Aruna asaf ali in Gujarati Biography by Neha bhavesh parekh books and stories PDF | અરુણા અસફ અલી

Featured Books
Categories
Share

અરુણા અસફ અલી

જેમ્સ ઓફ ઇન્ડિયા 'અરુણા અસફ અલી '

'અય મેરે વતનકે લોગો જરા આંખમેં ભરલો પાની

જો શહીદ હુએ હૈં ઊનકી જરા યાદ કરો કુરબાની.'

સ્વતંત્રતા, આઝાદી, ફ્રીડમ આ બધા શબ્દ જેટલા બોલવામાં કે સાંભળવામાં સારા અને સહેલાં લાગે છે એટલા જ મેળવવામાં મુશ્કેલ હોય છે. આપણો દેશ લગભગ બસો કરતા પણ વધારે વર્ષથી અંગ્રેજોની ગુલામી કરી રહ્યો હતો. અંગ્રેજો અહીં વ્યાપાર અર્થે આવ્યાં હતા પણ આપણાં દેશની જાહોજલાલી જોતાં અહીં જ પોતાની સત્તા બનાવી લીધી. અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરી દેશને આઝાદ કરવા માંટે અનેક નામી-અનામી સ્વાતંત્ર્યસેનાનીઓએ પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું હતું. મહાન ક્રાંતિકારીઓએ ભારે કષ્ટ સહન કર્યા હતા. અનેક યાતનાઓ વેઠી હતી. પોતાની જાનની પરવા કર્યા વગર તેઓ રાત-દિવસ અંગ્રેજો સામે લડતાં રહ્યાં, એમની લાઠીઓ ખાતા રહ્યા. એમનાં અન્યાયનો ભોગ બનતા રહ્યા.

ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ,લાલબહાદુર શાસ્ત્રી,શહીદ ભગતસિંહ,લોકમાન્ય તિલક, લાલા લજપત રાય, ચંદ્ર શેખર આઝાદ ...અધધ...એવાં અસંખ્ય ક્રાંતિકારીઓએ પોતાનું આખું જીવન દેશને નામ સમર્પિત કરી દીધું હતું. અઢળક જુવાનો હિંસક ક્રાંતિનો માર્ગ અપનાવી અંગ્રેજોની ક્રૂરતા અને રોષનાં ભોગ બન્યાં હતા અને પોતાનાં પ્રાણોની આહુતિ આપી હતી. અનેક લોકોએ પોતાનાં ઘરબાર ખોયા, માલ-મિલકત ખોઈ. અનેક માતાઓએ પુત્રો ખોયા, કોડભરી હજારો સ્ત્રીઓનાં કપાળેથી સૌભાગ્યનો ચાન્દલો ભૂંસાઇ ગયો. આઝાદીની લડાઈમાં અગણિત દેશબંધુઓએ તન,મન અને ધનનું બલિદાન આપીને માભોમની સેવા કરી હતી. આ સેનાનીઓની કુરબાનીને કેમ ભૂલાય? આજે તેમાંના કેટલાક શહીદોનું નામ સુવર્ણ અક્ષરોથી લખાઈને,ઇતિહાસનાં પાનાં પર અમર થઇ ગયું છે પણ આમાંના કેટલાક મહિલા ક્રાંતિકારીનું નામ જવવલેજ કોઈ યાદ રાખે છે.

આજે હું તમને એવા જ એક મહિલા સ્વાતંત્રસેનાનીની વાત કરીશ જયારે મહિલાઓને ઘરની બહાર નીકળવાની પરવાનગી પણ મળતી ન હતી એ જમાનામાં તે પોતાની નીડરતા, સાહસિકતા, યોગ્યતાના એક મિશાલ હતા. ભલે આપણા યુવાધન પાસે એમનાં વિષે ખાસ માહિતી નથી પણ દેશને આઝાદ કરાવવામાં એમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.

એ મહાન સ્ત્રીનું નામ છે 'અરુણા અસફ અલી.'

અરુણા ગાંગુલીનો જન્મ સોળ જુલાઈ 1909 ના રોજ પંજાબનાં કાલકા ગામમાં થયો હતો. જન્મે તેઓ બંગાળી બ્રાહ્મણ હતા. એમનાં પિતાજીનું નામ ઉપેન્દ્ર ગાંગુલી હતું. નૈનીતાલમાં તેઓ એક હોટલનાં માલિક હતા. એમની માતાજીનું નામ અંબાલિકાદેવી હતું.

