Ye dil mange more in Gujarati Motivational Stories by Jatin.R.patel books and stories PDF | યે દિલ માંગે મોર.. - કહાની વિક્રમ બત્રાની

Featured Books
Categories
Share

યે દિલ માંગે મોર.. - કહાની વિક્રમ બત્રાની

Great Indian Stories

યે દિલ માંગે મોર…

જતીન આર. પટેલ

દેશને નામનાં અપાવનારા લોકો માટે નાં આ લેખનું હેડિંગ પેપ્સી ની જૂની એડ નું સ્લોગન કેમ..? એ વિશે આ લેખ જેમ જેમ આગળ વધશે એમ તમને ખબર પડી જશે.. અને સાથે સાથે આ સ્લોગન જે તે સમયે ભારતનાં કરોડો દેશવાસીઓ માટે કેટલું ગૌરવવંતુ સાબિત થયું હતું એ પણ તમને પછી ખબર પડશે જ્યારે આ લેખ પૂર્ણ થશે.

ભારતનાં સાચાં જીવતાં જાગતાં કોહિનૂર અને ભારતને ઉંચેરું સ્થાન વિશ્વ ફલક પર અપાવનારા લોકો ની યાદી આમ જોઈએ તો ઘણી લાંબી છે.. વૈજ્ઞાનિકો, રાજનેતાઓ, ક્રિકેટર, ફિલ્મ સ્ટાર અનેક લોકોએ દેશનું નામ રોશન કર્યું છે.. પણ મારા મતે બે એવાં રાષ્ટ્ર સેવકો છે જે વધુ કંઈ નામના કે પબ્લિસિટી ની આશા વગર દેશને મુકસેવા આપતાં રહે છે.. એક છે આ જગતનો તાત ખેડૂત અને બીજો છે આ દેશનો સાચો દીકરો સીમા પર લડતો જવાન.

"જય જવાન, જય કિશાન" નાં મંત્ર ને વરેલી આ ભારતની ભૂમિ પર જો સૌથી વધુ ઘોર અપેક્ષા થતી હોય તો આ બેજ લોકોની.. આ લેખ લખવાનું વિચાર્યું તો ઘણાં લોકો મગજમાં આવ્યાં.. APJ અબ્દુલ કલામ, સચિન તેંદુલકર, લાલ બહાદુર શાસ્ત્રી, રાજ કપૂર, આર્ય ભટ્ટ, કલ્પના ચાવલા, પી.ટી. ઉષા જેવાં ઘણાં ભારતમાં ના દીકરા અને દિકરીઓનું નામ મને યાદ આવ્યું પણ આખરે આ દિલ અને દિમાગે પસંદગી ઉતારી કારગીલ યુદ્ધનાં સૌથી મોટા હીરો "કેપ્ટન વિક્રમ બત્રા" પર.

ખાલી કેપ્ટન વિક્રમ બત્રા કહીશ તો ખોટું પડશે કેમકે એમની આગળ એક એવું વિશેષણ લાગી ગયું છે કે દરેક આર્મીમેન માટે સૌથી મોટામાં મોટું વિશેષણ છે.. એ છે પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રા.. ખરેખર મરણોપાંત અપાતું આ પરમવીર ચક્ર દરેક સૈનિકની જીંદગી બાદ પણ એને બતાવેલાં અપ્રિતમ સાહસ ની શોર્યકથા નું વર્ણન કરે છે.

હિમાચલ પ્રદેશ નાં એક નાનકડાં ખુબસુરત શહેર પાલમપુર ખાતે જી.એલ.બત્રા અને કમલકાંતા બત્રા નાં ઘરે બે દીકરીઓ બાદ બે જુડવા પુત્ર રત્નો નો જન્મ થયો.. માં કમલકાંતા બત્રા રામચરિત માનસ માં વધુ પડતો વિશ્વાસ ધરાવતાં હોવાથી બંને પુત્રોનાં નામ લવ અને કુશ રાખ્યાં.

