Jungle ni Dadi in Gujarati Short Stories by krushna suryoday books and stories PDF | જંગલની દાદી

Featured Books
Categories
Share

જંગલની દાદી

#GreatIndianStories

જંગલ ની દાદી

માં ભોમ ની હાકલ પડી ને ઝાસી માં એક વીરાંગના જડી... દુશ્મનો ના પ્રાણ હરનાર એક મહારાની લક્ષ્મી હતી . અને ફરી એક વાર માં ભોમ ને બીજી એક લક્ષ્મી મળી જે ભલ ભલા રોગો ને જડ મૂડ માથી ઉખાડી દે અને એવી ઔષધી રૂપી તલવાર બનાવે કે રોગ રૂપી દુશ્મન ભાગી જ જાય .જંગલની શેરની વન ની રાની એવી આ લક્ષ્મી કુટ્ટી .આ બંને વીરાંગના ને મારા ખુબ ખુબ વંદન. 1943 માં બ્રિટિશ ભારત સ્વતંત્રતા માટે ની જોર શોર તૈયારી માં હતું. અંગ્રેજોએ ની ગુલામી નીચે પોતાની સ્વતંત્રતા મેળવવા માટે ભારત ઝઝૂમી રહ્યું હતું.

ત્યારે દક્ષિણ ભારતમાં સૌંદર્ય ની ગરિમા એવા કેરાલા ના તિરુવાન્નથ્પુરમ ના કલ્લાર ના ઘન ઘોર જંગલ વિસ્તારના જંગલ માં એક નાનકડા ગરીબ આદિવાસી ઘર માં આ લક્ષ્મી કુટ્ટી નો જન્મ થયો હતો. ક્લ્લાર ના ઘનઘોર જંગલો માં વિચાર તો કરો શું હોય ? ચારે તરફ લીલીછમ જાઝમ પાથરી હોય અને મોટા મોટા ડુંગરો ની હારમાળાં માં થી ડોકિયું કરતાં સૂર્યનારાયણ જાણે સિદધા ધરતી માતા ને વંદન કરે અને બીજી બાજુ પહાડ માથી રસ્તો કરી પોતાનું અસ્તિત્વ બનાવતી ખળ ખળ વહેતી નદીઓ પોતાના અસ્તિત્વ નું સમર્પણ કરતી જોવા મડે.

આવા કુદરત ના ખોળા માં માણસ સિવાય પશુ પક્ષી અને જીવ જંતુઓ તો હોય જ ને, આમ કુદરત ના ખોળા માં ટાઢ , તાપ અને ભુખ થી બચવા માટે આ આદિવાસી કુટુમ્બે એક તાડપત્રી ની ઝૂપડી બનાવી હતી. રસ્તા તો જાણે વાડ કરી ને જાતે જ બનવાના હતા .સાવ કાચા ધુળ માટી ના રસ્તાઓ હતા. સૂર્યનારાયણ ઊગે ત્યારે લાઇટ ચાલુ થાય અને આથમે ત્યારે બંધ થાય ઝાડવા અને વાદીયો માથી આવતો પવન કુદરતી એર કંડીશનર હતું. પરિવાર ની જીવન જરૂરિયાત ની વસ્તુ જંગલમાથી મળી રહે પણ મહા મેહનતે એક સમય નું જમવાનું પૂરું પડે જંગલ માં ઝાડ પાન અને પશુ પક્ષી અને લાકડા પાણી મળી રહે એવા સમય માં વ્યક્તિ ના જીવન નો ઉદ્દેશ શું હોય શકે? પોતાના અસ્તિત્વ ને ટકાવવું ખોરાક, પાણી અને રહેવા માટે માથે છત જોઈએ. આવા સમય માં અક્ષર ની માથા કુટ્ટ માં પાડવાનો અને ભણવાનો વિચાર કોણે આવે?