ભણવામાં અરુણા નાનપણથી જ અત્યંત તેજસ્વી હતા. વર્ગમાં હંમેશા પ્રથમ નંબર લાવતા. એમની કુશાગ્ર બુધ્ધિ અને વાક્ચાતુર્યનાં ગુણ આખી શાળામાં જગજાહેર હતા.

લાહોરમાં એમનું બાળપણ વીત્યું અને નૈનીતાલથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી કલકત્તાનાં ગોખલે મેમોરિયલ સ્કૂલમાં શિક્ષીકા બની ભણાવવાં લાગ્યા હતા.

કલકત્તામાં શિક્ષકની નોકરી દરમ્યાન તેઓ ભારતીય સ્વાતંત્ર્યસેનાની અસફ અલીનાં સંપર્કમાં આવ્યાં જેઓ એક પ્રસિધ્ધ વકીલ પણ હતા અને એમનાથી લગભગ એકવીસ-બાવીસ વર્ષ મોટા હતા. ધીમે ધીમે એમની મૈત્રી પ્રેમમાં પરીણમી. બંનેના ઘર્મ અલગ અને પાછા ઉંમરમાં પણ આટલો તફાવત હોવાથી પરિવારમાં એમનો ખાસ્સો વિરોઘ થયો પણ એ બધાથી પર જઈને ફક્ત ઓગણીસ વર્ષની ઊંમરમાં પરિવાર અને સમાજની વિરુધ્ધ જઈને એમણે 1928માં અસફ અલી સાથે લગ્ન કરી લીધા. એમનાં લગ્નમાં એમનાં પરિવારનાં કોઈ સદ્સ્યતો જોડાયા ન હતા પણ ગાંધીજી અને જવાહરલાલ નહેરૂ જેવા વરિષ્ઠ નેતા એમના પરિવાર બની લગ્નમાં હાજરી આપી હતી. લગ્ન બાદ એમનાં જીવનનું મકસદ બદલાઈ ગયું. તેમને પોતાનું જીવન પતિનાં પગલે ચાલવાનું નક્કી કરી લીધું અને એમની સાથે સ્વતંત્રતાસંગ્રામમાં જોડાઈ ગયા. તેઓ ગાંધીજીનાં આદર્શોને ખૂબ માનતા હતા. તેઓ પતિ સાથે ગાંધીજી અને જવાહરલાલ નહેરુનાં ભાષણ સાંભળવા તેમની સભાઓમાં જવા લાગ્યાં

1930માં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માંટે સાર્વજનિક સભાઓને સંબોધીને સરઘસ કાઢ્યા હતા. અંગ્રેજ સરકારે મીઠા પર ટેક્સ લગાવ્યો હતો એનો ગાંધીજીએ અહિંસક વિરોધ કર્યો હતો. પહેલીવાર અરુણાએ એમનાં પતિ સાથે કોઈ આંદોલનમાં ભાગ લીધો હતો. ગાંધીજીનાં નેતૃત્વ હેઠળ અરુણા અલી આંદોલનમાં ખૂબ આગળ પડતો ભાગ ભજવતાં હતા. તેમનામાં એક કાબેલ નેતા બનવાના તમામ ગુણો હતા. જયપ્રકાશ નારાયણ, ડોક્ટર. રામ મનોહર લોહીઆ ,અચ્યુત પટ વર્ધન જેવા સમાજવાદીઓનાં વિચારોનો એમનાં પર જબરદસ્ત પ્રભાવ પડ્યો હતો. 1930માં એમણે પણ ગાંધીજીની સાથે સાથે સભાઓ ભરી, સરઘસ કાઢ્યા.