આ લવ એટલે જ કેપ્ટન વિક્રમ બત્રા.. અને કુશ એટલે વિક્રમ નો નાનો ભાઈ વિશાલ.. શરૂવાત નું પ્રાથમિક શિક્ષણ માં કમલકાંતા દેવી એ ઘરે જ આપ્યાં બાદ બંને પુત્રો ને D.A.V સ્કૂલ માં દાખલ કર્યા અને ત્યાંથી આગળ અભ્યાસ માટે સેન્ટ્રલ સ્કૂલ ઓફ પાલમપુર માં દાખલ કરી દીધાં.. આ સ્કૂલ સૈન્ય કેમ્પસ માં આવી હોવાથી વિક્રમ નું સ્કૂલ નું શિક્ષણ ચુસ્ત શિસ્ત અને અનુસાશન માં વીત્યું.

સ્કૂલ ટાઈમ માં વિક્રમ ની રુચિ ભણવામાં ઓછી હતી અને રમત ગમત માં વધારે.. કહેવાય છે કે વિક્રમ ટેબલ ટેનિસમાં બહુ ઉત્કૃષ્ટ રમત રમતાં હતાં.. આ સિવાય યોજાતાં અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ વિક્રમ આગળ પડતો ભાગ લેતાં.. સ્કૂલ નો અભ્યાસ પૂર્ણ કરી લીધાં બાદ વિક્રમે DAV કોલેજ ચંદીગઢ ખાતે વિજ્ઞાન વિષય માં સ્નાતક નો અભ્યાસ શરુ કર્યો.

કોલેજનાં અભ્યાસ દરમિયાન જ વિક્રમ NCC નાં ટોપ કેડર બન્યાં અને એનાં લીધે જ દિલ્હીમાં ગણતંત્ર પરેડ માં પણ ભાગ લીધો.. અને ત્યાંજ એમને મન બનાવી લીધું આર્મી માં જોઈન થવાનું.. ત્યારબાદ CDS (સંયુક્ત રાષ્ટ્ર સેવા પરીક્ષા) ની પણ તૈયારી વિક્રમે શરૂ કરી દીધી.. આ દરમિયાન એમને હોંગકોંગ મર્ચન્ટ નેવીમાં સારી એવી સેલરી સાથે નોકરી ની પણ ઓફર થઈ પણ વિક્રમે નક્કી કર્યું હતું કે હું ભારતમાતા ની સેવામાં જ જીંદગી સમર્પિત કરશે એટલે આટલી સારી નોકરીને એને ઠોકર મારી દીધી.

વિજ્ઞાનમાં સ્નાતક ની ડિગ્રી મેળવ્યાં બાદ CDS ની એક્ઝામ પણ ઉત્તીર્ણ કર્યાં બાદ વિક્રમ સૈન્યમાં જોઈન થઈ ગયાં.દેહરાદૂન ખાતે આવેલી ભારતીય સૈન્ય અકાદમી માં જુલાઈ 1996 માં વિક્રમ ટ્રેઈનિંગ માટે ગયાં.. ત્યાંથી ડિસેમ્બર 1997 માં આવીને વિક્રમે 13 મી કાશ્મીર રાઈફલ્સ ની ટુકડી ને લેફટીનંટ તરીકે જોઈન કરી લીધી.

બસ એ દિવસ થી જ આ દેશ નો એ વીર સપૂત લાગી ગયો ખરાં અર્થમાં દેશસેવા નાં પ્રયત્નમાં.. પણ કહ્યું છે ને કે જ્યાં સુધી કોઈ સૈનિક એની જીંદગી માં યુદ્ધ ના લડે તો એની જીંદગી માં એક ઉણપ રહી જાય જ છે.. સાલ 1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી અચાનક ચરમસીમા પર પહોંચી ગઈ.. એ વખતનાં ભારતનાં પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ નાં મૈત્રી કરારો અને સમજોતા એક્સપ્રેસ ચાલુ કરવા છતાં પણ પાકિસ્તાની સૈન્ય તરફ થી અમુક અમુક સમયે સીમા પર અટકચાળો ચાલુ જ રહેતો.

