તેણે ઝટપટ નીના માટે ક્રેકર - કુકી દૂધ ટેબલ પર મૂક્યાં .
'મોમ, આજે પાપાને રજા છે, નાસ્તો નથી બનાવ્યો? મને બટાકા-પૌઆ ભાવે છે.' નીના મારો હાથ પકડી ઊભી હતી.
હું શું જવાબ આપું ? નીલની મારી સાથેની લન્ચડેટ આજે સાવ ભૂલાઈ ગઈ હતી. નીલને મારી સાથે , મેં હોંશથી બનાવેલા નાસ્તો ખાવાની મઝા સમૂળગી વિસરાય ગઈ હશે?
નીના સ્કૂલેથી આવે એટલે મમ્મી સાથે તારામંડળ તડતડ થતા ફૂટે તેમ વાતો કર્યે જતી હતી, રોજ તો મમ્મી હસીને બેવડ વળી જતી આજે પૂતળીની જેમ ઊભી હતી.
મેં પૂછ્યું : 'તેં ભાઇને સ્કૂલમાં જોયો હતો ?'
નીના : આઈ થિંક નાન્સી સાથે તે ટેનિસ રમતો હતો.'
હું નીનાને વળગી પડી : યુ શ્યોર
''મે બી ' નીના ખભા ઊંચા કરી બેપરવાહીથી બોલી. આવડી વેંત જેવડી છોકરીને કેમ સમજાવું કે નિનાદનું શું થયું તે જાણવા મારો જીવ પડીકે બંધાયો છે.
"મામા, આજે પાપાને રજા છે, મારે એમની સાથે દાદાની ઘેર જવું છે. હું એમને ફોન કરું?'
મેં તરત જ હકારમાં માથું નમાવ્યું. મને સહેજ ટાઢક થઈ કે નીલ ક્યાં છે તે ખબર પડશે. મને થયું આજે સંતાનને કારણે અમારી વચ્ચે તૂટેલો પૂલ ફરી સંધાશે !
'ડેડી મારે દાદાને ત્યાં જવું છે .' નીનાએ લાડમાં કહ્યું .
'નેક્સટ ટાઈમ, નીનુ આજે હું દૂર નીકળી ગયો છું '. મારા કાન ફોનના શબ્દો પર લટકેલા હતા મેં ઇશારાથી નીનાને ક્યાં છે ? પૂછવા કહ્યું .
નીનાએ રિસાઈને મને ફોન આપી દીધો 'પાપા સાથે કિટ્ટા ' કરી દોડી ગઈ.
મેં બે વાર 'હલો, હાય 'કર્યું પણ સામેથી પણ કિટ્ટા થઈ ગઈ હતી.' હે ભગવાન 'કરતી હું ખુરશીમાં બેસી પડી .આપત્તિ વણનોતરી અડ્ડો લગાવી બેસી ગઈ હતી.
હજુ તો બહેર મારી ગયેલા શરીરને કળ વળી નહોતી ત્યાં નિનાદે મમ્મીને સંદેશો મૂક્યો 'મને રાઈડ મળી છે, હું આવું છું તું બારણું ખોલ '.
મેં લથડતા પગે બારણું ખોલ્યું, જોઈને આંચકો આવી ગયો ! આ કોણ ?
Tarulata Mehta
(your reviews are most welcome.)