અંગ્રેજ સરકારે પોતે રખડું છે અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી એમની ધરપકડ કરી. ગાંધી-ઈરવીનના સમજોતા દરમ્યાન બીજા બંદીઓને છોડી દેવામાં આવ્યા પણ અરુણાને છોડાયા નહીં. તેમની સાથેના બીજા મહિલા ક્રાંતિકારીઓએ જેલમાં ધમાચકડી મચાવીકે અરુણાને છોડો તો જ અમે જેલમાંથી બહાર નીકળીશું પણ અંગ્રેજોએ એમની આ વાત માન્ય રાખી નહીં. છેવટે ગાંધીજીને વચ્ચે પડવું પડ્યું. ગાંધીજીએ બીજા મહિલા ક્રાંતિકારીઓને જેલમાંથી બહાર નીકળવા માંટે સમજાવ્યાં પછી જ બીજા મહિલા ક્રાંતિકારીઓ જેલ માંથી બહાર નીકળવા માંટે માન્યા. અરુણાને છોડવા માંટે પક્ષમાં જન આંદોલન શરૂ થયા એટલે બ્રિટિશ સરકારે એમને ના છૂટકે છોડવા પડ્યા. આ બનાવ પછી તેઓ ધીરે ધીરે પ્રસિધ્ધ થવા લાગ્યા. જેલમાંથી છૂટ્યા પછી પણ એમનાં સરઘસો, એમનાં આંદોલનો ઠેર ઠેર સભાઓ યોજવાનું તો ચાલુ જ હતું. હવે તેઓ અંગ્રેજો સામેની લડતમાં વધારે ને વધારે સક્રિય બનતા ગયા. દેશની સેવા કરવા માંટે એમનું ખૂન વધારે ગરમ થતું ગયું. તેઓ કોઈનાથી ડરે એવા ન હતા. બમણા જોરથી એમણે અંગ્રેજોને ટક્કર આપવાનું નક્કી કરી લીધું. એમની નેતાગીરીથી અંગ્રેજો ઉશ્કેરાઈ ગયા હતા. પોલીસ અરુણાને પકડવાની તક જ શોધતી હતી.

1932માં ફરીથી એમને બંદી બનાવીને તિહારજેલમાં મોકલી દેવામાં આવ્યા. તિહારજેલમાં એમની અને એમનાં સાથીદારો સાથે અત્યંત ખરાબ વર્તન થતું હતું. આ અન્યાયનાં વિરોધમાં એમણે સાથીદારો સાથે ભૂખ હડતાલ શરૂ કરી દીધી. એમનાં આ પગલાંથી કેદીઓ સાથે થતાં વર્તનમાં થોડોઘણો સુધારો થયો પણ અરુણાને એકલાને અંબાલાના કોઈ એકાંત કારાવાસમાં ધકેલી દેવામાં આવ્યા પરંતુ એમનાં આ સતત પ્રયાસોને લીધે તિહાર જેલમાં કેદીઓ સાથેના વર્તનમાં ચોક્કસ સુધારો થયો હતો જેના પરિણામ રૂપે એમને ત્યાંથી તરત જ છોડી દેવામાં આવ્યા. ત્યાંથી છૂટ્યા પછી દસ વર્ષ માંટે રાષ્ટ્રીય આંદોલનથી અલગ કરી દેવામાં આવ્યા પણ એ કઈ એમને એમ બેસી રહે એવા ન હતા. એ પછી એમને ગરીબ અને નિર્બળ લોકો માટે કામ કરવાનું શરૂ કર્યું ઉપરાંત સ્ત્રીઓનાં હક અને શિક્ષણ માટે પણ તેઓ લડતાં રહ્યા.