એ વખતે વિક્રમ રજાઓ ઉપર પોતાનાં ઘરે પાલમપુર હતાં.. એમને ખબર હતી કે ગમે ત્યારે કારગિલ ઉપરથી કહેણ આવી શકે છે યુદ્ધ માટે જવાનું.પાકિસ્તાન તરફથી ભારતીય આર્મી પર હુમલો કરીને પહેલાં ઘણો ખરો કાશ્મીર નો વિસ્તાર કબજે કરી લેવાયો.. આ બધો પહાડી વિસ્તાર હતો જેનો ઉપયોગ બહુ વ્યૂહાત્મક રીતે યુદ્ધ દરમિયાન થઈ શકે એમ હતો.પાકિસ્તાન તરફી હુમલામાં ભારતની ત્રણ પેટ્રોલિંગ ટીમ નો તો કોઈ પત્તો જ નહોતો.. એમાં પાલમપુર નાં જ મેજર સૌરભ કાલિયા પણ હતાં.

તારીખ હતી 1 જૂન 1999 વિક્રમ બત્રા અને એમની ટુકડીને ને ઉત્તરપ્રદેશ જવાનું કહેવાયું પણ પછી વધુ પડતી તંગ અને બદ થી બદતર થતી પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને વિક્રમ ને કાશ્મીર આવવાનું કહેવામાં આવ્યું.ત્યાં એમને તીવ્ર ઠંડક વાળાં વાતાવરણમાં કઈ રીતે રહેવું એની ટ્રેઈનિંગ આપવામાં આવી.. વિક્રમ બત્રા જ્યાં રહેતાં એ ધોલાધર ની પહાડીઓમાં પણ કાશ્મીર જેવું જ વાતાવરણ અને ત્યાં જેવી જ પહાડીઓ હતી એટલે વિક્રમે પોતાની જાતને બહુ ઝડપી ત્યાંની પરિસ્થિતિ અને હવામાન ને અનુકૂળ કરી લીધી.

આ તરફ પાકિસ્તાની સૈન્ય ઊંચી ઊંચી પહાડીઓ પર વિજય પ્રાપ્ત કરીને ત્યાં પોતાનાં બંકર બનાવીને બેઠાં હતાં.. ઉપરથી નીચે હુમલો કરવો તો સરળ હતો પણ નીચેથી ઉપર હુમલો કરવો ઘણો મુશ્કેલ.. એટલે કાશ્મીરનાં તોલોલિંગ વિસ્તારમાં ભીક્ષણ યુદ્ધ ચાલી રહ્યું હતું જેમાં રોજ સેંકડો ભારતીય સૈનિકો ઘવાતાં અને ડઝનબંધ શહીદ થતાં.

11 મે ના દિવસથી નાગા-1 બટાલિયન એ પ્રયત્નમાં લાગી હતી કે આ તોલોલિંગ ની પહાડી પર વિજય મેળવી એની ચોટી પર તિરંગો ધ્વજ ફરકાવી શકાય.. પણ પછી આ જવાબદારી 10 દિવસ પછી 18 ગ્રેનેડિયર અને 2 રાજપુતાના રાઈફલ્સ ને આપવામાં આવી.. 7 દિવસ પછી જ્યારે ભારતીય સૈન્યએ તોલોલિંગ પર વિજય મેળવ્યો ત્યારે એની મોટી કિંમત સ્વરૂપે 7 જવાન અને 1 ઓફિસર ને આપણે ખુવાર કરી ચુક્યા હતાં.

હવે આટલી મુશ્કેલી પછી તોલોલિંગ પર વિજય તો મેળવી લીધો પણ એની પહાડીઓ ને વધુ સમય સુધી દુશ્મન થી સુરક્ષિત રાખવી એથી પણ વધુ મુશ્કેલ હતી.. તોલોલિંગ અને હમ્પ ની પહાડી જીત્યાં બાદ હવે નવો ટાર્ગેટ હતી પીક 5140 ની પહાડી.. જેનાં પર વિજય મેળવવો અત્યંત જરૂરી હતો.

