“હું જે કંઈ પણ પૂછું તેના સીધા અને સાચા જવાબ આપજે, બાકી અમારો કૉન્સ્ટેબલ દંડા તોડવામાં ઉસ્તાદ છે.” ઝાલાએ ચેતવણી આપી.
ઝાલાના તેવર જોઈ દુર્ગાચરણ અને તેજપ્રતાપના છક્કા છૂટી ગયા. તેજપ્રતાપ બે હાથ જોડી ફરસ પર ઉભડક બેઠો, “પર મૈંને કિયા ક્યા હૈ સા’બ ?” તેની કેસેટ એ જ પ્રશ્ન પર અટકી હતી.
“ખૂન !” ડાભીએ જોરથી કહ્યું.
“ખૂન ? સા’બ હમને તો કભી ચીંટી ભી નહીં મારા, ખૂન ક્યા કરેંગે ? આપ કો જરૂર કોઈ ગલતફૈમી હુઆ હૈ.” તેજપ્રતાપ ચોંકીને બોલ્યો.
ઝાલાએ કૉન્સ્ટેબલ સામે જોયું, તેણે તેજપ્રતાપનો કાંઠલો પકડી જોરદાર મુક્કો માર્યો. જડબા પર અણધાર્યો પ્રહાર થતા તેજપ્રતાપની જીભ કચરાઈ, તે ચીસ પાડી ઊઠ્યો.
“અમે અમારી જાત પર આવી જઈશું તો પેટ ફાડી નાખે એટલું ખવડાવી પછવાડું સીવી દઈશું.” ઝાલાની ભાષા પોલીસવાળા જેવી થઈ ગઈ. “અને ચૂપ રહીને પણ તમે બચી નહીં શકો. આરવીના રૂમમાંથી અમને ‘મહાકાલ જ્યોતિષ’નું કાર્ડ મળ્યું છે. તે કાર્ડ પરની આંગળીઓના નિશાન અને બલર બંગલોમાં મળેલા પગલા, તમારા ફિંગરપ્રિન્ટ્સ અને ફૂટપ્રિન્ટ્સ સાથે મેચ થઈ જશે પછી ભગવાન પણ તમને નહીં બચાવી શકે.” ટેબલ પર બેઠેલા ઝાલાએ પોતાની બંને કોણી જાંઘ પર ટેકવી અને ભીડેલી આંગળીઓની સાંકળ પર હડપચી ટેકવી.
“હમકો તો સમઝ હી નહીં આ રહા હૈ કિ આપ કા બોલ રહે હો ?” તેજપ્રતાપે ભોળા અવાજે કહ્યું અને તેના પર ગડદાપાટુનો વરસાદ વરસ્યો. આ જોઈ દુર્ગાચરણને પસીનો વળી ગયો, તે થરથર ધ્રૂજવા લાગ્યો.
કૉન્સ્ટેબલ તેજપ્રતાપને ખોખરો કરી રહ્યો હતો ત્યારે ડાભી દુર્ગાચરણ પર ધસ્યા. તેમની આંખોમાં સોમરસ પીને મદોન્મત્ત થયેલા હાથી જેવું ગાંડપણ હતું.
“બતાતે હૈ.” એક જ ઝાપટમાં દુર્ગાચરણ ભાંગી પડ્યો. “ઇસમેં તેજપ્રતાપ કા કવનો કસૂર નાહી હૈ, બ્લેડ હમ મારે થે.” તેણે ધ્રૂજતા અવાજે કહ્યું.
“કોણ નિર્દોષ છે અને કોણ ગુનેગાર એ કોર્ટ નક્કી કરશે, તું ખાલી બોલતો જા.” ઝાલાએ કડકાઈથી કહ્યું.
દુર્ગાચરણ બે પળ ચૂપ રહ્યો અને તેના ગાલ પર ડાભીના ભારે હાથનો જોરદાર તમાચો પડ્યો, “4-જીના જમાનામાં આટલું બધું બફરિંગ શાનું થાય છે ?”
“ઉસ દિન રાત કે ડેઢ બજે હમ બલર બંગલે મેં ગયે થે.”
“‘હમ’ એટલે તું ને તેજપ્રતાપ ?” ડાભીએ પૂછ્યું.
“નહીં, હમ અકેલે. તેજપ્રતાપ ઇસ બારે મેં કુછ નહીં જાનતા.”
“પછી ?”