એવા સમય માં 1950 માં આ લક્ષ્મી કુટ્ટી કાની આદિવાસી કોમ ની પહેલી એવી ધ્રઢનિશ્ચ છોકરી હતી જે નિશાળે ગઈ. અને કલ્લાર ની એ સરકારી શાળા માં એ પાંચ માં ધોરણ સુધી ભણ્યા. અને એ સંસ્કૃત પણ શિખ્યા. ત્યાર બાદ એમને વિથુરા સરકારી શાળા માં ધોરણ આઠ સુધી શિક્ષા લીધી. પછી એમને ભણવાનું અધૂરું જ છોડવું પડ્યું કારણ કે એમની આર્થિક પરિસ્થિતી સારી ના હતી. લક્ષ્મી કુટ્ટી ના માતા કુંજી દેવી કાની આદિવાસી કોમ ના દાઈ માં હતા. એટલે સ્વાભાવિક જ છે કે કુદરત ની ઔષધિયો ની પરખ એમના માં હતી જ અને મોર ના ઈંડા ને ચીતરવા ના પડે,

લક્ષ્મી કુટ્ટી ને માં ની કુખ માથી જ ઔષધિયોનું જ્ઞાન મળ્યું હતું .જંગલ માં જવાનું અને અલગ અલગ ઝાડ પાન તોડવાના, ચાખવના, અને એનો ઉપયોગ દવાતરીકે ઔષધિ રૂપે કરવાનો, આ કળા એ એમના માતા પાસે થી શીખ્યા. આજુ બાજુ ના જંગલ વિસ્તાર ના લોકો ના ઘણા રોગો દૂર કરે. પૈસા લીધા વગર સેવા કરે અને લોકો ને સાજા કરતા હતા. ધીરે ધીરે આમ કરતાં કરતાં એમને ઔષધિ બંનાવવા માં મહારથ હાસિલ કરી લીધું ..એમની નવું નવું જાણવા ની ધગસે એમને વધુ ને વધુ મહેનતુ બનાવી દીધા .પછી તો એ રોજ ઊઠે એટલે વહેલી સવારે એક નવી ઔષધિ ની શોધમાં નિકળી જાય બોવ બધા ઝાડવા ભેગા કરે વાટે અને નવી દવા બનાવે બસ એમના જીવન નો ધ્યેય જ આ કામ હોય એમ એ પોતાના કામ માં માંડ્યા જ રહે ...!

એમના પરિવારના સભ્યો માં પતિ અને ત્રણ છોકરા હતા. એમના પતિ નું નામ મથન કાની હતું કાની સમાજ ના મુખિયા હતા. અને લક્ષ્મી કુટ્ટી ના નાનપણ ના મિત્ર હતા. જંગલ માં સાપ ,કોબરા , આવા ઝેરી જીવ તો હોય જ બધા દિવસો સારા ના હોય એમ એક દિવસ એમના એક દીકરા ને સાપ કરડી ગયો અને ઝેર ઉતારવાની દવા નું જાણકાર કોઈ ન હતું એટલે એમના દીકરા નું મૃત્યુ થયું એ વખતે રસ્તા ઓ રોડ હતા નહીં અને એ લોકો દુર દુર આવેલા શહેર માં લઈ જઈ શક્યા નહીં. એ દુ;ખદ ઘટના એ એમના જીવન માં નવી શોધ કરવા માટે ની પ્રેરણા પુરી પાડી. એમને એવી જડીબુટ્ટી બનાવી કે જે સાપ નું ઝેર ઉતારી નાખે ગમે તેવો ઝેરી સાપ હોય એ જાડીબુટ્ટી એ સાપ નું ઝેર ઉતારી જં નાખે ..! અને સૌ પ્રથમ એમને એ દવા થી એમના બહેન ને સાપ નું ઝેર ઉતારી ને બચાવ્યા હતા. ધીમે ધીમે ઘણા બધા લોકો ને ખબર પડતી ગઈ અને ઘણા હજારો લોકો ના જીવ બચાવવા માં આ લક્ષ્મી અમ્મા સફળ બન્યા.

જેમ જેમ નવા નવા રોગો ખબર પડે એમ એમ અમ્મા નવી નવી જડીબુટ્ટી બનાવી ને રોજ નવા નવા અખતરા કરે આમ કરતાં કરતાં એમને 500 પ્રકાર ની દેશી હર્બલ દવાઓ બનાવી છે અને આ પ્રત્યેક દવાની રીત એમને મોઢે યાદ છે. તેઓ ઝેર ને મારવાની દવા બનાવવા માં નિષ્ણાત બન્યા. ધીરે ધીરે એમની આ ચમત્કારિક જડીબુટ્ટીઓ એ હજારો લોકો ને સારા કર્યા. અમ્મા એમના ઘર ના દરવાજા હમેશા દર્દીઓ માટે ખુલ્લા જ રહેતા. એક વાર એક આધેડ ગાંડી મહિલા ને એમના ઘર ના લોકો એ ગાંડી છે એમ કહી ને ઘર ની બહાર કાઢી મુકી ત્યારે અમ્મા એ આધેડ ને પોતાના ઘરે લઈ આવ્યા હતા. અને એમને એને દવા સાથે સાથે રામાયણ પણ વચવા આપ્યું હતું અને માત્ર ત્રીશ જ દિવસ માં એ ગાંડી મહિલા સરસ થઈ ગઈ અને પછી એ મહિલા નેવું વર્ષ સુધી એના પોતાના ઘરે આનંદ પૂર્વક જીવી. આમ લક્ષ્મી અમ્મા ખુબ જં પ્રખ્યાત થઈ ગયા. લોકો એમને પ્રેમ થી “વન્નમુત્થસી” ની ઉપમા થી માન પુર્વક બોલાવવા લાગ્યા.