1942માં એમણે પોતાના પતિ સાથે મુંબઈના કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો. તેઓ કોંગ્રેસ સમિતિના એક સક્રિય સભ્ય હતા. બ્રિટિશ શાસનના અંતની જરૂરિયાત પર 1942ની આઠમી ઓગસ્ટે કોંગ્રેસ સમિતિ દ્વારા 'અંગ્રેજો ભારત છોડો ' નામનો એક ઠરાવ પસાર થયો. આ મહાસમિતિએ ભારતની મુક્તિ કાજે અહિંસક માર્ગે આંદોલન શરૂ કરવાની પણ મંજૂરી આપી. બીજા દિવસે એટલે કે નવમી ઓગસ્ટ,1942ના રોજ મુંબઈના ગોવાળિયા મેદાનમાં અધિવેશનને ચાલુ રાખવા સાથે એક વિશાળ જાહેરસભા યોજી હતી પરંતુ આગેવાનો ભેગા થાય અને લડત ચાલુ થાય એ પહેલા જ ગિરફ્તારીનો દોર ચાલુ થઇ ગયો અને અનેક નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા. ગોવાળિયા તળાવ મેદાનમાં એમણે બાકી રહેલાં સભ્યોને સાથે રહીને અંગ્રેજો સામે ભારતનો રાષ્ટ્ર દવજ લહેરાવી અંગ્રેજોને દેશ છોડી દેવા માંટે ખૂલ્લો પડકાર ફેંક્યો અને પોતાની ખમીરતાનો નમૂનો આપ્યો. એ પછી તો પોલીસે લાઠીચાર્જ શરુ કર્યા, આખા મેદાનમાં ભાગ દોડ મચી ગઈ. ચારેય બાજુ અંધાધૂંધી છવાઈ ગઈ. મેદાનમાં પોલીસ દ્વારા ફાયરીંગ પણ થયું અને 'ભારત છોડો' ચળવળની શરૂઆત થઇ. આ ચળવળથી તેઓ '1942ની ઝાંસીની રાણી ' તરીકે ઓળખાવા લાગ્યા. અંગ્રેજોની લાઠીઓનો બેસુમાર માર અને બંદૂકની ગોળીઓને છાતી પર ઝીલીને કેટલાંય દેશભક્તો શહીદ થઇ ગયા પરંતુ અંગ્રેજોની આંખોમાં ધૂળ નાખી અરુણા ત્યાંથી ભાગવામાં સફળ રહ્યાં અને ભૂગર્ભમાં જતા રહ્યા. ભૂગર્ભમાં રહીને પણ એમણે ગાંધીજી અને બીજા નેતાઓની ગિરફ્તારી સામે અંગ્રેજોનો વિરોધ કરી સભાઓ યોજી. દેશ માંટે કુરબાન થવાની એમની ભાવના જવલંત હતી. તેઓ સંપૂર્ણપણે દેશ્ભક્તિનાં રંગે રંગાઈ ગયા હતા. 1942ના 'હિન્દ છોડો ' સત્યાગ્રહથી અરુણાજી એ એક મહાન દેશપ્રેમી તરીકે પોતાની ઓળખ બનાવી લીધી હતી. 1942થી 1946 સુધી દિલ્લી, મુંબઈ, કલકત્તા જેવા જુદા જુદા શહેરોમાં ફરી ફરીને આંદોલનો કરવામાં સક્રિય રહ્યા અને લોકોમાં નવ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. પોતાનાં અન્ય સાથીઓ સાથે રહીને તેઓ પ્રચાર માટે રેડીયો અને પેમ્પલેટનો ઉપયોગ કરતા. પોલીસ તેમને શોધવાં બેબાકળી બની ગઈ હતી પણ તેઓ પોલીસની પકડમાં આવી ના શક્યાં. એ પછીનાં વર્ષોમાં તેઓ 'ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી ઓફ ધ ઈન્ડીપેન્ડસ મૂવમેન્ટ ' તરીકે જાણીતા થયા.

તેમને પકડવા માટે અરેસ્ટ વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું પણ કોઈપણ રીતે પોલીસની જાળમાંથી બચી જવામાં નસીબે તેમને સાથ આપ્યો હતો. તેમનાં દિલોદિમાગ પર બસ એક જ જૂનૂન સવાર હતું કે કોઈપણ રીતે દેશને અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરાવો છે અને એક આઝાદ હિંદની સ્થાપના કરવી છે. ભૂગર્ભમાં રહીને પણ એમણે શ્રી રામ મનોહર લોહીઆ સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા બહાર પડતાં 'ઇન્કલાબ 'નામનાં માસિક મેગેઝીનનું સંપાદનનું કાર્ય કર્યું. આ મેગેઝીન દ્વારા સમાજનાં કેટલાય નવયુવાનોને દેશ માંટે કાંઈ કરી છૂટવાની ભાવના પ્રબળ બની.

