તંદુરસ્તી સાથે મનદુરસ્તી પણ મહત્ત્વની
મોહમ્મદ સઈદ શેખ
જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે માનવજીવન વધારે સુખસગવડવાળું બની રહ્યું છે. પરંતુ જેટલી સગવડો વધે છે એટલી અગવડો પણ વધે છે એ સ્વીકારવું રહ્યું. એ કેવી રીતે ? તમારા મોબાઇલ ફોનમાં લાખો કરોડો એપ્સ છે જે તમારા જીવનમાં સુખ સુવિધા કેવી રીતે લાવી શકાય એ દર્શાવે છે. પરંતુ બીજી બાજુ સોશિયલ મીડિયાના આડેધડ અને અણસમજ સાથેના ઉપયોગને લીધે માનવો વધારે તાણ, ડિપ્રેશન, સંબંધોમાં કડવાશ, ફેસબુકીયા મિત્રોનો વધારો પરંતુ સાચા મિત્રોથી દૂરી, રોજ રોજ ઠલવાતો માહિતીનો બોંબમારો... આ સોશિયલ મીડિયાની આડઅસરો છે. જીવનમાં સાચી સફળતા જાણવી હોય તો તમારી તંદુરસ્તી સારી હોવી જોઇએ. જો તમારી પાસે ઘણાં બધાં પૈસા છે પરંતુ તમારી મનગમતી વાનગી તમે ખાઇ નથી શકતા તો તમને અફસોસ થશે. આ બધું તંદુરસ્તી તરફ ધ્યાન ન આપવાને લીધે થાય છે. તમે વધારે પડતું ખાવ, વધુ પડતી મીઠાશ, તીખાશ અને ખટાશ ખાવ તો શરીરમાં ગરબડ જરૂર થવાની. અને આને લીધે શરીરનું તંત્ર ખોરવાય છે. તમે વધારે પડતા ઉજાગરા કરો. યોગ્ય ઉંઘ લો નહીં તો પણ તમારી તંદુરસ્તી જોખમાય છે. તમે આરામને અવગણી વધુ પડતું કામ કરો, વધુ પડતી ચિંતાઓ કરો તો તમારૂં જીવન તણાવપૂર્ણ ન બને તો જ નવાઇ. જીવનને સુખરૂપે માણવું હોય તો તમારા તન અને મન દુરસ્ત હોય એ ખૂબ જરૂરી છે. તંદુરસ્તી વધારવા માટેની ઘણીબધી માહિતી અને એપ્લીકેશન્સ ઉપલબ્ધ છે પરંતુ મનદુરસ્તી વધારવા પ્રત્યે આપણું ધ્યાન ઓછું જાય છે. આજથી ૨૩૦૦ વર્ષ પહેલાં પ્લેટો નામના ફિલસુફે યોગ્ય જ કહ્યું હતું કે ‘ડોક્ટરો તંદુરસ્તી પ્રત્યે ધ્યાન આપે છે, પરંતુ ખરી જરૂરિયાત તો મનદુરસ્તી માટેની છે.’
મનદુરસ્ત અને તંદુરસ્ત રહેવું હોય તો કેટલાક સાદા નિયમો પાળવા જરૂરી છે.
(૧) સાત્વિક ભોજન : સાત્વિક ભોજન એટલે કે જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન્સ, વિટામીન્સ અને મીનરલ્સ હોય એવું ભોજન ખાવું આવશ્યક હોય છે. જંકફૂડ અને સોફ્ટફૂડ ખાવામાં ભલે તમને મજા આવતી હોય પરંતુ એ તમારી તંદુરસ્તી ખરાબ કરે છે. એ કડવી વાસ્તવિકતા છે. જરૂર જેટલું જ જમવું જોઇએ વધુ પણ નહિ કે ઓછું પણ નહિ. વધારે પડતાં ભોજનથી તમારૂં શરીર વધશે અને શરીર વધે એટલે સાથે ઘણી બધી બિમારીઓ લાવે છે. નિયમિત સમયે જમવું જોઇએ. જે લોકો અનિયમિતપણે જમે છે તેઓ ડાયાબિટીસ, બ્લડપ્રેસર જેવા રોગનો ભોગ બને છે.
(૨) પૂરતી ઊંઘ : તંદુરસ્તી માટે સામાન્ય લોકોને ૬ થી ૮ કલાકની ઊંઘ જરૂરી હોય છે. જો પૂરતી ઊંઘ નહીં લો તો દિવસે તમે ઝોંખા ખાશો. તમારૂં કામ વ્યવસ્થિત રીતે નહીં કરી શકો. અપૂરતી ઊંઘને લીધે સ્મરણ શક્તિ નબળી પડે છે. તમે કોઇ કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. ઊંઘતા પહેલા ચા, કોફી કે આલ્કોહોલ લેશો નહીં કે ધુમ્રપાન કરશો નહીં. દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. ઓછી ઊંઘ સારી બાબત નથી એમ વધારે પડતું ઊંઘવાથી પણ શરીરને નુકસાન થાય છે. ઊંઘની ગોળીઓ લેવાની આદત હોય તો બંધ કરી દેવી જોઇએ. નક્કી કરેલા સમયે ઊંઘવાનું રૂટીન બનાવી લેવું જોઇએ. શરીરની પણ એક જૈવિક ઘડિયાળ છે. એને ખોરવો નહીં.