વન્નમુત્થસી એટલે કે જંગલ ની દાદી (મલયાલમ ભાષામાં) એક પ્રખર સેવાભાવી આદિવાસી મહિલા જે પ્રત્યેક મહિલા માટે પ્રેરણા બની રહે એવા આ લક્ષ્મી કુટ્ટે કવિતાઓ પણ લખતા હતા. લગ ભગ એમની 50 જેટલી કવિતાઓ છે કવિતામાં કુદરત ની વાતો જ જાણવા મળે ‘મૂનનું ગુરુક્કંમર’ એ એમની પ્રિય કવિતા છે. જે શિક્ષક અને ગુરુ ના પવિત્ર આદરણીય સંબંધ ની વાત કરે છે. જે આ સમાજ માં હવે ઓછું જોવા મળે છે. એ એમની બધી કવિતા પ્રકાશિત કરાવવા ની ઈચ્છા ધરાવે છે. લક્ષ્મી અમ્મા ભગવાન બુદ્ધે આપેલા સંદેશો ને વધુ ને વધુ જાણવા માગે છે. એમને ઘણા નાટકો પણ લખ્યા છે. એમને ત્યાંના દક્ષિણ ભારત ના ઘણા ગામો, શહેરો અને રાજ્યો ની અલગ અલગ સંસ્થાઓ માં આ દેશી હર્બલ દવા કેવી રીતે બનાવવી એ શિખવવા નું ચાલુ કર્યું. ફોલકોરે અકાદમી માં એ એક શિક્ષક તરીકે ભણાવતા હતા. વિચાર તો કરો કે એ મહિલા નો આત્માવિશ્વાસ કેટલો અને કઈ રીતે ભણાવવું એના કોઈ ક્લાસ નહોતા કર્યા એ બધુ કુદરતી જ એમના માં હતું. ધૈર્ય, સાહશ ,શાંતિ, આત્મા વિશ્વવાસ, સહનશીલતા જેવા ગુણો એમના માં ભારો ભાર ભરેલા જ હતા. ગંભીર રોગો ની દવા એમને ખબર હતી એવા છોડવા એમને એમના ઘર ની નજીક ઉગાડ્યા હતા જે મોટા મોટા રોગો માયગ્રેન ,અને ડાયાબિટીસ, જેવા રોગોને મટાડીદે છે. તેમણે ડોક્ટર રાજસેખરન ને કહ્યું હતું કે જવાહરલાલ નેહરૂ ટ્રોપીકલ બોટોનિકલ ગાર્ડન માં આ બધા ઔષધિય છોડવા ઉગાડો અને મને આ છોડવાઓ વિકસાવવા માં મદદ કરો. આમ શીખવતા શીખવતા જંગલ ની બહાર તેમની પ્રસિદ્ધિ પહોચી ગઈ. અને કેરાલા સરકારે એની નોધ લીધી।