આ તરફ આ બધી વાતો સાંભળીને વિક્રમ બત્રા ની 13 જેકરીફ ની ટુકડી નો દરેક જવાન લાવા ની જેમ સળગી રહ્યો હતો.. ક્યારે યુદ્ધ પર જવા માટે જવાનું કહેવામાં આવે એની રાહ જોઈને બેઠેલાં એ દરેકને લેફટીનંટ વાય.કે.જોશી એ પીક 5140 પર ચડાઈ માટે બોલાવ્યાં અને કહ્યું.

"તો હવે તમે તૈયાર થઈ જાઓ તમારી જીંદગી ની એ અદભૂત ક્ષણ માટે જેનો દરેક સૈનિક ને ઇંતજાર હોય છે.. તો દેશની આન બાન અને શાન માટે જીવ આપવાનો અને જીવ લેવાનો અવસર આવી ગયો છે."

વિક્રમ બત્રા ની સાથે હતાં મેજર સંજીવ જામવાલ.. બંને બાહોશ ઓફિસરો ને અલગ અલગ દિશામાંથી પીક 5140 પર ચડાઈ કરવાનું વાય.કે.જોશી દ્વારા સૂચન કરાવાયું.. એમને આ સાથે 8 કલાકનો મેક્સિમમ સમય પણ આપવામાં આવ્યો હતો.. કેમકે જે કરવાનું હતું એ રાતનાં અંધારામાં જ કરવાનું હતું.. દિવસ નું અજવાળું તો એમની મોત બનીને આવે એ નક્કી હતું.

24 વર્ષ ની ઉંમરે જ્યાં આજકાલના યુવાનો પોતાની કોલેજ પણ પુરી નથી કરી શકતાં એ ઉંમરે વિક્રમ બત્રા એ પોતાની જીંદગી નું મકસદ અને ધ્યેય નક્કી કરી દીધું હતું.. રાત નાં નવ વાગતાં જ વિક્રમ અને સંજીવ પોતપોતાની ટુકડીઓ સાથે પીક 5140 ની આ અતિ મુશ્કેલ અને એ વિસ્તાર ની સૌથી વધુ ઊંચી પહાડીઓ પર વિજયકુચ માટે આગળ વધે છે.!

રાતનાં ઘોર અંધકારમાં વિક્રમ પોતાની ટુકડી સાથે ડાબી તરફ થી આગળ વધે છે.. દુશ્મન જો રાતે ફ્લેર નાં પ્રકાશમાં પણ જોઈ જાય તો બધાં નું મોત નિશ્ચિત હતું.. એટલે પાકિસ્તાની સૌનિકો બંકરમાં જ રહે એ જરૂરી હતો.. એટલે નક્કી થયું કે નીચેથી તોપમારો ચાલુ રહ્યો.. વિક્રમ પોતાનાં સૈનિકોને માથું નીચે રાખી આગળ વધવાનું આહવાન કરતાં રહ્યાં.. નક્કી થયું હતું કે 200 મીટર દૂર પહોંચે એટલે તોપમારો બંધ કરવો પણ વિક્રમે પહાડી થી 100 મીટર દૂર હોય ત્યાં સુધી તોપમારો ચાલુ રાખવાનું કહીને પોતાનાં અભૂતપૂર્વ સાહસનો પરચો આપી દીધો.

રાત્રે ત્રણ વાગતાં તો વિક્રમ બત્રા પોતાની ટુકડી સાથે પીક 5140 ની ટોચ સુધી પહોંચી ગયાં.દુશ્મન કંઈપણ સમજે એ પહેલાં તો વિક્રમે ગ્રેનેડ હુમલા હુમલો કરીને પાકિસ્તાની સૈન્યનાં બે બંકર ઉડાવી દીધાં.અને આમ પણ Leading from the front મુજબ વિક્રમ બત્રા નું આ સાહસ જોઈને એમનાં અન્ય સાથીદારો ને પણ જોશ આવી ગયો.. અને સાડા ત્રણ વાગતાંજ પીક 5140 પર ભારતીય તિરંગો લહેરાવા લાગ્યો.