(૩) ધુમ્રપાન, દારૂ અને કેફી દ્રવ્યો : બીડી, સિગારેટ, પાન, મસાલા, તમાકુ, તમારા શરીરને જેટલો ફાયદો પહોંચાડે છે એનાથી કંઇ ગણા વધારે નુકસાન પહોંચાડે છે. ધુમ્રપાન તમારા ફેફસાને ખરાબ કરે છે. કેન્સર નોતરે છે. વિશ્વમાં સૌથી વધુ અપ્રાકૃતિક મોત કેન્સરના કારણે થાય છે. એ પછી બીજા નંબરે હૃદયરોગ છે. દારૂ તમારી કિડની અને લીવરને ખરાબ કરે છે. તમારા મગજનો કન્ટ્રોલ ગુમાવે છે. કેફી દ્રવ્યોથી શું લાભ થતો હશે એ રિસર્ચનો વિષય છે. આજકાલ ઘણા યુવાનો બીજાને જોઇને કેફી દ્રવ્યોના સેવનની લત ચડે છે. પહેલાં પોતાનું શરીર પછી ઘરની બરબાદી કરે છે યાદ રાખો તમારૂં શરીર ઇશ્વરે આપેલ અણમોલ ભેટ છે. એને બગાડીને તમે પોતે જ બિમારીઓને આમંત્રણ આપો છો. અને ઇશ્વરની એક અણમોલ ભેટ માટે કૃતધ્ની બનો છો. તમારૂં શરીર કોઇ કચરાપેટી નથી કે ગમે તેવી ખરાબ વસ્તુઓ તમે એમાં ઠાલવો.
(૪) કસરત કરો : તંદુરસ્ત રહેવા માટે વ્યાયામ જરૂરી છે. એ તમને સારા ઘાટમાં રાખે છે. તમારા શરીરમાં ઊર્જા વધારે છે. હૃદયને પણ મજબૂત રાખે છે અને તણાવને ઓછું કરે છે. તમારા શરીરના સાંધાઓના દુખાવાને દૂર કરે છે. એમાં સૌથી સારૂં વ્યાયામ ચાલવું, દોડવું અને સ્નાનાગરમાં સ્નાન કરવું છે. આ ઉપરાંત સાયકલીંગ, ટેનિસ, ક્રિકેટ, જોગીંગ, ડાન્સિંગથી પણ વ્યાયામ થાય છે. યુરોપ અને અમેરિકામાં ઘરડા માણસો પણ શારીરિક રીતે ફીટ હોય છે. આપણે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ યુવાનીમાં પણ ‘અનફીટ ’ હોય છે. કારણ કે આપણે માત્ર પૈસાની જેમ કેલેરીને પણ જમા કરવાની આદત પાડી છે. તંદુરસ્તી માટે કેલેરીને બાળવી પણ પડે છે એ આપણે જાણતા હોવા છતાં અજાણ બનીએ છીએ. આળસનું બહાનું કરી આપણે છટકી જઇએ છીએ. યાદ રાખો, આળસ તમારા શરીરનો સૌથી મોટો શત્રુ છે. યોગ અને એરોબીક કસરતથી પણ આરોગ્ય સચવાય છે. ઊંડા શ્વાસ લેવાથી ફેફસા મજબૂત બને છે અને શરીરને વધારે ઓક્સિજન મળે છે. ઓક્સિજન વધારે મળશે તો શરીર અને મગજને થાક ઓછો લાગશે.
(૫) માનસિક સ્વાસ્થ્ય : માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે સૌ પહેલાં તમારે ચિંતાઓ અને તણાવ (સ્ટ્રેસ) ઓછા કરવા જોઇએ. ઘરની ચિંતાઓ તમારા ધંધા કે ઓફિસમાં ન લઇ જાવ અને ત્યાંની ચિંતાઓ ઘરે ન લાવો. હકારાત્મક રીતે વર્તો. આશાવાદી બનો. રજાઓને માણો અને રીલેક્સ રહો. આનંદી રહો. કાર્યરત રહો. નવરા બેસી ન રહો. તમારી લાગણીઓને ખુલીને પ્રદર્શિત કરો. મનમાં મૂંઝવો નહીં. કોઇ સમસ્યા હોય તો મિત્રો કે સંબંધીઓ સાથે ચર્ચા કરો. સમસ્યાઓનો ઉકેલ જરૂર મળશે. સપના જુઓ એમાં કશું ગુમાવવાનું નથી. સારા પુસ્તકો વાંચો એ તમને નવી કાલ્પનિક અને સુખી દુનિયાની સેર કરાવશે. નિરાશ ન થાવ. ડિપ્રેશન માનસિક બિમારી છે. જે લોકો આત્મવિશ્વાસ ગુમાવી દે છે અને નાની નાની બાબતોમાં પણ નકારાત્મક વિચારે છે તેઓ જલ્દીથી ડિપ્રેશનનો બોગ બને છે. તેથી આત્મવિશ્વાસુ બનો. આશાવાદી બનો. ભૂતકાળ તમારૂં ગમે તેવું હોય એને સ્વીકારી લો. તમે એને બદલી શકતા નથી. ભવિષ્ય બદલવું તમારા હાથમાં છે. નાના નાના પ્રવાસ કરો. આનંદ પ્રમોદ માટે સમય કાઢો. ક્રિએટીવ બનો. વિનોદી બનો. આપણા જીવનમાં હાસ્યનો ભાગ બહુ ઓછો રહી ગયો છે. હસવાની કલા ભૂલશો નહીં. તમને ગમતું ગીત-સંગીત સાંભળો કે ગમતી ફિલ્મ જુઓ.
જીવન સુખી થઇને વિતાવવું કે દુખી થઇને એ તમારા હાથમાં છે. ‘એક તંદુરસ્તી હજાર નિયામત’ એ કહેવત યાદ રાખજો. તંદુરસ્તી સાથે જીવો અને મજાથી જીવો. એ માટે કોઇ સરકાર તમારી ઉપર ય્જી્ લગાવી શકતી નથી.