હવે પોલીસ એમને પકડવા અધીરી બની ગઈ હતી. પોલીસની નજરમાં હવે તે મોસ્ટ વોન્ટેડ લેડી બની ચૂક્યા હતા. સરકારે એમની તમામ સંપત્તિ જપ્ત કરીને વેચી દીધી હતી. એમને પકડવા માંટે સરકારે પાંચ હજાર રૂપિયાનું ઇનામ પણ ઘોષિત કર્યું હતું. આ બધા સમાચાર સાંભળીને એમણે માનસિક સ્વસ્થતા તો જાળવી રાખી પણ શારીરિક રીતે તેમની તબિયત બગડી હતી તેઓ ખૂબ લથડી ગયા હતા. એમની ખરાબ તબીયતનાં સમાચાર સાંભળીને ગાંધીજીને ખૂબ દુઃખ થયું. એમણે અરુણાજીને સરન્ડર કરવા સમજાવ્યા હતા છત્તા તેઓ ટસ ના મસ ના થયા. પોતાની બધી જ સંપત્તિ સરકાર દ્વારા જપ્ત થઇ ગઈ હોવા છત્તાં તેઓએ આત્મસમર્પણ ના કર્યું. જયારે એમની તબિયત ખૂબ ખરાબ થઇ ગઈ ત્યારે એમને દિલ્લીના કરોલબાગમાં ડોક્ટર જોશીની હોસ્પિટલમાં થોડા સમય માંટે રાખવામાં આવ્યાં હતા. ગાંધીજીને આ સમાચાર મળ્યા કે તરતજ એમણે પોતાના હાથે લખેલી એક ચિઠ્ઠી સેવક મારફતે અરુણાજીને મોકલાવી તેમાં લખ્યું હતું કે ' મને તારી હિંમત માટે માન છે પણ આમને આમ તારી તબિયત વધારે ખરાબ થતી જશે. આપણું મિશન હવે પૂરું થવાની તૈયારી માં જ છે. હવે તું ભૂગર્ભ માંથી બહાર આવીજા અને તારી જાત ને સરન્ડર કરી લે. તને પકડવાનું જે ઇનામ ઘોષિત થયું છે એ આપણે હરિજન જાતિનાં વિકાસ માંટે વાપરીશું.' ગાંધીજીની ચિઠ્ઠી વાંચ્યાં પછી પણ અરુણાનું મન ના પીગળ્યું પણ એમણે પોતાની જાત પર ગર્વ થયો. એ ચિઠ્ઠી એમણે આખી જિંદગી ખજાનાની જેમ સાચવીને છેવટે એમનાં ઘરનાં બેઠક રૂમમાં ફ્રેમ બનાવીને લગાવી હતી. છેવટે 26 જાન્યુઆરી 1946નાં રોજ સરકારે એમનાં ઉપરથી અરેસ્ટ વોરન્ટ હટાવી દીધું પછી જ એમણે પોતાની જાતને પોલીસને હવાલે કર્યા.

છેવટે ભારતને આઝાદ કરવાનાં ચક્રો ગતિમાન થયાં અને અંગ્રેજોને હાર માનવી પડી. મહાન ક્રાંતિકારીઓની કુરબાની રંગ લાવી. લોર્ડ માઉન્ટ બેટને ભારતને સ્વાધીન જાહેર કર્યું. 1947ના ઓગસ્ટ મહિનાની 15 તારીખે આપણો દેશ આઝાદ થયો. એ પછી તેઓ સંપૂર્ણ રીતે પતિ સાથે રાજકારણમાં જોડાઈ ગયા.

1948માં એમણે સમાજવાદી પાર્ટી સાથે મળીને પોતે એક સોશિયાલિસ્ટ પાર્ટી બનાવી એનાં થોડા સમય પછી એ પોતાના પતિની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાઈ ગયા. 1953માં તેમનાં પતિ આસિફઅલીનું મૃત્યુ થયું એ પછી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. મન કઠણ કરી તેઓએ વિધાતાનાં નિયમને સ્વીકારી લીધો અને એ પછી તેઓ રાજકારણમાં વધારે સક્રિય થઇ ગયા અને સતત કામ કરતાં રહ્યા.