1995 ની સાલ માં પહેલી વાર જંગલ ની બહાર ની દુનિયાએ એક એવી મહિલા જે જંગલની રેહવાસી આદિવાસી જાતિ ની અને પછાત વર્ગ ની વધુ ન ભણેલી એવી મહિલા ને કેરાલા ની રાજ્ય સરકારે એમને “નત્થુ વૈધ એવોર્ડ” થી સન્માનવા માં આવ્યા. આ એવોર્ડ એમને નેચરો થેરાપી માટે મળ્યો હતો. કુદરતી ઘર ગત્થુ દેસી હર્બલ દવા બનાવવા માટે અને કુદરતી રીતે ઉપચાર કરવાની પદ્ધતિ માટે મળ્યો હતો. આ પહલો એવો એવોર્ડ મળ્યો કે એના પછી લક્ષ્મી કુટ્ટી અમ્મા દક્ષિણ ભારત ના રાજ્યો માં ખુબજ પ્રસિદ્ધ થયા ભારતે તો નોધ લીધી હતી. પણ વિદેશીઓ એ પણ આ આદિવાસી મહિલા ની નોધ લીધી. લક્ષ્મી કુટ્ટી એમના જીવન ની પ્રસિદ્ધિ માટે એમના પતિ મથન કાની અને એમની માતા કુંજી દેવી ને જવાબદાર માને છે. અમ્મા ના પતિ એ એમના આત્મા વિશ્વાસ માં વધારો કર્યો હતો . જડીબુટ્ટી શોધવા માં એમના પતિ એ એમને સહકાર આપ્યો હતો . બોવ બધી જગ્યા એ જંગલો માં જઇ ને એમને દવા શોધવા માં મદદ કરી હતી.

બોવ અચંબા ની વાત છે કે લક્ષ્મી અમ્મા કોઈ પેન પેપર રાખતા નથી કે કયા..? રોગ માટે કઈ દવા જોઈશે ..? બધી જ હર્બલ દવા બનાવવાની રીત એમને મોઢે જ ખબર છે. એવું કહેવાય છે કે વાન્નમુત્થસી ને જંગલ ના વાતાવરણ અને ઋતુ પરથી રોગ નો અંદાજો આવી જાય છે. અને એ દવા કરે છે. લક્ષ્મી અમ્મા કહે છે કે જંગલ એમના માટે એક મંદિર જેવું છે. પ્રત્યેક છોડ મારા માટે દેવતા સમાન છે. અને હું આ વન ની દીકરી છું. હું આ જંગલ ના પ્રત્યેક છોડવા ને અને ઝાડ ને ર્હદય પૂર્વક ખુબ જ માન આપું છું. કોઈ છોડવા ના પાંદડા તોડતા પહેલા હું છોડવાની પરમિશન માગું છું. અને પછી તોડું છું. એમની વેધશાળા ને કોઈ દરવાજો નથી. જે ને સાપ કરડયો હોય એ તાત્કાલિક એમની વેધકુટીર માં જઇ શકે છે. એ એમને ઝેર ઉતારવા નું ઓઇલ આપે છે અને આપતા પેહલા એ પોતે એમના શરીર પર અજમાવી જુવે છે.

આમ લક્ષ્મી અમ્મા ખુબજ જાણીતા “પોઇઝનર હિલર” બની ગયા. આમ ને આમ 50 વર્ષ થઈ ગયા એમને હજારો લાખો રોગીઓ ના રોગ દુર કર્યા. અને ઘણી બધી સંસ્થાઓ માં એમને ઔષધિ વિષે ભણાવ્યું છે. લક્ષ્મી અમ્મા કહે છે કે એક દિવસ ત્યાં ના કલેકટર નો ફોન આવ્યો કે તમે પદ્મ શ્રી ઍવોર્ડ માટે નોમિનેટ થયા છો ...! ત્યારે અમ્મા બિલકુલ ખુશ ન થયા. એમને કીધું કે મને એ જાણી ને ખુશી થાય છે કે મારા દેશે મને સ્વીકારી એ વાત ની ખુશી જરૂર છે.

ભારત સરકારે દેશ નો ચોથો સર્વોચ્ચ નાગરિક ઍવોર્ડ 28 જાન્યુઆરી 2018 ના રોજ પદ્મ શ્રી થી 75 વર્ષ ના આદિવાસી મહિલા પોઇઝનર હિલર અને દેશી જડીબુટ્ટી બાનવવા માટે લક્ષ્મી કુટ્ટી ને સંન્માન્યા. અને એમનું બહુમાન કર્યું. કેરલા રાજ્ય ની સરકાર માટે આ ગૌરવ ની વાત હતી. લક્ષ્મી કુટ્ટી આ ઍવોર્ડ માટે એમની માતા અને પતિ નો આભાર માને છે. એમના પતિ નું અવસાન થઈ ગયું છે. અને બે દીકરા પણ નથી રહ્યા ફક્ત એક છોકરો છે જે રેલ્વે માં નોકરી કરે છે.