કહેવાય છે કે વિક્રમ બત્રા એ હેન્ડ ટુ હેન્ડ મુકાબલો કરી ચાર પાકિસ્તાની સૈનિકો ને મોત ને ઘાટ ઉતારી દીધાં હતાં.. જ્યારે એમનાં સિનિયર વાય. કે. જોશી એ વિક્રમ ને વોકિટોકી પર પૂછ્યું કે "હવે વિક્રમ આગળ.. " તો એમનો જવાબ હતો.. "યે દિલ માંગે મોર.. "આ વિજય અને આજ શબ્દોએ દરેક દેશવાસીઓને એક ગર્વ ની પળ ભેટ ધરી દીધી.. આ વિજય સાથે વિક્રમ બત્રા લેફટીનંટમાંથી કેપ્ટન બની ગયાં.. બે વર્ષ થી ટૂંકા ગાળામાં કેપ્ટન બનવું કંઈ નાનીસુની વાત નહોતી.!!

વિક્રમ બત્રા નો આ વિજય દરેક ભારતીય ની સાથે એનાં માં બાપ ની પણ છાતી ગર્વ થી ફુલાવી ગયો.. આ વિજય સાથે વિક્રમ ને એક નવું નામ મળ્યું શેરશાહ.એવો સાવજ કે જે સિંહ ની જેમ દુશ્મનો પર તૂટી પડતો.. પણ કહેવાય છે ને કે હજુ તો આ આગાઝ હતો.. અંજામ બાકી હતો.

પીક 5140 તો જીતી લેવાઈ હતી પણ હવે આગળ નું લક્ષ્ય હતું પીક 4875.. મસ્કોહ વિસ્તારમાં આવેલી આ પહાડી એટલાં માટે જરૂરી હતી કેમકે એની ચોટી પરથી પાકિસ્તાન ની સીમામાં 20 km.. સુધી જોઈ શકાતું હતું.. આ પહાડી ઘણી દુર્ગમ હતી અને એનાં પર બરફ છવાયેલો જ રહેતો.. આ સિવાય એનો ઢોળાવ 80 ડિગ્રી જેટલો હતો એટલે એની પર ચડવું તો લગભગ નામુમકિન જેવું હતું.

આ પહાડી ને જીતવા 13 જેકરીફ, 17 જાટ અને 2 નાગા ની બટાલિયન ને બોલાવવામાં આવે.. .5140 ની ચડાઈ વખતે થયેલી ઇજા અને ભારે તાવ નાં લીધે વિક્રમને આ યુદ્ધમાં ભાગ લેવાની એમનાં સિનિયરે ના પાડી..

ભારતીય સેના ની બહાદુરી અને સાહસ છતાં પીક 4875 પર જીતવાની કોશિશ નાકામયાબ થઈ ત્યારે અકળાયેલા કેપ્ટન વિક્રમ બત્રા પોતાનાં સિનિયર જોડે ગયાં અને પોતાની આ ચડાઈમાં ભાગ લેવાની ઇચ્છા જાહેર કરી.. એમનાં સિનિયરે ઘણું સમજાવ્યા છતાં પણ વિક્રમ ના માન્યા એટલે સિનિયરે એમને 4875 પર ચડાઈ માટેની પરવાનગી આપી દીધી.

આ સાથે ઈતિહાસ રચાવા જવાનો હતો.. એવો ઈતિહાસ જેને ભારતનું ભૂગોળ બદલવામાં મહત્વનો ભાગ ભજવ્યો.. મંજુરી મળતાં જ વિક્રમ બત્રા એ પોતાની બટાલિયન 13 જેકરીફ ને જોઈન કરી દીધી.. અસલી સાવજ ને પોતાની સાથે જોઈને એમનાં સાથીદારો એ પોતાની ઉત્સાહ સાથે આગળની ચડાઈ આરંભી દીધી.