1958માં એમણે ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટી છોડી દીધી અને તેઓ દિલ્લીના પ્રથમ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા. દિલ્લીમાં સફાઈ અને સ્વાસ્થ્ય પર એમણે ખૂબ પ્રશંસનીય કામ કર્યું. દિલ્લીનાં વિકાસમાં એમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. પોતાનાં જીવનકાળ દરમ્યાન તેઓ સતત સમાજ કલ્યાણનાં જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલાં રહ્યા. જયપ્રકાશ નારાયણની સાથે મળીને એમણે દૈનિક સમાચાર પત્ર 'પેટ્રીયાટિક' અને સાપ્તાહિક સમાચાર પત્ર 'લિંક ' નું સંપાદન કાર્ય શરૂ કર્યું. જવાહરલાલ નહેરુ જેવા વરિષ્ઠ નેતાની ઓળખાણનાં કારણે એમનાં સમાચાર પત્રો ખૂબ ઓછા સમયમાં પ્રસિધ્ધિ પામ્યા પણ રાજકારણીઓની અંદરોઅંદર ખટપટ થતા થોડા સમય બાદ એમણે સંપાદનનું કામ છોડી દીધું હતુ. હવે તેઓ થાકી ગયા હતાં, રાજકારણમાં થતી ખેચમતાંણીથી કંટાળી ગયા હતા. એમણે મેયર પદેથી પણરાજીનામું આપી દીધું અને ફરીથી ક્યારેય કોઈ સરકારી નોકરી કે ચૂંટણીમાં નહીં ઊભા રહેવાનું નક્કી કર્યું હતું અલબત્ત એ સ્વ. ઇન્દિરા ગાંધીજી અને રાજીવ ગાંધીનાં ખાસ મિત્રોમાં ના એક હતા.

અરુણાજીએ પોતાનું આખું જીવન દેશ માંટે અને પછી સમાજ કલ્યાણનાં કર્યો માંટે સમર્પિત કરી દીધું હતું. અરુણા અસફ અલીનું જીવન ભારતનાં સ્વરાજ્ય માટે એક રાષ્ટ્રીય યજ્ઞ સમું છે. એમનાં જીવનકાળ દરમ્યાન તેઓ ઘણીબધી ઉપ્લબ્ધીઓનાં હકદાર બન્યા હતા.

1964માં અરુણા આસફ અલીને આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતા. તે ઉપરાંત 1991માં આંતરરાષ્ટ્રીય સમજણ માંટે તેઓને જવાહરલાલ નહેરૂ પુરસ્કાર પણ મળ્યો હતો. 1992માં રાષ્ટ્ર નિર્માણનાં કાર્ય હેઠળ તેઓને 'પદ્મ વિભૂષણ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

સમય જતા એમની તબિયત વધારે ખરાબ રહેતી હતી. તેઓ લાંબો સમય પથારીવશ રહ્યાં. સીત્યાસી વર્ષનું જીવન જીવી 29 જુલાઈ 1996માં આ મહાન સ્વાતંત્રસેનાનીએ દુનિયાને હંમેશા માંટે અલવિદા કહી દીધી.

એમનાં મૃત્યુનાં એક વર્ષ પછી એટલે કે 1997માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન 'થી સન્માનિત કરી એમનાં મૃત્યુંને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દેશની જનતા આ મહાન વ્યક્તિને હંમેશા યાદ રાખે એ માંટે ભારતીય ટપાલ સેવા દ્વારા 1998માં એમના નામની એક ટપાલ ટિકિટ બહાર પડી હતી. આજે પણ નવી દિલ્લીમાં એમનાં નામનો રસ્તો છે જે ‘અરુણા અસફઅલી માર્ગ’ નામે ઓળખાય છે.

આજે ભલે આ મહાન ક્રાંતિકારી આપણી વચ્ચે નથી પણ એમનાં જીવનચરિત્ર માંથી એમનાં જોશીલા સ્વભાવ, નીડરતા, એમની કાર્ય કરવાની ક્ષમતા, એમની સાચી દેશ ભક્તિ, એમની બાહોશતાનો સચોટ પરિચય થાય છે. તેઓ હમેશા એવું કહેતા; જો તમે જીવનમાં આવતી અમૂલ્ય તકનો લાભ લેવાની હિંમત નહીં કરો તો તમે જીવનમાંથી ક્યારેય કંઈપણ મેળવી શકશો નહીં.

મને ખાતરી છે કે આપણામાંથી મોટા ભાગના લોકો એમનાં વિષે, એમનાં કાર્ય વિષે આજસુધી અજાણ હતાં પરંતુ આજે આ લેખ દ્વારા અરુણા અસફ અલીના જીવનનો આપણને પરિચય થાય છે. ભારતનાં એક મહાન મહિલા સ્વાતંત્રસેનાની તરીકે એમનું નામ આપણી યુવાપેઢીનાં મુખ પર સદાય ગૂંજતું રહેશે.

ભારત દેશની આઝાદી માંટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વીર શહીદોને કોટી કોટી વંદન.

'જય હિદ’

'જય ભારત'

----------------------------------------------------------------------------------------------------------------