અત્યારે પણ એ એવા ઘન ઘોર જંગલ માં બાંમ્બુ થી બનાવેલી ઝૂપડી માં એકલાજ રહે છે. એમનું કેહવું છે કે મને એકલું રેહવું ગમે છે. એમના સાથીદાર તરીકે બે કુતરા છે. જે એમને પુરે પુરા વફાદાર છે. એમના ઘર ની આજુ બાજુ એમને અસંખ્ય ઔષધિ ઓ ના છોડ ઉગાડ્યા છે. એમને ઍવોર્ડ મળ્યા પછી જ્યારે રાજ્ય સરકાર ના મંત્રી ઓ લક્ષ્મી અમ્મા ને એમના ઘરે મળવા આવ્યા ત્યારે અમ્મા એ બહુ ભાવ પૂર્વક કહ્યું કે હું ક્ષમા માગું છું કેમ કે તમને અહી સુધી આવવા માં બહુ તકલીફ પડી હશે કેમ કે અહી ના રસ્તા થોડા સારા નથી થોડા કાચા રસ્તા છે. એમને રસ્તા સારા કરવા માટે ભલામણ કરી અને કીધું કે ખાશ કરી ને મારા દર્દી માં અહી ની સગર્ભા મહિલા ને મારી વેધ શાળા શુધી આવવા માં ખુબ જ તકલીફ પડે છે. કેમ કે અહી ના રસ્તા સારા નથી .

એમનું કેહવું છે કે આ ઔષધિ ના છોડ હવે લુપ્ત થતાં જાય છે. અને એની જંગલ ના અધિકારીયો એ કાળજી રાખવી જોઈશે. વન વિભાગ મોટા મોટા સાગ ના વૃક્ષો પાછળ ધ્યાન રાખે છે. તો એમને આ નાના નાના છોડવા જે ખુબજ જરૂરી છે એની સંભાળ પણ લેવી જોઈએ. એમનું કહેવું છે કે આ આદિવાસી પરંપરા ધીરે ધીરે મૃતપાય થઈ રહી છે. આ આદિવાસી સમુદાય ને રક્ષણ અને સ્વતંત્રતા ની જરૂર છે. એમની ઈચ્છા છે કે હવે આગામી પેઢી પણ આ જ્ઞાન મેળવે એમના કાની આદિવાસી સમાજ ના બાળકો આ ઔષધિ નું જતન કરે અને એને સાચવે કેમ કે હવે ઘરડા માણસો રહ્યા નથી. અને ભારત નું ભવિષ્ય આ જ બાળકો છે. વડવાઓ ના દેશી ઉપચાર નું જ્ઞાન આ નવી પેઢી ને હોવું જ જોઈએ. એ એમની આગામી પેઢી ને દેશી દવા બનાવવા નું શીખવા માટે પ્રેરણા પુરી પાડે છે. અને કહે છે કે વૃક્ષો એ આપના દેવો છે. આ આદિવાસી હોય કે કોઈ પણ જાત નું વ્યક્તિ હોય એનું રક્ષણ કરવું જોઈએ એનું જતન કરવું જોઈએ અને આગામી પેઢી એ એનું ધ્યાન રાખવું જ પડશે. અને એના માટે ભારત સરકારે વન રક્ષણ યોજનાઑ ને સાકારીત કરવી પડશે અને વનવાસી પ્રજા ને જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ માટે સરકારે સહાય કરવી જોઈએ એમને સારું સિક્ષણ અને રેહવા માટે ઘર અને જંગલ ના રસ્તા ઓ ની સુવિધા આપવી જોઈએ જેથી આ વનવાસી આદિવાસી પ્રજા જંગલમાં સુરક્ષિત રહી શકે.

ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા દેશો માથી આ અમ્મા ને દેશી દવા માટે ફોન આવે છે અને અમ્મા ફોન પર જ ઘણા રોગો ના ઈલાજ બતાવે છે. વિદેશી તો અમ્મા ને એમના દેશ માં બોલાવે છે. પણ અમ્મા પોતાના દેશ માં રહી ને પોતાના દેશવાશીયો ને જ સેવા આપવા માગે છે. આપડા દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ આ લક્ષ્મી અમ્મા નો ઉલ્લેખ મન કી બાત પ્રોગ્રામમાં કર્યો હતો . આમ આ લક્ષ્મી અમ્મા પાસે થી આપડા દેશ ની દરેક સ્ત્રી એ પ્રેરણા લેવી જોઈએ.

કૃષ્ણા સુર્યોદય