ઘોર ધુમમ્સ, બરફ અને અંધકાર વચ્ચે વિક્રમ પોતાની ટુકડી સાથે પીક 4875 પર ચડાઈ આરંભે છે.. ઉપરથી પડતાં પથ્થરો અને શૂન્ય આસપાસ ની ઠંડીમાં વિક્રમ પોતાની ટુકડી સાથે આગળ વધી રહ્યાં હતાં.. જ્યારે છેક ઉપર પહોંચવા આવ્યાં ત્યારે એ સૌથી આગળ રહ્યાં કેમકે એ ઈચ્છતા કે હું આ બટાલિયન ને લીડ કરું છું તો દુશ્મન ની પહેલી ગોળી જો કોઈને વાગે તો એ હું હોઉં.

7 જુલાઈના રોજ જ્યારે એમને વિજય આંખ સામે દેખાતો હતો ત્યારે દુશ્મનનાં બોંબગોળા માં ઘવાયેલા પોતાનાં સાથીદાર લેફટીનંટ નવીન ને બચાવતાં એમને પાછળ ઘસેડી રહ્યાં હતાં ત્યારે એક ગોળી આવી અને કેપ્ટન ની છાતી માં વાગી.. ગોળી વાગવા છતાં પણ કેપ્ટન બત્રા લડતાં રહ્યાં.. હજુ પણ આ વીર ની હિંમત જોઈ પાકિસ્તાની કેમ્પ માં પણ એમની માટે માન ઉભરાઈ ગયું.. આખરે RPG ની રાઉન્ડ ફાયરિંગમાં એક શેલ મેજર બત્રા ને વાગી અને પોતાની બટાલિયન ને છેક વિજય સુધી પહોંચાડી મોત ને ભેટ્યા.

પોતાનાં કેપ્ટન ને મૃત જોઈ ગુસ્સે ભરાયેલાં 13 જેકરીફનાં સૈનિકો એ બધાં પાકિસ્તાની સૈનિકો નો ખાત્મો કરીને પીક 4875 ની ચોટી પર ભારતનો તિરંગો ફરકાવીને ત્યાં જીત મેળવી લીધી.. પણ આ જીત ની બહુ મોટી કિંમત સ્વરૂપે ભારતીય સૈન્ય કેપ્ટન વિક્રમ બત્રા ને ગુમાવી ચુકી હતી.

કારગીલ યુદ્ધ નો સૌથી મોટો હીરો જ્યારે તિરંગા માં લપટાઈને પોતાનાં ઘરે ગયો ત્યારે એનાં મિત્રો ને કારગીલ યુદ્ધ માં જતી વખતે વિક્રમના કહેવાયેલા શબ્દો યાદ આવ્યાં..

"હું તિરંગો લહેરાવીને આવીશ.. અથવા તો તિરંગામાં લપેટાઈને આવીશ.. "

કેપ્ટન વિક્રમ બત્રા એ તો બંને કરી દીધું હતું.. બે બે અગત્યની ચોટી ને સર કર્યા બાદ પોતાનાં પ્રાણ ની આહુતિ દેશ માટે આપી ફક્ત 24 વર્ષ ની યુવા વયે આ દેશ નો વીર સપૂત મોત ની આગોશમાં હંમેશા માટે સુઈ ગયો.

કહેવાય છે કે વિક્રમ બત્રા ની એક ખુબસુરત લવસ્ટોરી પણ હતી.. એ જ્યારે પંજાબ યુનિવર્સિટીમાં હતાં ત્યારે ડિમ્પલ નામની છોકરી સાથે એમની મુલાકાત થઈ અને બંને પ્રેમમાં પડી ગયાં.. વિક્રમ ક્યાંય પણ હોય બુધવાર સાંજે સાત વાગે ડિમ્પલ ને અચૂક ફોન કરતાં.. વિક્રમે કારગીલ યુદ્ધમાં જતાં પહેલાં ડિમ્પલ ને કહ્યું હતું કે હું પાછો આવીને તારી સાથે લગ્ન કરીશ.વિક્રમ પાછાં તો આવ્યાં પણ મૃત.