“હમ ઉધર ગયે ઔર જૈસે તય હુઆ થા, બંગલે કા દરવાજા ખુલા પાયા.”
“ક્યા તય હુઆ થા, કિસકે સાથ તય હુઆ થા ?” ડાભીએ પૂછ્યું.
“સા’બ હમ તો બસ એક મોહરે હૈ, પૂરા પિલાનિંગ ઉનકા થા.”
“કિસકા થા ? નામ બોલ...”
દુર્ગાચરણ કોનું નામ બોલે છે એ સાંભળવા ઝાલા અને ડાભી ટટ્ટાર થયા, તેમના કાન સરવા થયા, આંખો દુર્ગાચરણના હોઠ પર મંડાઈ.
“આરવી મૅડમ કા !”
શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મેળવી ચૂકેલા માણસે અણુબૉંબ ફેંક્યો હોય એમ ઝાલા થીજી ગયા ; તેમને લાગ્યું કે સાંભળવામાં કંઈક ભૂલ થઈ છે. ડાભીએ દુર્ગાચરણનો કાન પકડી જોરદાર વળ ચડાવ્યો, “અમને બેવકૂફ સમજે છે ? કોઈ માણસ પોતાની જ હત્યાનું પ્લાનિંગ શા માટે કરે ?”
“વહી તો સમઝ નહીં આ રહા.” કાન અમળાતા દુર્ગાચરણ ઊંચો થઈ ગયો.
ઝાલાને યાદ આવ્યું કે પહેલીવાર તેઓ દુર્ગાચરણને મળ્યા ત્યારે, બલર બંગલોમાં એક વ્યક્તિનું મોત થયું છે એ જાણવા છતાં દુર્ગાચરણ સ્વસ્થ દેખાતો હતો, પરંતુ મરનાર વ્યક્તિ આરવી છે એ જાણીને ચોંક્યો હતો.
“શરૂઆતથી જણાવ, યોજના ક્યારે ઘડાઈ અને આખી યોજના શું હતી એ બધું જ.”
“અભી પિછલે મહીને કા બાત હૈ, સિતંબર કે અંત મેં વહ હમરે ઘર આઈ થી.”
“કોણ આરવી ?”
“હાં.”
“પણ એ તો ત્યારે રાજકોટમાં હશે.”
“હાં, સુબહ કો ઉધર સે નિકલી થી ઔર શામ તક વાપિસ ચલે જાને વાલી થી.”
‘ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તેણે અબોર્શન કરાવ્યું અને સપ્ટેમ્બરના અંતમાં તે દુર્ગાચરણને મળી, મતલબ આ વાત ગર્ભપાત પછીની છે.’ ઝાલાએ ગણતરી કરી.
“પછી ?”
“વહ બોલી કિ એક જરૂરી બાત કરની હૈ લેકિન ઘર પર નહીં. તો હમ ઉનકે સાથ બાહર ગયે, વહ અપના પૂરા મુંહ કપડે સે ઢક લિયે થે. બાહર નિકલતે હી ઉન્હોંને હમે ચૌંકાયા. વહ જાનતી થી કિ હમ મધુબની જિલે કે મધવાપુર ગાંવ સે હૈ, ઔર વહ ભી કિ ઉધર હમ પર દો ચાર્જ લગે હૈ.”
“શાના ચાર્જ લાગ્યા હતા તારા પર ?”
દુર્ગાચરણ થોડો ખચકાયો અને બોલ્યો, “હમ જહાં નૌકરી કરતે થે વહાં કે મેનેજરવા કો બુરી તરહ સે પીટે થે ઔર ફિર હમરે ભાભી કો કોઈ છેડા થા તો હમ ઉસ કુત્તે કે પીછે ચાકૂ લેકર કે ભાગે થે. ઉસકે હાથ પર જખમ ભી કિયે થે. ઇસલિયે હમ ગાંવ છોડકર યહાં ભાગ આયે થે.”
“મધવાપુર જેલના જમાઈ અમારા મહેમાન બન્યા છે તો થોડી સરભરા તો કરવી જોઈએ ને !” એમ કહી, ડાભીએ તેના પેડુ પર ગોઠણ માર્યો. દુર્ગાચરણ બેવડ વળી ગયો, તેના દાંત પીડાથી ભીંસાયા, ચહેરાની નસો ઊપસી આવી ; તેનો ફિક્કો ચહેરો એકદમ લાલ થઈ ગયો.