ડિમ્પલ સાથે એક હોટલમાં જ્યારે વિક્રમ બેઠાં હતાં અને ડિમ્પલ લગ્ન ની વાત કરી રહી હતી ત્યારે વિક્રમે એક બ્લેડ વડે હાથ પર કટ મારી લોહી વડે એની માંગ ભરી હતી.. આ સાથે જ ડિમ્પલ વિક્રમ ની થઈ જ ચુકી હતી.. મોત પછી પણ દેશ સાથેની વફાદારી નિભાવનારા આ સપૂત ને પ્રેમ માં પણ વફાદારી મળી. ડિમ્પલ હજુપણ અવિવાહિત છે અને દર બુધવારે સાત વાગતાં જ ફોન પાસે બેસી વિક્રમનાં ફોન ની રાહ જોવે છે.

વિક્રમ બત્રા નાં આ અદમ્ય સાહસ અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દેવાનાં લીધે ભારત સરકારે 7 જુલાઈ 1999 નાં રોજ સેના ને યુદ્ધ માં અપાતું મરણોપાંત સર્વોચ્ય સમ્માન મહાવીર ચક્ર આપીને એમને નવાજ્યા.જે 15 ઓગસ્ટ 1999 નાં રોજ રાષ્ટ્રપતિનાં હસ્તે એમનાં પરિવાર ને સુપ્રત કરાયું.

ધન્ય છે એ જનેતા જેને આવો વીર સપૂત પેદા કર્યા હતો.. ધન્ય છે એ ભૂમિ જે આવા સપૂત પેદા કરતી રહી છે.. અને ધન્ય છે માં ભારતી નાં એવાં સાચાં દીકરાઓને જેમને પોતાનાં પ્રેમ અને પરિવાર કરતાં દેશ ને વધુ મહત્વ આપ્યું. 26 જુલાઈ 1999 એ કારગીલ યુદ્ધમાં વિજય મેળવીને વિક્રમ બત્રા જેવાં શહીદો ની શહીદી ની લાજ રાખી લીધી.. આ સૈનિકો ની યાદમાં દર વર્ષે 26 જુલાઈ એ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આવાં જ વીર સૈનિકો ની આહુતિ અને દેશસેવા નાં લીધે જ આપણે પરિવાર ની સાથે ચેન ની ઊંઘ લઈ શકીએ છીએ.. સરહદ પર એ જાગે છે અને આપણ ને નિરાંત ની ઊંઘ આવે છે.. હું કૃતઘ્ન છું એ દરેક સૈનિક નો જેને પોતાની જીંદગી ને આ દેશ ની સેવામાં સમર્પિત કરી દીધી.. સલામ છે એ દરેક જવાન ને જેને પોતાનાં લોહી નું છેલ્લું ટીપું વહી જાય ત્યાં સુધી આ ભારત ની ભૂમિ પર દુશ્મનો ને પગ મુકવા ના દીધો.એટલે જ મારો આ લેખ કેપ્ટન નાં એ અદભુત સાહસ અને શહીદી ને સમર્પિત.

અંતે કવિ શ્રી કુમાર વિશ્વાસ ની ચાર પંક્તિઓ જેમાં એક સૈનિક પોતાની જીંદગી માં ભગવાન જોડે શું માંગે છે એ વિશે કહેવામાં આવ્યું છે.. જે કેપ્ટન વિક્રમ બત્રા નાં માન માં લખી આ લેખ ની સમાપ્તિ કરું છું.

"दौलत ना अता करना मौला, शोहरत ना अता करना मौला

बस इतना अता करना मौला, चाहे जन्नत न अता करना मौला।

जब शम्मा-ए-वतन की लौ पर कुरबान पतंगा हो

होंठो में गंगा हो, हाथों में तिरंगा हो।

"જય હિંદ"

- જતીન. આર. પટેલ