“આરવીને આ બધી કેવી રીતે ખબર ?” ઝાલાએ પૂછ્યું.
દુર્ગાચરણ સખત રીતે કણસી રહ્યો હતો. તે મહાપરાણે બોલી શક્યો, “ઉનકો વરુણભાઈને બતાયા થા.”
“અને વરુણને કેવી રીતે ખબર ?”
દુર્ગાચરણ હાંફી રહ્યો હતો, તે બે ઘડી ચૂપ રહ્યો. પણ, ડાભીએ તેને દંડો બતાવ્યો, “અમે જૂઠું સૂંઘી લઈએ છીએ ; વિચારવા માટે અટકીશ કે ખોટું બોલીશ તો દંડો ઘુસાડી દઈશ.”
દુર્ગાચરણ એકદમ ફટાફટ બોલવા લાગ્યો, “હમકો નશા કરને કા આદત હૈ લેકિન સિક્યૉરિટી કી તનખ્વાહ મેં ઘર હી મુશ્કિલ સે ચલતા હૈ તો યહ આદત કહાં સે પલતી ? ફિર ભી હમ જાનતે થે કિ વરુણભાઈ ઔર ઉનકે દોસ્ત રેગ્યુલરલી નશા કરતે હૈ. હમ સોચે, અગર વહ હમકો ગાંજા ઔર શરાબ લાને કા કામ સૌંપે તો ઉસ સામાન ઔર પૈસોં મેં ઝોલ-ઝાલ કર હમ અપના શોખ પાલ શકતા હૂં. ઇસલિયે, વરુણભાઈ કા વિશ્વાસ જીતને કે લિયે, હમ યહ બક દિયે થે.”
‘નશાની હોય, સ્ત્રીની હોય કે પૈસાની, તલબ હંમેશા બરબાદીની પૂર્વભૂમિકા રચતી હોય છે.’ મનમાં બબડી ઝાલાએ પૂછ્યું, “પછી આરવી સાથે શું વાત થયેલી ?”
“ઉન્હોંને બતાયા કિ હમેં ઉનકા એક કામ કરના હોગા, બદલે મેં વહ હમે ઢાઈ લાખ રુપયે દેગી.”
“શું ?” રકમ સાંભળીને ઝાલા ચોંક્યા. પૈસાનો આંકડો મોટો બને તેમ તેનું ચુંબકીય ક્ષેત્ર મોટું થતું જાય છે, જે વધુ ને વધુ લોકોને પોતાની તરફ ખેંચે છે.
“હમ ભી ચૌંકે થે. હમને પૂછા, “કરના ક્યા હૈ ?” તો બોલી, “મધવાપુર મેં જૈસે તુમને ચાકૂ મારા થા ઐસે ઇધર બ્લેડ મારના હૈ.” હમ થોડા ગભરાયે લેકિન મના કરે ઉસસે પહલે હી ઉન્હોંને ધમકી દિયા, “‘વિશ્વાસ સિક્યૉરિટી એજન્સી’ કો તુમ્હારા ક્રિમિનલ રિકૉર્ડ પતા ચલ ગયા તો તુમ્હારી નૌકરી ચલી જાયેગી, ઔર જેલ જાના પડેગા સો અલગ...” હમ ચૂપ રહે. બાદ મેં ઉન્હોંને હમે પૂરા પિલાન સમઝાયા, જોખિમ ના કે બરાબર થા ; યોજના હી કુછ ઐસન થા કિ પૂરા મામલા હત્યા કા નહીં, ખુદકુશી કા લગે. હમ હાં બોલ દિયે. વૈસે ભી ઢાઈ લાખ રુપયે કોઈ છોટા એમાઉન્ટ નહીં હોતા, હમેં તીન સાલ કી તનખ્વાહ એક હી બાર મેં મિલ રહી થી.”
“યોજના શું હતી ?”
પ્રશ્ન સાંભળી દુર્ગાચરણ ભૂતકાળમાં સરી પડ્યો. આરવી સાથેની એ મુલાકાત, તેમની વચ્ચેની વાતચીત બધું જ જાણે સજીવન થયું. “આ વખતની દિવાળી હું હરિવિલા સોસાયટીમાં કરવાની છું. એ દરમિયાન બલર બંગલોમાંથી એક સભ્ય કાયમ માટે ઓછો થઈ જશે.” - આરવીનો અવાજ તેના કાનોમાં ગુંજ્યો.
ક્રમશ :